આપણા દેશમાં હોળીના તહેવાર દરમ્યાન જીવનને રંગીન અને સુખી બનાવવા માટે વિવિધ રંગોવાળા ગુલાલનો ઉપયોગ કરવામાં આવે છે. પહેલાંના સમયમાં લોકો પાંદડાં, ફૂલો, અને મૂળો વગેરે વનસ્પતિના ભાગોમાંથી નિષ્કર્ષણ ધ્વારા કુદરતી રંગો મેળવી તેનો ઉપયોગ હોળી ઉજવવા માટે કરતા હતા. પરંતુ આજે બજાર કૃત્રિમ અને સેન્થેટિક રંગોથી ઉભરાય છે, જેમાં વપરાતા રસાયણો મનુષ્ય માટે હાનિકર્તા છે. આવા રંગો બિન-પ્રમાણિત પ્રક્રિયા દ્વારા પ્રોસેસર્સ બનાવે છે. હોળીમાં વપરાતા કૃત્રિમ રંગો માઇકા, ઍસિડ, આકલકલી, કાચના ટુકડા અને અન્ય હાનિકારક પદાર્થો ધરાવે છે.
રસાયણો યુક્ત હોળીના રંગો પર્યાવરણ માટે ભયજનક :
હોળીમાં વપરાતા કૃત્રિમ રંગો આપણા આરોગ્યને હાનિકારક છે એટલું જ નહિ તે પર્યાવરણને પણ અસર કરે છે. રસાયણયુક્ત હોળીના રંગો પોલીમર્સનું જટિલ બંધારણ ધરાવતા હોઈ જૈવિક રીતે તેનું કહોવાણ થતું નથી. આવા કૃત્રિમ ઝેરી રંગો ધોવાણ થઈ અને જમીનમાં ભળી સહેલાઈથી કહોવાણ ન થતાં પરિણામે પર્યાવરણને પ્રદૂષિત કરે છે.
હોળીના કૃત્રિમ રંગો આપણા વાળ, ચામડી અને આંખો માટે ભયજનક :
(1) જો હોળી રમતી વખતે લીલા રંગનો ગુલાલ આપણી આંખોમાં પ્રવેશે તો તેના કારણે હંગામી ધોરણે અંધાપો આવે છે.
(2) હોળી રમ્યા બાદ કેટલાંકને આંખોમાં એલર્જી થાય છે જેમાં આંખો લાલ થવી, ખંજવાળ આવવી, પાણી નીકળવું, બળતરા થવી, ડંખ લાગવો વગેરે લક્ષણો જોવા મળે છે.
(3) કૃત્રિમ રંગોના ઉપયોગને કારણે વાળ અને ચામડીને લગતી તકલીફો પેદા થાય છે જેવી કે, બળતરા, ખંજવાળ, ચકામાં, એલર્જી, આંખોમાં-ચેપ, અને વાળ બરછટ થવા વગેરે.
(4) જ્યારે કૃત્રિમ રંગોને ઓઈલ કે પ્રવાહી સાથે મિશ્ર કરી હોળી વખતે વાપરવામાં આવે ત્યારે તંદુરસ્તી અંગેનું જોખમ બમણું થાય છે. તેના કારણે ઝેરી અસર, શ્વસનતંત્રને લગતી તકલીફો અને કેન્સર થઈ શકે છે.
હોળીમાં હર્બલ ઓર્ગેનિક રંગોથી થતા લાભો :
હોળીમાં વપરાતા હર્બલ રંગો ફૂલોની પાંખડીઓ, તુલસી, હળદર, પાલક અને બીટરૂટ વગેરેથી કુદરતી ભાગોમાંથી બનાવાય છે. તે સંપૂર્ણપણે પર્યાવરણ-મિત્ર (ઈકો ફ્રેન્ડલી) અને ચામડી માટે મિત્ર
(સ્કીન ફ્રેન્ડલી) છે. આવા રંગો બિનઝેરી, નરમ બાંધાના અને કુદરતી સુગંધ ધરાવે છે. તે ચામડી, આંખો કે વાળને કોઈ નુકસાન કરતા નથી.
કુદરતી સ્ત્રોતોમાંથી હર્બલ ગુલાલની બનાવટ :
હર્બલ ગુલાલ બનાવવા માટે વિવિધ પ્રકારના સલામત રંગ ધરાવતા બીટરૂટ, મેરીગોલ્ડના ફૂલો, પાલક વગેરે બજારમાં સહેલાઈથી પ્રાપ્ય છે. જે બજારમાંથી સામાન્ય ભાવે ખરીદી ઘરે લાવી શકાય છે. આવા કેટલાંક હર્બલ ગુલાલની બનાવટો અંગે દર્શાવેલ છે.
(1) ગુલાબી રંગનો હર્બલ ગુલાલ :

પદાર્થોની જરૂરિયાત :- 500 ગ્રામ બીટરૂટ, 500 ગ્રામ આરારૂટ, 500 મિ.લિ. પાણી
બનાવટ : બીટરૂટના નાના કટકા કરો અને ઈલેકટ્રીક મિક્ષ્ચરમાં લઈ તેની સરસ પેસ્ટ બનાવો. ત્યારબાદ તેમાં ધીરે-ધીરે આરારૂટ પાઉડર ઉમેરી સતત હલાવો. ત્યારબાદ સીધી સપાટી ઉપર પેસ્ટને પાથરીને છાંયામાં સૂકવો. તેમાં તિરાડો પડતી જણાય ત્યારે સૂકાયેલ પેસ્ટને ઈલેકટ્રીક ગ્રાઈન્ડર જારમાં ફેરવી તેનો પાઉડર બનાવવો એટલે ગુલાલ રંગનો હર્બલ ગુલાલ તૈયાર થશે.
(2) પીળા રંગનો હર્બલ ગુલાલ :-

પદાર્થોની જરૂરિયાત :- 500 ગ્રામ મેરીગોલ્ડના ફૂલોની પાંદડીઓ, 500 ગ્રામ આરારૂટ અને 500 મિ.લી. પાણી
બનાવટ : સૌ પ્રથમ મેરીગોલ્ડના ફૂલની પાંદડીઓને ગરમ પાણીમાં નરમ (સૉફ્ટ) થાય ત્યાં સુધી ઉકાળો. તેને ઈલેકટ્રીક ગ્રાઈન્ડરના જારમાં લઈ સરસ પેસ્ટ બનાવો. તેને ઠંડી પડવા દો. તેમાં ધીરે-ધીરે હલાવતા રહી આરારૂટ પાઉડર ઉમેરો. ત્યારબાદ સીધી સપાટી ઉપર પેસ્ટને પાથરી છાંયામાં સૂકવો. તેમાં તિરાડો પડતા જણાય ત્યારે સૂકાયેલ પેસ્ટને ઈલેકટ્રીક ગ્રાઈન્ડરના જારમાં ફેરવી તેનો પાઉડર બનાવવો એટલે પીળા રંગનો હર્બલ ગુલાલ તૈયાર થશે.
(3) લીલા રંગનો હર્બલ ગુલાલ :-

પદાર્થોની જરૂરિયાત :- 500 ગ્રામ પાલક, 500 ગ્રામ આરારૂટ, 200 મિ.લી. પાણી
બનાવટ : પાલકના નાના નાના કટકા કરો. તેને ઈલેકટ્રીક ગ્રાઈન્ડરમાં લઈ સરસ પેસ્ટ બનાવો. તેમાં ધીરે-ધીરે આરારૂટ પાઉડર ઉમેરી સતત હલાવતા રહેવું. આ પેસ્ટને સીધી સપાટી ઉપર પાથરી છાયામાં સૂકવવા દો. જ્યારે તિરાડો પડવા માંડે ત્યારે તેને સપાટી ઉપરથી ઉખાડીને ઈલેકટ્રીક ગ્રાઈન્ડરના જારમાં ફેરવી પાઉડર બનાવો એટલે લીલા રંગને હર્બલ ગુલાલ તૈયાર થશે.
સારાંશ :
લોકોને પર્યાવરણ-મિત્ર હોળી ઉજવવા માટેનું પ્રોત્સાહન આપી કૃત્રિમ રસાયણોયુક્ત રંગોથી આરોગ્ય તથા પર્યાવરણને નુક્સાન તથા જળ પ્રદૂષણ પેદા થાય છે તે બાબતની જાણકારી પૂરી પાડવી જોઈએ. હર્બલ ગુલાલની બનાવટમાં કોઈ ભારે ધાતુના ક્ષારોનો ઉપયોગ કરવામાં આવતો નથી. તેમજ તેમાં વપરાતા પદાર્થોની ચામડી ઉપર નરમ (સૉફ્ટ) અસર થાય છે. આ રીતે આપણે કૃત્રિમ રંગોને બદલે આવા કુદરતી રંગોનો ઉપયોગ હોળીમાં કરી શકીએ છીએ. જો મોટા પાયે હર્બલ ગુલાલનું ઉત્પાદન હાથ ધરવામાં આવે તો કોઈપણ જાતના પ્રતિબંધ કે મુશ્કેલી વિના આપણે હોળીનો તહેવાર ઉજવી શકીએ.
સ્ત્રોત : ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, ફેબ્રુઆરી 2024
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in

