કુદરતી છોડ રાખવાના કે ઉછેરવાના સામાન્ય દિવસો હવે નથી રહ્યા. આજે રહેઠાણની બહાર અને અંદરની જગ્યાઓ ઉપર કૃત્રિમ છોડનો ઉપયોગ વધવા લાગ્યો છે. ઘરમાં રહેતા લોકો પણ વિવિધ રંગ, કદ અને રચના ધરાવતા પ્લાસ્ટિક કે રેશમી ફૂલોનો ઉપયોગ કરવા લાગ્યા છે જે ખરેખર જીવંત હોય તેવા જ દેખાય છે. માછલીઓ રાખતા લોકો પણ કૃત્રિમ ફૂલોનો ઉપયોગ એકવેરીયમમાં કરે છે. વિવિધ પ્રકારના ફૂલો બનાવવા એ એક હસ્તકળા ઉદ્યોગ છે. શહેરી વિસ્તારોમાં વધારો થતાં, જમીનની અછત વર્તાતાં અને કાર્યમાં વ્યસ્ત હોવાને કારણે સમયનો અભાવ હોઈ કૃત્રિમ છોડનો ઉદ્યોગ વિકસવા પામ્યો છે.
ફૂલોનો બગીચો પક્ષીઓ, મધમાખીઓ અને પતંગિયાંને આકર્ષી સુંદરતા બક્ષે છે. છૂટાં ફૂલો, કટફલાવર અને સૂકાં ફૂલોનો ઉપયોગ ફૂલોની ગોઠવણી માટે કરવામાં આવે છે. તાજાં ફૂલોનો સુંદરતા માટે ઉપયોગ થતો હોવા છતાં કેટલાક ગેરફાયદાઓ પણ છે જેવા કે, તાજાં ફૂલોની આવરદા ટુંકી છે, તે વપરાશી ચીજવસ્તુ છે, તેની ગુણવત્તા અને જાળવણી માટે યોગ્ય સંગ્રહ અને પરિવહન જેવી સવલતો પૂરી પાડવી પડે છે. ગુલાબ, એન્થુરિયમ, ક્રિસેન્થીમમ, લીલી વગેરે જેવા ફૂલોના પરાગરજથી અમૂક લોકોને એલર્જી થાય છે જેમાં તાવ આવવાની પણ શક્યતા રહે છે. ડહાલિયા અને સૂર્યમુખી જેવા ફૂલોથી આંખ અને નાકમાંથી પાણી ઝરે છે. લીલી અને ફોક્ષગ્લોવ (ડિજિટાલિસ – Digitalis purpurea) જેવા છોડ કુદરતી રીતે ઝેરી હોઈ તેનાથી પ્રાણીઓ દૂર રહે છે. તાજાં ફૂલોની પ્રાપ્યતા ઋતુ અને હવામાન ઉપર આધારિત હોઈ તેને બદલે કૃત્રિમ છોડ અને સૂકાં ફૂલો પસંદ કરવામાં આવે છે. કૃત્રિમ ફૂલોના અત્રે દર્શાવેલ અનેકવિધ ફાયદાઓ હોઈ તે વિશાળ પાયે પ્રખ્યાત બનતાં જાય છે.
કૃત્રિમ છોડના ફાયદાઓ :
(1) કૃત્રિમ ફૂલો આખુ વર્ષ દરમ્યાન કાયમી ધોરણે તાજાં લાગે છે અને સૂકાઈ જતાં કે નાશ પામતાં નથી.
(2) તાજાં ફૂલોની સરખામણીએ કૃત્રિમ ફૂલો ઓછા ખર્ચાળ છે જેના પર વધુ તાપમાનની અસર થતી નથી તેમજ હેરફેરમાં સરળ અને આવરદા વધુ હોય છે.
(3) તાજાં ફૂલો હવામાન અને ઋતુ મુજબ મળે છે જ્યારે કૃત્રિમ ફૂલો આખુ વર્ષ ગમે ત્યારે મળી શકે છે.
(4) ફૂલોની એલર્જી થતી હોય તેવા વ્યક્તિઓને કૃત્રિમ ફૂલો વાપરી એલર્જીથી દૂર રાખી શકાય છે.
(5) કૃત્રિમ ફૂલો પાલતુ પશુઓ માટે બિનઝેરી છે અને જીવાત મુક્ત છે. હવામાનની વિષમ પરિસ્થિતિમાં તે સલામત છે.
(6) કૃત્રિમ ફૂલોની અગણિત જાતો છે જેનો બહુમુખી ઉપયોગ કરવામાં આવે છે જેવા કે, વેલ, ફૂલહાર, હેંગિંગ પ્લાન્ટ, બોનસાઈ, જાળી, ઓર્કિડ, ફૂલો, આંતરિક કૃત્રિમ વૃક્ષ, મોટા કૃત્રિમ વૃક્ષ વગેરે.
(7) કૃત્રિમ ફૂલોને સુશોભન માટે ઘરની અંદર અને બહાર પણ રાખી શકાય છે. અંધારૂ પડતું હોય તેવા રૂમો, રસોડું, બારીવિહીન રૂમો અને બાથરૂમમાં પણ કૃત્રિમ છોડ કે ફૂલો ગોઠવીને સુંદરતા બક્ષી શકાય છે કારણ કે તેના ઉપર આબોહવા કે તાપમાનની અસર થતી નથી અને ચોખ્ખા રાખી શકાય છે.
(8) કૃત્રિમ ફૂલોની જાળવણી સારી રીતે થઈ શકે છે. તેના ઉપર ઋતુ ફેરફારની અસર થતી નથી તેમજ પાણી, ખાતર કે સૂર્યપ્રકાશની જરૂર પડતી નથી. તેને ધૂળના રજકણોથી દૂર રાખવા માટે ચોખ્ખા કપડાથી સાફ કરવા જરૂરી છે.
(9) જે વિસ્તારોમાં તાજાં ફૂલો પહોંચાડી શકાય તેમ ન હોય તો તેવા સ્થળોએ લગ્ન કે અન્ય પ્રસંગોએ કૃત્રિમ ફૂલો એક વૈકલ્પિક ઉપાય છે જે માટે ઓછો ખર્ચ થાય છે.
(10) નાસા (NASA) ધ્વારા થયેલ અભ્યાસ મુજબ ફૂલછોડથી આપણને સારી લાગણી થાય છે જે તાણ અને માંદગીમાં રાહત આપે છે. કૃત્રિમ ફૂલો પણ આપણા મિજાજને સારો રાખવામાં મદદરૂપ થાય છે. ઘર અને ઓફિસોમાં કૃત્રિમ છોડનો મોટા પાયે ઉપયોગ થાય છે. તે કુદરતી સુંદરતા પુરી પાડે છે અને લોકોને તાજામાજા રાખે છે.
કૃત્રિમ ફૂલોની પ્રોડક્ટસ :
વર્તમાન સમયે કુદરતી લાગે તેવા કૃત્રિમ ફૂલો વિવિધ પ્રકારના મટીરિયલ્સમાંથી તૈયાર કરવામાં આવે છે જેની કેટલીક મર્યાદાઓ પણ છે. આજે સુધારેલી અ નવીનતમ ટેકનોલૉજીનો ઉપયોગ કરી નવી નવી જાતના કૃત્રિમ ફૂલો મેળવાય છે. આજે રેશમી ફૂલો (Silk flowers) શબ્દનો ઉપયોગ નહિવત થાય છે કારણ કે હવે વિવિધ પ્રકારનું મટીરિયલ્સ કૃત્રિમ છોડ કે ફૂલો તૈયાર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આ માટે પુરતું ધ્યાન આપી રસ લઈને થડ, પાન, અને ફૂલો સાચા વાનસ્પતિક લક્ષણો ધરાવે તેવા તૈયાર કરવામાં આવે છે. કૃત્રિમ ફૂલો, કાગળ, સુતરાઉ કાપડ, લેટેક્ષ, રબર, ચર્મપત્ર (પાર્ચમેન્ટે), સાટીન તેમજ સૂકવેલ ફૂલો, ફળ, બેરી વગેરે ચીજવસ્તુઓમાંથી બનાવવામાં આવે છે. આ માટે પોલીસ્ટરનો મોટા પાયે ઉપયોગ કરવામાં આવે છે કારણકે તે ઓછું ખર્ચાળ, દરેક પ્રકારના રંગો વાપરી બનાવી શકાય તેવું અને વધુ સમય ચાલે તેવું છે. થડ, ફળો અને ફૂલોના કેટલાક ભાગો પ્લાસ્ટિકમાંથી બનાવાય છે. મોટા ભાગના ફૂલપાકોમાંથી અંદાજે 10 ટકા જેટલું દૂધ જેવું પ્રવાહી મેળવાય છે જેને લેટેક્ષ કહે છે. સને 1950 સુધી કઠણ પ્લાસ્ટિક કૃત્રિમ ફૂલો બનાવવા માટે વપરાતુ હતુ. હવે તેને બદલે ફૂલોને સુંદર દેખાવ આપવા માટે લેટેક્ષનો ઉપયોગ થાય છે જેનાથી થડ, પાન, ફૂલ, ઉપર પાતળી રેખાઓ (વેઈન) બનાવી શકાય છે જે કુદરતી અને આકર્ષક દેખાવ આપે છે. મોટા ભાગના કૃત્રિમ વૃક્ષોના થડ અને શાખાઓ પીયુ (PU) અને પીવીસી (PVC) પ્લાસ્ટિકનો સ્ટીલના વાયર સહિત ઉપયોગ કરી બનાવવામાં આવે છે જે સહેલાઈથી વળી શકે તેવા અને તેની આવરદા લાંબી હોય છે તેમજ તેની જાળવણી ઓછા ખર્ચ કરી શકાય છે. તેને હવામાનથી નુકસાન ન થતું હોઈ ઘરની બહાર (આઉટડોર) આવા મટીરિયલ્સનો ઉપયોગ થાય છે.
કૃત્રિમ છોડ બાદ કૃત્રિમ બોનસાઈનો પણ ઉપયોગ થવા લાગ્યો છે. ટ્રે પ્લાન્ટ તરીકે ઊંચી ગુણવત્તા ધરાવતા ખર્ચાળ કૃત્રિમ બોનસાઈ છોડનો ઉપયોગ કરવામાં આવે છે જે ખરેખર કુદરતી દેખાવ ધરાવતા હોય છે. તે ખરેખર કુદરતી છે કે નહીં તેનો ખ્યાલ તેના પાનને અડકતાં પણ આવતો નથી એટલે કે તેની ચકાસણી કરવી મુશ્કેલ છે. તેનો ઉપયોગ ઉપલબ્ધ જગ્યા કે વિસ્તારને કુદરતી દેખાવ આપે છે અને કુદરતી વાતાવરણ હોય તેવું જણાય છે.
વિશ્વમાં કૃત્રિમ છોડ અને ફૂલોનો વિશાળ પૂરવઠો ચીન, નેધરલૅન્ડઝ અને હોંગકોંગ દેશ પૂરો પાડે છે. આ એક ખાસ પ્રકારનો ઉદ્યોગ છે જેમાં વિવિધ પ્રક્રિયાઓનો ઉપયોગ કરી કૃત્રિમ છોડ કે ફૂલો મેળવાય છે. સને 1980 પહેલાં ગોંગડોગ પ્રાંતમાં આવેલ પર્લ નદીના મુખત્રિકોણ પ્રદેશમાં કૃત્રિમ ફૂલો બનાવતી 100 થી પણ વધુ ફેકટરીઓ આવેલી છે. પોલીસ્ટરમાંથી બનાવેલ ફૂલો અને છોડની નિકાસ હજારો કન્ટેઈનર્સ ધ્વારા દર વર્ષે કરવામાં આવે છે.
પહેલાંના વર્ષોમાં કૃત્રિમ ફૂલો અને છોડ મળતા તેના કરતાં આજે તે ખરેખર વધુ કુદરતી હોય તેવાં બનાવાય છે. જો કે કુદરતી ફૂલો જેટલો આનંદ આપે તે આવા કૃત્રિમ ફૂલો આપી શકતા નથી.
કૃત્રિમ ફૂલોના કેટલાંક ગેરલાભો :
(1) કૃત્રિમ છોડને ખોટા છોડ (Fake plants) કહે છે જે પર્યાવરણને સાફ રાખતા નથી અને હવાની ગુણવત્તામાં સુધારો કરતા નથી. જીવંત છોડ હવામાં રહેલા ઝેરી પ્રદૂષકોને દૂર કરે છે અને દરેકને સારૂ લાગે છે.
(2) કૃત્રિમ કે ખોટા ફૂલોની સફાઈ કરવી એ એક મજૂરીવાળુ અને ખર્ચાળ કાર્ય છે. તેને દર ત્રણ કે છ માસના ગાળે સાફ કરવાં પડે છે.
(3) સાચાં ફૂલો વધુ સુંદરતા બક્ષે છે જ્યારે કૃત્રિમ ફૂલો ઉપર ધૂળના રજકણો બાઝતાં અનાકર્ષક લાગે છે અને રંગ પણ સમય જતાં ઝાંખો થાય છે.
(4) કૃત્રિમ ફૂલો કુદરતી ફૂલોની માફક સુગંધ પેદા કરતાં નથી.
(5) કૃત્રિમ છોડ પર્યાવરણને હાનિકર્તા છે કારણ કે તે ફેકટરીઓમાં પ્લાસ્ટિક અને કૃત્રિમ રંગો ધ્વારા બનાવવામાં આવે છે જે પ્રદૂષણ પેદા કરવા માટે મહત્વનો ભાગ ભજવે છે.
(6) સામાન્ય રીતે પ્લાસ્ટિકનો ફેરઉપયોગ રાસાયણિક પ્રક્રિયા કે ઊંચા તાપમાને કરવામાં આવે છે. પ્લાસ્ટિકમાંથી બનાવેલ કૃત્રિમ છોડ કે ફૂલોના કુલ 30 ટકા પ્લાસ્ટિક છોડ કે ફૂલો કચરા રૂપે ફેંકવામાં આવે છે જે આરોગ્ય માટે ગંભીર ખતરો પેદા કરે છે. જ્યારે જીવંત છોડ પોતાનું જીવનચક્ર પર્યાવરણને નુક્સાન કર્યા વિના કુદરતી રીતે પૂરૂ કરે છે.
આમ ઉપરોક્ત વિગતો જોતાં ઘરમાં રાખવામાં આવતા કૃત્રિમ છોડના લાભો અને ગેરલાભો બંને છે.
ટુંકમાં ઘરમાં કુદરતી ફૂલો કે પર્ણસમૂહ રાખી ઉછેરવાં એ વધુ ખર્ચાળ હોઈ ઘણા લોકો કૃત્રિમ છોડ કે ફૂલો વાપરવા તરફ ખેંચાયા છે. કુદરતી કે કૃત્રિમ છોડ કે ફૂલો ધ્વારા પેદા કરેલ લીલોતરીવાળું વાતાવરણ દરેકને ગમે છે. જો જીવંત છોડની સાથે કૃત્રિમ છોડનો પણ ઉપયોગ કરવામાં આવે તો તે બંને વચ્ચેનો તફાવત પણ માલૂમ પડતો નથી. ઘણા આર્કીટેક્ટસ તેમના પ્રોજેક્ટસમાં વધુ ને વધુ કૃત્રિમ છોડ અને ફૂલોનો ઉપયોગ કરતા થયા છે.
સ્ત્રોત : ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, ઓક્ટોબર 2018
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in

