ફ્લોરીકલ્ચર એ એક વિકસતો ઉદ્યોગ છે. ભારતમાં ફ્લોરીકલ્ચર ઉદ્યોગને નફાકારક ઉદ્યોગ તરીકે જોવામાં આવે છે. ફ્લોરીકલ્ચરની વિવિધ બનાવટો નિકાસના હેતુ માટે વધુ યોગ્ય ગણાય છે. કૃષિમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ફૂલોનો વેપાર એક મહત્વનો વેપાર ગણાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આર્થિક રીતે કટફલાવર્સના પાકો જેવા કે ગુલાબ, ક્રિસેન્થીમમ, કાર્નેશન, જીપ્સોફીલા, જર્બેરા, ગ્લેડિયોલસ, એન્થુરિયમ, તુલિપ, ઓર્કિડઝ અને લીલી મહત્વના છે. સામાન્ય રીતે ક્રિસેન્થીમમ, ગુલાબ, ગેલાર્ડિયા, લીલી, હજારી (મેરીગોલ્ડ), ચાયના એસ્ટેર, રજનીગંધા (ટ્યુબરોઝ) વગેરેની ખેતી ખુલ્લા ખેતરોમાં થાય છે. આવા કટફલાવર્સની ગ્રીનહાઉસમાં ખેતી કરી તેની ગુણવત્તામાં સુધારો કરી શકાય છે. ભારતમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, હરિયાણા, તમિલનાડુ, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યો ફ્લોરીકલ્ચર માટેના મુખ્ય કેન્દ્રો ગણાય છે. વર્ષ 2016-17માં અંદાજે 3,06,000 હેક્ટર વિસ્તારમાં ફ્લોરીકલ્ચરની ખેતી થયેલ જેમાંથી અંદાજે 16,99,000 મે.ટન ઘૂટાં ફૂલો અને 6,93,000 મે.ટન કટફ્લાવર્સનું ઉત્પાદન મળેલ. ફ્લોરીકલ્ચરના મુખ્ય નિકાસ કર્તા દેશોમાં જર્મની, નેધરલૅન્ડ, યુનાઈટેડ સ્ટેટસ (યુ એસ), યુનાઈટેડ આરબ અમિરાત (યુએઈ) અને યુનાઈટેડ કિંગડમ (યુકે) નો સમાવેશ થાય છે.
ફૂલો એ જલ્દીથી બગડી જાય તેવી વપરાશી ચીજવસ્તુ છે કારણ કે તેની આવરદા ટુંકી હોય છે. જો કેટલીક પરિસ્થિતિઓ ધ્વારા ફૂલોનું ઉત્પાદન વધારવામાં આવે તો તેની માંગ અને ભાવમાં ઘટાડો થવાની સંભાવના રહે છે. તે જોતાં ફૂલોમાં મૂલ્ય વર્ધન અપનાવી ખેડૂતોની આવકમાં વધારો કરી શકાય તેમ છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ઘરગથ્થુ અને નિકાસ માટેના બજારમાં ફૂલોમાં મૂલ્યવર્ધન ધ્વારા તેની ગુણવત્તામાં વધારો કરી વધુ લાભ મેળવી શકાય છે. તાજેતરમાં પરફ્યુમ્સ, આવશ્યક તેલ, એશેન્સ અને ફૂલોની આડપેદાશો વગેરેનો વપરાશ વધ્યો છે. આ જોતાં ફૂલપાકોમાં પ્રોસેસિંગ, પેકેજિંગ, પૂરવઠા હરોળની વ્યવસ્થા અને મૂલ્ય વર્ધન અપનાવી ખેડૂતોની આવકમાં વધારો તેમજ રોજગારી પેદા કરી શકાય તેમ છે.
ફ્લોરીકલ્ચરમાં મૂલ્ય વર્ધનનું મહત્વ :
- ફ્લોરીકલ્ચર પ્રોડક્ટસની સુંદરતા જાળવવી
- ફૂલોના મૂલ્ય અને વપરાશકારો (ગ્રાહકો)ના આકર્ષણમાં વધારો કરવો
- સ્થાનિક સંસાધનોનો ઉપયોગ કરવો અને બજારમાં માંગ-પૂરવઠાને જાળવવો
- ખેડૂતોને ઊંચું વળતર આપવું
- ઘરેલું અને નિકાસ માટેના બજારમાં વધુ સ્વિકાર્ય અને ઉત્તમ પ્રકારની પ્રોડક્ટ આપવી
ફલોરીકલ્ચરમાં મૂલ્ય વર્ધન શા માટે ?
- બજારમાં કાચા માલના ભાવની અસ્થિરતા
- ગ્રાહકના વલણ (રૂચિ) માં ફેરફાર
- દલાલો કે આડતિયાની બાદબાકી થતાં આવકમાં વધારો
- વેસ્ટ આઈટમોનો કેટલીક ઉપયોગી બનાવટો બનાવવા માટે ઉપયોગ
ફ્લોરીકલ્ચર ક્ષેત્રે પડકારો :
- ટેકનોલૉજીની પ્રાપ્યતા
- કુશળ માણસોની અછત
- પ્રમાણિત બજારની ખામી
- સારી જાતો અને વાવેતર સામગ્રીની ઉણપ
- નિકાસ બજાર અને નિકાસ માટે જરૂરી એજન્ટોની લભ્યતા
- મૂલ્ય વર્ધિત પ્રોડક્ટસની ટેકનોલૉજી
- પ્રમાણન અંગેનું જ્ઞાન
- બજારની પસંદગી મુજબ જાતોની પ્રાપ્યતા
- ફૂલપાકોના આયોજનમાં સમન્વય
- સંશોધન, ગુણવત્તા, પ્રમાણન અને નાણાં વગેરે ક્ષેત્રે વિવિધ સ્તરે વિવિધ એજન્સીઓનો અભિગમ
મૂલ્ય વર્ધનની રીતો :
ખેડૂતો બીજની પસંદગી અને પાકની કાળજી ધ્વારા ફૂલપાકોમાં મૂલ્ય વર્ધન કરી શકે છે. પ્રોસેસિંગ અથવા કાપણી સમયે પસંદગી, સંગ્રહ, પરિવહન, વેસ્ટમાંથી અન્ય વધારાની પ્રોડક્ટસ તૈયાર કરી મૂલ્ય વર્ધન કરી શકે છે.
ફ્લોરીકલ્ચરનાં મૂલ્ય વર્ધન ક્ષેત્રો :
- ફૂલોમાંથી નિષ્કર્ષઁણ ધ્વારા આવશ્યક તેલ
- છૂટાં ફૂલો અને કટફલાવર્સનું ઉત્પાદન
- લટકાવેલ અને કૂંડામાં રાખેલ છોડ (હેગિંગ અને પોટેડ પ્લાન્ટસ)
- પર્ણસમૂહ (ફોલિએજ) અને છોડના ભાગો
મૂલ્ય વર્ધિત બનાવટો :
ફૂલોના ઘરેણાં :
(1) ફૂલહાર (Garland) :

ધાર્મિક, લગ્ન કે અન્ય સામાજીક પ્રસંગોએ વ્યક્તિને એક જ પ્રકારના ફૂલો કે એકથી વધુ પ્રકારના ફૂલો અને પર્ણસમૂહના ઉપયોગથી બનાવવામાં આવેલ ફૂલોની માળા એટલે કે ફૂલહારને ગળામાં પહેરાવવામાં આવે છે.
રીત :
ફૂલહાર બનાવવા માટે સામાન્ય રીતે તાજાં ફૂલોને પસંદ કરવામાં આવે છે. દા.ત. ગુલાબના ફૂલો સોયને દોરામાં પરોવીને તેમાં ગુલાબના ફૂલો ગૂંથવામાં આવે છે. મોગરાના ફૂલોને પણ ગૂંથી શકાય છે. ફૂલહારની લંબાઈ ગ્રાહકની જરૂરિયાત મુજબ રાખવામાં આવે છે.
(2) ફૂલોની બંગડી અને મુગટ (Floral bangles and crowns) :

દક્ષિણ ભારતમાં મહિલા નર્તકીઓ હાથમાં કાંડા ઉપર ફૂલોની બંગડી અને માથે ફૂલોનો મુગટ પહેરે છે. કલાકારો વિવિધ ફૂલો અને પર્ણસમૂહનો ઉપયોગ કરી કલાત્મક બંગડી અને મુગટ તૈયાર કરે છે.
(3). ફૂલોની વેણી (Veni) :

દક્ષિણ ભારતમાં વિવિધ ધાર્મિક પ્રસંગો, લગ્નપ્રસંગો, ભરતનાટયમના નૃત્ય સમયે વિવિધ પ્રકારના ફૂલોની ગોઠવણી કરીને બનાવેલ ફૂલોની વેણી પહેરે છે. ફૂલોની વેણી 15 થી 90 સે.મી લાંબા અને 7 થી 10 સે.મી. પહોળી હોય છે. વેણી તૈયાર કરવા માટે કાર્ડબોર્ડ અથવા જાડાં પાનનો આધાર બનાવી ફૂલોની આકર્ષક રીતે ગોઠવણી કરવામાં આવે છે.
વેણી બનાવવાનાં પગથિયાં :
(1) ફૂલો : મોટે ભાગે છૂટાં ફૂલો પસંદ કરવામાં આવે છે.
(2) ગૂંથવાની ચીજવસ્તુઓ : જેવી કે પાંદડાં, દોરી, સોય, રંગીન પેપર, રેશમી દોરી વગેરે
(3) રીત : તાજાં ઉતારેલ ફૂલો પસંદ કરવાં. ખૂબ જૂનાં ફૂલો પસંદ ન કરવાં.
(4) ફૂલોના ગજરા (Gajra) : ગજરા એ એક પ્રકારનું ઘરેણું છે કે જેનો ઉપયોગ વાળને સુશોભિત કરવા માટે થાય છે. ફૂલોના ગજરા વિવિધ પ્રકારની સુગંધ ધરાવતા મોગરો, ગુલાબ, ક્રોસાન્ડ્રા અને બારલેરિયા વગેરે ઘૂટાં ફૂલોનો ઉપયોગ કરી બનાવવામાં આવે છે. દક્ષિણ ભારતમાં મહિલાઓ પરંપરાગત રીતે ગજરા પહેરે છે.
(5) કુસુમગૂચ્છ (કોર્સેજ – Corsage) :- કુસુમગૂચ્છ આકર્ષક અને તાજાં ફૂલોમાંથી નાની કલગી રૂપે બનાવાય છે જે મહિલાઓ પોતાના ડ્રેસ અથવા બાંયના કાંડાવાળા ભાગ ઉપર પહેરે છે.
(6) ફૂલોની રંગોળી (Rangoli) :

ભારતમાં ફૂલોની રંગોળી બનાવવી એ એક કળા છે જેમાં ફૂલો, ફૂલોની પાંદડીઓ, રંગીન રેતી, રંગીન ચોખા અને દળેલો લોટ વગેરે ચીજવસ્તુઓનો ઉપયોગ કરી ભોંયતળિયા ઉપર વિવિધ પ્રકારની રચનાઓ ધ્વારા રંગોળી તૈયાર કરવામાં આવે છે. રંગોળી ગમે ત્યારે બનાવી શકાય છે પરંતુ દિપાવલી, ઓણમ, પોંગલ અને ખાસ પ્રસંગોએ રંગોળી બનાવવામાં આવે છે. વિવિધ રાજ્યોમાં રંગોળી વિવિધ નામે ઓળખાય છે જેમ કે રાજસ્થાનમાં મંદાના, પશ્ચિમ બંગાળમાં અલ્પના, બિહારમાં એરીપના, ઉત્તર પ્રદેશમાં ચોકપૂજન, કેરાલામાં ગોલમકોલમ, તમિલનાડુમાં કોલમ, છત્તીસગઢમાં ચોકપૂરણ અને આંધ્રપ્રદેશમાં મુગ્ગુ.
(7) બટનહોલ્સ (Buttonholes) :
ખાસ કરીને એક ફૂલ અથવા ફૂલની કળીનો ઉપયોગ ખાસ ફૂલના આકર્ષણ તરીકે બટનની જગ્યાએ કોટમાં લગાવવામાં આવે છે.
(8) ફૂલોની રીંગ (Floral wreath) :
વિવિધ ફૂલો, પાંદડાં, ફળો, કળીઓ અને તેને સંબંધિત ચીજવસ્તુઓને સાંકળીને ફૂલોની રીંગએટલે કે માળા બનાવવામાં આવે છે.
(9) ફૂલોનો ગુલદસ્તો કે કલગી (Flower bouquet) :

વિવિધ પ્રકારના ફૂલોનો ઉપયોગ કરી આકર્ષક રીતે ગોઠવીને ફૂલોનો ગુલદસ્તો કે કલગી બનાવવામાં આવે છે. તેનો ઉપયોગ ઘર તેમજ મકાનોને શણગારવા માટે પણ થાય છે. જન્મ તથા લગ્ન પ્રસંગની ઉજવણી તેમજ મહેમાનોને સત્કારવા માટે ફૂલોના ગુલદસ્તાનો ઉપયોગ થાય છે.
(10) પરફયુમ અને તેલ નિષ્કર્ષણ ઉદ્યોગ (Perfumery and oil extraction industry) :
ગુલાબ, લવન્ડર, ચંપો, મોગરો, રજનીગંધા, હજારી વગેરે ફૂલોમાંથી ઉદ્યોગો ધ્વારા પરફ્યુમ અને તેલ મેળવવામાં આવે છે. મોગરો અને રજનીગંધાના તાજાં ફૂલોની નિકાસ સિંગાપુર, મલેશિયા, શ્રીલંકા અને અખાતના દેશોમાં કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં એક કિ.ગ્રા જાસ્મીન કોન્ક્રીટ અને ઓઈલનો ભાવ અનુક્રમે ` 30,000 અને ` 60,000 જેટલો છે. ભારતમાંથી ફૂલોની નિકાસ કરવાને બદલે જો તેમાંથી આવશ્યક તેલ નિષ્કર્ષિત કરી નિકાસ કરવામાં આવે તો વધુ આવક મેળવી શકાય તેમ છે.
(11) સૂકા ફૂલોનો ઉદ્યોગ (Dry flower industry) :

ફૂલોના વેપારમાં કેટલાક પ્રકારના ફૂલોને સૂકવી તેનાં સૂકાં ફૂલોનો વેપાર થાય છે. સૂકાં ફૂલોના ઉદ્યોગ માટેના અનુકુળ ફૂલપાકોમાં ગુલાબ, એક્રોક્લિનમ, ચાયના એસ્ટર, મેરીગોલ્ડ, હેલિક્રીઝમ, ગોમફેના, જર્બેરા, ઝિનિયા અને કેટલાક પર્ણસમૂહોનો સમાવેશ થાય છે.
(12) રંગદ્રવ્ય નિષ્કર્ષણ (Pigment extraction) :
કેટલાક સુંદર ફૂલોને તેના કુદરતી રંગના રંગદ્રવ્યો નિષ્કર્ષણ ધ્વારા મેળવવા રંજકદ્રવ્યનો ઉપયોગ ખોરાક, મરઘાં આહાર, ટેક્ષટાઈલ, ઔષધ વગેરેની બનાવટો તૈયાર કરવામાં થાય છે. આવા ફૂલપાકોમાં કેલેન્ડયુલા, હિબિરક્સ, કાર્નેશન, બિક્ષા, કેસર (સેફ્રોન), હજારી (મેરીગોલ્ડ) અને કસુંબી વગેરેનો સમાવેશ થાય છે.
ફૂલપાકોમાં મૂલ્ય વર્ધન :
(1) ક્રિસેન્થીમમ (Chrysanthemum) :

આ એક બહુમુખી ફૂલ છે. તેનું વાવેતર ક્યારામાં તેમજ કૂંડામાંના છોડ તરીકે કરી શકાય છે. તેના ઘૂટાં ફૂલો ફૂલહાર બનાવવામાં અને કટફલાવર તરીકે ફૂલોની ગોઠવણી તરીકે પણ વપરાય છે. તેના મોટા ફૂલો આપતી જાતો ખાસ કરીને પ્રદર્શનના હેતુ માટે વપરાય છે જ્યારે નાના ફૂલો આપતી જાતો કટફ્લાવર તરીકે ફૂલહાર, વેણી, રીંગ અને ધાર્મિક પ્રસંગે ભેટ આપવા તરીકે વપરાય છે.
(2) ગુલાબ (Rose) :

ગુલાબ એ પ્રાચીન સમયથી માનવ ધ્વારા ઉગાડવામાં આવતું જૂનામાં જૂનું ફૂલ છે. ગુલાબના ફૂલો સુંદર આકાર, કદ, રંગ અને સુગંધ ધરાવે છે જેનો વિવિધ રીતે ઉપયોગ થાય છે જેમ કે,
(1) કટફલાવર : દુનિયામાં આખા વર્ષ માટે તેના ફ્લાવર તરીકેની માંગ રહે છે. તેના ફૂલોનો ઉપયોગ અનેક રીતે પ્રદર્શન તરીકે વિવિધ રીતે કરવામાં આવે છે.
(2) ગુલાબનું પરફ્યુમ/તેલ (Rose perfume/Rose oil) : ગુલાબની પાંદડીઓમાંથી નિષ્કર્ષણ વડે ગુલાબનું તેલ મેળવવામાં આવે છે. ગુલાબની પાંદડીઓ મધુર સુગંધ અને ઘણા મહત્વના ઔષધિય પદાર્થો ધરાવે છે. બલ્ગેરીયન રોઝના તેલનો ઉપયોગ સુગંધિત સાબુ અને સૌંદર્યપ્રસાધનો બનાવવામાં થાય છે. ગુલાબનું તેલ શિલાગેલ્લા ડીસેન્ટ્રી (Shilagella dysenteriae) અને માયકોબેકટેરીયમ ટ્યુબરક્યુલોસિસ (Mycobacterium tuberculosis) નામના જીવાણુઓ સામે પ્રતિજૈવિક ગુણ ધરાવે છે.
(3) ગુલાબજળ/રોઝવૉટર (Rose water) : ગુલાબના તેલની જેમ ગુલાબજળ પણ એક મહત્વની વેપારી પ્રોડક્ટ છે જેનો ઉપયોગ ગુલાબના તેલની માફક પરફ્યુમ તરીકે ઔષધ અને મીઠાઈની બનાવટોમાં થાય છે. તે શરીરને ઠંડુ રાખવાનો ગુણ ધરાવે છે અને તે ઠંડક તરીકે આંખોમાં નાખવાના મલમ અને આંખનાં પાડવાનાં ટીપાં તરીકે વપરાય છે. પીવાના પાણીમાં ગુલાબજળ નાખી પીવાના કામમાં લેવાય છે. લગ્ન પ્રસંગ, મિજબાનીઓ અને અન્ય સામાજીક પ્રસંગોમાં પણ ગુલાબજળનો ઉપયોગ છંટકાવ માટે કરવામાં આવે છે.
(4) ગુલકંદ (Gulkand) : ગુલાબની પાંદડીઓનો ઉપયોગ કરી ગુલકંદ બનાવવામાં આવે છે. ગુલાબની પાંદડીઓ અને ખાંડને સરખા પ્રમાણમાં મેળવીને સૂર્યપ્રકાશમાં રાખતાં ગુલકંદ તૈયાર થાય છે. તે ઔષધ તરીકે મહત્વનું હોઈ ટોનિક અને સારક તરીકે આહારમાં લેવાથી આરોગ્ય જાળવવામાં મદદ કરે છે.
(5) પંખુરી (Pankhuri) : ગુલાબની સૂકવેલ પાંદડીઓ પંખુરી તરીકે જાણીતી છે જેનો ઉપયોગ મીઠાં ઠંડા પીણાંની બનાવટમાં થાય છે.
(6) ગુલ-રોગાન (Gul-roghan) : ગુલાબની પાંદડીઓ અને ભીનાશવાળા તલને થાબડીને મેળવવામાં આવતા તેલને ગુલ-રોગાન કહે છે જે હેર ઑઈલ તરીકે વપરાય છે.
(7) વિટામિનોનો સ્ત્રોત – બીનું તેલ (Rose hip) :- ગુલાબનના બીજનું તેલ એ વિટામિન સી (એસ્કોર્બિક એસિડ) નો ઘણો સારો સ્ત્રોત છે. 100 ગ્રામ રોઝ હિપ સીરપ અંદાજે 150 ગ્રામ વિટામિન સી ધરાવે છે. જ્યારે તાજો નારંગીનો રસ 50 ગ્રામ, ટામેટા 20 મિ.ગ્રા અને સફરજન 5 મિ.ગ્રા વિટામિન સી ધરાવે છે વિટામીન-સી ઉપરાંત કેટલીક ગુણવત્તાની જાતો જેવી કે આર. રોક્ષબર્ગી (R.roxburghii), આર, એસિક્યુલારિસ (R. rcicularis), આર. રૂગોસા (R. rugosa) અને આર. દેવુરિકા (R. devurica) એ વિટામિનો જેવા કે એ1, બી2, કે અને ઈ ધરાવે છે.
(3) હજારી (મેરીગોલ્ડ – Marigold) :

બજારમાં હજારીનો ઉપયોગ ઘૂટાં ફૂલો તરીકે થાય છે. હજારીની ટેગેટીસ પટ્યુલા (Tegetes patula) જાત આવશ્યક તેલ ધરાવે છે જે વરાળ નિષ્કર્ષણ રીત વડે મેળવવામાં આવે છે. તેનું તેલ માખી સામે રીપેલન્ટ તરીકે વપરાય છે. હજારીની ટી. સિગ્નાટા (T. signata) જાત ઊંચા પ્રમાણમાં (તેના સૂકા વજનના 4.25 ટકા) આવશ્યક તેલ ધરાવે છે જેથી તેનો ઉપયોગ પરફ્યુમ ઉદ્યોગમાં થાય છે. તેના ફૂલો વિવિધ પ્રકારના કેરોટીનોઈડ અને ઝેન્થોફીલ્સ (જેવા કે લ્યુટેઈન (80 ટકા) અને ઝીઝેન્થિન (5 ટકા) ધરાવે છે. મરઘાં ઉદ્યોગમાં હજારીના પાંદડીઓનો ઉપયોગ ઈંડાના રંગને પીળો કરવા માટે ખોરાક તરીકે થાય છે.
(4) મોગરો (Jasminum spp.) :

મોગરાના ફૂલોમાંથી નિષ્કર્ષણ ધ્વારા મીણ જેવો પદાર્થ મેળવવામાં આવે છે જે કુદરતી સુગંધ ધરાવે છે જેમાં મીણ, આલ્બ્યુમિન અને રંગ જેવા પદાર્થો રહેલા છે. મોગરાના ફૂલો ઘણી ઓછી માત્રા (0.25 થી 0.29 ટકા) માં કુદરતી સુગંધ (પરફ્યુમ) ધરાવે છે જે ઉડ્ડયનશીલ તેલ રૂપે હોય છે જેને વરાળ નિસ્યંદન રીત વડે મેળવાય છે.
તેલ નિષ્કર્ષણની રીત :
પગથિયું – 1 : સોલવન્ટની માવજત
ફૂલોને 700 સે. બોઈલિંગ પોઈન્ટ ધરાવતા ફૂડ ગ્રેડ હેકઝેનમાં ભીંજવવાં
↓
હેકઝેન અને ફૂલોને 2 લિ. પ્રતિ કિ.ગ્રા. પ્રમાણે 30 મિનિટ ઈન્કયુબેટ કરવા
↓
રોટરી ટાઈપ એક્ષટ્રેકટરમાં 20 મિનિટ માટે લઘુત્તમ દરે ફેરવવા
↓
હેકઝોન એકસ્ટ્રેટ વિવિધ પરફ્યુમ પદાર્થો ધરાવે જે મીણ અને રંજકદ્રવ્ય રૂપે
દ્રાવણમાં રહેલા હોય
પગથિયું – 2 :- બાસ્પીભવન પ્રક્રિયા
ઈવોપરેટરમાં હેકઝોનયુક્ત પરફ્યુમ સોલવન્ટ રાખવું
↓
750 સે. ઉષ્ણતામાન રાખી બાસ્પીભવન થવા દેવું
↓
હેકઝોન સોલવન્ટની વરાળને પ્રવાહી રૂપે રીસાયકલિંગ માટે એકઠી કરવી
↓
પરફ્યુમ, મીણ અને રંજકદ્રવ્ય ધરાવતા પ્રવાહીનું વૅક્યુમ ડિસ્ટીલેશન ધ્વારા નિષ્કર્ષણ કરવું
↓
ફ્લોરલ કોન્ક્રીટ મોલ્ટેન વેક્સ તરીકે ઠરશે
↓
ગ્લાસ કે એલ્યુમિનિયમ પાત્રમાં ઠંડુ પાડી સંગ્રહ કરવો
(5) રજનીગંધા/નિશિગંધા (ટ્યુબરોઝ – Tuberose) :

રજનીગંધાના ફૂલો છૂટાં ફૂલ તેમજ કટફ્લાવર બંને રીતે વપરાય છે. તેના ફૂલોનો ઉપયોગ ફૂલહાર, બુકે, બટનહોલ્સ અને ફૂલોના શણગારની બનાવટમાં થાય છે. ટેબલ ડેકોરેશન માટે તેના કટફલાવર્સનો ઉપયોગ સુંદર રીતે થાય છે. તેના ફૂલોની સુગંધ સરસ આવે છે. તેના ફૂલોમાંથી મેળવાતા તેલનો ઉપયોગ ઊંચું મૂલ્ય ધરાવતા પરફયુમ અને સૌંદર્યપ્રસાધનોની બનાવટમાં થાય છે. ચોકલેટમાંથી બનાવવામાં આવતા બીવરેજ (પીણાં)માં ઉત્તેજક (Stimulants) અથવા શામક તરીકે તેનો ઉપયોગ થાય છે.
તેલનું નિષ્કર્ષણ :
પેટ્રોલિયમ ઈથરના સૉલવન્ટ સાથે રજનીગંધાના ફૂલોમાંથી તેલ નિષ્કર્ષણ ધ્વારા મેળવાય છે. આ માટે વહેલી સવારે ફૂલો ખીલે તે પહેલાં તેને ઉતારવામાં આવે છે. તેના 150 કિ.ગ્રા. ફૂલોમાંથી 1 કિ.ગ્રા. પ્રવાહી મળે છે જે 11 થી 15 ટકા સ્ટીમ વૉલેટાઈલ ઑઈલ સાથે પેટ્રોલિયમ ઈથરમાં 0.08 થી 0.14 ટકા નક્કર પદાર્થ (કોન્ક્રીટ) ધરાવે છે. આ કોન્ક્રીટ સ્ટીમ વોલેટાઈલ ઓઈલના 3 થી 5 ટકા હોય છે. એક હેક્ટર વિસ્તારના વાવેતરમાંથી ત્રણ વર્ષમાં 30,000 કિ.ગ્રા છૂટાં ફૂલો મેળવાય છે જેમાંથી 27.5 કિ.ગ્રા કોન્ક્રીટ પ્રાપ્ત થઈ શકે છે. એક હેક્ટર રજનીગંધાના વાવેતરમાંથી 12 કિ.ગ્રા. જેટલું કોન્ક્રીટનું ઉત્પાદન મળે છે.
સ્ત્રોત : ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, ઓક્ટોબર 2018
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in

