કપૂર કાચલીને હિન્દીમાં ચંદ્રમૂલી અને સંસ્કૃતમાં ચંદ્રમલિકા અને સુગંધવછા, મલયાલમમાં કન્સજુલમ, તેલુગુમાં કચોરમ અને અંગ્રેજીમાં ગલંગા (Galanga) કહે છે. તે સામાન્ય રીતે કચોલમ, એકાંગી, કેન્ચુર, બ્લેક થોર્ન, એરોમેટિક અથવા સેન્ડ ઝીંઝર તરીકે પણ ઓળખાય છે. તેનું વૈજ્ઞાનિક નામ કીમ્ફેરીઆ ગલન્ગા (Kaempferia galanga, L.) છે. તે ઝીંઝીબરેસી કુટુંબનો વર્ષાયુ છોડ છે જે ભારતના ડુંગરોમાં જોવા મળે છે. સતરમી સદીમાં કેરાલામાં કાત્સજુલા કેલેન્ગા ના નામે વર્ણન કરી દર્શાવેલ છે કે તેનો દવાના સ્ત્રોત તરીકે વપરાશ થતો હતો. તેના છોડ ઔષધિય ગુણો ધરાવે છે. તેના મૂળો કપૂર કાચલીને નામે બજારમાં વેચાય છે. તેના મૂળોમાંથી આવશ્યક તેલ તેમજ આયુર્વેદિક દવાઓ, પરફ્યુમ, સૌંદર્યપ્રસાધનો (કોસ્મેટિક્સ) અને મસાલા તરીકે વપરાય છે.
મુખ્ય ઘટકો :
તેના મૂળોમાંથી બાસ્પશીલ તેલ મેળવવામાં આવે છે જેમાં 31.77 ટકા ઈથાઈલ-પીમીથો ક્ષીસાયનેમેટ, 23.23 ટકા મીથાઈલસાઈનેમેટ, 11.13 ટકા કારવોન, 9.59 ટકા યુકેલિપ્ટોલ અને 6.41 ટકા પેન્ડાડીકેન રહેલા છે. તેના મૂળમાં રહેલ અન્ય ઘટકોમાં સિનોલ, બોરનીઓલ, 3-કેરેન, કેમ્ફીન, કીમ્ફેરોલ, કીમ્ફેરાઈડ, સાયનેમાલ્ડીહાઈડ, પી-મીથોક્ષીસાયનેમિક એસિડ અને ઈથાઈલ સાયનેમેટનો સમાવેશ થાય છે. તેના મૂળોમાં મેંદો મોટા પ્રમાણમાં, ચરબી, 4.14 ટકા ગુંદર, 13.73 ટકા ખનીજો અને 4.11 ટકા જળ તત્વ રહેલું છે.
ઉપયોગો :
તેના મૂળો ઉત્તેજક, કફનાશક, વાયુવર્ધક અને મૂત્રવર્ધક ઔષધિય ગુણો ધરાવે છે. તેના મૂળોનો ઉપયોગ શ્વાસનળીનો સોજો, દમ, મેલેરીયા, ચામડીના રોગ, ઘા અને બરોળની વિકૃતિની સારવારમાં થાય છે. તે કપૂર જેવી ગંધ ધરાવે છે અને તેથી તેના મૂળ અર્જીણ, માથાનો દુ:ખાવો અને મેલેરીયા માટેની દવાઓની બનાવટમાં વપરાય છે. તેના મૂળ આવશ્યક તેલ ધરાવે છે તેથી તેનો પાઉડર બનાવી અપચો, શરદી, છાતીનો દુ:ખાવો, પેટમાં દુ:ખાવો અને દાંતના દુ:ખાવામાં વપરાય છે. આમવાતમાં તેને દારૂમાં પલાળીને બનતા દ્રાવણને ચોપડવામાં આવે છે. તાજેતરમાં નોંધવામાં આવેલ છે કે તેના મૂળો એવું રસાયણ ધરાવે છે કે જેમાં કીટનાશકની ક્ષમતા રહેલી છે.
વધુમાં તેના પાંદડાં ખોરાકને સુગંધિત બનાવવામાં તેમજ માઉથવોશ અને હેર ટોનિકની બનાવટમાં વપરાય છે. ગળામાં પડેલ ચાંદાં, આમવાત, સોજા અને આંખના ચેપમાં તેના પાંદડાની પોટીસ તેમજ ચા બનાવી ઉપયોગમાં લેવાય છે. સગર્ભા મહિલાઓ માટે ફાયદાકારક પીણું બનાવવા માટે કપૂર કાચલીના પાનને પલાળી તેનો ઉપયોગ કરવામાં આવે છે.
ભારતમાં મહિલાઓ કપડાં અને વાળમાં સુગંધી માટે તેની બારીક ભૂકી બનાવી વાપરે છે. તેને કપડાંમાં રાખવાથી ઊધઈ લાગતી નથી. તેનો હવા શુદ્ધિકરણ માટે ધૂપ કરવામાં આવે છે.
વર્ણન :
તે વર્ષાયુ, દાંડીવિહીન અને આછા લીલા રંગના સુગંધિત મૂળવાળી વનસ્પતિની પ્રજાતિ છે. તેના પાન સામાન્ય રીતે 10 થી 15 સે.મી. લાંબા, જમીન ઉપર સપાટ પથરાયેલા, ગોળ અંડાકાર, પાતળા, ગાઢ લીલા અને ટુંકા પર્ણદંડવાળા હોય છે. તેના ફૂલોના ઝૂમખામાં ફૂલો સફેદ અને કેટલીક પાંદડીઓ ઉપર ગુલાબી ટપકાં ધરાવે છે. ફળો લંબગોળ, ત્રણ ખાનાવાળાં અને ત્રણ ગુટિકા ધરાવે છે. બીજ બીજકોષથી ઢંકાયેલા હોય છે. જમીનમાં રહેલ મૂળ ગાંઠામૂળી જેવા હોય છે.
વર્ધન :
કપૂર કાચલીનું વર્ધન તેના મૂળના ટુકડા કરી કરવામાં આવે છે કારણ કે તેમાં કુદરતી રીતે બીજ પેદા થતાં નથી. આ વર્ધનની પરંપરાગત પદ્ધતિ ધીમી છે કારણ કે તે દુષ્કાળ દરમ્યાન નિષ્ક્રિય અને વસંતઋતુમાં તેના અંકુર ફુટે છે તેથી આ પદ્ધતિ બજારની માંગ પુરી કરી શકે તેમ નથી અને વેપારી ધોરણે જથ્થો મેળવવા માટે કેટલાક વર્ષો લાગે છે. ઔષધ ઉદ્યોગો ધ્વારા મોટે ભાગે તેના મૂળોનો દવાઓ બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. તેથી તેના વર્ધન માટે કંદ પ્રાપ્ય બનતા નથી. તેની ખેતી કરતા ખેડૂતોએ નીચી ઉત્પાદકતા, રોગની વધુ સંવેદનશીલતા અને બીજ તરીકે મૂળોની ઊંચી કિંમત વગેરે સમસ્યાઓનો સામનો કરવો પડે છે. એક હેક્ટર વિસ્તારમાં રોપણી કરવા માટે અંદાજે 800 કિ.ગ્રા. મૂળોની જરૂર રહે છે. આ જોતાં દક્ષિણ ભારતમાં 100 સંરક્ષિત પાક ઔષધિય છોડની લાલ યાદીમાં તેનો સમાવેશ કરવામાં આવેલ છે. વધુમાં તેમાં બીજનો અભાવ તેના પાક સંવર્ધનને મર્યાદિત બનાવે છે. તેથી તેના વર્ધન માટે સૂક્ષ્મવર્ધનની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે કે જેથી તેના વર્ધનમાં લાગતા સમયને ઘટાડી શકાય. ટિશ્યૂકલ્ચર પદ્ધતિ વડે 90 દિવસમાં તેના રોપા ઉછેરી, ગ્રીનહાઉસમાં 30 દિવસ માટે હાર્ડનિંગ માટે રાખી ત્યારબાદ સામાન્ય સ્થિતિમાં ખેતરમાં તેની ફેરરોપણી કરવામાં આવે છે.
કપૂર કાચલીની ઉત્પાદન ટેક્નોલૉજી :
આબોહવા અને જમીન :
તે છાંયાને પસંદ કરતો છોડ છે અને તેને ઉગવા માટે 1500 મીટરની ઊંચાઈએ ગરમ ભેજવાળી આબોહવા જરૂરી છે. તેની ખેતી માટે 1500 થી 2500 મિ.મી. જેટલો વાર્ષિક વરસાદ અને સારા નિતારવાળી સમૃદ્ધ કાંપવાળી જમીન અનુકૂળ છે. આ પાકના વાવેતર માટે સારા નિતારવાળી, ફળદ્રુપ કાપવાળી જમીન આદર્શ ગણાય છે. તેને વધુ સેન્દ્રિય ખાતરો ધરાવતી લેટેરાઈટ જમીન પણ અનુકૂળ છે.
જાતો :
કેરાલા એગ્રિકલ્ચરલ યુનિવર્સિટી ધ્વારા પસંદગીની રીત વડે સમૃદ્ધ સ્વાદવાળી ‘કસ્તુરી’ અને ‘રંજન’ એમ બે જાતો વિકસાવી છે. કસ્તુરી જાતના મૂળો મોટા અને હળવા કથ્થાઈ રંગના અને હેક્ટર દીઠ 2.52 ટન સૂકા મૂળોનું ઉત્પાદન આપે છે. તે ઊંચુ બાસ્પશીલ તેલ ધરાવે છે અને તે કુલ નિષ્કર્ષણના 3.4 ટકા ધરાવે છે. રજની જાતના મૂળો મધ્યમ, ક્રીમી સફેદ અને હેક્ટરદીઠ 2.55 ટન સૂકા મળોનું ઉત્પાદન આપે છે. તે 1 ટકા બાસ્પશીલ તેલ સાથે તે કુલ નિષ્કર્ષણના 7.68 ટકા ધરાવે છે.
વાવેતર સામગ્રી :
કપૂર કાચલીની રોપણી માટે આખા મૂળ અથવા મૂળના કટકાની જરૂર પડે છે કે જેના ઉપર એક તંદુરસ્ત અંકુર ફુટેલો હોય. વાવેતર માટે સારા વિકસિત, તંદુરસ્ત અને રોગમુક્ત મૂળ પસંદ કરવા. મૂળનો ઠંડી સૂકી જગ્યાએ સંગ્રહ કરવો અથવા છાંયા નીચે ખાડો ખોદીને તેમાં રાખી માટી કે છાણથી લીંપી દેવું. પાકની રોપણીના 15 દિવસ પહેલાં કેટલાક વિસ્તારોમાં મૂળોને જીનબેરી (Gin berry), (Glycosmis pentaphylla) ના પાનનો ધૂમાડો આપવામાં આવે છે. મૂળના સડાનો રોગ આવતો અટકાવવા માટે તેના મૂળોને વાવતાં પહેલાં 20 ગ્રામ પ્રતિ લિટર મુજબ શ્યૂડોમોનાસ ફ્લારસેન્સની માવજત આપવામાં આવે છે. હેક્ટર દીઠ 700 થી 800 કિ.ગ્રા. મૂળોની રોપણી હિતાવહ છે.
રોપણી :
માર્ચ માસ દરમ્યાન હળ વડે ખોદીને જમીન તૈયાર કરવી. ચોમાસુના વરસાદ આવતા પહેલાં એપ્રિલ માસમાં 1 મીટર પહોળા અને 25 સે.મી. ઊંચા અને જરૂરિયાત મુજબ લાંબા ક્યારા બનાવવા અને બે ક્યારા વચ્ચે 40 સે.મી.નું અંતર રાખવું. મે માસમાં ચોમાસા પહેલાંના ચાર થી પાંચ વરસાદ બાદ રોપણી કરવી. ક્યારાઓમાં 20 સે.મી. × 15 સે.મી.ના અંતરે 4 થી 5 સે.મી. ઊંડા ખાડા કરી તેમાં એક તંદુરસ્ત કલિકા ઉપર રહે તે રીતે રોપણી કરવી.
ખાતરો :
એક હેક્ટર દીઠ 20 ટન છાણિયું ખાતર પાયાના ખાતર તરીકે પૂંખીને ખેતર ખેડવું અથવા ખાડામાં મૂળની રોપણી કરીને આવરિત કરવું. પ્રથમ અને બીજા નીંદામણ કરવાના સમયે હેક્ટર દીઠ 50 કિ.ગ્રા. નાઈટ્રોજન, 50 કિ.ગ્રા. ફોસ્ફરસ અને 50 કિ.ગ્રા. પોટાશ આપવો.
આવરણ (મલ્ચિંગ) :
પાકની રોપણી બાદ ક્યારા ઉપર હેક્ટર દીઠ 15 ટન જેટલા સૂકા અથવા લીલાં પાંદડાંનું આવરણ કરવું. આ માટે લીમડો (Azadirachta indica), સિયામ વીડ (Chromolaena odorata) અને ગ્લિરિસિડિયા (Gliricidia maculata) ના છોડ સરેરાશ વધુ તાજાં પાન આપે છે. મૂળોનું વધુમાં વધુ ઉત્પાદન લીમડાના પાનનું આવરણ કરવાથી મળે છે અને તે કૃમિના ઉપદ્રવ સામે અસરકારક છે.
પાક સંરક્ષણ :
મૂળના સડાના રોગના નિયંત્રણ માટે ક્યારામાં 1 ટકા બોર્ડો મિશ્રણથી ભીંજવી દેવા, 0.2 ટકા થાયરમનો પણ છંટકાવ કરી શકાય છે. ભારે વરસાદ દરમ્યાન કેટલાક વિસ્તારોમાં પાનના સડાનો રોગ જોવા મળે છે. તેનું નિયંત્રણ કરવા માટે જમીનમાં 0.2 ટકા શ્યૂડોમોનાસનું ડ્રેન્ચિંગ કરવું અને અઠવાડિયાના અંતરે તેના ત્રણ વખત છંટકાવ કરવા.
કાપણી અને ઉત્પાદન :

પાકની રોપણી બાદ સાત મહિના પછી પાન જ્યારે સૂકાવાનું શરૂ કરે ત્યારે તેની કાપણી કરવામાં આવે છે. તેના મૂળોને ખોદી કાઢી પાણીથી ધોઈ તેના ઉપરની માટી દૂર કરી સાફ કરવામાં આવે છે. ત્યારબાદ તેના એકસરખા માપના ગોળ કટકા કરી 3 થી 5 દિવસ માટે સૂકવવામાં આવે છે ત્યારબાદ તેનું બજારમાં વેચાણ કરવામાં આવે છે. જો યોગ્ય રીતે વ્યવસ્થાપન કરવામાં આવેલ હોય તો હેક્ટરદીઠ અંદાજે 6.25 ટનથી 7.5 ટન તાજાં મૂળોનું ઉત્પાદન મળે છે જેને સૂકવતાં હેક્ટર દીઠ 1750 થી 2000 કિ.ગ્રા. ઉત્પાદન મળે છે.
જો તેને આંતરપાક તરીકે ઉછેરવામાં આવે તો તેનો સારો વિકાસ થતાં મૂળોનું ઉત્પાદન ઊંચું મળે છે. એકલપાક તરીકે હેક્ટરે 4.8 ટન જ્યારે આંતરપાક તરીકે હેક્ટરે 6.1 ટન ઉત્પાદન મળે છે. આંતરપાક ધ્વારા લેવામાં આવેલ પાકમાં આવશ્યક તેલ અને ઓલીયોરેઝીનનું પ્રમાણ ઊંચું જોવા મળે છે. ખુલ્લા ખેતરોમાં લેવામાં આવેલ પાકની સરખામણીએ નાળિયેરીની ખેતી હેઠળ લેવામાં આવેલ પાકમાં ઊંચું ઉત્પાદન અને રાસાયણિક ગુણવત્તા સારી જોવા મળેલ છે.
આર્થિક મહત્વ :
કપૂર કાચલીના સૂકાં મૂળોની 100 ટનથી પણ વધારે માંગ છે. તેના મૂળો વર્તમાન સમયે બજારમાં એક કિલોના 300 રૂપિયાના ભાવે વેચાય છે. તેના નિકાસની પણ વધુ તકો રહેલી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેના આવશ્યક તેલનો ભાવ કિલોદીઠ 600 થી 700 યુએસ ડોલર છે અને સ્થાનિક લોકો અને દવા ઉદ્યોગ ધ્વારા તેનો વધુ વપરાશ થાય છે. તેના આવશ્યક તેલનો ઉપયોગ પરફ્યુમ ઉદ્યોગ, દેશી દવા અને કઢીમાં સુગંધ માટે થાય છે. તેના સ્વાદ અને સુગંધની તાજેતરમાં નોંધ લેવાયેલ હોઈ તેના ભાવમાં વધારો જોવા મળેલ છે. કેરાલાના સ્થાનિક વિસ્તારોમાં વેપારી ધોરણે તેની ખેતી કરવાથી મોભામાં વધારો થાય છે.
સારાંશ :
કપૂર કાચલી એ કિંમતી ઔષધિય છોડ છે જે વિવિધ ઉપયોગી ઔષધિય ગુણો ધરાવતો હોવા છતાં તેનો હજુ સુધી વણવપરાયેલ જડીબુટ્ટી ગણવામાં આવતી હતી. નબળું બીજ સ્થાપન અને અંકુરણને કારણે કુદરતી રીતે તેનો ઉગાવો ઓછો થાય છે અને તાજેતરમાં તેના ઉપયોગને કારણે તેનો વધુ પડતો વપરાશ થવા લાગ્યો છે. આથી તેનું મહત્વ જોતાં ખેડૂતોએ જૂથ બનાવી તેનું વેપારી ધોરણે વાવેતર કરવું જોઈએ.
સ્ત્રોત : (1) ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, જૂન-2021, (2) વનસ્પતિસૃષ્ટિ લે. ગોકુલદાસ ખીમજી બાંભડાઈ
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in

