ઔષધિય મૂલ્ય ધરાવતી શતાવરીની ખેતી (Asparagus farming for medicinal purpose)

              શતાવરીને ગજવેલ, સર્પના સુવા કે એકલકંટો અને સંસ્કૃતમાં શતાવરી શ્વેતમૂલિ કે શતમૂલિ તરીકે  તથા અંગ્રેજીમાં Asparagus તરીકે ઓળખવામાં આવે છે. તેના મૂળથી માથું ધૂએ તો ગજ-ગજ વાળ વધે છે માટે તેને ગજવેલ, સુવા જેવા પાન ઉપરથી સર્પના સુવા, તેના વેલા નીચે સેંકડો મૂળીયાં નીકળે છે માટે એને શતમૂળી અને મૂળીયાંમાં સેંકડો મૂળની ગૂંથણી હોઈ એને શતાવરી કહેતા હશે. એના વેલામાં એકેક છૂટા કાંટાઓ હોય તેને કેટલાક લોકો એકલકંટો કહે છે. શતાવરીનું વૈજ્ઞાનિક નામ Asparagus racemosus અને મહાશતાવરી તરીકે ઓળખાતી જાતનું વૈજ્ઞાનિક નામ Asparagus sarmentosus છે. છોડના વિવિધ ભાગોમાં રહેલ સ્ટીરોઈડસ, સેપોનિન્સ અને સેપોજેનિન્સના હાજરીને કારણે આ જાતિ ઔષધિય રીતે મહત્વની ગણવામાં આવે છે. ભારતમાં તેની રર જેટલી પ્રજાતિઓ નોંધવામાં આવેલી છે જે પૈકી પીળી શતાવરી (Asparagus racemosus) નો ઉપયોગ પરંપરાગત રીતે દવા તરીકે થાય છે. આપણા પ્રાચીન ગ્રંથ આયુર્વેદ (ચરક સંહિતા)માં શતાવરીના ઉપયોગ અંગેનો ઉલ્લેખ છે.  પ્રજનન સંબંધી સમસ્યાઓ જેવી કે ઋતુસ્ત્રાવમાં અનિયમિતતા અને જાતિય  તકલીફ વગેરે જેવા સ્ત્રીરોગ સંબંધી પ્રશ્નોને દૂર કરવા માટે શતાવરીનો ઉપયોગ થાય છે.

         શતાવરી એ વેલીયુ ઝાડવું છે જે ભારતના ડુંગરાળ વિસ્તારોમાં સર્વત્ર જોવા મળે છે. તે એશિયાના અન્ય ભાગો તથા આફ્રિકામાં પણ જોવા મળે છે. તેનું શતાવરી નામ મહિલાના પ્રજનન અવયવમાં શતાવર/કાયાકલ્પ અસર દર્શાવે છે.

                સને ર૦૦૦ વર્ષ પહેલાં ઓછી કેલેરી, વધુ પ્રોટીન, શૂન્ય ચરબી, સોડિયમનું ઓછુ પ્રમાણ, ફોલિક એસિડ, પોટેશિયમ, વિટામિનો (સી, થાયમિન, બી-૬)નો ઉત્તમ સ્ત્રોત અને રેસાને કારણે શાકભાજી મેળવવા માટે તેની ખેતી થયાનો ઈતિહાસમાં ઉલ્લેખ છે.

છોડનું વર્ણન :

                શતાવરીના છોડ વેલ જેવા ને ૬૦ થી ૯૦ સે.મી. ઊંચા થાય છે. તેના વેલા ઉપર છેટે છેટે કે આંતરે  તીક્ષ્ણ કાંટા આવેલા હોય છે અને એમાં જ્યારે પાન કે ફૂલ હોતા નથી ત્યારે તેનો દેખાવ કેવળ કાંટાવાળી ડાંડી જેવો દેખાય છે. એમાં આગળ જતાં આડીઅવળી ઘણી શાખાઓ નીકળે છે. ચોમાસાની શરૂઆતમાં એને સુવાના પાન જેવા ઝીણાં પાન આવે છે. તેને નાનાં સુવાસિત અને ધોળા રંગના ફૂલોના ઝૂમખાં બેસી શિયાળાની આખરે બોર જેવા નાના ફળો આવે છે જે પાકતાં રાતા રંગના થાય છે. એકેક છોડને સૌથી વધુ મૂળ હોય છે. મૂળ ઉપર ફિક્કા રતાશ પડતા પીળા રંગની પાતળી છાલ હોય છે. તેના લીલા મૂળને છોલીને સૂકવવામાં આવે છે એને શતાવરી કહે છે. તેના બીજ અંદાજે 3 મિ.લિ. વ્યાસના, ચળકતાં, લીલાં અને કાળાં હોય છે. બીજ ઉપરની કાળી પાતળી છાલ કાઢી નાખતાં અંદરથી સફેદ કઠણ મીંજ નીકળે છે.

જાતો :

     વિશ્વમાં તેની ૩૦૦ જાતો છે જે પૈકી કેટલીક જાતો (A. Falcatus અને A. officinalis) શાકભાજી તરીકે નોંધાયેલ છે. ભારતમાં શતાવરીની ઔષધિ તરીકે મુખ્ય બે જાતો Asparagus gonaclade અને Asparagus racemosus  (પીળી શતાવરી) વપરાય છે. બગીચામાં શોભા તરીકે શતાવરીની A. Decumbens, A. erispus, A. plumosus અને A. myriocladus જાતો બગીચાઓમાં વાવવામાં આવે છે.

ખેતી પદ્ધતિ :

આબોહવા :  આ પાકને ઉષ્ણ કટીબંધીય વિસ્તારનું ગરમ હવામાન માફક આવે છે. તેની ખેતી માટે રપ0 થી ૪૦0 સે. ઉષ્ણતામાન જરૂરી છે.   

જમીન અને તેની તૈયારી : આ પાકને રેતાળ, લોમ અને ભારે કાળી જમીન માફક આવે છે. જમીનની નિતારશક્તિ સારી હોવી જોઈએ. કાળી સારા નિતારવાળી અને ફળદ્રુપ જમીન ખેતી માટે સારી છે. હળની એક ખેડ કરી, ત્રણ વખત કરબડી કાઢી, હેકટરદીઠ ર૦ થી રપ ટન સારૂ કહોવાયેલું છાણિયું ખાતર આપવું.

ધરૂઉછેર :  મે અથવા જૂન માસમાં ૧ મીટર × ૩ મીટરના માપના ગાદીવાળા કયારા બનાવી હેકટરે ૧ કિ.ગ્રા. પ્રમાણે બીની વાવણી કરવી. ર૦ થી રપ દિવસ બાદ કયારાદીઠ પ૦ ગ્રામ યુરિયા ખાતર આપવું. ૬ થી ૮ અઠવાડિયા બાદ રોપણીલાયક ધરૂ તૈયાર થાય છે.

રોપણી : બે હાર વચ્ચે ૧.પ મીટર અંતર અને હારમાં બે છોડ વચ્ચે ૧ મીટર અંતર રાખવું દરેક ખાડામાં ર૦ થી ૩૦ ગ્રામ કાર્બારીલ અને પ કિ.ગ્રા. છાણિયું ખાતર રોપણી સમયે આપવું.

પિયત :  તેની ખેતી ઉષ્ણકટીબંધવાળા અર્ધસૂકા વિસ્તારોમાં અનુકૂળ છે. તેને ઓછામાં ઓછી પિયતની જરૂર પડે છે. પાણીનો ભરાવો ન થાય તે જોવું.

રોગજીવાત : સામાન્ય રીતે શતાવરીના પાકમાં કોઈ રોગ-જીવાતનો ઉપદ્રવ જોવા મળતો નથી.

કાપણી : રોપણી બાદ ૧.પ થી ર વર્ષે પ્રથમ કાપણી કરવામાં આવે છે. સતત ૧૦ થી ૧પ વર્ષ સુધી પાક લઈ શકાય છે. જો બિયારણની જરૂર હોય તો નર અને માદા છોડ ઉછેરવા જોઈએ.

શતાવરીનો ઉપયોગ :

                ચોમાસામાં તેની કુમળી ડાળીઓનો ઉપયોગ વાનગી તેમજ શાકભાજી તરીકે થાય છે. તે અસરકારક, મોહક ને આકર્ષક પણ છે. વધુમાં તેની કુમળી ડાળીઓ સુગંધને કારણે સલાડ તરીકે પીરસવામાં આવે છે જે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, વિટામિનો અને રેસાનો સારો સ્ત્રોત છે. તેની ડાળીઓનો ઉપયોગ પણ પરંપરાગત રીતે ખાવામાં થાય છે. દરેક પ્રકારના શાકભાજી પૈકી  શતાવરી એ ફોલિક એસિડનો મુખ્ય સ્ત્રોત છે કે જે રક્તકણો પેદા કરવા અને યકૃતના રોગોને અટકાવવા માટે જરૂરી છે. તેના શેકેલાં બીજ કોફીની અવેજીમાં વપરાય છે.

                 શતાવરીનું માર્કેટ ઊંચુ છે કારણ કે તે સેપોનિન, આલ્કલોઈડસ, ફલેવોનોઈડસ, ગ્લાયકોસાઈડસ, ટેનિન અને ટ્રાઈટેરપેનોઈડસ જેવા સારા રસાયણો ધરાવે છે.

(1) શતાવરીના ઔષધિય ગુણો :

        શતાવરી શીત, વૃષ્ય મધુર, કડવી, રસાયન, સ્વાદુ, ગુરૂ, સ્નિગ્ધ, દુગ્ધપ્રદ, બલ્ય, મેધ્ય, અગ્નિદિપક, પૌષ્ટિક તથા ચક્ષુષ્ય છે અને પિત્ત, કફ, વાયુ, ક્ષય, રક્તદોષ, સોજો, ગુલ્મ તથા અતિસારનો નાશ કરે છે.

        મહાશતાવરી હુદ્ય, મેધ્ય, અગ્નિદીપન, બલ્ય, શુક્રલ શીત, રસાયન તથા વૃષ્ય છે અને સંગ્રહણી અર્શ તથા નેત્રરોગનો નાશ કરે છે. બાકી ગુણ શતાવરી જેવા છે. તેના મૂળો આંતરડાં નરમ કરનાર, રક્તશોધક, પૌષ્ટિક, મૂત્રલ, ધાતુવર્ધક છે. તે પિત્તપ્રકોપ અને વીર્યની કમતાકાત માટે ઉપયોગી છે.

        શતાવરીના અંકુર કડવા, વૃષ્ય, લઘુ અને હ્રદયને હિતકર હોઈ ત્રિદોષ, પિત્ત, વાતરક્ત, અર્શ, ક્ષય અને સંગ્રહણીનાશક છે. 

        શતાવરીના મૂળો ધાતુપૌષ્ટિક, શાંતિકર, સ્નિગ્ધ, મૂત્રલ, આક્ષેપહર, દુગ્ધવર્ધક, રક્તશોધક ગુણો ધરાવે છે. તે શુક્રદોષ, ઝાડા, મરડા, મૂત્રરોગ પ્રદર, શીતળા વગેરે રોગોમાં ઉપયોગી છે. 

(2) શતાવરીના વૈદકીય ઉપયોગો : 

(1) સ્તનમાં દૂધ વધારવા :  શતાવરીનાં મૂળ દૂધમાં વાટી પાવાં. તેનાં મૂળ ગાય-ભેંસને ખવડાવવાથી તે વધારે દૂધ આપે છે.

(2) દાહ, પિત્ત પ્રદર અને સર્વ પ્રકારના શૂળ :  શતાવરીના કાઢામાં દૂધ અને મધ એક તોલા (11.66 ગ્રામ) સુધી નાખી પાવું.

(3) ટાઢિયો તાવ :  શતાવરી અને જીરાનું ચૂર્ણ એક તોલા સુધી નવટાંક પાણીમાં નાખી પાવું.

(4) પથરી અને પ્રમેહ :  શતાવરીના મૂળનો રસ ગાયનું દૂધ એકત્ર કરી પીવા આપવું. 

(5) ધાતુવૃદ્ધિ :  શતાવરીનું ચૂર્ણ એક તોલો ઉકળતા દૂધમાં નાખી તેમાં સાકર નાખી રોજ સાંજે પાવું.

(6) અપસ્માર :  દૂધમાં શતાવરી એક તોલો ઘસી પાવી. 

(7) વાતજવર :  શતાવરી અને ગળોનો રસ ગોળ નાખી પાવો.

(8) રક્તશુદ્ધિ :  શતાવરીનું શરબત રોજ એક થી બે તોલા લઈ ગાયના દૂધમાં નાખી બે વખત 42 દિવસ સુધી પીતા જવું અથવા સવારે અને સાંજે 23 ગ્રામ (2 તોલા) શતાવરી પાક ખાઈ ઉપર 80 ગ્રામ (સાત તોલા) સુધી ગાયનું તાજુ દૂધ પીવું. 

(9) રક્તાતિસાર :  શતાવરીના રસમાં સાકર નાખી તે પાવો અથવા ઘી નાખી રસ ઉકાળી તે સિધ્ય થયેલું ઘી પાવું કે શતાવરીના મૂળ વાટી સાથે પાવાં.

(10) ત્રિદોષથી થયેલ મૂત્રકૃચ્છ :  શતાવરીના મૂળનો કાઢો સાકર અને મધ નાખી પાવો.  

(11) અમ્લપિત્ત તેમજ બીજા પિત્ત વિકારો :  વૈદની સૂચના મુજબ શતાવરીધૃતનો ઉપયોગ કરવો.

(12) યોનિમાર્ગ અને ઉન્માદ (હિસ્ટીરીયા) :  વૈદની સૂચના મુજબ ફલધૃતનો ઉપયોગ કરવો જે એક રામબાણ ઈલાજ છે. 

(13) સર્વ પ્રકારના વાત રોગો :  વૈદની સૂચના મુજબ મહાવિષ્ણુ તેલનો ઉપયોગ કરવો. તેના મૂળનું ગરમરની પેઠે બનાવેલ અથાણું વા વાળાને ખવડાવાય છે. 

(14) ગૂમડાં પાકવા માટે :  શતાવરીનાં પાંદડાં ઘીમાં સીજવી તે ઘી ગૂમડાં ઉપર ચોપડવું.

શતાવરી – ઔષદ્યિ તરીકે :

  • ચરક સંહિતા અને સુશ્રુત સંહિતા નામના આયુર્વેદિક ગ્રંથમાં તેનો ઉલ્લેખ છે. કશ્યપ સંહિતામાં શતાવરી માતાના આરોગ્યમાં વધારો કરે છે અને તેનો દુગ્ધસ્ત્રાવવર્ધક (ગેલેકટોગોગ) તરીકે ઉપયોગ થાય છે અને તેને  મહિલાઓની તંદુરસ્તી માટેની પ્રાથમિક દવા તરીકે ગણવામાં આવી છે. આયુર્વેદમાં દર્શાવેલ ત્રણ દોષ (વાત, પિત્ત અને કફ) પૈકી શતાવરી પિત્ત દોષને અસરકારક રીતે સંતુલિત કરવામાં મદદ કરે છે.
  • પ્રાચીન આર્યુવેદિક સાહિત્યમાં શતાવરીના કેટલાક રોગ નિવારક ગુણો જણાવેલ છે અને ખાસ કરીને ગર્ભપાતના જોખમ માટે તેની ભલામણ કરેલ છે.
  • શતાવરીના મૂળ કડવા-મીઠા, નરમ, ઠંડા, જ્ઞાનતંત્ર માટે ટોનિક, કબજીયાત દૂર કરનાર, દુગ્ધસ્ત્રાવ વર્ધક, વાતહર, પેટના રોગો દૂર કરનાર, ચેપ નિવારક અને ટોનિક વગેરે ગુણો ધરાવે છે.
  • શતાવરીના મૂળની અજીર્ણ, અતિસાર (ઝાડા), મરડો, ગાંઠ (ટયુમર), બળતરા, તાવ, ચેતાતંત્રના રોગો, યકૃતનો દાહ, કફ, શ્વાસનળીનો સોજો અને હાયપરએસિડિટી વગરે ઉપર તેની લાભકર્તા અસરો જોવા મળેલ છે.
  • શતાવરીના મૂળ ધાતુપૌષ્ટિક, શાંતિકર, સ્નિગ્ધ, મૂત્રલ, આક્ષેપહર, દુગ્ધવર્ધક અને રક્તશોધક ગુણો ધરાવે છે.
  • તે શુક્રદોષ, ઝાડા, મરડા, મૂત્રરોગ, પ્રદર, શીતળા વગેરે માટે ઉપયોગી છે. તે પિત્ત, કફ,વાયુ, ક્ષય, રક્તદોષ, સોજો, ગુલ્મ તથા અતિસારનો નાશ કરે છે.
  • તેના પાંદડાં પાણીમાં બાફી, વાટી, ઘી ચોપડી, શીતળા, ઓરીના તથા બીજા નહિ રૂઝાતા ચાંદા રૂઝવવા ઉપયોગી છે.
  • શતાવરીના મૂળની ફાકી ખાંડ કે મધની સાથે આપવાથી ઝાડો, અતિસાર, રકતાતિસાર કોઈપણ જાતનો પિત્તનો પ્રકોપ હોય તો તેનું શમન થાય છે.
  • ફળધૃત નામની બનાવટ વીર્યવૃદ્ધિને માટે અપાય છે. તેનાથી સ્ત્રીની જનનેન્દ્રિયોના રોગોનું શમન થાય છે. તે ક્ષય, જીર્ણ ઉધરસ, પ્રદર અને વીર્યસ્ત્રાવવાળા દર્દીને અપાય છે.
  • પાંડુરોગ તથા નબળાઈની આંખની ઝાંખપમાં તથા માથાની ચકરીમાં શતાવરીનું ઘી આપવું સારૂ છે.
  • શતાવરી અને ગળોનો રસ ગોળ નાખીને પીવડાવવામાં આવે તો વાતજવરનો નાશ થાય છે.
  • તેના મૂળ ઘણા પૌષ્ટિક પાકોમાં વાપરવામાં આવે છે. દૂધમાં ઉકાળીને પણ ઘણા લોકો તે પૌષ્ટિક તરીકે પીએ છે. તેનો મુરબ્બો પણ બનાવાય છે. ગરમરની પેઠે તેના મૂળનું અથાણું પણ બનાવાય છે.
  • શતાવરીના મૂળ ગાય કે ભેંસને ખવડાવવાથી દૂધ વધારે આપે છે.

શતાવરીની વિવિધ આયુર્વેદિક બનાવટો :  

                શતાવરીનો ઉપયોગ કરી શતાવરીનો રસ, શતાવરીનું ઘી, શતાવરી પાક, શતપુષ્પાશતાવરીકલ્પ, શતાવરીધૃત, ફલધૃત, શતાવર્યાદિ કવાથ, મહાવિષ્ણુ તેલ વગેરે જેવી ઔષધિય બનાવટો તૈયાર કરવામાં આવે છે જેનો વિવિધ રોગોના ઉપચાર માટે ઉપયોગ થાય છે.

(ક) શતાવરીનું શરબત :

રીત-1 :  શતાવરીના લીલાં મૂળ લાવી તેના રેસાઓ કાઢી સાધારણ ખાંડવા અને 233 ગ્રામ (20 તોલા) લઈ તેમાં ચાર લિટર (આઠ શેર) પાણી નાખી ઉકાળવું. પછી 500 મિ.લિ. (એક શેર) પાણી બાકી રહે ત્યાં સુધી કાઢો કરી ગાળવો અને તેમાં 500 ગ્રામ (એક શેર) સાકર નાખી શરબત જેવો જાડો પાક કરવો. પછી તેમાં કેસર, જાયફળ, જાવંત્રી, એલચી વગેરે મસાલો નાખી બનેલ શરબત બોટલમાં ભરી રાખવું. 

રીત-2 :  શતાવરીનાં મૂળ, કુંવાડીયાનાં મૂળ અને બળદાણાના મૂળ એ ત્રણે સમભાગે લઈ ખાંડવાં અને ઔષધોથી બત્રીસ ગણું પાણી નાખી અષ્ટમાંશ કાઢો ગાળી લઈ તેમાં કાઢાથી બમણી સાકર નાખી શરબત જેવો પાક કરી તેમાં ઈલાયચીના દાણાની થોડી ભૂકી નાખી કાચની બોટલમાં ભરી રાખવો.

(ખ) શતાવરી પાક :  

        શતાવરી, કુંવાડિયા અને બળદાણાના સુકાયેલાં મૂળ સમભાગે લઈ તેનું ચૂર્ણ કરી ઘીમાં તળી તેમાં તેનાથી દોઢ ગણો માવો શેકી મસળવો અને સાકરનો ચાસણીદાર પાક કરી તે મિશ્રણ તથા લવિંગ, એલચી, જાયફળ, જાવંત્રી, બદામ, બેદાણા અને ગોખરૂ ભૂકી નાખી તે મિશ્રણ સરખું હલાવી એક કથરોટમાં ઘી રેડી તેમાં નાખી પહોળું કરવું અને સૂકાયા પછી ચોસલાં કરી રાખવાં, આ પાક બલપ્રદ, પુષ્ટિકારક અને લોહીની વૃદ્ધિ કરનારો છે.

(ગ) મહાવિષ્ણુ તેલ :

        શતાવરીનો રસ 16 શેર, દૂધ 12 શેર, પાણી 32 શેર અને નાગરમોથ, આસંધ, જીવક, રાનમગ, ઋષભક, કચોરા, કાકોલી, ક્ષીરકાકોલી, જીવંતી, જેઠીમધ, દેવદાર, પદમકાષ્ઠ, સિંધાલૂણ, જટામાંસી, એલચી, તજ, કોષ્ઠ, વજ, રતાંજળી, મજીઠ, કસ્તુરી, સુખડ, કેસર, સાલવણ, પિઠવણ, જંગલી અડદ, ગંઠોડા, નખલા, વરિયાળી, છડીલો અને કોડિયો લોબાન, દરેકનો ચાર-ચાર તોલાનો કલ્ક મેળવી 16 શેર તલનું તેલ સિદ્ધ કરવું. 

(ઘ) શતાવરીનું ઘી :

        ઘી, શતાવરીનો રસ અને દૂધ ત્રણે સમભાગે ચાર શેર લઈ તેને ઉકાળતાં ફક્ત ઘી બાકી રહે ત્યારે ઉતારવું. 

(ચ) ફલઘૃત : 

ચાર શેર ઘી, શતાવરીનો રસ તથા ગૌમૂત્ર દરેક સોળ શેર અને જીવનીય ગણની દવાઓ એકેક તોલો, તેનો કલ્ક કરી તે ઘીમાં નાખી રીતસરથી સિદ્ધ કરવું. 

શતાવરી જૈવિક રીતે સક્રિય :

                શતાવરીના મૂળમાં મુખ્ય સક્રિય ઘટક સ્ટીરોઈડ યુક્ત સેપોનિન્સ (શતાવરીન્સ ૧ થી ૪) રહેલું છે. શતાવરી-૪ એ સરસાપોજેનિનનો ગ્લાયકોસાઈડ જે રહેમનોજના બે પરમાણુ અને ગ્લુકોઝનો એક પરમાણુ ધરાવે છે. તેના ફૂલો અને ફળમાં અન્ય સક્રિય સંયોજનો જેવા કે ક્યુરસેટિન, રૂપિન અને હાયપેરોસાઈડ જ્યારે પાનમાં ડાયોસજેનિન અને ક્યુરસેટિન-૩ ગ્લુકુરોનિડ રહેલ છે. તેના મૂળમાં ઝિંક, કોપર, કોબાલ્ટ જેવા અલ્પ તત્વો તથા કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટાશ અને સેલેનિયમ તત્વો રહેલા છે.

                આ છોડ એ, બી-૧, બી-ર, સી, ઈ અને ફોલિક એસિડ વગેરે વિટામિનો પણ ધરાવે છે. શતાવરીના અન્ય પ્રાથમિક રાસાયણિક ઘટકોમાં આવશ્યક તેલ, એસ્પરેજીન, આર્જીનાઈન, ટાયરોસાઈન, ફલેવોનોઈડસ (કેએમ્પફેરોલ, કયુરેસેટિન અને રૂટિન), રેસિન અને ટેનિન, શતાવરીન-૪નો સમાવેશ થાય છે. શતાવરીના મૂળ, પાંદડા અને ફળોમાં સરસાપોજેનિન અને શતાવરીન ૧ થી ૪ રહેલા છે. શતાવરીની A. Racemosus જાતમાં એક નવો આઈસોફલેવોન (૮-મીથોક્સી-પ, ૬, ૪ -ટ્રાયહાઈડ્રોકસીઆઈસોફેલોવોન-૭-૦-ડી-ગ્લુકોપાયરાનોસાઈડ) નોંધાયેલ છે. આ અલગીકરણ કરેલ પોલીસાયકલીક આલ્કલોઈડને એસ્પરગેમિન જ્યારે એક નવા છૂટા પાડેલ ૯,૧૦ – ડીહાડ્રોફીનાન્થ્રીનીનને રેસમોસોલ અને કેએમ્પફેરોલ કહે છે જે આલ્કોહોલિક રૂટ અર્કથી મેળવાય છે.

ઔષધિય કાર્યો :

(૧) ચેતાતંત્રના રોગો પર અસર:  શતાવરીની વિવિધ ઔષધિય બનાવટો ચેતાતંત્રના રોગો સામે અસરકારક છે જેમકે મેન્ટાટ (Mentat) સાયકોટ્રોપિક બનાવટ છે જે ધ્રુજારી, આંચકી, આભાસ અને વ્યગ્રતા (ચિંતા) વગેરે જેવા દારૂના વ્યસનના લક્ષણોની સારવારમાં ઉપયોગી છે તેમ ઉંદર પરના પ્રયોગોથી માલૂમ પડેલ છે.

(ર) એન્ટિઓક્સિડેન્ટ ગુણો:  કેન્સર, વૃદ્ધાવસ્થા અને ઘણા રોગોમાં કોષોને થતું નુકસાન અટકાવવા માટેનો સામાન્ય રસ્તો એન્ટિઓક્સિડેન્ટનો ઉપયોગ કરવાનો છે. શતાવરી એન્ટિઓક્સિડેન્ટ ગુણો ધરાવે છે. જો ૧પ દિવસ સુધી મોં વાટે આલ્કોહોલિક અર્ક આપવામાં આવે તો એન્ટિઓક્સિડેન્ટસમાં વધારો થવાથી રક્ષણ અને સુપર ઓકસીડેજ, ડાયમ્યુટેજ, કેટાલેજ અને એસ્કોર્બિક એસિડ જેવા ઉત્સેચકોનો વધારો થાય છે.

(૩) અતિસાર વિરોધી તરીકે:  સુશ્રુતસંહિતા અને સારંગધર સંહિતામાં જણાવ્યા મુજબ શતાવરી અતિસાર (ઝાડા), મરડો અને પિત્તશૂળની સારવારમાં વધુ અસરકારક સાબિત થયેલ છે.

(૪) કફ વિરોધી કાર્ય:  શતાવરીના મૂળીયાંનો આલ્કોહોલિક અર્ક નોંધપાત્ર રીતે ઉંદરમાં કફ અટકાવવાનું કાર્ય કરતો માલૂમ પડેલ છે.

(પ) પાચનતંત્ર ઉપર અસર:  શતાવરીના મૂળીયાંનો પાઉડર ગેસ દૂર કરી તંદુરસ્ત બનાવે છે. શતાવરી અને હરડેનો ઉપયોગ ચાંદા (અલ્સર) ને મટાડે છે.

(૬) યકૃત પર અસર:  શતાવરીના મૂળીયાનો આલ્કોહોલિક અર્ક ઉંદરમાં એન્ટિહીપેટોટોક્ષિક તરીકે કાર્ય કરી યકૃતને થતું નુકસાન અટકાવવામાં નોંધપાત્ર માલૂમ પડેલ છે.

(૭) દુગ્ધવર્ધક તરીકે:  શતાવરીના મૂળીયાંનો આલ્કોહોલિક અર્ક સ્તનપાન કરાવતી મહિલાને આપતાં તેના દૂધ ઉત્પાદન અને યાદશક્તિમાં વધારો કરે છે. ઉંદર પર કરવામાં આવેલ પ્રયોગોમાં પણ દુગ્ધસ્ત્રાવ પર અસર જોવા મળેલ છે.

(૮) રોગપ્રતિકારક તરીકે કાર્ય:  શતાવરીના મૂળીયાંનો પાઉડર રોગપ્રતિકાર શક્તિમાં વધારો કરે છે. એઈડસ, કેન્સર અને ચેપી રોગો સામે લડવા શરીરમાં પ્રતિકારકશક્તિ વધારે છે. તે  જીવાણુઓ, વિષાણુંઓ અને અન્ય રોગો સામે શરીરનું રક્ષણ કરવા માટે શરીરમાં પ્રતિદ્રવ્ય (એન્ટિબોડી) બનાવવામાં મદદ કરે છે. કેટલાક સંશોધકોએ તેમના અભ્યાસમાં આવી અસર જોવા મળી છે.

(૯) જીવાણુ વિરોધી અસર:  શતાવરીના મૂળીયાંનો આલ્કોહોલિક અર્ક ઈનવિટ્રો સ્થિતિમાં વિવિધ રોગકર્તા જીવાણુઓ (જેવા કે Escherichia coli, shigella dysenteriae, S. sonnei, S. flexneri, Vibrio cholera, Salmonella typhi, S. typhirnurium, Pseudomonas putida, Bacillus subtilis અને staphylococcus aureus) સામે નોંધપાત્ર રીતે જીવાણુવિરોધી અસર દર્શાવે છે.

(૧૦) રક્તવાહિનીઓ ઉપર અસર:  કોરોનરી ધમનીમાં રોગ અને એથેરોકલેરોસિસ થવાનું મુખ્ય કારણ લોહીમાં કોલેસ્ટીરોલના પ્રમાણમાં થતો વધારો છે. ઉંદર પર ૧૦ મિ.ગ્રા. શતાવરીનો અર્ક ધરાવતી બનાવટનો ઉપયોગ કરતા નોંધપાત્ર હાયપોકોલેરોલેસેમિક અસર થાય છે. જેથી કાર્ડિયો પ્રોટેકટીવ એજન્ટ તરીકેનો ઉપયોગ થઈ શકશે. શતાવરીના મૂળનો પાઉડર લિપિડ પેરોક્સીડેશનનું પ્રમાણ ઘટાડશે અને લિપિડ પ્રોફાઈલમાં ઘટાડો કરશે.

સારાંશ :

                શતાવરીના વિવિધ ભાગો ઉપર ઘણા અભ્યાસ કરવામાં આવ્યા છે. આ છોડ ઔષધ ઉદ્યોગોના વિકાસમાં મદદરૂપ થશે. આ છોડની ઓળખ અને નોંધણી ઔષધિય દવાઓ (હર્બલ ડ્રગ)ની પરંપરાગત જાણકારીને અર્થપૂર્ણ બનાવશે.


સંદર્ભ: (1) ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, મે-૨૦૨૦, (2) આર્યભિષેક લે. શંકર દાજીપદે, (3) વનસ્પતિવર્ણન લે. બાપાલાલ ગ. વૈદ્ય, (4) વનસ્પતિસૃષ્ટિ લે. ગોકુલદાસ. ખીમજી. બાંભડાઈ


સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com

www.krushikiran.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *