હોપ શૂટસ – વિશ્વની સૌથી મોંઘી શાકભાજીનું ભારતમાં વાવેતર (Hop shoots – World most expensive vegetable grown in India)

        હૉટ શૂટસને બીજ શંકુ અથવા સ્ટ્રોબાઈલ પણ કહે છે. તેનું વૈજ્ઞાનિક નામHumulus lupulus, L. છે. તે બારમાસી અને કાયમી રૂટસ્ટૉક ધરાવતો કેન્નાબિનેસી કુટુંબનો છોડ છે. તે હોપ શૂટસને પેદા કરે છે જે સીડ કોન્સ (Seed cones) તરીકે જાણીતા છે. આ છોડના વસંત ઋતુમાં નીકળતા અપક્વ એટલે કે નાજૂક યુવાન અંકુરો શતાવરી (એસ્પેરેગસ)ની જેમ રાંધણકળામાં રસોઈ બનાવવા માટે સમશીતોષ્ણ ઉત્તર ગોળાર્ધમાં ખોરાક તરીકે વપરાશમાં જાણીતા છે. તેનો માદા પુષ્પવિન્યાસ 2.5 થી 5 સે.મી. લાંબો હોય છે અને તેમાં પવન ધ્વારા પરાગનયન થાય છે જ્યારે નર ફૂલો એક લાંબા સ્પાઈક પર આવે છે જેને કોન (Cone) કહે છે. તેના મૂળતંત્રમાં વસંત ઋતુની શરૂઆતમાં 15 થી 40 કલિકાઓ ઉગે છે. આ સ્પ્રાઉડ ઝડપથી હોપ દાંડીમાં પરિણમે છે. હોપના ઉત્પાદન માટે છોડ દીઠ 4 થી 10 અંકુરો જરૂરી છે અને બાકીનાને નકામી પ્રોડક્ટ તરીકે નિકાલ કરવામાં આવે છે. જો કે તેની લંબાઈ 30 સે.મી. જેટલી પહોંચી જાય ત્યારે તે આ પૃથ્વી ઉપર થતું વધુ મોંઘું શાકભાજી કહેવાય છે.  

હોપના ફૂલો  :

        હોપ્સમાં નર અને માદા ફૂલના છોડ જુદા હોય છે. નર ફૂલોની ડીંટડી 7 થી 12 સે.મી. લાંબી હોય છે જ્યારે માદા ફૂલો શંકુ આકારનાં હોય છે જેને કટકિન (Katkin) કે સ્ટ્રોબિલિસ (Strobilis) કહે છે. તે જ્યારે પૂર્ણ ખીલીને પરિપક્વ થાય છે ત્યારે 4.5 સે.મી. લાંબા થાય છે. તે આકારમાં લંબગોળ અને પીળાં રંગનાં પુષ્પપત્રોની અંદર આવેલાં હોય છે. તે પુષ્પપત્રોની અંદર સર્પાકાર વાળ હોય છે. દરેક પુષ્પપત્રની અંદર એકેક ફળ હોય છે. ફળ અને પુષ્પપત્રો પર છિદ્રવાળી ગ્રંથિઓ પીળા રસદાર દ્રવ્યથી આચ્છાદિત થયેલી હોય છે. જે હલાવતાં ખરી પડે છે. આ દ્રવ્ય ઘણું કિંમતી હોય છે. તેમાંથી 10 ટકા જેટલું લુપુલિન નામનું કડવું તત્વ મળે છે. બિયર દારૂની બનાવટમાં નાખવા માટે માદા ફૂલોનું જ વાવેતર કરવામાં આવે છે. નર ફૂલોના છોડ ફક્ત નવી ઉત્પત્તિ માટે જ થોડા પ્રમાણમાં વાવવામાં આવે છે. ઔષધ તરીકે કેટકીન કે સ્ટ્રોબિલિસ એકલાં પણ વપરાય છે. મુખ્યત્વે તો લુપુલિન જ વપરાય છે.      

ઔષધિય મહત્વ અને ઉપયોગો :  

        હોપનો પાક જ્યારે ઔષધિય ઉપયોગ તરીકે વપરાય ત્યારે તે વધુ ઉપયોગી છે. હોપ કેન્સરમાં રહેલ આલ્ફા એસિડસ અને બીટા એસિડસ જેવા ગૌણ ચયાપચય તેની કડવાશ અને સુગંધને લીધે બિયરના ઉત્પાદન માટે વપરાશમાં લેવાય છે. હોપના અન્ય ભાગોએ પણ આકર્ષણ ખેંચ્યું છે કે જે એન્ટિઓક્સીડેન્ટસ, જીવાણુ વિરોધી, વિષાણુ વિરોધી અને કેન્સર વિરોધી ક્ષમતા ધરાવે છે. હોપ શૂટસ ત્વચાની સફાઈ કરવામાં મદદ કરે છે અને એન્ટિઓક્સીડેન્ટસ ધરાવતા હોઈ ત્વચાની પ્રભા કે ચકમકમાં વધારો કરે છે. હોપ શૂટસનો ઉપયોગ એન્ટિબોડીઝ બનાવવા માટે વપરાય છે કે જે ક્ષય (ટીબી)ની સામે લડવામાં મદદ કરે છે. હોપ શૂટસ કોન એસિડસ અને આવશ્યક તેલ જેવા લુપુલિન ગ્રંથિમાંના સંયોજનો ધરાવે છે. હોપ ઘણા રસાયણો ધરાવે છે જેમાં બીટર એસિડને કારણે કડવા સ્વાદનો સમાવેશ થાય છે. તે હોપમાં રહેલ કેટલાક રસાયણો ઈસ્ટ્રોજન હોર્મોન જેવું કાર્ય કરે છે અને કેટલાક ઊંઘ પેદા કરે છે. લોકો સામાન્ય રીતે હોપનો ઉપયોગ ચિંતા, ઊંઘની વિકૃતિ, બેચેની, મેનોપોઝના લક્ષણો અને ઘણી અન્ય સ્થિતિઓમાં કરે છે.  

ઔષધિય ઉપયોગો :

(1) હોપ્સમાં રહેલ લુપુનિન ફાર્મોકોપિયામાં અનુભવસિદ્ધ દવા તરીકે વપરાય છે. તે કટુપૌષ્ટિક, જ્ઞાનતંતુ ઉત્તેજક, મૂત્રલ, વેદનાશામક અને સ્વેદલ છે.

(2) તેમાં રહેલ લુપુમેરિક એસિડ એ અને બી જેને હુમુલીન પણ કહે છે. તે દીપન, પાચન અને સ્હેજ માદક હોઈ સારી ઊંઘ લાવનાર, મનને આનંદ આપનાર, હિસ્ટિરીયા, ગાંડપણ, ઉન્માદ, સનેપાત વગેરે મગજના રોગો પર સારૂ કામ કરે છે. શરીરમાંથી ખોટી ગરમી દૂર કરે છે.

(3) તેમાં રહેલ કડવું તત્વ અંગ્રેજીમાં દવામાં કટુપૌષ્ટિક તરીકે વપરાતી જાણીતી દવા ચેમોમાઈલ, જેન્શિયન વગેરે કરતાં ચડિયાતું હોવાથી તે બીયર દારૂમાં હોય છે જેની કિંમત વધારે હોય છે. તેની બનાવટવાળા દારૂ કે આસવો મગજના નબળા પડી ગયેલા જ્ઞાનતંતુઓને મજબૂત બનાવે છે અને હોજરીને તાકાત આપે છે.

(4) સ્ટ્રોબિલિસ ઘરગથ્થું દવા તરીકે ક્વાથ બનાવીને પણ યુરોપમાં બહુ વપરાય છે. તે મગજ, હ્રદય, આખા શરીરના જ્ઞાનતંતુઓના રોગ, અરૂચિ, કમળો, યકૃત વ્યાધિ, મૂત્રરોગ વગેરેમાં સારૂ કામ કરે છે. તે પથરીને ગાળી કાઢે છે.

(5) તેનો આખો છોડ કે સ્ટ્રોબિલિસ (શંકુ આકારનાં માદા ફૂલો)ને તકિયા કે કપડામાં ભરી ગરમ કરી શેક કરવાથી કાન, નાક, કે શરીરના કોઈપણ ભાગના ચસકા, સોજો વગેરે મટાડે છે. તેને માથા નીચે રાખવાથી સારી નિંદ્રા આવે છે.

(6) તેના પાંદડાંની બનાવેલ ચા સારી નિંદ્રા લાવે છે, ભૂખ લગાડે છે અને મગજના જ્ઞાનતંતુઓને મજબૂત બનાવે છે.

(7) તેના મૂળનો ક્વાથ રક્તશોધક ગણાય છે. તે સારસાપરીલાની જેમ લોહી સુધારવાનું કામ કરે છે.

(8) તેના મૂળ ચેમોમાઈલનાં ફૂલ અથવા અફીણનાં ડોડવાં સાથે કળતર, કમરની પીડા, સોજા, સંધિવા, ચોટ, ગડમૂડની વેદના ઉપર ગરમ કરી ચોપડાય છે કે કપડામાં ભરી શેક થાય છે. 

(9) તેના ભારતમાં થતી ભાંગ જેવા ઔષધિય ગુણો છે તેથી તે ફાર્માકોપિયામાં પ્રમાણસિદ્ધ થયેલી છે.

(10) તેની ફૂલમાંજર સડો અટકાવનાર છે. તેના ફળો થોડા પ્રમાણમાં દવા માટે વપરાય છે. તે જલદ અને સડો અટકાવનાર છે તેમાંથી 9.7 ટકાથી 18.4 ટકા સુધીની પાસાદારબે કડવી રાબ મળે છે જેને લુપુમેરિક એસિડ બી કહે છે જે મુખ્યત્વે પુષ્પપત્રોને તળિયે આવેલ રસગ્રંથિઓમાંથી મેળવાય છે.  

હોપ્સનું રાસાયણિક પૃથક્કરણ :    

        હોપ્સમાં 3 ટકા ટેનિન, મોરિન ટેનિક એસિડ, ક્લોરોફીલ, ગુંદર, પોટેશિયમ સોલ્ટ, 1 થી 2 ટકા સુગંધી આવશ્યક તેલ (તેમાં વાલેરા અને 0.01 થી 0.17 ટકા વાલેએઈનિક એસિડ) સેસ્કવીટરપેન, ટ્રાયમીથાઈલએમાઈન 10 ટકા સુધી લુપુલિન, હુમુલીન અ 7 થી 14 ટકા પેટ્રોલિયમ સ્પિરિટ રહેલ છે.

હોપના અન્ય ઉપયોગો:

(1) દારૂ તરીકે :  તેના માદા ફૂલોના શંકુ આકાર કોનમાં માદક અસર રહેલી હોઈ તે યુરોપમાં બીયર દારૂની બનાવટમાં વપરાય છે. નેધરલેન્ડમાં તેના રંગ કેફી પીણું બનાવવા વપરાય છે. જવ સાથે ખમીર ચડાવી માલ્ટાલોન નામનો દારૂ બનાવાય છે.

(2) શાક તરીકે :   તેની કુમળી ડાળીઓ અને ફૂલો યુરોપમાં શાક તરીકે વપરાય છે. ગામડાના લોકો પણ  તેનું શાક બનાવીને ખાય છે.

(3) રંગ માટે :  તેના પાંદડા અને ફૂલોના મથાળાના ભાગમાંથી સુંદર ભૂરો રંગ મળે છે.

(4) ચા માટે :  તેનાં પાંદડાં, સ્ટ્રોબિલિસ અને સાંઠાની ચા બનાવાય છે. તેનાં પાંદડાંને સૂકવી ચાના પાનની જેમ રોલર યંત્રથી કાતરી સામાન્ય ચા ની અંદર વેપારીઓ ભેળવે છે. તેનાં પાંદડાં કેન્ટિશ હોપ લીવ્ઝ (Kentish hop leaves) તરીકે વેચાય છે. 

 

(5) કાપડ અને પેપર માટે :   તેના થડ, ડાળીઓ આખો શિયાળો ભીંજાય જાય ત્યારે માંડ રેસા છૂટા પડે છે. તેમાંથી સ્વીડનમાં એક જાતનું કાપડ અને પેપર બનાવાય છે.    

વાવેતર :

        તે ઉત્તર સમશીતોષ્ણ પ્રદેશનો વતની અને બહુવર્ષાયુ વેલીઓ છોડ છે. હોપ્સનું વાવેતર યુરોપ, રશિયા, એશિયા, ઉત્તર અમેરિકા, ન્યુઝીલેન્ડ બેલ્જીયમ, જર્મની, હોલેન્ડ, ફ્રાન્સ અને ભારત વગેરે દેશમાં વાવેતર થાય છે. ભારતમાં કાશ્મીરમાં તેનું સફળતાપૂર્વક વાવેતર થાય છે.              

હોપ શૂટસના વાવેતર અંગેના પડકારો :    

         જ્યારે ધંધાકીય રીતે તેનું ઉત્પાદન કરવામાં આવે ત્યારે હોપ મજબૂત બારમાસી ઔષધિય છોડ છે અને તેને ખેતરમાં દોરી બાંધીને કેળવણી કરી ઉછેરવામાં આવે છે. તેના ખેતરને હોપનું ખેતર કહે છે. તાજેતરમાં હોપનું ઉત્પાદન વૈશ્વિક હોપનો પૂરવઠો પુરો પાડવા માટે લેવામાં આવે છે. ગ્રાહકો અને શરાબના વ્યવસાય માટે હોપની ઊંચી માંગ છે પરંતુ આ પાકને ઉછેરવો મુશ્કેલ છે કારણ કે તેમાં નાઈટ્રોજનની ઊંચી જરૂરિયાત અને ગંભીર રોગો, નીંદણ અને સંધિપાદ સમુદાયના કીટકોનો ઉપદ્રવ વગેરે પડકારો રહેલા છે.    

જમીન :  

        હોપના છોડને તંદુરસ્ત, ઊંડી, સારા નિતારવાળી રેતાળ લોમ પ્રકારની જમીન જોઈએ છે. હોપની ખેતી માટે 6 થી 7 પીએચ આંક ધરાવતી જમીન જરૂરી છે. તેને વારંવાર પાણી આપવું જરૂરી છે પરંતુ વધુ પડતી ભીનાશ હોય તો પાક ઊભો રહી શકતો નથી એટલે સામાન્ય રીતે વેપારી ધોરણે કરવામાં આવતી ખેતીમાં ટપક પિયત પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે.

        હોપની ખેતી માટે ઉત્તરમાં 350 અને દક્ષિણમાં 350 અક્ષાંશ વચ્ચેના વિસ્તારો મર્યાદિત છે. હોપ ક્રાઉન -250 સે. અથવા બરફ અથવા માટીથી અવાહક હોય ત્યારે જીવંત રહી શકે છે અને તેની શ્રેષ્ઠ વૃદ્ધિ માટે ફ્રિજિંગ સ્થિતિની નજીકના 5 થી 6 અઠવાડિયા સુધીનો નિષ્ક્રિય સમયગાળો જરૂરી છે.  

હોપની વિવિધ જાતો :       

        શરાબના હેતુ માટે વિકસાવવામાં આવેલ હોપની જાતોનું બે મુખ્ય ગૃપમાં વર્ગીકરણ કરવામાં આવેલ છે :  

(1) બિટરિંગ હોપ્સ કે જે ઊંચા સ્તરે ખાસ પ્રકારનો એસિડ ધરાવે છે અને તે બીયરમાં કડવાશ પેદા કરે છે.

(2) અરોમા હોપ્સ કે જે કડવાશ ધરાવતા એસિડનું ઓછું પ્રમાણ ધરાવે છે અને વધુ સંતુલિત આવશ્યક તેલનું માળખું ધરાવે છે જે બીયરમાં સુખદ સુગંધ અને સ્વાદના ગુણો આપે છે.

        સુશોભન હોપ્સ એ આકર્ષક પર્ણસમૂહ ધરાવે છે જેનો અનુપમ રંગ પીળો અથવા ગુલાબી જેવો હોય છે અને તેઓ કોન્સ વિકસાવી શકે છે. ટુંકમાં હોપના જાતની પસંદગી ઘરમાં શરાબ બનાવવા કે સુશોભનના હેતુ માટે એમ બે માંથી એક નક્કી કર્યા બાદ કરવી.  

પસંદગી માટે હોપની જાતો :

        ગોલ્ડિંગ (Golding), પેસિફિક (Pecific), ફુગલ્સ (Fuggles), નગેટ (Nugget), હાલરટાઉર (Hallertauer), સ્પાલ્ટ સીલેક્ટ (Spalt select), નોધર્ન બ્રુઅર (Northern Brewer), જેનસ્ટર્લિંગ (Gen Sterling), માઉન્ટ હૂડ (Mount hood), કેન્ટ ગોલ્ડિંગ (Kent Golding/BC Golding), સાઝ (Saaz) અને કાસ્કેડ (Cascade).

વર્ધન :  

        હોપનું વર્ધન રનર્સ વડે થાય છે કે જે જમીનની સપાટીની સ્હેજ નીચે ક્રાઉનમાંથી ઉદભવે છે.  રનર્સના 15 થી 20 સે.મી. લાંબા કટકા કરવામાં આવે છે કે જે દરેક કટકા ઉપર બે કલિકાઓ આવેલી હોવી જોઈએ. કટકાઓનું તરત જ વાવેતર કરવું અથવા ઠંડી, ભેજવાળી અને સારી હવાની અવરજવરવાળી જગ્યાએ રાખવા, રોપણી માટેના કટકાઓ પૂર્ણ રીતે પક્વ ન હોય, નુકસાનવાળા હોય અથવા ચેપવાળા હોય તો તેને રોપવા માટેની ભલામણ કરવામાં આવતી નથી.

પિયત :

        તેના વાવેતરની ઋતુ દરમ્યાન હોપ શૂટસના છોડનું અસરકારક સ્થાપન થાય તે માટે હળવું અને વારંવાર પિયત આપવાની જરૂર રહે છે. ઉનાળાના સમય દરમ્યાન હોપના છોડ જલ્દીથી ઉગે છે એટલે કે નિયમિત રીતે તેને પાણી પૂરૂ પાડવું મહત્વપૂર્ણ છે.

ખાતર :  

        પાકને સમય પહેલાં ખાતર રૂપે પૂરતું પોષણ આપવાથી પાકના ઉત્પાદન અને ગુણવત્તામાં સુધારો થાય છે. પાકની ગુણવત્તા અને ઉત્પાદકતાની ખાતરી માટે હોપના પાકને ખાતર આપવું. હોપને ગુણવત્તા માટે મોટા પ્રમાણમાં પોટેશિયમ અને ફોસ્ફરસ ખાતરની તેમજ લીલા પાનના વિકાસ માટે નાઈટ્રોજન ખાતરની જરૂર રહે છે. છોડને બમણું ફોસ્ફરસ અને નાઈટ્રોજન ખાતર આપવું. બોરોન, આયર્ન અને મેગેનીઝ જેવા સૂક્ષ્મ ખનીજો આપવાથી છોડના વિકાસને ફાયદો થાય છે. નાઈટ્રોજનથી સમૃદ્ધ ખાતર સામાન્ય રીતે વેલાના વિકાસને ઉત્તેજીત કરે છે પરંતુ તેના પરિણામે ક્રોન આલ્ફાએસિડની સાંદ્રતા નબળી થાય છે જે શરાબને અસર કરે છે.

નીંદણ વ્યવસ્થાપન :

                હોપના પાકમાં નીંદણોનું નિયંત્રણ જમીનમાંના ભેજ અને પોષકતત્વોની હરિફાઈમાં ઘટાડો કરે છે. હોપના નાના પાયાના વાવેતરમાં હાથ વડે ઉપાડીને નીંદણ દૂર કરવાં જોઈએ. હોપના યુવાન છોડ હોય ત્યારે મલ્ચિંગ કરવાથી નીંદણનો વિકાસ અટકે છે અને જમીનમાંનો ભેજ જળવાઈ રહે છે અને જમીનમાંના સેન્દ્રિય કાર્બનમાં વધારો થાય છે.  

રોગ વ્યવસ્થાપન :

(1) છારો : (પાઉડરી મિલડ્યુ)

રોગકારક :  Pseudoperonospora humuli

લક્ષણો :   

       વસંત ઋતુની શરૂઆતમાં સામાન્ય ક્રાઉનમાંથી સ્પાઈક જેવા રોગિષ્ઠ જેવા રોગિષ્ઠ વેલા ઉગે છે. સ્પાઈકના અંકુરો ચાંદી જેવા અથવા ફીક્કા લીલા રંગના, સખત, અટકેલા (વામણા) અને બરડ હોય છે. પાનની નીચેની બાજુએ રોગકારકના બીજાણુઓ હોય છે જેથી તે ગાઢ ગુલાબી થી કાળો રંગના બને છે.

નિયંત્રણ :

(1) ખાસ કરીને માદા ફૂલોના વિકાસ પહેલાં અને પછી વધારે પડતું પિયત આપવાથી દૂર રહેવું.

(2) શૂટસ 15 સે.મી. લાંબા હોય તેની પહેલાં અથવા કેળવણી પહેલાં છાંટણી કર્યા બાદ ક્રાઉનને પુરેપુરા પલાળવા કે ભીંજવવા.  

(3) છારાના રોગના નિયંત્રણ માટે સલ્ફર અથવા કોપર આધારિત ફુગનાશક દવાનો છંટકાવ કરવો.  

(2) મૂળનો સડો (રૂટ રૉટ) :

રોગકારક : Cladosporium, Fumago spp.

                આ પ્રકારની ફુગનો ઉપદ્રવ મોલો મારફતે રસ ચૂસવાને સમયે થાય છે.

નિયંત્રણ :  પાકના વાવેતર માટે તંદુરસ્ત કટકાઓને પસંદ કરવા.  

હોપ્સનું ઉત્પાદન :

        હોપ્સનું વાવેતર જુલાઈની મધ્ય થી ઓગષ્ટની મધ્ય સુધીમાં કરી શકાય છે અને તેની કાપણી જે તે વિસ્તાર મુજબ સપ્ટેમ્બર અ ઓક્ટોબરના મધ્ય સુધીમાં કરવામાં આવે છે. ભીના લીલા કોનને બદલે વજનમાં હળવા કોન હોય ત્યારે કોનની કાપણી કરવામાં આવે છે. હોપ્સનું ઉત્પાદન મુખ્યત્વે તેની જાત ઉપર આધાર રાખે છે. જો તમે યોગ્ય વાવેતર પદ્ધતિ અપનાવેલ હોય તો હેક્ટર દીઠ 10 થી 25 ક્વિન્ટલ જેટલું ઉત્પાદન મેળવી શકાય છે.  

        હોપ્સ શૂટસ એ દુનિયામાં સૌથી મોંઘું શાકભાજી છે જે કાશ્મીરમાં એક કિલોના રૂપિયાં 85,000 થી 1,00,000 રૂપિયાંના ભાવે વેચાય છે. યુનાઈટેડ કિંગડમમાં કિલો દીઠ 450 થી 500 પાઉન્ડના ભાવે, યુરોપિયન દેશોમાં કિલો દીઠ 1000 યુરોના ભાવે અને યુનાઈટેડ સ્ટેટસમાં કિલો દીઠ 1000 થી 1100 યુએસ ડૉલરના ભાવે વેચાય છે.    


સ્ત્રોત : (1) ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, જાન્યુઆરી 2023, (2) વનસ્પતિસૃષ્ટિ લે. ગો.ખી. બાંભડાઈ


સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com

www.krushikiran.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *