કાલે એ બ્રાસિકા કુટુંબનું લીલા પાંદડાંવાળું શાકભાજી છે. જેનું વૈજ્ઞાનિક નામ Brassica oleracea, L. Var. acephala છે. આ પ્રકારના કુટુંબમાં કોબીજ, બ્રોકોલી અને બ્રસેલ્સ સ્પ્રાઉટ શાકભાજીનો સમાવેશ થાય છે. તાજેતરના વર્ષોમાં તે તેના પોષણ મૂલ્ય અને આરોગ્યના લાભોને કારણે વધુ ખ્યાતિ પામેલ છે. કાલેની કર્લી ટાઈપ જાત શાકભાજી તરીકે વપરાય છે. કાલે એ કોબીજ કરતાં વધુ ક્ષાર પ્રતિકારક છે અને તે 100 થી 150 સે. તાપમાનમાં પણ ઉગાડી શકાય છે. કાલે પાક એ વર્ષાયુ પાક છે. તેના કદ અને પોષણમાં જે તે જાત અને ઉછેરની પરિસ્થિતિ મુજબ વિવિધતા જોવા મળે છે. તેની વૃદ્ધિનો આધાર અપનાવવામાં આવેલ કૃષિ પદ્ધતિઓ અને જે તે સ્થળના ખેત-હવામાન પરિસ્થિતિ ઉપર આધાર રાખે છે. સામાન્ય રીતે તે બે મહિનામાં તૈયાર થાય છે. તેની વિવિધ જાતો પ્રાપ્ય છે જેમાં ગ્રીન કાલે, ડવાર્ફ કાલે, મેરો-સ્ટેમ કાલે, ટ્રોન્ચુડા કાલે, કર્લી લીફ કાલે, ટ્રી કાલે અને બોર કાલે વગેરેનો સમાવેશ થાય છે. કાલેના તાજાં લીલાં પાંદડાં શાકભાજી તરીકે ખોરાકમાં સીધા સલાડ તરીકે અને રાંધીને પણ લેવાય છે. તેનાં પાન તાજાં, ડબાબંધી અને ફ્રોઝન કરીને વેચવામાં આવે છે.
કાલે એ પાંદડાંવાળાં શાકભાજીનો રાજા ગણાય છે. તે જંગલી કોબીજની ઘણી નજીકનો છોડ હોઈ કોબીજનો પિતરાઈ (Cabbage’s cousin) તરીકે પણ ઓળખાય છે. તે સમશીતોષ્ણ કટીબંધના વિસ્તારમાં થતું નાનું પાંદડાંવાળું શાકભાજી છે જેની 19મી સદીમાં ઓળખ થયેલ. ભારતમાં વેપારી ધોરણે તેનું વાવેતર મર્યાદિત પણે થાય છે. ભારતના જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને નીલગિરિની ટેકરીઓ વગેરે સ્થળે તેનું વેપારી ધોરણે વાવેતર થાય છે. તે સખત છોડ છે અને પ્રતિકુળ હવામાન પરિસ્થિતિમાં પણ ટકી શકે છે. કાલેનાં પાંદડાં આરોગ્યને લગતા ઉત્તમ ફાયદાઓ ધરાવે છે. તેના પાંદડાંના દેખાવ મુજબ ગુચ્છાદાર વાંકડિયા (કર્લી-Curly) ખાડા ટેકરાવાળા (બમ્પી-bumpy) અને સાદા (પ્લેઈન-plan) એમ વર્ગીકૃત કરવામાં આવે છે. તે કર્લી કાલે, રેડ રશિયન અને સેવોય જાતો તરીકે વેપારી નામે જાણીતી છે.
બ્રાસિકેસી કુટુંબનું આ શાકભાજી ખાસ કરીને સલ્ફર આધારિત ફાયટો-ન્યુટ્રિયન્ટ ધરાવતું હોઈ આરોગ્ય માટે ફાયદાકારક છે. આફ્રિકામાં કાલેને પોષણદાયી ગણવામાં આવે છે અને તેનો વપરાશ આરોગ્યને સારૂ બનાવે છે. કાલેની બનાવટોનો ઉપયોગ આરોગ્યને ફાયદો કરે છે. તે હ્રદયની રક્તવાહિનીઓને સુરક્ષા પુરી પાડી જઠરાંત્રિય માર્ગમાં થતા કેન્સરને અટકાવવામાં ફાળો આપે છે. એન્ટિ ઑક્સીડેન્ટ અને મુક્ત કણોનું રક્ષણ કરવાના ગુણો ધરાવતા ગ્લુકોસિનોલેટસ, ફ્લેવોનોઈડસ (ગ્લાયકોસીલેટેડ ફ્લેવોનોલ્સ) અને ફીનોલિક (કીમ્પ્ફેરોલ, ક્વેરસેટિન અને આઈસોહામ્નેટિન) સંયોજનો વગેરે આ માટે જવાબદાર છે.
કાલેના પોષણદાયી લાભો :
કાલે વિશાળ માત્રામાં વિટામિનો, ખનીજો અને એન્ટિઑક્સીડેન્ટસ પુરા પાડતું હોઈ તેને પોષણદાયી પાવરહાઉસ ગણવામાં આવે છે. કાલે વિટામિન એ, સી અને કે નો ઉત્તમ સ્ત્રોત છે. વિટામિન એ આંખોના આરોગ્ય અને રોગ પ્રતિકારક તંત્ર માટે આવશ્યક છે. વિટામિન સી ઑક્સીડેન્ટ છે જે રોગ પ્રતિકારક તંત્ર અને ત્વચાના આરોગ્યને ટેકો આપે છે. વિટામિન કે લોહીના જામવા માટે અને હાડકાંના આરોગ્ય માટે અતિ મહત્વનું છે. કાલેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પૉટેશિયમ ખનીજો પુરતા પ્રમાણમાં રહેલા છે. કેલ્શિયમ હાડકાં અને દાંતની મજબૂતાઈ માટે આવશ્યક છે જ્યારે સ્નાયુ અને ચેતાતંત્ર જેવા શરીરના વિવિધ કાર્યોમાં મેગ્નેશિયમ અને પોટેશિયમ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કાલે ફ્લેવોનોઈડસ અને કેરોટીનાઈડસ જેવા વિવિધ એન્ટિઑક્સીડેન્ટસ ધરાવે છે. જે શરીરને ઑક્સીડેટિવ તનાવ સામે રક્ષણ પૂરૂ પાડે છે અને દીર્ઘકાલીન રોગોના જોખમમાં ઘટાડો કરે છે. કાલે એ ઓછી કેલેરી ધરાવતું શાકભાજી છે એટલે જેઓનું શરીર વધારે છે તેઓ માટે આવશ્યક પોષકતત્વો પુરાં પાડી વજનને જાળવી રાખવા માટેનો એક ઉત્તમ વિકલ્પ છે.
કાલેનું બંધારણ :
કાલે તેના તાજા વજન પ્રમાણે 3.28થી 11.67 ટકા અને તેના સૂકા વજન પ્રમાણે 30.83 થી 36.8 ટકા પ્રોટીન ધરાવે છે. તેના તાજા વજનમાં સૂકા વજન કરતાં પ્રોટીનનું પ્રમાણ ઊંચુ જોવા મળે છે એટલે કે કાલે, ક્રુસીફેરસ શાકભાજીઓમાં ઊંચુ પ્રોટીન ધરાવતું શાકભાજી છે. 100 ગ્રામ તાજી કાલે 58.46 થી 66 કિલો કેલેરી ઊર્જા આપે છે જે બ્રાસિકા કુટુંબના અન્ય સલાડ આપતાં શાકભાજી કરતાં વધુ છે. તેના તાજા વજનમાં 0.26 થી 0.74 ટકા ફેટ અને સૂકા વજનમાં 11.8 ટકા ફેટ ધરાવે છે. કાલે સૂકા વજનમાં 38.6 ટકા અને તાજા વજનમાં 2.36 થી 10.14 ટકા કાર્બોહાઈડ્રેટસ ધરાવે છે.
કાલેમાં ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને સુક્રોઝ એમ મુખ્ય ત્રણ પ્રકારની શર્કરા રહેલી છે. તેના 100 ગ્રામ વજનમાં 993 થી 5800 મિ.ગ્રા. ગ્લુકોઝ, 545 થી 7200 મિ.ગ્રા. ફ્રુક્ટોઝ અને 39.3 થી 3400 મિ.ગ્રા. સુક્રોઝ રહેલી છે. તેના કાર્બોહાઈડ્રેટસમાં રહેલ વ્યાપક પ્રમાણનો આધાર કાલેની વિવિધ જાતો, ખેતીકીય પદ્ધતિઓ અને અન્ય ખેત-હવામાન પરિસ્થિતિ ઉપર રહેલો છે. જો કાલેનું વાવેતર 250 સે. થી ઉપરના તાપમાનમાં કરવામાં આવેલ હોય તો 70 થી 210 સે. તાપમાન કરેલ વાવેતરની સરખામણીએ તેનો સ્વાદ કડવો લાગે છે તેવું જણાયેલ છે. જો કાલેનું ઠંડા તાપમાનમાં વાવેતર કરવામાં આવે તો પાણીમાં દ્રાવ્ય પ્રીબાયોટિકની ઊંચી સાંદ્રતા, સ્વાદમાં મીઠાશ અને ઉત્તમ પોષણ ગુણવત્તા ધરાવે છે.
કાલેના 100 ગ્રામ વજન દીઠ 4.16 થી 1350 મિ.ગ્રા. પૉટેશિયમ, 2.6 થી 1970 મિ.ગ્રા. કેલ્શિયમ અને 0.36 થી 44 મિ.ગ્રા. મેગ્નેશિયમ રહેલું છે. સમશીતોષ્ણ કટીબંધમાં થતા શાકભાજીઓમાં કાલે શાકભાજી પોટેશિયમની ઊંચી સાંદ્રતા ધરાવે છે જે લોહીના દબાણને ઘટાડે છે. કાલે અન્ય સલાડ આપતાં શાકભાજીમાં પોટેશિયમની ઊંચી સાંદ્રતા ધરાવે છે જે લોહીના દબાણને ઘટાડે છે. કાલે અન્ય સલાડ આપતાં શાકભાજી અને બ્રાસિકેસી કુટુંબના શાકભાજી કરતાં વિટામિન સીની ઊંચી સાંદ્રતા ધરાવે છે. તે 100 ગ્રામ વજનમાં 62.27 થી 969 મિ.ગ્રા. વિટામિન સી રહેલું છે એટલે કે તે વિટામિન સીનો ઉત્તમ સ્ત્રોત છે.
બી-કોમ્લેક્ષ વિટામિનો પાણીમાં દ્રાવ્ય છે. કાલેમાં વિટામિન બી-12 (સાયનોકોબાલ્મિન) સિવાયના બધા જ વિટામિનો જેવા કે વિટામિન બી-1 (થાયમિન), વિટામિન બી-2 (રાઈબોફ્લેવિન), વિટામિન બી-3 (નિયાસિન), વિટામિન બી-5 (પેન્ટોથેનેટ), વિટામિન બી-6 (પાયરીડોક્ષલ), વિટામિન બી-7 (બાયોટિન) અને વિટામિન બી-9 (ફોલેટ).
કાલેની ખેતી :
કાલે એ ઠંડી ઋતુમાં થતો પાક છે એટલે કે તે સમશીતોષ્ણ કટીબંધમાં થાય છે. તે હળવી હિમવર્ષાને સહન કરી શકે છે. ઠંડા તાપમાનમાં તેનો સ્વાદ મીઠો લાગે છે. તેની ખેતીના ચાવી રૂપ બાબતો અત્રે દર્શાવેલ છે :
જમીન :
તેને વધુ સેન્દ્રિય પદાર્થો ધરાવતી રેતાળ લોમ પ્રકારની સારા નિતારવાળી જમીન વધુ માફક આવે છે. જમીનનો આદર્શ પીએચ 5.5 થી 6.5 (સ્હેજ એસિડિક) હોય તો તેવી જમીનમાં ઉત્પાદન સારૂ મળે છે.
બીની માવજત :
તેના એક કિલો બીજને વાવતાં પહેલાં 2 ગ્રામ કેપ્ટાન અથવા થાયરમ પારાયુક્ત દવાનો પટ આપવો જેથી પાકમાં જમીન જન્ય રોગોને આવતા અટકાવી શકાય.
બીનો દર :
એક હેક્ટર દીઠ 2 થી 2.5 કિ.ગ્રા. બિયારણનો દર રાખવો જોઈએ.
ફેરરોપણી :
જ્યારે ધરૂ 30 થી 40 દિવસનું થાય ત્યારે અથવા 10 થી 15 સે.મી.ની ઊંચાઈ ધરાવતું થાય ત્યારે ફેરરોપણી માટે પસંદ કરવું
રોપણી અંતર :
તેની રોપણી 30 સે.મી. × 10 થી 15 સે.મી. અથવા 30 સે.મી. × 30 સે.મી.ના અંતરે કરવામાં આવે છે. બગીચામાં તેના બી 30 થી 45 સે.મી.ના અંતરે સીધાં જમીનમાં અંદાજે 1 થી 1.5 સે.મી. ઊંડે વાવવાં અથવા ધરૂની ફેરરોપણી આ જ અંતરે કરવી. સંપૂર્ણ સૂર્યપ્રકાશથી અંશતઃ છાંયો આવે અને સારા નિતારવાળી જગ્યા ધરાવતું સ્થળ પસંદ કરવું.
ખાતરો :
જમીનની તૈયારી સમયે હેક્ટર દીઠ 20 થી 25 ટન છાણિયું ખાતર ઉમેરવું. આ પાકને હેક્ટર દીઠ 90+60+60 કિ.ગ્રા. ના.ફો.પો. ખાતર આપવાની જરૂર પડે છે જે પૈકી પાકની વાવણી સમયે પાયાના ખાતર તરીકે 45+60+60 કિ.ગ્રા. ના.ફો.પો. ખાતરો આપવા અને ધરૂની ફેરરોપણી બાદ 30 દિવસે હેક્ટર દીઠ 45 કિ.ગ્રા. નાઈટ્રોજન પૂરક ખાતર તરીકે આપવું.
અન્ય માવજત :
કાલેની ખેતીમાં નીંદણ નિયંત્રણ જરૂરી છે. પાકને નીંદણ મુક્ત રાખવા માટે 3 થી 4 વખત હળવી કરબડી કાઢી નીંદણ દૂર કરવાં. એક વખત જમીન પાંદડાંથી ઢંકાઈ જાય ત્યારબાદ કરબડી કાઢવાની જરૂર પડતી નથી.
પિયત :
પાકની ફેરરોપણી બાદ તરત જ પ્રથમ પિયત આપવું. ત્યારબાદ 7 થી 8 દિવસના ગાળે પિયત આપવાં.
કાપણી :
સારી ગુણવત્તા ધરાવતા શાકભાજી મેળવવા માટે યોગ્ય તબક્કાના સમયે કાપણી કરવી. તેનાં લીલાં પાંદડાંઓના બંડલ બનાવી પેક કરી બજારમાં વેચવા.
જાંબલી લીલા રંગના પાંદડાં ધરાવતી જાતના લક્ષણો :
| ક્રમ | લક્ષણ | વિગત |
| 1 | રંગ | જાંબલી લીલો |
| 2 | લંબાઈ | 40 થી 50 સે.મી. |
| 3 | પહોળાઈ | 15 થી 20 સે.મી. |
| 4 | ઊંચાઈ | 50 થી 60 સે.મી. |
| 5 | કાપણીની સંખ્યા | 5 થી 6 વખત |
| 6 | પાંદડાંનું ઉત્પાદન | 140 ક્વિન્ટલ પ્રતિ એકર |
જીવાતો :
(1) હીરાફૂંદુ (ડાયમન્ડ બૅક મોથ) :

તેની કુમળી ઈયળો પાનના પડમાં પેસી પાનનો લીલો ભાગ કોરી ખાય છે. મોટી ઈયળો પાન ખાઈ પાન ઉપર નાનાં કાણાં પાડે છે.
નિયંત્રણ :
(1) પાકની કાપણી બાદ પાકના અવશેષોને દૂર કરવા અથવા નાશ કરવો.
(2) બે કાલે પાકની હાર દીઠ એક રાઈની હાર એટલે કે 2:1 ના પ્રમાણમાં રાઈનું પિંજર પાક તરીકે વાવેતર કરવું જેથી રાઈના પાકના પાન ઉપર હીરાફૂંદાં ઈંડાં મૂકે જેમાંથી નીકળતી ઈયળોનો ફેલાવો અટકાવવા માટે 0.076 ટકા ડાયક્લોરવોસ 76 ડબલ્યુએસસી દવાનો છંટકાવ કરવો.
(3) વેલાવાળા શાકભાજી, કઠોળ, વટાણા, ટામેટા અને તડબૂચ જેવા પાક સાથે પાકની ફેરબદલ કરવી.
(2) છોડ કાપી ખાનાર ઈયળ (કટવર્મ્સ) :

તેની ઈયળો 3 થી 4 સે.મી. લાંબા રાખોડી અથવા કથ્થાઈથી કાળાશ પડતા રંગની વિવિધ ટપકાં ધરાવતી હોય છે. તે દિવસે સંતાઈ જાય છે અને રાત્રે પાન ખાઈને અને જમીન સરસા ધરૂના છોડને કાપી નાખે છે.
નિયંત્રણ :
(1) પાકની શરૂઆતની અવસ્થાએ ઈયળોને વીણી લઈ નાશ કરવો.
(2) દરેક 25 હાર બાદ એક હાર રાઈના પાકની ઉગાડવી.
(3) જો પાકમાં વધુ ઉપદ્રવ હોય તો ફ્યુરાડાન દવાનો ઉપયોગ કરવો.
(3) કોબીજનો મોલો :

મોલો પાનમાંનો રસ ચૂસે છે. તેના ઉપદ્રવને કારણે ઉત્પાદનમાં ઘટાડો થાય છે.
નિયંત્રણ :
(1) એક હેક્ટર દીઠ 12 નંગ યલો સ્ટિકી ટ્રેપ લગાવવાં.
(2) 3 ટકા લીમડાના તેલનો 0.5 મિ.લિ. ટીપોલ પ્રતિ લિટર મુજબ છંટકાવ કરવો.
(4) કોબીજનું પતંગિયુ :

આ જીવાતના યજમાન છોડ ક્રુસીફેરી શાકભાજી છે. મે થી ઓક્ટોબર દરમ્યાન તેનો ઉપદ્રવ જોવા મળે છે. તેની ઈયળો નુક્સાન કરે છે. નાની ઈયળો પાનની સપાટી કોરી ખાય છે. મોટી ઈયળો પાનની કિનારીઓથી ખાવાનું શરૂ કરે છે અને જો ઉપદ્રવ વધુ હોય તો પાનની નસો જ બાકી રહે છે.
નિયંત્રણ :
ફ્લોરપાયરીફોસ 20 ઈ.સી. અથવા ક્વિનાલફોસ 25 ઈસી 10 મિ.લિ. પ્રતિ 10 લિટર પાણીના દ્રાવણનો છંટકાવ કરવો.
રોગો :
(1) ધરૂનો કહોવારો :

તે નર્સરીમાં ફુગના ઉપગદ્રવથી થતો ગંભીર રોગ છે. તેના ચેપને કારણે ધરૂ કહોવાઈ જાય છે.
રોગ વ્યવસ્થાપન :
(1) એક કિલો બી દીઠ 2.5 થી 3 ગ્રામ થાયરમ અથવા કેપ્ટાન દવાનો પટ આપવો.
(2) ધરૂને હેક્ઝોનાઝોલ 5 ટકા + કેપ્ટાન 70 ટકા વે.પા. અથવા મેટાલેક્ષીલ-એમ + 640 ગ્રામ/કિ.ગ્રા મેન્કોઝેબ 2 ગ્રામ પ્રતિ 1 લિટર પાણીની માવજત આપી રોપણી કરવી.
(2) તળછારો :

આ નર્સરીમાં થતો ગંભીર રોગ છે અને તે રોપણી કરેલ ખેતરમાં પણ જોવા મળે છે. વધુ પડતો ભેજ, ધુમ્મસ, ઝરમર વરસાદ અને ભારે ઝાકળ એ આ રોગની વૃદ્ધિ અને ફેલાવા માટે જવાબદાર છે. શરૂઆતમાં પાનની ઉપરની સપાટી ઉપર નાના આછા લીલા-પીળા ભાગ દેખાય છે જે પછીથી પાનની નીચેની બાજુએ જોવા મળે છે. આ ભાગ પછીથી પીળો થાય છે.
રોગ વ્યવસ્થાપન :
(1) બધા જ પ્રકારના નીંદણો આ પ્રકારની ફુગના યજમાન છોડ હોઈ દરેક નીંદણોનો નાશ કરવો.
(2) ઊંચો ભેજ હોય તેવા સમયે પાકને પાણી આપવાથી દૂર રહેવું.
(3) પાકના રોગિષ્ઠ અવશેષોને દૂર કરવા માટે 0.5 ટકા કોપર ઓક્સીક્લોરાઈડ અથવા 0.2 ટકા મેટાલેક્ષીલ એમઝેડ 72 વે.પા. અથવા 0.35 ટકા મેન્કોઝેબ 75 વે.પા. નો 10 થી 15 દિવસના ગાળે છંટકાવ કરવો. રોગની શરૂઆત દેખાય ત્યારે પ્રથમ છંટકાવ કરવો.
(3) ઓલ્ટરનેરીયા પાનનાં ટપકાં :

પાન ઉપર નાનાં ગાઢ ટપકાં દેખાય છે જે ઝડપથી 10 મિ.મીના વ્યાસવાળા વર્તુળાકારે મોટાં ટપકાં બને છે. ભેજવાળા વાતાવરણમાં ટપકાંના કેન્દ્રમાં ખીલ જેવા ડાઘ પડે છે.
રોગ વ્યવસ્થાપન :
0.03 ટકા હેક્ઝાકોનાઝોલ 5 ઈસી, 0.025 ટકા કોપર ઑક્સીક્લોરાઈડ 50 વે.પા., 0.2 ટકા ઝાયનેબ 80 વે.પા. અને 0.03 ટકા મેન્કોઝેબ 75 વે.પા. પૈકી ગમે તે એક દવાનો 12 થી 15 દિવસના ગાળે છંટકાવ કરવો.
(4) જીવાણુથી થતો પોચો સડો (બેક્ટેરીયલ સોફ્ટ રોટ) :

રોગની શરૂઆતમાં પાન પીળાં પડે છે. પાનની નસો કાળી પડે છે. મુખ્ય થડની અંદરનો ભાગ કાળો પડે છે. છોડ મરી જાય છે અથવા ઠીંગણા રહે છે અને જો પુખ્ત છોડ હોય તો પાન વગરના બને છે.
રોગ વ્યવસ્થાપન :
(1) પાકની રોગ પ્રતિકારક જાતોનો વાવણીમાં ઉપયોગ કરવો.
(2) પાકની ફેરબદલી કરવી
(3) 100 થી 200 પીપીએમ સ્ટ્રેપ્ટોસાયક્લીન અથવા પ્લાન્ટોમાયસીન સાથે 0.3 ટકા કોપર ઓક્સીક્લોરાઈડ મિશ્ર કરી પાક ઉપર દવાનો છંટકાવ કરવો.
(5) ઓલ્ટરનેરીયા બ્લાઈટ :

રોગની શરૂઆતમાં નાનાં ગાઢ રંગનાં ટપકાં થાય છે જે ઝડપથી ફેલાઈને 10 મિ.મી. વ્યાસ જેટલાં વર્તુળાકારે મોટા થાય છે. ભેજવાળા વાતાવરણમાં ટપકાંના કેન્દ્રમાં ખીલ જેવા ડાઘા પડે છે.
રોગ વ્યવસ્થાપન :
0.03 ટકા હેક્ઝાકોનાઝોલ 5 ઈસી, 0.025 ટકા કોપર ઓક્સીક્લોરાઈડ 50 વે.પા., 0.2 ટકા ઝાયનેબ 80 વે.પા. અને 0.03 ટકા મેન્કોઝેબ 75 વે.પા. પૈકી ગમે તે એક દવાનો 12 થી 15 દિવસના ગાળે છંટકાવ કરવો.
(6) ગ્રંથિત મૂળનો રોગ (ક્લબરૂટ) :

આ રોગમાં પાન વાદળી બને છે અને છોડ નબળો પડી મુરઝાઈ જાય છે. તેના મૂળને તપાસતાં તે જાડાં અને વિકૃત થયેલ જોવા મળે છે.
રોગ વ્યવસ્થાપન :
પાકની ફેરબદલી કરવી. થોડા વર્ષ સુધી આ વિસ્તારમાં કાલે તેમજ બ્રોકોલી જેવા પાકો ન લેવા.
આમ ઉપરોક્ત વિગતો ધ્યાને લઈ આપણે ખોરાકમાં કાલે શાકભાજીનો નિયમિત ધોરણે ઉપયોગ કરવો જોઈએ કે જેથી આરોગ્યલક્ષી તમામ લાભો મળી શકે.
સ્ત્રોત : ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, ડિસેમ્બર – 2023
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in

