ભારતમાં મોગરાની ખેતી અને તેનું મહત્વ (Jasmine cultivation and their importance in India)

)        મોગરાની ખેતી એ ભારતમાં પ્રખ્યાત અને નફાકારક વ્યવસાય છે કે જેના ફૂલોનો સુગંધ માટે અને આભૂષણો તરીકે ઉપયોગ થતો હોઈ બજારમાં ઊંચા ભાવ મળે છે. તેની ખેતી મુખ્યત્વે દક્ષિણ ભારતના તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને કેરાલા રાજ્યોમાં થાય છે. ભારતમાં મુખ્યત્વે મદુરાઈ મલ્લિ (Madurai Malli) અને મહૈસુર મલ્લિ (Mysore Malli) એમ બે જાતોની ખેતી થાય છે. મદુરાઈ મલ્લિનું વાવેતર તમિલનાડુ રાજ્યમાં થાય છે જે તેની સારી સુગંધને કારણે ઊંચું મૂલ્ય ધરાવે છે જ્યારે મહૈસુર મલ્લિનું વાવેતર કર્ણાટક રાજ્યમાં થાય છે જેનો ઉપયોગ ફૂલહાર અને ફૂલોના શણગારમાં થાય છે.

        મોગરો એ ઊષ્ણકટીબંધમાં થતો છોડ છે જેને ગરમ અને ભેજવાળું હવામાન માફક આવે છે. તેને સારા નિતારવાળ જમીન જરૂરી છે કે જે સેન્દ્રિય પદાર્થોથી સમૃદ્ધિ હોય. તેની ખેતી માટે 6.00 થી 7.50 પી એચ વાળી જમીન આદર્શ ગણાય છે. તેના છોડને વિકાસ માટે પૂર્ણ સૂર્યપ્રકાશથી અંશતઃ છાયાની જરૂર રહે છે અને તેને હિમ તથા ઝડપી પવનો સામે રક્ષણ પૂરૂ પાડવું મહત્વનું છે. ભારતમાં જાસ્મિનની કેટલીક જાતોનું વાવેતર થાય છે જેવી કે અરેબિયન જાસ્મિન (Jasminum  sambac), સ્પેનિશ જાસ્મિન (Jasminum grandiflorum), મલ્લાઈ જાસ્મિન (Jasminum oauriculatum). ભારતમાં સામાન્ય રીતે મુખ્યત્વે મોગરો એટલે કે અરેબિયન જાસ્મિનનું વાવેતર થાય છે.  

વર્ધન :  

        મોગરાનું વર્ધન બાજ, કટકા કે દાબકક્ષમથી થાય છે.  

(1) બાજ :   મોગરાના બીને વાવતાં પહેલાં 24 કલાક અગાઉ પાણીમાં ભીંજવવા, વસંત ઋતુ અથવા ઉનાળાની શરૂઆતમાં ટ્રે અથવા જમીનમાં બીનું વાવેતર કરવું. તેને જમીનના પાતળા પડ વડે ઢાંકવું અને બીનું સ્ફુરણ થાય ત્યાં સુધી જમીનમાં પાણી આપી ભેજને જાળવવો.   

(2) કટકા :   ઉનાળાના અંતમાં કે શરદ (પાનખર) ઋતુની શરૂઆતમાં મોગરાની ડાળીના અંદાજે 10 થી 15 સે.મી. લાંબા કટકાઓ લઈ તેને મૂળ પેદા કરનાર અંતઃસ્ત્રાવમાં બોળીને સારી નિતારશક્તિ ધરાવતા કૂંડામાં રોપીને તેમાં સાંદ્રતા જાળવી રાખી હૂંફાળા વાતાવરણવાળી જગ્યાએ રાખવા થોડા અઠવાડિયા બાદ કટકાઓમાં મૂળ ફૂટવા લાગશે ત્યારબાદ તેની ખેતરમાં રોપણી કરવી.

(3) દાબકલમ :   તેનું દાબકલમ કરીને પણ વર્ધન કરી શકાય છે. આ માટે મોગરાની ડાળીને વાળીને જમીનમાં દબાવી દેવામાં આવે છે. ત્યારબાદ તેને મૂળ ફૂટ્યા બાદ મુળ છોડથી કાપીને જુદા કરી ખેતરમાં રોપણી કરવામાં આવે છે.

કાપણી

       મોગરાના ફૂલોને વસંત ઋતુના અંતે અથવા ઉનાળાની શરૂઆતમાં વહેલી સવારે હાથ વડે ચૂંટવામાં આવે છે કે જયારે તે વધુ સુગંધિત હોય છે. તાજાં અથવા સૂંકા ફૂલોનો વપરાશ ચા, પોટપોરી કે આવશ્યક તેલ મેળવવા માટે થાય છે. પાસ કરીને મોગરાના ફૂલોને 72 કલાક તાજાં અને સુગંધિત રાખવા માટે બોરિક ઍસિડનો ઉપયોગ કરવામાં આવે છે.

ભારતીય સંસ્કૃતિમાં મોગરાનું મહત્વ :  

        ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં મોગરાનું એક ખાસ સ્થાન રહેલું છે. તેને શુદ્ધતા, પ્રેમ અને ત્યાગનું પ્રતિક માનવામાં આવે છે. તેનો અનેક ધાર્મિક પ્રસંગો અને તહેવારોમાં ઉપયોગ થાય છે. તહેવારો અને તેની ઉજવણી દરમ્યાન મંદિર, ઘર અને જાહેર સ્થળોને શણગારવા કે સુશોભિત કરવા માટે તેના ફૂલો તેમજ ફૂલહારનો ઉપયોગ કરવામાં આવે છે અને તે ન્યુટ્રાશ્યૂટિકલ્સના ગુણો મેળવવા માટે ઉપયોગી છે. તેના ફૂલોમાંથી મેળવાતું તેલ અરોમા થેરાપીમાં વપરાય છે. અત્રે ભારતીય સંસ્કૃતિમાં મોગરાના મહત્વ બાબતે કેટલીક બાબતો દર્શાવેલ છે :

(1) ધાર્મિક મહત્વ :  

       ભારતમાં મોગરા ઘણા ધાર્મિક અને આદ્યાત્મિક પ્રસંગોમાં વપરાય છે. તેના ફૂલોને આદ્યાત્મિક અને દૈવી ગુણો ધરાવતા માનવામાં આવે છે અને તેમાં રહેલ મીઠી સુગંધ આપણી ઈન્દ્રિયોને શાંતિ પુરી પાડે છે એટલે કે શાંત રાખે છે. મોગરાના ફૂલહાર ભગવાનને પહેરાવવામાં આવે છે અને તેમાંથી આવતી સુવાસ હકારાત્મક ઊર્જા પેદા કરી ભગવાન ધ્વારા આશીર્વાદ આપે છે તેમ માનવામાં આવે છે.

(2) પરંપરાગત દવા  

        મોગરાના તેલમાં રહેલ ઔષધિય ગુણોને લઈ તેનો પરંપરાગત દવા તરીકે ભારત દેશમાં ઉપયોગ થાય છે. તેનું તેલ સડાનિરોધક (એન્ટિસેપ્ટિક), ખિન્નતારોધક (એન્ટિડીપ્રેસન્ટ) અને બળતરાવિરોધી (એન્ટિઈનફ્લેમેટરી) ગુણો ધરાવે છે તેવું મનાય છે. મોગરો તે પીડનાશક, શામક અને ખિન્નતારોધક ગુણો ધરાવે છે. મોગરાના તેલનો ઉપયોગ પરંપરાગત રીતે ભારતીય સંસ્કૃતિમાં થતો જોવા મળે છે જે તેનું મહત્વ દર્શાવે છે. તે હીલિંગ પાવર ધરાવે તેવી માન્યતા છે.

(3) સુશોભન તરીકે :      

        મોગરો એ ભારતમાં સુશોભન છોડ તરીકે બગીચા અને જાહેર સ્થળોએ ઉછેરવામાં આવે છે. લગ્નપ્રસંગો, તહેવારો અને ધાર્મિક પ્રસંગો દરમ્યાન સુશોભન માટે મોગરાનો ઉપયોગ તેની સુગંધને લઈ શણગાર અને ફૂલહાર તરીકે લોકોમાં વધુ અને ખ્યાતિ પામેલ છે.

(4) પ્રતિક તરીકે :  

        ભારતીય સંસ્કૃતિમાં મોગરો એક સમૃદ્ધિનું પ્રતિક છે. તેને ઘણી વખત શુદ્ધતા, નિર્દોષતા અને સરલતા સાથે જોડવામાં આવે છે. તેને પ્રેમ, સંવેદના અને વિષયાસક્તતાનું પ્રતિક માનવામાં આવે છે. લગ્નપ્રસંગો અને અન્ય ઉજવણીઓ દરમ્યાન મોગરાના ફૂલોનો ઉપયોગ શુભતા અને સમૃદ્ધિના પ્રતિક તરીકે કરવામાં આવે છે.

(5) સાહિત્ય અને કલા :

        મોગરાનો ઉલ્લેખ ભારતીય સાહિત્ય અને કલામાં જાણીતો છે. સાહિત્યમાં પ્રેમ, સુંદરતા અને નાજૂકતા માટે એક રૂપક તરીકે મોગરાનો ઉલ્લેખ કરવામાં આવે છે. કવિઓ અને લેખકો મોગરાના ફૂલોની સુગંધ અને સુંદરતાને લાગણીઓ વ્યક્ત કરવા ઉપયોગ કરે છે.

ભારતમાં મોગરાનું આર્થિક મહત્વ  :            

        ભારતમાં મોગરો ઉગાડતા ખેડૂતો અને તેના ફૂલોના વેપાર ક્ષેત્રે સંકળાયેલા લોકો માટે મોગરાની ખેતી એક મહત્વની બાબત છે. ભારતના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય એ જણાવ્યા અનુસાર ભારતમાં 47,000 હેક્ટર વિસ્તારમાં મોગરાની ખેતી થાય છે જેમાંથી અંદાજે વાર્ષિક 54,000 ટન ઉત્પાદન મળે છે.

        ભારતમાં ઉજવાતા તહેવારો દરમ્યાન મોગરાના ફૂલોની માંગ ઊંચી રહે છે. પરફ્યુમ સૌંદર્યપ્રસાધનો અને અન્ય બનાવટો માટે અન્ય દેશોમાં મોગરાના ફૂલોની નિકાસ કરવામાં આવે છે. ભારતમાં મોગરાનો ઉદ્યોગ હજારો લોકોને રોજગારી પૂરી પાડે છે. ભારતમાં મોગરો એ આર્થિક રીતે મહત્વનો પાક છે જે તેની સુગંધ અને સુશોભનના ગુણોને લઈ ઊંચું મૂલ્ય ધરાવે છે.

        દુનિયામાં ભારત એ મોગરાના ફૂલો અને મોગરાના આવશ્યક તેલની મોટા પ્રમાણમાં નિકાસ કરતો દેશ છે. તેની નિકાસ દ્વારા ભારત દેશ અમૂલ્ય વિદેશી હૂંડિયામણ મેળવે છે. ગ્રામ્ય વિસ્તારમાં મોગરાની ખેતી અનેક લોકોને રોજગારીની તકો પુરી પાડે છે. મોગરાની ખેતી સાથે ખેડૂતો, મજૂરો અને વેપારીઓ સંકળાયેલા છે. તેના ફૂલો અને તેલની દેશના ઘરગથ્થુ બજાર અને આંતરરાષ્ટ્રીય બજારમાં ઊંચી માંગ હોઈ મોગરાની ખેતી આર્થિક રીતે વધુ નફાકારક છે. મોગરાના ફૂલો દેશમાં પ્રખ્યાત હોઈ તેનો ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રસંગોમાં વિશેષ ઉપયોગ થાય છે. મોગરાની સુગંધ અને સુંદરતા પ્રવાસીઓને પણ આકર્ષે છે. મોગરાનું તેલ અરોમા થેરાપી અને પરંપરાગત ઔષધ તરીકે ભારતમાં વપરાય છે.


  સ્ત્રોત : ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, જાન્યુઆરી 2024


સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com

www.krushikiran.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *