વટાણાના બીજ ઉત્પાદન મૂલ્ય શ્રૃંખલાનું વિહંગાવલોકન (An overview of seed production value chain of pea)

                મૂલ્ય શ્રૃંખલા એટલે કે મૂલ્ય હરોળ એ એક એવી બાબત છે કે જે વિશ્વમાં વટાણાનું ઉત્પાદન, ખરીદી અને વેચાણ કઈ રીતે થાય છે તેની સમજ આપે છે. મૂલ્ય હરોળ એ એકબીજાની સાથે જોડાયેલ કામગીરી વડે પ્રોડક્ટના મૂલ્યમાં વધારો કરે છે તે ચીજવસ્તુઓના ઉત્પાદકો, પ્રોસેસર્સ અને વેપારીઓને જોડી પ્રોડક્ટમાં સુધારા-વધારા કરી તેનું મૂલ્ય વધારે છે. બીની મૂલ્ય હરોળમાં છોડના જનીનિક સ્ત્રોતનો ઉપયોગ કરી સારી જાતની ગુણવત્તા ધરાવતું બી પેદા કરી ખેડૂતોમાં માર્કેટિંગ ધ્વારા વિતરણ કરવામાં આવે છે. બીની મૂલ્ય હરોળમાં બી પેદા કરનારની મુળ પ્રવૃત્તિઓ, છોડના જનીનિક સ્ત્રોતની વ્યવસ્થા, જાતનો વિકાસ, પ્રથમ પેઢીનું બીજ ઉત્પાદન, બીનું ગુણન, બીનું માર્કેટિંગ અને પ્રચાર વગેરેનો સમાવેશ થાય છે. શાકભાજીની બીના મૂલ્ય હરોળમાં વિવિધ તબક્કા અને પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. તેમાં મુખ્ય ત્રણ બાબતો અગત્યની છે જેમાં પ્રથમ બાબતમાં પ્રોડક્ટના ઉત્પાદનથી માંડી વપરાશકાર સુધી પહોંચે તે પ્રક્રિયાનો સમાવેશ, બીની બાબતમાં તે પ્રોડક્ટને પહોંચાડવા માટેની કામગીરી કરતા લોકોનો સમાવેશ અને ત્રીજી બાબતમાં તેને લગતા નીતિ, નિયમનો, માળખાગત સુવિધાઓ અને વેપારમાં નિયમનકારી સંસ્થાનો સમાવેશ થાય છે.

વટાણાનું બીજ ઉત્પાદન :  

        વટાણાનું અંગ્રેજી નામ પી (Pea) અને વૈજ્ઞાનિક નામ પિઝમ સેટિવમ (Pisum sativum ) છે જે ફેબેસી કુટુંબનો છોડ છે.

જમીન :

        વટાણાની ખેતી માટે સારા નિતારવાળી માટીયાળ જમીન કે જેનો પીએચ 6 થી 7.5 હોય તે વધુ માફક આવે છે. તેને ઠંડુ વાતાવરણ માફક આવે છે. બીના ઉગાવાના સમયે નીચું તાપમાન હોવું જરૂરી છે.

વાવણી સમય

        વટાણાની વાવણી શિયાળા દરમ્યાન ઑક્ટોબરની મધ્ય થી નવેમ્બરની મધ્ય સુધીમાં કરવામાં આવે છે. પર્વતીય વિસ્તારોમાં તેની વાવણી માર્ચ થી મે દરમ્યાન કરવામાં આવે છે. પાકની જાત અને સમય મુજબ હારમાં બે બી વચ્ચે 10 સે.મી અંતર રહે તે પ્રમાણે બીની વાવણી કરવામાં આવે છે. બીની વાવણી માટે સીડ કમ ફર્ટિલાઈઝર પી ડ્રિલનો ઉપયોગ કરવો. તેના વડે એક કલાકમાં એક એકરની વાવણી કરી શકાય છે. કેટલીક વાર બી ઊગ્યા બાદ છોડના વિકાસ દરમ્યાન વટાણાના થડની માખીથી ગંભીર નુક્સાન થવા પામે છે જેને અટકાવવા માટે વાવણી સમયે ચાસમાં એકર દીઠ 3 કિ.ગ્રા. થિમેટ   (ફોરેટ) અથવા 10 કિ.ગ્રા. ફ્યુરાડાન 3જી (કાર્બોફ્યુરાન) આપવું.

બીની માવજત અને નાઈટ્રોજન સ્થિરીકરણ :                 

        બિયારણ વૃદ્ધિ કેન્દ્રો, રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ અને બાગાયત વિભાગ મારફતે ઊંચી ગુણવત્તા ધરાવતા વટાણાની જાતોના બી મેળવવાં. ખેડૂતો સ્વૈચ્છિક સંસ્થાઓ (એનજીઓ – NGO) અને વિવિધ સંશોધન કેન્દ્રો ખાતેથી પણ બી મેળવી શકે છે. વટાણાના ફાઉન્ડેશન બીના પ્લોટ માટે અલગીકરણ અંતર 10 મીટર અને પ્રમાણિત બીજ માટે 5 મીટર રાખવું.

        બીને વાવતાં પહેલાં એક કિલો બી દીઠ 1 ગ્રામ બાવિસ્ટીન અથવા 2 ગ્રામ કેપ્ટાન અથવા 15 ગ્રામ ટાલ્ક આધારિત શ્યૂડોમોનાઝ ફ્લુઓરોસન્સ (Pseudomonas fluoroscens) + 1 ગ્રામ કેપ્ટાનની માવજત આપવી.

        જે વિસ્તારમાં પહેલાં વટાણાનો પાક લેવામાં આવેલ ન હોય તે વિસ્તારમાં બીને વાવતાં પહેલાં બેક્ટેરીયલ કલ્ચર (રાઈઝોબિયમ લેગ્યુમિનોસરમ – Rhizobium leguminosarum) નો પટ આપવો જેથી મૂળમાં મૂળગંડિકાઓનું ગઠન થતાં પાકનો વિકાસ ઝડપી બને.

બીનો દર :         

(1) ઊંચી જાતો :70 થી 80 કિ.ગ્રા. પ્રતિ હેક્ટર

(2) ઠીંગણી જાતો :100 કિ.ગ્રા. પ્રતિ હેક્ટર

વાવણી અંતર :

(1) ઊંચી જાતો :  30 થી 45 સે.મી. × 10 સે.મી

(2) ઠીંગણી જાતો :  22.5 સે.મી. × 10 સે.મી

        બીની વાવણી જમીનમાં 4 થી 5 સે.મી.ની ઊંડાઈએ કરવામાં આવે છે.

ખાતરો :

        પાકને વાવણી પહેલાં એકર દીઠ 8 ટન છાણિયું ખાતર અને 20 કિ.ગ્રા. નાઈટ્રોજન (45 કિ.ગ્રા. યુરિયા) અને 25 કિ.ગ્રા. ફોસ્ફરસ (155 કિ.ગ્રા. સુપર ફોસ્ફેટ) ખાતર આપવું. ખેડૂતો તેમની નજદીક આવેલ એગ્રો સર્વિસ સેન્ટરો ધ્વારા ખાતરો ખરીદે છે અને ઘણા ઓછા ખેડૂતો સહકારી મંડળીનો ઉપયોગ કરે છે.  

નીંદણ નિયંત્રણ :     

        પાકના ઉગાવા બાદ ચોથા અને આઠમા અઠવાડીયે એમ બે વખત કરબ મારી ખેતરને નીંદણ મુક્ત રાખવું નીંદણોનું રાસાયણિક રીતે નિયંત્રણ કરવા માટે એકર દીઠ 1 લિટર સ્ટોમ્પ 30 ઈસી (પેન્ડિમેથાલિન) અથવા 500 ગ્રામ એફાલોન 50 વે.પા. (લિન્યુરોન) વાવણી બાદ બે દિવસની અંદર 150 થી 200 લિટર પાણીમાં ઓગાળી બનતા દ્રાવણનો એકસરખી રીતે સમગ્ર ખેતરમાં છંટકાવ કરવો.

પિયત

        જમીનમાં યોગ્ય ભેજ હોય તે સમયે બીની વાવણી કરવી અતિ મહત્વની છે. વાવણી બાદ 15 થી 20 દિવસે પ્રથમ પિયત આપવું. બીજું પિયત ફૂલો આવવાને સમયે અને ત્રીજું પિયત જરૂર જણાય તો શીંગો બેસવાને સમયે આપવું. વટાણાને બિનપિયત પાક તરીકે મર્યાદિત પિયત આપી લઈ શકાય છે. જમીનની જાત અને હવામાનની સ્થિતિ મુજબ પાકને 3 થી 4 પિયત આપવાની જરૂર રહે છે.

ક્ષેત્રિય નિરીક્ષણ :

        ખેતરમાં પાકને ફૂલો આવે તે પહેલાં, ફૂલો આવે ત્યારે અને શીંગોમાં દાણા ભરાય ત્યારે એમ ત્રણ વખત નિરીક્ષણ કરવામાં આવે છે. ફાઉન્ડેશન સીડના પ્લોટમાં 0.10 ટકા અને પ્રમાણિત બીજના પ્લોટમાં 0.50 ટકાથી વધુ વિજાતીય છોડ હોવા જોઈએ નહિ. વટાણા એ સ્વપરાગીત પાક હોઈ તેમાં વિજાતીય છોડ વધુ પેદા થાય છે. તેથી ફૂલો બેસવાને સમયે અને શીંગો બેસવાના સમયે રોગિંગ કરવું ખાસ જરૂરી છે.

કાપણી, બીજ નિષ્કર્ષણ અને ઉત્પાદન

        જ્યારે છોડ ઉપરની 90 ટકા શીંગો પકવ થઈ સુકાઈ જાય ત્યારે છોડને ઉપાડી થ્રેસિંગ માટેની સપાટ જગ્યા ઉપર એકત્રિત કરવા. કાપણી સમયે જો ઊંચુ તાપમાન હોય તો વટાણાની ગુણવત્તા ઉપર અસર થાય છે. એક અઠવાડીયા બાદ થ્રેસર વડે દાણા છૂટા પાડવા જે દરમ્યાન બીજને નુક્સાન થવું જોઈએ નહિ. નાના પાયા ઉપર છોડ ઉપરથી સૂકાયેલ શીંગો વીણી હાથ વડે દાણા છૂટા પાડવામાં આવે છે. કાપણી ભેજવાળી પરિસ્થિતિ એટલે કે માંડી સાંજે કે વહેલી સવારે કરવી જેથી ઝાકળને લઈ શીંગોમાંથી દાણા ખરી ન પડે. કાપણી બાદ થ્રેસિંગ કરીને મેળવેલ વટાણાને તરત જ પ્રોસેસ માટે લઈ જવા જેથી તેમાં રહેલ પ્રોટીનનું જીવાણુઓ ધ્વારા ઝેરમાં રૂપાંતર ન થવા પામે. તેથી વટાણાના તાપમાનનું નિરીક્ષણ કરતા રહેવું જરૂરી છે.

સંગ્રહ :  

        વટાણાના સંગ્રહ માટે ભેજનું પ્રમાણ અને સમય એ ઘઉંના સમાન છે. વટાણાંને 600 ફે.તાપમાને 14 ટકા ભેજ સાથે લાંબા સમય સુધી સંગ્રહી શકાય છે. જો વટાણામાં 16 ટકા ભેજ હોય તો તેને 500 ફે. તાપમાને સંગ્રહી શકાય છે. જો 600 ફે. તાપમાન ન જાળવી શકાય તેમ હોય તો વટાણામાં ભેજ 13 ટકા રાખવાની ભલામણ છે. વટાણાને હવાની અવરજવર વાળી જગ્યાએ ઠંડકમાં અન્ય અનાજની માફક સંગ્રહ કરી શકાય છે. જે માટે બહારના વાતાવરણમાં ઠંડક હોવી જરૂરી છે શિયાળામાં વટાણાનો સંગ્રહ 300 ફે. એ કરી શકાય છે.

સૂકવણી : 

        વટાણાને કુદરતી વાતાવરણમાં અથવા ઓછા તાપમાને સૂકવવામાં આવે છે. ઘઉંની માફક તેને જરૂરી હવાના પ્રવાહ વડે નિયત સમયમાં સૂકવણી કરી શકાય છે.

સફાઈ :     

        વટાણાનો સંગ્રહ કરતાં પહેલાં તેમાં રહેલ નીંદણના બીજ અને વિદેશી પદાર્થો દૂર કરવા જેથી તેના બજારમાં વધુ ભાવ મેળવવાની તકો વધે. વિશેષમાં સફાઈને લીધે તેમાં રહેલ વિદેશી પદાર્થો દૂર થતાં ભેજના પ્રમાણમાં 1 થી 2 ટકાનો ઘટાડો થવા પામે છે.

હેરફેર :  

        વટાણાને નુકસાન ન થાય તે માટે ઓછી ઝડપ અને પુરી ક્ષમતા ધરાવતા પૉર્ટેબલ ઓગરનો ઉપયોગ હેરફેર માટે કરવામાં આવે છે. ઊંચા ભેજના સ્તરે તેની હેરફેર સારી રીતે થઈ શકે છે. તાપમાનમાં ઘટાડો થતાં વટાણામાં તૂટફૂટ થાય છે. એક અભ્યાસમાં જણાયેલ છે કે વટાણાની કાપણી મોડી કરવામાં આવે તો વટાણામાં તૂટફુટ વધુ જોવા મળે છે.

બજાર

        માનવ આહાર, બિયારણ અને પશુઓના ખોરાક તરીકે વટાણાનો ઉપયોગ થાય છે. પશુઓના ખોરાક તરીકે ઓછી ગુણવત્તા ધરાવતા વટાણા બજારમાં ઉપલબ્ધ હોય છે. બિયારણ અને માનવ આહાર તરીકે વપરાતા વટાણાના બજારમાં ઊંચા ભાવ મળે છે. બજારમાં ઊંચા ભાવે વટાણાનું વેચાણ કરવું એ એક પડકારજનક બાબત છે. વટાણાના ઊંચા ભાવો આપતાં બજાર મર્યાદિત છે. બજારના ધોરણો મુજબ ખેડૂતે વટાણા પેદા કરવા માટે વિશેષ ધ્યાન આપવું પડે છે. દા.ત. સારી જાતના વટાણાના બજાર માટે લીલો કે પીળો રંગ, વટાણાનું કદ અને આકાર, વટાણામાં તૂટફુટ, કાપણી સમયે ભેજનું પ્રમાણ, હેરફેર કરવાની પદ્ધતિ, સંગ્રહ પદ્ધતિ અને દાણાને નુક્સાન કરતી બાબતો વગેરેને ધ્યાને લેવામાં આવે છે. કાપણી બાદ વટાણાનું ગ્રેડિંગ કરવામાં આવે છે. માનવ આહારના વટાણા માટે મર્યાદિત બજાર હોઈ તેની ગુણવત્તા બાબતે જાણકારી આપી સ્થાનિક, રાજ્ય કે પ્રાદેશિક કક્ષાએ બજાર પેદા કરી શકાય.

કાપણી બાદની હેરફેર :  

        કાપણી બાદ જે તે પદ્ધતિના ઉપયોગ પ્રમાણે 2 થી 50 ટકા જેટલી ખોટ જાય છે તેથી વટાણાની યોગ્ય હેરફેર અને સંગ્રહ કરવામાં આવે તો આ નુકસાન અટકાવી શકાય. ભારતીય ઘરોમાં આહાર માટે આખા વર્ષ દરમ્યાન તેની માંગ રહે છે. તે કુદરતી રીતે શિયાળુ ઋતુમાં થતો પાક હોઈ ગ્રાહકોની માંગ મુજબ વટાણાને તાજા કે પ્રોસેસ કરી સંગ્રહવામાં આવે છે. તાજા વટાણાને ધોઈને હાઈડ્રો કૂલિંગ વડે 95 ટકા સાપેક્ષ ભેજ એ શૂન્ય ડિગ્રી સે. તાપમાને સંગ્રહી શકાય છે. વટાણાને સંગ્રહ કરતાં પહેલાં ધોવા જોઈએ જેથી તેને કોઈપણ જાતનો ચેપ નહિ લાગતાં તેની ગુણવત્તા જાળવી શકાય. આ રીતે વટાણાને કેટલાંક અઠવાડિયા સુધી કોઈપણ પ્રકારના નુક્સાન વિના સંગ્રહી શકાય છે. નિયંત્રિત વાતાવરણમાં વધુ લાંબો સમય વટાણાનો સંગ્રહ કરી શકાય છે કારણ કે તેમાં પ્રાણવાયુ અને અંગારવાયુના સ્તરનું નિયંત્રણ કરવા માટેના આધુનિક સાધનો હોય છે.

ગ્રેડિંગ :  

        વટાણાને પ્રોસેસિંગ પ્લાન્ટમાં લાવ્યા બાદ તેનું પ્રથમ ગ્રેડિંગ કરી પ્રોસેસ માટેના વટાણા અલગ પાડવામાં આવે છે. વટાણાને ચારણા વડે ચાર ગ્રેડમાં અલગ પાડવામાં આવે છે જેમાં 7.5 મિ.મી, વ્યાસ ધરાવતા વધારાના નાના વટાણા (Extra small peas), 8.2 મિ.મી, વ્યાસ ધરાવતા ઘણા નાના વટાણા (Very small peas),  10.2 મિ.મી વ્યાસ ધરાવતા મધ્યમ વટાણા (Medium peas) અને 10.2 મિ.મીથી વધુ વ્યાસ ધરાવતા મોટા વટાણા (Large peas) નો સમાવેશ થાય છે. ખાસ કરીને પ્રોસેસિંગ પ્લાન્ટમાં ગ્રેડિંગ અને બ્લાન્ચિંગ દરમ્યાન મીઠાના દ્રાવણ (બ્રાઈન સોલ્યુશન) માં તરતા વટાણાને ગ્રેડ મુજબ અલગ તારવી શકાય છે. ઊંચી ગુણવત્તા ધરાવતા વટાણા 1.04 વિશિષ્ટ ઘનતા ધરાવતા મીઠાના દ્રાવણમાં તરે છે જ્યારે તેનાથી ઉતરતી કક્ષાના વટાણા 1.07 વિશિષ્ટ ઘનતા ધરાવતા મીઠાના દ્રાવણમાં તરે છે. દરેક શાકભાજીની માફક વટાણાને પાણીથી ધોવામાં આવે છે અને મેટલ ડીટેક્ટરનો ઉપયોગ કરી હાથ વડે જુદા પાડી યોગ્ય નિરીક્ષણ કરવામાં આવે છે.

બ્લાન્ચિંગ :  

        પ્રોસેસિંગ અને સંગ્રહ દરમ્યાન વટાણામાં ઉત્સેચકની પ્રવૃત્તિને લઈ કોઈ દુર્ગંધ કે સ્વાદમાં ફેરફાર ન થાય તે માટે બ્લાન્ચિંગ કરવામાં આવે છે. સામાન્ય રીતે લીલા વટાણાને 1 થી 2 મિનિટ માટે 950 સે. તાપમાન ધરાવતા ગરમ પાણીમાં રાખવામાં આવે છે જેને બ્લાન્ચિંગ કહે છે. બ્લાન્ચિંગની અસરકારકતા તપાસવા માટે કેટાલેઝ અને પેરોક્સીડેઝની કસોટી કરવામાં આવે છે.

        ફ્રોઝન વટાણા માટે મોટે ભાગે ગરમ પાણી થાય અને હવાના દબાણથી વરાળનો ઉપયોગવાળા એમ બે જાતના બ્લાન્ચર વપરાય છે. પરંપરાગત રીતે રોટરી ટાઈપ હોટ વૉટર બ્લાન્ચર ઓછા ખર્ચે એકસમાન રીતે વટાણાને બ્લાન્ચ કરે છે. અન્ય પ્રકારના હોટ વૉટર બ્લાન્ચરમાં લાંબી નળીનો ઉપયોગ કરી વટાણાને પંપ ધ્વારા બ્લાન્ચ કરવામાં આવે છે જેમાં પાણીનું તાપમાન 950 સે. જાળવવામાં આવે છે. રોટરી સ્ક્રુ બ્લાન્ચરમાં પીપની અંદર વટાણાને ગરમ પાણીમાં ફેરવવામાં આવે છે. થર્મ સ્ક્રુ બ્લાન્ચરમાં મધ્યમાં રહેલ ફરતો સ્ક્રુ માધ્યમને ગરમી આપે છે. સ્ટીમ બ્લાન્ચરમાં કન્વેયર બેલ્ટ ઉપર રાખેલ વટાણાના પડને 20 થી 60 સેકન્ડ માટે વરાળના દબાણને આધારિત (15 થી 25 પીએસઆઈજી) 950 થી 1000 સે. તાપમાનવાળી વરાળ ફેંકે છે.

વટાણાની મૂલ્ય શ્રૃખંલા

ક્રમ મૂલ્ય શ્રૃખંલાની વિગત વપરાશકાર સહાયક
1 માર્કેટિંગ રીટેઈલર્સ, સ્થાનિક એગ્રો વેટસ, નાનાપાયાના રીટેઈલર્સ  
2 મૂલ્ય વર્ધન ફ્રોઝન પી, સૂકા વટાણા, સુપ ફ્લોર, ડબાબંધી, પી પ્રોટીન, રેડી ટુ ઈટ, પાપડ  
3 પરિવહન રેફ્રિજરેટેડ વાહનો (એજન્ટો મારફતે) ટ્રાન્સપોર્ટનો માલિક
4 સંગ્રહ શીતગાર એકમો (ખેડૂતોને ખાતા મારફતે સહાય પુરી પાડીને બનાવેલ) જે તે સંબંધિત વિભાગ
5 પ્રોસેસિંગ મૂલ્ય વર્ધક બનાવટો (સૂકા વટાણા, ફ્રોઝન વટાણા, ડબાબંધી, સુપ ફલોર, પી પ્રોટીન, રેડી ટુ ઈટ, પાપડ) સ્વ સહાય જૂથો અને ખેડૂત ઉત્પાદક મંડળો ધ્વારા ઉત્પાદિત સ્વ સહાય જૂથો, જે તે સંબંધિત વિભાગ, ફૂડ પ્રોસેસિંગ સંસ્થાઓ
6 ઉત્પાદન શાકભાજી બિયારણના ઉત્પાદકો (ખેડૂતો) ડીએસએફસી (DSFC)
7 ઈનપુટસનો પૂરવઠો (બિયારણ, રાસાયણિક ખાતરો, જંતુનાશક રસાયણો, પિયત અને ખેત ઓજારો) જે તે જીલ્લાની બાગાયત કચેરી, સ્વૈચ્છિક સંસ્થાઓ (NGOs) એગ્રો સર્વિસ સેન્ટર, કંપનીઓ, એજન્ટો રાજ્યની યુનિવર્સિટીના બિયારણ ઉત્પાદન કેન્દ્રો, સંશોધન કેન્દ્રો

મૂલ્ય વર્ઘન :

        વટાણાનો ઉપયોગ કરી ફ્રોઝન પી, સુપ ફલોર, વટાણાની ડબાબંધી, પોષણદાયી પી પ્રોટીન, રેડી ટુ ઈટ પ્રોડક્ટ, પાપડ વગેરે વિવિધ બનાવટો બનાવી મૂલ્ય વર્ધન કરી વધુ કિંમત સાથે વધુ આવક મેળવી શકાય છે.


સ્ત્રોત : ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, સપ્ટે-ઓક્ટો 2023


સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com

www.krushikiran.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *