સફળ મધમાખીપાલન માટે વ્યવસ્થાપન પદ્ધતિઓ (Management practices for successful beekeeping)

            રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ મધની માંગમાં વધારો થતાં વર્તમાન સમયે મધમાખીપાલન લોકપ્રિય બની રહ્યુ છે. આથી મધમાખીપાલન સફળતાપૂર્વક કરવા માટે દરેક વ્યક્તિએ તે અંગેનું મુળભૂત જ્ઞાન અને સારી વ્યવસ્થાપન પદ્ધતિઓ વિષે જાણવું અતિ જરૂરી  છે જેની વિગતો અત્રે દર્શાવેલ છે :  

(1) મધપૂડા ઉછેર માટે જગ્યાની પસંદગી :        

        મધપૂડા માટે સારી જગ્યા પસંદ કરવી એ મધમાખીના આરોગ્ય માટે જરૂરી છે. જગ્યા પસંદ કરતી વખતે અત્રે દર્શાવેલ મહત્વની બાબતો ધ્યાને લેવી જોઈએ :

(1) મધમાખી માટે પસંદ કરેલ વિસ્તારમાં ઘાસચારાના છોડ અને તેના ફૂલોનો સમય જાણવો જરૂરી છે.  

(2) છોડ એવા પસંદ કરવા કે જે ઊંચા પ્રમાણમાં પુષ્પરસ (નેક્ટર) અને પરાગ પેદા કરતા હોવા જોઈએ. મધમાખીપાલન માટેના ઉત્તમ વાનસ્પતિક વિસ્તારોમાં જંગલ અને ઘાસચારા વિસ્તાર કે જે ઔષધિય છોડ કે ઝાડીઓ ધરાવે છે તથા કૃષિ પાકો જેવા કે રાઈ, લીચી, નીલિગિરિ, બરસીમ, મકાઈ, સૂર્યમુખી, કઠોળ, વેલાવાળા શાકભાજી, સફરજન, ચેરી, પપૈયા, લીંબુ વર્ગ, પીઅર વગેરે કે જે પુરતા પ્રમાણમાં પુષ્પરસ પેદા કરે છે તેનો સમાવેશ થાય છે.   

(3) વહેતા તથા તાજા પાણીનો સ્ત્રોત હોય તેવી જગ્યા નજીક મધપૂડા હોવા જોઈએ.

(4) મધપૂડાનું સ્થળ જાહેર સ્થળો અને રસ્તાની બાજુઓથી અંદાજે 300 મીટરથી વધુ અંતરે હોવું જોઈએ.  

(5) વધુ પડતી ગરમી, હિમ, પવનો, પુર વગેરે સામે રક્ષણ આપે તેવી જગ્યાએ મધપૂડા હોવા જોઈએ.  

(6) ખેતરોમાં પાક ઉપર જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવે છે જેથી મધમાખીને તેની ઝેરી અસર ન થાય અને મધમાં તેના અવશેષો ન ભળે તે માટે ખેતીપાકોથી દૂરના સ્થળે મધપૂડા ઉછેરવા જોઈએ. જો વેપારી ધોરણે ખેતી કરતા વિસ્તારો નજીકમાં મધપૂડા રાખેલ હોય તો ફૂલો આવવાના સમયે પાક ઉપર દવાઓનો છંટકાવ કરવો જોઈએ નહિ.   

(2) મધમાખી માટેના ફૂલોનું જ્ઞાન :    

        મધમાખી કોલોનીને જીવંત, સમૃદ્ધ અને ઉત્પાદકીય બનાવવા માટે મધુરસ (નેક્ટર) અને પરાગ પુરતા જથ્થામાં નિયમિત રીતે મળી રહેવો જોઈએ. દરેક પાકની પ્રજાતિઓ મધમાખીપાલન માટે સારી હોતી નથી. જે છોડ મધુરસ અને પરાગ પુરતા પ્રમાણમાં ફૂલો આવવાને સમયે પેદા કરે છે તેવા છોડને મધમાખી માટેના છોડ (હની પ્લાન્ટસ) કહે છે કારણ કે તે મધ ઉત્પાદન માટે ઉત્તમ રીતે અનુકુળ છે. જે છોડ મધુરસ પેદા કરે પરંતુ ઓછી પરાગ પેદા કરે તેને પણ મધમાખીના છોડ કહે છે. કેટલાક છોડ પરાગ પેદા કરે પરંતુ ઓછો મધુરસ કે મધુરસ પેદા કરતા નથી. આવા પરાગ પેદા કરતા છોડ મધમાખીપાલન માટે મહત્વના છે કે જે ખાસ કરીને મધમાખી કોલોનીના બાંધકામ સમયે મોટા પ્રમાણમાં પ્રોટીન ધરાવતી પરાગની જરૂરિયાત પુરી પાડે છે.    

(3) ઋતુ મુજબ મધમાખી વ્યવસ્થાપન :  

        મધમાખીપાલકે સફળ બનવા માટે ચાવી રૂપ સારી વ્યવસ્થાપન પદ્ધતિઓ જાણવી જોઈએ. ઋતુ દરમ્યાન 1 થી 4 વખત મધમાખીની કોલોનીઓ ચકાસવી એટલે કે તેની દેખરેખ રાખવી જોઈએ. વિવિધ પ્રદેશોમાં મધમાખી માટે વનસ્પતિઓની પ્રાપ્યતા અને હવામાન પરિસ્થિતિ મુજબ વ્યવસ્થાપન પદ્ધિતઓમાં વિવિધતા જોવા મળે છે.  

(ક) મધમાખી ઉછેરનો સમય :  

        આ મધુરસનો પ્રવાહ વહે તે પહેલાંનો સમય છે કે જ્યારે કોલોની મજબૂત હોય છે. આ સમયે મધમાખીપાલકે નીચે મુજબનું ધ્યાન રાખવું જોઈએ.   

(1) કોલોની મજબૂતાઈમાં સુધારો કરવો જોઈએ જેથી મધનો પ્રવાહ મોસમ દરમ્યાન પ્રવેશી શકે.  

(2) નબળી કોલોની (વસાહત) ને એક કરવી જોઈએ.   

(3) જો જરૂર જણાય તો ખાંડની ચાસણી (સુગર સીરપ) અને પુરતા પ્રમામમાં મધમાખીની સંખ્યા જાળવવી.   

(ખ) મધુરસના પ્રવાહની મોસમ :

        આવી મોસમમાં વસંત ઋતુ ગણાય છે કે જેમાં ભરપુર પ્રમાણમાં મધમાખી માટે ફૂલોવાળા છોડ, મધુરસ અને પરાગ મેળવી શકાય છે. આ ઋતુ દરમ્યાન મધમાખીપાલકે નીચે મુજબનાં પગલાં લેવાં જોઈએ :  

(1) મધમાખીનો માળો (કોમ્બ ફાઉન્ડેશન શીટ) વાપરીને મધના સંગ્રહ માટે વધુ જગ્યા પુરી પાડવી.  

(2) રાણી અપવાદક (ક્વીન એક્ષક્લુડર) નો ઉપયોગ કરી રાણીને બચ્ચાંના ચેમ્બરમાં બંધ રાખવી.

(3) મધમાખીના ટોળાને અટકાવવું.

(4) મધના પ્રવાહ પહેલાં ખાંડની ચાસણી પુરી પાડવી અને પુરતા પ્રમાણમાં વસ્તી જાળવવી.  

(5) જો કોલોની વધારવાની જરૂરિયાત હોય તો મજબૂત કોલોનીને 2 થી 3 નવી કોલોનીમાં વિભાજીત કરવી.  

(6) નવી કોલોની માટે નવી રાણી પેદા કરા માટે રાણી પેદા કરવાની પદ્ધતિનો ઉપયોગ કરવો.   

(ગ) અછતના સમયમાં વ્યવસ્થાપન :  

        ઉનાળાની ગરમીનો સમય, શિયાળાનો સખત ઠંડીનો ગાળો અને ભારે વરસાદના દિવસો દરમ્યાન જ્યારે મધમાખી માટેના છોડ મળતા ન હોય ત્યારે મધમાખીઓ અન્ય સ્થળે ન જઈ શકતાં ભૂખમરાથી પીડાય છે. આવા સમયે મધમાખીપાલકે નીચેની બાબતો ધ્યાને રાખવી જોઈએ :  

(1) કોલોનીને જીવંત રાખવા માટે તેમાં પુરતા પ્રમાણમાં મધ છોડી દેવું જોઈએ.  

(2) વરસાદ, પવન અને દુશ્મનોથી રક્ષણ કરવું જોઈએ.  

(3) સામાન્ય રીતે મધુરસ પ્રાપ્ય ન બને તેમ હોય તો કોલોનીને સાંજના સમયે ખાંડની ચાસણી પુરી પાડવી જોઈએ.  

(4) ખાલી મધપૂડાને દૂર કરી તેનો હવાચુસ્ત કન્ટેઈનરમાં સંગ્રહ કરવો.

(5) મધમાખીને નાના વિસ્તારમાં મર્યાદિત રાખવા માટે ડમી ડિવિઝન બોર્ડનો ઉપયોગ કરવો.  

(6) નબળી કોલોનીને એક કરી તેને પરાગના પૂરક અને અવેજી તરીકે ખાંડની ચાસણી પુરી પાડવી.  

(ઘ) ઉનાળામાં વ્યવસ્થાપન :    

        મધમાખીને સખત ગરમી અને અછતના સમયે બચાવવા માટે નીચેના ઉપાયો હાથ ધરવા :

(1) ઝાડ નીચે કે કૃત્રિમ માળખા ધ્વારા પુરતા પ્રમાણમાં છાંયો પુરો પાડવો.

(2) દિવસમાં બે વખત શણના કોથળા ઉપર કે ડાંગરનું પરાળ મધપૂડા ઉપર ઢાંકીને પાણીનો છંટકાવ કરીને ગરમીમાં ઘટાડો કરવો.  

(3) બ્રૂડ અને સુપર ચેમ્બર વચ્ચે ફાંસનો ઉપયોગ કરી હવાની અવરજવરમાં વધારો કરવો.

(4) ખાંડની ચાસણી, પરાગ પૂરક, અવેજી પદાર્થો અને પાણી પુરૂ પાડવું.  

(5) કોલોનીને જીવંત રાખવા માટે મધપૂડામાં પૂરતુ મધ રાખવું.  

(6) મજબૂત કોલોની સાથે નબળી કોલોનીને એક કરવી અને મધપૂડાને નવી રાણી પુરી પાડવી.  

(ચ) વરસાદની ઋતુ અને ચોમાસામાં વ્યવસ્થાપન :   

(1) મધપૂડાની જગ્યાએથી ભેજ દૂર કરવો અને પુરતા નિતારની વ્યવસ્થા કરવી

(2) વરસાદ પડતો હોય ત્યારે મધમાખીઓ મધપૂડાથી દૂર રહેતી હોય તો તેઓને ખોરાક તરીકે ખાંડની ચાસણી પુરી પાડવી.  

(3) ખાલી મધપૂડાને દૂર કરી તેનો હવાચુસ્ત કન્ટેઈનરમાં સંગ્રહ કરવો.  

(4) મધમાખીને નાના વિસ્તારમાં મર્યાદિત રાખવા માટે ડમી ડિવિઝન બોર્ડનો ઉપયોગ કરવો.  

(5) નબળી કોલોનીને એક કરવી અને પરાગના પૂરક અને અવેજી તરીકે ખાંડની ચાસણી પુરી પાડવી.  

(6) જો પરાગનો સંગ્રહ અને તાજી પરાગ પ્રાપ્ય ન હોય તો કોલોનીને પરાગની અવેજીમાં વપરાતા પૂરક પદાર્થ ખોરાક તરીકે આપવા જેથી કોલોનીને ખોરાકની અભાવહીનતાથી દૂર રાખી શકાય.  

(7) જો કોલોનીમાં ખોરાકનો નબળો સંગ્રહ (પાંચ કિ.ગ્રા. થી ઓછો) હોય તો ખાંડની ચાસણીને બદલે કેન્ડી અથવા ખાંડ આપવી.    

(8) મીણનું ફૂંદુ (વૅક્સ મોથ), કીડીઓ, કથીરી (માઈટસ) અને ભમરીઓ જેવા મધપૂડાના દુશ્મનોના હૂમલા સામે નજર રાખવી.  

(9) મધપૂડાને ઢાળયુક્ત સ્ટેન્ડ ઉપર રાખવા જેથી તેના ઉપર પડતુ પાણી નિતરી જાય.   

(છ) શિયાળામાં વ્યવસ્થાપન :     

(1) મજબૂત અને રોગયુક્ત કોલોનીને જાળવો અને મધપૂડાને નવી રાણી પુરી પાડો.  

(2) ઠંડા વિસ્તારો અથવા ટેકરાળ પ્રદેશોમાં શિયાળાનું પેકિંગ પૂરૂ પાડો.

(3) ખાલી મધપૂડા દૂર કરો અને હવાચુસ્ત કન્ટેઈનરમાં સંગ્રહ કરો.  

(4) મધમાખીને નાના વિસ્તારમાં મર્યાદિત રાખવા માટે ડમી ડિવિઝન બોર્ડનો ઉપયોગ કરો.  

(5) નબળી કોલોનીને એક કરવી અને પરાગના પૂરક અને અવેજી તરીકે ખાંડની ચાસણી પુરી પાડવી.   

(4) પોષણ વ્યવસ્થા અથવા અછતના સમય દરમ્યાન કૃત્રિમ ખોરાક :    

        સફળ મધમાખીપાલન માટે મધમાખીના ખોરાક અંગેની જાણકારી મેળવવી એ એક વધુ અગત્યની બાબત છે. મધમાખી તેના જીવવા માટે મધુરસ, પરાગ, પાણી, પ્રોપ્રોલિસ વગેરે જેવા અનેક પદાર્થોને એકત્ર કરે છે. તેમ છતાં જો ઉપરોક્ત આવશ્યક ખોરાકના પદાર્થોની અછત હોય તો મધમાખી પોતાને જીવંત રાખી શક્તી નથી. આવા સમયે વૈકલ્પિક વનસ્પતિઓના સ્ત્રોતો હોય તે જગ્યાએ મધપૂડાનું સ્થળાંતર કરવાથી તેનું આરોગ્ય જાળવી શકાય છે.  

(ક) મધમાખીઓ માટે પૂરક તરીકે ખાંડની ચાસણી :

        એક કોલોની દીઠ અંદાજે 7.5 થી 11 લિટર ખાંડની ચાસણી વપરાય છે જે 2 ભાગ ખાંડ અને 1 ભાગ પાણીનું પ્રમાણ ધરાવે છે. વસંત ઋતુમાં ખોરાક તરીકે ખાંડની ચાસણીમાં 1 ભાગ ખાંડ અને 1 ભાગ પાણી જ્યારે શિયાળુ ઋતુમાં ખાંડની ચાસણીમાં 3 ભાગ ખાંડ અને 1 ભાગ પાણીનું મિશ્રણ રાખવામાં આવે છે. આ પ્રમાણની સાંદ્રતામાં ઘણા ઓછા પ્રમાણમાં પાણી બાસ્પ બને છે અને તે ઓછા પ્રમાણમાં ઠંડુ થાય છે. આ ચાસણી બનાવવા માટે ઉકાળેલ પાણીનો ઉપયોગ કરવો. ચાસણીને ખોરાકમાં આપતાં પહેલાં ઠંડી પડવા દેવી.    

(ખ) મધમાખીઓ માટે પ્રોટીન પૂરક ખોરાક :    

        કોલોનીમાં રહેતી પુખ્ત મધમાખીઓ પરાગ મારફતે પોતાને જોઈતું ખાદ્ય પ્રોટીન મધમાખીપાલક ધ્વારા નાઈટ્રોજનયુક્ત ખોરાક પુરો પાડવાથી અથવા મધપૂડામાં કાર્યકરો ધ્વારા એકત્ર કરેલ ખોરાકમાંથી મેળવે છે. પરાગના પૂરક તરીકે વિવિધ પ્રકારના કૃત્રિમ ખોરાક પ્રાપ્ય છે જેમાં સામાન્ય રીતે 5 ટકા પરાગ, 20 થી 50 ટકા ખાંડ, 20 થી 25 ટકા યીસ્ટ (ટોરૂલા – torula), 20 થી 50 ટકા સોયાબીનનો લોટ અને 1 થી 3 ટકા વિટામિન સપ્લિમેન્ટ હોય છે. પરાગ અને ખાંડના જથ્થામાં વધારો કરવાથી બનતો પૂરક ખોરાક મધમાખીઓને વધુ આકર્ષે છે જે ગુણવત્તા અને જથ્થાત્મક પ્રોટીન અને એમિનોએસિડસ, લિપિડસ, વિટામિન્સ અને મિનરલ્સ ધરાવે છે કે જે વ્યક્તિગત વિકાસ અને કોલોનીના પ્રજનન માટે જરૂરી છે. પરાગ પટ્ટી અથવા પ્રોટીન કેકનું પ્રમાણ મધમાખીઓને સારી રીતે આકર્ષે છે.

(ગ) મધમાખી માટે પાણીનો પૂરવઠો :    

        દરેક સમયે મધમાખીઓને પાણીનો પૂરવઠો જરૂરથી પ્રાપ્ય હોવો જોઈએ. જો તેની ઉણપ સર્જાય તો પોષણ, દેહધાર્મિક ક્રિયા, બચ્ચાંનો જન્મ અને સામાન્ય વર્તણૂક ઉપર ખરાબ અસર થવા પામે છે.  

(5) કોલોનીનું વિભાજન અને એકીકરણ :

(ક) કોલોનીનું વિભાજન :

        કોલોનીનું વિભાજન એટલે કે એક મજબૂત કોલોની લઈ તેના બે નાના ભાગ કરવા. મધપૂડાના વિભાજન વડે કુદરતી રીતે ટોળા ધ્વારા મધપૂડા બનવા માટેના સમયની રાહ જોયા વિના મધપૂડાની કોલોની બનાવી શકાય છે. જે વિસ્તારોમાં કોલોની બનવાનો દર ઓછો છે તેવા ખાસ વિસ્તારોમાં કુદરતી રીતે સ્થળાંતરમાં અનિશ્ચિતતા હોય તેને દૂર કરવામાં આ પદ્ધતિ મદદરૂપ નીવડે છે. ઘણીવાર વધુ મધપૂડા મેળવવા, શિયાળામાં થતો ઘટાડો અટકાવવા, વેચાણ કરવા અને મધમાખીના ટોળાને અટકાવવા માટે મધપૂડાનું વિભાજન કરવામાં આવે છે.  

(ખ) કોલોનીનું એકીકરણ :    

        મધમાખીઓ અથવા મધુપાલકને જ્યારે ફાયદાકારક લાગે તે સમયે બે કોલોનીને જોડી એકીકરણ કરવામાં આવે છે. આ કોલોનીમાંની મધમાખીઓને બચાવવા માટે કરવામાં આવે છે કે જે રાણી વગરની હોય અથવા અનિચ્છનીય લક્ષણો ધરાવતી રાણી પસંદ કરેલ હોય અથવા સાધનને બચાવવાનું હોય અથવા સરળ રીતે સ્ટોકમાં ઘટાડો કરવાનો હોય. આ એક સરળ પ્રક્રિયા છે કે જેમાં ઓછામાં ઓછા સાધનની જરૂર પડે છે.  

કોલોનીનું એકીકરણ કરવા માટે સમાચારપત્રની રીત :

(1) એકીકરણ કરવા માટેની કોલોનીઓ પસંદ કરો.

(2) બહારનું અને અંદરનું આવરણ દૂર કરો અને બે પેટી વચ્ચે અખબારનું એક પાનું મૂકો

(3) અખબારમાં નખ વડે એક નાનું કાણું પાડો અને મધ અથવા ખાંડની ચાસણીનો છંટકાવ કરો.  

(4) આ મધપૂડાની ગંધને મજબૂત તથા નબળી કોલોની વચ્ચે પસાર કરે છે અને ટોચ ઉપર મૂકે છે.

(5) નબળી કોલોનીમાંથી મધપૂડાની પેટી લઈ (કે જે મધમાખી અને બચ્ચાં ધરાવતી 10 ફ્રેમો ધરાવે છે) સીધી જ તેને મજબૂત કોલોનીવાળા મધપૂડાની ટોચ ઉપર મૂકો

(6) ફક્ત અખબારની પરફોરેટેડ શીટ બે કોલોનીને અલગ પાડે છે.   

સ્વોર્મિંગના કારણો અને વ્યવસ્થાપન :

        સ્વોર્મિંગ એ એક કુદરતી ઘટના છે જે કોલોની ધ્વારા પ્રજનન કરી પોતાની પ્રજાતિને જીવવા માટેની ખાત્રી આપે છે. સામાન્ય રીતે વસંત ઋતુમાં સ્વોર્મિંગ જોવા મળે છે જે દરમ્યાન પોતાની રીતે કોલોનીઓ સ્થપાય છે પરંતુ ઉનાળા અને શિયાળા પહેલાં પાનખર ઋતુમાં ફૂલો આપતી પ્રજાતિઓ કે જેમાંથી ખોરાક મેળવાય છે તેમાં ગંભીર ઘટાડો જોવા મળે છે.  

સ્વાર્મ થવાના કારણો

(1) પ્રજનન સ્વાર્મ

(2) વધારે પડતો ભરાવો એટલે કે વધુ પડતી મધમાખીઓ, ખોરાકનો સંગ્રહ અને રાણીને ઈંડાં મૂકવા માટે જગ્યા ન રહેવી.  

(3) માર્ચ-એપ્રિલ એ સ્વાર્મની ઋતુ છે અને તંદુરસ્ત કોલોનીઓ સ્વોર્મિંગની મજબૂત ઈચ્છા ધરાવે છે.  

(4) પ્રતિકુળ હવામાન – ઠંડીને કારણે મધમાખીઓની ભીડ મર્યાદિત રહે છે, ભીનુ હવામાન રાણીના કોષો બાંધશે અને ઉનાળાના પ્રકાશ અને ગરમીવાળા પ્રથમ દિવસે મધમાખી ટોળામાં ઉડવાનું કાર્ય કરે છે. દરેક કોલોની સરખી પરિસ્થિતિમાં જ્યારે હવામાન સાનુકુળ હોય ત્યારે ટોળામાં રહેવાનું શરૂ કરે છે.   

(5) વસંત ઋતુ પહેલાં મોટી સંખ્યામાં બચ્ચાં જન્મતાં સ્વોર્મ માટેના તીવ્ર આવેગની પૂર્વભૂમિકા પેદા થાય છે.   

વ્યવસ્થાપન :  

(1) આ પ્રકારના પ્રજનનને પરિણામે વધુ મજબૂત વિભાજનનો નાશ થાય છે. બાકી રહેલ કોલોની ખાલી થઈ જાય છે અને પ્રજનન ચક્રમાં વિક્ષેપ થતાં પાછી સેટ થાય છે જે બિનઉત્પાદકીય હોય છે.  

(2) કુદરતી સ્વાર્મ સમય અગાઉ મધમાખીપાલકો સ્વાર્મિંગનું નિયંત્રણ કરે છે.

(3) રાણી અલગકારક વડે રાણીને અલગ કરી માતૃ કોલોની ઉપર 2 થી 3 માળા (કોમ્બ) મૂકવા.  

(4) તળિયે રહેલ રાણીના પ્રજનન માળામાંની દરેક ફ્રેમને તપાસો.  

(5) જો જૂની રાણી બચાવ યોગ્ય હોય તો નાના કેન્દ્ર ધરાવતા પ્રજનનના બે માળાને રાખવા અને રાણીના રહેઠાણ માટે વળગેલી મધમાખીઓને રાખવી.

(6) કોઈપણ આવનાર સ્વોર્મને પકડવા અને જૂના મધપૂડાની મધમાખીઓને પાછી ફરવા માટે મધપૂડાના પ્રવેશની સામે સરળતાથી મધપૂડાને હલાવવા.   

(7) ફક્ત એક જ યુવાન રાણી બચી શકશે અને મધમાખીઓ ટોળામાં આવવાનો પ્રયાસ કરશે નહિ. જો મધમાખીઓ ટોળામાં આવવાનો ફરી પ્રયાસ કરે તો ફરીથી આ પગલું ભરવું.

(8) પુરતા મધુરસના સંગ્રહ માટેની જગ્યા પુરી પાડવી.  

(9) ઋતુની શરૂઆતમાં કોલોનીઓને વધુમાં વધુ સૂર્યપ્રકાશ મળી રહેવો જોઈએ.  

(10) કોલોનીને ફરીથી રાણી યુક્ત બનાવવાથી ટોળાના વલણને ઓછુ કરવામાં મદદ કરે છે. યુવાન રાણી વધુ ફીરોમોન્સ પેદા કરે છે આથી કાર્યકરોની ટોળામાં જવાની તૈયારીને અટકાવે છે.

(11) કોલોનીમાં ટોળાના વલણને ઘટાડવાનાં સારો રસ્તો રાણીની પાંખ કાપવી તે છે.  

(12) તેઓ ટોળામાં જાય તે પહેલાં રાણીના કોષોને દૂર કરવા જેને ‘કટિંગ ક્વીન સેલ્સ’ કહે છે જે ટોળાના વર્તનને દબાવવામાં ઉપયોગી છે.    

(7) સ્થળાંતર વ્યવસ્થાપન :      

        મધમાખીઓ પોતાના જીવનના બચાવ અને મધના ઉત્પાદન માટે જ્યાં મધમાખીના છોડ પુરતા પ્રમાણમાં હોય ત્યાં એક થી બીજે સ્થળે મધમાખી કોલોનીઓનું સ્થળાંતર કરે છે જે મધમાખીપાલક માટે એક જરૂરી કાર્ય છે. દા.ત. મેદાનોમાંથી જંગલો-ટેકરીઓ પરથી ખેતરો અને મેદાનોમાં રહેલ ફળવાડીઓ તરફ સ્થળાંતર થતાં સ્થાનિક મધમાખીઓના છોડ અને વનસ્પતિઓ પ્રાપ્ત થતાં મધમાખી કોલોનીને પુરતો ખોરાક મળી રહે છે. ઉત્તરાખંડના તરાઈ વિસ્તારમાં સ્થળાંતરિત મધમાખી ઉછેર વડે મધના ઉત્પાદનમાં વધારો થાય છે અને કોલોનીઓનો ગુણાકાર થાય છે. પંતનગર ખાતે કોલોનીઓના સ્થળાંતરનું પત્રક અત્રે દર્શાવેલ છે :  

સ્થળાંતર માટે કોલોનીઓને તૈયાર કરવી :    

(1) પ્રવેશ માટેના પડદાનો ઉપયોગ કરી યોગ્ય રીતે હવાની અવરજવર પુરી પાડવી અને ગરમ હવામાનના સમયે અંદરના કવરને બદલે ટોચ ઉપર પડદો મૂકવો.

(2) મધપૂડાના બધા જંગમ ભાગોને યોગ્ય રીતે ખીલા લગાવો અથવા તેને માઈગ્રેટરી બેલ્ટ વડે બાંધો.

(3) કોલોનીને પેકિંગ કરતા પહેલાં મધ માટેની ફ્રેમોને દૂર કરવી. તેમ છતાં મુસાફરી દરમ્યાન કોલોનીઓને પુરતો ખોરાક મળી રહેવો જોઈએ.

(4) સાંજના સમયે જ્યારે બધી મધમાખીઓ પાછી ફરે ત્યારે પ્રવેશ ધ્વાર બંધ કરો.

(5) કોલોનીઓ રાત્રિના સમયે ખસેડવી જોઈએ. મધમાખીપાલકે સ્થળાંતરની જગ્યા નક્કી કરતી વખતે મધ માટેના સ્ત્રોતોનું જ્ઞાન અને આસપાસના વિસ્તારમાં મધમાખી કોલોનીઓની ઘનતા વિષે જાણી લેવું જોઈએ. જે વિસ્તારમાં વધુ મધમાખીની કોલોનીઓ હોય તે વિસ્તારથી દૂર રહેવું જોઈએ.   

(6) સ્થળાંતરમાં એક ટ્રક ભરેલ મધમાખીઓને 200 કિ.મી. કે તેથી વધુ અંતર સુધી પહોંચાડાય છે. જો એક રાત્રિમાં મુસાફરી પુરી ન થાય તો ગરમીના સમયે ટ્રકને દિવસ દરમ્યાન છાંયામાં રાખવી, પ્રવેશનો ભાગ ખુલ્લો કરવો અને પાણીની વ્યવસ્થા કરવી. મધપૂડાનું પ્રવેશ ધ્વાર બંધ કરી સાંજના સમયે મુસાફરી ચાલુ કરવી.   

(7) જે સ્થળે જવાનું હોય ત્યાં પહોંચી ગયા બાદ ઈચ્છિત જગ્યાએ કોલોનીને મૂકવી. ત્યારબાદ પ્રવેશ ધ્વાર પરનો પડદો દૂર કરવો.

(8) સફળ મધમાખીપાલન માટે અન્ય વ્યવસ્થાપન પદ્ધતિઓ :   

વિવેકપૂર્ણ રીત :     

(1) કોલોનીનું મજબૂતાઈનું નિરીક્ષણ કરો અને નબળી કોલોનીનું એકીકરણ કરો.

(2) આદર્શ કોલોનીની આકારણી માટે લોજીસ્ટીક સેવાઓનો ઉપયોગ કરો.

(3) મજબૂત આયોજન માટે બચ્ચાંઓની ફ્રેમને મધના પ્રવાહની ઋતુ સાથે સુસંગત હોવાની ખાતરી કરો.  

(4) મજબૂત કોલોનીઓ સાથે નબળી કોલોનીઓને જોડવી નહિ.  

સ્ટોકની વ્યવસ્થા :   

        બધા હેતુઓને પુરા પાડવા માટે જનીનિક ગુણવત્તા જાળવવી જરૂરી છે.  

(1) સ્ટોકની જાળવણી કરવી કે જે વ્યાપક રોગ અને જીવાત સામે પ્રતિકારકતા ધરાવતો હોય

(2) સારૂ સંવનન કરતી રાણી અને આનુવંશિક રીતે વૈવિધ્યસભર કોલોનીને ઉચ્ચ ડ્રોન ઘનતા પુરી પાડવી.

(3) અતિ રક્ષણાત્મક હોય તેવા સ્ટોકનો અસ્વિકાર કરવો.  

(4) જ્યારે અન્ય કોલોનીઓ તણાવના લક્ષણો દર્શાવતી હોય ત્યારે સમૃદ્ધ કોલોનીઓનો ફેલાવો કરે તેવા સ્ટોકની પસંદગી કરવી.

(5) વર્ષમાં એક વખત કોલોનીઓમાં રાણીનું ફેરસ્થાપન કરો.  

મધપૂડાની જાળવણી :

(1) સાધનોને સારી સ્થિતિમાં જાળવી રાખો.

(2) મધમાખી ઉછેર માટે મધપૂડાની સ્થિતિ તપાસો.  

(3) સડી ગયેલ, ઢીલાં કે તૂટી ગયેલ બોર્ડ અને ફ્રેમોની ચકાસણી કરવી.

(4) ફ્રેમના ભાગોને બદલવા અથવા ફરીથી બાંધવા કે ટાઈટ કરવા.   

(5) ઉનાળાની ગરમી સામે રક્ષણ આપવા માટે હળવા રંગથી પેટીને રંગવી.

(6) જાળવણી અને નવી ઋતુ માટેની તૈયારી માટે શિયાળાના મહિનાઓનો લાભ લેવો.   

આરોગ્યરક્ષા કે સ્વચ્છતા :

        સારી સ્વચ્છતા રોગ અને જીવાતોનો ઉપદ્રવ ઘટાડે છે.

(1) કોલોનીઓ વચ્ચે રોગકારકોનો પ્રસાર ન થાય તે માટે અથવા ઘટાડો કરવા માટે સારી આરોગ્યરક્ષા એટલે કે સ્વચ્છતા રાખવી જોઈએ જે માટે હાથ, હાથમોજાં અને અન્ય સાધનો સ્વચ્છ કરી તેનો ઉપયોગ કરવો.   

(2) જૂના મીણમાં રસાયણોના અવશેષો ઘટાડવા માટે નવો પાયા સહિત કોમ્બને બદલવો.  

(3) કોમ્બને બદલવા માટેનું પત્રક વિકસાવવું.  

મધપૂડાની સલામતી :  

        મધપૂડાની સલામતી ધ્વારા આર્થિક ખોટ ઓછી કરી શકાય છે.  

(1) પરાગનયન પાકોના મૂલ્યમાં વધારો થતાં ચોરીની શક્યતા વધે છે તેથી જાગૃત રહો.

(2) શિયાળામાં કોન્ટ્રાક્ટ કરવો.  

(3) તમારા મધપૂડા કયા સ્થળે છે તેનો અભ્યાસ કરો.  

અંતિમ પગલાંઓ :  

(1) મધઉછેર માટેના અનુકુળ વિસ્તારોની જગ્યાઓ અને તેની આસપાસના સ્થળોની તપાસણી કરો.  

(2) મધઉછેર માટે તમામ નવી બાબતોના ઉપયોગ અંગેના ક્વોરેન્ટાઈન પગલાંનું નિરીક્ષણ કરો.

(3) વર્ષ દરમ્યાન કોલોનીના આરોગ્ય બાબતે નિયમિતપણે તપાસ કરો.  

(4) હની કોમ્બ (મધપૂડા)નું વારંવાર નવીકરણ (દર બે વર્ષે) કરવું અને નિયમિતપણે (દર 1 થી 2 વર્ષે) રાણીની બદલી કરો.  .

(5) રાણીની પસંદગી કરતી વખતે રોગ પ્રતિકારક, આરોગ્યલક્ષી વર્તણૂક, સ્વોર્મ માટેનું ઓછું વલણ અને ઊંચી ઉત્પાદકતા વગેરે બાબતોને ધ્યાને લેવી.  

(6) મધપૂડાની ક્ષમતા પુરતી હોવાની ખાતરી કરો જેથી સ્વોર્મિંગને હતાશા મળે.  

(7) રોગનું ઊંચુ પ્રમાણ કે નબળી કોલોનીઓને દૂર કરી લૂંટફાટના કાર્યો અટકાવવા.

(8) જો ખોરાકનો સ્ટોક ન હોય અથવા હવામાનની પ્રતિકુળ સ્થિતિ હોય ત્યારે કોલોનીઓને ખોરાક પુરો પાડવો.  

(9) ખાસ કરીને ગરમીના સમયે પાણીનો પુરતો પૂરવઠો પુરો પાડવો.  

(10) મધમાખીના કલ્યાણ અને ઝેરી પદાર્થોને દૂર રાખી મધને દૂષિત થતું અટકાવવા માટે બી સ્મોકરનો યોગ્ય ઉપયોગ કરવો.   

(11) મધપૂડાને લાકડા ઉપરની રાસાયણિક માવજત કે જંતુનાશકો જેવા રંગ કે ઝેરી પદાર્થોના વાપરવાથી દૂર રાખવા.

(12) મધમાખી માટે ઉપયોગમાં લેવાની રજીસ્ટર્ડ થયેલ દવાઓનો તેમાં જણાવેલ માર્ગદર્શન મુજબ ઉપયોગ કરવો, સાધનોને સારી સ્થિતિમાં અને સ્વચ્છ રાખવા તથા જરૂર જણાય ત્યારે તેને બદલવા.


સ્ત્રોત : ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, ઓગષ્ટ 2022


સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com

www.krushikiran.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *