લોકાટને જાપાનીઝ મેડલર, લુકાટ અથવા લુગાથ પણ કહે છે. તેનું વૈજ્ઞાનિક માન એરીબ્રોટ્રિયા જાપોનિકા (Eribotrya japonica) છે. તેનું વિશ્વના ઉષ્ણકટીબંધીય વિસ્તારમાં આવેલા દેશોમાં વાવેતર થાય છે. તેને ગરમ હવામાન માફક આવે છે અને શિયાળા દરમ્યાન તાપમાન 100 સે. થી નીચે જવું ન જોઈએ. લોકાટના મુખ્ય ઉત્પાદક દેશોમાં ચીન, જાપાન, બ્રાઝિલ અને ભારતનો સમાવેશ થાય છે. તે મૂળ ચીનનું વતની છે અને હાલમાં તેનું 30 દેશોમાં વેપારી ધોરણે વાવેતર થાય છે. લોકાટ એ રોઝેસી કુટુંબનું ફળ છે અને તે સફરજન, પીઅર અને પીચ જેવા ફળો સાથે નજદીકથી સંકળાયેલ છે. લોકાટની ઉનાળામાં કાપણી થાય છે. ફળની છાલ પાતળી હોય છે. ફળની છાલ પર સહેજ વાળ જેવા રેસા અને ફળ પીળાં થી નારંગી રંગના હોય છે. પીચ, લીંબું અને કેરીની માફક તેના ફળો એક ખાસ પ્રકારની મીઠી સુગંધ ધરાવે છે. તેના ફળનો માવો લીસો અને રસાળ હોય છે. ફળની મધ્યમાં 2 થી 5 મોટા કથ્થાઈ રંગના અખાદ્ય બીજ હોય છે. લોકાટના ફળનો સ્વાદ જાત મુજબ સહેજ ખટાશ થી મીઠો હોય છે. વિદેશમાં તેના ફળની સુગંધ ખુશનુમા હોય છે અને તે વિવિધ રીતે આરોગ્ય માટે લાભદાયી છે. જેવા કે ચામડી, આંખો, લોહીનું દબાણ, હાંડકાં અને દાંતમાં સુધારો કરે છે એટલું જ નહિ લોહીમાં હીમોગ્લોબિનના પ્રમાણમાં વધારો કરે છે અને કેન્સર થતું અટકાવે છે.
પોષણ મૂલ્ય અને આરોગ્યને થતા લાભો :
લોકાટના ફળો આવશ્યક પોષકતત્વો, વિટામિનો અને ખનીજોથી આરોગ્યને લાભદાયી અસર કરે છે જે કોઠામાં દર્શાવેલ છે :
લોકાટના ફળનું પોષણ મૂલ્ય (10 ગ્રામમાં)
| ક્રમ | ઘટક | પ્રમાણ |
| 1 | ભેજ | 86.6 થી 88.2 ગ્રામ |
| 2 | કેલેરી | 47 થી 168 કિલો કેલેરી |
| 3 | કાર્બોહાઈડ્રેટ | 9.6 થી 43.3 ગ્રામ |
| 4 | કુલ ખાદ્ય રેસા | 0.8 થી 1.7 ગ્રામ |
| 5 | પ્રોટીન | 0.43 થી 1.4 ગ્રામ |
| 6 | ફેટ | 0.2 થી 0.7 ગ્રામ |
| 7 | રાખ | 0.4 થી 0.5 ગ્રામ |
| 8 | કુલ દ્રાવ્ય ઘનપદાર્થો | 7.63 થી 12.97 બ્રિક્સ આંક |
| 9 | ટાઈટ્રેટેબલ એસિડિટી | 7.04 થી 9.78 ટકા |
| 10 | કેલ્શિયમ | 16 થી 70 મિ.ગ્રા. |
| 11 | આયર્ન | 0.28 થી 1.4 મિ.ગ્રા. |
| 12 | મેગ્નેશિયમ | 13 મિ.ગ્રા. |
| 13 | ફોસ્ફરસ | 20 થી 126 મિ.ગ્રા. |
| 14 | પૉટેશિયમ | 266 થી 1216 મિ.ગ્રા. |
| 15 | સોડિયમ | 1 મિ.ગ્રા. |
| 16 | વિટામિન સી | 1 થી 3 મિ.ગ્રા. |
| 17 | વિટામિન એ | 1528 થી 2340 આઈયુ |
| 18 | કુલ કેરોટીનોઈડસ | 196 થી 3020 માઈક્રોગ્રામ |
| 19 | કેરોટીન | 559 માઈક્રોગ્રામ |
| 20 | કુલ ફીનોલિક્સ | 33.6 મિ.ગ્રા. |
| 21 | કુલ ફ્લેવોનોઈડસ | 24.3 મિ.ગ્રા. |
ફળો સંતૃપ્ત ચરબી (ફેટ) અને સોડિયમનું પ્રમાણ ઓછું જ્યારે વિટામિન એ, સી અને ઈ, ખાદ્ય, રેસા, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને પૉટેશિયમનું ઊંચું પ્રમાણ ધરાવે છે. તેના કેટલાક આરોગ્યને થતા ચાવીરૂપ લાભો અત્રે દર્શાવેલ છે :
(1) ઊંચા પ્રમાણમાં વિટામિનો અને એન્ટિઓક્સીડેન્ટસ :
લોકાટ એ વિટામિન એ,સી અને ઈ નો ઉત્તમ સ્ત્રોત છે. વિટામિન એ આંખોની દ્રષ્ટિની સારી રીતે જાળવી રાખવા અને આંખોના આરોગ્ય માટે લાભદાયી છે. વિટામિન સી અને ઈ એન્ટિઓક્સીડેન્ટસ તરીકે કાર્ય કરી શરીરને મુક્ત કણો સામે રક્ષણ પૂરૂ પાડવામાં અને શરીરના આરોગ્યને જાળવી રાખવામાં મદદ કરે છે.
(2) રેસાથી સમૃદ્ધિ :
લોકાટનું ફળ ખાદ્ય રેસાથી સમૃદ્ધ છે જે પાચનમાં મદદ કરે છે અને શરીરના બાંધાને જાળવે છે.
(3) રોગપ્રતિકારક શક્તિ વધારવાના ગુણો :
લોકાટમાં રહેલ વિટામિન સી શરીરના રોગપ્રતિકારક તંત્રને સક્ષમ બનાવી શરીરને ચેપ તથા રોગો સામે રક્ષણ પૂરૂ પાડે છે.
ખોરાક તરીકે ઉપયોગ :
લોકાટનો ફળો ખોરાક તરીકે અનેકવિધ રીતે ઉપયોગમાં લેવામાં આવે છે. તેને તાજાં અથવા અન્ય ખોરાક સાથે મેળવીને પણ વિવિધ બનાવટો બનાવી શકાય છે.
(1) તાજાં ફળો : તાજાં ફળોને તેની ઉપરની છાલ દૂર કરીને સીધા જ આનંદપૂર્વક ખાઈ શકાય છે. તે નાસ્તામાં લેતાં સ્વાદિષ્ટ લાગે છે.
(2) સલાડ : લોકાટના ફળોના ટુકડા ફળોના સલાડમાં ઉમેરી ખાઈ શકાય છે. તેના ટુકડા શાકભાજી, સૂકો મેવો અને ચીઝ સાથે મિશ્ર કરી ખાવામાં આવે તો અનન્ય સ્વાદ આપે છે.
(3) ડેઝર્ટ : લોકાટનો ઉપયોગ પાઈ, ટાર્ટસ વગેરે વાનગીઓમાં સુગંધ લાવવા માટે થાય છે.
(4) જ્યુસ અને ઠંડાઈ : લોકાટના ફળોનો રસ આરોગ્યવર્ધક અને સુગંધીદાર પીણાં બનાવવામાં થાય છે. તેને અન્ય ફળો સાથે મિત્ર કરી ઠંડાઈ (સ્મુથી) બનાવાય છે.
મૂલ્ય વર્ધક બનાવટો :
લોકાટના ફળો સ્વાદિષ્ટ હોઈ તાજાં ફળો સીધા જ ખાવામાં આવે છે પરંતુ તેમાંથી મૂલ્ય વર્ધક બનાવટો બનાવી તેને લાંબા સમય સુધી રાખી શકાય છે. આવી કેટલીક બનાવટોની માહિતી અત્રે દર્શાવેલ છે :
(1) લોકાટ જામ/જેલી :
લોકાટનો જામ કે જેલી એ તેની શ્રેષ્ઠ અને વ્યાપક પ્રમાણમાં ઉપયોગમાં લેવાતી બનાવટ છે. તેના ફળના માવામાં જરૂરી પ્રમાણમાં મોરસ અને લીંબુનો રસ ઉમેરી ગરમ કરી મધુર અને સ્વાદિષ્ટ જામ કે જેલી મેળવાય છે. તેનો ઉપયોગ ટોસ્ટ, બિસ્કીટ ઉપર ચોપડીને અને વાનગીમાં ઉપર ખોરાક તરીકે લેવાય છે.
(2) લોકાટ પ્રિઝર્વ્સ :
ફળોને ઉકાળીને તેમાં મોરસ તથા તજ કે આદુના ટુકડા ઉમેરી લોકાટ પ્રિઝર્વ્સ બનાવવામાં આવે છે. તેને બ્રેડ ઉપર ચોપડીને અથવા પેસ્ટ્રીમાં ઉમેરીને ખોરાકમાં લેવાય છે.
(3) લોકાટ ચટણી :
લોકાટના માવામાં વિનેગાર અને ગરમ મસાલા ઉમેરીને ચટણી બનાવવામાં આવે છે. તેનો ઉપયોગ ચીઝ, માંસ અને કઢીમાં થાય છે.
(4) લોકાટ લિકર :
લોકાટના ફળોને આલ્કોહોલમાં મેળવીને તેમાં મોરસ અને કેટલાક મરીમસાલા ઉમેરી આલ્કોહોલ ધરાવતું પીણુ તૈયાર કરવામાં આવે છે જે વિરલ અને આનંદ આપે છે. તેનો ઉપયોગ ખોરાક લેતા પહેલાં પીવાના પીણાં તરીકે થાય છે.
(5) લોકાટ સીરપ :
લોકાટ સીરપ એ સર્વ ખોરાકમાં લેવાતી બનાવટ છે જેનો ઉપયોગ કેક, આઈસક્રીમ, પીણાં, બેકરીની બનાવટો, ડેઝર્ટસ વગેરેમાં મીઠાશ માટે થાય છે.
(6) લોકાટ આઈસક્રીમ :
લોકાટના ફળનો માવો કણીદાર અને કુદરતી મીઠાશ ધરાવતો સ્વાદિષ્ટ હોઈ ઘરે બનાવતા આઈસ્ક્રીમમાં તે પૂર્ણ રીતે વાપરી શકાય છે. તેના ફળના માવાની પ્યુરી બનાવી આઈસ્ક્રીમ બનાવવાના મિશ્રણમાં મિક્સ કરી કોઠીમાં ફેરવી ઠંડો આઈસ્ક્રીમ બનાવી ખોરાકમાં લેવાય છે.
(7) લોકાટ ફ્રુટ લેધર :
લોકાટની પ્યુરીને ટ્રેમાં પાથરી તેમાંનો ભેજ દૂર કરી ચૂસવા માટેની મીઠી ફળની પટ્ટીઓ મેળવાય છે જે નાસ્તા તરીકે અથવા તો ઘરે બનાવાતી વાનગીઓમાં મિશ્ર કરીને વપરાય છે.
(8) લોકાટનો મુરબ્બો :
આ લોકાટની એક વિરલ બનાવટ છે જે મીઠી અને સ્વાદિષ્ટ વાનગીઓની ડીસમાં પીરસાય છે. તેના ફળના માવાને રાંધી તેમાં મોરસ અને મસાલા ઉમેરી નરમ અને સીરપ જેવો મુરબ્બો બનાવાય છે. તે માંસ, યોગર્ટ, કેરેમલ, કેક, ડેઝર્ટસ વગેરે સાથે પીરસાય છે.
આમ, લોકાટ એ આરોગ્ય માટે લાભદાયક ફળ છે. જેની વિવિધ મૂલ્ય વર્ધક બનાવટો બનાવી આખુ વર્ષ તેનો ઉપયોગ કરી શકાય છે. આથી ખોરાકમાં તેનો સમાવેશ કરવો લાભદાયી છે.
સ્ત્રોત : ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, ફેબ્રુઆરી 2024
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in

