કઠોળ પાકો એ રોમન સામ્રાજ્યથી પણ પ્રાચીન સમયના છે. નિયોલિથિક સમયની પ્રથમ સંસકૃતિ સાથે કઠોળપાકો જોડાયેલા છે અને તેને ખેતીનું મુળ ગણવામાં આવે છે. ઘણા પ્રાચીન સમયથી એટલે કે 8000 વર્ષથી પણ વધુ સમયથી કઠોળપાકોનું વાવેતર ભારતમાં થતું હતુ તેવા મહત્વના પૂરાવા પણ મળેલ છે. ભારતીય આહારમાં પણ ધાન્યો સાથે તેનો પૂરક આહાર તરીકે વપરાશ થતો હતો. ઈ.સ. પૂર્વે 3300 વર્ષ પહેલાં સિંધુ ખીણની સંસ્કૃતિના સમયમાં પંજાબની રવી નદીની આસપાસ કઠોળનું ઉત્પાદન થતું હતું તેવા અવશેષો પુરાતત્વજ્ઞોએ શોધેલ છે. ઈજીપ્તના પિરામિડોમાં પણ મસુર (લેન્ટિલ – lentil) નું વાવેતર થતું હોવાના પૂરાવા મળેલ છે. ભારતના ઈતિહાસમાં કઠોળપાકો ભારતનું ઉદભવસ્થાન છે તેવું સર્વાનુમતે સ્વિકારવામાં આવેલ છે. અગાઉ સદીઓથી તેના પરંપરાગત ઉપયોગો અને તેના ગુણો વિષે સહુ જાણે છે. પાક પદ્ધતિમાં કઠોળનો સમાવેશ તેના લાંબા ગાળાના લાભોને કારણે કરવામાં આવેલ જેનો મુખ્ય હેતુ પાકની ઉત્પાદકતા વધારવાનો અને ધાન્ય આધારિત પાક પદ્ધતિની ટકાઉતા સુધારવાનો હતો. કઠોળપાકો જૈવિક રીતે નાઈટ્રોજન સ્થિરીકરણ કરવાની વિરલ ક્ષમતા ધરાવે છે અને તેનું ઊંડુ મૂળતંત્ર પાકના જીવનકાળ દરમ્યાન રાસાયણિક ખાતરોની જરૂરિયાતમાં ઘટાડો કરે છે અને હવામાનની પરિસ્થિતિને અસર કરે છે. તે ઉગતા પાકને નાઈટ્રોજન પુરો પાડે છે એટલું જ નહિ પણ તેના અવશેષો ધ્વારા જમીનમાં નાઈટ્રોજન ઉમેરી ત્યારબાદ લેવામાં આવતા પાકના ઉત્પાદનમાં વધારો અને જમીનના ભૌતિક ગુણોમાં સુધારો કરે છે. સને 2015 અને 2016 ના વર્ષને યુનાઈટેડ નેશન્સ (UNO) ધ્વારા અનુક્રમે ‘ઈન્ટરનેશનલ ઈયર ઑફ સોઈલ્સ’ અને ‘ઈન્ટરનેશનલ ઈયર ઓફ પલ્સીસ’ જાહેર કરવામાં આવેલ તેમજ ટકાઉ કૃષિ માટે જમીન અને કઠોળ વચ્ચે મજબૂત જોડાણ અંગેની હિમાયત કરેલ. આમ પાક પદ્ધતિઓમાં કઠોળપાકને સંકલિત કરી એકંદરે ખેતરની ટકાઉતા અને જૈવ વિવિધતામાં સુધારો, અન્ન અને પોષણની સલામતીમાં વધારા વડે આવક વધારી, ઈકોસીસ્ટમમાં સુધારો કરી છેવટે જમીનને તંદુરસ્ત અને ઉત્પાદકીય બનાવી શકાશે.

કઠોળપાકો પરંપરાગત કૃષિમાં લાંબા સમયથી મહત્વનો ફાળો આપે છે અને તેનો લાંબા સમયથી ઉપયોગ થતો હોવાનો ઈતિહાસ પણ છે. કઠોળપાકોની કાપણી કરી સૂકવતાં કઠોળના દાણા મળે છે. વિશ્વમાં તેનું વાવેતર 10,000 વર્ષથી થાય છે અને મોટા પ્રમાણમાં તેનો ખાદ્ય પાક તરીકે ઉપયોગ થાય છે. તેનો મુખ્ય ખોરાક તરીકેના ઉપયોગનો લાંબો ઈતિહાસ મળવાનું મુખ્ય શક્ય કારણ આ પાકોના બીની કાપણી સહેલાઈથી કરી શકાય તે છે. આ સિવાય આ પાકોનો ટુંકો સમયગાળો અને ઊચું પોષણ મૂલ્ય તેને આદર્શ પાક બનાવે છે, કઠોળપાકો કુદરતી રીતે જૈવિક રીતે નાઈટ્રોજનનું સ્થિરીકરણ કરવાની ક્ષમતા ધરાવતા અને તેના પાન જમીન ઉપર ખરી પડી જમીનના આરોગ્યમાં સુધારો કરવાના ગુણ જેવા લક્ષણો ધરાવતા હોવાથી તે ખેતી અને પર્યાવરણમાં મહત્વનો ફાળો આપે છે. જો કે આ બધા લાભો હોવા છતાં હરિયાળી ક્રાન્તિને કારણે ડાંગર અને ઘઉં જેવા પાકોનું વાવેતર વધવાને કારણે તાજેતરમાં કેટલીક સદીઓથી કઠોળપાકોનું વાવેતર ઘટવા પામેલ છે. આથી ટકાઉ રીતે અન્ન અને પર્યાવરણની સલામતી માટે કઠોળપાકોનું વાવેતર વધે તે માટે પ્રયાસો કરવાની જરૂર છે. અત્રે ખેતી પદ્ધતિમાં કઠોળપાકોના ઉપયોગ અને તેના જમીન આરોગ્ય અને પર્યાવરણને થતા લાભોની વિગત દર્શાવેલ છે :
ભારતમાં કઠોળનો ઈતિહાસ :
જુની અને નવી દુનિયામાં હજારો વર્ષોથી કઠોળપાકોનું વાવેતર થતું આવેલ છે. પુરાતત્વીય પૂરાવા દર્શાવે છે કે ઈ.સ. પૂર્વે 500 વર્ષ પહેલાં કઠોળપાકોનું વાવેતર થતું હતું અને વર્તમાનના લેખિત પૂરાવા મુજબ સોયાબીન એ જૂનામાં જૂનુ ઉગાડાતુ કઠોળ છે કે જે ઈ.સ. પૂર્વે 3000 વર્ષ પહેલાં ચીનમાં થતું હતુ. એક નોંધ મુજબ સોયાબીન અને મગફળી ઉપરાંત અન્ય મહત્વના કઠોળ તરીકે મસૂરનો સમાવેશ થાય છે જે દક્ષિણપશ્ચિમ એશિયાનું મૂળવતની છે અને એશિયાના ભાગોમાં તે થતું જોવા મળે છે. પુરાતત્વજ્ઞોએ ઈ.સ. પૂર્વે 3300 વર્ષ પહેલાં સિંધુ ખીણની સંસ્કૃતિના સમયે પંજાબની રવી નદીની આસપાસ કઠોળ ઉત્પાદન થતુ હોવાના પૂરાવા શોધેલ છે. પ્રાચીન સમયથી ભારતની કૃષિમાં કઠોળ અગત્યનો ભાગ હતો અને ભારતના દરેક ભાગોમાં ભારતીય આહારમાં તેનો સમાવેશ થતો હતો અને ખાસ કરીને ધાન્ય આધારિત આહારમાં પૂરક તરીકે ઉપયોગ થતો હતો.
ઈતિહાસમાં ભારતને કઠોળપાકોનું મૂળ વતની હોવાનું સર્વ સામાન્યપણે સ્વિકારવામાં આવેલ છે તેમજ તેનું ઉષ્ણ કટીબંધીય વાતાવરણ પણ વિવિધ કઠોળપાકના વાવેતર માટે અનુકુળ પરિસ્થિતિ પેદા કરે છે. ભારતમાં ઉગાડાતા કઠોળ અને તેના મુળ ભૌગોલિક પ્રદેશો વિષેની માહિતી કોઠામાં દર્શાવેલ છે :
પાક અને તેના મુળ ભૌગોલિક પ્રદેશો
| ક્રમ | કઠોળપાક | મુળ ભૌગોલિક પ્રદેશ |
| 1 | ચણા (Chick pea) | ટર્કી – સીરિયા |
| 2 | તુવેર (Pigeon pea) | ભારત |
| 3 | મસૂર (Lentil) | દક્ષિણપશ્ચિમ એશિયા (ટર્કી – સાયપ્રસ) |
| 4 | અડદ (Black gram) | ભારતીય ઉપખંડ |
| 5 | મગ (Green gram) | ભારતીય ઉપખંડ |
| 6 | વાલ (Lablab beam) | ભારતીય ઉપખંડ |
| 7 | કુલથી (Horse gram) | ભારતીય ઉપખંડ |
| 8 | વટાણા (Pea) | દક્ષિણ યુરોપ |
| 9 | ખેસરી (Grass pea) | દક્ષિણ યુરોપ |
| 10 | ચોળા (Cow pea) | પશ્ચિમ આફ્રિકા |
ઈ.સ. પૂર્વે 3,200 થી 2000 દરમ્યાન હરપ્પાની સિંધુ-સરસ્વતી સંસ્કૃતિના સમયમાં ચોળા (Cow pea) એક કઠોળ તરીકે ઉગાડવામાં આવતા હતા. ભારતમાં ઈ.સ. પૂર્વે 5500 પહેલાં અડદ (Black gram) અને ઈ.સ. પૂર્વે 7000 પહેલાં મગ (Green gram) જંગલી રીતે ઉગતા હતા તેવું માનવામાં આવે છે. વેદો (ઋગ્વેદ, યજૂર્વેદ, સામવેદ અને અર્થવવેદ) ઈ.સ. પૂર્વે 8000 થી 1000 વર્ષોમાં સંકલિત કરી સંગ્રહવામાં આવેલ. ઋગવેદ (ઈ.સ. પૂર્વે 8000 વર્ષ પહેલાં) અને યજૂર્વેદ (ઈ.સ. પૂર્વે 7000 વર્ષો પહેલાં) અને બૃહદઆરણ્યક (ઈ.સ. પૂર્વે 5500 વર્ષો પહેલાં) માં મસૂર બાબતે જણાવેલ છે. ઈન્ડો-ઈટાલિયન વિસ્તારમાંથી આવેલ આર્યોની ભિન્ન ટોળીઓએ ભારતના વિવિધ ભાગોમાં વસવાટ કરેલ. આર્યોના મુખ્ય ખોરાક તરીકે જવ (Barley) ના ઉપયોગ બાબતે ઋગ્વેદમાં જણાવેલ છે. ત્યારબાદના લખાણોમાં ઘઉં, મસૂર, મિલેટસ અને શેરડીનો ઉપયોગ આર્યો કરતા હતા તેવો ઉલ્લેખ છે. તામિલના સંગમ સાહિત્યમાં પણ કુલથી (Horse gram) સાથે કોદરા (Kodra) નો આંતરપાક લેવાયાનો ઉલ્લેખ છે.
ભારતના ખેડૂતો પરંપરાગત રીતે કઠોળની ખેતીના અનુભવો ધરાવે છે. ખેડૂતો કેટલાક કઠોળ અને ધાન્યપાકોનું વાવેતર કરી ઘેટાં, બકરાં અને ગાયોનો ઉછેર કરતા થયા.
માનવ આરોગ્ય અને અન્ન સલામતીમાં કઠોળનો ફાળો :
માનવ શરીરમાં અસંતુલિત આહાર અને પોષણની જીવનશૈલીને કારણે ઘણા રોગો થાય છે. છેલ્લા દસકાથી વર્તમાન સમયમાં લોકોનો સારા આરોગ્ય બાબતે રસ વધતાં જીવનશૈલીમાં ફેરફાર આવ્યો છે. તે જોતાં લોકોમાં કઠોળનું ઊંચું પોષણ મૂલ્ય અને આરોગ્ય જાળવણી માટે કઠોળ આધારિત ખોરાકનો વપરાશ વધતાં તેના મહત્વમાં વધારો થયો છે. કઠોળ ઊંચુ મૂલ્ય ધરાવતા પાકો તરીકે જાણીતા બન્યા છે જે પોષણમાં સમૃદ્ધ અને 20 થી 45 ટકા પ્રોટીન સહિત એમિનોએસિડસ, 60 ટકા કાર્બોહાઈડ્રેટસ, 5 થી 37 ટકા રેસા અને આવશ્યક ખનીજો તથા વિટામિનોનો ઉત્તમ સ્ત્રોત છે. એક કિલો કઠોળ અંદાજે 180 થી 430 ગ્રામ પ્રોટીન , 126 થી 660 ગ્રામ કાર્બોહાઈડ્રેટસ, 7 થી 64 ગ્રામ ખાદ્ય રેસા, 7 થી 400 ગ્રામ તેલ, 900 થી 2400 મિ.ગ્રા. કેલ્શિયમ અને 28 થી 115 ગ્રામ આયર્ન ધરાવે છે. ભૂખમાં ઘટાડો, ખોરાકના બંધારણમાં સુધારો, રોગ આવતા અટકાવવા અને માનવ તથા પશુ આરોગ્યમાં સુધારો કરવા જેવા યુનાઈટેડ નેશન્સના ટકાઉ વિકાસના લક્ષાંકોને પૂર્ણ કરવા માટે કઠોળના પોષણદાયી લાભો મહત્વનો ફાળો આપે છે.
જમીન આરોગ્ય અને પર્યાવરણમાં કઠોળનો ફાળો :
21મી સદીમાં જમીનનો ટકાઉ ઉપયોગ કરવો એ એક વૈશ્વિક પડકાર છે. પૃથ્વી ઉપર વધતો જતો વસ્તી વધારો અને અન્નની માંગ એ ટકાઉ ઉત્પાદન અને પર્યાવરણ માટે એક ભયજનક બાબત છે. આમ આપણો ધ્યેય ફક્ત અન્ન અને પોષણની માંગ પુરી કરવી એ નથી પરંતુ તે સાથે કુદરતી પર્યાવરણ અને જમીનનું આરોગ્ય જોખમાવું ન જોઈએ. સને 1940માં નાઈટ્રોજન રાસાયણિક ખાતરની શોધ પહેલાં જમીનમાં નાઈટ્રોજનનું સ્તર જળવાય તે માટે મોટા ભાગની પાક પદ્ધતિઓમાં કઠોળનો સમાવેશ કરવામાં આવતો હતો. કઠોળનો ખોરાક તરીકે થતો ઉપયોગ કુપોષણને દૂર રાખવામાં જાણીતો હતો. તે ઉપરાંત તેની કેટલીક સકારાત્મક અસરો જોવા મળતી જેવી કે, જૈવિક રીતે નાઈટ્રોજનનું સ્થિરીકરણ, નીંદણને દબાવી દેવું, કવર પાક તરીકે ઉપયોગ કરી જમીનનું ધોવાણ અટકાવવું, જમીન આરોગ્યમાં સુધારણા વગેરે. જમીનના ભૌતિક, રાસાયણિક અને જૈવિક ગુણો, પ્રક્રિયાઓ અને પ્રતિક્રિયાઓ ધ્વારા કઠોળ પાકોને કવર ક્રોપ તરીકે ઉગાડી છોડમાંના પોષકતત્વો અને ધોવાણ અટકાવી જમીનનું રક્ષણ કરી શકાય છે. તેને લીલા પડવાશના પાકો તરીકે ઉગાડી જમીનમાં દબાવી દેતાં જમીનના ભૌતિક ગુણોમાં સુધારો કરે છે.
કઠોળપાકો પરંપરાગત રીતે લીલા ખાતર તરીકે ઉગાડી જમીનમાં ભેળવીને જમીનના આરોગ્યને ફાયદો કરવામાં ભાગ ભજવે છે. જૈવિક રીતે કઠોળપાકો રાઈઝોસ્ફેરિક સૂક્ષ્મજીવો સાથે પ્રતિક્રિયા કરી ફાયદો કરતાં જમીનમાંના સૂક્ષ્મજીવોને પ્રોત્સાહન આપે છે અને હવામાંના નાઈટ્રોજનનું સ્થિરીકરણ કરે છે, જમીનમાંના અદ્રાવ્ય ફોસ્ફરસને દ્રાવ્ય બનાવે છે, કેટલાક મુખ્ય અને સૂક્ષ્મ પોષકતત્વોની પ્રાપ્યતામાં વધારો કરે છે, જમીનના સેન્દ્રિય કાર્બનને જાળવે છે કે પુનઃપ્રાપ્ય બનાવે છે અને આ રીતે જમીનના રાસાયણિક ગુણધર્મોમાં સુધારણા કરી જમીનને ફળદ્રુપ બનાવે છે. એવું પણ નોંધવામાં આવેલ છે કે કઠોળપાકો જમીનમાં જૈવિક ક્રિયાઓ માટે સપાટી પુરી પાડે છે અને જમીનમાં સેન્દ્રિય પદાર્થો ઉમેરી જમીનના રાસાયણિક ગુણોમાં સુધારણા કરે છે અને જમીનના ભૌતિક ગુણો ઉપર સકારાત્મક અસર પેદા કરે છે. કેટલાક અભ્યાસો ધ્વારા સાબિત થયું છે કે કઠોળપાકો રાઈઝોબિયમ જેવા જીવાણુઓ અને અન્ય પાકનો વિકાસ કરતા રાઈઝોબેક્ટેરીયા સહજીવ જીવન જીવીને હવામાંના નાઈટ્રોજનનું જમીનમાં સ્થિરીકરણ કરી પાકની ઉત્પાદકતામાં વધારો અને જમીનના આરોગ્યમાં સુધારો કરે છે.
કઠોળપાકો એવી પાકની પ્રજાતિઓ છે કે જે વિવિધ પર્યાવરણીય સેવાઓ બજાવે છે જેમ કે, અંગારવાયુ અને નાઈટ્રસ ઓક્સાઈડ જેવા ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં ઘટાડો કરે છે, જમીનમાં સેન્દ્રિય કાર્બનની સાંદ્રતામાં વધારો કરવામાં મહત્વનો ભાગ ભજવે છે કે જે કૃષિ ઉત્પાદકતા માટે મહત્વનું છે. એટલું જ નહિ તે વાતાવરણમાંના અંગારવાયુની જપ્તી કરે છે અને એકંદરે અશ્મીભૂત ઊર્જા ઈનપુટસના ઉપયોગમાં ઘટાડો કરે છે અને તે રીતે પર્યાવરણીય અધોગતિને અટકાવી રક્ષણ પૂરૂ પાડે છે. કઠોળપાકો અન્ય પાકોની સરખામણીએ એકમ વિસ્તારમાંથી 5 થી 7 ગણા ઓછા ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન કરે છે તેવું સંશોધનમાં જણાવેલ છે. કઠોળપાકોની પર્યાવરણમાં શ્રેષ્ઠ અનુકુલનતા અને જમીન આરોગ્ય વધારવામાં તેના ફાળાને ધ્યાને લઈ વિવિધ પાક પદ્ધતિઓમાં કઠોળપાકોનો એક ભાગ તરીકે સમાવેશ કરવામાં આવે છે.
ટકાઉ કૃષિ અને ખેડૂત કલ્યાણમાં કઠોળપાકોનો ફાળો :
કઠોળપાકો પર્યાવરણીય રીતે સંપૂર્ણ, ખેડૂત માટેના કૃષિ વિકાસ પ્રયાસો ઉપર ધ્યાન આપતા પાક તરીકે અને ટકાઉ ખેતી પદ્ધતિઓના એક મહત્વના ઘટક તરીકે જાણીતા છે. ભારતીય કૃષિ પદ્ધતિઓમાં કઠોળપાકો બહુવિધ ફાળો આપી વિવિધ પાક પદ્ધતિઓમાં વિવિધતા અને ઘનિષ્ઠતા પુરી પાડવા માટે ઉપયોગી છે, હવામાંના મુક્ત નાઈટ્રોજનનું જમીનમાં સ્થિરીકરણ કરી જમીન આરોગ્યમાં સુધારો અને ધાન્યપાકના ઉત્પાદનમાં વધારો કરે છે, પાકચક્રમાં કઠોળપાકનો સમાવેશ રોગ-જીવાતના જીવનચક્રમાં વિક્ષેપ પેદા કરે છે અને સમગ્ર રીતે હવામાન ફેરફાર સામે રક્ષણ પૂરૂ પાડવામાં મદદરૂપ થાય છે. ખેડૂતનો મુખ્ય આશય વધુ આવક અને નફો મેળવી પોતાના જીવન માટે થતો ખર્ચ અને સમાજ કલ્યાણ માટેની જરૂરિયાત પુરી કરવાનો છે. આમ ખેડૂત પાકમાં વધુ ઉત્પાદન નહિ પરંતુ પાકમાંથી વધુ નફો કેમ મેળવાય તે ઈચ્છે છે. ખેડૂતના કલ્યાણ માટે કઠોળપાકો મહત્વનો ભાગ ભજવે છે કે જે કુટુંબ માટેના પોષણ માટેનો એક મહત્વનો સ્ત્રોત છે. તે ગ્રામ્ય અને શહેરોના ગરીબ સમાજના લોકોને પોષાય તેવો પ્રોટીન અને સૂક્ષ્મતત્વોનો સ્ત્રોત છે જે ઘરેલું આહારની ગુણવત્તામાં વધારો કરે છે અને તે રીતે પોષણ અને આરોગ્યમાં નોંધનીય ફાળો આપે છે. વિશેષમાં કઠોળપાકોને અન્ય પાકો સાથે મિશ્રપાકો તરીકે વાવતાં અથવા ધાન્યપાકોની વાવણી અગાઉ કઠોળપાકો લેવાથી તેની અવશેષ અસરને કારણે પાકમાં નાઈટ્રોજન રાસાયણિક ખાતરની જરૂરિયાત ઓછી પડે છે અને જમીનના આરોગ્યનો લાભ થાય છે. ઘણા કઠોળપાકો આવકનો મહત્વનો સ્ત્રોત છે જેને સ્થાનિક કે આંતરરાષ્ટ્રીય બજારમાં ઊંચી કિંમતે વેચી લાભ મેળવી શકાય છે. નાના પાયે ખેતી કરતા ખેડૂતો રોકડીયા પાક તરીકે કઠોળપાકો ઉછેરી આવક પેદા કરી શકે છે અને ભાવની વધઘટ તથા જીવાત અને હવામાનની ઉત્પાદન ઉપર થતી પ્રતિકુળ અસરને ખાળી શકે છે. આવા લાભોથી ખેડૂતો વંચિત હોઈ યુનોની સામાન્ય સભાએ સને 2016ના વર્ષને ‘આંતરરાષ્ટ્રીય કઠોળ વર્ષ’ (ઈન્ટરનેશનલ ઈયર ઑફ પલ્સીસ) તરીકે જાહેર કરેલ જેનો મુખ્ય હેતુ કઠોળના ઉપયોગો અંગે જાગૃતતા અને જમીનની ફળદ્રુપતા અને ટકાઉતા વધારવાનો તેમજ કઠોળપાકોની ખેતીની પરંપરાગત પદ્ધતિઓને જાણવાની વિરલ તકો પુરી પાડવાનો અને જમીનમાં કઠોળપાકોનું ઘનિષ્ઠ વાવેતર કરવાનો હતો. આમ પાક પદ્ધતિઓમાં કઠોળપાકોની ઊંચી ઉત્પાદનક્ષમતા અને રાસાયણિક ખાતરોના ઓછા ઉપયોગથી આવકમાં વધારો થવાથી કઠોળપાકો વધુ વળતર આપે છે.
સારાંશ :
કેટલીયે સદીઓથી ખેતરોમાં અજમાયશ અને ભૂલો વડે પરંપરાગત ખેતી પદ્ધતિઓની શોધ થયેલી છે અને તે અસરકારક, અનુકુલન અને સક્ષમ સાબિત થયેલી છે એટલે તેનો ઈન્કાર કરી શકાય નહિ કે ફગાવી શકાય નહિ. તેથી પરંપરાગત પદ્ધતિઓ અને આધુનિક ખેતી પદ્ધતિઓનો સમન્વય કરી નવા અભિગમો કે નવિનીકરણ પદ્ધતિઓ વિકસાવવી જોઈએ. ભારતમાં ટકાઉ વિકાસ માટે કઠોળપાકોની ઉત્પાદન પદ્ધતિઓનો ખેતીના મુખ્ય પ્રવાહમાં સમાવેશ કરવો જોઈએ. અન્નની સલામતી, રોજગારીની સારી તકો અને આવક પેદા કરવા માટે કઠોળપાકોના ઉપયોગ ધ્વારા કૃષિ ઉત્પાદનમાં વિવિધતા લાવવી જોઈએ. પાક ચક્રમાં કઠોળપાકોનો સમાવેશ કરી જમીનની ટકાઉતા અને પર્યાવરણની જાળવણી જેવા લાંબા ગાળાના લાભો મેળવવા જોઈએ. આમ ટકાઉ કૃષિ, માનવ સુખાકારી, જમીન આરોગ્ય અને પર્યાવરણ માટે કઠોળપાકોનો ફાળો નોંધનીય છે.
સ્ત્રોત : ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ ઓગષ્ટ 2024
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in

