યુરિયા ગોલ્ડ : સલ્ફર કોટેડ યુરિયા ખાતરના લાભોનો ઉપયોગ કરો (Urea gold: Harnessing the benefits of sulphar coated urea fertilizer)

      યુરિયા એ મોટા પાયે વપરાતું નાઈટ્રોજનયુક્ત ખાતર છે જેનો લાંબા સમયથી પાકના પોષણ માટે ઉપયોગમાં લેવાય છે. કૃષિ વૈજ્ઞાનિકોએ સર્વગ્રાહી અભિગમ અપનાવી અગ્રણી એકીકરણ ધ્વારા ‘યુરીયા ગોલ્ડ’ નામની બનાવટ યુરિયાના દાણાની ઉપર સલ્ફરનો પટ આપીને બનાવેલ છે જેમાં રહેલ નાઈટ્રોજન અને સલ્ફર બંને ખેતીમાં લાભકર્તા છે.

સલ્ફરની શક્તિ :  

        સલ્ફરને ચોથું મુખ્ય પોષકતત્વ ગણવામાં આવે છે જે છોડની વૃદ્ધિ અને વિકાસમાં મહત્વનો ફાળો આપે છે. તે પ્રકાશસંશ્લેષણ અને પોષકતત્વોના શોષણ માટે એમિનોએસિડ, ઉત્સેચકો તથા વિટામિનો જેવા આવશ્યક ઘટકો માટે જરૂરી છે. યુરિયા ગોલ્ડ એ સલ્ફરને આવરિત કરેલ યુરિયાની બનાવટ હોઈ પરંપરાગત ખાતરો કરતાં જમીનમાં સલ્ફરની ઉણપને પુરી કરે છે.    

લાભો :   

(1) સંતુલિત પોષકતત્વોનું વિતરણ :

        પડકાર : યુરિયા ખાતર જમીનમાં નાઈટ્રોજનનું અસંતુલન તરફ દોરે છે

        ઉકેલ : યુરિયા ગોલ્ડ સુનિશ્ચિતરૂપે ધીમે-ધીમે નાઈટ્રોજન છોડે છે, પોષકતત્વોનું  અસંતુલન અટકાવે છે અને છોડને માટે સતત પૂરવઠો પુરો પાડે છે.

(2) પોષકત્તવોની અસરકારકતામાં વધારો :   

        પડકાર : પરંપરાગત યુરિયા વાપરતાં તે હવામાં ઉડી જતાં પોષકતત્વોનો નાશ થાય છે.

        ઉકેલ : યુરિયાને સલ્ફરનો પટ આપેલ હોઈ હવામાં ઉડી જવાથી થતો નાશ લધુત્તમ રીતે અટકાવી શકાય છે એટલે પાક ઊંચી ટકાવારીમાં નાઈટ્રોજનનો ઉપયોગ કરે છે જે પોષકતત્વોની અસરકારકતામાં વધારો કરે છે.

(3) જમીન આરોગ્યમાં સુધારણા :   

        પડકાર : જમીનમાં સલ્ફરના સ્તરમાં ઘટાડો થવાથી સૂક્ષ્મજીવોની પ્રવૃત્તિઓ ઉપર તેની અસર થતાં એકંદરે જમીનના આરોગ્ય ઉપર અસર થાય છે.

        ઉકેલ : યુરિયા ગોલ્ડ જમીનમાં સલ્ફર ઉમેરી જમીનને સમૃદ્ધ બનાવે છે જેથી સૂક્ષ્મજીવોની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે છે અને જમીનના બાંધામાં સુધારો કરી પોષકતત્વોના ચક્રમાં નોંધપાત્ર ફાળો આપે છે.

(4) પર્યાવરણીય અસરમાં ઘટાડો :

        પડકાર : પરંપરાગત રીતે યુરિયા ખાતર આપતાં નાઈટ્રોજન ધોવાણ થઈ પાણીમાં ભળી જળ પ્રદૂષણ પેદા કરે છે.

        ઉકેલ : સલ્ફર કોટેડ યુરિયામાંથી નિયંત્રિત રીતે ધીરે ધીરે નાઈટ્રોજન છૂટો પડતો હોઈ નિતાર અને ધોવાણથી નાશ થવાનું જોખમ ઘટે છે અને પર્યાવરણ ઉપર લઘુત્તમ અસર થાય છે અને તથા પાણીની ગુણવત્તાને જાળવે છે.     

(5) પાક ત્પાદનમાં વધારો :  

        પડકાર :  અસંગત રીતે પોષકતત્વોની પ્રાપ્યતા પાક ઉત્પાદનની ક્ષમતાને મર્યાદિતપણે અસર કરે છે.

        ઉકેલ : યુરિયા ગોલ્ડ એકધારી રીતે અને લાંબા સમય સુધી પોષકતત્વોને છોડે છે એટલે કે પાક તેના વૃદ્ધિના તબક્કે જરૂરી પોષકતત્વો મેળવી શકે છે જેના પરિણામે પાક ઉત્પાદનમાં           વધારો થાય છે.

અમલીકરણ અને વિચારણા :

        ખેડૂતોએ ક્રાન્તિકારી સલ્ફર આવરિત યુરિયા ખાતર યુરિયા ગોલ્ડનો ખેતીમાં ઉપયોગ કરવા અંગે નીચેની ચાવી રૂપ બાબતો જાણવી જરૂરી છે. આ નવિન ખાતર અનેકવિધ લાભો આપે છે પરંતુ તેના અસરકારક ઉપયોગ માટે આયોજન પૂર્વકની વ્યૂહરચના અને માહિતગાર નિર્ણય પ્રક્રિયા અપનાવવી જોઈએ :    

(1) આપવાનો સમય :  

        યુરિયા ગોલ્ડના યોગ્ય પ્રતિસાદ માટે તેને આપવાનો સમય અગત્યનો છે. પાકના ઉગાવાની શરૂઆતથી ખાતર આપવાની ભલામણ છે જેથી ખાતર ધીરે ધીરે પાકના વિકાસના તબક્કે મળી રહે. વહેલું આપેલ ખાતર પાકને જીવનકાળ દરમ્યાન પોષકતત્વોનો સતત પૂરવઠો ખાતરીપૂર્વક પુરો પડે છે.  

(2) જમીન ચકાસણી :

        યુરિયા ગોલ્ડ આપતાં પહેલાં જમીનની ચકાસણી કરાવી લેવી એ એક મુળભૂત પગલું છે. જમીનની ચકાસણી જમીનમાં રહેલ પોષકતત્વોના સ્તરની માહિતી પુરી પાડે છે જેથી ખેડૂતો જમીન અને પાકની જરૂરિયાત પ્રમાણે ખાતરો આપવામાં વધ-ઘટ કરી શકે છે. આ રીતે ખાતરોના અસરકારક ઉપયોગ અંગે ચોકસાઈપૂર્વકનો ફાળો આપે છે.  

(3) સલાહકાર સેવાઓ

        કૃષિ વિસ્તરણ સેવાઓ, કૃષિવિજ્ઞાની કે નિષ્ણાતો પાસેથી સલ્ફર આવરિત યુરિયા ખાતરની માહિતી અંગે માર્ગદર્શન મેળવવું. આ પ્રકારની માહિતીની મદદ વડે ખાતરનું યોગ્ય પ્રમાણ, ખાતર કેટલી વખત આપવું અને પાક વ્યવસ્થા પ્રક્રિયામાં યુરિયા ગોલ્ડનું સંકલન કઈ રીતે કરવું તે જાણી યોગ્ય નિર્ણય લઈ શકાય છે.  

(4) જથ્થો અને આપવાનો દર :     

        વધારે પડતુ ખાતર અથવા ઓછુ ખાતર ન આપી શકાય તે રીતે ખાતરનો ચોક્કસ જથ્થો નક્કી કરવો. પાકની જાત, જમીનની સ્થિતિ અને પ્રાદેશિક હવામાનને આધારે નિષ્ણાતોનો સંપર્ક કરી યોગ્ય દરે ખાતર આપવાનું નક્કી કરવું. યુરિયા ગોલ્ડને ભલામણ કરેલ દરે આપતાં અસરકારક રીતે પોષકતત્વોનો ઉપયોગ થાય છે અને પર્યાવરણ ઉપર થતી અસર અટકાવે છે.  

(5) પર્યાવરણીય વિચારણા :

        યુરિયા ગોલ્ડ આપતાં હવામાં ઉડી જઈ નાઈટ્રોજનનો થતો વ્યય ઓછામાં ઓછો થાય છે જે પર્યાવરણીય ઉપર થતી અસરને અટકાવે છે. વધારે પડતા ખાતરો ન આપતાં પોષકતત્વોનો નિતાર કે ધોવાણથી થતો નાશ અટકાવી શકાય છે. આમ જવાબદારી પૂર્વકની ખાતર વ્યવસ્થા પર્યાવરણની ટકાઉતા અને પાણીની ગુણવત્તાની જાળવણીમાં ફાળો આપે છે.   

(6) પાક-ફેરબદલી અને સંકલન :  

        પાકની ફેરબદલીની યોજનામાં યુરિયા ગોલ્ડનો સમાવેશ કરવો. હાલમાં ઉગાડેલ પાકોમાં યુરિયા ગોલ્ડ આપી તેના લાભો મેળવી તેની ત્યારબાદ લેવામાં આવતા પાકમાં અસર જોવા મળે છે. આમ સંકલિત વ્યૂહરચના અપનાવી ટકાઉ કૃષિ પદ્ધતિઓનો ઉપયોગ કરી લાંબા ગાળા સુધી જમીનના આરોગ્યને જાળવી શકાય છે.  

(7) દેખરેખ અને ગોઠવણ :  

        યુરિયા ગોલ્ડ આપ્યા બાદ નિયમિત રીતે પાકનો પ્રતિસાદ અને જમીનની સ્થિતિ અંગેની દેખરેખ રાખવી. આ પ્રકારની તપાસથી વ્યૂહરચના નક્કી કરી પાકને જરૂરિયાત મુજબ અને પર્યાવરણની સ્થિતિમાં થતા ફેરફાર મુજબ ખાતર આપવાની ગોઠવણ કરી શકાય છે.       

(8) તાલીમ અને શિક્ષણ :   

        ખેડૂતો માટે યુરિયા ગોલ્ડ આપવાની તાલીમ અને તે અંગેના શૈક્ષણિક કાર્યક્રમો ગોઠવવા જોઈએ. આ રીતે જ્ઞાનથી ખેડૂતો સક્ષમ બનતાં માહિતી મુજબ નિર્ણય લઈ સફળતાપૂર્વક સંકલન સાધી આ નવિન ખાતરના વધુમાં વધુ લાભો મેળવી શકશે.    

(9) સંગ્રહ અને હેરફેર :

        યુરિયા ગોલ્ડની અસરકારકતા જાળવી રાખવા માટે તેનો યોગ્ય સંગ્રહ અને હેરફેર જરૂરી છે. તેનો સંગ્રહ સૂકી, ઠંડી જગ્યાએ, સીધા સૂર્યપ્રકાશ અને ભેજથી દૂર રહે તેવી જગ્યાએ કરવો. તેની હેરફેર માટે ભલામણ કરેલ માર્ગદર્શિકાનો અમલ કરવો જેથી તેનો નાશ કે ઘટાડો થતો અટકાવી શકાય.

(10) આર્થિક સધ્ધરતા :  

        પાકની કિંમત, બજારની સ્થિતિ અને ખાતરની કિંમત જેવી બાબતોને આધારે યુરિયા ગોલ્ડ વાપરવા માટેની આર્થિક શક્યતાની ચકાસણી કરવી. એકંદરે આર્થિક સધ્ધરતા જાણવા માટે ઉત્પાદનમાં થતો વધારો અને જમીનના આરોગ્યમાં થતો સુધારો જેવા લાંબા ગાળાના ફાયદાઓ ધ્યાનમાં લેવા જરૂરી છે.  

        કૃષિ પદ્ધતિઓમાં યુરિયા ગોલ્ડના સર્વગ્રાહી અભિગમના વૈજ્ઞાનિક જ્ઞાનનો સમાવેશ કરી ટકાઉ ખેતી કરી શકાય છે. ઉપરોક્ત ચાવી રૂપ બાબતો અને વ્યૂહરચના અપનાવીને ખેડૂતો યુરિયા ગોલ્ડની ક્ષમતાનો સંપૂર્ણ લાભ લઈ પાકની ઉત્પાદકતા, પર્યાવરણીની સંભાળ અને કૃષિમાં લાંબા ગાળાની ટકાઉતામાં વધારો કરી શકે છે.   

સારાંશ :  

        યુરિયા ગોલ્ડ એ સલ્ફર આવરિત યુરિયાની બનાવટ છે જે કૃષિમાં નવિનીકરણ અને ટકાઉતા બક્ષે છે. ખેડૂતો તેના ઉપયોગથી સંતુલિત પોષકતત્વોનું વિતરણ, જમીનના આરોગ્યમાં સુધારો અને પર્યાવરણ ઉપરની અસરમાં ઘટાડો વગેરે ફાયદાઓ મેળવે છે. ચોકસાઈપૂર્વકની ખેતીમાં યુરિયાગોલ્ડનો વપરાશ એક નવા યુગની શરૂઆત કરે છે જેમાં પરિસ્થિતિકીય જાળવણી સાથે પોષકતત્વોની વ્યવસ્થા ધ્વારા કાપણી પછી પણ લાંબે ગાળે જમીનનું આરોગ્ય જાળવી આપણે કૃષિની પરિસ્થિતિને જાળવી શકીએ છીએ.      


સ્ત્રોત : ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ – ઓગષ્ટ 2024


સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com

www.krushikiran.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *