જેમ દરેક જીવને પોતાની વૃદ્ધિ માટે પાણી જોઈએ છે તેમ છોડને પણ પોતાના વિકાસ માટે પાણીની જરૂર પડે છે. છોડ માટે વરસાદ એ કુદરતી પાણી માટેનો સ્ત્રોત છે પરંતુ જમીનમાં ભેજની અછતની પરિસ્થિતિ હોય ત્યારે છોડને તેના વિકાસ માટે પાણી પૂરૂ પાડવું જરૂરી છે. પાકને પિયતની જરૂરિયાતનો આધાર ઋતુ, હવામાનની પરિસ્થિતિ, પાક અને જમીનના પ્રકાર ઉપર રહેલો છે. ઘણીવાર ખેડૂતો પાકને જરૂર હોય તેના કરતાં વધુ પાણી આપે છે જેની પાક, જમીન અને પર્યાવરણ ઉપર ખરાબ અસર થાય છે. આ પરિસ્થિતિમાં પાણીનો વ્યય થાય છે એટલું જ નહિ પાક અને જમીનની તંદુરસ્તી ઉપર ખરાબ અસર થાય છે.
પાકને વધુ પિયત આપવાથી થતા ગેરલાભો :
(1) પાકનો નબળો વિકાસ અને ઉત્પાદકતા :
પિયત આપવાનો મુખ્ય હેતુ પાકનો વિકાસ અને ઉત્પાદન વધારવાનો છે. પરંતુ વધુ પાણી પાકને આપવાથી તેનો વિકાસ અટકે છે અને પાક પીળો પડે છે. વધુ પાણી આપવાથી ઋતુ, પાકનો પ્રકાર, પાકનો તબક્કો અને જમીનની જાતને આધારે હાનિકારક અસર થવા પામે છે. દા.ત. ભારે કાળી જમીનમાં ઘઉંના પાકને વધુ પાણી આપતાં મૂળની મુકુટ અવસ્થાના તબક્કે પાક પીળો પડી જાય છે. તેના કારણે મૂળ વિસ્તારમાં હવાની અવરજવર થતી નથી અને શ્વસનમાં અવરોધ પેદા થાય છે. તેના પરિણામે મૂળના કોષોમાં ઊર્જા પેદા ન થતાં મૂળ પોષકતત્વો જેમાં મુખ્યત્વે નાઈટ્રોજન તત્વનું જમીનમાંથી શોષણ કરી શકતા નથી. તેના પરિણામે ઘઉંના પાન પીળાં પડે છે. વધુમાં પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં ઘટાડો થતાં છોડનો વિકાસ અટકે છે. વધારાનું પાણી પાકના તબક્કા પ્રમાણે પણ અસર કરે છે. દા.ત. મકાઈમાં પાકની શરૂઆતના છ પાન ધરાવતા વિકાસના તબક્કે વધારાનું પાણી વધુ અસરકર્તા નીવડે છે.
(2) પોષકતત્વોનું ધોવાણ અને નિતાર :
જો અનિયંત્રિત રીતે પિયત આપવામાં આવે તો જમીનના ઉપરના પાકમાં રહેલ પોષકતત્વો અને સેન્દ્રિય પદાર્થો ધોવાઈને જમીનના નીચાણવાળા ભાગોમાં વહી જાય છે જેના પરિણામે જમીનની સપાટી ઉપરની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે. જમીનમાં નાઈટ્રોજન મુખ્યત્વે એમોનિયમ અને નાઈટ્રેટ આયનના રૂપમાં રહેલો હોય છે. નાઈટ્રેટ આયન પાણીમાં દ્રાવ્ય થાય તેવો હોઈ પાણીમાં દ્રાવ્ય થઈ પાકના મૂળ વિસ્તારમાંથી દૂર જતાં પાકને નાઈટ્રોજન તત્વ લભ્ય બનતું નથી. આથી પાકને વધુ પિયત આપતાં નાઈટ્રેટનો જમીનમાં નિતાર થતાં પાક નાઈટ્રોજન તત્વની ખામીથી પિડાય છે.
(3) ગેસ સ્વરૂપે નાઈટ્રોજનની ઘટ :
મૂળ વિસ્તારમાં વધારે પડતું પાણી અવાતજીવી પરિસ્થિતિ પેદા કરે છે. આ પરિસ્થિતિમાં કેટલાંક અવાતજીવી જીવાણુંઓ જેવા કે થાયોબેસિલસ ડીનાઈફિકેન્સ (Thiobacillus denitrificans), માઈક્રોકોક્સ ડીનાઈટ્રિફિકેન્સ (Micrococcus denitrificans), શ્યૂડોમોનાસ (Pseudomonas), અને એક્રોમોબેક્ટર (Achromobacter) વગેરે નાઈટ્રેટ આયનનું નાઈટ્રસ ઑક્સાઈડ અને નાઈટ્રોજન ગેસમાં રૂપાંતર કરે છે અને આ ગેસ વાયુ રૂપે ખેતરમાંથી વાતાવરણમાં ભળી જાય છે. આ પ્રક્રિયાને ડીનાઈટ્રિફિકેશન કહે છે જેના વડે પાકમાં નાઈટ્રોજનની ઉણપ પેદા થાય છે.
(4) સેન્દ્રિય પદાર્થોના કહોવાણમાં ઘટાડો :
સેન્દ્રિય પદાર્થો એ પોષકતત્વો માટેનો મુખ્ય સ્ત્રોત છે. સેન્દ્રિય પદાર્થો જમીનની ભૌતિક રાસાયણિક અને જૈવિક ગુણોમાં સુધારો કરે છે. સેન્દ્રિય પદાર્થોમાં રહેલ પોષકતત્વો સીધા જ છોડને પ્રાપ્ય થતાં નથી. સેન્દ્રિય પદાર્થોનું સૂક્ષ્મ જીવાણુંઓ ધ્વારા કહોવાણ થઈ તેમાંથી પોષકતત્વો ઘૂટાં પડે છે. પરંતુ વધારે પિયત આપવાને કારણે જમીનમાં અવાતજીવી પરિસ્થિતિ પેદા થતાં સૂક્ષ્મજીવાણુઓની પ્રવૃત્તિ મંદ પડે છે અને ધીમાં દરે સેન્દ્રિય પદાર્થો કહોવાય છે. આ કારણે સેન્દ્રિય પદાર્થોમાં રહેલા પોષકતત્વો સંપૂર્ણ રીતે પાકને લભ્ય બનતાં નથી. આથી પાકના પોષણ ઉપર હાનિકારક અસર થાય છે.
(5) જમીનના બાંધામાં ખરાબી થવી:
સારી જમીનના બાંધા માટે જમીનમાં આદર્શ રીતે હવાની અવરજવર અને ભેજની જાળવણી થવી જરૂરી છે. વધુ પડતા પાણીને કારણે જમીનના કણો પાણી સંગ્રહી જમીનના બાંધાનો નાશ કરે છે. આથી મૂળના વિકાસ ઉપર હાનિકારક અસર થાય છે. આ સિવાય હવાની અવરજવર ઉપર અસર થાય છે અને જમીનની પાણી જકડી રાખવાની ક્ષમતા ઘટે છે. જમીનના બાંધાને સારી રીતે જાળવી રાખવા માટે જમીનમાં પાણીનો ભરાવો થાય તેવી સ્થિતિ પેદા ન થાય તે જરૂરી છે.
(6). સૂક્ષ્મજીવોની નબળી પ્રવૃતિ :
જમીનમાં રહેલ મોટા ભાગના સૂક્ષ્મજીવોને તેની પ્રવૃત્તિ માટે હવાની જરૂર રહે છે એટલે કે જમીનમાં વાતજીવી પરિસ્થિતિ હોવી જરૂરી છે. સૂક્ષ્મજીવો અનેક રીતે પાકને માટે સાનુકુળ પર્યાવરણ પેદા કરવામાં મદદ કરે છે જેમ કે,
(1) જમીનમાં હવામાંના નાઈટ્રોજનનું સ્થિરીકરણ કરે છે દા.ત. એઝેટોબેક્ટર, રાઈઝોબિયમ, એઝોસ્પિરિલમ વગેરે.
(2) અદ્રાવ્ય ફોસ્ફરસને દ્રાવ્ય બનાવે છે દા.ત. બેસિલસ, શ્યૂડોમોનાઝ.
(3) વિનિમયક્ષમ પોટેશિયમની પ્રાપ્યતામાં વધારો કરે છે દા.ત. ફ્રટુરિયા (Frateuria).
(4) વિટામિનો, અંતઃસ્ત્રાવો અને વૃધ્ધિ રસાયણોના સ્ત્રાવ ધ્વારા છોડના વિકાસમાં વધારો કરે છે.
(5) માટીનું એકત્રિકરણ કરે છે.
(6) મૂળ મારફતે ફોસ્ફરસ, ઝિંક વગેરેના શોષણમાં વધારો કરે છે.
પાકને વધારે પડતું પાણી આપવાથી ફાયદાકારક વાતજીવી સૂક્ષ્મજીવોની પ્રવૃત્તિઓમાં ઘટાડો થતાં ઉપર જણાવેલ લાભો ઘટે છે.
(7) નફામાં ઘટાડો :
મજૂરી, સમય અને નાણાંનો ઉપયોગ કરી પિયત આપી શકાય છે. પાકને વધારે પડતું પાણી આપતાં વધુ મજૂરોને કારણે મજૂરી ખર્ચ વધે છે અને નાણાંનો વધુ ખર્ચ થાય છે પરંતુ ઉત્પાદનમાં ઘટાડો થવા પામે છે. આના કારણે બમણું નુક્સાન થાય છે. એક તો પિયત આપવા માટે ખર્ચ વધુ થાય છે અને ઉત્પાદન ઓછું મળતાં આવકમાં ઘટાડો થાય છે જેને પરિણામે નફામાં ઘટાડો થાય છે.
(8) હાનિકારક ગેસનું ઉત્સર્જન :
જમીનમાં વધુ પડતું પાણી આપવાને કારણે અવાતજીવી પરિસ્થિતિ પેદા થતાં ડીનાઈટ્રિફિકેશન પ્રક્રિયા થવાને કારણે નાઈટ્રોજનનું નાઈટ્રસ ઑક્સાઈડમાં રૂપાંતર થાય છે. આ નાઈટ્રસ ઑક્સાઈડ ગૅસ વાતાવરણમાં ભળી તાપમાનમાં વધારો કરે છે. આ ઉપરાંત અવાતજીવી પરિસ્થિતિમાં જમીનમાંના સેન્દ્રિય પદાર્થો કહોવાતાં પેદા થતો મિથેન અને અંગારવાયુ વાતાવરણમાં ભળે છે. આ બધાં ગ્રીનહાઉસ ગૅસ છે જે વૈશ્વિક તાપમાનમાં વધારો કરવા માટે જવાબદાર છે.
(9) પર્યાવરણીય પ્રદૂષણ :
પાકને પિયત આપવા માટે ડિઝલ કે વીજળી વડે ચાલતા પંપ કે મોટરનો ઉપયોગ કરવામાં આવે છે. વધુ પાણી આપવા માટે વધુ વીજળી કે ડિઝલનો વપરાશ થાય છે. મોટા ભાગની વીજળી કોલસાને બાળીને પેદા કરવામાં આવે છે. આમ પાકને વધુ પાણી આપવું એટલે ડિઝલ કે કોલસાનો વધુ ઉપયોગ કરવો એમ થાય. ડિઝલ અને કોલસાનો વધુ ઉપયોગ વાતાવરણમાં અંગારવાયુ અને અન્ય ગૅસ પેદા કરી ઉમેરતા હોઈ વાતાવરણમાં પ્રદૂષણ પેદા કરે છે અને પર્યાવરણને પ્રદૂષિત કરે છે.
(10) પાણીમાં થતો ઘટાડો :
વધારે પડતા પાણીનો ઉપયોગ પાણીમાં થતા ઘટાડામાં પરિણમે છે જેથી પાકને વધુ પાણી આપવું એ કોઈ ઉત્પાદકીય કાર્ય નથી. આ વધારે આપવામાં આવતા પાણીનો અન્ય કોઈ જગ્યાએ સારો ઉપયોગ કરી શકાય છે. પાણીનો ઉદ્યોગો, ઘરવપરાશ વગેરે ક્ષેત્રોમાં ઉપયોગ થતો હોઈ હરિફાઈને કારણે ખેતી માટે પાણીની પ્રાપ્યતામાં ઘટાડો થતો જાય છે. આ જોતાં પાણીનો વધુ સારો ઉપયોગ થાય તે તરફ ધ્યાન આપવું અતિ જરૂરી છે.
અસરકારક પિયત માટેના ઉપાયો :
(1) ખેતરને હળવો ઢોળાવ આપવો. જમીનને યોગ્ય રીતે સમતલ બનાવવી જેથી પાણીની સમાન રીતે જમીન ઉપર વહેંચણી થાય.
(2) જમીનની જળ પકડાશ ક્ષમતા મુજબ ખેતરમાં પિયત આપવું.
(3) પાકની જરૂરિયાત પ્રમાણે દરેક પિયત વખતે પાણીનો જથ્થો માપી તે મુજબ પિયત આપવું.
(4) રાત્રિના સમયે પિયત ન આપવું જેથી વધારે પડતું પિયત ન થવા પામે.
(5) ખેતરને પિયત માટે નાના નાના પ્લોટમાં વિભાજીત કરી એક પછી એક પ્લોટમાં પિયત આપવું.
(6) ખેતરમાં નિતાર નીકો બનાવવી જેથી વધારાના પાણીનો નિકાલ કરી શકાય.
(7) દરેક પ્લોટમાં મજબૂત પાળી બનાવવી જેથી દરેક પ્લોટને પુરેપુરુ પાણી મળી રહે.
(8) પિયત આપવાના સમયે પાણીના પ્રવાહનું નિયમન કરવું.
પિયત આપતી વખતે પાકના વિકાસનો તબક્કો, જમીનનો પ્રકાર અને પિયતની પદ્ધતિ વગેરે ધ્યાનમાં લેવી જોઈએ જેથી પાકની જરૂરિયાત પ્રમાણે યોગ્ય જથ્થામાં પાણી આપી શકાય. પૂરતુ પિયત આપવાથી પાક તંદુરસ્ત રહેતાં પાકની કાપણી કરી સારૂ ઉત્પાદન મેળવી શકાય છે.
સ્ત્રોત : ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, એપ્રિલ 2024
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in

