સારા ટકાઉ ભાવિ માટે કૃષિમાં જળ વ્યવસ્થાપન (Water management in agriculture: Navigating a sustainable future)

                આપણે જળ વ્યવસ્થાપન ક્ષેત્રે ભવિષ્યમાં પેદા થનાર જટીલ પડકારો, નવિનીકરણ અને ભાવિ શક્યતાઓ પ્રતિ સજાગ રહેવું પડશે અને કૃષિ માટે ચાવીરૂપ જળના સ્ત્રોતોની ટકાઉ વ્યવસ્થા કરી અન્ન ઉત્પાદન જાળવી કૃષિના ભાવિને ટકાઉ બનાવવું પડશે.

કૃષિમાં જળ અંગેના પડકારો :

      જળ એ જીવન માટે અનિવાર્ય અમૃત છે. તે વિશ્વમાં થતા પાકોને પોષણ પૂરૂ પાડી વૈશ્વિક અન્ન  પેદા કરે છે. કૃષિ ક્ષેત્ર જળ ઉપર આધારિત છે જે બહુવિધ પડકારોનો સામનો કરી રહ્યુ છે જેમાં જળનો જથ્થો અને ગુણવત્તા બંનેને લગતા પડકારોનો સમાવેશ થાય છે. અત્રે વૈશ્વિક અન્ન પૂરવઠાની હરોળને લગતા ગૂંચવણ ભરેલ પ્રશ્નો તરફ કૃષિમાં જળને લગતાં પડકારો તરફ ધ્યાન દોરવામાં આવેલ છે :

(1) જળની અછત :  

          વિશ્વના અનેક ભાગોમાં જળની અછત જોવા મળે છે. વધતી જતી વસ્તી અને હવામાન ફેરફારને કારણે પરંપરાગત વરસાદની પેટર્નમાં ફેરફાર થવા પામેલ છે. જે વિસ્તારો જળની અછતનો સામનો કરી રહ્યા છે ત્યાં મર્યાદિત જળસ્ત્રોતના કારણે હરીફાઈ વધવાને કારણે અન્નની સલામતી, લોકોના જીવન અને ઈકોસીસ્ટમ ઉપર ભયજનક અસર પેદા થયેલ છે.

(2) પિયતની તીવ્રતા :  

        આધુનિક કૃષિમાં પિયત એ વરદાન રૂપ બાબત છે જે નોંધપાત્ર રીતે પાકના ઉત્પાદનમાં વધારો કરે છે. પરંતુ જમીનમાંથી જળને ખેંચી તેનો વધુ પડતો ઉપયોગ કરતાં જમીનમાંના ભૂગર્ભજળમાં અને નદીઓમાંના પાણીમાં ઘટાડો થાય છે. આમ બિનટકાઉ પિયત પદ્ધતિઓનો ઉપયોગ કરતાં જળ અંગેના પડકારો ઊભા થયા છે.

(3) ધોવાણ અને કચરો જમા થવો :

        જમીનનું ધોવાણ એ કૃષિ પદ્ધતિઓને કારણે થવા પામે છે. જેનાથી નદીઓ અને સરોવરોમાં પાણી સાથે ઘટડાયેલ કણો કે કચરો જમા થાય છે. તે જળની ગુણવત્તા ઘટાડે છે, જળ સંગ્રહ ક્ષમતાને અસર કરે છે અને જળની પ્રાપ્યતા તથા તેની ગુણવત્તા અંગેના પડકારો ઊભા કરે છે.

(4) હવામાનની અનિશ્ચિતતા :  

        હવામાન પરિવર્તન એ જળની પ્રાપ્યતા માટેના અનુમાન ઉપર અણધારી અસર કરે છે. વરસાદની પેટર્ન, દુષ્કાળ, વાવંટોળ વગેરેમાં થતો ફેરફાર કૃષિને લગતા આયોજન ઉપર અસર તથા જળ સંબંધિત જોખમોમાં વધારો કરે છે.

(5) જળ માટે સમાન અવસર :

        દરેક વ્યક્તિ સમાન ધોરણે જળસ્ત્રોત વાપરી શકે તે પણ એક દબાણજનક બાબત છે. ઘણા પ્રદેશોમાં રહેતા સમુદાયોને જળપ્રાપ્તિ માટે સમાન મોકો મળતો નથી અને તેઓ સામાજીક અસમાનતા અને મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

જળના પડકારો અંગેની વ્યૂહરચના અને ઉકેલ :  

        કૃષિમાં જળના પડકારોને પહોંચી વળવા માટે વ્યાપક અને બહુકોણીય પ્રયાસો કરવા પડશે જે અત્રે દર્શાવેલ છે :

(1) અસરકારક પિયત :  ટપક અને ફુવારા પિયત જેવી ચોકસાઈપૂર્વક પિયત પદ્ધતિઓનો ઉપયોગ કરી જળનો બગાડ ઘટાડીને પાક ઉત્પાદન જાળવી કે સુધારી શકાશે.

(2) પાકની પસંદગી :  સૂકારા સામે પ્રતિકારક અને પાણીનો અસરકારક રીતે ઉપયોગ કરે તેવી પાકની જાતોને પ્રોત્સાહન આપી કૃષિમાં જળના તનાવને ઓછો કરી શકાશે.

(3) જળનો પુનઃઉપયોગ :  ખેતરોમાં વહેતા અને પિયતના પાણીને એકત્ર કરી તેનો પુનઃઉપયોગ કરવાથી પાણીનો બગાડ અટકે છે અને પ્રદૂષણમાં ઘટાડો થાય છે.

(4) સંકલિત જળ વ્યવસ્થા :   સંકલિત જળ વ્યવસ્થા જેવી પવિત્ર વ્યૂહરચના અપનાવવાથી સમગ્ર જળસ્ત્રાવ વિસ્તારને ફાયદો થતાં કૃષિ, ઉદ્યોગ અને ઈકોસીસ્ટમની જળ અંગેની જરૂરિયાતોનું સમતોલન જળવાય છે.

(5) શિક્ષણ અને જાણકારી :  ખેડૂતોને જળ વ્યવસ્થાની જરૂરિયાત અંગેના મહત્વની જાણકારી પુરી પાડી સજાગતા પેદા કરવી જોઈએ. ખેડૂતોને આ અંગેનું શિક્ષણ અને તાલીમ આપવી જોઈએ કે જે જળ વ્યવસ્થાપનમાં મહત્વનો ભાગ ભજવે છે.

        આમ કૃષિમાં જળ વ્યવસ્થાપન એક બહુ કઠીન બાબત છે પરંતુ તેને પણ યોગ્ય વ્યૂહરચના અપનાવી સરળ બનાવી શકાય છે, નવિનીકરણ, ટકાઉ પદ્ધતિઓ અને સંયુક્ત પ્રયાસો ધ્વારા વૈશ્વિક કૃષિ સમાજ આ જળ ક્ષેત્રના પડકારોનો સામનો કરી જળની વ્યવસ્થા કરી ભવિષ્યમાં અન્નની સલામતી પુરી પાડી અને ભાવિ પેઢી માટે જળનો કિંમતી સ્ત્રોત તરીકે સંરક્ષણ કરી શકે છે.

જળ વ્યવસ્થાપનમાં નવિનીકરણ :

        વિશ્વમાં જળના પડકારોને પહોંચી વળવા માટે કૃષિ ક્ષેત્રે નવિનીકરણના ઉપાયોનો અમલ કરી જળ વ્યવસ્થાના રસ્તાઓ અપનાવવા પડશે. આ નવિનીકરણ ઉપાયો જળના કિંમતી સ્ત્રોતનો અસરકારક ઉપયોગ કરી ટકાઉ કૃષિ પદ્ધતિઓને આગળ ધપાવશે. આવા અત્રે જણાવેલ કેટલાક ઉપાયો કૃષિ વ્યવસ્થાપનમાં જળનો અસરકારક ઉપયોગ કરી કૃષિ ક્ષેત્રને હરિયાળો બનાવશે.   

(1) ચોકસાઈપૂર્વક પિયત પદ્ધતિ :

        ચોકસાઈપૂર્વકની ખેતીમાં જળ વ્યવસ્થાપન અંગેના નવિનીકરણનો ઉપયોગ મહત્વનો છે. ખેતી માટે જમીનમાં રહેલ ભેજનું સ્તર અને હવામાન પેટર્ન જાણવા માટે ખેડૂતો આધુનિક સેન્સર્સ, આઈઓટી ડીવાઈસ અને ડેટા એનાલીટિક્સનો ઉપયોગ કરી ચોકસાઈપૂર્વક દેખરેખ રાખી શકે છે. આ પ્રકારના અભિગમ વડે પાણી પાકને જ્યારે જરૂર હોય ત્યારે આપીને પાણીનો બગાડ અટકાવી શકાય છે અને પાકમાં મહત્તમ ઉત્પાદન મેળવી શકાય છે.

(2) ટપક અને સૂક્ષ્મ સિંચાઈ :  

        આ પદ્ધતિ વડે પાણી સીધુ જ છોડના મૂળને મળે છે, પાણીનું બાસ્પીભવન ઓછું થાય છે અને પાણીનો અસરકારક ઉપયોગ થાય છે. ખાસ કરીને પાણીની અછત ધરાવતા વિસ્તારોમાં જમીનમાંના ભેજ જાણવા માટેના સેન્સર્સ સાથે તેનો ઉપયોગ કરવામાં આવે તો વધુ ચોકસાઈપૂર્વક પિયત આપી શકાય છે.

(3) એકવાપોનિક્સ અને હાઈડ્રોપોનિક્સ :

        આ બંને જમીન વિહીન નવીનતમ ખેતી પદ્ધતિઓ છે જેમાં પોષકતત્વોથી સમૃદ્ધ દ્રાવણમાં પાક ઉછેરવામાં આવે છે. આ પદ્ધતિમાં જમીનમાં ખેતી માટે પરંપરાગત રીતે વપરાતી પિયત પદ્ધતિ કરતાં પાણીનો એક કરતાં વધુ વખત ઉપયોગ કરી પુનઃઉપયોગ કરી જળ વપરાશમાં એકંદરે વધુ ઘટાડો કરી શકાય છે.

(4)  આર્ટિફિસિયલ ઈન્ટેલિજન્સ (AI) અને મશીન લર્નિંગ (ML) :-   

        એઆઈ અને મશીન લર્નિંગ વડે ડેટાનું પૃથક્કરણ કરી પાકને પાણીની જરૂરિયાત અંગેની નોંધપાત્ર ચોકસાઈનો અંદાજ મેળવી શકાય છે. આ ટેકનોલૉજી ધ્વારા પિયત આપવા અંગે સૂચિપત્રક બનાવી પાકને જરૂર મુજબનું પિયત આપી પાણીનો બિનજરૂરી બગાડ અટકાવી શકાય છે. ડેટાના પૃથક્કરણને આધારે દુષ્કાળની પરિસ્થિતિ જાણી તે મુજબ ખેડૂતો પાક આયોજન કરી પાણીની અછત સામે રક્ષણ મેળવી શકે છે.

(5) વરસાદના પાણીનું એકત્રિકરણ અને પાણીના ધોવાણની વ્યવસ્થા :-

       વિવિધ પદ્ધતિઓ વડે વરસાદના પાણીનું એકત્રિકરણ કરી તેનો સંગ્રહ કરી ખેતીના વપરાશમાં લઈ શકાય છે. વિશેષમાં ધોવાણ વ્યવસ્થાપનની આધુનિક પદ્ધતિઓ જેવી કે કન્ટુર ખેડ કરી પાકથી જમીનને  આવરિત કરવી જેથી જમીનનું ધોવાણ ઘટાડી ખેતરમાં પાણીની જાળવણી કરી એકંદરે જળની પ્રાપ્યતામાં વધારો કરી શકાય.

        ઉપરોક્ત નવિનીકરણ પદ્ધતિઓનો ઉપયોગ કરી કૃષિમાં ટકાઉ જળ વ્યવસ્થાપન હાથ ધરી શકાય. આ પ્રકારની ટેકનોલૉજી ખેડૂતો અપનાવે તે માટે તેઓને પ્રોત્સાહન આપી પાકનું મહત્તમ ઉત્પાદન મેળવી શકાય એટલું જ નહિ, જળ સંરક્ષણના પ્રયાસો પણ નોંધપાત્ર રીતે હાથ ધરી શકાય. વર્તમાન સમયે વિશ્વમાં ટકાઉ કૃષિ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે તો કૃષિ માટે જરૂરી પાણી મેળવી શકાશે.

નીતિ અને સહયોગ :  

        કૃષિમાં અસરકારક જળ વ્યવસ્થાપન માટે તે અંગે નીતિઓ અને સહિયારા પ્રયાસો હાથ ધરવા જરૂરી છે.

(1) પાણીના હક્ક અને નિયમનો :    સરકાર અને સમાજ ધ્વારા પાણીના હક અને વપરાશ માટેના ચોક્કસ નિયમો ઘડી તેનો દરેકે અમલ કરવો જોઈએ કે જેથી પાણીનું વધારે પડતું શોષણ અટકાવી શકાય અને દરેક ખેડૂતને ખાત્રીપૂર્વક પાણી મળે.

(2) આંતરરાષ્ટ્રીય સહકાર :   આંતરરાષ્ટ્રીય સ્તરે દરેક દેશ વચ્ચે જળસ્ત્રોતની ભાગીદારી અને જળ વ્યવસ્થા અંગેના સીમા વિવાદો બાબતે ચર્ચાવિચારણા કરી પડકારોને પહોંચી વળવા માટે સહિયારા પ્રયાસો હાથ ધરવા જોઈએ.

(3) શિક્ષણની શરૂઆત :   ખેડૂતોને અસરકારક જળ વ્યવસ્થાપન પદ્ધતિઓ અંગેની જાણકારી પુરી પાડવા માટે શિક્ષણ આપવું જોઈએ કે જેથી તેઓ આ પદ્ધતિઓ અપનાવી ટકાઉ જળ વ્યવસ્થાપન કરી શકે.

કૃષિમાં જળ વ્યવસ્થાપનનું ભાવિ : 

        વિશ્વમાં વસ્તીનું ભારણ વધતું જાય છે અને હવામાનમાં ફેરફાર થયેલ જોવા મળે છે તે જોતાં ભવિષ્યમાં ખેતી માટેના સ્ત્રોતોનો અભાવ વર્તાશે જેમાં જળ મુખ્ય છે. પાણીની અછત, જળ પ્રદૂષણ અને પાણીનો અપૂરતો ઉપયોગ વગેરે કૃષિ ક્ષેત્રને અસર કરશે જે માટે નવિનીકરણ પદ્ધતિઓ અપનાવી તેનો અમલ કરવો પડશે. પૃથ્વી પર વધતી જતી વસ્તી અને મર્યાદિત તાજા પાણીનો પૂરવઠો બંને વચ્ચે તાલમેલ સધાય તો જ કૃષિમાં જળ વ્યવસ્થાપન અપનાવી જમીનને ગતિશીલ બનાવી શકાય. આ માટે અત્રે જણાવેલ ટકાઉ પદ્ધતિઓ અને અત્યાધુનિક ટેકનોલૉજી કૃષિમાં જળ વ્યવસ્થાપન ક્ષેત્રે ક્રાન્તિ ધ્વારા પરિવર્તન લાવશે.

(1) સ્માર્ટ ખેતી અને આઈઓટીનું સંકલન :    

        ઈન્ટરનેટ ઑફ થિંગ્ઝ (IoT) ડીવાઈસ અને સેન્સર્સ સાથે સંકલન સાધી ખેતી પદ્ધતિઓને સર્વવ્યાપી રીતે અપનાવવી પડશે. સ્માર્ટ ખેતી પદ્ધતિઓનો ઉપયોગ કરી જમીનમાંનો ભેજ, હવામાનની સ્થિતિ અને પાક આરોગ્યના વાસ્તવિક ડેટા સતત એકત્રિત કરી પૃથક્કરણ કરી શકાશે. આમ ડેટા આધારિત  અભિગમનો ઉપયોગ કરી આદર્શ રીતે પિયત આપી શકાશે. જેથી પાકને ચોક્કસ માત્રામાં જરૂરી પાણી મળશે, જળસ્ત્રોતનું સંરક્ષણ કરી શકાશે અને પાકના ઉત્પાદનમાં વધારો થશે.  

(2) આર્ટિફિસિયલ ઈન્ટેલિજન્સ (AI) અને અનુમાનિત વિશ્લેષણ :    

        એઆઈ અને અનુમાનિત વિશ્લેષણનો ઉપયોગ ખેડૂતોને સક્રિય રીતે સક્ષમ બનાવશે. એઆઈ વિશાળ રીતે ડેટાનીં ઉપર પ્રક્રિયા કરી પેટર્ન અને વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ પાણીની જરૂરિયાત અંગે ચોક્કસ અનુમાન જણાવશે. તેના આધારે ખેડૂત પિયત માટેનું સમયપત્રક અપનાવશે, સૂકારો કે દુષ્કાળ સામેની અસરનો સામનો કરી શકશે અને પાણીનો ઓછામાં ઓછો બગાડ થાય તે જોશે.

(3) જળવિજ્ઞાનનું મોડેલિંગ અને જળસ્ત્રાવ વ્યવસ્થાપન :  

        જળસ્ત્રાવના વ્યવસ્થાપન માટે આધુનિક જળવિજ્ઞાનની મોડલિંગ ટેકનીકોનો વ્યાપકપણે ઉપયોગ કરી જમીન ઉપરના પાણી અને ભૂગર્ભજળનું સમતોલન સાધી તે અંગેના નિર્ણયો લઈ નીતિ ઘડવૈયાઓ અને ખેડૂતોને જાણ કરવી પડશે. ચોકસાઈપૂર્વકનું જળસ્ત્રાવ વ્યવસ્થાપન અંગેની વ્યૂહરચના અપનાવીને ખેતી માટે પાણીની સમાન ધોરણે વહેંચણી કરી શકાશે અને ટકાઉ કૃષિ પદ્ધતિઓને પ્રોત્સાહન આપવું પડશે.

(4) ક્લોઝડ-લૂપ વૉટર રીસાયકલિંગ સીસ્ટમ :      

        ક્લોઝડ-લૂપ સીસ્ટમને એકવાપોનિક્સ, હાઈડ્રોપોનિક્સ અને કુશળ ગાળણ પદ્ધતિ (સોફેસ્ટીકેટેડ ફિલ્ટરેશન મેથડ) સાથે એક જ સ્થળે સંકલન કરવામાં આવે છે. આ પદ્ધતિથી પાણીનો અસરકારક રીતે ખેતીમાં પુનઃઉપયોગ કરી પાણીના વપરાશમાં એકંદરે ઘટાડો કરી શકાય છે. તેમાં પાણીનો વારંવાર ફેરવપરાશ કરી પાણીનું સંરક્ષણ કરી ખેતરોની પરિસ્થિતિને જાળવી શકાય છે.

(5) હવામાન પ્રતિકાર પાકો (ક્લાઈમેટ – રેઝિલિયન્ટ ક્રોપ્સ – Climate – resilient crops) :  

        કૃષિ બાયોટેકનોલૉજીનો ઉપયોગ કરી હવામાન પ્રતિકાર પાકો તૈયાર કરી શકાય છે. વૈજ્ઞાનિકો પાણીના તનાવવાળા પર્યાવરણમાં થઈ શકે તેવા પાકો તૈયાર કરે છે જેને ઓછા પાણીની જરૂર પડે છે. આમ જનીનિક રીતે  ફેરફાર ધ્વારા તૈયાર કરેલ પસંદગીની જાતોનો ઉપયોગ અન્નની સલામતી અંગેની ખાતરી આપે છે અને કૃષિ માટે બદલાતા હવામાનને અનુકુળ હોય છે.

સારાંશ

        કૃષિમાં આપણે જળ વ્યવસ્થાપનનો ઉપયોગ કરીએ તો કૃષિની સફરને આગળ ધપાવી શકીએ છીએ. વિશ્વમાં વધતી જતી વસ્તી, હવામાનની પેટર્નમાં થતો ફેરફાર અને તાજા પાણીના મર્યાદિત જથ્થાનું સંરક્ષણ વગેરે જેવા પ્રચંડ પડકારો છે તેમ છતાં  આ પડકારોને પહોંચી વળવા અને કૃષિના ભાવિને ટકાવવા માટેના આશાસ્પદ ઉપાયો પણ છે.

        ડેટા આધારિત ચોકસાઈપૂર્વકની પિયત પદ્ધતિ અને જનીનિક ઈજનેરી ધ્વારા હવામાન પ્રતિકાર પાકોની જાતો જેવા નવિનીકરણ ઉપાયોનો ઉપયોગ આ નવા યુગમાં કરવો પડશે. આ માટે જળ સંરક્ષણ અસરકારક રીતે કરવું પડશે, પરંપરાગત પદ્ધતિઓને બદલે આધુનિક ટેકનોલૉજીની પદ્ધતિઓ અપનાવવી પડશે અને આપણા ખેતરોમાં રહેલ જીવોની સલામતી માટે નીતિઓ ઘડવી પડશે.

        ભવિષ્યમાં સ્માર્ટ ખેતી પદ્ધતિઓનો ઉપયોગ કરી અત્યાધુનિક ટેકનોલૉજી અપનાવી પાણીનો બગાડ અટકાવી શકાશે. આઈઓટી અને એઆઈના સંકલન વડે આદર્શ રીતે પિયત આપી શકાશે એટલું જ નહિ પાણીના દરેક કિંમતી ટીપાનો અસરકારક રીતે ઉપયોગ થશે. અનુમાનિત વિશ્લેષણ ધ્વારા ખેડૂતોને હવામાનની અનિશ્ચિતતા અને દુષ્કાળ બાબતે માહિતી મળતાં તેઓ જોખમોનો સામનો કરી ઉત્પાદન મેળવી શકશે.  

        ટકાઉ જળ વ્યવસ્થાપન એ એક વૈજ્ઞાનિક પ્રયાસ છે જે સમાજને અસર કરે છે. આ માટે સરકાર, સમાજ, ખેડૂતો અને નવપ્રવર્તકો (પ્રથમ પહેલ કરનાર) ધ્વારા સહિયારા પ્રયાસો કરવા જરૂરી છે. જાહેર ખાનગી ભાગીદારી (પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ – PPP) ધ્વારા સંશોધનને વેગ આપી શકાય અને સ્થાનિક ધોરણે વરસાદના પાણીનું એકત્રિકરણ અને સંગ્રહ ધ્વારા સ્વાશ્રયી બની શકાય. કૃષિ ક્ષેત્રે જળનો અસરકારક રીતે વપરાશ કરી શકાય તેવી પદ્ધતિઓના ઉપયોગ અંગે યોગ્ય નીતિઓ ઘડી તેના અમલ માટે પ્રોત્સાહન આપવું જોઈએ કે જેથી કૃષિમાં જળનો ઉપયોગ કરવા માટેનું મૂલ્ય ખેડૂતોને સમજી શકે.

        ટૂંકમાં હાલ આપણે એવા યુગમાં ઊભા છીએ કે જ્યાં પહેલાં જળ એ અમર્યાદિત સ્ત્રોત હતો  જે આજે મર્યાદિત સંપત્તિ છે. આ જોતાં બુદ્ધિપૂર્વકના નવિનીકરણ ઉપાયો, જવાબદારી યુક્ત નીતિઓ અને જળ સંરક્ષણ માટેની સહિયારી ભાગીદારીની જવાબદારી ધ્વારા કૃષિ માટે જરૂરી જળને આપણે લાંબા સમય સુધી તેમજ ભાવિ પેઢી માટે જાળવી શકીએ તે વધુ મહત્વની બાબત છે.


સ્ત્રોત : ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, ફેબ્રુઆરી 2024


સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com

www.krushikiran.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *