ભારતમાં ઉદ્યોગસાહસિકતામાં એક કે વધુ કામદારોની મદદ લેવામાં આવે છે અને તેના કદનો વિસ્તાર કરવામાં આવતો નથી. સને 2006 માં માઈક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝીસ એક્ટ ધ્વારા સ્વરોજગાર વડે રોજગારની તકો પૂરી પાડી ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવામાં આવેલ જેનો હેતુ સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગોનો વિકાસ અને તેની હરીફાઈમાં વધારો કરવાનો હતો. અગાઉ નાના પાયાના ઉદ્યોગો (સ્મોલ સ્કેલ ઈન્ડસ્ટ્રીઝ – SSI) નું નિયમન ઈન્ડસ્ટ્રીઝ એક્ટ 1951 મુજબ હતું જેમાં સંસ્થાકીય નિયમન માર્ગદર્શનની વ્યવસ્થા અને એસએસઆઈ એકમની પ્રગતિનો અભાવ હતો. આ કાયદામાં ઝડપી સેવા પણ ન હતી પરંતુ સને 2006ના એમએસએમઈ એક્ટના અમલ પછી પણ કેટલાયે એમએસએમઈ એકમો વણનોંધાયેલા છે જેનુ પ્રમાણ ઊંચું છે.
ઉદ્યોગસાહસિકતાનો વિકાસ એ એક વ્યક્તિને પ્રણાલીગત અને સંગઠીત વિકાસ ધ્વારા ઉદ્યોગસાહસિક બનાવવાનો છે. ઉદ્યોગસાહસિકનો વિકાસ એટલે સામાન્ય વ્યક્તિને જ્ઞાન પૂરૂ પાડી તેની તાંત્રિક, નાણાંકીય બજાર અને વ્યવસ્થાપન કુશળતાઓ વિકસાવી તેનામાં ઉદ્યોગસાહસિકતાના વલણની ક્ષમતા પેદા કરવી. ઉદ્યોગસાહસિકતાના વિકાસ માટેના કાર્યક્રમોની રચનાનો હેતુ વ્યક્તિ પોતાનામાં જરૂરી કુશળતાઓ અને ક્ષમતાનો વિકાસ કરી ઉદ્યોગસાહસિક તરીકે અસરકારક ભાગ ભજવી શકે તે છે. સરકાર ઉદ્યોગસાહસિકને મૂડી, ટેકનોલૉજી અને અન્ય સવલતો પુરી પાડી માર્ગદર્શન આપે છે અને મહત્વનો ભાગ ભજવે છે. સરકાર કાયદાઓ અને નિયમનો વડે ઉદ્યોગસાહસિકને જરૂરી માહિતી અને મૂડી આપે છે અને સારી ટેક્નોલૉજી અપનાવવામાં મદદ કરે છે. સરકાર ઉદ્યોગસાહસિકોને મદદ કરવા માટે યોગ્ય આયોજન, નીતિ અને વ્યૂહરચના ઘડે છે.
ભારત સરકારે રાષ્ટ્રીય કક્ષાની ત્રણ ઉદ્યોગસાહસિકતા વિકાસ સંસ્થાઓ શરૂ કરેલ છે.
(1) નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર માઈક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝીસ (NI – MSME), હૈદ્રાબાદ

(2) નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ એન્ટરપ્રિન્યુઅરશિપ એન્ડ સ્મોલ બિઝનેસ ડેવલપમેન્ટ (NIESBUD), નોઈડા
(3) ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ એન્ટરપ્રિન્યુઅરશિપ, (IIE), ગૌહત્તી.
કેટલીક રાજ્ય સરકારોએ ભારતની નાણાકીય સંસ્થાઓનો ટેકો લઈ રાજ્ય કક્ષાએ ઈન્સ્ટિટ્યૂટ ઓફ એન્ટરપ્રિન્યુઅરશિપ ડેવલપમેન્ટ (IED) ની સ્થાપના કરેલ છે જેમ કે, આઈઈડી, લખનૌ, આઈઈડી, ભુવનેશ્વર (ઓરિસ્સા), આઈઈડી, પટણા (બિહાર) અથવા રાજ્યના કેન્દ્રો જેવા કે મહારાષ્ટ્ર સેન્ટર ફોર એન્ટરપ્રિન્યુઅરશિપ ડેવલપમેન્ટ (MCED), ભોપાલ, સેન્ટર ફોર એન્ટરપ્રિન્યુઅરશિપ ડેવલપમેન્ટ ઓફ કર્ણાટક, ધારવાડ (કર્ણાટક) વગેરે. આ સંસ્થાઓ ધ્વારા પાયાના સ્તર સુધી ઉદ્યોગસાહસિકતાની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. ઉદ્યોગસાહસિકતાની તાલીમ મેળવેલ વ્યક્તિઓની સફળતાનો દર સુધારવા માટે સરકારે રાજીવ ગાંધી ઉદ્યમિ મિત્ર યોજના શરૂ કરેલ છે જેનો મુખ્ય હેતુ ઉદ્યોગસાહસિકને નિયુક્ત કરેલ લીડ એજન્સીઓ (ઉદ્યોગ મિત્રો) ધ્વારા ટેકો પુરો પાડવાનો છે.
ઉદ્યોગસાહસિકતાનો અભિગમ :
ઉદ્યોગસાહસિક (એન્ટરપ્રિન્યુઅર) શબ્દ એ ફ્રેન્ચ શબ્દ ‘એન્ટરપ્રિન્ડ્રે’ (Entreprendre) અને જર્મન શબ્દ ‘અન્ટરનેહમેન’ (Unternehmen) ઉપરથી આવેલ છે. જે બંનેનો અર્થ ‘ટુ અન્ડરટેઈક’ (To undertake) થાય છે. ઘણા લાંબા સમય સુધી અંગ્રેજી ભાષામાં ‘એન્ટરપ્રીન્યુઅર’ (Enterpreneuer) સમાન કોઈ શબ્દ ન હતો. કોલે (1968) એ જણાવ્યુ કે ઉદ્યોગસાહસિક એ વ્યક્તિ અથવા વ્યક્તિનો સમૂહ છે જે એક સામાજીક સંસ્થા બનાવી આર્થિક ચીજવસ્તુઓ અથવા નવીન રીતે વસ્તુઓ લાંબા સમય માટે પેદા કરવાની પહેલ કરી તેને જાળવીને વેપાર માટેની તકો પુરી પાડી એક સંસ્થા/સાહસની રચના કરે છે.
હેગન (1968) ના જણાવ્યા મુજબ ઉદ્યોગસાહસિક એ ચીજવસ્તુઓમાં રસ લઈ વ્યવહારુ રીતે ટેક્નોલૉજીને લગતા સુધારા કરી રચનાત્મક રીતે સમસ્યાને હલ કરી ઉદ્યોગસાહસિકતાની પ્રવૃત્તિ કરે છે.
હરેડેરો (1979)ના જણાવ્યા મુજબ કૃષિ ઉદ્યોગસાહસિક એ એવી વ્યક્તિ છે કે જે સીધા કે આડકતરા ફેરફારો રજૂ કરી કૃષિના ઈનપુટસમાં વધારો કરે છે.
સરકાર ઉદ્યોગસાહસિકતાના વિકાસને ટકાવી રાખવા માટે નિયમિત રીતે પ્રોત્સાહન (ઈન્સેન્ટિવ્ઝ), સહાય (સબસિડી), પ્રોત્સાહન યોજનાઓ, આબકારી જકાતમાં રાહત આપે છે. આ માટે સરકારનો બીજો મહત્વનો ફાળો વાહનવ્યવહાર, વીજળી, પાણી વગેરેની સવલતો પુરી પાડવાનો અને મૂડી તથા મૂડી બજારને મદદ કરી નાણાં ધીરનારાઓને ખાત્રી આપવાનો છે. એમએસએમઈ મંત્રાલય – એન્ટરપ્રીન્યુઅરશિપ ડેવલપમેન્ટ એન્ડ સ્કીલ અપગ્રેડેશન સ્કીમ ધ્વારા યોગ્ય તાલીમી સવલતો પુરી પાડે છે જે અત્રે દર્શાવેલ છે :
(1) તાલીમ :
ઉદ્યોગસાહસિકતા અંગેના કૌશલ્યમાં સુધારો કરવા માટે તાલીમ જરૂરી છે. ઉદ્યોગસાહસિકને તેની જરૂરિયાત મુજબ સરકાર ધ્વારા તાલીમ આપવામાં આવે છે. ઘણી સરકારી અને સ્વૈચ્છિક સંસ્થાઓ (NGOs) ઉદ્યોગસાહસિકતા વિકાસ કાર્યક્રમો (EDPs) અને વ્યવસ્થા વિકાસ કાર્યક્રમો (MDPs) ચલાવે છે. આ કાર્યક્રમો એમએસએમઈ, ઈડીઆઈ, એનએસઆઈસી, એનઆઈઈએસબીયુડી વગેરે સંસ્થાઓ ધ્વારા ચલાવાય છે.
(2) માર્કેટિંગ મદદ :
સરકારી અને સ્વૈચ્છિક સંસ્થાઓ માર્કેટિંગ માટેનો ટેકો પુરો પાડે છે. સામાન્ય રીતે એમએસએમઈની પ્રોડક્ટસને ટ્રેડ ફેરમાં પ્રોત્સાહન આપી રજૂ કરવામાં આવે છે. એનએસઆઈસી એમએસએમઈની પ્રોડક્ટને સીધી જ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વેચે છે.
(3) પ્રોત્સાહક યોજનાઓ :
કેન્દ્ર સરકાર ધ્વારા આઈએસઓ (ISO) પ્રમાણપત્ર મેળવવા માટે થનાર ખર્ચના 75 ટકા રકમ ઈન્સેન્ટિવ તરીકે આપે છે.
(4) આબકારી જકાતમાં રાહત (છૂટ) :
વર્ષે એક કરોડ અથવા તેનાથી ઓછી આવક-ખર્ચ ધરાવતા એમએસએમઈ એકમોને આબકારી જકાતનો કર લેવામાં આવતો નથી. વિશેષમાં ગ્રામ્ય વિસ્તારમાં બ્રાન્ડેડ પ્રોડક્ટનું એમએસએમઈ એકમ ધ્વારા ઉત્પાદન કરવામાં આવે તો આબકારી જકાત લેવામાં આવતી નથી.
(5) એમએસએમઈને ધિરાણ સવલત :
બેન્કો ધ્વારા સૂક્ષ્મ, નાના અને મધ્યમ ક્ષેત્રોના એકમોને ધિરાણ માટે અગ્રતા આપવામાં આવે છે. એમએસએમઈ એકમોને સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઑફ ઈન્ડિયા (SIDBI) નામની ટોચની સંસ્થા ધ્વારા નાણાં પુરાં પાડવામાં આવે છે. આ સિવાય સ્ટેટ ફાયનાન્સિયલ કોર્પોરેશન (SFCs), અનુસૂચિત બેન્કો, સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ કોર્પોરેશન (SIDC) અને નેશનલ સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન (NSIC) વગેરે પણ નાણાં માટે સહાય કરે છે.
(6) રાજ્ય સરકારો ધ્વારા એમએસએમઈ સ્થાપવા માટેની પ્રોત્સાહન અંગેની નીતિ અને યોજનાઓ :
દરેક રાજ્યની સરકારો ડાયરેક્ટોરેટ ઑફ ઈન્ડસ્ટ્રીઝ અને જીલ્લા ઉદ્યોગ કેન્દ્રો (ડિસ્ટ્રીક્ટ ઈન્ડસ્ટ્રીઝ સેન્ટર્સ – DICs) મારફતે ઉદ્યોગસાહસિકને તાંત્રિક અને અન્ય ટેકા રૂપ સેવાઓની સવલત પુરી પાડે છે. જો કે રાજ્ય પ્રમાણે યોજનાઓમાં વિવિધતા હોય છે પરંતુ ઔદ્યોગિક વસાહતોનું વિસ્તરણ અને વહીવટ, સેલ ટેક્ષની મોકૂફી, વીજળી અને પાણીના વિતરણ વગેરે ક્ષેત્રોમાં સમાનતા જોવા મળે છે.
સરકારી પ્રોત્સાહનો, સહાય અને અનુદાન :
વિવિધ સરકારી અને સ્વૈચ્છિક સંસ્થાઓ ધ્વારા પ્રોત્સાહન, સહાય અને અનુદાન ધ્વારા નાણાકીય મદદ આપવામાં આવે છે. આ ઉદ્યોગસાહસિકતાનો વિકાસ કરવા માટેનું એક અસરકારક સાધન છે. તે વિકાસ પામતા ઉદ્યોગસાહસિકને તેના કાર્યોમાં ટેકો પુરો પાડે છે.
(1) પ્રોત્સાહનો (ઈન્સેન્ટિવ્ઝ – Incentives) :
પ્રોત્સાહન (ઈન્સેન્ટિવ) એટલે કે ઉત્પાદકતાને પ્રોત્સાહન આપવું. આ એક પ્રેરક બળ છે જે ઉદ્યોગ સાહસિકને સાચા નિર્ણયો લઈ આગળ વધવા માટે પ્રેરણા પુરી પાડે છે. પ્રોત્સાહનમાં છૂટ (કન્સેન્સન) આર્થિક સહાય (સબસિડી) અને બક્ષિસનો સમાવેશ થાય છે. નાણાકીય અને બિન-નાણકીય પ્રોત્સાહન ઉદ્યોગસાહસિકને મહત્વના નિર્ણયો અને કાર્ય કરવામાં મહત્વનો ભાગ ભજવે છે.
(2) સહાય (સબસિડી – Subsidy) :
સહાય એ ઉદ્યોગસાહસિકને પોતાના ઉદ્યોગસાહસના ખર્ચને પહોંચી વળવા માટે સરકાર ધ્વારા એક વખત આપવામાં આવતી ઊચ્ચક રકમ છે. સરકાર ધ્વારા ઉદ્યોગને મદદ કરવા માટે નાણાંકીય મદદ કે આર્થિક પ્રોત્સાહન (બાઉન્ટી – Bounty) આપવામાં આવે છે કે જેથી તે સાહસ દેશના અન્ય ઉદ્યોગ સાથે અને પરદેશમાં નિકાસ માટે હરીફાઈ કરી શકે. આર્થિક સહાય આપવાનો હેતુ રાષ્ટ્ર અને સમાજ માટે ઉદ્યોગસાહસિકને નવું સાહસ કે ઉદ્યોગ સારી રીતે રસ લઈને સ્થાપવામાં આવે તે છે.
(3) અનુદાન (ગ્રાન્ટસ – Grants) :
ભાવિ ઉદ્યોગસાહસિકોને સરકાર ધ્વારા અનુદાન આપી આર્થિક મદદ કરવામાં આવે છે અને આપેલ નાણાં પરત લેવાની આશા રાખવામાં આવતી નથી એટલે કે આ ઉદ્યોગ સ્થાપવા માટે એક પ્રકારની બક્ષિસ ગણાય. અસરકારક ખર્ચને પહોંચી વળવાના સમયગાળામાં સરકાર ધ્વારા મળતું અનુદાન એ મુખ્ય આર્થિક સ્ત્રોત છે.
ઉદ્યોગસાહસિકતા વિકાસને ટેકો આપનાર સંસ્થાઓ :
કેન્દ્ર અને રાજ્ય સ્તરે ઉદ્યોગસાહસિકને તેના વેપારની જરૂરિયાતો પુરી પાડવા માટે અત્રે દર્શાવેલ મુખ્ય સંસ્થાઓ મદદ કરે છે :
(1) સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ સર્વિસ ઈન્સ્ટિટ્યૂટ (SISI)

આ કેન્દ્ર સરકાર ધ્વારા સ્થાપવામાં આવેલ એક રાષ્ટ્રીય સ્તરની સંસ્થા છે. રાજ્ય સ્તરે ડેપ્યુટી ડાયરેક્ટર ધ્વારા આ સંસ્થાની કામગીરી કરવામાં આવે છે. ભારત દેશમાં 28 રાજ્યોની રાજધાનીઓ ખાતે અને અન્ય 30 શાખાઓ સ્થાપી એસઆઈએસઆઈ સંસ્થા કામગીરી કરે છે. ભાવિ ઉદ્યોગસાહસિકોને આ સંસ્થા ધ્વારા જે તે રાજ્યોમાં માર્ગદર્શન અને તાલીમ પુરી પાડવામાં આવે છે. આ સંસ્થાનો હેતુ નાણાકીય મદદ અને બજારની માહિતી ઉદ્યોગસાહસિકને પુરી પાડવાનો છે.
(2) એન્ટરપ્રીન્યુઅરશિપ ડેવલપમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયા (EDII) :

જાહેર નાણાં સંસ્થાઓ અને ભારત સરકાર ધ્વારા શરૂ કરાયેલ આ રાષ્ટ્ર કક્ષાની સંસ્થા છે જેની સને 1983માં અમદાવાદ ખાતે સ્થાપના કરવામાં આવેલ. આ દેશમાં ઉદ્યોગસાહસિકતાનો વિકાસ કરનારી એક વિશિષ્ટ જવાબદારીવાળી સંસ્થા છે. તે ઉદ્યોગસાહસિકતા વિકાસના કાર્યક્રમો અને નવિનીકરણ તાલીમ પદ્ધતિઓ તરફ ધ્યાન કેન્દ્રિત કરે છે. આ સંસ્થા નીચે દર્શાવેલ મૂળભુત પગથિયાંને અનુસરે છે.
- ભાવિ ઉદ્યોગસાહસિકોની પસંદગી કરવી
- સિદ્ધિ પ્રેરક તાલીમ આપવી
- પ્રોડક્ટની પસંદગી અને પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવો
- વ્યવસાય પ્રબંધ વ્યવસ્થાની તાલીમ આપવી
- મૉડેલ તાલીમ કાર્યક્રમો લેવા અને તેના દાખલાને અનુસરવા
(3) નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર એન્ટરપ્રીન્યુઅરશિપ એન્ડ સ્મોલ બિઝનેસ ડેવલપમેન્ટ (NIESUBD) :

આ સંસ્થાની શરૂઆત ઉદ્યોગ મંત્રાલય (હાલમાં મિનિસ્ટ્રી ઑફ સ્કેલ ઈન્ડસ્ટ્રીઝ) ધ્વારા સને 1983માં કરવામાં આવેલ. કેન્દ્ર સરકાર વિવિધ સંસ્થાઓના સંકલન અને કાર્યક્રમો અંગે માર્ગદર્શન આપવાની કામગીરી કરે છે. દેશમાંના સંસાધનોને પુરા પાડતી આ એક ટોચની સંસ્થા છે. સને 2007-08થી આ સંસ્થા આર્થિક રીતે સ્વનિર્ભર છે. તેના મુખ્ય કાર્યો અત્રે દર્શાવેલ છે :
- તાલીમ
- સંશોધન/મૂલ્યાંકન અભ્યાસ
- અભ્યાસક્રમનો વિકાસ
- પ્રકાશનો અને તાલિમમાં મદદ
- કલસ્ટર આધારિત વિકાસ
- ઈનક્યુબેશન કેન્દ્રો
- બૌદ્ધિક સંપત્તિ સુવિધા કેન્દ્ર
- ઉદ્યોગસાહસિકતા વિકાસ કાર્યક્રમોના ઈ-મોડ્યુલ
- વિવિધ વિષયો ઉપરના ઈ-લર્નિંગ મોડ્યુલ્સ
- વિભાગીય કેન્દ્ર, દહેરાદુન
- તાલીમીઓને ઉદ્યોગસાહસિકની રચનાત્મકતા અને રોજગારી સર્જન માટે મદદ
- સહયોગી પ્રવૃત્તિઓ
- આંતરરાષ્ટ્રીય પ્રવૃત્તિઓ
- રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે માર્ગદર્શક સેવાઓ
(4) નેશનલ એન્ટરપ્રીન્યુઅરશિપ ડેવલપમેન્ટ બોર્ડ (NEDB) :
આ દેશમાં આવેલ ઉદ્યોગસાહસિકતાના વિકાસ કરવા માટેની ટોચની સંસ્થા છે કે જે દેશમાં ઉદ્યોગસાહસિકતા વિકાસ માટે મહત્વનો ફાળો આપે છે. તે વિકસતા ઉદ્યોગસાહસિકોને વિવિધ રીતે મદદ પુરી પાડતી રાષ્ટ્રીય સંસ્થા છે. આ સંસ્થાનો મુખ્ય હેતુ ઉદ્યોગસાહસિકને પોતાના વ્યવસાય અંગે સમર્થન આપવાનો છે. સરકાર ધ્વારા તેના પ્લાનને પ્રોત્સાહન આપવામાં આવે છે. બોર્ડ ઉદ્યોગસાહસિકતાની તાલીમ અંગેની જરૂરી સવલતો અને સહાય પુરી પાડે છે. બોર્ડ ઉદ્યોગસાહસિકને દરેક ક્ષેત્રે કુશળતા વિકાસ અને નવસંસ્કરણ માટે મદદ કરે છે. બોર્ડ રાજ્ય સ્તરની સંસ્થાઓને સક્ષમ બનાવી ગ્રામ્ય કક્ષાએ કાર્ય કરવામાં મદદરૂપ થાય છે.
ઉદ્યોગસાહસિકો માટેની નીતિ અને યોજનાઓ :
દેશની આર્થિક અને સામાજીક સમૃદ્ધિ માટે ઉદ્યોગસાહસિકતાનું મહત્વ ભારત દેશની સરકારને સમજાયું છે. વર્તમાન સરકારે નવા ઉદ્યોગો/સાહસોને નીતિ વિષયક ટેકો અને પ્રોત્સાહન આપવા માટે કેટલીક નીતિઓ ઘડી કાઢેલ છે જેના અનેકવિધ હેતુઓ છે જેવા કે, ઉદ્યોગસાહસિકતાનું શિક્ષણ, ઉદ્યોગસાહસિક કુશળતાઓ, દેવું મેળવવું, નવિનીકરણને પ્રોત્સાહન, ઈક્વિટીની સુલભતા, વહીવટી બોજો ઘટાડવો, બજારની સુલભતા, અને નબળા વર્ગોને ટેકો પુરો પાડવો વગેરે. અત્રે સરકાર ધ્વારા ઉદ્યોગસાહસિકો માટે શરૂ કરવામાં આવેલ કેટલીક યોજનાઓની માહિતી દર્શાવેલ છે :
(1) પ્રાઈમ મિનિસ્ટર્સ એમ્પ્લૉયમેન્ટ જનરેશન પ્રોગ્રામ (PMEGP) :

સૂક્ષ્મ, નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો સંબંધી એમએસએમઈ મંત્રાલય (MoMSME) એ પીએમઈજીપી નામની નવી ધિરાણ સંબંધિત સહાય યોજના શરૂ કરેલ છે જે પ્રાઈમ મિનિસ્ટર્સ રોજગાર યોજના (PMRY) અને રૂરલ એમ્પ્લૉયમેન્ટ જનરેશન પ્રોગ્રામ (REGP) નામની બે યોજનાઓનું જોડાણ છે કે જે ભારતના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સૂક્ષ્મ ઉદ્યોગો માટે રોજગારી પેદા કરવાનું કાર્ય કરે છે. આ યોજના ધ્વારા પુરતી દેખરેખ અને અમલ અંગે ધ્યાન આપવામાં આવે છે. ઉત્પાદન ક્ષેત્ર માટે રૂપિયા પચીસ લાખ અને સેવા ક્ષેત્ર માટે રૂપિયા દશ લાખ પ્રોજેક્ટ ખર્ચની મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવેલ છે. પંચાયત અને ખાસ જાણકારીના કેમ્પ ધ્વારા લાભાર્થીઓની પસંદગી કરી ઉદ્યોગસાહસિકતા વિકાસ કાર્યક્રમ હેઠળ લાભો આપવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખાદી ગ્રામોદ્યાશ્ર કમિશન (KVIC) અને શહેરી વિસ્તારોમાં રાજ્ય સરકાર સંચાલિત જીલ્લા ઉદ્યોગ કેન્દ્રો (ડિસ્ટ્રીક્ટ ઈન્ડસ્ટ્રીઝ સેન્ટર્સ – DICs) ધ્વારા આ યોજનાનો વહીવટ કરવામાં આવે છે.
(2) ઉદ્યોગસાહસિકતા વિકાસ કાર્યક્રમ :
આ કાર્યક્રમનો હેતુ ઉદ્યોગસાહસિકને બજાર, બેન્કિંગ પ્રક્રિયાઓ, હિસાબકામ (નામુ) વગેરે બાબતો અંગે કેટલીક વ્યવસ્થાપન અને કાર્યાત્મ કાર્યો અંગે માર્ગદર્શન અને જાણકારી પુરી પાડવાનો છે. તેમાં સફળ ગ્રામ્ય ઉદ્યોગસાહસિક, બેન્કો તેમજ ક્ષેત્ર મુલાકાતો ધ્વારા ઉદ્યોગસાહસિકને વિચારણા પુરી પાડવામાં આવે છે. આવા કાર્યક્રમો કેવીઆઈસી, કેવીઆઈડીના તાલીમ કેન્દ્રો, એનએસઆઈસી, એનઆઈઈએસબીયુડી, એનઆઈએમએસએમઈ, આઈઆઈઈ, ઈડીઆઈઆઈ, એમઆઈટીસીઓએન, એમસીઈડી, રાજ્ય સરકાર, બેન્કો, રૂરલ ડેવલપમેન્ટ એન્ડ સેલ્ફ-એમ્પ્લૉયમેન્ટ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટસ (RUDSETI), પ્રખ્યાત સ્વૈચ્છિક સંસ્થાઓ (NGOs) વગેરે ધ્વારા યોજવામાં આવે છે પરંતુ પીએમઈજીપીના તમામ લાભાર્થી માટે ઉદ્યોગસાહસિકતા વિકાસ કાર્યક્રમ (EDP) એ ફરજીયાત છે.
(3) જાગુત શિબિરો (Awareness camps) :
દેશના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં કેવીઆઈબીની મદદ વડે કેવીઆઈસી અને રાજ્યના જીલ્લા ઉદ્યોગ કેન્દ્રો ધ્વારા પીએમઈજીપી માટેના ભાવિ લાભાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે જાગૃત શિબિરો યોજવામાં આવે છે. આ જાગુત શિબિરોમાં બેરોજગાર યુવાનો અને અનુસુચિત જાતિ/જનજાતિ, વિકલાંગ/અપંગ, વગેરે ભાગ લઈ શકે છે.
વર્તમાન સમયે જાહેર ક્ષેત્રો અને મોટા ઉદ્યોગોના ક્ષેત્રે રોજગારીની તકો સંકોચાઈ રહી છે જ્યારે બીજી બાજુ વૈશ્વિકરણને કારણે રોજગારીની અનેક તકો ઊભી થઈ છે તે જોતાં ભારત ઉદ્યોગસાહસિકતાના વિકાસ ધ્વારા વિશ્વમાં આર્થિક ક્ષેત્રે ટોચનું સ્થાન (સુપર ઈકોનોમિક પાવર) મેળવશે.
સ્ત્રોત : ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, જુલાઈ 2021
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in

