રાજગરો – દેવતાઓનું લવચીક અનાજ (Amaranthus – The resilient grain of the gods)

                રાજગરો પોષણ અને સુશોભન ગુણોને લઈ એક કિંમતી અનાજ છે. તે સામાન્ય રીતે ચૌલાઈ, રામદાણા અથવા રાજગીરા તરીકે જાણીતું છે. વિશ્વમાં રાજગરાની એમેરેન્થસ હાઈપોચોન્ડ્રિયાક્સ (Amaranthus hypochondriacus), એ. ક્રુએન્ટસ (A. curentus) અને એ. કાઉડાટસ (A. caudatus) એમ ત્રણ પ્રજાતિઓ વધુ જાણીતી છે. આ પ્રજાતિઓ ખેતી, રસોઈ અને બાગાયત એમ વિવિધ રીતે જાણીતી છે. તેનું ઉદભવસ્થાન મેક્સિકો અને મધ્ય અમેરિકા છે. આપણા દેશના લોકો ધ્વારા તેનો ખેતીમાં ઉપયોગ અંગેનો લાંબો ઈતિહાસ છે.

          ભારતના કેટલાક રાજ્યોમાં રાજગરાની ખેતી કરવામાં આવે છે જેમાં મુખ્યત્વે ઉત્તરપ્રદેશ, બિહાર, ગુજરાત, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગણા અને તામિલનાડુ રાજ્યોનો સમાવેશ થાય છે. આ પાક આ પ્રદેશોના કૃષિ અર્થકરણમાં મહત્વનો ભાગ ભજવે છે. વિશેષમાં તેની અનુકૂલનતા અને પોષણ મૂલ્યને કારણે ભારતના અન્ય રાજ્યોમાં પણ તેવું વાવેતર કરવામાં આવે છે. રસોઈકળામાં રાજગરાનો વિવિધ બનાવટો બનાવી ઉપયોગ કરવામાં આવે છે. પહાડી વિસ્તારોમાં રહેતા લોકો તેનાં પાંદડાં અને દાંડીઓનો ઉપયોગ લીલી શાકભાજી તરીકે કરે છે. તેમાં પાન સલાડ તરીકે અથવા સુપમાં ઉમેરી લેવામાં આવે છે. તેના બીજને ધાણી (પોપકોર્ન)ની માફક ફોડીને ખવાય છે અથવા બીને દળીને તેનો લોટ બનાવાય છે. તેના બીને રાંધીને ખોરાકમાં લેવાય છે. વિશેષમાં તેનાં બીજ કઢી અને અથાણામાં પણ ઉપયોગમાં લેવાય છે. આમ રસોઈમાં તેનો વિવિધ રીતે ઉપયોગ થાય છે.

રાજગરાનું જૈવરાસાયણિક બંધારણ :     

        રાજગરો એ બહુમુખી છોડની પ્રજાતિ છે જે વિશાળ જૈવરાસાયણિક ગુણો ધરાવે છે જેથી તે તેના પોષણ મૂલ્યમાં ફાળો આપે છે. રાજગરો બળતરા વિરોધી, ડાયાબીટીસ વિરોધી, એન્ટિઑક્સીડેન્ટ અને કેન્સર વિરોધી જેવા આરોગ્યલક્ષી ગુણો ધરાવતા હોઈ વિશ્વભરમાં તેની ખેતી અને વપરાશ થાય છે, રાજગરાના બીજ પરંપરાગત અનાજ તરીકે ઉપયોગમાં લેવાતા ઘઉં અને ચોખાની સરખામણીએ ઊંચા પ્રોટીન ધરાવતા અનાજ તરીકે જાણીતા છે. તેના પાંદડાં વનસ્પતિજ પ્રોટીનનો સારો સ્ત્રોત છે જેથી તેનો શાકાહારી આહારમાં મહત્વના ભાગ તરીકે ઉપયોગ થાય છે. તે ખાસ કરીને લાયસીન જેવા આવશ્યક એમિનો એસિડથી સમૃદ્ધ છે જે માનવ પોષણ માટે અતિ મહત્વના છે. તેનું આ મૂલ્ય વિશ્વમાં થતા મુખ્ય પાકોમાં રાજગરાનો સમાવેશ કરે છે. તે ખાદ્ય રેસાનો સારો સ્ત્રોત છે એટલે તેને ખોરાકમાં લેતાં તે પાચનમાં મદદ અને પૂર્ણતાની લાગણી દર્શાવે છે. તે કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને વિટામિન એ, કે, સી, બી-2 અને ઈ વગેરેથી સમૃદ્ધ છે કે જે વિવિધ દેહધાર્મિક કાર્યો માટે જરૂરી છે. રાજગરામાં રહેલ સેલેનિયમ અને ઝિન્ક જેવા ખનીજો શરીરમાં એન્ટિઓક્સીડેન્ટ તરીકે મહત્વનો ભાગ ભજવે છે. રાજગરાના પાંદડાંમાં બીટા-કેરોટીન રહેલું છે જે વિટામિન એ નું પુરોગામી છે. વિટામિન એ ચામડી અને આંખોનું આરોગ્ય અને રોગ પ્રતિકારક કાર્ય માટે જરૂરી છે. તેમાં રહેલ વિટામિન કે તંદુરસ્ત હાડકાં અને લોહી જામવા માટે જરૂરી છે. વિટામિન સી મજબૂત એન્ટિઑક્સીડેન્ટ છે. વિટામિન બી-2 શરીરમાં ખોરાકનો ઊર્જા તરીકે ઉપયોગ કરવામાં અને કેટલીક ચયાપચયની ક્રિયાઓમાં સંકળાયેલ છે. વિટામિન ઈ કોષોને ઓક્સીડેટિવ નુક્સાન સામે રક્ષણ આપવામાં મદદ કરે છે. તેના બીજ આવશ્યક ફેટી એસિડસ ધરાવે છે જે હ્રદય અને રક્તવાહિનીના આરોગ્ય માટે લાભદાયક છે, જો કે રાજગરાની કેટલીક જાતો ઑક્ઝેલેટ અને સેપોનિન્સ જેવા પ્રતિ-પોષક (એન્ટિ ન્યુટ્રિશનલ) ઘટકો ધરાવે છે જે શરીરમાં પોષકતત્વોના શોષણમાં વિક્ષેપ પેદા કરે છે. જો કે યોગ્ય પ્રોસેસિંગ અને રાંધવાથી તેના પ્રમાણમાં ઘટાડો કરી શકાય છે. રાજગરાનું તેલ ખોરાકની બનાવટમાં તેમજ સૌંદર્યપ્રસાધન ઉદ્યોગોમાં તે ચામડીને સૂકાઈ જતી અટકાવવામાં અને પૌષ્ટિક તરીકેની ક્ષમતા ધરાવતુ હોઈ વપરાય છે. વનસ્પતિ સૃષ્ટિમાં રાજગરો એ સ્કવાલીન (squalene) નો સૌથી ધનિક સ્ત્રોત છે. સ્કવાલીનનો નિયમિત રીતે વપરાશ ગાંઠ (ટ્યુમર) કોષોનો પ્રસાર અટકાવે છે. તે જીવાણુ વિરોધી અને ફુગ વિરોધી એજન્ટ તરીકે સૌંદર્યપ્રસાધનોમાં અને ત્વચા ઉપર લગાડવાની કે મોં વાટે લેવાની દવામાં ઉમેરવામાં આવે છે. રાજગરો ફ્લેવોનોઈડસ ધરાવે છે જે ફાયટોકેમિકલનું ગૃપ છે જે એન્ટિઓક્સીડેન્ટ ગુણ ધરાવે છે. તે બળતરા વિરોધી અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવાના ગુણો ધરાવતો હોઈ આરોગ્ય માટે વધુ લાભદાયી છે.

રાજગરાની ખેતી :  

        રાજગરો ક્ષારીયતાના તનાવ અને પર્યાવરણીય પરિસ્થિતિના પડકારોને પહોંચી વળી નોંધપાત્ર રીતે અનુકૂલન સાધે છે. તેનું એક નોંધપાત્ર પાસુ એ સી-4 પ્રકાશસંશ્લેષણ પથનો અસરકારક ઉપયોગ છે જે છોડને પ્રકાશસંશ્લેષણ માટે સક્ષમ બનાવી પર્યાવરણના ઊંચા તાપમાન અને મર્યાદિત પાણીની પ્રાપ્યતામાં પણ છોડને ટકાવી રાખે છે.

        તેનું વાવેતર પર્વતાળ અને મેદાની વિસ્તારોમાં મે – જૂન માસમાં કરવામાં આવે છે. તેનું શિયાળુ વાવેતર ઓક્ટોબર-નવેમ્બર માસમાં અને ખરીફ વાવેતર મે-જૂન માસમાં કરવામાં આવે છે.

        રાજગરો તેના સ્થિતિસ્થાપક ગુણને લીધે જમીનનું ધોવાણ થતું હોય અને પાણીની અછત હોય તેવા વિસ્તારોમાં પણ ઉગાડી શકાય છે. તે વિવિધ પ્રકારની જમીનોમાં થાય છે પરંતુ તેને ઊંચા સેન્દ્રિય તત્વો ધરાવતી, જળ સંગ્રહ શક્તિ સારી હોય તેવી લોમ પ્રકારની, સારા નિતારવાળી અને 6 થી 8 પીએચ આંક ધરાવતી જમીન વધુ માફક આવે છે.

        હળ વડે ખેડ કરી જમીનને સમાર મારી તૈયાર કરવી જરૂરી છે. એક હેક્ટરની વાવણી માટે 1 થી 1.5 કિ.ગ્રા. બિયારણની જરૂર રહે છે. પાકના સારા વિકાસ માટે હેક્ટર દીઠ 5 ટન છાણિયું ખાતર જમીનની તૈયારી કરતી વખતે આપવું.  

        બીના સ્ફુરણ અને પ્રાથમિક વિકાસ માટે જમીનમાં ભેજ હોવો જરૂરી છે. તેની વાવણી 30 થી 60 સે.મી. ના અંતરે કરવી અને હારમાં બે છોડ વચ્ચે 10 થી 15 સે.મી.નું અંતર રાખી વધારાના છોડ ઉપાડીને વાવણી બાદ 15 દિવસ બાદ દૂર કરવા. વાવણી બાદ 30 થી 40 દિવસની આસપાસ કુમળા અને યુવાન પાંદડાંની કાપણી કરવી. સામાન્ય રીતે લીલા શાકભાજી તરીકે 4 થી 5 વખત પાંદડાંની કાપણી કરવામાં આવે છે. જીવાતોનો ઉપદ્રવ અટકાવવા માટે કુદરતી પરભક્ષીઓ, સેન્દ્રિય કીટનાશકો અને નિવારક પગલાં લેવાં.

        જ્યારે રાજગરાના ડૂંડાં પક્વ બની સૂકાય ત્યારે એટલે કે 85 થી 95 દિવસે પાકની કાપણી કરવી. સામાન્ય રીતે હેક્ટરે 2 થી 3 ટન પાંદડાં અને 500 થી 700 કિ.ગ્રા. બીનું ઉત્પાદન મળે છે. કાપણી બાદ યોગ્ય રીતે બીનો સંગ્રહ કરવા માટે તેની સુકવણી કરવી જરૂરી છે. રાજગરો બહુમુખી પ્રકૃતિ ધરાવતો પાક હોઈ તેને મકાઈ, જુવાર, કઠોળ, ભીંડા, ટામેટી, શક્કરીયાં, કાકડી, મરચી, ચોળી, ડુંગળી અને લસણ વગેરે પાકોમાં આંતરપાક તરીકે લઈ શકાય છે.

ઉપસંહાર :  

        રાજગરો એ વિશ્વની વધતી જતી વસ્તીને ખોરાક પુરો પાડવાની ક્ષમતા ધરાવતો એક આશાસ્પદ પાક છે. તે ઉત્તમ પોષણ મૂલ્ય, વિવિધ રાસાયણિક બંધારણ અને વિશાળ પ્રમાણમાં જૈવિક અને ઔષધિય ઘટકો ધરાવતો હોઈ વિવિધ ઉદ્યોગો માટે એક મૂલ્યવાન સંપત્તિ છે. રાજગરો એ બાયોએક્ટીવ પદાર્થોથી સમૃદ્ધ હોઈ અનેકવિધ ઘરેલું અને ઔદ્યોગિક બનાવટોમાં તે વપરાય છે. વિકાસ પામતા દેશોમાં અન્નની અછત ધરાવતી વસ્તીને જરૂરી પોષકતત્વો પુરાં પાડી ભૂખમરામાં ઘટાડો કરવા માટે મહત્વનો ભાગ ભજવે છે. તે વિવિધ હવામાન અને પર્યાવરણમાં પોતાની અનુકૂલનતા સાધે છે, આરોગ્યને અનેકગણા લાભો પુરા પાડે છે અને તે બહુમુખી ઉપયોગો ધરાવે છે જેથી તે વિશ્વમાં અન્નની સલામતી અને ટકાઉ વિકાસને ટેકો આપે છે. વિશેષમાં તે ખેતી પદ્ધતિઓમાં વૈવિધ્યકરણ અને બદલાતા પર્યાવરણની પરિસ્થિતિમાં અનુકૂલન તથા આહાર ઉત્પાદકો, સૌંદર્યપ્રસાધન અને ઔષધિય કંપનીઓ અને પૂરક ખોરાક બનાવતી કંપનીઓ માટે એક મૂલ્યવાન સંપત્તિ છે.   


સ્ત્રોત : ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, જૂન – 2024


સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com

www.krushikiran.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *