સંભવિત સ્વાસ્થ્યવર્ધક ખોરાક (સુપરફૂડ) – મોરૈયો (Potential superfood – Jungle Rice)

                બાર્નયાર્ડ મિલેટ અથવા જંગલી ચોખા (રાઈસ) તરીકે ઓળખાતું ઉષ્ણકટીબંધિય એશિયાનું વતની એક જંગલી ઘાસ અથવા ડાંગરમાં થતું નીંદણ છે જેનું વૈજ્ઞાનિક નામ ઈચિનોક્લોઆ કોલોના (Echinochloa colona) છે જે ગુજરાતીમાં મોરૈયો કે સામો તરીકે અને હિન્દીમાં સવાકા ચાવલ, મોરધાન કે વર્ટિકે ચાવલ તરીકે જાણીતું છે. તે ભરપુર માત્રામાં આયર્ન, ઝિન્ક, રેસા અને સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, કોપર અને મેંગેનીઝ જેવા ખનીજો ઉપરાંત મહત્વના બધા એમિનો એસિડ ધરાવે છે. તેને સુપર ફૂડ કે હેલ્ધી ફૂડ કહેવામાં આવે છે કારણ કે તે ગ્લુટેન, સુગર અને કોલેસ્ટીરોલથી મુક્ત છે. આ પ્રકારના છોડ વિવિધ પ્રકારના હવામાનમાં ઉષ્ણકટીબંધીય વિસ્તારમાથી માંડી ગરમ પ્રદેશો અને સમુદ્રની સપાટીથી 2000 મીટરની ઊંચાઈ સુધી થતા જોવા મળે છે.

        તે 220 થી 300 સે. ઉષ્ણતામાન ધરાવતા ગરમ હવામાનમાં થાય છે. નવરાત્રીના પર્વ દરમ્યાન ચોખાની અવેજીમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેના દાણાને દૂધ અને મોરસ સાથે ઉકાળી ખીર બનાવી અથવા ચોખાની જેમ પાણીમાં બાફીને ભાત તરીકે ખાવામાં આવે છે. તેના બીને દળીને લોટ મેળવવામાં આવે છે. તે ઘણો સ્વાદિષ્ટ ખોરાક હોઈ પ્રાણીઓ પણ તેને આનંદપૂર્વક ખાય છે. મ્યાનમારમાં દુધાળુ પશુઓને ખોરાક તરીકે આપવામાં આવતું એક આદર્શ ઘાસ છે. પશુઓના ખોરાક તરીકે તેમાં ફોસ્ફરસ અને કેલ્શિયમનું પ્રમાણ પુરતા પ્રમાણમાં રહેલ છે. તેના પીલા આરોગ્યવર્ધક શાકભાજી તરીકે જાણીતા છે. તેનો ઉપયોગ પિંજરામાં રાખેલ પક્ષીઓના ખોરાક તરીકે પણ થાય છે.

મોરૈયાના આરોગ્યલક્ષી લાભો :        

        ઉપર જણાવેલ આરોગ્યના લાભો મેળવવા માટે નિયમિત રીતે મોરૈયાનો ઉપયોગ આહારમાં કરવો જોઈએ. અત્રે તેના કેટલાક આરોગ્યવર્ધક લાભોની માહિતી દર્શાવેલ છે :

(1) હ્રદયના આરોગ્યમાં સુધારો :

        તેમાં રહેલા ખાદ્ય હ્રદયના આરોગ્ય માટે ફાયદાકારક છે. તેમાં રહેલ ઊંચા રેસાનું પ્રમાણ લોહીમાંના ખરાબ કોલેસ્ટીરોલમાં ઘટાડો કરે છે. કોલેસ્ટીરોલ અને હ્રદયનું આરોગ્ય એકબીજાને સંબંધિત બાબત છે એટલે તેનો ખોરાકમાં ઉપયોગ કોરોનરી હ્રદયરોગોના જોખમમાં ઘટાડો કરે છે.

(2) રોગપ્રતિકારક તંત્રના જૂસ્સામાં વધારો :

        મોરૈયો મોટી માત્રામાં વિટામિન સી ધરાવે છે. તેમાં એન્ટિઓક્સીડેન્ટ તરીકે રેસા, વિટામિન એ અને સી રહેલા છે જેનાથી અનેક માંદગીને દૂર રાખી શકાય છે. આ એન્ટિઓક્સીડેન્ટસ મુક્ત કણોને અને શરીરના અનિચ્છિત પદાર્થોને દૂર કરે છે. તે હીમોગ્લોબિન, ટીએલસી (TLC – Total Leucocytes count) અને પ્રતિકારકશક્તિમાં વધારો કરે છે.

(3) વજનમાં ઘટાડો :  

        મોરૈયો ઊંચા પ્રમાણમાં ખાદ્ય રેસા ધરાવતું હોઈ તેને થોડા પ્રમાણમાં ખોરાકમાં લેવાથી ધરાવો આવી જાય છે. આમ તમે ખાવાની ટેવમાં ફેરફાર કરી શકો છો અને તેનો આહારમાં ઉપયોગ કરી વજનમાં ઘટાડો કરી શકો છો.

(4) ડાયાબીટીસમાં ઉપયોગી :

        મોરૈયો સારા પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટસ ધરાવે છે. તેમાં સુગરનું પ્રમાણ ઓછુ છે. તેથી ડાયાબીટીસવાળા દરદીઓ તેને ઉત્તમ ખોરાક તરીકે આહારમાં લઈ શકે છે. ડાયાબીટીસના દરદીઓએ નીચો ગ્લાયસેમિક આંક ધરાવતો ખોરાક આહારમાં લેવાથી લોહીમાંની શર્કરાનું પ્રમાણ ઘટાડી શકાય છે. તમે તેનો ભાતના બદલે આહારમાં ઉપયોગ કરી શકો છો જેનો સ્વાદ પણ ભાત જેવો છે અને તે ખોરાકમાં લેવાથી ધરાવો પણ આવે છે.  

મોરૈયાના પરંપરાગત ઉપયોગો અને લાભો :

(1) તેના છોડ પિત્તપ્રકોપ, કબજીયાત, બરોળ અને રક્તસ્ત્રાવની મુશ્કેલી તેમજ ઉબકા વગેરેની સારવારમાં ઉપયોગી છે. તેના છોડ બરોળ અને રક્તસ્ત્રાવની મુશ્કેલીમાં ઉપયોગી છે.

(2) પડેલ ઘાને રૂઝ લાવવામાં, ડાયાબીટીસ વિરોધી, ચાંદા-વિરોધી અને ચેપ સામે પ્રતિકારક તરીકે આખો છોડ કે તેના ભાગો સારવાર તરીકે ઉપયોગમાં લેવાય છે.

(3) આ છોડની ગાંઠ ઉબકા અને ઉલ્ટી અટકાવવાનો ગુણ ધરાવે છે અને અપચા કે પેટની સામાન્ય સમસ્યામાં શામક (સીડેટિવ) તરીકે અને સગર્ભાવસ્થા દરમ્યાન થતી ઉલ્ટીને અટકાવવામાં ઉપયોગી છે.

ખોરાક તરીકે ઉપયોગો :

(1) તેના બીજ રાંધીને અને મિલેટ તરીકે ખાવામાં આવે છે.

(2) તેના આખા બીજ રાંધીને અથવા તેના લોટની રાબ કે કાંજી બનાવી ઉપયોગમાં લેવાય છે.

(3) તેના નાના છોડ અને અંકુર કાચા અથવા રાંધીને ખાવામાં આવે છે.

(4) તેને ચોખા સાથે કાચા ખાઈ શકાય છે.      

(5) જાવામાં તેના નાના અંકુરને શાકભાજી તરીકે ખાવામાં આવે છે.

(6) રાજસ્થાન રાજ્યમાં ભાતની અવેજીમાં તેના બી પાણીમાં બાફીને ખવાય છે.

(7) તેના બીજ દળીને મળતો લોટ કોઈકવાર મકાઈ અથવા અડદના લોટ સાથે મિશ્ર કરી બ્રેડ અથવા કાંજી બનાવવામાં આવે છે.

(8) ભારતમાં તેના બીજનો ઉપયોગ ‘ખીચડી’ બનાવવામાં થાય છે અને તહેવારો દરમ્યાન ઉપવાસના દિવસોમાં તેનો ઉપયોગ વજન જાળવવામાં અદભૂત કામ કરે છે.

        આમ ઉપરોક્ત બહુવિધ ઉપયોગોને લઈ તેનો મોટા પાયે ઉપયોગ કરવાની ક્ષમતા રહેલી છે.

મોરૈયાની વિવિધ બનાવટો :  

(1) ઉપવાસમાં મોરૈયાની ખીર :

પદાર્થો : પા કપ મોરૈયો, એક ચમચી ઘી, ત્રણ કપ દૂધ, 4 થી 5 ચમચી મોરસ, એક ચમચી પિસ્તા, 3 ચમચી બદામ અને ચાર ઈલાયચી.

રીત :

(1) મોરૈયાને સાફ કરીને ધોઓ. પાંચ મિનિટ માટે પાણીમાં પલાળો ત્યારબાદ ગળણીમાં ગાળી પાણી દૂર કરો.

(2) પિસ્તા અને બદામના પાતળા ટુકડા કરો.

(3) ઈલાયચીના છોતરાં દૂર કરી દળીને પાઉડર બનાવો.

(4) એક છીછરા પાત્રમાં ઘી લઈ ગરમ કરો અને તેમાં મોરૈયાને એક મિનિટ માટે મધ્યમ તાપે શેકો.

(5) ત્યારબાદ તેમાં પિસ્તા અને બદામના પાતળા ટુકડા અને ઈલાયચીનો ભૂકો ઉમેરી મિશ્ર કરો એટલે મોરૈયાની ખીર તૈયાર.

(2) મોરૈયાની ચકરી :

પદાર્થો : 125 ગ્રામ (પોણો કપ) મોરૈયો, અડધી ચમચી જીરૂ, અડધી ચમચી અથવા જરૂર જણાય તેટલું સિંધવ મીઠું, એક ચમચી તલ, અને ચકરી તળાય તેટલું તેલ.

રીત :

(1) મોરૈયાને ધોઈ અને બે કલાક સુધી પાણીમાં પલાળો. ત્યારબાદ પાણી નિતારી પાણી ઉમેર્યા વિના મિક્ષ્ચરમાં કકરૂ દળવું. જો જરૂર જણાય તો એક કે બે ચમચી પાણી ઉમેરવું.

(2) ગેસ ઉપર વાસણ મૂકી તેમાં કકરૂ કરેલ મોરૈયો અને એક ચમચી તેલ લેવું. તેને મધ્યમ તાપે 1 થી 2 મિનિટ સુધી શેકવું. તેને સતત હલાવવાથી પેસ્ટ જેવું બનશે. આ પેસ્ટનો લૂઓ બને એટલે કે લોટ બંધાય ત્યાં સુધી હલાવવું.

(3) એક બાઉલમાં લોટ લઈ તેને ઠંડો પાડો. ત્યારબાદ તેમાં જીરૂ, તલ, સિંધવ મીઠું, મરીનો ભૂકો ઉમેરી સરળ અને નરમ લોટ બનાવવો જે ચકરી બનાવવા માટે તૈયાર છે.  

(4) મોરૈયાના ચકરી માટે તૈયાર કરેલ લોટનો રોલ બનાવી તેને ચકરી માટેના સંચામાં મૂકી સંચો બંધ કરવો.

(5) જાડી પ્લાસ્ટિકની શીટ ચકરી પાડવા માટે પાથરવી.

(6) આ પ્લાસ્ટિક શીટ ઉપર સંચા વડે ચકરી પાડવી. એક સંચામાંથી આશરે 7 થી 8 ચકરી પાડી શકાય છે.

ચકરી તળવી :

(1) એક વાસણમાં તેલ લઈ મધ્યમ તાપે ગરમ કરવું. પ્લાસ્ટિક શીટ ઉપરથી હળવા હાથે તેનો આકાર ન બદલાય તે રીતે ચકરીને ઉખાડવી.

(2) ગરમ તેલમાં ચકરીને મૂકવી અને મધ્યમ તાપે તળવી. તેલમાં શક્ય તેટલી વધુ ચકરી મૂકી તેનો રંગ સોનેરી બદામી થાય ત્યાં સુધી રાખવી.

(3) તેને એક થાળીમાં તેલ શોષે તેવા પેપર ઉપર મૂકો.

(4) ચકરી ઉપવાસમાં ખાવા લાયક તૈયાર છે. તેને ઠંડી પડવા દઈ હવાચુસ્ત ડબામાં રાખી મહિનામાં ગમે ત્યારે ખાઈ શકાય છે.  


સ્ત્રોત : ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, જૂન – 2024


સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com

www.krushikiran.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *