છેલ્લા કેટલાક દસકમાં પ્લાસ્ટિક કેમેસ્ટ્રી ક્ષેત્રે મોટા પાયે વૈજ્ઞાનિક પ્રગતિ થયાને કારણે સમગ્ર વિશ્વમાં કૃષિ અને બાગાયત ક્ષેત્રે ઉત્પાદન, ગુણવત્તા અને સલામતી માટે વિવિધ પદ્ધતિઓ અને પ્રોડક્ટસમાં પ્લાસ્ટિકનો ઉપયોગ વધવા પામ્યો છે જે પ્લાસ્ટિકલ્ચર ક્ષેત્રે થયેલ નવીનત્તમ શોધોને આભારી છે. માનવીની પર્યાવરણ ક્ષેત્રે આવેલ જાગૃતિને કારણે એવા પ્લાસ્ટિકની માંગ વધી છે કે જે નુકસાનકર્તા રસાયણો ન ધરાવતું હોય, તે વનસ્પતિમાંથી બનાવેલ હોય એટલે કે જમીનમાં કહોવાઇને ભળી મળી શકે તેવું હોય અને તેનો પુનઃઉપયોગ (રીસાયકલ) કરી શકાતો હોય. પ્લાસ્ટિકલ્ચરનો મોટા પાયે અમલ કરવામાં આવે તો વિકાસની સાથે સારો નફો મેળવી શકાય તેમ છે.
બાગાયતમાં ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિકના પ્રકારોઃ
ખેતીમાં વિવિધ પ્રકારના પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે જેમાં પોલીયોલેફિન પોલીઇથીલીન (પીઇ-PE), પોલીપ્રોપેલીન (પીપી-PP), ઇથીલીન-વિનાઇલ એસીટેટ કોપોલીમર (ઇવીએ-EVA), પોલી-વિનાઇલ કલોરાઇડ (પીવીસી-PVC) અને ઓછા ઉપયોગમાં લેવાતા પોલીકાર્બોનેટ (પીસી-PC) અને પોલીમીથાઇલ મેથાક્રીલેટ (પીએમએએ-PMAA) નો સમાવેશ થાય છે. આવા ખેતીમાં ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિકની ગુણોની માહિતી અત્રે દર્શાવેલ છે :
પોલીઇથીલીનઃ
મોટા ભાગના ખેડૂતો આ પ્રકારની પ્લાસ્ટિક ફિલ્મનો ઉપયોગ ખેતીમાં કરે છે કારણકે તે વધુ પોષણક્ષમ એટલે કે આર્થિક રીતે પરવડે તેવી, સહેલાઇથી વાળી શકાય તેવી અને ઉત્પાદન સરળ રીતે કરી શકાય છે. તે વિવિધ જાડાઇમાં ઉપલબ્ધ છે જેમ કે ઓછી ઘનતાવાળું લો ડેન્સિટી પોલીઇથીલીન (એલડીપીઇ-LDPE), લીનીયર લો ડેન્સિટી ફોર્મ (એલએલડીપીઇ-LLDPE) અને વધુ ઘનતાવાળુ હાઇ ડેન્સિટી પોલીઇથીલીન (એચડીપીઇ-HDPE). આવા પ્લાસ્ટિકમાં કેટલાક તત્વો ઉમેરી છોડના વિકાસમાં લાભ કરે તેવા ગુણોવાળું પ્લાસ્ટિક તૈયાર કરી ઉપયોગમાં લેવાય છે જે પાણીમાં થતો ઘટાડો અટકાવે છે, યુવી સ્ટેબિલાઇઝેશન ધ્વારા જમીન ઠંડી રાખે છે અને કીટકો સામે રક્ષણ આપે છે, સૂર્યપ્રકાશને અટકાવી નીંદણની વૃધ્ધિ અટકાવે છે, ઇન્ફ્રારેડ કિરણોને અટકાવે છે, ધુમ્મસ થતું અટકાવે છે અને ફલુરોસન્ટ ફિલ્મ તરીકે કામ આપે છે. વિવિધ પ્રકારની પોલીઇથીલીન ફિલ્મમાં એલડીપીઇ, એચડીપીઇ, પીપી, ઇવીએ, પીવીસી અને પીસી નો સમાવેશ થાય છે.
(ક) રક્ષિત બાંધકામમાં પ્લાસ્ટિકનો ઉપયોગઃ
(1) ગ્રીનહાઉસ (Greenhouse) :
જે વિસ્તારમાં પાકને અનુકુળ પરિસ્થિતિ ન હોય તેવા વિસ્તારમાં તે પાક લેવા માટે ગ્રીનહાઉસનો ઉપયોગ કરવામાં આવે છે. ખુલ્લા ખેતરો કરતાં આ પદ્ધતિમાં પાક લેવાથી આખુ વર્ષ ગુણવત્તાયુક્ત અનેકગણું ઉત્પાદન મેળવી શકાય છે. ગ્રીનહાઉસમાં ઉત્તમ ગુણવત્તા ધરાવતી વાવેતર સામગ્રી (પ્લાન્ટિગ મટીરિયલ્સ) અને નર્સરી માટેના તંદુરસ્ત છોડ મેળવી શકાય છે. ગેલ્વેનાઇઝ પાઇપો, સ્ટીલની એન્ગલો, લાકડા કે વાંસના માળખાનો ઉપયોગ કરી પારદર્શક પ્લાસ્ટિક ફિલ્મ લગાવી ગ્રીનહાઉસ તૈયાર કરવામાં આવે છે. ગ્રીનહાઉસ માળખાને આવરિત કરવા માટે બે પ્રકારની પ્લાસ્ટિક ફિલ્મનો ઉપયોગ કરવામાં આવે છે. (1) મોનોલેયર સંપૂર્ણ પારદર્શક યુવી સ્ટેબિલાઇઝડ ફિલ્મ અને (2) ખાસ પ્રકારની ફિલ્મ જેવી કે, ટપક વિરોધી, સલ્ફર વિરોધી, ધૂળના રજકણ વિરોધી વગેરે. ગ્રીનહાઉસમાં કયા પ્રકારના પાકનું વાવેતર કરવાનું છે તે મુજબ પ્લાસ્ટિક ફિલ્મની પસંદગી કરવી જોઇએ. ભારતીય પ્રમાણન (IS 15827 : 2009) મુજબ પ્લાસ્ટિક ફિલ્મ નીચે દર્શાવેલ ગુણધર્મો ધરાવતી હોવી જોઇએ :
| ક્રમ | પ્લાસ્ટિક ફિલ્મો પ્રકાર | ગુણધર્મો |
| 1 | નોર્મલ ફિલ્મ | (1) સારી પારદર્શકતા – 80 ટકાથી વધારે (2) ઓછી ગ્રીનહાઉસ અસર |
| 2 | થર્મિક ક્લીયર ફિલ્મ | (1) સારી પારદર્શકતા (2) ઊંચી ઇન્ફ્રારેડ અસરકારકતા |
| 3 | થર્મિક ડિફ્યુઝન | (1) ઊંચી ઇન્ફ્રારેડ અસરકારકતા (2) ડિફ્યુઝન લાઇટ |
ગ્રીનહાઉસ વિવિધ રીતે બનાવી શકાય છે પરંતુ સામાન્યતઃ ભારત દેશની પરિસ્થિતિ મુજબ (1) કુદરતી હવાની અવરજવર (નેચરલ વેન્ટિલટેડ) યુક્ત ગ્રીનહાઉસ અને (2) ફેન અને પેડ કૂલિંગ સીસ્ટમવાળા ગ્રીનહાઉસનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારના ગ્રીનહાઉસ ભારતની વિવિધ ખેત-હવામાન પરિસ્થિતિમાં અનુકુળ છે. તેનાથી અનેકવિધ ફાયદાઓ થાય છે જેમ કે, દરેક પાક માટે જરૂરી અનુકુળ હવામાન પૂરૂ પાડે છે, ઋતુ સિવાય પણ પાકનું વાવેતર કરી શકાય છે, હવામાનની પ્રતિકુળના સામે રક્ષણ પૂરૂ પાડે છે, રોગ-જીવાત સામે રક્ષણ આપે છે, ઊંચી ગુણવત્તા ધરાવતું ઉત્પાદન મેળવી શકાય છે અને નર્સરીના છોડ સહેલાઇથી ઉછેરવામાં મદદ કરે છે.
(2) શેડ નેટસ (Shade nets) :
ગેલ્વેનાઇઝ પાઇપો એંન્ગલો, લાકડા અથવા વાંસનો ઉપયોગ કરી શેડ નેટનું માળખું તૈયાર કરવામાં આવે છે અને તેને પ્લાસ્ટિક નેટથી આવરિત કરવામાં આવે છે. પ્લાસ્ટિક નેટ ખાસ યુવી માવજત સાથે 100 ટકા પોલીથીલીન દોરીથી બનાવેલ હોય છે. તે 15,35,40,50,75 અને 90 ટકા શેડ (છાંયો) આપે તેવી મળે છે. આધુનિક ખેતીમાં કુદરતી રીતે હવામાનની પ્રતિકુળ પરિસ્થિતિમાં છોડ ઉછેરવા માટે તેનો ઉપયોગ થાય છે. જે તે છોડના વિકાસ માટે ચોક્કસ પ્રકારના છાંયા (શેડ)ની જરૂર હોય છે. આ પ્રકારની નેટ જે તે છોડને શેડ ધ્વારા જરૂરી હવામાનની પરિસ્થિતિ પુરી પાડે છે. તે પાકને પારજાંબલી કિરણોત્સર્ગ (યુવી રેડિયેશન) સામે રક્ષણ આપે છે અને ઉષ્ણતામાનમાં વધઘટ, વરસાદ અને પવન જેવી હવામાન પરિસ્થિતિ સામે રક્ષણ પૂરૂ પાડે છે. શેડ નેટમાં નિયંત્રણ હવામાન પૂરૂ પાડવાને કારણે પાકનો સારો વિકાસ થતાં ઊંચુ ઉત્પાદન મળે છે.
શેડ નેટના પ્રકારોઃ
(1) લીલી અને કાળી (Green X Black):
તે અનિચ્છિત યુવી કિરણોને અટકાવે છે અને દેખાવે સુંદર લાગે છે.
(2) કાળી અને કાળી (Black X Black):
તે શેડ નેટહાઉસમાં રહેલ ગરમીને શોષી લે છે અને વિકિરણ કરે છે.
(3) સફેદ અને કાળી (White X Black):
તે શેડ નેટહાઉસમાં પ્રકાશનું પ્રસરણ (ફેલાવો) કરે છે.
(4) લીલી અને લીલી (Green X Green):
સુશોભન માટેના છોડમાં સારા પર્ણ સમૂહ મેળવવા માટે છોડમાં પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં વધારો કરે છે.
(3) ટનલ્સ (Tunnels) :
ટનલ્સ એ જટીલતા અને ઉંચાઇ સિવાય ગ્રીનહાઉસ જેવી છે. ટનલ્સ લોખંડની પાઇપોનું માળખું બનાવી તેના ઉપર પ્લાસ્ટિક શીટ આવરી લઇ બનાવવામાં આવે છે. તે ઓછા ખર્ચે બનતી સરળ અને પાકને ઓછા ઉષ્ણતામાન સામે રક્ષણ પૂરૂ પાડતી હોઇ ખેતીમાં નવા આવનાર ખેડૂતો માટે વધુ ઉપયોગી છે. તે વિવિધ પ્રકારના પાકો ઉછેરવા અને વિવિધ પાક પદ્ધતિઓ માટે ઉપયોગી છે.
ટનલ્સના પ્રકારોઃ
(1) વોક-ઇન ટનલ (Walk – In tunnel) : મેઘધનુષ્યના આકારની માફક લોખંડની પાઇપોનુ માળખું ગોઠવી જમીનમાં 60 સે.મી. ઊંડે. સુધી પાઇપો જવા દઇ તેની ઉપર પ્લાસ્ટિક શીટ આવરી લઈ બનાવવામાં આવે છે. ટનલ્સની અંદર આવજા કરી શકાય છે અને તેના એક છેડે લંબચોરસ બારણું રાખેલ હોય છે. આ પ્રકારની ટનલનો ઉપયોગ શિયાળા દરમ્યાન શાકભાજી અને એપ્રિલ દરમ્યાન નર્સરીના રોપા ઉછેરવા માટે થાય છે.
(2) લો ટનલ (Low tTunnel): લો ટનલમાં શાકભાજી પાકની હરોળને વાયર હૂપ વડે પ્લાસ્ટિક કવરને ટેકો આપવામાં આવે છે.
(3) ફલોટિંગ રો કવર (Floating row cover): એપ્રિલ-મે દરમ્યાન ખેતરોમાં નર્સરી ઉછેરવા માટે ફ્લોટિંગ રો કવરનો ઉપયોગ થાય છે જેમાં પાકની ઉપર ટેકા વગર એક પોલીથીન શીટ રાખવામાં આવે છે જે ટનલ સ્થાપનમાં થતો ખર્ચ ઘટાડે છે. આ પોલીથીન શીટ બીનું સ્ફુરણ થયા બાદ દૂર કરવામાં આવે છે.
(ખ) આવરણ તરીકે પ્લાસ્ટિકનો ઉપયોગઃ
(1) મલ્ચિંગ (Mulching):
સેન્દ્રિય અથવા નિરેન્દ્રીય ચીજવસ્તુઓને ઉપયોગ જમીનને આવરિત કરવામાં આવે છે જેને મલ્ચિંગ કહે છે. તે એક પ્રકારનો કૃત્રિમ અવરોધ છે કે જે જમીનમાં રહેલ પાણીનું બાસ્પીભવન અટકાવે છે, નીંદણનું નિયંત્રણ કરે છે, જમીનના બાંધાને સારી રીતે જાળવી રાખે છે અને જમીનને લાગતા ચેપને અટકાવે છે. પ્રાણીજ અને વનસ્પતિની ચીજવસ્તુઓનો કુદરતી આવરણ (મલ્ચ) તરીકે ઉપયોગ થાય છે. મોટા જથ્થામાં આ પ્રકારનો સેન્દ્રિય જથ્થો મલ્ચ તરીકે ઉપલબ્ધ થઇ શકે તેમ નથી. આ સંજોગોમાં પ્લાસ્ટિક મલ્ચ આવરણ તરીકે સહેલાઇથી પ્રાપ્ય થઇ શકે તેવું, વાપરવામાં સરળ અને સહેલાઇથી હેરફેર કરી શકાય તેવું છે. આજકાલ એલડીપીઇ (LDPE) અને એલએલડીઇ (LLDPE) પ્રકારની પ્લાસ્ટિક ફિલ્મ સામાન્ય રીતે આવરણ તરીક વપરાય છે. કાળા રંગની એલએલડીપીઇ મલ્ચ ફિલ્મ વધુ પ્રખ્યાત છે જે પાતળી અને પંકચર સામે સારો પ્રતિકાર કરે છે. મલ્ચિંગ માટેની પ્લાસ્ટિક ફિલ્મની જાડાઇ પાકની જાત મુજબ રાખવામાં આવે છે. વિવિધ પાકો માટે નીચે મુજબ પ્લાસ્ટિક ફિલ્મની જાડાઇ રાખવાની ભલામણ કરવામાં આવેલ છે :
| પ્લાસ્ટિક ફિલ્મની જાડાઇ (માઇક્રોન) | ભલામણ કરેલ પાકો |
| 27-25 | વાર્ષિક (ટુંકા ગાળાના પાકો) |
| 40-50 | દ્ધિવાર્ષિક (મધ્યમ ગાળાના પાકો) |
| 50-100 | બારમાસી (લાંબા ગાળાના પાકો) |
| 1 માઈક્રોન = 1/1000 મિલિમીટર | |
કૃષિના વિવિધ કાર્યોમાં વપરાતા પ્લાસ્ટિક મલ્ચના પ્રકારોઃ
(1) બ્લેક મલ્ચ (Black mulch) : આ પ્રકારની કાળી પ્લાસ્ટિક ફિલ્મ જમીન ઉપર સૂર્યપ્રકાશ પસાર થવા દેતી નથી અને જમીનમાં સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં પ્રકાશસંશ્ર્લેષણની પ્રક્રિયા થતી નથી તેથી સંપૂર્ણ રીતે નીંદણોનો વિકાસ થતો નથી અને જમીનમાના ભેજનું સંરક્ષણ કરવામાં મદદ કરે છે જેના લીધે જમીનના તાપમાનમાં વધારો થાય છે.
(2) પારદર્શક મલ્ચ (Transparent or Clear mulch):
આ ફિલ્મમાંથી સૂર્યપ્રકાશ પસાર થઇ શકે છે જેથી નીંદણોનો ઉગાવો થાય છે પરંતુ ફિલ્મની અંદરની બાજુએ નીંદણનાશકનો પટ આપવાથી નીંદણનો ઉગાવો અટકાવી શકાય છે. સામાન્યતઃ આ પ્રકારની ફિલ્મ જમીનનું સૌરીકરણ કરી પાકને રોગોથી અસરકારક રીતે મુક્ત રાખે છે. શિયાળાની ઋતુમાં પહાડી વિસ્તારોમાં ઠંડા હવામાનની પરિસ્થિતિ સમયે આ પ્રકારની ફિલ્મ જમીનના પરિસ્થિતિ સમયે આ પ્રકારની ફિલ્મ જમીનના તાપમાનમાં વધારો કરવા માટે વધુ અસરકારક સાબિત થાય છે.
(3) ટુ સાઇડ કલર મલ્ચ (Two side colour mulch) :
સૂર્યના ચોક્કસ પ્રકારની તરંગલંબાઇના કિરણોને શોષવા માટે એક ખાસ પ્રકારની રચના ધરાવતી ફિલ્મ બનાવવામાં આવે છે કે જેમાંથી સૂર્યપ્રકાશ પસાર થાય છે અને પાકના છત્ર પરથી પાછા પ્રતિબિંબિત થાય છે. તેની પાકની વૃદ્ધિ ઉપર નોંધપાત્ર અસર થાય છે અને ખેડૂતો છોડના વિવિધ ગુણધર્મોને નિયંત્રિત કરી શકે છે. વિવિધ રંગના મલ્ચ અને તેના ગુણધર્મો કોઠામાં દર્શાવેલ છે :
| ક્રમ | રંગીન મલ્ચ | ગુણધર્મો |
| 1 | સફેદ/કાળી (White/Black) | જમીનને ઠંડી રાખે છે. |
| 2 | સિલ્વર/કાળી (Silver/Black) | સફેદ/કાળી મલ્ચ કરતાં જમીનને ઓછી ઠંડી રાખે છે અને મોલો તથા થ્રિપ્સને દૂર રાખે છે. |
| 3 | પીળી/કાળી (Yellow/Black) | કેટલાક કીટકોને આકર્ષે છે અને તેઓને જાળમાં ફસાવે છે અને તેના ધ્વારા ફેલાતા રોગોને અટકાવે છે. |
| 4 | લાલ/કાળી (Red/Black) | જમીનને હૂંફાળી ગરમ રાખે છે. તે પાકના છત્ર પર પડતો કિરણોસર્ગ છોડની વાનસ્પતિક વૃદ્ધિ, ફૂલોનો વિકાસ અને અન્ય ફેરફારો પેદા કરે છે. |
(4) ડીગ્રેડેબલ મલ્ચ (Degradable mulch) :
તેના બે પ્રકાર છે (1) ફોટો-ડીગ્રેડેબલ મલ્ચ અને બાયોડીગ્રેડેબલ મલ્ચ. બાયોડીગ્રેડેબલ મલ્ચ ફિલ્મ કુદરતી પર્યાવરણીય પરિસ્થિતિમાં મલ્ચિંગ સમય પુરો થતાં જમીનમાં ભળી જાય છે. વિઘટન થઇ મલ્ચિંગ સમય પુરો થતા જમીનમાં ભળી જાય છે જ્યારે ફોટો-ડીગ્રેડેબલ મલ્ચ ફિલ્મ સૂર્યપ્રકાશમાં વિઘટન થઇ મલ્ચિંગ સમય પૂરો થતાં જમીનમાં ભળી જાય છે.
(2) જમીનનું સૌરકરણ (Soil solarization):
આ એક પ્રકારની બિન રાસાયણિક પદ્ધતિ છે જેમાં સૂર્યપ્રકાશમાંથી મળતી ગરમીને શોષી જમીનજન્ય કીટકોનું નિયંત્રણ કરવામાં આવે છે. આ પદ્ધતિમાં ઉનાળાના સમયે 4 થી 6 અઠવાડીયા માટે પારદર્શક પ્લાસ્ટિક જમીન ઉપર પાથરીને સૂર્યની ગરમીથી જમીનને તપાવવામાં આવે છે. તેનાથી સામાન્ય રીતે જે તે સ્થળ મુજબ જમીનના ઉપરનું 15 સે.મી. પડ 1400 ફે. જેટલું ગરમ થાય છે. જમીન ઉપર પાથરેલ પ્લાસ્ટિકની શીટ સૂર્યના કિરણોને જમીનમાં સંગ્રહી જમીનના 30 થી 38 સે.મી.ના પડને ગરમ કરે છે જેથી જમીનમાં રહેલ નીંદણો, રોગકારકો, કૃમિ અને કીટકોનો મોટા પાયે નાશ થાય છે.
સામાન્ય રીતે જમીનના સૌરકરણ માટે પારદર્શક પ્લાસ્ટિક વધુ અસરકારક છે કારણ કે તે સૂર્યના કિરણોને પસાર થવા દઇ જમીનને અંદરથી ગરમ કરે છે. કાળા રંગનું પ્લાસ્ટિક આ માટે પારદર્શક પ્લાસ્ટિક કરતાં ઓછું અસરકારક ગણાય છે. જો કે ઠંડા અને કિનારાના વિસ્તારોમાં પારદર્શક પ્લાસ્ટિક કરતાં કાળું પ્લાસ્ટિક સારૂ ગણાય છે કારણ કે તે નીંદણોની વૃદ્ધિ થવા દેતું નથી જ્યારે પારદર્શક પ્લાસ્ટિકમાં રહેલ હવામાંનું તાપમાન નીંદણોનો નાશ કરી શકતું નથી. આવી પરિસ્થિતિ હોય ત્યારે વર્ષના ગરમીના સમયે થોડા અઠવાડીયા માટે કાળુ પ્લાસ્ટિક જમીન ઉપર પાથરી રાખવું જોઈએ. પાતળું પ્લાસ્ટિક 1 મિલ (0.001 ઇંચ અથવા 0.025 મિ.મી) જમીનને ઝડપથી ગરમી આપે છે પરંતુ પવન કે પ્રાણીઓના ચાલવાથી ફાટી જવાની સંભાવના વધુ રહે છે. જેથી પવન વાતો હોય તેવા વિસ્તારોમાં થોડું જાડું પ્લાસ્ટિક (1.5 થી 2 મિલ એટલે કે 0.037 થી 0.05 મિ.મી.) અને વિસ્તાર નાનો હોય તો તેથી વધુ જાડુ (4 મિલ એટલે કે 0.1 મિ.લિ.) પ્લાસ્ટિક વાપરવું જોઇએ.
મોટા પાયે જમીનને સૌરકરણ કરવા માટે યુવી અવરોધકની માવજત કરેલ પ્લાસ્ટિક વાપરવું જેથી સૂર્યપ્રકાશની ગરમીને કારણે પ્લાસ્ટિક ફાટી ન જાય. બગીચામાં વપરાશ માટે 1 થી 4 મિલીનું કદ ધરાવતા પ્લાસ્ટિકના રોલ સહેલાઇથી બજારમાંથી મેળવી શકાય છે. આવા પ્લાસ્ટિક રોલ જમીનના સૌરકરણ માટે 3 થી 5 અઠવાડીયા સુધી ફાટ પડ્યા વિના ઉપર પાથરી શકાય છે. જો પ્લાસ્ટિક ફાટી જાય તો તેને દૂર કરવામાં મુશ્કેલી છે. જો વધુ સમય માટે જમીનનું સૌરકરણ કરવાનું હોય તો ફરીથી તાજુ પ્લાસ્ટિક પાથરવું હિતાવહ છે. જો પ્લાસ્ટિકમાં કાણુ કે ચીરા પડેલ હોય તો તેને ટેપ લગાવી બધં કરવા જોઇએ.
(ગ) પિયત પદ્ધતિઓમાં પ્લાસ્ટિકનો ઉપયોગઃ
ભારતની ખેતી આજે પણ કુદરતી આફતોનો સામનો કરી રહી છે અને ખેતીનો 60 ટકા વિસ્તાર વરસાદ ઉપર આધાર રાખે છે અને દિન-પ્રતિદિન તેમાં ઘટાડો થતો જાય છે જેને લઇ ખેતીના ઉત્પાદનમાં નકારાત્મક અસર જોવા મળતી હોઈ આ તબક્કે પિયત ક્ષેત્રે રોકાણ કરવું અત્યંત જરૂરી છે. ટપક અને કુવારા પિયત પદ્ધતિનો ઉપયોગ કરી પાણી વાપરીને વધુ પાકો ઉગાડી વધુ ઉત્પાદન મેળવી શકાય છે. આ નવીન પદ્ધતિઓનો ઉપયોગ કરી બાગાયત ક્ષેત્રે વધુ ઊંચાઇ પ્રાપ્ત કરી શકાય તેમ છે. જળ સંરક્ષણ અને ઊર્જાના અસરકારક ઉપયોગ માટે વિવિધ પ્રકારના પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો. જોઇએ. ટપક અને ફુવારા પિયત, ફોગ સીસ્ટમ, પીવીસી પાઇપો વગેરેમાં પિયત ક્ષેત્રે ક્રાન્તિ લાવી શકાય તેમ છે.
(ઘ) નર્સરીમાં પ્લાસ્ટિકનો ઉપયોગઃ
નર્સરીમાં યોગ્ય પરિસ્થિતિ પેદા કરી કાળજી પૂર્વક ધરૂ/છોડ/વાવેતર સામગ્રી ઉછેરવામાં આવે છે. ભારતની નર્સરીઓમાં પ્લાસ્ટિકનો વિવિધ રીતે ઉપયોગ થાય છે જેમ કે જમીનના સૌરકરણ માટે પ્લાસ્ટિક શીટ, નર્સરી બેગ, પ્રોટ્રેઝ, પ્લગ ટ્રે, ક્રેટસ, હેગિંગ બાસ્કેટ, સ્પ્રેયર્સ, સ્પ્રિંકલર્સ, ટપક પિયત, ફોગર્સ અને મિસ્ટર, લો ટનલ, શેડ નેટ હાઉસ, ગ્રીનહાઉસ વગેરે. આમ વિવિધ રીતે પ્લાસ્ટિકનો ઉપયોગ કરી સારી ગુણવત્તા ધરાવતા ધરૂ/છોડ/વાવેતર સામગ્રી/ટિશ્યૂકલ્ચર રોપા/કલમો વગેરે તૈયાર કરવામાં આવે છે. આમ નર્સરીમાં પ્લાસ્ટિકના ઉપયોગથી અસરકારક રીતે સારા લાભો મેળવી શકાય છે. ઋતુઓની મર્યાદાને ધ્યાને લઇ નર્સરીમાં વર્ષ દરમ્યાન મોટા પાયે વધુ છોડ મેળવી શકાય છે.
(1) પોલીથીન બેગ્ઝઃ

નર્સરીમાં ખાસ કરીને પોલીથીન બેગોનો ઉપયોગ થાય છે અને તે અપરિપક્વતાનો સમયગાળો ઘટાડવામાં ઉપયોગી ફાળો આપે છે પોલીથીન બેગમાં ઉછેરેલ છોડના મૂળતંત્રને નુકસાન કર્યા વિના ખેતરમાં યોગ્ય રીતે રોપણી કરવા માટે વાપરવા માટે વધુ પ્રખ્યાત છે. ખેતરમાં ખાલાં પૂરવા માટે અને મોડી રોપણી માટે પોલીથીન બેગ્ઝમાં ઉછેરલ એકસરખા છોડ ઉપયોગમાં લેવામાં આવે છે. આ બેગ કાળી અથવા પારદર્શક પોલીથીનની બનાવેલ હોય છે. જો પારદર્શક બેગ છોડ ઉછેરવા માટે નર્સરીમાં વાપરવાની હોય તો તેને જમીનમાં રાખવી જોઇએ જેથી તેના મૂળના વિકાસ ઉપર અસર ન થાય સામાન્ય રીતે કાળી પોલીથીનની બેગ નર્સરીમાં વાપરવા માટે પસંદ કરવામાં આવે છે. છોડના માપ મુજબ પોલીથીન બેગનું માપ રાખવામાં આવે છે. સામાન્ય રીતે 8 થી 10 કિલો માટી સમાય તેવી 55 થી 60 સે.મી લાંબી અને 25 થી 30 સે.મી પહોળી પોલીથીન બેગ નર્સરીમાં વાપરવામાં આવે છે. મોટા છોડ ઉછેરવા માટે 23 કિલો માટી સમાય તેવી 65 સે.મી. X 35 સે.મી.ના માપની મોટી પ્લાસ્ટિક બેગ વાપરવામાં આવે છે. બેગમાં પાણીના યોગ્ય નિતાર માટે નીચે અને અડધેથી નીચે સાઇડમાં જરૂરી કાણાં પાડવામાં આવે છે. નાની બેગ માટે 400 ગેજના માપની અને મોટી બેગ માટે 500 ગેજના માપની એચડીપીઈ શીટ વાપરવામાં આવે છે. આવી બેગોને સૂર્યપ્રકાશમાં લાંબા સમય સુધી રાખવામાં આવે તો બગડી જાય છે.
(2) કન્ટેઈનર્સ (Containers) :

નર્સરીમાં જુદા જુદા પાકો ઉછેરવા માટે વિવિધ પ્રકારના કન્ટેઈનર્સનો ઉપયોગ કરવામાં આવે છે. આવા કન્ટેઈનર્સ પ્લાસ્ટિકના કૂંડાં, હેંગિંગ બાસ્કેટ, ફ્લાવર ટાવર અને ઘણી જાતના હોય છે. તેનો ઉપયોગ છોડને નવા સ્થળે લઈ જવા, ઘરમાં છોડ ઉછેરવા, ઠંડા વાતાવરણમાં ઘરના છોડ ઉછેરવા વગેરે માટે થાય છે. આવા કન્ટેઈનર્સને સામાન્ય રીતે કૂંડાં તરીકે ઓળખવામાં આવે છે જેમાં મોટે ભાગે ફૂલછોડ ઉછેરવામાં આવતા હોય છે. ભૂતકાળમાં અને આજે પણ માટી પકવીને કૂંડાં બનાવવામાં આવે છે જે ટેરાકોટા તરીકે ઓળખાય છે. હાલમાં ફૂલછોડ રાખવા માટેના કૂંડાં પ્લાસ્ટિક, લાકડું, પથ્થર અને કહોવાય તેવા બાયોડીગ્રેડેબલ ચીજવસ્તુઓમાંથી પણ બનાવાય છે. ભારે ખાખી કાગળ, કાર્ડબોર્ડ અથવા પીટ મોસનો ઉપયોગ કરી બાયોડીગ્રેબલ કૂડાં બનાવી તેમાં છોડ ઉછેરવામાં આવે છે. વેપારી ધોરણે ગ્રીનહાઉસ અથવા પોલીટનલમાં પ્લાસ્ટિકનાં કૂંડાં કે ટ્રેમાં છોડ ઉછેરવામાં આવે છે. કૂંડાંના તળિયે વધારાના પાણીના નિતાર માટે કાણું રાખવામાં આવે છે. કેટલીકવાર તેને તળિયે રકાબી મૂકવામાં આવે છે જેમાં રહેલ પાણી મૂળને જરૂર હોય તો લઈ શકે છે. પહેલાંના સમયમાં ઘરમાંના છોડ માટે માટીનાં કૂંડાં વાપરવામાં આવતા હતા. માટીનાં કૂંડાં આકર્ષક, ભારે (મોટા છોડ માટે આદર્શ) અને કેકટસ, ફર્ન, ઓર્કિડઝ વગેરે માટે છીદ્રાળુ હોય છે પરંતુ માટીનાં કૂંડાં જલ્દીથી ભાંગી જાય છે, વારંવાર તેને પાણી આપવું પડે છે અને સફાઈ કરવામાં મુશ્કેલી નડે છે તેમજ તે ખર્ચાળ પણ છે. તેને લઈ આજે પ્લાસ્ટિકનાં કૂંડાં વધુ ઉપયોગમાં લેવાય છે. તે વિવિધ રંગમાં, વજનમાં હલકાં (ખાસ કરીને હેંગિંગ બાસ્કેટ માટે), સહેલાઈથી સાફ કરી શકાય તેવાં અને ઓછા ખર્ચાળ છે. માટીનાં કૂંડાં કરતાં પ્લાસ્ટિકનાં કૂંડાંનો એક મોટો ફાયદો એ છે કે તે જમીનમાંના ભેજને શોષતાં નથી એટલે તેને વારંવાર પાણી આપવાની જરૂર પડતી નથી. સામાન્ય રીતે પ્લાસ્ટિક મજબૂત હોય છે પરંતુ ઠંડા વાતાવરણમાં તેમાં ભાગતૂટ થવાની શક્યતા રહે છે.
(ચ) ટુલ્સ અને સાધનોમાં પ્લાસ્ટિકનો ઉપયોગ :
ખેતીની મશીનરી અને સાધનો (ટુલ્સ)માં ધાતુના કેટલાક ભારે મજબૂત ભાગોની જગ્યાએ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાથી તેની અસરકારકતાને અસર કર્યા વિના મશીનરી અને ટુલ્સનું વજન ઓછું કરી શકાય છે. હાથ વડે ચલાવાતી નાની મશીનરીમાં પ્લાસ્ટિક, પીવીસી, એલડીપીઈ, એચડીપીઈનો ઉપયોગ બાંધકામ, વોશર્સ, ફેન્ડર્સ, હેન્ડલ ગ્રીપ્સ, લીવર્સ, કેસિંગ વગેરેમાં કરી શકાય છે.
(1) બગીચામાં વપરાતા ટુલ્સ (Garden tools) :
બગીચામાં વપરાતાં ટુલ્સ માનવ સંચાલિત હોય છે જેમાં છાંટણી માટે સીકેટર્સ, લોપર્સ (પુનિંગ સો), મેંદીકાતર, ફ્રુટ પ્લકર, હેન્ડ ફોર્ક, હાથ કરબડી, પંજેઠી દાંતી, કોદાળી વગેરેનો સમાવેશ થાય છે. આવા ટુલ્સના જમીન સાથે કાર્ય કરતા ભાગો સ્ટીલ કે લોખંડના જ્યારે હાથા પીવીસી, એલડીઆઈ અને એચડીપીઈ પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવે છે.
(2) બગીચાના સાધનો (Garden equipments) :
બાગાયતમાં વપરાતા સાધનોમાં નેપસેક સ્પ્રેયર, રોકર-આર્મ સ્પ્રેયર, પ્લાન્ટર, પાવર ટિલર, પાવર વીડર, લોન મોઅર, શ્રેડર, બ્રશ કટર વગેરેનો સમાવેશ થાય છે. આવા સાધનોને સરળતાથી વાપરી શકાય તે માટે તેના રક્ષણ માટેના કવર, હેન્ડલ ગ્રીપ્સ, લીવર્સ, કેબલ્સ, સ્વિચ, ટેન્ક, પાઈપો, ઢાંકણ, પ્લંજર વગેરે પીવીસી, એલડીપીઈ અને એચડીપીઈ પ્લાસ્ટિક મટીરિયલ્સમાંથી બનાવવામાં આવે છે.
તેમાં વપરાતી પ્લાસ્ટિક ફિલ્મ ભેજનું ઝમણ થતું અટકાવે છે. જમીનમાં રહેલ સૂક્ષ્મ જીવો માટે પ્રતિરોધક છે, હવામાનના ઘટકો (ગરમી, હવા, સૂર્યપ્રકાશ, પવન) સામે રક્ષણ પૂરૂ પાડે છે, હવામાન ક્ષમતા યાંત્રિક પંકચર અને કીડાઓ સામે પ્રતિકાર કરે છે, જે તે સ્થળે સ્થાપન અને પરિવહન માટે સરળ છે, જાળવણી માટેની જરૂરિયાત ઓછી છે અને આર્થિક રીતે વધુ યોગ્ય છે.
કાપણી પછીની વ્યવસ્થામાં પ્લાસ્ટિકનો ઉપયોગ :
પેકેજિંગ માટે પોલીથીલીન ફિલ્મ વધુ આદર્શ છે કારણ કે તે પારદર્શક, મજબૂત, ભેજમુક્ત અને સહેલાઈથી પ્રિન્ટ અને સીલબંધ કરી શકાય તેવી છે. પોલીથીલીનમાં રાખેલ પ્રોડક્ટસને અમુક મર્યાદા સુધી વાતાવરણની અસર સામે રક્ષણ પૂરૂ પાડે છે. વિવિધ બાગાયતી પેદાશોના પેકિંગમાં એલડીપીઈ અને એચડીપીઈ પ્રકારની પોલીથીલીન ફિલ્મનો ઉપયોગ કરવામાં આવે છે.
ગુલાબ અને કાર્નેશન જેવા ઊંચા ભાવ ધરાવતા ફૂલોની હેરફેર માટે પ્લાસ્ટિકના ફોમ બડ કપનો ઉપયોગની ભલામણ કરવામાં આવે છે. એન્થુરિયમ, લિલિયમ, ઓર્કિડ વગેરે ફૂલોને પ્લાસ્ટિકયુક્ત રબર વોટર હોલ્ડિંગ કેપ્સ્યુલમાં રાખવામાં આવે છે કે જેથી તેમાંનો ભેજ ઊડી શકે નહિ. આ પદ્ધતિનો ઉપયોગ કરવાથી જાત મુજબ ફૂલોની આવરદા 7 થી 30 દિવસ સુધી વધારી શકાય છે.
પેકેજિંગમાં પ્લાસ્ટિકનો ઉપયોગ :
પેકેજિંગમાં પ્લાસ્ટિકનો ઉપયોગ મહત્વનો છે કે જે ગ્રાહકોને ખરીદવા માટે આકર્ષે છે એટલું જ નહિ તેમાં રાખેલ ખાદ્ય પદાર્થોને ચેપ લાગતો કે બગડતો અટકાવે છે. તેનો મોટા પાયે બેગો, નાની કોથળીઓ, પાઉચ, ગરમ કરી સીલ કરી શકાય તેવી બેગો, પેપરબોર્ડનો ઉપયોગ કરી પ્રવાહી પેકિંગ કરી શકાય તેવા કાર્ટન વગેરે બનાવવા માટે ઉપયોગ થાય છે. પ્લાસ્ટિક ફિલ્મનો રેપર તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. પહેલાંના સમયે જામ, જેલી, સ્કવૉશ, સૉસ વગેરેના પેકિંગ માટે કાચની બોટલોનો ઉપયોગ થતો હતો પરંતુ હવે હેરફેરમાં સરળતાને ધ્યાને લઈ પ્લાસ્ટિકની બોટલ/બરણીનો ઉપયોગ પેકેજિંગમાં થાય છે. ખાદ્ય પદાર્થોના પેકેજિંગ માટે એવી જાતનું પ્લાસ્ટિક વાપરવું જોઈએ કે જે બિનઝેરી, સૂક્ષ્મ જીવોથી ચેપ ન લાગે તેવું, ભેજ દૂર ન કરે તેવું, દુર્ગંધ અને પર્યાવરણમાં રહેલ પ્રદૂષકો સામે રક્ષણ કરે તેવું, નુક્સાનકારક પારજાંબલી કિરણોને અટકાવે તેવું અને ભૌતિક રીતે નુક્સાન ન કરે તેવું હોવું જોઈએ. સામાન્ય રીતે ખાદ્ય પદાર્થોના પેકિંગ માટે વપરાતા મુખ્ય પ્લાસ્ટિકના પ્રકારોમાં પોલીઈથીલીન – ટેરેપ્થેલેટ (પીઈટી – PET), પોલીએમાઈડ (પીએ – PA), પોલીવિનાઈલ ક્લોરાઈડ (પીવીસી – PVC) અને પોલીથીલીન (પીઈ – PE)નો સમાવેશ થાય છે.
આમ કૃષિમાં પ્લાસ્ટિકનો વૈજ્ઞાનિક રીતે ઉપયોગ કરવામાં આવે તો ઉત્પાદકતામાં સુધારો કરી શકાય અને ઉપલબ્ધ ઈનપુટસના સ્ત્રોતોનો આદર્શ રીતે ઉપયોગ કરી ખર્ચમાં ઘટાડો કરી શકાય. છેલ્લા દસકામાં પ્લાસ્ટિકનો ઉપયોગ વધવા પામ્યો છે.
સ્ત્રોત : ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, ઓક્ટોબર 2018
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in

