પપૈયા એ એક મહત્વનો વિષુવવૃત્તીય વિસ્તારમાં થતો પાક છે. તેનું વૈજ્ઞાનિક નામ Carica papaya, L છે. તે ફ્રુસીફેરી કુટુંબનો છોડ છે જે ચાર જાતિઓ અને 21 પ્રજાતિઓ ધરાવે છે. તે પોચુ થડ ધરાવતો 1 થી 10 મીટર ઊંચો થતો, સદા લીલો રહેતો નાનો છોડ છે જે 20 થી વધુ વર્ષ સુધી ફળો આપે છે પરંતુ તેનું આર્થિક જીવન ત્રણ વર્ષથી વધારે નથી.
પપૈયામાં વધુ ઉત્પાદન મેળવવા માટે અત્રે દર્શાવેલ સુધારેલી ખેતી પદ્ધતિઓનો ઉપયોગ કરવો જોઈએ :
નર્સરી વ્યવસ્થાપન :
એક હેક્ટર વિસ્તારમાં પપૈયાની રોપણી કરવા માટે અંદાજે 250 થી 300 ગ્રામ પપૈયાનું બિયારણ પૂરતું છે.
નર્સરીમાં તેનું ધરૂ ઉછેરવામાં આવે છે. બીને વાવતા પહેલાં એક માસ અગાઉ નર્સરીના ક્યારા તૈયાર કરવા અને નીંદામણ કરવું. નર્સરીના ક્યારા 3 મીટર લાંબા અને 1 મીટર પહોળા અને 10 સે.મી. ઊંચા બનાવવા. બીને 98 ખાનાવાળી 53 સે.મી. × 27 સે.મી.ના માપની કઠણ કાળા પ્લાસ્ટિકવાળી ટ્રેમાં પણ ઉગાડી શકાય છે. જમીનમાં હારમાં 10 સે.મી. ના અંતરે 1 સે.મી. ઊંડે બીને ઊંડે વાવી ઉપર બારીક કમ્પોસ્ટ અથવા પાંદડાંથી આવરિત કરવું જેથી ઊંચુ અંકુરણ મળે છે.
જો ધરૂ ગાઢ ઉગેલ હોય તો તેને બીજા નર્સરીના ક્યારામાં અથવા કૂંડામાં અથવા પ્લાસ્ટિક બેગમાં ફરીથી રોપવું જેથી ધરૂનો સારો વિકાસ થાય. અંદાજે બે માસમાં 15 થી 20 સે.મી. ઊંચાઈનું ધરૂ તૈયાર થાય છે જે રોપણી લાયક ગણાય છે. ધરૂની ફેરરોપણી કરવાની હોય તેના એક અઠવાડીયા પહેલાં નર્સરીના ક્યારામાં પાણી આપવાનું બંધ કરી દેવું જોઈએ. આમ કરવાથી ખેતરમાં પપૈયાના છોડની સંખ્યા સારી રીતે જળવાય છે.
અનુકૂળ જમીન, જમીનની તૈયારી અને પવન અવરોધકની જોગવાઈ :
પપૈયાનો પાક પાણીનો ભરાવો સહન કરી શકાતું નથી એટલે તેને સારી નિતારવાળી ઊંચાઈ પર આવેલ હોય તેવી જમીન પસંદ કરવી. તે તીવ્ર પવનો સામે વધુ સંવેદનશીલ હોઈ છોડ ભાંગી પડે છે. આથી ખુલ્લા ખેતરો કે જ્યાં તીવ્ર ભયંકર પવનો ફૂંકાતા હોય ત્યાં તેની સામે લડવા માટે અનુકૂળ પવન અવરોધકોની જરૂર રહે છે. આવા પવન અવરોધકો ઠંડા પવનો અથવા હિમથી થતા નુકસાન સામે છોડને બચાવી શકે છે. ચોમાસુ પૂરૂ થાય તે સમયે પપૈયાના ખેતરની આજુબાજુ જયંત (Sesbania aegyptiaca) નામના છોડની વાવણી કરીને અસરકારક પવન અવરોધક વાડ બનાવવામાં આવે છે. દેશના પૂર્વિય પ્રદેશોમાં ઝડપથી ઉગતી આ વાડ સામાન્ય રીતે બનાવાય છે.
ઉનાળાની શરૂઆતમાં પપૈયાની ફેરરોપણી માટે 60 સે.મી. × 60 સે.મી. × 60 સે.મી. માપના ખાડા તૈયાર કરી તેમાં માટી સાથે 20 કિ.ગ્રા. છાણિયું ખાતર, 1 કિ.ગ્રા. લીમડા અથવા કરંજનો ખોળ અને 1 કિ.ગ્રા. બોનમીલ અથવા માછલીનું ખાતર (ફિશમીલ) મિશ્ર કરી ભર્યા બાદ તેમાં પપૈયાના ધરૂની ફેરરોપણી કરવામાં આવે છે. ઊંચી વધતી જાતોની વધુ અંતરે અને ઠીંગણી જાતોનું ઓછા અંતરે રોપણી કરવામાં આવે છે. જો રોપણી પહેલાં બનાવેલ ખાડાઓમાં ખાતર નાખ્યા બાદ વરસાદ આવેલ ન હોય તો ખાડાઓ પાણી વડે પુરેપુરા ભરી દેવા જેથી તેમાં ભરેલ સેન્દ્રિય ખાતર બરાબર કહોવાય.
રોપણી સમય :
વેપારી ધોરણે પપૈયાની ત્રણે ઋતુમાં રોપણી કરી શકાય છે જેમાં વસંત ઋતુ (ફેબ્રુઆરી-માર્ચ), ચોમાસુ ઋતુ (જૂન-જુલાઈ) અને શિયાળું ઋતુ (ઓક્ટોબર-નવેમ્બર)નો સમાવેશ થાય છે. જે વિસ્તારમાં આખુ વર્ષ હવામાનની સ્થિતિ હળવી હોય ત્યાં તેની રોપણી વસંત ઋતુમાં જ્યારે હિમ પડવાની શક્યતા વાળા વિસ્તારોમાં ચોમાસામાં રોપણી કરવી હિતાવહ છે કારણ કે હિમ પડે ત્યાં સુધીમાં છોડ સખત બની જાય છે. જે વિસ્તારોમાં વરસાદ વધુ પડતો હોય અને ચોમાસામાં વિષાણુથી થતા રોગોનો પ્રશ્ન હોય ત્યાં શિયાળુ વાવેતર કરવું જોઈએ.
રોપણી અંતર :
પ્રકાશનું એકીકરણ, જાત અને આર્થિક બાબતનું સંકલન કરી રોપણી અંતર નક્કી કરવામાં આરવે છે. મોટા ભાગની પપૈયાની જાતોની રોપણી 1.8 મીટર × 1.8 મીટરના અંતરે કરવામાં આવે છે.
દેખરેખ અને ગામાં પૂરવાં :
પાકની શરૂઆતની અવસ્થામાં રોગ-જીવાત અને ભારે વરસાદ સામે ધરૂને રક્ષણ પૂરૂ પાડવું જરૂરી છે. હીમ પડવાના વિસ્તારોમાં પરાળ વડે અથવા પોલીથીનથી રક્ષણ કરવું. નર્સરીમાં થોડું ધરૂ મૂકી રાખવું જેથી જેવાં ખેતરમાં માલાં કે ગામાં પડે તે જગ્યાએ ધરૂની ફેરરોપણી કરી ગામાં પુરી શકાય જેથી ખેતરમાં છોડની સંખ્યા જળવાઈ રહે.
આંતરપાક અને પાકની ફેરબદલી :
પાકની શરૂઆતના સમયે છોડની વચ્ચે પુરતી ખાલી જગ્યા પ્રાપ્ય હોય છે જેથી તે જગ્યામાં કેટલાક આંતરપાક લઈ ફાયદો મેળવી શકાય છે. ઉત્તર બિહારમાં પપૈયાની સાથે ડુંગળીનો આંતરપાક પણ સહેલાઈથી લઈ શકાય છે.
| ક્રમ | મુખ્ય પાક | વાવણી સમય | આંતરપાક | વાવણી સમય |
| 1 | પપૈયા | ઓક્ટોબર-મે | મકાઈ ઘઉં તુવેર | જૂન-સપ્ટેમ્બર નવેમ્બર-એપ્રિલ જૂન-સપ્ટેમ્બર |
| 2 | પપૈયા | ઓક્ટોબર-મે | લીલો પડવાશ ઘઉં મકાઈ | જૂન-સપ્ટેમ્બર નવેમ્બર-એપ્રિલ જૂન-સપ્ટેમ્બર |
| 3 | પપૈયા | ઓક્ટોબર-મે | કઠોળપાકો બટાટા શેરડી મગ | જૂન-સપ્ટેમ્બર નવેમ્બર-ફેબ્રુઆરી માર્ચ-ફેબ્રુઆરી માર્ચ-જૂન |
નીંદામણ અને આંતરખેડ :
પાકની શરૂઆતના તબક્કે થતું ઘાસ પપૈયાના છોડને વધુ નુક્સાન પહોંચાડે છે પપૈયાના ખેતરમાં ઉગતા નકામા છોડ પપૈયાના પાક માટે આપેલ પોષકતત્વોને ખેંચી લઈ નુક્સાન કરે છે. શરૂઆતમાં તે પ્રકાશ, હવા અને પાણી માટે પાક સાથે હરીફાઈ કરે છે જેના પરિણામે પપૈયામાં ફળો ઓછા આવે છે ને નબળાં રહે છે. પ્રથમ વર્ષે ઊંડી કરબડી કાઢી નીંદણનો વિકાસ અટકાવવા માટેની ભલામણ કરવામાં આવે છે.
નર છોડને દૂર કરવાં :
જ્યાં એકલિંગી જાતનું વાવેતર કરેલ હોય ત્યાં સારા પરાગનયન માટે 10 ટકા જેટલા નર છોડ રાખવા જરૂરી છે. જેવા છોડમાં ફૂલો આવવાનું શરૂ થાય કે તરત જ નર ફૂલો ધરાવતા વધારાના છોડને ઉપાડી નાખવા. આ સમયે નબળા અને રોગયુક્ત છોડનો પણ ઉપાડીને નાશ કરવો. ઉભયલિંગી નર છોડની સાથે દૂર કરવા નહિ.
ફળોને આછાં કરવાં :
તંદુરસ્ત પપૈયાના છોડ ઉપર ફેરરોપણી બાદ 4 થી 6 માસનાં સમયે ફૂલો આવે છે. ફળોને આછાં કરવાં એ એક મહત્વની પદ્ધતિ છે કે જે નિયમિત ઉત્પાદન લાવે છે અને બજારમાં વેચવાલાયક એકસરખા કદના ફળો આપે છે.
માટી ચઢાવવી :
એક ખાડા દીઠ એક પપૈયાનો છોડ રાખી તેની આજુબાજુ 30 સે.મી. સુધી માટી ચઢાવવી જેથી ચોમાસામાં પાણીનો ભરાવો થાય તો છોડને નુકસાન થાય નહિ. આમ કરવાથી છોડને સીધો રાખવામાં મદદ મળે છે.
પોષકતત્વો અને ખાતરો :
પપૈયા એ ભારે ખોરાક લેતો પાક છે કારણ કે તે ઝડપી વધે છે અને ફળોનું ઊંચુ ઉત્પાદન આપે છે. પપૈયાના યુવા અને પાક્ટ પાકને તંદુરસ્તી રાખવા અને નફાકારક ઉત્પાદન મેળવવા માટે પુરતા પ્રમાણમાં અને અસરકારક ખાતરોની જરૂર રહે છે. નર્સરીમાં ધરૂ ઉછેરી તેના તંદુરસ્ત રોપા મેળવવા માટે ખાતર આપવામાં આવે છે. નર્સરીમાં 3 મીટર × 1 મીટરના ક્યારા તૈયાર કરી તેમાં ક્યારા દીઠ 20 કિ.ગ્રા. બારીક કમ્પોસ્ટ ખાતર ઉમેરવામાં આવે છે. ધરૂ એક માસનું થાય ત્યારે જો હલકી જમીન હોય તો 10+10+10 ના.ફો.પો ખાતરનું પ્રવાહી મિશ્રણ આપવું. પપૈયામાં ખાતરો આપવાના અખતરાઓ સમગ્ર વિશ્વમાં લેવાય છે તે જણાવે છે કે આ પાક નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ તેમજ સૂક્ષ્મતત્વો યુક્ત ખાતરોનો સાનુકૂળ પ્રતિભાવ દર્શાવે છે. પપૈયાના છોડને કાર્બનિક અને અકાર્બનિક એમ બંને પ્રકારના ખાતરો ફાયદાકારક છે.
પિયત :
પપૈયાના છોડનો સારો વિકાસ, ફળોનું ઉત્પાદન અને ગુણવત્તા માટે જમીનમાં યોગ્ય ભેજ જાળવવો જરૂરી છે. જો ઓછા ભેજની પરિસ્થિતિ હોય તો માદા ફૂલો વંધ્યત્વ તરફ ઢળવાને પરિણામે ઓછી ઉત્પાદકતા મળે છે. જો આ સમયે વધુ પડતું પાણી પાકને આપવામાં આવે તો મૂળના કહોવારાના રોગનો ઉપદ્રવ થાય છે. આથી આ પાકમાં અસરકારક પાણી વ્યવસ્થાપન જરૂરી છે. જે તે પ્રદેશની જમીનની જાત અને હવામાનની સ્થિતિ ઉપર પિયતની સંખ્યાનો આધાર રહેલો છે ઓછા વરસાદવાળા વિસ્તારમાં કે જ્યાં પાણીની અછત છે ત્યાં ઊંચુ ઉત્પાદન મેળવવા માટે ફુવારા અથવા ટપક પિયત પદ્ધતિ અપનાવવી જોઈએ જેના ઉપયોગથી 60 થી 80 ટકા પાણી બચાવી શકાય છે.
વિષમ હવામાન સામે રક્ષણ :
ઉનાળામાં ઉષ્ણતામાન નીચું હોય ત્યારે ફળયુક્ત છોડને કોથળાઓથી ઢાંકી દેવા. સફેદ પોલીથીનનો પણ આ હેતુ માટે ઉપયોગ કરી શકાય છે ઉનાળામાં સખત પવનો, હિમ અને સૂર્યના તેજ કિરણો સામે રક્ષણ આપવા માટે પણ છોડને ઢાંકવા જરૂરી છે.
કિચન ગાર્ડન અથવા છાપરા ઉપર ઉછેરેલ પપૈયામાં હિમ અને કીટકો સામે રક્ષણ મેળવવાની ટેકનોલૉજી :


મોટા શહેરોમાં બાગાયત પ્રેમીઓ ધ્વારા કિચન ગાર્ડન અથવા છાપરા ઉપર પુસા ડવાર્ફ અને પુસા નન્હા જેવી ઠીંગણી જાતો વાવવાની મોટી શક્યતા રહેલી છે. કિચન ગાર્ડનમાં પપૈયા ઉછેરવા માટે દક્ષિણ અને પશ્ચિમ દિશાના ક્યારા પસંદ કરવા જોઈએ. એક હારમાં બે છોડ વચ્ચે અડધું અંતર રાખી છોડને રોપવા. છાપરા ઉપર છોડ ઉછેરવા માટે 30 સે.મી. જેટલી ઊંડી જમીન હોવી જરૂરી છે. 36 ચો.ફૂટ વિસ્તાર દીઠ 20 કિ.ગ્રા. છાણિયુ ખાતર, 1 કિ.ગ્રા. લીમડા અથવા કરંજનો ખોળ અને 1 કિ.ગ્રા. બોનમીલ અથવા સિંગલ સુપર ફોસ્ફેટ ખાતર આપવું જોઈએ. કુટુંબની જરૂરિયાત મુજબ પપૈયાના છોડની સંખ્યા રાખવી. પુસા નન્હા જાત અંદાજે છોડ દીઠ 20 કિ.ગ્રા. અને પુસા ડવાર્ફ જાત છોડ દીઠ 35 કિ.ગ્રા. ફળોનું ઉત્પાદન આપે છે.
સ્ત્રોત : ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, માર્ચ-2021
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in

