એશિયામાં પ્રાચીન સમયથી કમળને પવિત્ર માનવામાં આવે છે જે જાતિય શુદ્ધતા અને અનાશક્તિના ગુણો રજૂ કરે છે. હિન્દુ લોકો ભગવાન શ્રી વિષ્ણુ અને શ્રી લક્ષ્મીને ગુલાબી કમળથી પૂજા વંદન કરે છે. વિષ્ણુ ભગવાનની નાભિમાંથી કમળ ખીલેલ છે જેથી તેઓને ‘પદમનાભ’ કહે છે અને કમળ ઉપર શ્રી બ્રહ્મા બિરાજમાન છે. દેવી સરસ્વતી સફેદ કમળ ઉપર બિરાજમાન છે જે દૈવી સુંદરતાનું પ્રતિક છે. શ્રી વિષ્ણુને ‘કમળનયન’ (Lotus – Eyes One) કહે છે. કુદરતી રીતે કાદવવાળા પાણીમાં આ સુંદર ફૂલો ધરાવતું કમળ ઉગે છે જે એક જળમાં થતી વનસ્પતિ છે. તેનું વૈજ્ઞાનિક નામ Nelumbo nucifera છે. પહેલાંના સમયમાં મંદિરના તળાવોમાં કમળ ઉગાડવામાં આવતા હતા. હવે ખાસ કરીને સુશોભન માટેની માછલીઓ (ઓર્નામેન્ટલ ફિશ) સાથે કમળ ઉગાડવાનું સામાન્ય બનેલ છે. આમ સુશોભન, ધાર્મિક અને આહાર તરીકે કમળનો ઉપયોગ કરવામાં આવે છે. કમળના પોષણ મૂલ્યની માહિતી કોઠામાં દર્શાવેલ છે :
કોઠો-1 : મીઠા વિના રાંધેલ કમળના મૂળનું પોષણમૂલ્ય
| ક્રમ | વિગત | 100 ગ્રામ દીઠ પ્રમાણ ગ્રામ | ક્રમ | વિગત | 100 ગ્રામ દીઠ પ્રમાણ ગ્રામ |
| 1 | ફેટ | 0.07 ગ્રામ | 4 | સૂક્ષ્મ ધાતુઓ (ટ્રેસ મેટલ્સ) | |
| 2 | પ્રોટીન | 1.58 ગ્રામ | કેલ્શિયમ | 26 મિ.ગ્રા. | |
| 3 | વિટામિનો | આયર્ન | 0.9 મિ.ગ્રા. | ||
| થાયામિન (B1) | 0.127 મિ.ગ્રા. | મેગ્નેશિયમ | 22 મિ.ગ્રા. | ||
| રાઈબોફ્લેવિન (B2) | 0.01 મિ.ગ્રા. | મેંગેનીઝ | 0.22 મિ.ગ્રા. | ||
| નિયાસિન (B3) | 0.3 મિ.ગ્રા. | ફોસ્ફરસ | 78 મિ.ગ્રા. | ||
| પેન્ટોથેનિક એસિડ (B5) | 0.302 મિ.ગ્રા. | પોટેશિયમ | 363 મિ.ગ્રા. | ||
| વિટામિન (B6) | 0.218 મિ.ગ્રા. | સોડિયમ | 45 મિ.ગ્રા. | ||
| ફોલેટ (B9) | 8 u. ગ્રા. | ઝિન્ક | 0.33 મિ.ગ્રા. | ||
| કોલિન | 25.4 મિ.ગ્રા. | 5 | અન્ય | ||
| વિટામિન સી | 27.4 મિ.ગ્રા. | પાણી | 81.42 ગ્રામ | ||
રાસાયણિક બંધારણ :

કમળના પાનમાં મિક્યુલિયાનિન (કવરસેટિન 3-0- ગ્લુકુરોનાઈડ નામનો ફ્લેવેનોલ તેમજ કોકલાઉરીન અને નોરકોકલાઉરીન નામના આલ્કલોઈડસ રહેલા છે. છોડ નુસિફેરીન અને એપોરફીન પણ ધરાવે છે. પૂર્વ એશિયામાં બનાવાતી રસોઈમાં તેના બીજનું મહત્વ વધારે છે. તેનો ઉપયોગ ચીનમાં પરંપરાગત રીતે બનાવાતી મીઠાઈ અને ચીની દવા તરીકે થાય છે. તેના બીજ સામાન્ય રીતે સૂકવીને બજારમાં વેચાય છે. કમળનાં તાજાં બીજ કમળના મૂળ અને બીજ ઉત્પાદન કરતા પ્રદેશ સિવાય ભાગ્યે જ બજારમાં જોવા મળે છે. કમળના કાચા બીજ સંતૃપ્ત ચરબી, કોલેસ્ટીરોલ અને સોડિયમ ઓછા પ્રમાણમાં ધરાવે છે તથા પ્રોટીન, થાયામિન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ અને મેંગેનીઝનો સારો સ્ત્રોત છે.
કમળના છોડના વિવિધ ઉપયોગો :
કમળના તાજા ફૂલો અને સૂકવેલાં ફૂલોનો ઉપયોગ સમગ્ર વિશ્વમાં સુશોભનના હેતુ માટે વપરાય છે. તેના ફૂલો, બીજ, કુમળા પાન અને મૂળો વગેરે ખોરાક તરીકે વાપરી શકાય છે. એશિયામાં તેની પાંદડીઓને કેટલીકવાર ખાદ્ય વસ્તુને શણગારવા માટે અને મોટાં પાન ખોરાક ઉપર
રેપર (ઢાંકણ) તરીકે વપરાય છે. તેનાં સૂકાવેલ બીજ બજારમાં વેચાય છે. કોલંબિયાના ઉત્તર ભાગમાં આવેલ ખાસ કરીને બરાન ક્વિલ્લા (Barran quilla) અને કાર્ટાગેના (Cartagena) શહેરોમાં કમળના બીજ સામાન્યપણે ‘માર્ટિલ્લો’ (martillo) તરીકે જાણીતા છે. સ્થાનિક લોકો બજારમાં વેચાતા તાજા કમળના બીજને ખરીદી સીધા કાચા જ ખાય છે. ઈરાનમાં કમળના બીજ સ્નેક્સ (નાસ્તા) તરીકે ‘પેસ્ટેહ દરીયાયી’ (Pesteh Daryayi) ના નામે વેચાય છે.


સફેદ કમળની પાંદડીઓને સૂકવી યેઓન્કોત્ચા (Yeonkkotcha) અને તેનાં પાંદડાંમાંથી યેઓનિપ્ચા (Yeonipcha) બનાવવામાં આવે છે. વિયેટનામમાં યુવા કમળની દાંડીઓના કટકા કરી સલાડ તરીકે ઉપયોગમાં લેવાય છે. તેના મૂળ ચાઈનીઝમાં પિનુઈન (pinyin), કેન્ટોનીઝમાં એનગૌ (ngau), જાપાનીઝમાં રેન્કોન (renkon), કોરીયનમાં યેઓન્ગુન (yeongeun), મણિપુરમાં થામ્બોઉ (thambou), હિન્દીમાં કમળ કાકરી તરીકે ઓળખાય છે જેનો ઉપયોગ શાકભાજીના સુપમાં, તેલમાં તળીને, સૂકવીને રસોઈ બનાવવામાં થાય છે. તેમ જ તેના મૂળો એશિયામાં પરંપરાગત રીતે ઔષધિ તરીકે વાપરવામાં આવે છે. તેની પાંદડીઓ, પાન, મૂળ વગેરે કાચાં ખાઈ શકાય છે પરંતુ તેમાં આપણા શરીરમાં પરજીવી (દા.ત. Fasciolopsis buski) દાખલ થવાનું જોખમ રહેલું છે તેથી મૂળોનો ખોરાક તરીકે ઉપયોગમાં લેવા માટે તેને રાંધીને ખાવાની ભલામણ કરવામાં આવે છે.

તેના નાના મૂળોનું ચોખા, વિનેગાર, ખાંડ, મરચા અને/અથવા લસણ સાથે અથાણું બનાવાય છે જે કકરી રચના સહિત મીઠી-તીખી સુગંધ ધરાવે છે. એશિયાના દેશોમાં તે સલાડ, પ્રોન્સ, તલનું તેલ અને/અથવા ધાણાનાં પાન વગેરે સાથે લેવા માટે પ્રખ્યાત છે. કમળનાં મૂળ પાચ્ય રેસા, વિટામિન સી, પોટેશિયમ, થાયામિન, રાઈબોફ્લેવિન, વિટામિન બી-6, ફોસ્ફરસ, કોપર અને મેગેંનીઝ થી સમૃદ્ધ છે જ્યારે ઘણી ઓછી સંતૃપ્ત ચરબી ધરાવે છે.


ચીનમાં કમળની પરાગકેસર (પુંકેસર) સૂકવીને તેમાંથી સુગંધીદાર હર્બલ ટી બનાવાય છે જેને લિઆનહુઆ ચા (lianhua cha) કહે છે જ્યારે ખાસ કરીને વિયેટનામમાં તેને ચાનાં પાનમાં ઉમેરવામાં આવે છે. તેઓ તેને નરમ થાય ત્યાં સુધી ઉકાળી અથવા સૂકા લોગાન્સ સાથે ઉકાળી અને તેમાં રોક સુગર નાખી મીઠો સુપ બનાવે છે જેને ટોંગ સુઈ (tong sui) કહે છે. કમળના બીજની સુગર સાથેની એક પેસ્ટ બનાવી તેનો મૂનકેકસ, દઈફુકુ અને ચોખાના લોટની પુરીઓ વગેરે બનાવવામાં સામાન્ય પદાર્થ તરીકે વપરાય છે.
ભારતમાં તેની દૂધની જેમ ખીર બનાવાય છે. ભારતના ઉત્તર પૂર્વ રાજ્ય મણિપુરમાં સ્થાનિક નામે તેના બીજ ‘થામચેટ’ (thamchet) તરીકે જાણીતા છે જે કાચા ખવાય છે. દક્ષિણ ભારતના રાજ્યોમાં કમળના દાંડીના કટકા કરી મીઠું ભભરાવીને સૂકવવામાં આવે છે ત્યારબાદ તેને તેલમાં તળીને ખાવાની સાથે અલગ ડીસમાં ખોરાક તરીકે લેવાય છે જે કેરાલા અને તામિલનાડુ રાજ્યમાં ‘થમારા વથાલ’ (Thamara Vathal) તરીકે ઓળખાય છે. શ્રીલંકામાં કમળના દાંડીના કટકામાંથી બનાવેલી કઢી પ્રખ્યાત છે જે ‘નેલમ ઓલા’ (Nelum Ala) તરીકે ઓળખાય છે. વિયેટનામમાં બીજના કડવાશ ધરાવતા મીંજનો ભાગ ટાયસેન બનાવવામાં વપરાય છે. કોરીયા દેશમાં તેના પાન અને પાંદડીઓ એક જાતની ટાયસેન – Tisane નામની ચા બનાવવામાં વપરાય છે.


કમળના છોડના રેસામાંથી મ્યાનમારના ઈન્લે લેઈક ખાતે એક વિરલ ફેબ્રિક (કાપડ) બનાવવામાં આવે છે જેને ગૂંથીને બુદ્ધ ભગવાનનો કમળનો ઝભ્ભો (lotus robe) બનાવાય છે જેને ક્યા થિન્ગાહન્ (kya thingahn) કહે છે.
કમળની દાંડીમાંથી બનાવેલ ચિપ્સ ઘણી સ્વાદિષ્ટ અને ક્રિસ્પી હોય છે. બાળકો નાસ્તા તરીકે અને પુખ્ત લોકો સાંજની ચા સાથે નાસ્તા તરીકે તેને વધુ પસંદ કરે છે.

કમળની દાંડીની ચિપ્સ (લોટસ સ્ટેમ ચિપ્સ) બનાવવાની રીત :
પદાર્થો :
2 નંગ કમળની દાંડી, તેલ-ચિપ્સ તળાય તેટલું, મીઠું (સ્વાદ મુજબ- પા ચમચીથી ઓછું), 2 ચપટી કાળા મરીનો ભૂકો, 2 ચપટી આમચૂર પાઉડર
રીત :
સૌ પ્રથમ કમળની દાંડીને પાણીથી ધોઈ, છાલ ઉતારી છરી વડે અથવા ચિપ્સ કટર વડે નાના પાતળા કટકા કરવા.
તાંસળામાં થોડું તેલ લઈ ગરમ કરી તેમાં કમળની ચિપ્સને ક્રિસ્પી બને અને કથ્થાઈ રંગ થાય ત્યાં સુધી તળવી. ત્યારબાદ ચિપ્સને એક થાળીમાં કાઢી થોડો સમય રાખી ઠંડી પડવા દેવી. ત્યારબાદ તેના ઉપર મીઠું, કાળાં મરી, આમચૂર પાઉડર વગેરે મિશ્ર કરી ભભરાવવો. તેની ઉપર ઘરે બનાવેલ ચાટ મસાલો પણ ભભરાવી શકાય છે. આ રીતે કમળની ખાવાલયક ચિપ્સ તૈયાર થશે.
આવી ચિપ્સને હવાચુસ્ત બરણીમાં સંગ્રહ કર્યા બાદ ચા કે કૉફી સાથે નાસ્તા તરીકે આપી શકાય છે. કમળની ચિપ્સ વધુમાં વધુ 15 દિવસ સુધી સંગ્રહી શકાય છે.
આ સિવાય પકોડા, કોફતા, સેન્ડવિચ, શાક વગેરે વિવિધ બનાવટો બનાવી તેનું વેચાણ કરી આર્થિક રીતે વધુ નાણા કમાવી આર્થિક મોભામાં વધારો કરી શકાય છે.
સ્ત્રોત : ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, માર્ચ 2021
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in

