એલી ક્રોપિંગ એ એક ખેત-વન પદ્ધતિ છે કે જેમાં વૃક્ષો અને ઝાડવાંની હાર વચ્ચેની ખુલ્લી જગ્યામાં કૃષિ અથવા બાગાયતી પાકોની ખેતી કરી ઉત્પાદન મેળવવામાં આવે છે. એલી ક્રોપિંગ વિવિધ પ્રકારના ફાયદાઓ આપે છે જેમાં પાક ઉત્પાદનમાં વધારો, જમીનને સૌંદર્યલક્ષી બનાવે છે, વન્યજીવન આવાસમાં સુધારો અને પાકને સુરક્ષા અને સંરક્ષણ વગેરેનો સમાવેશ થાય છે.
ખેડૂત વિવિધ સમયે વર્ષાયુ અને બારમાસી પાકોને લઈ કેટલીક પેદાશોનું ઉત્પાદન કરી ખેતરમાંની ખાલી જગ્યા, સમય અને સંસાધનોનો વધુ સફળતાપૂર્વક ઉપયોગ કરી નફો મેળવે છે. એલી ક્રોપિંગમાં ટુંકા પરિભ્રમણ ધરાવતી અને ઝડપથી લાકડુ આપતી જાતોનું હારમાં વાવેતર કરી વચ્ચેની જગ્યામાં ચારા કે અન્ય ખેતીપાકો લેવામાં આવે છે અને લાકડું તથા ચારાનું ઉત્પાદન મેળવાય છે. વન્ય જીવો અને પરાગવાહકોનાં રહેઠાણમાં વધારો કરે તેવી અનુકુળ પ્રજાતિઓની રોપણી કરવાનું આયોજન કરવામાં આવે છે. એલી ક્રોપિંગ એ લાંબે ગાળે આખા ખેતરના ઉત્પાદનમાં વધારો કરવા માટેની એક મહત્વની પદ્ધતિ છે. એલી ક્રોપિંગનો ઉપયોગ એક ખેતી પદ્ધતિને બીજી ખેતી પદ્ધતિમાં રૂપાંતર કરવા માટે થાય છે. વૃક્ષો અને ઝાડવાં ઉછેરવાથી તેનો છાંયો તથા સૂક્ષ્મ હવામાનમાં ફેરફાર થતો આપણે જોઈ શકીએ છીએ. તેમાં વચ્ચેની ખુલ્લી જગ્યામાં ટુંકા ગાળાના વર્ષાયુ પાકો લેવાથી વૃક્ષો પુખ્ત બને ત્યાં સુધી તેમાંથી વાર્ષિક આવક મળે છે. વાડ તરીકે વૃક્ષોનું ખેતરમાં પહોળા અંતરે હારમાં વાવેતર કરવામાં આવે છે અને વચ્ચેની જગ્યામાં ખેતી પાકો વાવવામાં આવે છે. વૃક્ષોની છાંટણી કરવાથી મળતાં લીલાં પાંદડાં જમીન ઉપર પડી આવરણ (મલ્ચ) તરીકે અથવા જમીનમાં કહોવાઈ સેન્દ્રિય પદાર્થના પ્રમાણમાં વધારો કરે છે અને પાકને પોષક તત્વો મુખ્યત્વે નાઈટ્રોજનનો પૂરવઠો પૂરો પાડે છે. ઍલી ક્રોપિંગ પદ્ધતિમાં અમર્યાદિત વાવેતરના સંયોજનો જોવા મળે છે. એલી ક્રોપિંગનો મુખ્ય હેતુ જમીન અને સૂક્ષ્મ હવામાનનો વિકાસ અને નીંદણ નિયંત્રણ ધ્વારા પાક ઉત્પાદનની જાળવણી કરવાનો છે. ખેડૂતો વૃક્ષોના વાવેતરમાંથી બળતણ લાકડું, બાંધકામ માટેના ટેકા, ખોરાક, ઔષધ અને ચારો જેવી પેદાશ મેળવે છે અને ઢોળાવવાળી જમીન ઉપર વૃક્ષો ઉછેરી અને છાંટણી ધ્વારા જમીનનું ધોવાણ થતું અટકાવી શકે છે. ઘનિષ્ઠ પાક ઉત્પાદન મેળવવાની જરૂરિયાત હોય પરંતુ જમીનની ફળદ્રુપતાની સમસ્યાનો સામનો કરવો પડતો હોય તેવા વિસ્તારમાં એલી ક્રોપિંગ એ ઉત્તમ પદ્ધતિ છે. ગીચ વસ્તી ધરાવતા પ્રદેશો કે જ્યાં મર્યાદિત કદવાળા પ્લોટ છે તેવા વિસ્તારના ખેડૂતો ઉત્પાદન વધારવા માટે આ પ્રકારની પદ્ધતિ અપનાવે તે જરૂરી છે.
ઍલી ક્રોપિંગની ડીઝાઈન :
ખેતરોમાં વાડ તરીકે લાકડું આપતી વનસ્પતિઓનું વાવેતર કરવામાં આવે છે કે જે વધુમાં વધુ હકારાત્મક અને ઓછામાં ઓછી નકારાત્મક અસર પેદા કરતી હોય. વૃક્ષો ખેતીપાકો સાથે જમીનમાંના પોષકતત્વો, જમીનમાંનો ભેજ અને સૂર્યપ્રકાશ માટે હરિફાઈ કરે છે જેમાં કોઈ શંકા નથી. જો કે ખેતરમાં યોગ્ય અંતરે યોગ્ય વ્યવસ્થાપન કરી એવી વૃક્ષોની જાતો લેવામાં આવે કે જે ચોખ્ખા ઉત્પાદનમાં વધારો કરતી હોય. વૃક્ષો બળતણ લાકડું અને ખોરાક માટેનો ચારો જેવી પેદાશો ખેતીપાકોની સાથે આપે છે. એલી ક્રોપિંગ પદ્ધતિમાં વાડ તરીકે વૃક્ષોની હાર અને ખેતીપાકોનું અંતર ખેતરની સ્થિતિ, છોડની પ્રજાતિઓ, હવામાન, ઢોળાવ, જમીનની સ્થિતિ અને લોકોનો આવવા-જવાની જરૂરિયાત અને ખેડ માટેના સાધનો વગેરે બાબતો ઉપર આધાર રાખે છે. વૃક્ષોની હારો પૂર્વ-પશ્ચિમ દિશામાં આવે તે રીતે ઉછેરવામાં આવે છે કે જેથી દિવસ દરમ્યાન છોડને બંને બાજુએથી પુરતો સૂર્યપ્રકાશ મળી રહે. સામાન્ય રીતે ખેતરોમાં બે હાર વચ્ચે 4 થી 8 મીટરનું અંતર અને વૃક્ષો વચ્ચે 25 સે.મી. થી 2 મીટરનું અંતર રાખવામાં આવે છે. સામાન્ય રીતે ભેજવાળા વિસ્તારોમાં નજીકના અંતરે જ્યારે મધ્યમ ભેજ અને વરસાદ ધરાવતા અથવા મધ્યમ શુષ્ક (વાર્ષિક 25 થી 50 સે.મી. વરસાદવાળા) વિસ્તારોમાં પહોળા અંતરે વાવેતર કરવામાં આવે છે. એલી ક્રોપિંગમાં વાડની હાર વચ્ચે રાખવામાં આવતું અંતર ઢોળાવ, જમીન અને જળ સંરક્ષણ માળખાની રચના ઉપર આધાર રાખે છે. ઢોળાવો ઉપરના કન્ટુર પાળા ઉપર વાડ તરીકે વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે એટલે કે આપણી ઈચ્છા મુજબ પૂર્વ-પશ્ચિમ વાવેતર કરી શકાતું નથી પરિણામે નિયમિત રીતે વૃક્ષોની છાંટણી કરવી પડે છે કે જેથી ખેતી પાકો ઉપર પડતા ભારે છાંયાથી પાકને બચાવી શકાય.
એલી પાકોની પસંદગીના વિકલ્પો :
એલી પાકો માટે પાકોની પસંદગી માટે આખા વર્ષ દરમ્યાન સૂર્યપ્રકાશની જરૂરિયાત, સાથી પાકો માટે પોષકતત્વોની જરૂરિયાત અને અનિચ્છનીય જંગલી જીવોની વસ્તીમાં વધારો થવાની તકો વગેરે બાબતો ધ્યાને લેવામાં આવે છે. આ બાબતોની અસર વિવિધ પાકો ઉપર વધુ કે ઓછી થતી હોય છે. એલી ક્રોપિંગમાં મુળભૂત રૂપે પાંચ પ્રકારના સાથી પાકો લેવામાં આવે છે.
(1) હારમાં ધાન્ય પાકો :
મકાઈ, સોયાબીન, ઘઉં, જવ, ઓટ, બટાટા, વટાણા, કઠોળ વગેરે
(2) ઘાસચારાના પાકો :
ઓર્ચાડ ઘાસ, ડેસ્મોડિયમ, બ્લુઘાસ, રાય ઘાસ વગેરે. આવી જાતો વૃક્ષોના છાંયામાં પણ ઉત્પાદન આપે છે.
(3) ખાસ પ્રકારના પાકો :
કુદરતી સૌંદર્ય ને ફૂલો આપતા લાકડુ ધરાવતા છોડ જેવા કે બ્લ્યુ સ્પ્રુસ, ડૉગવૂડ, ક્રિસ્ટમ ટ્રી, નાના ફળો અને સૂકો મેવો આપતાં વૃક્ષો અને ઝાડવાં અથવા ગોલ્ડનશીલ કે જિનસેંગ જેવા ઔષધિય પાકો વગેરે વૃક્ષોના હારની વચ્ચે પડતા છાંયામાં ઉછેરી પાકોના ઉત્પાદનમાં વધારો મેળવી શકાય છે.
(4) ટુંકા રોટેશનવાળા ઝાડવાં અથવા કોપીસ બાયોમાસ પાકો :
પોપલર, વિલોસ, સિલ્વર મેપલ, બિર્ચ, સ્વિચ ઘાસ જેવા નરમ-કાંડાળા પાકો વગેરે.
(5) શાકભાજી પાકો :
કોળુ, કોબીજ, કઠોળ, શતાવરી, મરી, તરબૂચ, ટામેટી વગેરે
એલી ક્રોપિંગના લાભો :
(1) પોષકતત્વો અને સેન્દ્રિય પદાર્થો જમીન અને પાકના તંત્રમાં ઉમેરાવાને કારણે પાકની કામગીરીમાં સુધારો થાય છે.
(2) રાસાયણિક ખાતરોના ઉપયોગમાં ઘટાડો થાય છે.
(3) જમીનમાંની માટીના પર્યાવરણની ભૌતિક પ્રકૃતિનો વિકાસ થાય છે.
(4) આવરણ કે મલ્ચને કારણે જમીનનું ઉષ્ણતામાન નીચું રહે છે, બાસ્પીભવન ઘટે છે અને જમીનમાંના જીવોની પ્રવૃત્તિઓ અને જમીનના બાંધામાં સુધારો થાય છે જેના પરિણામે વધુ સારી રીતે પાણી જમીનમાં ઉતરે છે, વહેણ ઘટે છે અને પાણી વપરાશ કાર્યક્ષમતામાં સુધારો થાય છે.
(5) ઢોળાવવાળી જમીન ઉપર હારમાં વાવેલ વૃક્ષો ભૌતિક અવરોધ પેદા કરી પાણીના પ્રવાહને અટકાવી જમીનનું ધોવાણ અટકાવી જમીનનું સંરક્ષણ કરે છે.
(6) બહુહેતુક ધરાવતા કઠોળની જાતના વૃક્ષો હારમાં ઉછેરવાથી ઘાસચારો, બળતણ લાકડું અને ટેકાનાં લાકડાં જેવી વધારાની પેદાશ આપે છે અને નીંદણ નિયંત્રણમાં સુધારો કરે છે.
(7) જમીન પટતર હોય ત્યારે વૃક્ષોની હારના છાંયાને કારણે નીંદણનો વિકાસ ઘટે છે જ્યારે વચ્ચેની જગ્યામાં વાવેલ ખેતીપાકોના સમયે પાંદડાંનુ આવરણ (મલ્ચ) ધ્વારા નીંદણનું અંકુરણ થતું અટકાવી શકાય છે.
એલી ક્રોપિંગ માટેની પ્રજાતિઓ :
(1) તે છૂટાછવાયા, નાની ઘટાવાળા જેથી સૂર્યપ્રકાશને ફેલાવો કરી શકે તેવા અથવા છાંટણી કે કાપણી અને છેદન બાદ ઝડપથી વૃદ્ધિ પામે તેવા હોવા જોઈએ.
(2) તે ઊંડા ખીલા મૂળ સહિત થોડા પાર્શ્વમૂળ ધરાવતા હોવા જોઈએ જેથી પાકના મૂળ સાથે હરીફાઈ ન કરી શકે.
(3) તે છીછરા પાર્શ્વમૂળ ધરાવતા હોવા જોઈએ જેથી ખેડ કરતાં છોડને ગંભીર નુક્સાન ન થાય અને સરળતાથી છાંટણી કરી શકાય.
(4) તેનાં ખરી પડેલ પાંદડાં કહોવાતાં પોષકતત્વોને લભ્ય બનાવે છે કે જે પાકચક્ર માટે જરૂરી છે.
(5) આદર્શ પણે એલી ક્રોપિંગમાં નાઈટ્રોજન સ્થિરીકરણ કરે તેવા વૃક્ષો અને ઝાડવાંનો ઉછેર કરવો જોઈએ અને તેના થકી ખેડૂતો અને સ્થાનિક સમાજના લોકોને લાકડુ, ખોરાક, ચારો, ઔષધીય અને અન્ય પ્રોડક્ટ વપરાશ માટે પ્રાપ્ય બનવી જોઈએ.
(6) ક્ષારીય અથવા એસિડિક જમીન, દુષ્કાળ, પુર, ભારે પવનો, જીવાતો વગેરે પરિસ્થિતિઓવાળા સ્થળોમાં ખાસ મર્યાદા હેઠળ ઉગી શકે તેવી પ્રજાતિઓ પસંદ કરવી જોઈએ.
ધ્યાને લેવાની સામાન્ય બાબતો :
વૃક્ષો અને પાકની પ્રજાતિઓ જમીન, હવામાન અને જે તે જગ્યા માટે અનુકુળ હોવી જોઈએ. દવાનો છંટકાવ, છાંટણી અને કાપણી જેવી સમયસરની વ્યવસ્થાપન પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે ખાત્રીપૂર્વકની જાતો અને અંતર નક્કી કરવું જોઈએ. એલી ક્રોપિંગમાં વાપરવામાં આવતા સાધનો એલીની પહોળાઈ મુજબનું માપ ધરાવતાં હોવા જોઈએ. વૃક્ષો અને ઝાડવાંની ઊંચાઈ અને પહોળાઈ એલી ક્રોપિંગમાં ધ્યાને લેવા જોઈએ. જમીનના ઢોળાવ કે કન્ટુર પાળા ઉપર વૃક્ષો વાવવામાં આવે તો જમીનનું ધોવાણ ઘટાડવામાં મદદ કરે છે. પાકો માટે સૂર્યપ્રકાશની વ્યવસ્થા કરવી એ એક અગત્યની બાબત છે. જો વૃક્ષો અને ઝાડવાંનો વધુ વિકાસ થાય ત્યારે તેનો છાંયો સાથી પાકો ઉપર પડે છે. આ માટે વૃક્ષો કે ઝાડવાંની છાંટણી કરવી જરૂરી છે અથવા એવા સાથી પાકો લેવા કે જે છાંયા સામે સહનશીલ હોય અથવા તો તે પાકની વૃદ્ધિ વૃક્ષોની સાથમાં પણ થતી હોય. એવા છોડ પસંદ કરવા કે જેના મૂળ કિંમતી સંસાધનો માટે હરીફાઈ ન કરી શકે. આ પદ્ધતિ માટે ઉત્પાદકનો હેતુ પણ મહત્વનો છે. મોટા ભાગના ઉત્પાદકોનો હેતુ વધુમાં વધુ આવક મેળવવાનો હોય છે. વન્યજીવન અને પાણીની ગુણવત્તા માટે ઉત્પાદકોનો સામાન્ય રસ જોવા મળે છે.
ધ્યાને લેવાની આર્થિક બાબતો :
વૃક્ષ અને પાકની પેદાશનું પ્રાથમિક બજારમાં કેટલું મૂલ્ય છે તે ઉત્પાદકે જાણવું જોઈએ. એલી ક્રોપિંગમાં પાકો વચ્ચે થતા સકારાત્મક ક્રિયા-પ્રતિક્રિયાઓનો લાભ લે છે પરિણામે બંને પાકોના ઉત્પાદનમાં એકલપાક કરતાં વધુ ઉત્પાદન મળે છે.
વૃક્ષોની વ્યવસ્થા :
એલી ક્રોપિંગની રચના સાદી થી ગૂંચવણ ભરેલી અને ઊંચી વિવિધતા ધરાવે છે. વૃક્ષો અને સાથી પાકોની વૃદ્ધિના લક્ષણો અને ઉત્પાદકના હેતુ મુજબ વૃક્ષોના એકલા અથવા એકથી વધુ હારમાં કે મિશ્ર પાક તરીકે ઉછેરવામાં આવે છે. કેટલાક વૃક્ષોના રોપા કે છોડની વૃદ્ધિના લક્ષણો વિષે પણ ઉત્પાદકે સમજવું જરૂરી છે. વિવિધ જાતોનો વૃદ્ધિ દર અલગ અલગ હોવાથી જ્યારે હારમાં કે મિશ્ર કરી જાતો ઉછેરવામાં આવે ત્યારે કેટલીક મુશ્કેલીઓ પેદા થાય છે. જો યોગ્ય રીતે ડીઝાઈન બનાવવામાં ન આવે તો એક કે વધુ જાતો પ્રબળ બની જગ્યાએ આવરી લે છે અને તેની મિશ્ર જાતોના વાવેતરમાં નકારાત્મક અસર થાય છે.
વ્યવસ્થાપન અંગેની બાબતો :
એલી ક્રોપિંગ પદ્ધતિ અપનાવવામાં આવે ત્યારે તે અંગે અનેક વ્યવસ્થઆપન બાબતોને ધ્યાને લેવી જરૂરી છે. ચરિયાણથી ઝાડના રોપાને રક્ષણ આપવા માટે તારની વાડ કે અન્ય કોઈ વ્યવસ્થા કરવી જરૂરી છે. શરૂઆતના વર્ષોમાં નીંદણ નિયંત્રણ કરવું જરૂરી છે. વૃક્ષો પુરતા કદના વધી પોતાની રીતે જીવી શકે ત્યારબાદ નીંદણ કરવાની જરૂર રહેતી નથી. જમીન ચકાસણી કરાવી જમીનમાં જરૂર જણાય તો રાસાયણિક ખાતરો આપવાં. પાકનાં રોગ-જીવાતનો ઉપદ્રવ જાણવા માટે નિયમિત રીતે દેખરેખ રાખવી અને જરૂર જણાયે સંકલિત જીવાત વ્યવસ્થાપનની પદ્ધતિઓનો ઉપયોગ કરવો. વૃક્ષો અને ઝાડવાંની ચકાસણી કરી જરૂર જણાય તો તેના છાંયાથી સાથી પાકો ઉપર થતું નુક્સાન અટકાવવા છાંટણી કરવી. વૃક્ષો અને સાથી પાકનાં મૂળ વચ્ચે થતી હરિફાઈ ઘટાડવા માટે મૂળની છાંટણી કરવી.
સ્ત્રોત : ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, જુલાઈ – 2021
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in

