કાંચનાર એ પવિત્ર વૃક્ષ ગણાય છે. તે બૌદ્ધ શિલ્પોમાં પણ ઘણીવાર નજરે પડે છે. કાંચનાર એ મધ્યમ કદનું, સુશોભન માટેનું કઠોળ વર્ગનું વિશ્વમાં ઉષ્ણ અને ઉપોષ્ણ કટીબંધના પ્રદેશોમાં થતું એક વૃક્ષ છે જેનું વૈજ્ઞાનિક નામ Bauhinia variegata, Linn છે. કાંચનારનો સંસ્કૃત ભાષામાં અર્થ ‘સુંદર ચમકતી સ્ત્રી’ એવો થાય છે. કાંચનાર અંગ્રેજીમાં Bauhinia, Mountain Ebony, Orchid tree, Poor Man’s orchid વગેરે નામે ઓળખાય છે. તેને તેના રંગબેરંગી ફૂલોને લીધે અંગ્રેજીમાં The variegated bauhinia પણ કહે છે. કાંચનારને સંસકૃતમાં પીત કાંચનાર, કોવિદાર, હિન્દીમાં પીલ કાંચનાર, મરાઠીમાં રક્ત કંચન તરીકે આળખાય છે. વૃક્ષના દરેક ભાગને મોટે ભાગે આયુર્વૈદિક દવાઓ તરીકે ઉપયોગ થાય છે. તેના પાન, કળીઓ અને ફૂલો ખાદ્ય અને પોષણદાયી છે. સામાન્ય રીતે તે ઘાસચારો આપતું વૃક્ષ છે જે ગાય-ભેંસ, ઘેટાં-બકરાં વગેરેને માટે પાચ્ય છે. તે ઉષ્ણ અને ઉપોષ્ણ કટિબંધવાળા હવામાનમાં ઉનાળાના ગરમ અને સૂકી ઋતુ અને શિયાળામાં હળવું તાપમાનમાં થતું વૃક્ષ છે. તેનાં પાન આખું વર્ષ પશુઓને ચારો પુડો પાડે છે એટલું જ નહિ ભારતના વિવિધ ભાગોમાં રહેતા ઘણા આદિવાસી સમાજ માટે તે પોષણ માટેનો મહત્વનો સ્ત્રોત છે. તેના અંશતઃ ખીલેલાં પુષ્પોને રાંધી શાક તરીકે ખાવામાં આવે છે.
વૃક્ષ વર્ણન :
કાંચનાર એ ઝડપથી વધતું પાનખર પ્રકૃતિવાળું આકર્ષક અને અંદાજે 10 થી 12 મીટર ઊંચુ વધતું વૃક્ષ છે. તેની છાલ લગભગ લીસી અને ઘેરી ભૂરી હોય છે અને કુમળી ડાળી ઉપર ભૂરી રૂવાટી હોય છે. તેના પાન આંતરે આવેલાં, સાદાં 10 થી 15 સે.મી. લાંબાં અને તેટલાં જ પહોળા હોય છે. પાનની મધ્યમાં એક સાંધો હોય છે અને તે લગભગ સરખાં બે આડઘિયામાં બનેલ હોય છે. આ બે અડધિયાંને ખુલ્લા રાખતાં ઊંટના પગ જેવો આકાર બનતો હોઈ તેને ‘કેમલ્સ ફુટ’ (Camel’s foot) પણ કહે છે. પાનના તળિયાનો ભાગ હ્રદયાકાર હોય છે. અને તેમાં 11 થી 15 નસો હોય છે. દરેક પાનને 2.5 થી 3.5 સે.મી. લાંબા દાંડી હોય છે. નવેમ્બર-ડિસેમ્બર દરમ્યાન વૃક્ષ પરથી પાન ખરવા માંડે છે અને માર્ચ આવતાં આખુ વૃક્ષ પાનરહિત થઈ જાય છે. નવા પાન એપ્રિલ-મે માં આવે છે.
ફેબ્રુઆરી થી એપ્રિલ દરમ્યાન ફૂલો આવે છે જે મોટા, 4 થી 5 સે.મી.નાં, સુવાસિત, રંગબેરંગી (સફેદ, ગુલાબી કે જાંબલી રંગના) હોય છે. ફૂલો આવે છે ત્યારે વૃક્ષ પાનરહિત હોય છે. ફૂલો વૃક્ષની ઉપરની શાખાઓને છેડે અગર પાનની દાંડી અને શાખાઓ વચ્ચેના ભાગમાંથી ઝૂમખામાં આવે છે. દરેક ફૂલને એક ટુંકી દાંડી હોય છે. તેની એક કળીનું વજન 0.52 થી 0.69 ગ્રામ અને એક ફૂલનું વજન 0.89 થી 0.98 ગ્રામ જોવા મળે છે. તેની શીંગ 15 થી 30 સે.મી. લાંબા અને 1.5 થી 2.50 સે.મી. પહોળી, ચપટી અને કઠણ હોય છે જે 10 થી 15 બીજ ધરાવે છે. તેને પાકતાં ત્રણ અઠવાડિયાનો સમય લાગે છે. શીંગ મે-જૂન માસમાં પાકે છે. તે વૃક્ષ ઉપર હોય ત્યારે જ ફાટે છે ને ચારે બાજુ તેના બીજ વેરાય છે.
વિસ્તાર :
તે દક્ષિણ પૂર્વ એશિયાનું વતની છે. તેનાં વૃક્ષો વિયેટનામ, લાઓસ, થાયલેન્ડ, મ્યાનમાર, દક્ષિણ ચીન, ભારત, ભૂતાન, પાકિસ્તાન, નેપાલ વગેરે દેશોમાં જોવા મળે છે. તેનું વિશ્વના ઉષ્ણ અને ઉપોષ્ણ કટીબંધવાળા પ્રદેશોમાં આજે મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. તે ક્વીન્સલેન્ડ અને દક્ષિણ યુનાઈટેડ સ્ટેટસમાં કુદરતી બન્યુ છે. તેની 250 થી વધુ પ્રજાતિઓ છે જે પૈકી 15 પ્રજાતિઓ ભારતમાં થાય છે તે સામાન્ય રીતે તે હિમાલયના વિસ્તારોથી આસામ સુધી અને પૂર્વ, મધ્ય અને દક્ષિણ ભારતના જંગલોમાં પણ જોવા મળે છે. તેનું વાવેતર પંજાબ અને મધ્ય તથા દક્ષિણ ભારતમાં થાય છે. તે કુદરતી રીતે સખત, પવન ધ્વારા ફેલાતું અને બીજના એક વર્ષથી વધુ ટકાઉપણાને લીધે વિશ્વના કેટલાક ભાગોમાં તેનું વાવેતર જોવા મળતું નથી અને વિશ્વના કેટલાક ભાગોમાં તેણે નીંદણ કે આક્રમણકારી પ્રજાતિ તરીકે સ્થાન મેળવેલ છે. ભારતમાં સુશોભિત ફૂલો માટે તે બાગ-બગીચા અને રસ્તા ઉપર ઉગાડવામાં આવે છે.
પોષણ મૂલ્ય :
તેના પાન સૂકા વજનના આધારે અંદાજે 23.12 ટકા પ્રોટીન ધરાવે છે. તેના 100 ગ્રામ ફળો 46.5 ગ્રામ પ્રોટીન અને 17.3 ગ્રામ તેલ ધરાવે છે. તેની કળીઓ વધુ ફીનોલિક ધરાવે છે અને ખાદ્ય એન્ટિઓક્સીડેન્ટસ આપે છે. તેની કળીઓ એસ્કોર્બિક એસિડથી સમૃદ્ધ છે અને ફળો શર્કરાનું ઊંચુ પ્રમાણ ધરાવે છે.
તેની કળીઓ કુલ કાર્બોહાઈડ્રેટસ, ક્રુડ પ્રોટીન, ક્રુડ ફેટ, ક્રુડ ફાયબર, હેમિસેલ્યુલોઝ, ન્યુરલ ડીટરજન્ટ ફાયબર, એસિડ ડીટરજન્ટ ફાયબર અને ઈનડાયજેસ્ટીબલ કાર્બોહાઈડ્રેટ થી સમૃદ્ધ છે. તેના ફૂલો ઊચ્ચ પાચ્ય કાર્બોહાઈડ્રેટસ સહિત વધુ કુલ અને પ્રાપ્ય એનર્જી ધરાવે છે.
ખોરાક તરીકે ઉપયોગ :
તેનાં પાન કઢીની બનાવટમાં શાકભાજી તરીકે, ભાત સાથે અને માંસ-મચ્છીમાં સ્વાદ સુગંધી માટે વપરાય છે. તેની કળીઓ અને ફૂલો કઢી, રાયતું અને લોટમાં, સ્વાદ-શાકભાજી તરીકે રાંધીને, માંસ-મચ્છીમાં સ્વાદ-સુગંધ માટે, ભજીયામાં ઉમેરવા માટે અને અથાણું બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે. તેના પુષ્પોની કળીઓ વિવિધ સ્વાદિષ્ટ ખોરાક બનાવવામાં વપરાય છે.
તેના ફૂલો અને કળીઓ ભારત દક્ષિણપૂર્વ એશિયા, આફ્રિકા અને દક્ષિણ અમેરિકામાં ખોરાક તરીકે લેવાય છે. કાંચનાર કઢી બનાવવા માટે તેની કળીઓને ડુંગળી, મસાલા અને યોગર્ટમાં ઉમેરવામાં આવે છે. કળીઓને વિવિધ માંસ સાથે રાંધવામાં આવે છે. હિમાચલ પ્રદેશમાં ફૂલની કળીઓની ઉકાળી દહીં અને મસાલા સાથે મિશ્ર કરવામાં આવે છે. ભાતની સાથે તેના યુવા ખાટાં પાન ખાવામાં આવે છે. તેના યુવા કળીઓ વિવિધ ખોરાકની બનાવટો અને અથાણુ બનાવવા માટે વપરાય છે. તેની કળીઓ કઢી, લોટ અને અથાણામાં સ્વાદ-સુગંધ માટે ઉમેરાય છે. અરૂણાચલ પ્રદેશમાં વાંસના કુમળા ગરજા સાથે તેના પાન, કળી અને ફૂલોને ઉકાળી શાકભાજી તરીકે ખાવામાં આવે છે. કેટલીક વાર તેની કળીઓને મીઠું અને મરચાં સાથે મિશ્ર કરી કાચી જ ખવાય છે.
ઔષધિય મૂલ્ય :
કાંચનાર એ જીવાણુ વિરોધી, ફુગ વિરોધી, ચાંદા (અલ્સર) વિરોધી અને યકૃતરક્ષક તરીકે ઉપયોગી છે. તેની છાલ બંધક (સ્તંભક), ડાયાબીટીસ વિરોધી, ગાંઠ વિરોધી, ટોનિક, કૃમિનાશક, મોટાપો, ચાંદાં અને ચામડીના રોગોમાં ઉપયોગી છે. તેના પાનનો રસ રેચક છે અને હરસ (પાઈલ્સ) ની સારવારમાં વપરાય છે. તેનાં કુમળાં પાન મરડામાં જ્યારે સૂકી કળીઓ કૃમિ, ગાંઠ, ઝાડા, મરડો અને હરસમાં વપરાય છે. તેના મૂળ ફ્લેવાનોન ગ્લાયકોસાઈડ ધરાવે છે જે બળતરા વિરોધી પ્રવૃત્તિ માટે જવાબદાર છે. તેના પાન અને ફૂલોની પેસ્ટ બનાવી પશુઓને ઝાડા થયેલ હોય ત્યારે આપવામાં આવે છે.
તેની છાલ અને મૂળ રક્તશોધક, પૌષ્ટિક, દીપણ, તૂરું, ગ્રાહી, વ્રણરોપણ, સંગ્રાહક, સારક તથા સ્વાદુ છે. તે મૂત્રકૃચ્છ, ત્રિદોષ, શોષ, દાહ, કફ તથા વાયુનો નાશ કરે છે.
ઉત્તર પ્રદેશના અલ્હાબાદની આજુબાજુના વિસ્તારોમાંથી સૂકાયેલ કાંચનારના ફૂલો એકત્ર કરી તેનો ઈથેનોલિક એક્સ્ટ્રેટ ડાયાબીટીસવાળા ઉંદરોને મોં વાટે આપતાં તેના પરિણામે લોહીમાં ગ્લુકોઝના સ્તર, કોલેસ્ટીરોલ, ટ્રાયગ્લીસરાઈડ, લો ડેન્સિટી લિપોપ્રોટીન (એલડીએલ) અને મુક્ત કણોના સ્તરમાં નોંધપાત્ર ઘટાડો અને હાઈ ડેન્સિટી લિપોપ્રોટીન (એચડીએલ) ના સ્તરમાં વધારો જોવા મળેલ. તે નોંધપાત્ર રીતે ડાયાબીટીસ વિરોધી, હાયપર લિપિડેમિક વિરોધી અને એન્ટિઓક્સીડેન્ટ પ્રવૃત્તિઓ માટે ઉપયોગી છે. પરંપરાગત રીતે કાંચનારનો વિવિધ પ્રકારના રોગોની સારવારમાં ઔષધ તરીકે ઉપયોગ કરવામાં આવે છે જેવા કે, શ્વાસનળીનો સોજો, રક્તપિત્ત, બળતરા (દાહ), ઝાડા, મરડો, આંતરડાંમાંના કૃમિ, ઘા અને ગાંઠ વગેરે.
ઔષધિય ઉપયોગો :
(1) છાલનો ઉપયોગ ક્વાથ રૂપે ગૂગળાદિની સાથે ગંડમાળા અને અપચા ઉપર થાય છે.
(2) જીર્ણજવર, રક્તાતિસાર, રક્તાર્શ, અત્યાતર્વ તથા જીર્ણ વ્યાધિઓને પરિણામે આવેલી અશક્તિમાં તેનો કાઢો અથવા ગૂગળ સાથેની બનાવટ આપવામાં આવે છે.
(3) મુખરોગમાં તેના કોગળા કરવામાં આવે છે. પારાની બનાવટ ખાધાથી મોં આવ્યું હોય, લાળ બંધ ન થતી હોય તો તેની છાલના કોગળા કરવાથી ફાયદો થાય છે જેમાં સારી રોપણશક્તિ છે.
(4) તેના ફૂલનો ક્વાથ રક્તાર્શ, રક્તપ્રમેહ, અત્યાર્તવ, અતિસાર તથા કૃમિ વગેરેમાં અપાય છે.
અન્ય ઉપયોગો :
(1) તે એક ઘાસચારો આપતું વૃક્ષ છે જ્યારે ઘાસ સૂકાઈ ગયેલ અને અપાચ્ય હોય તેવા સમયે પર્વતાળ વિસ્તારોમાં રેહતા ખેડૂતો પશુઓને તેનાં પાન ખવડાવે છે જે ઊંચું પોષણ આપે છે અને પાચ્ય છે.
(2) કેટલીક વાર પાકની આજુબાજુ પાકના રક્ષણ માટે તેનો વાડ તરીકે ઉછેર કરવામાં આવે છે. ખેતીલાયક જમીનને અલગ દર્શાવવા માટે ટેપિઓકાની સાથે કાંચનારનો વાડ તરીકે ઉછેર કરવામાં આવે છે.
(3) કાંચનારની વિવિધ જાતોમાંથી ટેનિન્સ, ફાયબર, ગુંદર અને તેલ મેળવવામાં આવે છે કે જે ઉદ્યોગોમાં ઉપયોગી છે.
(4) તેના બીજ એમિનોએસિડનું ઊંચુ પ્રમાણ ધરાવતા હોઈ ઉત્તર-પૂર્વ મધ્ય અને ભારતના ઘણા આદિવાસી વિસ્તારોમાં કઠોળ તરીકે વપરાય છે.
(5) તેની છાલ ટેનિનથી સમૃદ્ધ છે અને તેનો ઉપયોગ ભુરા (બ્રાઉન) રંગના વિવિધ શેડ માટે થાય છે.
(6) તેનું લાકડું ભારે (એક ઘનમીટરમાં 700 થી 750 કિ.ગ્રા. ઘનતા ધરાવે) હોઈ તે મકાનોના બાંધકામ, ફર્નિચર, ટેકા, વાડ અને ખેતીના સાધનો બનાવવા માટે હિમાચલ વિસ્તારના સ્થાનિક રહેવાસીઓ વાપરે છે.
(7) તેનું લાકડું 4,800 કિલોકેલેરી પ્રતિ કિ.ગ્રા. ઊર્જા આપતું હોઈ તેનો બળતણ તરીકે મુખ્ય ઉપયોગ થાય છે.
(8)તેની છાલ રંગવા અને ચામડાં કમાવવાનાં કામમાં વપરાય છે.
(9) તેમાંથી ઉપયોગી ગુંદર પણ નીકળે છે જેના ગુણ ચેરી ગુંદર જેવા હોય છે.
(10) તેની છાલમાંથી રેસા નીકળે છે.
(11) તેના પાન બીડી બનાવવામાં વપરાય છે.
(12) તેના બીજમાંથી ઉપયોગી તેલ નીકળે છે.
આબોહવા :
તે 210 થી 350 સે. ઉષ્ણતામાનવાળા વિસ્તારોમાં ઉગે છે. તે સમૃદ્રની સપાટીથી 1,800 મીટરની ઊંચાઈ સુધી થઈ શકે છે. તે વધુમાં વધુ સરેરાશ 300 થી 420 સે. ઉષ્ણતામાન અને ઓછામાં ઓછુ સરેરાશ 70 થી 140 સે. વાળા વિસ્તારોમાં સારી રીતે થઈ શકે છે. તે -50 સે. સુધી શિયાળામાં સખત હોય છે. જો નિયમિત ધોરણે છોડને ઠંડા તાપમાનનો સામનો કરવો પડે તો તેનો વૃક્ષ તરીકે નહિ પરંતુ ઝાડવા તરીકે વિકાસ થાય છે એટલે કે તેને પૂર્ણ સૂર્યપ્રકાશ જોઈએ છે પરંતુ તે કેટલોક છાયો પણ સહન કરી શકે છે એટલે તેનું પુરતા સૂર્યપ્રકાશવાળા અને અંશતઃ છાયાવાળા સ્થળોએ પણ વાવેતર કરી શકાય છે.
તે વાર્ષિક 500 થી 2550 મિ.મી વરસાદ પડતો હોય તેવા વિસ્તારમાં થઈ શકે છે. તે દુષ્કાળનો સામનો કરી શકે છે પરંતુ આગ માટે સંવેદનશીલ છે. દરિયા કિનારાના વિસ્તારો ખાતે ખારા પવનો સામે ટક્કર જીલી શકતુ ન હોઈ તેનું વાવેતર તે વિસ્તારોમાં કરવું જોઈએ નહિ.
જમીન :
તે મધ્યમ ફળદ્રુપતા વાળી જમીનોમાં સારી રીતે ઉગે છે. તે નબળા પોષકતત્વો ધરાવતી જમીનમાં ઉગી શકતું નથી. ઘાસ ધરાવતી અને સેન્દ્રિય આવરણ ધરાવતી જમીનમાં સારી રીતે થાય છે. આલ્કાઈન જમીનોમાં આયર્ન, ઝિન્ક અને મેંગેનીઝની ઉણપ હોય તો પાનની વચ્ચે રહેલ નસો પીળી પડી જાય છે.
વર્ધન અને ધરૂઉછેર :
તેનું વાવેતર બી અથવા કટકાથી થાય છે. તેના અર્ધપક્વ લાકડુ ધરાવતા ભાગમાંથી પાન દૂર કરી બનાવેલ કટકાઓ વાવણી માટે વપરાય છે પરંતુ કટકાઓમાં જલ્દીથી મૂળ ફુટતા નથી તેથી તેના વાવેતર માટે બીજની પસંદગી કરવામાં આવે છે. તેનું કટકા ધ્વારા વર્ધન કરવાના પ્રયોગો કરતાં બીજ કરતાં તેમાં સફળતા ઓછી મળે છે.
એક વર્ષના સંગ્રહ બાદ પણ બીની જીવનક્ષમતા સારી માલૂમ પડેલ છે જો કે કેટલીકવાર બીજ સુષુપ્તિને કારણે બીજ ઉગતું નથી. બીજ સુષુપ્તિને દૂર કરવા માટે વનસ્પતિ વૃદ્ધિ નિયામક જેવા કે જીબ્રેલિક એસિડ (GA 3) સાથે અને 0.25, 0.50 અને 0.75 ટકા થાયોયુરિયા અને પોટેશિયમ નાઈટ્રેટ (KNO3) તેમજ 24 અને 48 કલાક માટે ગરમ પાણીની માવજત આપવી જોઈએ.
કાંચનારના બીને માર્ચ-એપ્રિલ માસમાં વાવવાં એ તેનો યોગ્ય સમય છે કે જેથી ચોમાસુ બેસતાં તેની રોપણી કરી શકાય. જમીનમાં પુરતી વરાપ હોય ત્યારે તેની રોપણી કરવી. 3 મીટરના અંતરે હારમાં પણ તેનું સીધુ વાવેતર કરી શકાય છે. બીને વાવતાં પહેલાં 24 કલાક અગાઉ હૂંફાળા પાણીમાં રાખી મૂકવાથી અંકુરણ સારૂ થાય છે અન્ય કઠોળની જેમ વાવણી બાદ 4 થી 10 દિવસમાં બીનું અંકુરણ થાય છે. તે ઝડપથી વધતું ઝાડ હોઈ એક વર્ષમાં તેની 2 મીટર જેટલી ઊંચાઈ થાય છે.
ટિશ્યૂકલ્ચર પદ્ધતિ વડે પણ તેના છોડ તૈયાર કરી શકાય છે.
સામાન્ય રીતે વેપારી ધોરણે નર્સરીઓમાં અંશતઃ છાંયામાં વિવિધ રંગની શેડનેટ હેઠળ તેનુ ધરૂ ઉછેરવામાં આવે છે પરંતુ પૂર્ણ સૂર્યપ્રકાશવાળી સ્થિતિમાં તેના ધરૂનો સારો વિકાસ થાય છે.
ખાતર :
તેને પોષણની જરૂરિયાત માટેના કોઈ પ્રયોગો થયેલ નથી. તેના વૃક્ષ ઉપર નિયમિત અને પુરતા ફૂલો મેળવવા માટે નિયમિત ધોરણે પોષકતત્વો આપવાં જોઈએ. હેક્ટર દીઠ 60 કિ.ગ્રા. નાઈટ્રોજન અને 40 કિ.ગ્રા. ફોસ્ફરસ આપવામાં આવે તો બાયોમાસનું ઉત્પાદન સારૂ મળે છે.
પિયત :
ખાસ કરીને ઉનાળાના સમય દરમ્યાન નિયમિત ધોરણે પિયત આપવું જોઈએ.
છાંટણી :
કાંચનારના યુવા વૃક્ષને છાંટણી કરવી જરૂરી છે કે જેથી તેનું સમતોલન જળવાય અને શાખાઓનો મજબૂત વિકાસ થાય. છત્રનો આધાર વધુ ઊંચો ન થાય તે જોવું નહિ તો થડ ઉપર સૂર્યદાહની અસર થાય છે. જો વૃક્ષને છાંટણી કર્યા વિના છોડી દેવામાં આવે તો કેટલીકવાર શાખાઓ ફુટી જમીન ઉપર ફેલાતાં મોટા ઝાડવાં જેવો દેખાવ આપે છે. તેથી ઝાડને જરૂર જણાય તેમ છાંટણી કરતા રહેવી. જેથી તેનો ચોક્કસ આકાર જળવાઈ રહે. વૃક્ષના પાંદડાં, ફૂલો અને શીંગો જમીન ઉપર ખરી પડતી હોઈ કચરાની એક સમસ્યા રહે છે.
તે ફેબેસી કુટુંબનું વૃક્ષ હોવા છતાં તે રાઈઝોબિયમ બેક્ટેરીયાનો સહયોગ કરી હવામાંના નાઈટ્રોજનનું સ્થિરીકરણ કરવામાં કોઈ ફાળો આપતુ નથી એ આ પ્રજાતિની ખામી છે.
કાપણી :
કાંચનારના અંશતઃ ખીલેલાં ફૂલો શાક તરીકે વપરાય છે. રોપણી બાદ 2 થી 3 વર્ષે ફૂલો બેસવાના શરૂ થાય છે. નવેમ્બર-ડિસેમ્બર માસથી પાન ખરવાનું શરૂ થઈ માર્ચ સુધીમાં વૃક્ષ પાનરહિત થઈ જાય છે. ફૂલો માર્ચ-એપ્રિલ દરમ્યાન ઝાડની ઉપરની શાખાઓ ઉપર આવે છે અને દરેક ઋતુમાં 2 થી 3 વખત તેની કળીઓ એકઠી કરવામાં આવે છે. નવા પાન આવવાનું એપ્રિલથી શરૂ થાય છે અને મે માસ સુધીમાં પાન આવી જાય છે.
ઉત્પાદન :
એક વૃક્ષ ઉપરથી અંદાજે સરેરાશ 20 થી 25 કિ.ગ્રા. ફૂલો ચૂંટી શકાય છે. વૃક્ષ એક વર્ષમાં પશુઓ માટે 20 થી 22 કિ.ગ્રા. પાંદડાં સારા પશુ ચારા તરીકે આપે છે.
પાક સંરક્ષણ :
જો કે કોઈવાર વૃક્ષ ઉપર મોલોનો ઉપદ્રવ જોવા મળે છે પરંતુ કુદરતી દુશ્મનો ધ્વારા તેનું નિયંત્રણ થાય છે. કીટનાશી દવાઓનો છંટકાવ કરવો નહિ કારણ કે તેનાથી ફાયદાકારક કીટકોનો નાશ થાય છે.
ફૂલોનો સંગ્રહ :
કાંચનારના ખાદ્ય ફૂલોનું સંગ્રહ જીવન વધારવા અને ચેપરોધક માટે તેના પોષણ ગુણો અને જૈવ પ્રવૃત્તિને અસર કર્યા વિના ઈલેક્ટ્રોન બીમ ઈરેડિયેશન પદ્ધતિનો ઉપયોગ કરી સલામત અને અસરકારક રીતે સંગ્રહ કરી શકાય છે.
કાંચનારની અન્ય જાતો :
(1) શ્વેત કાંચનાર (Bauhinia racemosa) :
તેનું ઉદભવસ્થાન હિંદના જંગલો છે. તેના બીજ સ્વાદિષ્ટ હોઈ જંગલના લોકો ખાય છે. તેના પાન બીડીપાન તરીકે વપરાય છે. તેના કુમળા ફૂલોનું શાક ખવાય છે. તેના મજબૂત રેસા પાટવા કે માલુ-માવલ રેસા તરીકે ઓળખાય છે તેનું લાકડું સાધારણ કઠણ છે. તેનાં પાન ચારા તરીકે વપરાય છે. તેની છાલમાંથી કાળાશ પડતો રાતો કે કાળો રંગ બને છે.
ઔષધિ તરીકે :
(1) તેના પાનનો ક્વાથ વિષમ જવર અને માથાના દુઃખાવામાં ઉપયોગી છે તેમાં મરી નાખી અતિસારમાં આપવાથી ગુણ કરે છે.
(2) તેની શીંગ મૂત્રલ છે.
(3) તેનો ગુંદર દવા તરીકે વપરાય છે જે ગ્રાહી છે તેને શેનકે ગુંદ કહે છે.
(4) તેની છાલ યકૃતના સોજા તથા કૃમિમાં અપાય છે.
(5) તેનાં કુમળાં ફૂલ અતિસાર અને મરડામાં અપાય છે. તે ગ્રાહી છે.
(2) રક્ત કાંચનાર (Bauhinia purpurea) :

તેનું ઉદભવસ્થાન હિમાલય છે. તેની છાલ રંગ અને ટેનિન મેળવવા માટે વપરાય છે.તેના ફૂલોનું શાક અને અથાણું બનાવે છે. તેનું લાકડુ કાળાશ લેતું સફેદ અને સાધારણ કઠણ છે.
ઔષધ તરીકે :
(1) તેની છાલ ગ્રાહી છે. તે અતિસાર અને મરડામાં અપાય છે. તેની છાલના ક્વાથથી વ્રણ ધોવાય છે. ચોખાના ધોવરામણ સાથે વાટી ગૂમડાં અને અળાઈઓ પર ચોપડાય છે.
(2) તેના મૂળ વાતહર છે.
(3) તેના ફૂલો સારક છે.
સ્ત્રોત : (1) ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, ડિસેમ્બર 2023
(2) વનસ્પતિ સૃષ્ટિ લે.ગો.ખી.બાંભડાઈ
(3) વૃક્ષ અને વેલી લે.જ.દે.ઓઝા
(4) આર્યભિષક લે. શંકર દાજીપદે
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in

