સ્થિર જળબગીચામાં થતા છોડ (Water plants for stable water garden)

                બાગ-બગીચામાં કે છાપરા નીચે કોઈપણ સ્થળે જળ બગીચા (વૉટર ગાર્ડન – Water garden) બનાવી શકાય છે. જળ બગીચા અથવા નાના કે મોટા તળાવ (pond) માં જળ જીવન અને જળમાંની ઈકોસીસ્ટમને અસર કર્યા વિના વિવિધ જાતના ખાસ પ્રકારના છોડ ઉછેરવામાં આવે છે. તળાવમાં સંપૂર્ણ સમતોલન જળવાઈ રહે તે માટે અત્રે દર્શાવેલ ચાર પ્રકારના છોડ ઉછેરવામાં આવે છે.

(1) મૂળ સહિત પાણીમાં તરતા છોડ (Rooted floating plants) :

                આવા છોડના મૂળીયાં પાણીમાં ઊંડે અને પાન પાણીની સપાટી ઉપર તરતાં હોય છે. આ છોડ સૂર્યપ્રકાશને પસંદ કરે છે અને છોડનો તાજ 10 થી 20 સે.મી જેટલો પાણીમાં રહે છે. તે પાણી ઉપર છાંયો પાડતા હોઈ આલ્ગીનો વિકાસ થવા દેતા નથી અને માછલીઓને સંતાવાની જગ્યા પુરી પાડે છે. દૈનિક 10 કલાકથી વધુ સૂર્યપ્રકાશ મળે તો આવા છોડ સુંદર ફૂલો પેદા કરે છે. પાણીનો ફુવારો, પાણીનું વધુ વહેણ કે પાણીના છાંટા પડતા હોય તેવી જગ્યાઓ વૉટર લીલીના છોડનો વિકાસ અવરોધ છે જે પાણીમાં થતા કમળની એક જાત છે. તેના છોડ મરી જાય એટલે તેનાં પાન અને ફૂલોને દૂર કરવાં, નહિ તો તે કહોવાયને વધુ સેન્દ્રિય પદાર્થો પેદા થતાં આલ્ગીનો વિકાસ થાય છે.

વિવિધ છોડ :

(1) ડવાફે વૉટરલીલી/નીલકમલ (Miniature water lily, Nymphaea spp.)  

(2) ગોલ્ડન ક્લબ (Golden club, Orontium aquaticum)

(3) હાર્ડી વૉટર લીલી (Hardy Water lily, Nymphaea spp.)

(4) કમળ (Lotus, Nelumbo spp.)

(5) ટ્રોપિકલ વૉટર લીલી (Tropical Water lily, Nymphaea spp.)

(6) વિકટોરીયા લીલી (Victoria lily, Victoria spp.)

(7) યલો પોન્ડ લીલી (Yellow pond lily, Nuphar lutea)

(8) નારદુ (Nardoo, Marsilea mutica)  

(9) વૉટર હોથોર્ન (Water hawthorn, Aponogeton distachyum

જાળવણી :

        છોડમાં સારા ફૂલો મેળવવા માટે સપ્ટેમ્બર-ઓક્ટોમ્બર થી એપ્રિલ-મે દરમ્યાન દર બે મહિનાના અંતરે ખાતર આપવું જોઈએ. છોડના મૂળની નજીક જમીનમાં ખાતરની ટીકડી (ટેબલેટ) અથવા ઓસ્મોકોટ (Osmocote) જેવા ધીરે ધીરે ખાતર મુક્ત કરતા દાણા ન્યૂઝપેપર કે ખાખી કાગળમાં મૂકી જમીનમાં કે કૂંડાંની બાજુમાં મૂકવા. આમાં વપરાતા કાગળ નુકસાનકર્તા રસાયણ ધરાવતા ન હોવા જોઈએ. પીળા કે કથ્થાઈ રંગનાં થયેલ કે સૂકાઈ ગયેલ પાન નિયમિત રીતે દૂર કરવાં જેથી આલ્ગીનો વિકાસ ન થાય. જો તેને પાણીમાંથી દૂર ન કરવામાં આવે તો કહોવાતાં તેમાં રહેલ પોષકતત્વો આલ્ગીને વિકસવા દે છે. જૂના છોડને દૂર કરવાથી નવા છોડનો વિકાસ સારો થાય છે. ઠંડા વિસ્તારોમાં હાર્ડી વૉટર લીલી જીવંત રહી શકે છે પરંતુ પાણીનું ઘનીકરણ થવા માંડે તે પહેલાં છોડને તેમાંથી દૂર કરવા પડે છે. જો તળાવ વધુ ઊંડાં હોય તો તેમાં રાખેલ કૂંડાંને ઊંચે ગોઠવવાં પડે.

(2) જળમગ્ન (ઓક્સીજન આપતા) છોડ (Submerged (Oxygenating) plants) :  

                આવા છોડને ઓકસીજન આપતા છોડ (Oxygenator) કહે છે જેના મૂળ જમીનમાં જકડાયેલાં અને પાન પાણીની અંદર રહે છે. આવા છોડ તળાવના આરોગ્યને જાળવી પાણીને ચોખ્ખું રાખે છે. આવા છોડ પાણીમાંના અંગારવાયુને શોષે છે અને પ્રાણવાયુ મુક્ત કરે છે જેથી તે જળમાં રહેતી માછલીઓ અને ફાયદાકારક જલ કીટકોને જીવવા માટે ટેકો પુરો પાડે છે. તે પાણીમાં રહેલ વધારાના પોષકતત્વોને શોષી લઈ પાણીને શુદ્ધ કરે છે અને આલ્ગીના વિકાસમાં ઘટાડો કરે છે. આવા છોડ માછલીઓને ખોરાક અને આશરો પુરો પાડે છે. જળમાંની ઈકોસીસ્ટમને સમતોલન રાખવા માટે તેના ફર્ન જેવાં પાન સૂક્ષ્મ જળચરતા જીવનને આવરણ પૂરૂ પાડે છે. આવા છોડ સામાન્ય રીતે કૂંડામાં રોપવામાં આવે છે અને તળાવના તળિયે રાખવામાં આવે છે કે જેથી મુક્ત રીતે તરતા રહે.

વિવિધ છોડ :  

(1) એનાચારિસ/એલોડીયા (Anacharis/Elodea, Elodea densa) તે વધુ કુમળા પાન ધરાવતો ઉત્તમ છોડ છે જે પાણીમાં 15 સે.મી. થી 150 સે.મી. ઊંડે સુધી થઈ શકે છે.

(2) કેનેડિયન પોન્ડવીડ (Canadian pondweed, Elodea or Anacharis, Elodea canadensis)

(3) હોર્નવર્ટ/કૂનટેઈલ (Hornwort/coontail, Ceratophyllum demersum) તે પાંદડાં જેવું ગાઢ લીલું ઘાસ છે. તે 15 થી 30 સે.મી. ના પાણીમાં થઈ શકે છે.

        કેટલાંક છોડ પાણીની સપાટીની નીચે પણ થાય છે જેવા કે,

(1) વૉટર-મિલફોઈલ (water milfoil, Myriophyllum variifolium અને Myriophyllum propinquum)

(2) વૉટર પ્રિમરોઝ (Water primrose, Ludwigia peploides

(3) પાણીમાં તરતા છોડ (Floating plants) :  

                આવા છોડ પાણીની સપાટી ઉપર તરતા રહે છે અને તેને જમીન કે અન્ય કોઈ આધારની જરૂર પડતી નથી. તે પાણીમાં રહેલા પોષકતત્વોને શોષી લઈ ઉગે છે. તે પાણીની સપાટીને આવરિત કરી છાંયો આપતા હોઈ સૂર્યપ્રકાશ ન મળતાં તેમજ પાણીમાં રહેલ વધારાના પોષકતત્વોને શોષી લેતાં હોઈ પોષકતત્વો નહિ મળવાને કારણે આલ્ગીનો વિકાસ થતો નથી.

વિવિધ છોડ :

(1) ડકવીડ (Duckweed, lemna spp.)

(2) અઝોલા (Fairy moss, Azolla spp.)

(3) કુંભવેલ/જળકુંભી (Water hyacinth, Eichhornia crassipes)

(4) વૉટર લેટયુસ/વૉટર રોઝ (Water lettuce/water rose, Pistia stratiotes)

જાળવણી :

        તરતા છોડનું વર્ધન ઝડપી થતું હોય પાણીની સપાટીને આવરી લે છે. પાણીમાં તરતા છોડ વડે પા (1/4) થી અડધી (1/2) સપાટી આવરી લેવી જો પાણીની અડધાથી વધુ સપાટી તરતા છોડથી આવરિત હોય તો હાથ, નેટ કે પ્લાસ્ટિકના કૂંડા વડે છોડને દૂર કરી બહાર કાઢી નાખવા. ડકવીડ માછલીઓ માટે અને અઝોલા અળસિયાં માટે ઉત્તમ ખોરાક પુરો પાડે છે. તેથી સ્થાનિક રીતે ઉપલબ્ધ છોડ વાપરવા જોઈએ કે જે આર્થિક રીતે પરવડે અને ફેરવપરાશ યોગ્ય હોય.

(4) સીમાંત છોડ (Marginal plants) :

                આવા છોડ તળાવના કિનારાની આજુબાજુના વિસ્તારમાં 10 સે.મી. પાણીના સ્તર સુધી થઈ શકે છે. તે પાણીમાં ઓછું હલનચલન થતુ હોય તો વધુ સારી રીતે થઈ શકે છે. આવા છોડ સામાન્ય રીતે કૂંડામાં રોપવામાં આવે છે અને જમીનમાં ઈંટોની વચ્ચે સીધા રહે તેમ રોપવામાં આવે છે. તેના ધ્વારા જળ બગીચા આકર્ષક, રંગીન અને વિવિધ આકારના બનાવી શકાય છે. આવા છોડથી તળાવની ધારોને યોગ્ય વળાંક શક્ય છે. તે પવન અને છાંયા તેમજ હાનિકર્તા જીવો સામે રક્ષણ આપી માછલીઓ અને દેડકાંઓને આશ્રય પુરો પાડે છે.

વિવિધ છોડ :

(1) એરોહેડ (Arrowhead, Sagittaria spp.)

(2) કેટટેઈલ (Cattail reed, mace,Typha spp.)

(3) વૉટર આઈરિસ (Water iris, Iris laevigata)

(4) જળ અળવી/વૉટર પ્લાન્ટેઈન (Water plantain, Alisma plantago)

(5) યલો ફ્લેગ/યલો આઈરિસ (Yellow flag, Iris pseudacorus)

(6) લિઝાર્ડસ ટેઈલ/વોટર ડ્રેગન (Lizards tail/water dragon, Saururus cernuus)

(7) પિકરેલ રશ/પિકરલ વીડ (Pickerel rush/Pickerel weed, Pontederia cordata)

(8) એક્વેટિક મિન્ટ/જળ ફુદીનો (Aquatic mint, Mentha aquatic)  

(9) ડવાર્ફ પેપિરસ/નાઈલ ગ્રાસ (Drawf papyrus, nile grass, Cyperus papyrus)

(10) હોર્સટેઈલ ફર્ન (Horsetail Fern, Equisetum hyemale)

(11) વિયેટનામીઝ મિન્ટ (Vietnamese mint, polygonum odoratum)

(12) પર્પલ લૂઝ સ્ટ્રિફ (Purple loose strife, Lythrum salicaria)

જાળવણી :

        ફૂલો આવવાના સમયે જમીનમાં ખાતરની ટીકડી આપવી જોઈએ. દર 1 થી 3 વર્ષે છોડનું વિભાજન, છાંટણી અને કૂંડામાં ફેરરોપણી કરી છોડની સંખ્યા જાળવવી જરૂરી છે. વધારાના છોડનો ઉપયોગ જળ બગીચામાં અથવા તો કમ્પોસ્ટ બનાવવામાં કરી શકાય છે.

સારાંશ :

        જળ બગીચા બનાવવા ઘણા સરળ છે અને તે યોગ્ય પ્રમાણમાં પાણી સંગ્રહી શકે તેવા કન્ટેનરમાં કરી શકાય છે. આવા જળ બગીચા એકવાર બની ગયા બાદ લાંબા સમય સુધી જીવંત રહે છે.


સ્ત્રોત : ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, ઓક્ટોમ્બર 2018


સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com

www.krushikiran.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *