શહેરોની આજુબાજુના વિસ્તારોમાં શાકભાજી ઉત્પાદનની વ્યૂહરચના અને સંભાવનાઓ (Peri-urban vegetable production: Strategies and prospects)

        શહેરોની આજુબાજુ આવેલ વિસ્તારોમાં શાકભાજી ઉછેરી તેનું વિતરણ કરી શહેરીજનોને જોઈતી શાકભાજી પુરી પાડવી એ એક મહત્વની બાબત છે. વિકાસ પામતા દેશોમાં સફળતાપૂર્વક ઘનિષ્ઠ રીતે શાકભાજી ઉછેરવી જોઈએ.

        વિશ્વની અડધાથી વધુ વસ્તી શહેરોમાં રહે છે અને મોટા શહેરોની આસપાસ વસ્તી વધુ જોવા મળે છે. શહેરની આજુબાજુની જમીનનો વપરાશ અને કાયાપલટ ધ્વારા પરિવર્તન જોવા મળે છે. શહેરોની આજુબાજુ આવેલ બજાર ઊંચુ મૂલ્ય ધરાવતા શાકભાજી અને ફળો તેમજ ઑફ સીઝનમાં થતા શાકભાજી ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે. શહેરોની આજુબાજુના વિસ્તારમાં નાના પ્લોટ ધરાવતા નાના ખેડૂતો વધુ પડતા હાનિકારક રસાયણોનો ઉપયોગ કરી વધુમાં વધુ ઉત્પાદન મેળવવાના પ્રયાસો કરે છે. શહેરોની આજુબાજુ ઝડપથી પર્યાવરણમાં થતા ફેરફારને કારણે ખેડૂતો અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરે છે. ખેડૂતો, ગ્રાહકો અને વેપારીઓ ત્રણેને આ અંગે ઘણું ઓછું જ્ઞાન છે. આ ત્રણે શહેરોની આજુબાજુ થતી ખેતી અને તેના બજાર ઉપર મહત્વનો ભાગ ભજવી શકે છે.  

        પરંપરાગત રીતે ખેતી કરતું અને જંતુનાશકોથી મુક્ત ખેતી કરતું ખેડૂતોનું જૂથ શાકભાજી ખેતીની પદ્ધતિમાં જીવાતોનો ઉપદ્રવ ઘટાડવા માટે વ્યવસ્થાપન અને ઉત્પાદન પદ્ધતિ અંગેનું જ્ઞાન મેળવી તેનો ઉપયોગ કરી શકે છે. આ પ્રકારના ખેડૂતોનું જૂથ શહેરોની આજુબાજુ શાકભાજીની નાના પાયે ખેતી કરવા માટે નીચેની બાબતોને ધ્યાને લઈને વિવિધ પ્રકારની વ્યૂહરચના વિકસાવી શકે છે :  

(1) જીવાત અને નીંદણના ઉપદ્રવ બાબતે પરંપરાગત અને જંતુનાશક મુક્ત વ્યવસ્થાપનમાં પડતી મુશ્કેલીઓ

(2) વિવિધ માર્કેટિંગ વ્યૂહરચના

(3) હોલસેલર્સ અને ગ્રાહકોની પસંદગી અંગેના તફાવતો.

        શહેરોની આજુબાજુના નાના ખેડૂતો જંતુનાશક મુક્ત શાકભાજી ઉછેરી તેને બજારમાં વેચી આવક પેદા કરી શકે છે. આ માટે નાના ખેડૂતો સરકારી સહાય મેળવી અને પ્રોત્સાહન કાર્યક્રમો તેમજ સંકલિત જીવાત વ્યવસ્થાપન અને માર્કેટિંગ માટેની કૃષિ વિસ્તરણ તાલીમો વડે જ્ઞાન મેળવી તેનો લાભ લઈ લાંબા ગાળા સુધી જંતુનાશક મુક્ત ખેતી કરી શકે છે. નાના ખેડૂતો સુધારેલી માર્કેટિંગ વ્યૂહરચના, પાકમાં વિવિધતા, જંતુનાશક મુક્ત ખેતીનો વધુ અનુભવ મેળવી જોખમમાં ઘટાડો કરી 100 ટકા સલામત શાકભાજી શહેરી માર્કેટમાં વેચી શકે છે.   

        શહેરોની આજુબાજુ શાકભાજીની ખેતી પદ્ધતિઓનો ઉપયોગ કરી જમીનની ફળદ્રુપતા જાળવવામાં આવે છે. તેમાં પાકનું પરિભ્રમણ, સેન્દ્રિય કચરાનું રીસાયકલિંગ, ખનીજતત્વો આપવાં અને જરૂર જણાય તો યાંત્રિક, વાનસ્પતિક કે જૈવિક રીતે જીવાતોનું નિયંત્રણ કરવું વગેરેનો સમાવેશ થાય છે. આધુનિક વિશ્વમાં સજીવ ખેતીનો ઉપયોગ કરી ઘનિષ્ઠ ખેતી પદ્ધતિ અપનાવી ઉત્પાદકતામાં સુધારણા અને ટકાઉપણાને જાળવી રાખવામાં આવે છે. શહેરીજનો મોટે ભાગે તાજાં શાકભાજીનો ઉપયોગ કરે છે. તેમાંયે સલાડ તરીકે ઉપયોગમાં લેવાતા શાકભાજીની માંગ દિન-પ્રતિદિન વધતી જાય છે. ભારત દેશ હવામાન ફેરફારને કારણે ઊભી થયેલ અનિશ્ચિતતાઓનો સામનો કરી રહેલ છે તે જોતાં ભવિષ્યમાં ખેડૂતો માટે નવા શાકભાજીના પાકો અને તેની સુધારેલા ખેતી પદ્ધતિઓ અંગે સંશોધનો કરી શાકભાજીના પાકોની ઉત્પાદકતામાં વધારો કરવો પડશે.  

        કૃષિ અને કુદરતી પર્યાવરણ વચ્ચે કેટલાક પ્રશ્નો ઉદભવેલ છે જે બાબતે કેટલીક મર્યાદાઓ પણ છે. શહેરોની આજુ બાજુના વિસ્તારોમાં થતું પ્રદૂષણ ઓછામાં ઓછુ થાય તે મુજબની ખેતી પદ્ધતિઓ વિકસાવવી જરૂરી છે.

મુશ્કેલીઓ :     

(1) જમીનની પ્રાપ્યતા અને જમીનની માલિકીમાં ઘટાડો થવો.

(2) પાણીની પ્રાપ્યતા અને ગુણવત્તામાં ઘટાડો થવો અને ભૂગર્ભજળ પ્રદૂષિત થવું.  

(3) સંસ્થાકીય ટેકાની ખામી જેમાં નબળી વિસ્તરણ સેવાઓ અને શહેરી નીતિમાં શાકભાજી ઉત્પાદનનો સમાવેશ કરવો.

(4) ધિરાણ મેળવવામાં મુશ્કેલી, ઊંચો ઉત્પાદન ખર્ચ અને ઈનપુટસની પ્રાપ્યતા

(5) નબળી ગુણવત્તા ધરાવતા શાકભાજીનું ઉત્પાદન અને પર્યાવરણીય પ્રદૂષણ

(6) નબળી માર્કેટિંગ સવલતો જેમાં બજાર કિંમતોના જ્ઞાનનો અભાવ અને નબળી સંગ્રહ સવલતો.  

વ્યૂહરચના અને સંભાવનાઓ :

        શહેરી વિસ્તારોમાં શાકભાજીના વપરાશ અને બજાર અંગે ખાસ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. આ માટે પ્રાથમિક ધોરણે શાકભાજીની ગુણવત્તાના ધોરણો પણ નક્કી કરવા જોઈએ. ઘણા ગ્રાહકો ગુણવત્તાને લઈ તેનું મૂલ્ય ચૂકવે છે જેમાં કિંમત, ગુણવત્તાયુક્ત પેકિંગ અને લેબલિંગ વગેરે પણ ધ્યાને લેવામાં આવે છે. આ ઉપરાંત વ્યાપારી તરાહ, ગ્રાહકોની પસંદગીની બાબતો, બજારને હિસ્સો, ઉપયોગીતા, નાશવંતતા, પરિવહન અને ઋતુ મુજબના શાકભાજીની પસંદગી વગેરે બાબતો પણ વિવિધ પ્રકારના ગ્રાહકોના જૂથો ધ્યાને લે છે. બજાર અંગેની વ્યૂહરચના નક્કી કરવા માટે બજારનું વાતાવરણ, શાકભાજીના વિતરણની હરોળ, જથ્થાબંધ વેપારીઓ અને રીટેલર્સ તેમજ નવીન કે સુધરેલી પ્રોડક્ટસ માટે ગ્રાહકોનું વલણ અને પસંદગી વગેરે બાબતો પણ ધ્યાને લેવામાં આવે છે. તેમાં નીચેના બાબતોનો સમાવેશ કરવામાં આવે છે :  

(1) વિતરણ માટેની હરોળોની ઓળખ

(2) વ્યાપારી ક્ષમતાનો નિર્ણય

(3) વ્યાપારી ગુણવત્તા પ્રમાણનોનો વિકાસ

(4) ગ્રાહકની પસંદગી માટેના માપદંડ

(5) બજારનું પરીક્ષણ

        ભવિષ્યમાં શાકભાજીમાં વધુ ઉત્પાદન મળે અને કૃષિ ટકાઉ બને તે માટે અત્રે દર્શાવેલ વિવિધ પ્રકારના નવા અભિગમોનો અમલ કરવો જોઈએ.

(1) શહેરોની આજુબાજુના વિસ્તારોમાં તે વિસ્તારના ખેતહવામાનને અનુકુળ હોય તેવી શાકભાજીની સુધારેલી જાતોનું વાવેતર કરવું જોઈએ કે જે રોગ-જીવાત સામે પ્રતિકારકશક્તિ ધરાવતી કે સહનશીલતા ધરાવતી હોય.  

(2) શહેરોના કચરામાંથી સેન્દ્રિય ખાતરનું ઉત્પાદન કરવું અને તેનો શાકભાજીના પાકોની ખેતીમાં ઉપયોગ કરવો.

(3) સંકલિત જીવાત વ્યવસ્થાપન ઉપર મુખ્ય ભાર મૂકી પર્યાવરણ-મિત્ર પાક સંરક્ષણ પદ્ધતિઓનો ઉપયોગ કરવો.  

(4) શહેરના ગંદા પ્રવાહી કચરામાંના પાણીનો ઉપયોગ કરી સાનુકુળ પિયત વ્યવસ્થા પદ્ધતિનો અમલ કરવો.   


સ્ત્રોત : ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, ડિસેમ્બર 2019


સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com

www.krushikiran.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *