સુરણની વ્યાપારી ખેતી માટે સુધારેલી જાત – સ્વાગત   (Swagata – An improved cultivar of elephant foot yam for commercial cultivation)

                સ્વાગત નામની સુરણની સુધારેલી જાત તેના તાજા વજનના પ્રમાણમાં ગણનાપાત્ર જથ્થામાં સ્ટાર્ચ, ખાદ્ય રેસા, શક્તિ, પ્રોટીન, વિટામિન – એ, આયર્ન, મૅંગેનીઝ, ઝિન્ક અને કેલ્શિયમ ધરાવે છે. તેને રાંધીને ખાવામાં આવે ત્યારબાદ ઉગ્રતા જોવા મળતી નથી. તે 10.53 મિ.ગ્રા પ્રતિ 100 ગ્રામ કેલ્શિયમ ઑક્ઝેલેટ મુજબ ધરાવે છે. આ જાત ખેતરમાં આવતા કોલર રોટ સામે પ્રતિકારકતા ધરાવે છે અને ઘણા ઓછા પ્રમાણમાં ફુગથી થતો સુકારો (ફાયટોપ્થોરા બ્લાઈટ) જોવા મળે છે. કંદનો આકાર લંબગોળ કે અંડાકાર જેવો અને ઉપરની છાલ બદામી રંગની હોય છે. કંદની અંદરનો ભાગ આછા નારંગી રંગ જેવો હોય છે. આ જાત વધુ ઉત્પાદકતા ધરાવતી અને તેમાં ઘણો ઓછો રોગ આવતો હોઈ ગુજરાતના ખેડૂતોએ તેની પ્રશંસા કરી છે. તેની અંદરનો ભાગ ઉગ્રતા વગરનો, રંગે આકર્ષક, મુલાયમી પોત (રચના), સારી સુગંધ, સ્વાદ અને નરમ હોવાથી વધુ પસંદગી પામેલ જાત છે.      

પ્રસ્તાવના :    

        વિકાસ પામતા દેશોમાં કંદમૂળવાળા શાકભાજી વિશ્વને આહારનો પૂરવઠો પૂરો પાડવામાં તેમજ ઘાસચારા તથા ઔદ્યોગિક પ્રોડક્ટ માટે મહત્વના છે. તે ખોરાકમાં કાર્બોહાઈડ્રેટસ પુરા પાડતા ખોરાક તરીકે અને ફીનોલિક કમ્પાઉન્ડસ, સેપોનિન્સ, પ્રોટીન્સ, ગ્લાયકોઆલ્કલોઈડસ, ફાયટિક એસિડ અને હાઈડ્રોક્સીકો ઉમારીન્સ વગેરે જેવા કેટલાક જૈવક્રિયાશીલ તત્વો ધરાવે છે. કંદમૂળવાળા પાકો પૃથ્વીના વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધવાથી થતા ગ્લોબલ વોર્મિંગ અને તેના કારણો થતા હવામાન પરિવર્તન સામે ટકી રહી પ્રતિકુળ જમીન અને હવામાનની પરિસ્થિતિમાં પણ સારૂ વળતર આપે છે. તેની ગણના સ્થાનિક બજાર તેમજ નિકાસ માટેના બજારમાં લે-વેચ પામતા ઉત્તમ રોકડીયા પાક તરીકે થાય છે. વિશ્વમાં આફ્રિકા, એશિયા અને દક્ષિણ અમેરિકા ખાતે આવેલા વિષુવવૃત્તીય વિસ્તારોમાં કંદમૂળવાળા શાકભાજી થાય છે. જેમાં ટેપિઓકા, શક્કરીયાં, બટાટા, રતાળુ, સુરણ અને અળવી વગેરે મુખ્ય છે.

        સુરણ એ વાનસ્પતિક રીતે વર્ધન પામતો કંદમૂળનો પાક છે જે તેની ઊંચી ઉત્પાદન ક્ષમતા, ઊંચું વળતર, ઊંચી આવરદા અને શાકભાજીમાં વાનગી તરીકે વપરાશ વગેરે બાબતોને કારણે તેની ખેતી અપનાવી વિશેષ લાભો મેળવી ભાવિને ઉજ્જવળ કરી શકાય તેમ છે. તેના કંદ વધુ શક્તિ આપે છે એટલું જ નહિ તેના કંદ પૉટેશિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ, આયર્ન, મૅંગેનીઝ, ઝિન્ક, એન્ટિઓક્સીડેન્ટસ અને ફ્લેવોનોઈડસથી પણ સમૃદ્ધ છે. તેના કંદ લોહીને શુદ્ધ કરવાના ગુણો ધરાવે છે તેમજ તે મસા, પાઈલ્સ, દમ (અસ્થમા), મરડો અને પાચનતંત્રના અન્ય રોગોની સારવારમાં દવા તરીકે ઉપયોગમાં લેવાય છે. તેના કંદ ઊંચા પ્રમાણમાં ખાદ્ય રેસા અને ઓછો ગ્લાયસેમિક આંક ધરાવતા હોઈ હ્રદયના રોગો તેમજ ડાયાબીટીસની સારવારમાં ઉત્તમ ખોરાક તરીકે વપરાય છે. તે ઉત્તમ પ્રમાણમાં ઓમેગા ફેટી એસિડસ ધરાવતા હોઈ શરીરમાં સારા કોલેસ્ટીરોલના સ્તરને જાળવી રાખવામાં મદદ કરે છે. તે ઓછા પ્રમાણમાં આવશ્યક ફેટી એસિડસ દરાવતા હોઈ મોટાપાના અને તેને લગતા રોગો થવાના જોખમમાં ઘટાડો કરે છે.

        ભારતમાં સુરણનો પાક પરંપરાગત રીતે કેરાલા, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, બિહાર, ગુજરાત અને ઝારખંડ વગેરે રાજ્યોમાં થાય છે. દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને ડાંગ જીલ્લો અને તેની આસપાસ પહાડી વિસ્તારોમાં સુરણ, રતાળુ, શક્કરીયાં અને અળવી વગેરે કંદમૂળવાળા પાકો થાય છે. આ બાબત ધ્યાને લઈ તે વિસ્તારમાં થતી સુરણની સ્થાનિક જાતો તથા દેશના અન્ય ભાગોમાં થતી જાતોના જર્મપ્લાઝમ એકત્ર કરી નવસારી કૃષિ યુનિવર્સિટીએ તેની ચકાસણી કરી સુરણનો પાક સુધારણા કાર્યક્રમ ઘડીને આદિવાસી વિસ્તારના તેમજ સમગ્ર ગુજરાતના ખેડૂતો માટે એક સુરણની સારી જાત વિકસાવવાની કામગીરી હાથ ધરેલ. આ કાર્યક્રમ થકી ગુજરાતમાં ગાંધીનગર ખાતે 51 મી સ્ટેટ સીડ સબ-કમિટીમાં સુરણની નવી વિકસાવેલ જાત ‘સ્વાગત’ ના નામે બહાર પાડવામાં આવી છે.

સ્વાગત જાતની વિશેષતાઓ :      

        આ જાતની વધુમાં વધુ વાનસ્પતિક ઊંચાઈ 94.96 સે.મી. અને તેના સાંઠાનો ઘેરાવો 11.75 સે.મી. જેટલો અને છોડનો પૂર્વ-પશ્ચિમ ફેલાવો 92.90 સે.મી. તથા ઉત્તર-દક્ષિણ ફેલાવો 90.21 સે.મી. અને કંદનો ચકરાવો 52.56 સે.મી. જેટલો હોય છે. આ જાતમાં 50 ટકા અંકુરણ થવા માટે 23.67 દિવસનો સમય લાગે છે.

(ક) ઉત્પાદનની દ્રષ્ટિએ :  

        આ જાત મધ્યમ પાકતા જૂથમાં આવે છે. ગુજરાતના વિવિધ ભાગોમાં રોપણી બાદ 170 થી 180 દિવસ બાદ તેના કંદ ખોદીને તાજાં જ વપરાશમાં લેવામાં આવે છે. આ જાતના કંદનું સરેરાશ વજન 1706.12 ગ્રામ એટલે કે 1.71 કિ.ગ્રા. હોય છે. વિવિધ સ્થળોએ સને 2016-17 થી 2019-20 દરમ્યાન યોજેલ અખતરાઓના ચાર વર્ષ પછી ચકાસણી કરીને એનઈએફવાય – 7 (NEFY – 7) જાત ને ‘સ્વાગત’ ના નામે બહાર પાડવામાં આવી. આ જાતે સરેરાશ હેક્ટરદીઠ 44.84 ટન ઉત્પાદન આપેલ છે જે રાષ્ટ્રીય કક્ષાએ પ્રચલિત ગજેન્દ્ર જાત કરતાં 26.10 ટકા વધારે છે તેમજ તે ચિખલી સ્થાનિક જાત કરતાં 18.91 ટકા ચઢિયાતી માલૂમ પડી છે.

(ખ) ગુણવત્તાની દ્રષ્ટિએ :

          આ જાત તાજા વજનમાં સ્ટાર્ચ (17.89 ટકા), ખાદ્ય રેસા (1.34 મિ.ગ્રા./100 ગ્રા.મ.) ઊર્જા (133 કિલોકેલેરી), પ્રોટીન (1.80 ટકા), વિટામિન-એ (20 આઈયુ), આયર્ન (8.40 પીપીએમ), મૅંગેનીઝ (11 પીપીએમ), ઝિન્ક (41 પીપીએમ) અને કેલ્શિયમ (0.3 ટકા) વગેરે પ્રસંશનીય પ્રમાણમાં ધરાવે છે. તેને રાંધીને ખોરાકમાં લીધા બાદ કોઈ ઉગ્રતા (acridity) જોવા મળતી નથી (10.53 મિ.ગ્રા. પ્રતિ 100 ગ્રામ કેલ્શિયમ ઓક્ઝેલેટ). તેને 20 મિનિટ પાણીમાં ઉકાળતાં તે સંપૂર્ણ પણે નરમ બને છે. સુરણના કંદના                ટુકડા કરી રાંધ્યા બાદ તેની સંવેદનાત્મક ગુણવત્તા કસોટીમાં તેનો આંક નવ પોઈન્ટ હેડોનિક સ્કેલમાં 7.75 (ખૂબ ગમે તેવો – Liked very much) આંક પ્રાપ્ત કરેલ છે.

(ગ) રોગ પ્રતિકારક ગુણ :  

        આ જાતમાં ફાયટોપ્થોરા ફુગથી થતો સુકારા રોગની તીવ્રતા 0-5 સ્ટાન્ડર્ડ સ્કેલમાં નોંધાયેલ હતી અને ઘણા જ નહિવત પ્રમાણમાં રોગ જોવા મળ્યો હતો. આ જાતમાં કોલર રોટ રોગની તીવ્રતા 1.5 સ્ટાન્ડર્ડ સ્કેલમાં નોંધાયેલ હતી અને ગુજરાત રાજ્યની સ્થિતિમાં રોગપ્રતિકારક જણાયેલ હતી.

સારાંશ :

        ગુજરાત રાજ્યના ખેડૂતોને આ સ્વાગત જાત વધુ પસંદ પડેલ છે જેનુ કારણ તેની વધુ ઉત્પાદકતા અને તેમાં આવતા નહિવત રોગ છે. ગુજરાતના ગ્રાહકોને તે આકર્ષક રંગ, સુંવાળો માવો, સારી સુગંધ, સ્વાદ, નરમતા અને ઉગ્રતા નહિ હોવાને વધુ પસંદગી પામેલ છે.  


સ્ત્રોત : ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, એપ્રિલ 2023


સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com

www.krushikiran.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *