ભારત દેશ વિવિધ પ્રકારની ખેત હવામાન પરિસ્થિતિઓ ધરાવે છે જેથી પ્રદેશ અને ઋતુ પ્રમાણે વિવિધ શાકભાજીની જરૂરિયાત મુજબ ખેતી કરવામાં આવે છે. સને 2000-2001 દરમ્યાન 63 લાખ હેક્ટર વિસ્તારમાંથી 939 લાખ ટન શાકભાજીનું ઉત્પાદન મળેલ જે માટે મુખ્યત્વે પરંપરાગત પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવેલ અને તેના પરિણામે પાકની ઓછી ઉત્પાદકતા મળેલ. તેથી શાકભાજીનું ઊંચુ ઉત્પાદન અને ઉત્પાદકતા મેળવવા માટે શાકભાજીની સંરક્ષિત અને ઑફ-સીઝનમાં (ઋતુ સિવાય) ખેતી કરવી જરૂરી છે જેથી ખેડૂતોની આવકમાં વધારો કરી શકાય.
દબાણપૂર્વક શાકભાજીની ખેતી (વેજીટેબલ ફોર્સિંગ) એટલે સામાન્ય વાવેતરની ઋતુના સમય સિવાયના સમયમાં નેટહાઉસ, ગ્રીનહાઉસ, ગ્લાસહાઉસ અથવા અન્ય કોઈ કૃત્રિમ પરિસ્થિતિમાં શાકભાજીનો ઉછેર કરવો. સંરક્ષિત માળખાનો ઉપયોગ કરી ગરમ વિસ્તારોમાં તાપમાન ઓછું રાખીને અથવા ઉષ્ણ કટીબંધીય હવામાનમાં ઊંચા તાપમાનથી રક્ષણ આપી શકાય છે.
ઉનાળુ શાકભાજીને શિયાળાના મહિનાઓ દરમ્યાન નદી કિનારે ક્યારા બનાવી સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરી દબાણપૂર્વક શાકભાજીની ખેતી કરી શકાય છે. કેટલીક વાર નાના સંરક્ષિત માળખાનો ઉપયોગ કરી ટામેટી કે રીંગણીના બીનું અંકુરણ કરી વહેલું ધરૂ મેળવવામાં આવે છે.
વેજીટેબલ ફોર્સિંગ એ એક આધુનિક પદ્ધતિ છે જે ખેડૂતને ઊંચો નફો અને વર્ષ દરમ્યાન જરૂરિયાત મુજબ ગમે તે સમયે ગ્રાહકને શાકભાજી પૂરૂ પાડી સંતોષ આપી શકાય છે.
વેજીટેબલ ફોર્સિંગના લક્ષણો :
(1) પરંપરાગત શાકભાજીની ખેતીની સરખામણીએ ઉત્પાદન ખર્ચ ઊંચો આવે છે.
(2) આ પદ્ધતિમાં મોટા ખાસ પ્રકારના સંરક્ષિત માળખાઓની જરૂર પડે છે.
(3) આ એક ઘનિષ્ઠ પદ્ધતિ છે.
(4) ઑફ સીઝનમાં શાકભાજીની ખેતી કરવા માટે ખેડૂતે ખાસ પ્રકારનું જ્ઞાન અને કુશળતા પ્રાપ્ત કરવી જરૂરી છે.
(5) આ પદ્ધતિમાં કૃત્રિમ રીતે પર્યાવરણનું નિયંત્રણ કરવામાં આવે છે.
(6) ટામેટી, કાકડી, વટાણા અને શતાવરી જેવા શાકભાજીના પાકો વેજીટેબલ ફોર્સિંગના ઉદાહરણ છે.
ઑફ સીઝનમાં શાકભાજીનું ઉત્પાદન મેળવવાની વિવિધ રીતો :
ઑફ સીઝનમાં શાકભાજીની ખેતી કરવાનો મુખ્ય હેતુ શાકભાજીનું ઉત્પાદન કરી બજારમાં તેની અછત હોય તે સમયે તેનો પૂરવઠો પહોંચાડવાનો છે. ઓફ સીઝનમાં વિવિધ રીતોનો ઉપયોગ કરી શાકભાજીની ખેતી કરી શકાય છે. ખેડૂત વિવિધ ખેત હવામાન પરિસ્થિતિનો ઉપયોગ કરી શકે છે. આ માટે વધુ ઉત્પાદકતા ધરાવતી સુધારેલી જાતોનો ઉપયોગ કરી શકાય છે. પાકની જરૂરિયાત મુજબ તેના વાવેતરની ગોઠવણ કરી પાક પુખ્ત થયે તેનું ઉત્પાદન મેળવી શકાય છે. પ્લાસ્ટિક ટનલ્સ, પોલીથીન હાઉસ અને કાયમી ગ્લાસ હાઉસ વગેરેનો ઉપયોગ કરી નિયંત્રિત પર્યાવરણની પરિસ્થિતિ પેદા કરી શકાય છે. ભારતમાં ઑફસીઝનમાં વપરાતી શાકભાજી ઉછેરની પદ્ધતિઓ અત્રે દર્શાવેલ છે.
(1) કુદરતી પદ્ધતિ : ખુલ્લા ખેતરોમાં ઑફ સીઝનમાં શાકભાજીની ખેતી
આ પદ્ધતિમાં વિવિધ કુદરતી પ્રક્રિયાઓનો સમાવેશ કરવામાં આવે છે જેવા કે, રોપણી અને વાવણી સમયની ગોઠવણ, નદી કિનારાની જમીન અને વિવિધ ખેત હવામાન પરિસ્થિતિ વગેરે. ડુંગળી અને બટાટાનું કુદરતી રીતે આ પદ્ધતિ વડે વાવેતર કરવામાં આવે છે. હિમાચલ પ્રદેશ, ઉટી અને ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં કોલીફ્લાવર, કોબીજ, મૂળા, લીલા પાંદડાંવાળાં શાકભાજી અને વટાણાની ઉનાળુ અને ચોમાસુ ઋતુમાં ખેતી કરી ખેડૂતો તેની પેદાશ દહેરાદૂન, દિલ્હી અને ચંદીગઢના બજારમાં પહોંચાડે છે.
ડિસેમ્બર થી જૂન દરમ્યાન નદી કિનારાએ ક્યારાઓ બનાવી રેતાળ જમીનમાં કારેલી અને દૂધીનું મુખ્ય પાક તરીકે વાવેતર કરવામાં આવે છે. પૂરના કારણે સતત કાંપ ઠરતો હોય તેવી ડીયારા જમીનમાં મુખ્ય પાક તરીકે પરવળની ખેતી કરવામાં આવે છે.
(2) ઑફ સીઝનમાં શાકભાજીની સંરક્ષિત ખેતી :
સંરક્ષિત પર્યાવરણીય સ્થિતિમાં શાકભાજીની ખેતી કરવા માટે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ થાય છે જેમાં નેટહાઉસ, ગ્લાસહાઉસ, ગ્રીનહાઉસ, પોલીહાઉસ, મલ્ચિંગ, લાકડાના પાટીયાનું ઘર (લાથ હાઉસ) પોલીહાઉસ, પ્લાસ્ટિક ટનલ, હોટ બેડસ, કોલ્ડ ફ્રેમ્સનો સમાવેશ થાય છે.
ભારતની દ્રષ્ટિએ વેજીટેબલ ફોર્સિંગનું મહત્વ :
અછતની પરિસ્થિતિમાં અન્નની સલામતી પુરી પાડવાની ખાતરી વેજીટેબલ ફોર્સિંગ આપે છે. વેજીટેબલ ફોર્સિંગની મદદ વડે મોસમી રોજગારને પ્રોત્સાહન આપી શકાય છે. ભારત એ કૃષિપ્રધાન દેશ હોઈ ખેડૂત કુટુંબોમાં બેરોજગારીનો પ્રશ્ન ઘણીવાર સતાવે છે જેથી ઑફ સીઝનમાં શાકભાજીનો ઉછેર કરી ખેડૂતોની આવકમાં વધારો કરી શકાય છે.
આસામની બરાક વેલીમાં મુખ્યત્વે પરંપરાગત રીતે ખેતી અને સ્થાનિક સંસાધનો, જ્ઞાન, મજૂર અને પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. તે વરસાદ આધારિત વિસ્તાર છે અને 95 ટકા ખેડૂતો નાના અને સીમાંત પ્રકારના અને ખેતી ઉપર નભે છે. ત્યાંના ખેડૂતો ઘણા સમયથી નદી કિનારાએ ક્યારાઓ બનાવી શાકભાજીની ખેતી કરે છે. જે એક પ્રકારની વેજીટેબલ ફોર્સિંગ ખેતી પદ્ધતિ છે જેના ધ્વારા આજીવિકા મેળવી પોતાનું જીવન ટકાવે છે. નદી કિનારાએ ક્યારા બનાવી ઉત્પાદન લેવાની પદ્ધતિનું ભાવિ, મુશ્કેલીઓ અને ઘરગથ્થુ આવકનો અભ્યાસ કરવામાં આવેલ. આ અભ્યાસમાં જાણવા મળેલ કે એક વીઘા (1330 ચો.મી.) વિસ્તારમાં આવક ખર્ચ ગુણોત્તર 2.35 હતો. જો ખેડૂતોએ યોગ્ય વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ અને વધુ ઉત્પાદન આપતી જાતોનો ઉપયોગ કર્યો હોત તો આથી પણ વધુ ચોખ્ખો નફો મળી શક્યો હોત.
ભારતમાં વેજીટેબલ ફોર્સિંગની મુશ્કેલીઓ :
ભારતમાંના મોટા ભાગના ખેડૂતો નાના અને સીમાંત પ્રકારના એટલે કે ઓછી જમીન ધરાવતા હોઈ શાકભાજીના ઉત્પાદન માટેનો ખર્ચ વધારે આવે છે. પરંપરાગત ખેતી પદ્ધતિની સરખામણી કરતાં તેમાં પ્લાસ્ટિક હાઉસનો બાંધકામનો ખર્ચ વધુ થાય છે. વેજીટેબલ ફોર્સિંગમાં સફળતાપૂર્વક શાકભાજી ઉછેરવા માટે મોંઘા બિયારણો અને ઊંચી તાંત્રિક કુશળતાની જરૂર પડે છે. વેપારી ધોરણે વેજીટેબલ ફોર્સિંગ શક્ય છે કે જ્યાં માર્કેટિંગનો પ્રશ્ન નથી. પાકને ઉગાડ્યા બાદ સફળતાપૂર્વક ઉત્પાદન લેવા માટે મજબૂત નિરીક્ષણની જરૂર રહે છે. સામાન્ય ઋતુમાં ઉત્પાદન અથવા પરંપરાગત પદ્ધતિ કરતાં વેજીટેબલ ફોર્સિંગમાં ઊંચા સ્તરની કુશળતા જરૂરી છે. તેમાં રોગ અને જીવાતનો ચેપ લાગવાની શક્યતા વધુ ખતરનાક બાબત છે. અન્ય પણ કેટલીક મુશ્કેલીઓને કારણે મર્યાદિત ખેડૂતો ઑફ સીઝનમાં શાકભાજીની ખેતી કરે છે. વેજીટેબલ ફોર્સિંગમાં સુધારેલી ખેતી માટેની ટેકનોલૉજીનો સતત ટેકો મળી ન રહેવાને કારણે આ પદ્ધતિ ભારતમાં ખેડૂતોમાં ખ્યાતિ પામેલ નથી જે એક આંચકા સમાન બાબત ગણાય. આ ઉપરાંત શાકભાજીના પેકિંગ માટે પૂરતું મટીરિયલ ઉપલબ્ધ નથી અને ખેડૂતો બજાર વિષયક માહિતી સહેલાઈથી મેળવી કે શોધી શક્તા નથી. વેજીટેબલ ફોર્સિંગને પાક વીમા હેઠળ આવરી લેવામાં આવેલ ન હોવાથી ખેડૂતો આ પદ્ધતિ અપનાવવાથી દૂર રહે છે. ઘણીવાર તેના ઉત્પાદનનો વિસ્તાર અસંગઠીત બજાર હેઠળ આવે છે. વધુમાં બજાર અંગેનું શિક્ષણ અને વિસ્તરણ સેવાઓની પણ ઉણપ છે.
ઑફસીઝનમાં શાકભાજી ઉછેરવાની તકો :
ઑફ સીઝનમાં શાકભાજી ઉછેરવાની ખેડૂતો અને વેપારીઓને નિકાસ માટેની તકો પુરી પાડે છે જે વર્તમાનમાં સ્થાનિક, પ્રાદેશિક કે વિશ્વ કક્ષાએ વેપાર કરતા ટ્રેડર્સને આવી તકો મળતી નથી. તે નિકાસકર્તાઓ અને હિસ્સેદારોને તકો પુરી પાડે છે. આજે જ્યારે જમીનની અછત છે ત્યારે વેજીટેબલ ફોર્સિંગ પદ્ધતિ અપનાવવી એ એક વિકલ્પ છે. ઑફ સીઝનમાં કોબીજ, કોલીફ્લાવર, કેપ્સિકમ, ટામેટી, રીંગણી, કાકડી, કોળુ, તડબૂચ, કારેલી, લીલા વટાણા, સ્વિસ ચાર્ડ, બિન્સ, લસણ, મરચી, ડુંગળી વગેરે શાકભાજીના પાકો લઈ શકાય છે.
ઑફ સીઝનમાં શાકભાજી ઉછેરવાની સલાહ :
(1) જે કોઈ વ્યક્તિ ઑફ સીઝનમાં શાકભાજીની ખેતીનું આયોજન કરવા માગતો હોય તેને શાકભાજીની ખેતી બાબતે પુરતું પ્રત્યક્ષ જ્ઞાન હોવું જોઈએ.
(2) ઑફ સીઝનમાં શાકભાજીની ખેતી કરવાની હોય તે જમીનની ચકાસણી કરવી જોઈએ જેથી જમીનની ગુણવત્તા બાબતે જાણકારી મેળવી શકાય.
(3) ચોક્કસ રીતે ખેતીની તાલીમ મેળવવી જોઈએ.
(4) બિયારણની પસંદગી એ મહત્વની બાબત છે કારણ કે તેના ઉપર પાક ઉત્પાદકતાનો આધાર રહેલો છે.
(5) ખેડૂતો પ્લાસ્ટિક શીટ હેઠળ છોડ ઉછેરી પાકની ખેતી કરતા હોય તો આવા છોડ પ્લાસ્ટિક શીટ હેઠળ પરાગનયનની ક્ષમતા ધરાવતા હોવા જોઈએ તે બાબતે ખાતરી કરી લેવી.
(6) ઊંચી માંગ અને ઊંચો નફો આપે તેવા શાકભાજી ઉછેરવા જોઈએ કે જેથી તેના પરિણામ રૂપે ઊંચુ વળતર મળે.
વેજીટેબલ ફોર્સિંગ અપનાવવાથી ખેડૂતોને થતા લાભો :
વેજીટેબલ ફોર્સિંગ ખેડૂતને આખુ વર્ષ કાર્યરત રાખે છે જે બેરોજગારીના પ્રશ્નને હલ કરવામાં મદદ કરે છે. ખેડૂતો ચોક્કસ શાકભાજી ઉત્પાદનની પદ્ધતિઓનો અભ્યાસ કરી પોતાના જ્ઞાન અને ઉત્સાહમાં વધારો કરી શકે છે. તેનાથી ખેડૂતોનો વિશ્વાસ વધતાં શાકભાજીની ખેતી એક મુખ્ય વ્યવસાય બને છે.
સારાંશ :
ઑફ સીઝનમાં ખેતી કરવી એ એક ઉત્તમ વિકલ્પ છે કે જેના વડે ખેતીની આવકમાં વધારો કરી જે તે પ્રદેશની અન્ન, પોષણ અને પરિસ્થિતિકીય સલામતી પેદા કરી તેમજ ગરીબાઈને દૂર કરી શકાય છે. વેજીટેબલ ફોર્સિંગ ધ્વારા ખેડૂતો અછતના સમયે શાકભાજીનું ઉત્પાદન કરી તેનો પૂરવઠો બજારમાં પહોંચાડી લાભ મેળવી શકે છે. તે વધુ અસરકારક રીતે જમીનનો ઉપયોગ કરવામાં મદદ કરે છે. તે આખુ વર્ષ ખેડૂતને કાર્યરત રાખી બેરોજગારીનો પ્રશ્ન હલ કરવામાં અને પોષણદાયી આહારના મૂલ્યમાં વધારો કરે છે, સંરક્ષિત સ્થિતિમાં મુખ્યત્વે પાકની ખેતી થતી હોવાથી પાકને ઘણું ઓછું નુક્સાન થાય છે. પ્રતિકુળ વાતાવરણમાં પણ ઓફ સીઝન શાકભાજીની ખેતી કરી પાક ઉત્પાદન મેળવી શકાય છે. આ પદ્ધતિ વડે એકમ વિસ્તારમાંથી અનેકગણું ઉત્પાદન અને વધુ ભાવ મેળવી શકાય છે.
સ્ત્રોત : ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, મે – 2023
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in

