એક વર્ષમાં 3 થી 4 વખત બેબી કોર્નનો પાક લઈ શકાય છે જેની ભારત દેશમાં વપરાશ અને નિકાસ માટેની વિશાળ તકો રહેલી છે. વિશ્વમાં થાઈલેન્ડ એ બેબીકોર્નનું મુખ્ય ઉત્પાદન અને નિકાસકર્તા દેશ છે જ્યારે ભારત બેબી કોર્નનું ઉત્પાદન અને નિકાસ કરતા દેશની ક્ષમતા ધરાવે છે. બેબી કોર્નનું ઉત્પાદન માટે ભારતમાં જમ્મુ, સામ્બા અને કઠુઆ જેવા પ્રદેશો ઓછા ખર્ચે બેબી કોર્નનું ઉત્પાદન આપે તેવા છે. તે ટુંકા ગાળાએ થતો પાક હોઈ તેની ઘનિષ્ઠ ખેતી અપનાવીને બેબી કોર્નનું ઊંચું ઉત્પાદન અને વધુ નફો મેળવી શકાય છે.
તેનું વ્યાપારી ધોરણે ઉત્પાદન કરવા માટે લોમ થી રેતાળ ક્લે લોમ પ્રકારની જમીન કે જેની નિતારશક્તિ સારી હોય તેવી જમીન અને પિયતની સગવડતા હોવી જરૂરી છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્રો ખાતે યોજવામાં આવેલ અગ્રહરોળ નિદર્શનોમાં પરંપરાગત ખેતીની સરખામણીએ બેબી કોર્નનો ખેતી નફાકારક જણાયેલ છે.
બેબી કોર્નનું પોષણ મૂલ્ય :
બેબી કોર્ન એ સ્વાદિષ્ટ, સુશોભિત અને પોષણદાયી તેમજ કોલેસ્ટીરોલ વિનાનું શાકભાજી છે. તે ઓછી કેલેરી ધરાવતું અને રેસાથી સમૃદ્ધ શાકભાજી છે. એક બેબી કોર્નને એક ઈંડા જેટલા ખનીજતત્વો સાથે સરખામણી કરી શકાય. આ એક એવું શાકભાજી છે કે જે જંતુનાશકોના અવશેષોથી મુક્ત છે. બેબીકાર્ન કોઈપણ પ્રકારના રોગ- જીવાતથી મુક્ત છે અને કેટલાક ઊંચા મૂલ્ય ધરાવતા શાકભાજી સાથે તેની પોષણ મૂલ્ય સાથે સરખામણી કરી શકાય છે. બેબી કોર્નની ઊંચી રસાળતા, પાચ્યતા અને સ્વાદિષ્ટતાને કારણે તેને આદર્શ ઘાસચારા પાક પણ કહે છે અને તેનો ઘાસચારા તરીકે ઉપયોગ વિકાસના ગમે તે તબક્કે કરી શકાય છે. તેનો લીલો ચારો દુગ્ધવર્ધક ગુણો ધરાવતો હોઈ ખાસ કરીને દુધાળ પશુઓ માટે વધુ અનુકુળ છે.
બેબી કોર્નની ઉત્પાદન પદ્ધતિ :
બેબી કોર્નને વર્ષ દરમ્યાન ગમે ત્યારે ઉગાડી શકાય છે પરંતુ ઋતુ પ્રમાણે તેના વિકાસ અને ઉત્પાદનમાં વિવિધતા જોવા મળે છે. બેબી કોર્નનું વાવેતર પ્રાથમિક પાક અને દ્વિતીય પાક તરીકે એમ બે રીતે કરી શકાય છે. પ્રાથમિક રીતમાં બેબી કોર્નનું ઉત્પાદન લેવા માટે બીની રોપણી કરવામાં આવે છે જ્યારે બીજી પદ્ધતિમાં જાત પસંદ કરી સ્વીટ કોર્ન અથવા ફિલ્ડ કોર્નનું ઉત્પાદન લેવામાં આવે છે. આ પદ્ધતિમાં ટોચના ભાગે આવેલ સ્વીટ કોર્ન અથવા ફિલ્ડ કોર્નને પાક્ટ થવા દેવામાં આવે છે જ્યારે બાકીના ભાગે આવેલ ડૂંડીઓને સ્વીટ કોર્ન માટે છોડ પરથી કાપણી કરવામાં આવે છે.
બેબી કોર્નના ફાયદાઓ :
(1) વૈવિધ્યકરણ : આ પાકનું આખા વર્ષ દરમ્યાન વાવેતર કરી શકાય છે. આખા વર્ષ માટે પ્રોત્સાહજનક પાક છે.
(2) રોજગાર સર્જન : તે ખેતી, માર્કેટિંગ, પ્રોસેસિંગ અને નિકાસ વગેરે રોજગારીની તકો પુરી પાડે છે.
(3) ટુંકા સમયમાં નાણાંની પ્રાપ્તિ : સામાન્ય રીતે ખેડૂતોએ પાકમાંથી નાણાં મેળવવા માટે લાંબા સમયની રાહ જોવી પડે છે પરંતુ આ ટુંકા સમયમાં થતો પાક હોઈ શક્ય તેટલા ટુંકા ગાળે નાણાંની પ્રાપ્તિ થાય છે.
(4) નિકાસ માટેની ક્ષમતા : આંતરરાષ્ટ્રીય બજારમાં બેબી કોર્નની ઊંચી માંગ છે તેથી બેબીકોર્ન અને તેની બનાવટોની નિકાસ કરી સારૂ એવા વિદેશી હૂંડિયામણની કમાણી કરી શકાય છે.
(5) પશુઓ માટે ગુણવત્તાયુક્ત ચારો : આમા વર્ષ દરમ્યાન બેબી કોર્નનું વાવેતર કરી દુધાળ પશુઓને તેનો લીલો ચારો આપી શકાય છે.
(6) મૂલ્ય વર્ધન : સુપ, પકોડા, સલાડ વગેરે વિવિધ બનાવટો બનાવી બેબી કોર્નનું મૂલ્ય વર્ધન કરી શકાય છે.
(7) પ્રોસેસિંગ : બેબી કોર્નની ડબાબંધી, સુકવણી અને ફિઝિંગ જેવી પ્રોસેસ કરીને તેની આવરદા વધારી શકાય છે અને આખુ વર્ષ તેને પ્રાપ્ત બનાવી શકાય છે.
હાઈબ્રિડ બેબી કોર્નનું પોષણ મૂલ્ય
| ક્રમ | પોષકતત્વોની વિગત | પ્રમાણ (100 ગ્રામમાં) |
| 1 | ભેજ | 7.37 ગ્રામ |
| 2 | ક્રુડ પ્રોટીન | 10.04 ગ્રામ |
| 3 | ક્રુડ ચરબી | 4.43 ગ્રામ |
| 4 | ક્રુડ ફાયબર | 2.40 ગ્રામ |
| 5 | રાખ | 1.34 ગ્રામ |
| 6 | કુલ કાર્બોહાઈડ્રેટસ | 81.97 ગ્રામ |
| 7 | એનર્જી | 375.67 કિ.કેલેરી |
| 8 | કુલ દ્રાવ્ય સુગર | 0.14 ગ્રામ |
| 9 | કેલ્શિયમ | 17.76 મિ.ગ્રા. |
| 10 | ફોસ્ફરસ | 197.89 મિ.ગ્રા. |
| 11 | આયર્ન | 2.73 મિ.ગ્રા. |
અનુકુળ જાતોની પસંદગી :
ટુંકા ગાળાની, વિપુલ પેદાશ આપનાર, સિંગલ ક્રોસ ધરાવતી અને મધ્યમ ઊંચાઈવાળી જાત પસંદ કરવી. બેબી કોર્નના ઉત્પાદન માટે એચએમ-4 નામની સંકર જાત વધુ અનુકુળ છે. આ જાત ઉત્તર પશ્ચિમ ભારતના ઉપોષ્ણ કટીબંધીય વિસ્તારોમાં સારૂ ઉત્પાદન આપે છે.
બેબી કોર્નની બનાવટો (રેસીપી) :

મૂલ્ય વર્ધન માટે બેબી કોર્નની વિવિધ બનાવટો બનાવવાની રેસીપી વિવિધ સંસ્થાઓ ધ્વારા વિકસાવવામાં આવી છે જેમાં બેબી કોર્ન ટામેટો સુપ, બેબી કોર્ન વેજીટેબલ સુપ, બેબી કોર્ન ચટની, બેબી કોર્ન કટલેટ, બેબી કોર્ન મીક્સ વેજીટેબલ્સ, બેબી કોર્ન મસાલા, બેબી કોર્ન મન્ચુરીયન, બેબી કોર્ન ચીલી, બેબી કોર્ન મુરબ્બા, બેબી કોર્ન બરફી, બેબી કોર્ન હલવો, બેબી કોર્ન ખીર વગેરેનો સમાવેશ થાય છે.
બેબી કોર્ન પાકને અપનાવવામાં પડતી મુશ્કેલીઓ :
આંતરરાષ્ટ્રીય બજારમાં તેની માંગમાં થતો વધારો અને સારૂ આર્થિક વળતર મળવા છતાં ભારતમાં બેબી કોર્નનું વાવેતર પ્રખ્યાત બનતું નથી તેના કેટલાક કારણો અત્રે દર્શાવેલ છે :
(1) ગુણવત્તાયુક્ત બિયારણની પ્રાપ્યતા ઓછી છે.
(2) તેના ઉપયોગ અને સ્વાદ અંગે સામાન્ય માણસોને પુરતી જાણકારી નથી.
(3) પ્રોસેસિંગ માટેની સવલતોનો અભાવ છે.
(4) ગ્રામ્ય વિસ્તારોમાં બજારની સવલતો નથી.
સ્ત્રોત : ઈન્ડિયન ફાર્મર્સ, સપ્ટે.-ઓક્ટો. 2024
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in

