રામ કારેલા એ ઔષધિય, વર્ષાયુ, ઝડપથી ઉગતી 3 થી 5 મીટર લાંબી કુકરબીટેસી કુટુંબની વેલ છે. તેનું મુળ વતન દક્ષિણ અમેરિકા છે. તેની દક્ષિણ અમેરિકા, મધ્ય અમેરિકા અને મેક્સિકોના પહાડી વિસ્તારોમાં ઘર આંગણે તેનું વાવેતર કરી સ્થાનિક રીતે ઉપયોગ કરવામાં આવે છે. તેનું મર્યાદિત પ્રમાણમાં નેપાળ, ચીન, તાઈવાન અને ભારતના કેટલાક વિસ્તારોમાં વાવેતર થાય છે. પશ્ચિમ અને પૂર્વ હિમાલયના વિસ્તારોને આવરી લેતા ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને ઉત્તર પૂર્વના રાજ્યોમાં ઘણા ઓછા પ્રમાણમાં રામ કારેલાનું વાવેતર થાય છે.
રામ કારેલાનું વૈજ્ઞાનિક નામ સાયક્લાન્થેરા પેડાટા (Cyclanthera pedata) છે. રામ કારેલા ગઢવાલ અને કુમાઉના વિવિધ ભાગોમાં કંકોડા, મીઠા કારેલા, ગજકારેલા, ઘુંઘડી વગેરે નામે જાણીતા છે. તેને અંગ્રેજીમાં સ્ટફિંગ કુકુમ્બર (Stuffing cucumber) અથવા સ્લીપર ગોર્ડ (Slipper gourd) કહે છે. રામ કારેલાનું ફળો માટે વાવેતર થાય છે. તેના ફળો કાચાં કે રાંધીને શાકભાજી તરીકે ખવાય છે. ફળો કાકડી જેવી સુગંધ ધરાવે છે પણ ક્રન્ચી હોતા નથી. તેના ફળોના પોલાણમાં મસાલો ભરી શાક બનાવાતું હોઈ તેને અંગ્રેજીમાં સ્ટફિંગ કુકુમ્બર કહે છે. છોડના બી અને ફળોનો ઉપયોગ આરોગ્યને લગતી વિવિધ મુશ્કેલીઓના નિવારણ માટે થાય છે પરંતુ મોટે ભાગે તે ઊંચું લોહીનું દબાણ અને લોહીમાંના કોલેસ્ટીરોલના ઊંચા સ્તર માટે વપરાય છે. રામ કારેલાના ફળો અને બીજ કુકુરબિટાસીનથી સમૃદ્ધ છે. આ પાકથી લોકો અજાણ છે અને તેનું વેપારી ધોરણે વાવેતર થતું નથી.
છોડનું વર્ણન :
રામ કારેલા એ એક પ્રકારની સારી વધતી વર્ષાયુ વેલ છે જેની લંબાઈ 12 મીટર સુધી થઈ શકે છે. તેનું થડ પાતળુ હોય છે અને પાન કારેલા જેવા 8 થી 24 સે.મી. નો વ્યાસ ધરાવે છે. તેના ફૂલો નાનાં અને સફેદથી આછા લીલા રંગનાં હોય છે. નર ફૂલો પુષ્પ મંજરી રૂપે અને માદા ફૂલો એકલદોકલ હોય છે. તેના ફળો 5 થી 15 સે.મી. લાંબા, 3 થી 8 સે.મી. પહોળા, આછા લીલા રંગનાં, અંડાકાર અને સપાટી ઉપર નરમ રેસા અને છેડેથી અણીદાર હોય છે. ફળની અંદર 12 કે તેથી વધુ બીજ હોય છે જે સપાટ, કાળા રંગનાં અને ખરબચડી સપાટીવાળા તથા 12 મિ.મી × 7 મિ.મી × 3 મિ.મીનું કદ ધરાવે છે.
પોષણ મૂલ્ય :
100 ગ્રામ રામ કારેલા, 94 ગ્રામ પાણી, 0.6 ગ્રામ પ્રોટીન, 0.1 ગ્રામ ફેટ, 4 ગ્રામ કાર્બોહાઈડ્રેટ, 0.7 ગ્રામ રેસા, 14 મિ.ગ્રા. કેલ્શિયમ, 14 મિ.ગ્રા. ફોસ્ફરસ, 0.8 મિ.ગ્રા આયર્ન, 0.04 મિ.ગ્રા. થાયમિન, 0.04 મિ.ગ્રા. રાઈબોફ્લેવિન, 0.3 મિ.ગ્રા. નિયાસિન અને 14 મિ.ગ્રા. એસ્કોર્બિક એસિડ ધરાવે છે.
ઔષધિય મૂલ્ય :
રામ કારેલા વિવિધ ઔષધીય ગુણો ધરાવે છે જેથી તેનો ઉપયોગ આરોગ્યને લગતી સમસ્યાઓના ઉપચારમાં થાય છે. તેના બીજનો પાઉડર આંતરડામાં રહેલ પરોપજીવીઓની માવજતમાં અને તેમાંથી બનાવેલ ચા ઊંચા લોહીના દબાણની સારવાર માટે વપરાય છે. તેના ફળનો રસ લોહીમાં કોલેસ્ટીરોલનું ઊંચું પ્રમાણ, આંતરડા અને જઠરના રોગો, હાયપરટેન્શન, કાકડાનો સોજો, ધમનીઓની દિવાલ સખત થવી (આટૅરીઓક્લેરોસીસ), રૂધિરાભિસરણની સમસ્યાઓ અને ડાયાબીટીસ વગેરેમાં અસરકારક જણાયેલ છે.
ઉપયોગો :
તેનાં તાજા ઉતારેલ અને પક્વ થયેલ ફળો બંને ઉપયોગી છે. તાજાં ફળો સીધા જ ખાવાના ઉપયોગમાં લેવાય છે જ્યારે પક્વ ફળોને તેલમાં રાંધી સુપ, ભાત, માંસ કે અન્ય શાકભાજી સાથે શાક તરીકે ખોરાકમાં લેવામાં આવે છે. તેના પાન અને કુમળી ડૂંખોનું પણ પાનવાળા શાકભાજી તરીકે રાંધીને ખવાય છે. તેના મૂળ દાંત સાફ કરવા માટે વપરાય છે.
ખેતી પદ્ધતિ :
હવામાન :
તેનું ઉગાવો ઉપોષ્ણ કટીબંધવાળા ગરમ વિસ્તારોમાં સારી રીતે થાય છે. તે ઠંડા વાતાવરણમાં અને સમુદ્રની સપાટીથી 2500 મીટરની ઊંચાઈ સુધી થઈ શકે છે. તેના છોડ પાણીના તનાવ સામે સહનશીલ છે પરંતુ પવન સામે સંવેદનશીલ છે. રામ કારેલાને ફૂલો અને ફળો માટે દિવસનો ટુંકો સમય હોવો જરૂરી છે. તેના આદર્શ વિકાસ માટે 120 થી 180 સે. ઉષ્ણતામાન જરૂરી છે.
જમીન :
તેનુ વાવેતર વિવિધ પ્રકારની જમીનમાં થઈ શકે છે પરંતુ રેતાળ લોમ અને સહેજ એસિડિક અથવા તટસ્થ (6 થી 7 પીએચ) જમીન તેમજ ભેજવાળી અને સેન્દ્રિય તત્વોથી સમૃદ્ધ જમીનમાં તેનો સારો વિકાસ થાય છે. આ પાક ખારાશ સહન કરી શક્તો નથી.
સુધારેલી જાતો :
રામ કારેલાની વેપારી ધોરણે ખેતી કરવામાં આવતી નથી. તેની બિનઉપયોગી શાકભાજીના પાક તરીકે ગણના થાય છે. તેમાં કોઈ સુધારેલી જાતો નથી.
જમીનની તૈયારી :
જમીનમાં એક ઊંડી ખેડ કરી કરબ મારી સરખી કરવી. ખેતરમાં 1 થી 1.5 મીટર × 0.5 મીટરના અંતરે 30 સે.મી. × 30 સે.મી. × 30 સે.મી. ના ખાડા તૈયાર કરવા.
વાવેતર સમય :
તેના બીની વાવણી સામાન્ય રીતે એપ્રિલના અંત થી મે ની મધ્ય સુધીના સમય દરમ્યાન કરવામાં આવે છે. વાવણી સમયનો આધાર અનેક પરિબળો ઉપર આધાર રાખે છે. સંરક્ષિત ખેતીમાં બીની વાવણી માર્ચની શરૂઆતમાં કરવામાં આવે છે.
બીનો દર :
એક હેક્ટર વિસ્તાર માટે 4 થી 5 કિલો બિયારણ પૂરતુ છે.
વાવણી પદ્ધતિ :
છોડનું વર્ધન બી વડે થાય છે. દરેક ખાડામાં 2.5 સે.મી.ની ઊંડાઈએ 2 થી 3 બીજ વાવવામાં આવે છે. બીના ઉગાવા બાદ ખાડા દીઠ એક છોડ રાખવામાં આવે છે.
ખાતરો :
જમીનની તૈયારી વખતે 15 થી 20 ટન જેટલુ સારૂ કહોવાયેલું છાણિયુ ખાતર જમીનમાં બરાબર મિશ્ર કરી આપવું. આ પાક માટે ભલામણ કરેલ હેક્ટર દીઠ રાસાયણિક ખાતરોનું પ્રમાણ 50 થી 100 કિ.ગ્રા. નાઈટ્રોજન, 40 થી 60 કિ.ગ્રા. ફોસ્ફરસ અને 30 થી 60 કિ.ગ્રા પોટાશ છે. આ પૈકી ફોસ્ફરસ અને પોટાશનો જથ્થો વાવણી પહેલાં જ્યારે નાઈટ્રોજનનો જથ્થો બે હપ્તામાં વાવણી બાદ 20 થી 25 દિવસે અને 40 થી 45 દિવસે આપવામાં આવે છે.
પિયત :
પાક સામાન્ય રીતે પાણીનો તનાવ સહન કરી શકે છે પરંતુ જમીનમાં રહેલ ભેજના સ્તરને આધારે પિયત આપવું જરૂરી છે. ઉનાળામાં જમીનમાં ભેજ જાળવવા માટે દર અઠવાડિયે અને ચોમાસામાં વરસાદ મુજબ જ્યારે જણાય ત્યારે પિયત આપવું.
આંતરખેડ :
રામ કારેલાના પાતળા અને લાંબા વેલા થતા હોઈ પાકના સારા વિકાસ માટે તેને ટેકા આપવા જરૂરી છે. અવલોકન મારફતે એવું જણાયુ છે કે જમીનને અડકતાં ફળો અનિયમિત આકારનાં થાય છે એટલે દ્રાક્ષની ખેતીની જેમ મંડપ બનાવી તેના ઉપર સારા આકાર અને કદ ધરાવતાં ફળો મેળવી શકાય છે.
નીંદામણ :
પાકની શરૂઆતના તબક્કે નીંદણ નિયંત્રણ કરવું જરૂરી છે. પાકને વાવણી બાદ 30 થી 40 દિવસ સુધી નીંદણ મુક્ત રાખવા માટે બે વાર હાથ નીંદામણ કરવું જોઈએ. આ ગાળો પાક-નીંદણ હરીફાઈ માટે વધુ સંવેદનશીલ છે. જો યોગ્ય નીંદણનાશક દવાનો છંટકાવ કરવામાં આવે તો એક હાથ નીંદામણ ઓછું કરી શકાય છે.
પાક સંરક્ષણ :
યુરોપમાં આર્થિક રીતે નુક્સાન કરી શકે તેવા કોઈ રોગ જણાયેલ નથી. નેપાળ અને હિમાલયના વિસ્તારોમાં મર્યાદિત પ્રમાણમાં વાવેતર થાય છે પરંતુ આ પાકમાં સંશોધન મર્યાદિત હોઈ તેમાં કોઈ રોગ અને જીવાતનો ઉપદ્રવ નોંધાયેલ નથી.
કાપણી :
પાકની વાવણી બાદ ત્રણ મહિના પછી પ્રથમ વખત ફળો ઉતારવામાં આવે છે અને ત્યારબાદ 2 થી 4 મહિના સુધી ફળો મળ્યા કરે છે. કાપણીના સમયનો આધાર વાતાવરણ ઉપર રહેલો છે. ગરમ હવામાન હોય તો ફૂલો અને ફળો વહેલાં આવે છે. ફળો પસંદગી અને ઉપયોગિતા મુજબ તાજા કે પક્વ થયા બાદ ઉતારવામાં આવે છે. શાકભાજીના હેતુથી પુરેપુરા પક્વ થયેલ ફળોને ઉતારવામાં આવે છે.
ઉત્પાદન :
આ પાકમાં સરેરાશ હેક્ટર દીઠ 14 થી 15 ટન ઉત્પાદન મળે છે.
સ્ત્રોત : ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, માર્ચ – 2023
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in

