
સને 2047 સુધીમાં ગામડાઓને વિકસિત બનાવવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગ ઘણો જરૂરી છે કે જે ગ્રામીણ વિકાસના પ્રશ્નોને હલ કરવામાં મદદરૂપ થઈ શકે તેમ છે. આ પ્રાપ્ત કરવા માટે સરકાર, સ્વૈચ્છિક સંસ્થાઓ, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, વેપારી સંગઠનો અને સંશોધન કેન્દ્રો વગેરે વિવિધ પ્રકારના જૂથોએ સાથે મળી કામગીરી કરવી પડશે. આ પ્રકારની ભાગીદારી વડે અનેકગણા ફાયદાઓ મેળવી શકાય છે જેવા કે, જ્ઞાન તથા સંસાધનોમાં સહભાગી થવું, ક્ષમતા નિર્માણ કરવી અને બજારમાં સરળ રીતે પ્રવેશ થવો વગેરે. વૈશ્વિક ભાગીદારી આંતરમાળખાકીય સુવિધાઓને ટેકો પુરો પાડે છે, આરોગ્યની કાળજીમાં વધારો કરે છે, પર્યાવરણીય ટકાઉતાને ટેકો પુરો પાડે છે અને ગ્રામ્ય સમાજમાં ડિજિટલ ટેકનોલૉજીના ઉપયોગને વધારે છે. આમ જ્ઞાન, સંપત્તિ અને રચનાત્મક વિચારણાનો સંયુક્ત રીતે ઉપયોગ કરી સહયોગ સાધી વિકસિત ભારત (build india) બનાવી શકાશે કે જે દરેક ગામને સમૃદ્ધ બનાવી સને 2047 સુધીમાં સમૃદ્ધ વિકસિત ભારતના ધ્યેયને હાંસલ કરશે.
ભારત એક એવો દેશ છે કે જેની અંદાજે 65 ટકા વસ્તી ગામડાઓમાં રહી જીવન ગુજારે છે. ભારતના ગામડાંઓ વિકાસ માટેની વિશાળ ક્ષમતાઓ ધરાવે છે. આંતરમાળખાકીય પર્યાપ્તતા, આધુનિક ટેકનોલૉજી, શૈક્ષણિક વિકાસ, રોજગારીમાં વધારો, ઉદ્યોગસાહસિકતા વગેરે ક્ષેત્રે વધુ પ્રગતિ કરવી જરૂરી છે. સને 2047 સુધીમાં વિકસિત ભારતનો ધ્યેય હાંસલ કરવા માટે વિશાળ રાષ્ટ્રીય પહેલ ઉપરાંત સરકારી ટેકો અને જોડાણ અને વિકાસના વિવિધ ક્ષેત્રોમાં સારી વૈશ્વિક ભાગીદારી વગેરે ચોક્કસ પણે ગામડાઓને વિકસિત કરવામાં મદદરૂપ થશે.
વર્તમાનમાં વિશ્વમાં ઝડપી વૈશ્વિકરણ થઈ રહ્યુ છે ત્યારે વૈશ્વિક ભાગીદારીની જરૂરિયાતને સમજવી એક મહત્વની બાબત છે. માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી હરહંમેશ વૈશ્વિક ભાગીદારી વડે નિયત સમયમાં વૈશ્વિક તનાવને દૂર કરી માનવજાતનું રક્ષણ કરવા ઉપર મહત્વનો ભાર મૂકે છે.
વૈશ્વિક સહયોગ એ વિવિધ પ્રકારના હિસ્સેદારોને વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે સહિયારા પ્રયાસો ધ્વારા એકબીજાની નજીક લાવે છે. આવી ભાગીદારીમાં વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સરકારો અને સ્વૈચ્છિક સંગઠનો, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, ખાનગી ક્ષેત્રની કંપનીઓ અને સંશોધન સંસ્થાઓનો સમાવેશ થાય છે.
‘વિકસિત ગામ’ નું સ્વપ્ન અને વૈશ્વિક સહયોગનું મહત્વ :
ગ્રામીણ વિકાસનું સ્વપ્ન પૂર્ણ કરવા માટે વિકસિત ગામના વિચારને સમજવો એ મહત્વનું છે. વિકસિત ગામ એટલે એવો સમાજ કે જે વધુ સારી માળખાકીય સુવિધાઓ ધરાવતું હોય, સ્વચ્છતા, આરોગ્ય, પાણી અને શિક્ષણ જેવી પ્રાથમિક જરૂરિયાતો સહિત યુવાનોને વિવિધ આર્થિક તકો પુરી પાડતું હોય, જીવનધોરણ ઊંચુ આવેલ હોય અને ટકાઉ પર્યાવરણીય પદ્ધતિઓ અપનાવતું હોય. ગ્રામીણ વિકાસ એ વધુ લાંબી અને સમય લેતી પ્રક્રિયા છે પરંતુ નીચે જણાવેલ ક્ષેત્રોમાં વૈશ્વિક જોડાણ સાધીને સહેલાઈથી આ પ્રક્રિયાને ઝડપી બનાવી ગ્રામીણ ઉત્કર્ષ સાધીને સને 2047 સુધીમાં વિકસિત ભારતનો ધ્યેય હાંસલ કરી શકાશે.
(1) સંસાધનોને ખેંચવા :
ગ્રામીણ વિકાસ માટે નોંધપાત્ર નાણાકીય સંસાધનો, તાંત્રિક કુશળતા અને આંતરમાળખાકીય રોકાણ પણ જરૂરી છે. વિશ્વ બેંક, યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP), ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO) અને યુરોપિયન યુનિયન (EU) વગેરે વૈશ્વિક ભાગીદારો ભારતને ગ્રામીણ વિસ્તારોમાં નાણાકીય સ્ત્રોતો પુરા પાડે, નિષ્ણાતો અને તાંત્રિક મદદ વડે વિકાસ પ્રોજેક્ટોને ટેકો પુરો પાડે, આંતરમાળખાકીય સુવિધાઓમાં વધારો કરે, કૃષિ શિક્ષણ અને આરોગ્યની સંભાળ રાખવામાં મદદ કરે તે જરૂરી છે. ભારતમાં વિશ્વ બેંકની સહાય વડે ‘નેશનલ રૂરલ લાઈવલી હૂડ મિશન’ (NRLM) ચાલે છે. તેનો હેતુ ગામડાંઓમાં રહેતા ગરીબ લોકોને સ્વરોજગારી અને ઉદ્યોગસાહસિકતાની તકો પુરી પાડી ગ્રામ્ય ગરીબાઈને દૂર કરવાનો છે. આ સંસ્થા નાણાકીય મદદ અને તાંત્રિક ટેકો પુરો પાડી ક્ષમતા નિર્માણની શરૂઆત કરી સંસાધોનોની સવલત વડે ગ્રામ્ય સમાજને સક્ષમ બનાવી તેઓના જીવનધોરણમાં સુધારો લાવે છે. આ માટે આજ સુધીમાં વિશ્વ બેંક ધ્વારા ભારત દેશને કુલ એક અબજ યુએસ ડોલરની નાણાકીય મદદ મળેલ છે.
(2) ક્ષમતા નિર્માણ :
માઈક્રોસોફટ, આઈબીએમ (IBM) અને ગૂગલ જેવી આંતરરાષ્ટ્રીય ખાનગી કંપનીઓએ યુએન ડિસ્પ્યુટ ટ્રિબ્યુનલ, વર્લ્ડ બેંક અને ગેટ ફાઉન્ડેશન જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ જોડે સહયોગ સાધી ભારતના ગામડાઓમાં ક્ષમતા નિર્માણ કરવા માટે સ્થાનિક સંસ્થાઓ અને વ્યક્તિઓને ટકાઉ વિકાસ અને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે તાલીમ કાર્યક્રમો, તાંત્રિક મદદ, કુશળતા નિર્માણની શરૂઆત કરેલ છે. દા.ત. ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન (ILO) એ કુશળતા વિકાસ અને તાલીમ કાર્યક્રમો શરૂ કરેલ છે જે ગ્રામ્ય વસ્તીની કુશળતા અને ક્ષમતામાં વધારો કરવા ઉપર ભાર મૂકીને રોજગાર કુશળતા અને આજીવિકામાં સુધારો કરે છે.
(3) બજાર પ્રવેશ :
સ્થાનિક ઉત્પાદકો અને ઉદ્યોગસાહસિકો સાથે એમેઝોન, વૉલગ્રીન્સ, કોકાકોલા જેવી આંતરરાષ્ટ્રીય કંપનીઓ ભાગીદાર બની બજારમાં પ્રવેશી ભારતના ગામડાઓમાં ઈ-કોમર્સ પ્લેટફોર્મ, વહેંચણી અને બજાર માટેનું જોડાણ પૂરૂ પાડે છે. તેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ગ્રામ્ય સમાજને રોજગારી અને ઉદ્યોગસાહસિકતાનો વિકાસ કરવામાં મદદરૂપ થાય છે. દા.ત. એમેઝોન કંપની ગ્રામ્ય વિસ્તારના સ્થાનિક કારીગરો અને ઉદ્યોગસાહસિકોને પોતાનું પ્લેટફોર્મ પૂરૂ પાડી વિશ્વ કક્ષાએ બજારની સવલત પુરી પાડે છે.
(4) જ્ઞાનની આપલે :
વૈશ્વિક સહયોગ ગ્રામીણ વિકાસ માટેના જ્ઞાન, પ્રક્રિયાઓ અને પાઠની આપલે કરવાની સવલત પુરી પાડે છે. યુનાઈટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન (UNESCO), યુનાઈટેડ નેશન્સ ઈન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ઈમરજન્સી ફંડ (યુનિસેફ – UNICEF), યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP) અને ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO) વગેરે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે સહયોગ સાધીને વિશાળ પાયે નિષ્ણાતો, નવિનીકરણ ઉકેલો અને આધુનિક તાંત્રિકતાઓનો લાભ મેળવી શકાય છે. આ પ્રકારનું જ્ઞાન સ્થાનિક હિસ્સેદારોને નિર્ણયો લેવામાં, અસરકારક વ્યૂહરચના અપનાવવામાં અને જે તે સ્થાનિક પ્રશ્નો ઉકેલવા માટેનો અમલ કરવામાં સક્ષમ બનાવે છે. આવો એક પ્રોજેક્ટ ‘એજ્યુકેશન ફોર ઓલ’ યુનેસ્કો ધ્વારા ભારતમાં શરૂ કરવામાં આવેલ છે જેમાં સ્થાનિક સત્તાધીશો અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે યુનેસ્કોના સહયોગથી શ્રેષ્ઠ પદ્ધતિઓ, નવિનીકરણ અને શૈક્ષણિક સંસાધનોનો ઉપયોગ કરી ગ્રામ્ય વિસ્તારોમાં ગુણવત્તા યુક્ત શિક્ષણ આપવામાં આવે છે.
(5) પર્યાવરણીય ટકાઉતા :
ગ્રામીણ વિકાસમાં પર્યાવરણીય ટકાઉતાના પ્રશ્નોના ઉકેલ માટે વૈશ્વિક ભાગીદારી મહત્વનો ભાગ ભજવે છે. ટકાઉ વિકાસના હેતુને પહોંચી વળવા માટે પર્યાવરણીય ચિંતા કર્યા વિના ચાલે તેમ નથી. યુનાઈટેડ નેશન્સ એન્વાયરોનમેન્ટ પ્રોગ્રામ (UNEP) અને ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝરવેશન ઑફ નેચર (IUCN) જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનો સહયોગ કરી ગ્રામ્ય સમાજમાં મૂલ્યવાન કુશળતા અને સંસાધનો પુરા પાડી પર્યાવરણ મિત્ર પદ્ધતિઓનો અમલ કરી શકાય છે. આવો સહયોગ પુનઃપ્રાપ્ય ઊર્જા, જળ સંરક્ષણ, વનીકરણ અને કચરા વ્યવસ્થાપન અપનાવવા માટેની શરૂઆત કરવા ઉપર ખાસ ભાર મૂકે છે કે જેથી ભાવિ પેઢી માટે ગ્રામીણ પર્યાવરણને ટકાઉ બનાવી શકાય.
(6) આરોગ્ય સેવાની સુલભતા :
ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સેવાઓની સુલભતા અને તેની ગુણવત્તા અંગેના નોંધપાત્ર પડકારો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અને ડોક્ટર્સ વીધાઉટ બોર્ડર્સ જેવી સંસ્થાઓ સાથે વૈશ્વિક ભાગીદારી કરી અંતરિયાળ ગામડાઓમાં આરોગ્યની માળખાગત સુવિધાઓ અને સેવાઓમાં વધારો કરી શકાય છે. આવા સહયોગી પ્રયાસો ધ્વારા જરૂરી આરોગ્ય સેવાઓમાં સુધારો, સ્થાનિક આરોગ્ય કર્મચારીઓને તાલીમ અને રોગો અટકાવવા માટેના કાર્યક્રમો શરૂ કરી છેવટે ગ્રામ્ય વસ્તીના આરોગ્ય અને સુખાકારીમાં વધારો કરી શકાય છે.
(7) માળખાગત સુવિધાઓનો વિકાસ :
ગ્રામ્ય સશક્તિકરણ માટે વૈશ્વિક સંસ્થાઓ માળખાગત સુવિધાઓના વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે. ગ્રામ્ય વિસ્તારમાં રસ્તાઓ, પુલ, વીજળીનું નેટવર્ક, પાણી પૂરવઠા પદ્ધતિ અને સંદેશાવ્યવહાર સવલતો વગેરે જરૂરી માળખાગત સુવિધાઓના બાંધકામ અને સુધારણા માટે સ્થાનિક સરકાર, સ્વૈચ્છિક સંસ્થાઓ અને સમાજના હિસ્સેદારોનો સહયોગ લેવામાં આવે છે. માળખાગત સુવિધાઓના પ્રોજેક્ટમાં વૈશ્વિક સંસ્થાઓ મૂડીરોકાણ કરી જોડાણ, સુલભતા અને સામાજીક-આર્થિક તકોમાં વધારો કરવામાં મદદરૂપ થાય છે. માળખાગત સુવિધાઓમાં સુધારો થતાં આરોગ્ય અને શિક્ષણ જેવી પ્રાથમિક સેવાઓમાં વધારો થાય છે એટલું જ નહિ કૃષિ ઉત્પાદકતા, બજારની જાણકારી અને ગ્રામ્ય વિસ્તારનો સરેરાશ આર્થિક વિકાસને પણ પ્રોત્સાહન આપે છે. વધારામાં માળખાગત સુવિધાઓનો વિકાસ ગ્રામ્ય સમાજની સ્થિતિસ્થાપકતા તથા ટકાઉતા જાળવવામાં, પર્યાવરણીય પડકારો અને સામાજીક-આર્થિક આંચકાઓ સામે સક્ષમ બનવામાં ફાળો આપે છે. આમ સરવાળે વૈશ્વિક સંસ્થાઓ માળખાગત સુવિધાઓના વિકાસને ટેકો પુરો પાડી ગ્રામ્ય વિકાસના પ્રયાસોને વેગ આપી ગ્રામ્ય વસ્તીને સમૃદ્ધ બનાવે છે.
સારાંશ :
સને 2047 સુધીમાં ગ્રામ્ય ભારતને વિકસિત અને સમૃદ્ધ બનાવવાના સ્વપ્નના ધ્યેયને હાંસલ કરવા માટે વિશ્વ કક્ષાએ મજબૂત પ્રયાસો અને સહયોગ કરવાની જરૂર છે. ગ્રામ્ય વિકાસના બહુવિધ પડકારોને પહોંચી વળવા માટે સરકાર, સ્વૈચ્છિક સંસ્થાઓ, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, ખાનગી ક્ષેત્ર વગેરે વિવિધ હિસ્સેદારો સાથે વૈશ્વિક ભાગીદારી કરવી જરૂરી છે. ઉપર જણાવેલ સાત બાબતો અંગે વૈશ્વિક ભાગીદારી કરી ગ્રામ્ય સમાજમાં જરૂરી બદલાવ લાવી શકાય છે. આમ સામૂહિક કુશળતા, સંસાધનો અને નવિનીકરણ ઉકેલોના ઉપયોગ વડે ભારતના દરેક ગામના ભાવિમાં સુધારો કરી સને 2047માં વિકસિત ભારતના ધ્યેયને પહોંચી વળાશે.
સ્ત્રોત : ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, સપ્ટે.-ઓક્ટો. 2024
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in

