બીજ ઉત્પાદન કાર્યક્રમનો મુખ્ય હેતુ ખેડૂતોને ઓછા ખર્ચે અને વાવણીના સમય પહેલાં ઊંચી ગુણવત્તા ધરાવતા બિયારણનું વિતરણ કરવાનો છે. ઓછી ગુણવત્તા ધરાવતા બિયારણોમાં સ્ફુરણ ઓછું થાય છે અથવા ધરૂ ઓછું ઉગે છે જેના કારણે ખેતરમાં ઓછો ઉગાવો થતાં ઘણા પાકોમાં ઉત્પાદનમાં ઘટાડો થાય છે. સમયમાં ફેરફાર થતાં વૈજ્ઞાનિક રીતે બિયારણનું ઉત્પાદન એક ઉદ્યોગ તરીકે ખેડૂતો અપનાવે તો પોતાની આવકમાં વધારો કરી શકે છે. ખેડૂતો એક ઉદ્યોગ તરીકે ઊંચી જાતના બિયારણો પેદા કરી તેની જરૂરિયાત મુજબનો પૂરવઠો પુરો પાડી આવકમાં મોટો વધારો કરી શકે છે.
બીજ પ્રમાણિત કરવાની રીત :
ક્ષેત્રની પસંદગી :
ખેતરની જમીન ફળદ્રુપ, સારા નિતારવાળી અને જાતે ઉગતા છોડથી મુક્ત હોવી જોઈએ. બિયારણ માટેનો પાક તેના જેવા અન્ય જાતોના પાકથી અલગ રીતે વાવવો જોઈએ. અગાઉની ઋતુમાં જે પાકનું બિયારણ તૈયાર કરવાનું હોય તે પાકનું વાવેતર કરેલ ન હોવું જોઈએ.
બિયારણનો સ્ત્રોત :
બીજ પ્રમાણન અધિકારીએ જે પાકનું પ્રમાણિત બિયારણ પેદા કરવાનું હોય તે પાકના ફાઉન્ડેશન બીજની ચકાસણી કરવી જોઈએ કે જે પ્રમાણિત સ્ત્રોતથી મેળવેલ હોવું જોઈએ.
અલગીકરણ :
પરપરાગનયન થતું અટકાવવા અલગીકરણ અંતર જાળવવું જરૂરી છે.
બિયારણનું વર્ગીકરણ :
(1) ન્યુક્લીયસ સીડ :

પાક સંવર્ધક અથવા કૃષિ વૈજ્ઞાનિક ધ્વારા સંવર્ધનથી વિકસાવવામાં આવેલ પાકના બીને ન્યુક્લીયસ સીડ કહે છે. તે ઊંચુ જનીનિક શુદ્ધ બિયારણ છે.
(2) બ્રીડર સીડ :

ઈન્ડિયન કાઉન્સીલ ઑફ એગ્રિકલ્ચર રિસર્ચ (ICAR) ના નિયંત્રણ હેઠળ વિવિધ કૃષિ સંશોધન સંસ્થાઓ અને કૃષિ યુનિવર્સિટીઓ ધ્વારા ન્યુક્લીયસ બીમાંથી બ્રીડર સીડ વિકસાવવામાં આવે છે. તેની બેગ ઉપર સોનેરી પીળી ટેગ લગાવવામાં આવે છે અને તેનો ઉપયોગ ફાઉન્ડેશન બીજ તૈયાર કરવા માટે થાય છે.
(3) ફાઉન્ડેશન સીડ :

તે બ્રીડર સીડમાંથી વિકસાવવામાં આવે છે જેની ઉપર જે તે રાજ્યને કૃષિ વિભાગ, રાષ્ટ્રીય બીજ નિગમ, સીડ કો-ઓપરેટિવ એજન્સીઓ, સેન્ટ્રલ અને સ્ટેટ સીડ કો-ઓપરેશન અને ખાનગી ક્ષેત્રો દેખરેખ રાખે છે. તેની બેગ ઉપર સફેદ ટેગ લગાવાય છે.
(4) સર્ટિફાઈડ સીડ :

નોંધાયેલ બીજ ઉત્પાદકો ફાઉન્ડેશન સીડમાંથી સર્ટિફાઈડ સીડ (પ્રમાણિત બીજ) બીજ પ્રમાણન એજન્સીની દેખરેખ હેઠળ તૈયાર કરે છે. સર્ટિફાઈડ સીડનો ઉપયોગ વેપારી ધોરણે પાક ઉત્પાદન લેવા માટે થાય છે. તેની ઓછામાં ઓછી જનીનિક શુદ્ધતા 99 ટકા હોવી જોઈએ. તેની બેગ ઉપર આસમાની વાદળી રંગની ટેગ લગાવવામાં આવે છે. તેના ઉત્પાદન માટે નક્કી કરેલ ધારાધોરણો જેવા કે ખેતરની પસંદગી, અલગીકરણ, ખેતરની ચકાસણી, વિજાતીય છોડ, નીંદણો અને રોગિષ્ઠ છોડ દૂર કરવા અને જો જનીનિક શુદ્ધતાના ધોરણોની પૂર્તતા કરે અને રોગ-જીવાતથી મુક્ત હોય તો તેની કાપણી કરવામાં આવે છે.
ટ્રુથફુલ લેબલવાળાં બીજ :

આવા બીની દેખરેખ તેનું ઉત્પાદન કરતી સંસ્થા વડે થાય છે અને સર્ટિફાઈડ સીડ જેટલી ઓછામાં ઓછી ભૌતિક શુદ્ધતા અને અંકુરણના પ્રમાણો જાળવવામાં આવે છે. પ્રમાણિત થયા વિનાના અને લેબલવાળા શાકભાજીના બી વેપારી ધોરણે વેચાણ અને ખેતી માટે મંજૂરી આપવામાં આવે છે. મોટા ભાગના શાકભાજીના બિયારણોનો વેપાર આ વર્ગમાં આવે છે. આ પ્રકારના બિયારણની ગુણવત્તાની ખાતરી આપવી એ બીજ ઉત્પાદક એજન્સીની એકલ જવાબદારી છે. બીજનું ઉત્પાદન ખેતરમાં કાપણી અને પ્રોસેસિંગ સમયે ચકાસણી કરી ધારાધોરણો મુજબ કરવામાં આવે છે. તે જ રીતે ગુણવત્તાના પરિમાણો સર્ટિફાઈડ સીડ મુજબના હોવા જોઈએ. તેની બેગ ઉપર ઓપલ ગ્રીન ટેગ લગાવાય છે.
બીજ પ્રમાણન માટેની અરજી :
બીજ ઉત્પાદકે બીજ પ્રમાણન એજન્સીને જરૂરી નાણાં સહિત બીના પ્રમાણન માટે એક અરજી કરવાની હોય છે. આ માટેના ખર્ચમાં એક બિયારણ પેદા કરવા માટેના દશ હેક્ટર સુધીનો વિસ્તાર અને એક જાત માટે એક ઋતુનો સમાવેશ થાય છે. અરજીની સાથે બિયારણની અધિકૃત ટેગ પણ સામેલ કરવી જરૂરી છે.
ક્ષેત્ર નિરીક્ષણ :

બીજ પ્રમાણન માટેની અરજી કરનાર ખેડૂતના ખેતરનું નિરીક્ષણ પ્રમાણન એજન્સી ધ્વારા કરવામાં આવે છે. ફૂલો આવતા પહેલાં, ફૂલો આવે ત્યારે, કાપણી પહેલાં અને કાપણીના તબક્કે ઓછામાં ઓછુ બે વખત નિરીક્ષણ કરવામાં આવે છે. ક્ષેત્ર નિરીક્ષણ દરમ્યાન અલગીકરણ અંતર, જુદા પડતા છોડ, અન્ય પાક/નીંદણનો ઉગાવો, નાદુરસ્ત છોડ વગેરેની તપાસ કરવામાં આવે છે અને બીજ ઉત્પાદકને જરૂર જણાય તે બાબતનાં પગલાં લેવાની જાણ કરવામાં આવે છે. જો ખેતરમાં ચેપ લાગેલ હોય તો તેના પૂરાવાને કારણે તે પ્રમાણન માટે જરૂરી પૂર્તતા કરી શકે તેમ ન હોય તો બિયારણને પ્રમાણિત કરવામાં આવતું નથી.
બીનો નમૂનો લેવો, ચકાસણી અને લેબલિંગ :
બિયારણની ગુણવત્તાની ચકાસણી માટે 10 ટન બિયારણના લોટનું પ્રતિનિધિત્વ ધરાવે તેવો નમૂનો લેવો કે જે બધા જ ગુણધર્મો ધરાવતો હોય. અધિકૃત વ્યક્તિ ધ્વારા બિયારણોનો નમૂનો લઈ તેને સીલ મારી, નોંધ કરી, બીજ પ્રમાણન એજન્સીને પહોંચાડવામાં આવે છે. આ બીજના નમૂનાની બીજ ચકાસણી પ્રયોગશાળામાં ગુણવત્તા અંગેના લક્ષણોની ચકાસણી કરવામાં આવે છે. શુદ્ધ બીજ, અંકુરણ, નીંદણના બીજ, અન્ય પાકનાં બીજ, નુકસાનવાળાં બીજ વગેરે બીજ પ્રમાણન ખાસિયતોને ચકાસી બીજને પ્રમાણન માટેના સ્ટીકર આપવામાં આવે છે. વિવિધ પાકોના પ્રમાણિત બીજના ઉત્પાદન માટેની જરૂરિયાતોની વિગત કોઠામાં દર્શાવેલ છે :
વિવિધ પાકોના પ્રમાણિત બીજ ઉત્પાદન માટેની જરૂરિયાતો
| ક્રમ | પાક | અલગીકરણ અંતર (મીટર) | અંકુરણના ટકા | ભૌતિક શુદ્ધતા ના ટકા | અન્ય પાકના બીજ (કિ.ગ્રા. દીઠ) | નીંદણના બીજ (કિ.ગ્રા. દીઠ) | અન્ય જાતના બી (કિ.ગ્રા. દીઠ) | ભેજ ના ટકા |
| 1 | ઘઉં | 3 | 85 | 98 | 20 | 20 | – | 12 |
| 2 | ડાંગર | 3 | 80 | 98 | 20 | 20 | 20 | 13 |
| 3 | મકાઈ | 200 | 90 | 98 | 10 | બિલકુલ નહિ | 20 | 12 |
| 4 | જુવાર | 100 | 75 | 98 | 10 | 10 | 20 | 12 |
| 5 | બાજરી | 200 | 75 | 98 | 20 | 20 | – | 12 |
| 6 | રાઈ | 50 | 85 | 97 | 20 | 20 | 0.5 % | 8 |
| 7 | સોયાબીન | 3 | 70 | 98 | 10 | 10 | 40 | 12 |
| 8 | મગફળી | 3 | 70 | 98 | બિલકુલ નહિ | બિલકુલ નહિ | – | 9 |
| 9 | મગ | 5 | 75 | 98 | 10 | 10 | 20 | 9 |
| 10 | અડદ | 5 | 75 | 98 | 10 | 10 | 20 | 9 |
| 11 | મસુર | 5 | 75 | 98 | 10 | 20 | 20 | 9 |
| 12 | કપાસ | 30 | 65 | 98 | 10 | 10 | – | 10 |
| 13 | વટાણા | 5 | 75 | 98 | 5 | બિલકુલ નહિ | 10 | 9 |
| 14 | તુવેર | 100 | 75 | 98 | 10 | 10 | 20 | 9 |
| 15 | તલ | 50 | 80 | 97 | 20 | 20 | 20 | 9 |
સ્ત્રોત : ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, જૂન – 2024
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in

