સૂકી ખેતીમાં સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન આપો (Organic farming in dryland area)

        સને ૧૯૭૦ બાદ સમગ્ર વિશ્વમાં ખેતી પર થતી ખરાબ અસરો વિષે ખેડૂતોને ખ્યાલ આવતાં તેઓએ ટકાઉ ખેતી માટે પ્રયત્નો શરૂ કર્યા. સને ૧૯૯૦ બાદ કૃષિ પેદાશોના વપરાશકર્તા ગ્રાહકોને પણ જંતુનાશક દવાઓની આડ અસરો અને તેના ખરાબ પરિણામો વિષેની જાણકારી મળતા આરોગ્યની રીતે સલામતીની દૃષ્ટિએ જંતુનાશક  મુક્ત ખોરાક મળે તેવી માંગ ઉઠવા પામી તેમજ સજીવ ખેતી અંગેની નીતિ માટેના પ્રયાસો શરૂ થયા. દેશનો અંદાજે પ૮ ટકા ખેતીલાયક વિસ્તાર સૂકી ખેતી હેઠળ આવેલો છે જેનો દેશના અન્ન ઉત્પાદનમાં ૪૦ ટકા ફાળો રહેલો છે. આ બાબત ધ્યાને લઈ સૂકી ખેતી એટલે કે બિનપિયત વિસ્તારમાં સજીવ ખેતીને પ્રોત્સાહન આપવામાં આવે તો ખેડૂતોને આર્થિક રીતે ફાયદો મળી શકે તેમ છે.

            ભારતની વધતી જતી વસ્તીને અનાજ પૂરૂ પાડવા માટે ‘ગ્રો મોર ફૂડ કેમ્પેઈન’ શરૂ કરવામાં આવ્યું જે પછીથી ‘હરિયાળી ક્રાન્તિ (ગ્રીન રીવોલ્યુશન) તરીકે ઓળખાયું પરંતુ તેના પરિણામે ખેતી ખર્ચાળ બની અને વાતાવરણ તથા સમાજમાં તેની વિપરીત અસરો જોવા મળી જવી કે ખેતીમાં ઉત્પાદકતા ઘટવા પામી, ખેતીલાયક જમીન પર ખરાબ અસર થવા પામી, જમીનમાંના ફાયદાકારક જીવો/જીવાણુઓ/ફૂગ વગેરેની સંખ્યામાં તીવ્ર રીતે ઘટાડો થવા પામ્યો, જમીનમાં ઝિંક, આયર્ન, બોરોન વગેરેની તત્વોની ખામી ઉદ્‌ભવી, જીવાત સામેની પ્રતિકારક શક્તિ ઘટવા પામી, જમીનમાંના પાણીનું સ્તર ઘટવા પામ્યું, જમીનમાંના ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ ઘટવા પામ્યું વગેરે.

            રસાયણોના ઉપયોગ દ્વારા ખેતી થવાને કારણે ખેડૂતોને કેન્સર, બાળક ખોડખાંપણવાળા જન્મવા વગેરે અસરો જોવા મળી. સને ૧૯૯૦ પછીના સમયમાં ખેતી માટેના ઈનપુટસના ઊંચા દર પાકને નુકશાન થવું, દેવું વગેરે કારણોસર ખેડૂતોના આપઘાતની સંખ્યા વધવા પામી છે. એક અંદાજ મુજબ ભારતના ર૭ ટકા ખેડૂતો ખેતી નફાકારક નહિ હોવાથી ખેતી કરવી ગમતી નથી તેમજ ૪૦ ટકા ખેડૂતો  એમ માને છે કે જો તેઓને બીજી સારી તક મળતી હોય તો તેઓ તેને તક આપશે, નહિ કે ખેતીને.

સજીવ ખેતી :

            સજીવ ખેતી એટલે કુદરતી રીતે ખેતી કરી લાંબા ગાળા સુધી જમીનના ઉત્પાદકતા જળવાય તે રીતે કૃષિનો વિકાસ કરવો જેમાંમુખ્ય ત્રણ બાબતોનો સમાવેશ થાય છે.

(1)  અન્ન સલામતી જળવાય તે હેતુથી વધુ મૂલ્ય આપતી ખેતી દ્વારા કૃષિનો વિકાસ જાળવી રાખવો અને જમીન તથા મજૂરની ઉત્પાદકતામાં વધારો કરી આવક વધારવાનો પ્રયાસ કરવો.

(2)  નાના અને સીમાંત ખેડૂતો, મહિલાઓ અને ખામીયુક્ત પ્રદેશો ઉપર વધુ ધ્યાન આપી ભાગીદારી દ્વારા કૃષિ વિકાસના પ્રયાસો કરવા.

(3)  પર્યાવરણને ધ્યાનમાં રાખી કૃષિને ટકાઉ રીતે જાળવી રાખવી.

સજીવ ખેતીની મુખ્ય બાબતો :

            સજીવ ખેતી વૈજ્ઞાનિક સિદ્ધાંતો મુજબ કરી શકાય છે જે ભવિષ્યના ઊભી થનાર કૃષિના પ્રશ્નોને હલ કરી શકે તેવી પદ્ધતિ છે. સજીવ ખેતી  સામાજીક પરિસ્થિતિને અનુકૂળ આવે તેવી પદ્ધતિ છે જેની મુખ્ય બાબતો અત્રે દર્શાવેલ છે :

(૧) રાસાયણિક ખેતી કરતા ખર્ચ ઓછો :

            સજીવ ખેતીમાં બહારથી કોઈ રાસાયણિક ખાતરો આપવામાં આવતા નથી અને સ્થાનિક રીતે ઉપલબ્ધ સેન્દ્રિય ખાતરો/પદાર્થોનો રીસાયકલ કરીને ઉપયોગ કરવામાં આવે છે. જેને પરિણામે પિયત વિસ્તારમાં રાસાયણિક ખેતી કરતાં ૧૦ થી ૩૦ ટકા ઉત્પાદન ખર્ચ  ઘટે છે. જો કે રાસાયણિક ખેતી કરતા સજીવ ખેતીમાં ઉત્પાદન ઓછું મળે છે. સજીવ ખેતી દ્વારા મેળવાતી પેદાશના ભાવો ઊંચા મળતા ખેડૂતને પુરતુ વળતર મળી રહે છે. ભવિષ્યમાં સજીવ ખેતી ઉપર સંશોધન  દ્વારા વધુ ઉત્પાદકતા મેળવી શકાશે. સંશોધનના ઘનિષ્ઠ અભ્યાસમાં સજીવ ખેતીમાં રાસાયણિક ખેતી કરતા ઉત્પાદન ખર્ચ ઓછો આવે છે. વરસાદ આધારિત વિસ્તારમાં સારા પોષણ અને વરસાદના પાણીની યોગ્ય વ્યવસ્થા દ્વારા સજીવ ખેતીમાં ૭ થી ૧પ ટકા ઉત્પાદન વધી શકે છે.

(ર) રાસાયણિક ખાતરોના પૂરવઠા અને તેની સબસિડીમાં ઘટાડો :

            આપણા દેશમાં મોટે ભાગે નાઈટ્રોજનયુક્ત ખાતરો તેમજ અન્ય રાસાયણિક ખાતરોની વિવિધ દેશોમાંથી આયાત કરવામાં આવે છે. ફોસ્ફરસ અને પોટાશયુક્ત ખાતરો કુદરતી રીતે મળતા હોઈ તેનો સ્ત્રોત ઘટવા પામશે. નાઈટ્રોજન યુક્ત ખાતરો પણ પેટ્રોલીયમ પ્રોડકટસનો ઉપયોગ કરી બનાવાતા હોઈ તેના સ્ત્રોત પણ ઘટવા પામશે. આ બાબત લક્ષમાં રાખી ભવિષ્યમાં ખાતરો ઉપર ઓછો આધાર રહે તેવું આયોજન કરવું પડશે. વધુમાં મોટા ભાગની ખાતર ઉત્પાદન કરતી કંપનીઓ પંજાબ, હરિયાણા, મહારાષ્ટ્ર જેવા રાજ્યોના પિયત  વિસ્તારોને ખાતરનો પૂરવઠો પૂરો પાડવા સૂકી ખેતીવાળા વિસ્તારો કરતા વિશેષ ધ્યાન આપે છે. વધુમાં ખાતરો ઉપર આપવામાં આવતી સબસિડી / સહાય પણ ખાતરોનો વધુ વપરાશ કરવા અને અયોગ્ય અસમતોલ વપરાશ કરવા માટે ખેડૂતોને પ્રોત્સાહન આપે છે એટલે જ બિનપિયત ખેતી / સૂકી ખેતીવાળા વિસ્તારોમાં સજીવ ખેતીને પ્રોત્સાહન આપવું જરૂરી છે.

(૩) જમીનના આરોગ્યની જાળવણી :

            સજીવ ખેતી કરવાથી લાંબે ગાળે જમીનની ભૌતિક, રાસાયણિક અને જૈવિક સ્થિતિ બગડતી ન હોવાને કારણે જમીનની ઉત્પાદકતા જાળવવામાં મદદરૂપ બને છે. ડાંગર પછી ઘઉં લેવામાં આવતી પાક પદ્ધતિમાં રાસાયણિક ખાતરોને બદલે સેન્દ્રિય ખાતરો વાપરવામાં આવે તો જમીનમાં રહેલા એકટીનોમાયસીસ, બેકટેરીયા, ફૂગ વગેરેની વસ્તી / સંખ્યામાં વધારો થવા પામે છે. તેમજ  જમીનમાં રહેલ ઓર્ગેનિક કાર્બન તથા ફોસ્ફરસની માત્રામાં પણ વૃદ્ધિ જોવા મળે છે. ઓછા વરસાદવાળા વિસ્તારોમાં સજીવ ખેતી દ્વારા ખેતી કરતા જમીનમાંના ઓર્ગેનિક કાર્બનના પ્રમાણમાં વૃદ્ધિ જોવા મળે છે.

(૪) સજીવ ખેતી દ્વારા ઉત્પાદિત ખોરાક(ઓર્ગેનિક ફૂડ)ની માત્રામાં થતો વધારો :

            ભારત દેશમાં ઓર્ગેનિક ફૂડની માંગ પ્રતિ વર્ષે ઝડપથી વધતી  જાય છે. વેપારમાં વૈશ્વિકરણને પરિણામે ગ્રાહકો સારી ગુણવત્તાવાળા ઓર્ગેનિક ફૂડ  ઓછા ભાવે ખરીદવા પ્રેરાય છે. તેથી ભારત દેશમાં ગ્રાહકો માટે ઓર્ગેનિક ફૂડ માર્કેટમાં ઉપલબ્ધ થાય તેવા પ્રયાસો કરવા જરૂરી છે. એક સર્વે મુજબ ભારતમાં ઓર્ગેનિક પ્રોડયુસ (પેદાશ) માટે રૂપિયા ર૩૦૦ કરોડની  બજાર ક્ષમતા રહેલી છે  જેમાં ગ્રાહકોની ઓર્ગેનિક ફૂડ વપરાશ અંગેની જાણકારી વધતાં અચૂકપણે વધારો થવા પામશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.

(પ) હવામાન બદલાવની અસર સામે રક્ષણ :

            વિશ્વમાં દર વર્ષે ૯૦૦ લાખ ટન ખનીજ તેલ કે કુદરતી ગેસનો ઉપયોગ નાઈટ્રોજનયુક્ત ખાતરોના પ્રોસેસિંગમાં વપરાય છે જે દ્વારા રપ૦૦ લાખ ટન કાર્બન ડાયોકસાઈડ પેદા થાય છે. સજીવ ખેતીના ખેતરો પ૭પ થી ૭૦૦ કિ.ગ્રા. કાર્બન ડાયોકસાઈડ જમીનમાં પરત કરે છે. આમ સજીવ ખેતી દ્વારા કૃત્રિમ ખાતરોનો વપરાશ ઘટતાં કાર્બન ડાયોકસાઈડનું પ્રમાણ ઓછું થવા પામે છે.  હવામાન બદલાવની અસર સજીવ ખેતી ઉપર ઓછી જોવા મળે છે. જમીનમાં રહેલા હયુમસનું વધુ પ્રમાણ હવામાન બદલાવ સામે રક્ષણ પુરૂ પાડે છે. ચીલાચાલુ ખેતી કરતા સજીવ ખેતીમાં હવામાન બદલાવની અસર ઓછી થાય છે અને ઉત્પાદન સારૂ મળે છે. આમ ભવિષ્યમાં સજીવ ખેતી દ્વારા હવામાન બદલાવ દ્વારા ઊભી થતી અસરોને ખાળી શકાશે.

(૬) સંકલિત પ્રોત્સાહક નીતિની જરૂરિયાત :                  

            ભારતમાં સજીવ ખેતીનો વિકાસ વધતો જાય છે. સને ૧૯૯૯માં ફક્ત ૪૦,૦૦૦ હેકટર જમીન સજીવ ખેતી હેઠળ નોંધાયેલ જે સને ર૦૧૦-૧૧માં વધીને ૬,૦૦, ૦૦૩ હેકટર થવા પામી છે. જો તેમાં ફક્ત સૂકી ખેતી આધારીત વિસ્તારોમાં ઉમેરો કરવામાં આવે તો સજીવ ખેતી હેઠળનો વિસ્તાર વધારી શકાય તેમ છે. આ જોતાં, સજીવ ખેતીનો વ્યાપ વધારવા માટે તેના થકી ઉત્પાદિત માલની સંકલિત બજાર વ્યવસ્થા ઊભી કરવી જરૂરી છે. આ માટે ચોક્કસ નીતિ ઘડવાની સાથે સંશોધન, બજાર અને ઉત્પાદન ઉપર પણ વિશેષ ધ્યાન આપવાની જરૂરિયાત છે.

            સજીવ ખેતીનો વિકાસ કરવા માટેની નીતિમાં તે બાબતના કાયદા, સબસિડી, સવલતો, બજેટ અને સ્ટાફ વગેરે બાબતોનો સમાવેશ થાય છે. આ માટેનું ઉત્તમ ઉદાહરણ કયુબા છે કે જેમાં સમગ્ર દેશ માટે સજીવ ખેતીની નીતિ જાહેર કરી જેના અમલ થકી આજે સમગ્ર દેશમાં સજીવ ખેતી થાય છે. તે જ પ્રમાણે દક્ષિણ કોરીયા દેશે પણ સજીવ ખેતી માટે સારી પદ્ધતિ વિકસાવેલ છે અને તે અંતર્ગત ખેડૂતોને સીધી જ સબસિડી આપવામાં આવે છે. આપણા ભારત દેશમાં સને ૧૯૮૦ની શરૂઆતમાં સજીવ ખેતીની ચળવળ શરૂ થઈ જેને સને ર૦૦૧ બાદ સરકારશ્રી દ્વારા ‘નેશનલ પ્રોગ્રામ ફોર ઓર્ગેનિક પ્રોડકશન (NPOP) શરૂ કરાતાં વેગ મળ્યો. ત્યારબાદ ઘણી રાજ્ય સરકારની એજન્સીઓ દ્વારા સજીવ ખેતીને પ્રોત્સાહન / વેગ આપવાની શરૂઆત થઈ. આમ ઉત્તરાખંડ, સિક્કીમ અને ઉત્તર પૂર્વના પહાડી વિસ્તાર ધરાવતા રાજ્યો ‘આર્ગેનિક સ્ટેટ’ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. કેટલાક રાજ્યો જેવાં કે મધ્યપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર, બિહાર, હિમાચલ પ્રદેશ વગેરે રાજ્યોએ સજીવ ખેતીના પ્રોત્સાહન માટેની નીતિઓ જાહેર કરી છે.

(૭) સરકારી કાર્યક્રમોમાં સજીવ ખેતીને પ્રાધાન્ય :

            સજીવ ખેતી માટે કોઈ નવા કાર્યક્રમો ઘડવાની જરૂરિયાત નથી પરંતુ વોટરશેડ, એસજીએસવાય, મનરેગા, ફૂડ સીકયોરિટી મિશન, હોર્ટિકલ્ચર મિશન વગેરે ગ્રામ વિકાસ કાર્યક્રમોમાં સજીવ ખેતીને પ્રાધાન્ય આપવાની જરૂર છે. ભારત સરકારે પૂર્વ ભારતના વિસ્તારોમાં હરિયાળી ક્રાંતિ લાવવા માટે ધ્યાન કેન્દ્રિત કરેલ છે જેમાં સજીવ ખેતીને પણ પ્રાધાન્ય આપવાની જરૂર છે.

(૮) સજીવ ખેતી હેઠળ ગામોના કલસ્ટરનો વિકાસ કરવો : 

            મુખ્યત્વે સૂકી ખેતીવાળા વિસ્તારોમાં વોટરશેડ કાર્યક્રમ હેઠળના તાંત્રિક માર્ગદર્શન દ્વારા ગામોના કલસ્ટરનો વિકાસ કરવો કે જેથી ગામોના જૂથોમાં સજીવ ખેતી માટેની સર્ટિફિકેશન પ્રોસેસ અસરકારક અને સરળ બની શકે તેમજ આવા ગામોના જૂથોવાળા વિસ્તારને ‘ઈકોટુરીઝમ’ એટલે કે પ્રવાસી સ્થળ તરીકે પણ વિકસાવી શકાય.

(૯) સજીવ ખેતી હેઠળ ખેડૂતોને પ્રોત્સાહન :

            સજીવ ખેતી અપનાવનાર ખેડૂતો જમીન અને પર્યાવરણને નુકશાન કરતા ન હોઈ તેઓને સરકારે ઈન્સેન્ટીવ દ્વારા પ્રોત્સાહન આપવું જોઈએ.

(૧૦) ખેડૂતોને ટેકો આપનાર એજન્સીઓના સંકલિત પ્રયત્નો :

            કોઈ એક એજન્સી સજીવ ખેતીને પ્રોત્સાહન આપવા માટે અસરકારક રીતે કાર્ય કરે તે શક્ય નથી જેમકે ખાદી અને ગ્રામોદ્યોગ કમિશન દ્વારા વર્મિકમ્પોસ્ટ યુનિટ સ્થાપવા માટે માર્જીન મની પુરા પાડવામાં આવે છે પરંતુ તેના દ્વારા ઉત્પાદિત વર્મિકમ્પોસ્ટના ઉપયોગ પર કોઈ ખાતરી મળતી નથી. તેવી જ રીતે આઈસીએઆર અને રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ પાસે માહિતીનો ખજાનો છે પરંતુ તેઓ પાસે તેના અમલ માટે  નાણાંકીય ટેકો નથી. એટલે જ સજીવ ખેતી માટે સરકારશ્રીના કૃષિ, વેપાર, જળસ્ત્રોત, માનવ સંસાધન, ગ્રાહક બાબતો, વિજ્ઞાન અને ટેકનોલોજી, ટુરીઝમ, સાંસ્કૃતિક વગેરે તમામ  વિભાગોએ સંકલિતપણે પ્રયાસ કરવા જરૂરી છે.  રાજ્ય સરકાર દ્વારા કૃષિ અંગેની નીતિઓ ઘડવામાં આવે છે પરંતુ તેના અમલ માટેના નાણાં કેન્દ્ર સરકાર દ્વારા પુરા પાડવામાં આવતા હોય છે તેથી રાષ્ટ્રીય કક્ષાએ સજીવ ખેતીનો અમલ કરવા માટે દરેક રાજ્યો સરકારોને સાથે રાખીને રાષ્ટ્રીય નીતિ ઘડવી જોઈએ.

(૧૧) સૂકી ખેતી વિસ્તારોમાં સજીવ ખેતીને પ્રોત્સાહન આપી ખાદ્ય સુરક્ષા જાળવવી :

            સૂકી ખેતી હેઠળના વિસ્તારોમાં અંદાજે જાડા ધાન્યોની ખેતી ૮પ ટકા,  કઠોળની ખેતી ૮૩ ટકા, તેલીબિયાની ખેતી ૭૦ ટકા, ડાંગરની ખેતી ૪ર ટકા અને કપાસની ખેતી ૬પ ટકા વિસ્તારમાં થાય છે.  વરસાદની અછત તેમજ હલકી જમીનને કારણે ત્યાં રાસાયણિક ખાતરોનો વપરાશ શક્ય નથી એટલે તે વિસ્તારોને સજીવ ખેતી હેઠળ લાવવા માટેના પ્રયાસો કરવા જોઈએ. આમ  હવામાનની પ્રતિકુળતા ધરાવતા સૂકી ખેતી હેઠળના વિસ્તારોને સજીવ ખેતી હેઠળ લાવી શકાય તેવી અનુકૂળ પરિસ્થિતિઓ છે જેવી કે,

   (1) ખાતરોનો ઓછો વપરાશ થતો હોઈ સજીવ ખેતી માટે અનુકૂળતા છે. 

   (2) ઈનપુટસની કુદરતી પ્રાપ્યતા જેમ કે લીમડો, આકડો, પોંગામિયા વગેરે બાયોપેસ્ટીસાઈડસના સ્ત્રોત માટે   ઉપયોગી છે જે આ વિસ્તારમાં પુરતા પ્રમાણમાં પ્રાપ્ય છે

   (3) ઝિંક, ફોસ્ફેટ, જીપ્સમ અને ચૂનો જેવા મિનરલ્સ પણ વિશાળ જથ્થામાં પ્રાપ્ય છે જે જમીન સુધારણા માટે   અને જમીનમાં પુરતા પોષક તત્વો પુરા પાડવા માટે અગત્યના છે.

   (4) ખેતી સાથે પશુપાલન થતું હોઈ પશુઓના છાણ મારફતે સમતોલ પોષકતત્વો જમીનમાં ઉમેરી શકાય છે.  

(૧ર) લોકોને રોજગારી પુરી પાડવી  :             વરસાદની અનિયમિતતા અને સૂકી ખેતીવાળો વિસ્તાર હોઈ વર્ષ દરમ્યાન પુરતુ કામ નહિ મળી શકે તેવા  લોકોને રોજગારી પુરી પાડી શકાય તેમ છે.આવા વિસ્તારોમાં રહેતા લોકો દુષ્કાળના સમયમાં રોજગાર માટે અન્ય સ્થળોએ જતા રહે છે પરિણામે તે વિસ્તારનો વિકાસ અસમતોલ રહે છે. તેથી  જો સજીવ ખેતી અપનાવી સંકલિત ઉપાયો હાથ ધરવામાં આવે તો લોકોને આખુ વર્ષ કામ મળી રહે. મનરેગા યોજના હેઠળ વોટર હાર્વેસ્ટિંગ અને ઈનપુટ તૈયાર કરવા માટેના કામમાં લોકોને ટેકો આપી શકાય તેમ છે.


સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com

www.krushikiran.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *