ફલોરીકલ્ચર ક્ષેત્રે નવું આયામ – વર્ટિકલ ગાર્ડનિંગ (Vertical gardening – A new dimension in commercial floriculture)

        શહેરી વિસ્તારોમાં લીલોતરીની ઉણપને કારણે તેમાં રહેતી ગીચ વસ્તીના જીવનની ગુણવત્તા ઉપર અસર થાય છે. શહેરોમાં ફલેટમાં રહેતા લોકો ઓછી જગ્યામાં દિવાલ કે છાપરા ઉપર લીલોતરી માટે વર્ટિકલ ગાર્ડન ઉછેરી આકર્ષક દેખાવ પેદા કરી શકે છે. શહેરી વિસ્તારોમાં આવા વર્ટિકલ ગાર્ડન બનાવી જૈવવૈવિધ્યતામાં વધારો કરી શકાય છે. આમ વર્ટિકલ ગાર્ડન માટે વિશાળ તકો રહેલી છે.

        બિલ્ડીંગને આકર્ષક બનાવવા માટે જમીનથી ઊંચે જાળીનો ટેકો પુરો પાડી દિવાલ ઉપર છોડ/વેલ ઉછેરી લીલું જીવંત આવરણ બનાવવામાં આવે છે જેને વર્ટિકલ ગાર્ડન કહે છે. જમીન ઉપર ઊંભુ માળખુ બનાવી તેના ઉપર વિવિધ પ્રકારના છોડ ઉછેરી ચઢાવવામાં આવે છે. આવા છોડ જમીન, પાણી, પથ્થર વગેરે ઉપર પિયત અને નિતારની વ્યવસ્થા ઊભી કરી ઉછેરવામાં આવે છે. બાંધકામવાળા સ્થળ ઉપર છોડ ઉછેરવા એ વર્ટિકલ ગાર્ડન માટે એક મહત્વની બાબત છે. તેમાં ઉછેરેલ છોડ નીચેની જમીન સિવાય તેના ટેકા માટે ઊભા કરેલ માળખામાંથી પાણી અને પોષકતત્વો મેળવે છે. આ એક ખાસ પ્રકારનો શહેરી બગીચો કહી શકાય કે જે ખાસ કરીને દિવાલો, છાપરાં જેવા નાના સ્થળોએ ઊભું માળખુ ગોઠવી છોડને ઉગાડવામાં આવે છે જેમાં દિવાલ સાથે છોડનાં મૂળ મજબૂત રીતે જોડાયેલ રહે છે.

વર્ટિકલ ગાર્ડનનો ઈતિહાસ :      

        વિશ્વમાં સૌ પ્રથમ વર્ટિકલ ગાર્ડન સ્વિટઝરલેન્ડ દેશમાં બનેલ જ્યાંથી તે વિશ્વમાં પ્રસરેલ પરંતુ ભારત દેશના બગીચાઓમાં હજુ પ્રચલિત થયેલ નથી. જો કે વર્ટિકલ ગાર્ડન સ્થાપવા માટે ઊંચો ખર્ચ થાય છે પરંતુ તેના ધ્વારા મળતા પર્યાવરણીય લાભો (જેવા કે સપાટી ઉપર વાનસ્પતિક આવરણ ઉછેરવાથી પ્રદૂષણની અસરમાં થતો ઘટાડો) ધ્યાને લેતાં તે સરભર થઈ શકે તેમ છે. ઈ.સ. પૂર્વે 600 વર્ષ પહેલાં દુનિયાની સાત અજાયબીઓમાં બેબીલોનમાં દિવાલો ઉપર કુદરતી રચના વડે બનાવેલ હેગિંગ ગાર્ડનનો સમાવેશ થાય છે. વિશ્વમાં પ્રથમ વર્ટિકલ ગાર્ડન સને 1990માં  ફ્રેન્ચ વનસ્પતિશાસ્ત્રી પેટ્રિક બ્લાન્કએ બનાવેલ જેમાં હાઈડ્રોપોનિક પદ્ધતિ વડે પિયત અને ખાતર આપવાનું સંકલન કરી છોડનો ઉછેર કરવામાં આવેલ જે વૈશ્વિક ખ્યાતિ પામેલ.

વર્ટિકલ ગાર્ડન ઉછેરવાના લાભો :

(1) લધુત્તમ જગ્યાનો મહત્તમ ઉપયોગ

(2) બગીચાની જાળવણી સારી રીતે કરી શકાય

(3) અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગથી મકાનને રક્ષણ પૂરૂ પાડી શકાય

(4) સૂર્યપ્રકાશની ગરમીને અટકાવી મકાનને ઠંડુ રાખી શકાય

(5) તાપમાન અને ભેજને સ્થિર રાખી શકાય

(6) દિવાલ ઉપર છોડને ઉગાડવા માટે વપરાતા માધ્યમને લીધે અવાજના સ્તરનું પ્રમાણ ઘટાડી શકાય.

(7) ધૂળના રજકણો, અંગારવાયુ અને અન્ય પદાર્થો હવામાંથી આવતા અટકતાં હવાની ગુણવત્તા સુધારી શકાય.

(8) ગોપનીયતા પ્રદાન કરે છે અને દિવાલના અનાકર્ષક દેખાવને છુપાવે છે.

(9) મકાનમાં રાખવામાં આવતા છોડ વધુ ખર્ચાળ દેખાવ આપે છે જે તેમાં રહેનારા લોકોને વધુ આવકારદાયક લાગે છે.  

(10) લીલોતરી ઘરમાંના હવામાનને તંદુરસ્ત રાખે છે.

(11) લીલોતરીવાળું પર્યાવરણ લોકોને સાથે રહેવા અને કામ કરવા માટેનું વાતાવરણ પુરૂ પાડે છે.

(12) જૈવવૈવિધ્યતામાં વધારો કરે છે.

(13) જે તે વિસ્તાર/પ્રદેશમાં થતા સ્થાનિક છોડ/વનસ્પતિને ઉછેરવા માટે પ્રોત્સાહિત કરે છે.

વર્ટિકલ ગાર્ડનના પ્રકારો :   

(1) લીલી રવેશ (Green facades) :

મકાન કે ઈમારતના આગળના ભાગ ઉપર માળખા વડે ટેકો આપી જમીનમાં કે વિવિધ સ્તર ઉપર રાખેલ કન્ટેનરમાં છોડ ઉછેરી દિવાલ ઉપર લીલોતરી કરવામાં આવે છે. દિવાલને લીલોતરીથી સંપૂર્ણ ઢાંકવા માટે વધુ સમય લાગે છે.

 

(2) સ્માર્ટ અને સક્રિય લીલી દિવાલ ( Smart and active green walls) :

   તે દેખાવે પરંપરાગત દિવાલ જેવી લાગે છે પરંતુ કૃત્રિમ બુદ્ધિ (આર્ટિફિસિયલ ઈન્ટેલિજન્સ – AI) અને ટેકનોલૉજીનો ઉપયોગ કરી એકથી વધુ હેતુ માટે બનાવવામાં આવે છે. તેનું સંચાલન અને જાળવણી સ્વયંસંચાલિત રીત વડે થાય છે. તે હવાનું શુદ્ધિકરણ અને ભેજની જાળવણી કરે છે.

   

વર્ટિકલ ગાર્ડન માટે વપરાતા માધ્યમોના લક્ષણો :

(1) વજનમાં હલકું હોવું જોઈએ.

(2) ઊંચો ભેજ પકડી રાખવાની ક્ષમતા ધરાવતુ હોવું જોઈએ.

(3) ઊંચા પ્રમાણમાં પોષકતત્વો જકડી રાખવાની ક્ષમતા ધરાવતું હોવું જોઈએ.

(4) વધુ પ્રમાણમાં છિદ્રાળું હોવું જોઈએ.

(5) તટસ્થ પીએચ આંક ધરાવતું હોવું જોઈએ.

        છોડના ઉછેર માટે માધ્યમ તરીકે કોકપીટ, પરલાઈટ, સ્ફેગનમ મૉસ, વર્મિક્યુલાઈટ, વર્મિકમ્પોસ્ટ, છાલ અને પાનનો કાતરેલ ભૂકો વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. માધ્યમ તરીકે માટીનો ઉપયોગ તે વજનમાં વધારો કરતુ હોઈ કરવામાં આવતો નથી.

જીવંત દિવાલ બનાવવા માટે વપરાતા માધ્યમોના પ્રકાર :

(1) પોચું માધ્યમ/લૂઝ મીડિયા (Loose media) :  

        બેગમાં માટી ભરી છોડ ઉછેરવા માટે છાજલી કે દિવાલ ઉપર લગાવવામાં આવે છે. આમાં વર્ષમાં એક વખત કે બે વર્ષમાં એક વખત માધ્યમને બદલવું પડે છે.

(2) મેટ મીડિયા (Mat media) :

                તેમાં નાળિયેરના છોડામાંથી બનાવેલ કાથી કે સાદડીનો ઉપયોગ કરવામાં આવે છે. તે એકદમ પાતળું અને એકથી વધુ સ્તરમાં માધ્યમ તરીકે વપરાય છે. પરંતુ તે ત્રણ થી પાંચ વર્ષ સુધી છોડના મૂળને ટેકો પૂરો પાડે છે ત્યારબાદ મૂળમાં વધારો થતાં મૂળ પુરતું પાણી મેળવી શકતું નથી.

(3) સ્ટ્રક્ચરલ મીડિયા (Structural media) :

        વિવિધ માપ આકાર અને જાડાઈ ધરાવતા બ્લોક્સ (Blocks) બનાવી તેનો ઉપયોગ ઉત્તમ માધ્યમ તરીકે કરવામાં આવે છે. આ માધ્યમનો ફાયદો એ છે કે તે 10 થી 15 વર્ષ સુધી ભાંગતૂટ વિના વાપરી શકાય છે. છોડની પસંદગી મુજબ પાણી રાખવાની ક્ષમતામાં વધઘટ કરી શકાય છે. છોડની જરૂરિયાત મુજબ પીએચ અને ઈસી નક્કી કરી શકાય છે તથા સહેલાઈથી છોડની જાળવણી અને ફેરબદલ કરી શકાય છે.

વર્ટિકલ ગાર્ડનને અનુકુળ છોડના લક્ષણો :-  

(1) છોડ ફ્રેમની બંને બાજુ રોપીને ઉછેરી શકાય તેવા હોવા જોઈએ.

(2) સામાન્ય રીતે છોડ ગીચ, ઘનિષ્ઠ રીતે સંકળાયેલ અને ઓછી વૃદ્ધિ કરે તેવા હોવા જોઈએ.

(3) ઠીંગણા કદના ફૂલો અને પર્ણગૂચ્છવાળા છોડ હોવા જોઈએ.

(4) છીછરા મૂળ ધરાવતા છોડ હોવા જોઈએ.

(5) સૂર્યપ્રકાશમાં થતા ઠીંગણા પ્રકારના ફૂલછોડ પસંદ કરવા જોઈએ જેવા કે, એલીસમ, પેન્સી, જળકુંભી (નેસ્ટુર્ટિયમ) વગેરે

(6) છાંયામાં થતા પર્ણગૂચ્છ અથવા ફૂલછોડ પસંદ કરવા જોઈએ. દા.ત. બિગોનિયા, આફ્રિકન વાયોલેટ, પેપ્રોમિયા, ઝેબ્રિના, પેન્ડચુલા વગેરે  

(7) વર્ટિકલ ગાર્ડનમાં છાંયામાં થતા અને સૂર્યપ્રકાશમાં થતા એમ બંને પ્રકારના છોડ સાથે ઉછેરવા જોઈએ નહિ.

વર્ટિકલ ગાર્ડનનું બાંધકામ અને સ્થાપન :  

(ક) જીવંત દિવાલ (Living walls)

(1) હાઈડ્રોપોનિક ગ્રીન વોલ (Hydroponic green wall) :

                તેમાં મોડયુલર કન્ટેઈનર્સ અથવા મોટી પેનલોનો ઉપયોગ કરવામાં આવે છે. દિવાલ અને પાછળની શીટ વચ્ચે ખાલી જગ્યા રાખવામાં આવે છે. છોડના ઉછેર માટે કન્ટેઈનરમાં ઉછેર માટેનું માધ્યમ પૂરૂ પાડવામાં આવે છે. હાઈડ્રોપોનિક પદ્ધતિમાં નિયમિત રીતે છોડના ઉછેર માટેના દ્રાવણની ચકાસણી કરવામાં આવે છે.

(2) સબસ્ટ્રેટ બેઈઝડ સીસ્ટમ (Substrate based system)

                દિવાલ અથવા ફ્રેમવર્કમાં કન્ટેઈનર્સ અથવા પ્લાસ્ટિક કે ધાતુમાંથી બનાવેલ ફાયબર બેગનો ઉપયોગ કરી તેમાં રાખેલ માધ્યમ વડે છોડને ઉછેરવામાં આવે છે. આ હેતુ માટે ધાતુની જાળી (Metal grid) નો પણ ઉપયોગ કરવામાં આવે છે.

(ખ) લીલી રવેશ (Green facades) :

(1) વેબિંગ મેટલ ગ્રિડ ટેકનિક (Webbing metal grid technique) :

                આ એક સાદા પ્રકારે બનાવાતી લીલી રવેશ છે. તેમાં દિવાલ અને સાદડી જેવી જાળી (વેબર) વચ્ચે 30 મિ.મી.ની જગ્યા છોડવામાં આવે છે. દિવાલના માપ મુજબ તેને સંપૂર્ણ આવરિત કરવા માટે 5 થી 10 વર્ષનો સમય લાગે છે.

(2) કેબલ એન્ડ વાયર-રોપ નેટ સીસ્ટમ (Cable and wire-rope net system) :

                ઝડપથી વધતા વેલાને કેબલ સારો ટેકો પુરો પાડે છે. જ્યારે વાયર-નેટ ધીમે ઉછરતા વેલાઓને ટેકો આપે છે. ઉચ્ચ તાણયુક્ત સ્ટીલ કેબલનો ઉપયોગ કરી ક્રોસ કલેમ્પ્સ વડે તારનાં દોરડાં (વાયર રોપ્સ) વાપરી વિવિધ પ્રકારની રચનાઓ તૈયાર કરવામાં આવે છે.

(3) લાકડાની જાળી (Wooden trellises) :

                તે મોટે ભાગે ઓછા પ્રમાણમાં ઉપયોગમાં લોવામાં આવે છે કારણ કે હવામાનને કારણે લાકડાને સહેલાઈથી નુકસાન થાય છે.

પિયત અને છોડનું પોષણ :

  • ઓટોમેશન એકમ અને ડ્રિપર ધ્વારા પાણીનો લઘુત્તમ વપરાશ થાય તે રીતે પિયત આપવું જોઈએ. દૈનિક ચોરસ મીટર દીઠ 2 થી 5 લિટર પાણીની સરેરાશ જરૂરિયાત રહે છે. હાઈડ્રોપોનિક ગ્રીન વૉલ સીસ્ટમમાં દૈનિક ચોરસ મીટર દીઠ 0.5 થી 2.0 લિટર પ્રવાહી દ્રાવણની જરૂરિયાત રહે છે. પાણીના રીસાયકલ માટે તળિયે નિતાર ટ્રે આપવામાં આવેલી હોય છે.
  • સેન્દ્રિય અને અકાર્બનિક પ્રકારના ખાતરો આપી શકાય છે.

        વર્ટિકલ ગાર્ડનને સારી વ્યવસ્થા પદ્ધતિઓના ઉપયોગ કરી લાંબા સમય સુધી જાળવી જીવંત રાખી શકાય છે જેવી કે, વેલાવાળા છોડની સારી રીતે જાળવણી કરવી, નિયમિત તપાસ રાખી પિયત/ફર્ટિગેશન આપવું, પુરતા પ્રમાણમાં સમયસર પોષકતત્વો પૂરાં પાડવાં, છોડ ઉછેરના માધ્યમને સારી સ્થિતિમાં રાખવું, વધારાના પાણીના યોગ્ય નિતાર માટેની વ્યવસ્થા અને જાળવણી કરવી, બાંધકામમાં સારી જાતના મટીરિયલ્સનો ઉપયોગ કરવો વગેરે.

વર્ટિકલ ગાર્ડન માટે અનુકૂળ છોડ :  

(ક) જીવંત દિવાલ માટે (For living walls):

            દિવાલની સપાટીને આવરિત કરવા મોટે ભાગે લીલી જીવંત વાડ બનાવવા માટે મોટે ભાગે હરબેસીયસ એટલે કે વરસોવરસ ઉગી નીકળે તેવી જાતો, બારમાસી છોડ અને નાનાં ઝાડવાંનો ઉપયોગ કરવામાં આવે છે. ઊંડાં મૂળવાળા છોડનો ઉપયોગ કરવામાં આવતો નથી કારણ કે તે દિવાલને નુકસાન પહોંચાડે છે. કુદરતી રીતે ખડકોમાં ઊગી નીકળતા ખાસ પ્રકારના છોડ (ક્રેનોફાઈટસ – Cremnophytes) આ માટે વધુ અનુકુળ છે. હાઈડ્રોપોનિકસ પદ્ધતિમાં ઓર્કિડઝ અને શેવાળ/લીલ જેવા એપિફાઈટસ (Epiphytes) એટલે કે હવા અને વરસાદ ધ્વારા ભેજ અને પોષકતત્વો લઈ શકે તેવા છોડ વધુ સારા માલૂમ પડે છે.

બાહ્ય જીવંત દિવાલ માટે સૂર્યપ્રકાશ યુક્ત વિસ્તાર માટે :

  • વિસ્તારને આવરિત કરે
  • નાના કદ ધરાવતાં ઝાડવાં
  • બારમાસી ફૂલો આપતા
  • કાયમી ફૂલો આપતા
  • ખાદ્ય છોડ

જીવંત દિવાલ માટે છાંયા યુક્ત આંતરિક વિસ્તાર માટે

  • ઝેબ્રિના (Zebrina pendula)  
  • મની પ્લાન્ટ/ગોલ્ડન પોથસ (Scindapsus aureus)
  • સેટક્રેશીયા/પર્પલ હાર્ટ પ્લાન્ટ (Setcreasea spp.)
  • સ્પાયડર પ્લાન્ટ/ક્લોરોફાયટમ (Chlorophytum comosum)
  • ફ્લેમ વાયોલેટ – એપિસ્કીયા (Episcia cupreata)
  • અર્થ સ્ટાર પ્લાન્ટ/ક્રીપ્ટેન્થસ (Cryptanthus spp.)
  • ફર્ન જેમ કે હંસરાજ (Ferns)
  • પેપ્રોમિયા (Pepromia spp.)
  • સિંગોનિયમ (Syngonium podophyllum)

(ખ) લીલી રવેશ (For green facades – Green screens) 

            કોઈપણ વેલાવાળી છોડ લીલી રવેશ બનાવવા માટે વાપરી શકાય છે જેમાં અત્રે દર્શાવેલ છોડનો ઉપયોગ થાય છે.

(1) દ્રાક્ષ (Vitis spp.), ઝૂમકા લતા (પેશન ફલાવર – Passion flower, Passiflora), ફલેમ વાઈન (પાયરોસ્ટેગિયા – Pyrostegia) વગેરે જેવા કુમળા વેલા

(2) થડ અથવા પાન સાથે જોડાયેલા છોડ જેવા કે,

  • મોરવેલ (Morvel, Clematis gouriana)  
  • લસણવેલ (Garlic vine, Adenocalyma alliaceum)
  • જૂઈ (Jasminum auriculatum/Jasminum grandiflorum)

(3) છોડ કે જે હવાઈ મૂળ કે થડે મૂળ ધરાવે છે જેવા કે,

  • આઈવી (IVY, Hedera helix/Hedera hibernica)
  • તિલોત્તમા (Tecoma, Tecoma radicans)
  • સેરીમેન, સ્વીસ ચીઝ પ્લાન્ટ (Ceriman, Swiss cheese plant, Monstera spp.)
  • ફિલોડૅન્ડ્રોન (Phelodendron spp.)

(4)  કોઈપણ ટેકા વગર થઈ શકે તેવા છોડ જેવા કે,

  • બોગનવેલ (Bougainvillea spp.)                                 
  • ગુલાબ (Rosa spp.)  
  • નીલમણિ લતા (Purple wreath, Petrea volubilis)
  • સદોરી/પડદાવેલ/વર્નોનિયા (Vernonia elaeagnifolia)
  • મધુમાલતી/રંગુનવેલ (Quisqualis indica)
  • થનબર્ગિયા (Clock vine, Thunbergia)
  • સ્ટિગ્માફાયલોન (Stigmaphyllon peripocifolium)
  • ગોલ્ડ ક્લાઈમ્બર, ઓસ્ટ્રેલિયન ગોલ્ડ વાઈન (Tristellateia australis)   

        લાંબા સમય માટે જીવંત દિવાલને જાળવવા માટે નીચે જણાવેલ બાબતોએ ભવિષ્યમાં ઝોક આપવો જરૂરી છે.

(1) છોડને ઉછેરવા માટે અનુકુળ માધ્યમ (દા.ત. જમીન, પરલાઈટ, વર્મિકમ્પોસ્ટ, કોકોપીટ વગેરે) ના યોગ્ય ધોરણો નક્કી કરવા જોઈએ.

(2) અનુકુળ આવે તેવા ખાતરો પસંદ કરી આપવાં જોઈએ જેવા કે જૈવિક ખાતરો, જૈવ જંતુનાશક અને સેન્દ્રિય ખાતરો.

(3) ટેવ, ઊંચાઈ, પાણીની જરૂરિયાત, ક્ષાર પ્રતિકારક, છાંટણી અને તાલીમની ક્ષમતા વગેરેને ધ્યાને લઈ અનુકુળ છોડની પસંદગી કરવી.

(4) પિયતના પાણીનો ફેરઉપયોગ કરવો.

સારાંશ :

       ખાસ કરીને ગીચ વસ્તી ધરાવતા શહેરી વિસ્તારોમાં કે જ્યાં જમીન મર્યાદિત છે તે વિસ્તારોમાં વર્ટિકલ ગાર્ડન ધ્વારા છોડ ઉછેરવાની ઉત્તમ તકો રહેલી છે. શહેરી વિસ્તારોમાં પર્યાવરણની જાળવણી કરવા માટે મકાનો અને તેની આજુબાજુના વિસ્તારોમાં લીલોતરી ઉગાડવી જરૂરી છે. શહેરોમાં વર્ટિકલ ગાર્ડનનો યોગ્ય રીતે અમલ કરવામાં આવે તો પર્યાવરણની ગુણવત્તામાં સુધારો કરી શકાય.


સ્ત્રોત : ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, જાન્યુઆરી 2020


સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com

www.krushikiran.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *