શાકભાજી તરીકે અથાણા કાકડીની આર્થિક ક્ષમતા (Economic potential of gherkin vegetable    

                કાકડી એ કુકરબીટેસી કુટુંબનો છોડ છે જે અથાણા કાકડી (Pickling cucumber કે Gherkin) તરીકે ખ્યાતનામ છે જેનું વૈજ્ઞાનિક નામ Cucumis  anguria, L છે. ભારતમાંથી નિકાસ થતી કાકડીના કાર્ય, સ્પર્ધાત્મકતા, મુખ્ય ગંતવ્ય સ્થાન અને તેના નિર્ણાયક પરિબળો વિષેનો અભ્યાસ થયો છે. વિશ્વમાં ભારત કાકડી અને અથાણા કાકડીની શિપિંગ ધ્વારા નિકાસ કરતો મોટો દેશ છે. સને 2020-21 દરમ્યાન ભારતમાંથી 2,23,000 મે ટનથી પણ વધારે કાકડીની નિકાસ કરવામાં આવેલ જેનું મૂલ્ય 2,230 લાખ યુએસ ડોલર હતું. અથાણા કાકડીની નિકાસ વિશ્વના 20 થી વધુ દેશોમાં થાય છે જેમાં મુખ્યત્વે યુએસએ, ફ્રાન્સ, જર્મની, રશિયા, ચીન, ઓસ્ટ્રેલિયા, સ્પેન, સાઉથ કોરીયા, કેનેડા જાપાન, બેલ્જીયમ વગેરે દેશોનો સમાવેશ થાય છે.  

        અથાણા કાકડી એ નાજૂક વેલાવાળો, વર્ષાયુ છોડ છે જેના આખા છોડ ઉપર કઠણ વાળ જેવી રૂવાંટી આવેલી હોય છે. તેમાં ફળો અંડાકાર થી લંબગોળ આકાર ધરાવે છે જે 4 થી 5 સે.મી. લાંબા અને તેની છાલનો રંગ ફીક્કો લીલો જે પાકતાં હાથીદાંત જેવા આઈવરી રંગમાં બદલાય છે. તે અંદરના ભાગે લીલાશ પડતો અને 3 થી 5 મિ.મી લાંબાં સુવાળા સફેદ બીજ ધરાવે છે.  

અથાણા કાકડીનું પોષણ મૂલ્ય 

વિટામિનો જથ્થો/100 ગ્રામ ખનીજતત્વો જથ્થો/100 ગ્રામ
થાયામિન (B1) 0.027 મિ.ગ્રા. કેલ્શિયમ 16 મિ.ગ્રા.
રાઈબોફ્લેવિન (B2) 0.033 મિ.ગ્રા. આયર્ન 0.28 મિ.ગ્રા.
નિયાસિન (B3) 0.098 મિ.ગ્રા. મેગ્નેશિયમ 13 મિ.ગ્રા.
વિટામિન સી 2.8 મિ.ગ્રા. પૉટેશિયમ 147 મિ.ગ્રા.
વિટામિન કે 16.4 મિ.ગ્રા. ફોસ્ફરસ 24 મિ.ગ્રા.

        કાકડી એ ભારતનું વતની છે જેની ભારતમાં 3,000 વર્ષથી ખેતી થાય છે. અથાણા માટે વપરાતી કાકડીને વેપારી ભાષામાં ગેરકિન (Gherkin) કહે છે. તેની વાવણી વર્ષની દરેક ઋતુમાં કરી શકાય છે.  તે ગ્રામ્ય વિસ્તારના જમીનધારક ખેડૂતો અને જમીન વિહોણા મજૂરોના કુટુંબજનોને રોજગારીની તકો પુરી પાડે છે. ભારત પરંપરાગત રીતે કાકડીનું ઉત્પાદન કરતો દેશ છે અને સને 1980 બાદ તેના નિકાસની તકો શરૂ થયેલ અને પ્રતિવર્ષે તેની નિકાસ ઉત્તરોત્તર વધવા પામી છે. યુરોપમાં કાકડીના ઉત્પાદનનો ખર્ચ      ઊંચો થવાથી ટર્કી દેશમાં તેનું વાવેતર વધ્યું. ભારતના ખેડૂતોએ કાકડીની નિકાસ માટેની તકોને જાણી તેના ઉત્પાદન તરફ વળ્યા. ભારતમાં કાકડીના ઉત્પાદન માટે કર્ણાટક, તામિલનાડુ અને આંધ્રપ્રદેશ એમ ત્રણ રાજ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. તેનો સ્વાદ ભારતીયોને ગમતો નથી. પરંતુ ઘણા યુરોપિયન દેશો અને યુએસમાં તેને ખોરાકના એક ઘટક તરીકે લેવાય છે એટલે જ ભારતમાં અથાણા કાકડી પેદા કરી તેની નિકાસ કરવામાં આવે છે જેની કોઈ સ્થાનિક બજારમાં ઘરેલું માંગ નથી સિવાય કે પંચતારક હોટલો.

        આજના ઊભરતા વેપારના પરિપ્રેક્ષ્યમાં તેનો ખર્ચ અને ગુણવત્તા, વિશ્વ બજારમાં તેની માંગ અને ગતિશીલતા નક્કી કરે છે. ભારત સાનુકુળ ખેતી આબોહવા પરિસ્થિતિ ધરાવતો દેશ હોઈ અને મજૂરો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોઈ વર્ષ દરમ્યાન ઊંચી ગુણવત્તા ધરાવતી અથાણા કાકડીનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં નિકાસ માટેના તમામ જરૂરી માપદંડ ધરાવે છે.


સ્ત્રોત : ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, એપ્રિલ – 2023


સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com

www.krushikiran.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *