એપિટોક્સીન : એક ઊંચુ મૂલ્ય ધરાવતી મધમાખીની પ્રોડક્ટ (Apitoxin: A high value honey bee product)

            મધમાખીપાલન એ મધમાખી ઉછેરવાની પદ્ધતિ છે કે જેના ધ્વારા માનવજાત માટે ઉપયોગી મધનું ઉત્પાદન કરવામાં આવે છે. મધ એ મધમાખીની બનાવટોમાં વધુ પ્રખ્યાત બનાવટ છે જે એક મહત્વનું અને આર્થિક રીતે માંગ ધરાવતું ઉત્પાદન છે પરંતુ આ સિવાય પણ ઓછી પ્રખ્યાત એવી મધમાખીની બનાવટ બી વેનમ (Bee Venom) એટલે કે મધમાખીનું ઝેર છે.  

        બી વેનમ એ પારદર્શક પ્રવાહી છે જે મધમાખીના ડંખવાળા ભાગમાં આવેલ ઝેરની કોથળીમાં હોય છે. જ્યારે મધમાખીને કોઈ ભય લાગે ત્યારે તેવી પરિસ્થિતિમાં મધમાખી ડંખ મારે છે જેનાથી લકવાની અસર થાય છે આથી તે એક ભયજનક બાબત છે.

        બી વેનમની બહુવિધ અસરો ઔષધિવિજ્ઞાનમાં જણાવેલ છે જેવી કે, પ્રતિવિકૃતિજન્ય (એન્ટિ મ્યુટેજેનિક), પીડા સંવેદનરોધી, રેડિયો રક્ષણાત્મક, યકૃતને નુક્સાનથી બચાવનાર, કોષરક્ષક, પ્રતિ ઓક્સીકારક (એન્ટિઓક્સીડેન્ટ), પ્રતિજૈવિક (જીવાણુનાશક), વિષાણુ વિરોધી (એન્ટિવાયરલ), બળતરાવિરોધી, ચેતા રક્ષણાત્મક, સંધિવા વિરોધી, મેટાસ્ટેટિક વિરોધી અને ગાંઠ (ટ્યુમર) વિરોધી વગેરે.  

બંધારણ :  

        બી વેનમ એ ઘણા ક્રિયાશીલ પદાર્થો જેવા કે, હિસ્ટામિન્સ, એપામિન, એક્થિનેઝ, એચસીએલ, ફોર્મિક એસિડ, ઓર્થોફોસ્ફરિક એસિડ, સલ્ફર, કેલ્શિયમ, કોપર અને મેગ્નેશિયમ સલ્ફેટ વગેરેની જટીલ બનાવટ છે વેનમમાં 88 ટકા જેટલું પાણી હોય છે. ઓરડાના તાપમાને તેને સૂકવવામાં આવે છે જેમાં પ્રવાહી વજનના 30 થી 40% પદાર્થ મળે છે.

બી વેનમમાં રહેલા મહત્વના સક્રિય સંયોજનો :  

(1) મેલિટ્ટીન (Melittin) :

      આ બી વેનમનો મુખ્ય ભાગ છે જેનું પ્રમાણ બંધારણમાં 40 થી 60 ટકા રહેલું છે. તે છીદ્રોની રચના તરફ દોરે છે જે રક્તકોષ વિઘટન, પ્રતિજૈવિક, ફુગવિરોધી અને ગાંઠ વિરોધી પ્રવૃત્તિઓ કરે છે અને વધુ મહત્વના એક સક્રિય સંયોજન પીએલએર (PLA2) ને સક્રિય બતાવે છે. વ્યક્તિગત રીતે તે સંધિવા વિરોધી તરીકે ઉપયોગમાં લેવાય છે.  

(2) એપામિન (Apamin) :

        તે બી વેનમમાં આવેલ સૌથી નાનું ચેતાવિષ (ન્યુરોટોક્સીન) છે. તે વસ્ક્યુલર સ્મૂથ મસલ સેલ (VSMC) ના વિકાસને અવરોધે છે અને તે ધમની કાઠિન્ય (એથરોસ્કલેરોસિસ) ની સારવારમાં વપરાય છે.  

(3) મસ્ટ સેલ ડીગ્રેન્યુલેટિંગ પેપ્ટાઈડ :

        તે એપામિન જેવો જ પદાર્થ છે અને તે બી વેનમના સૂકા વજનના 2 થી 3 ટકા જેટલો હોય છે. તે એપિલેપ્ટોજેનિક ચેતાવિષ (ન્યુરોટોક્સીન) તરીકે જાણીતો છે.  

(4) એડોલાપિન (Adolapin) :

            તે એક પોલીપેપ્ટાઈડ છે જે માનવના પ્લેટલેપ્સમાંથી લિપોક્સીજીનેઝને અવરોધે છે અને પીડાને અસર કરે છે. સંશોધન મુજબ તે બળતરાવિરોધી, પીડાસંવેદનરોધી, અને તાવ ઉતારવાની અસર ધરાવે છે.  

(5) ફોસ્ફોલિપેઝ એ (PLA2) :  

        આ બી વેનમમાં રહેલ મુખ્ય ઝેરી ઉત્સેચક છે જે વધુ આલ્કાઈન છે. મેલિટિન તેની ક્રિયામાં વધારો કરે છે અને તે ન્યુરોપ્રોટેક્ટીવ અસર કરે છે. પ્રયોગો ધ્વારા તેનો ઉપયોગ દમ (અસ્થમા), ચિત્તભ્રંશ (અલ્ઝઆઈમરનો રોગ) અને કંપવાત (પાર્કિન્સન રોગ) રોગમાં અસરકારક જણાયેલ છે.  

(6) હાયએલુરોનિડેજ (Hyaluronidase) :

            તે બી વેનોમના સૂકા વજનના 1.5 થી 2 ટકા હોય છે અને તે રૂમેટોઈડ સંધિવામાં પેશીઓમાં રહેલ હાયએલુરોનિક એસિડનું વિઘટન કરનાર તરીકે  જાણીતા છે. તે બી વેનોમને તેનો ભાગ બનનારની પેશીઓની માળખાકીય અખંડિડતાને અસર પહોંચાડે છે તથા લોહીના પ્રવાહમાં વધારો કરી અસરકારક રીતે પ્રસરણ કરે છે.  

ભારતમાં બી વેનમનો ફેલાવો અને ભાવિ :

        સને 2022ના ઓગષ્ટ માસમાં વિશ્વમાં બી વેનમની મોટા ભાગની આયાત દક્ષિણ કોરીયા, ન્યુઝીલેન્ડ અને જર્મની એમ ત્રણ દેશોમાંથી થતી હતી. તેની આયાત કરનાર પ્રથમ ત્રણ દેશોમાં ભારત, ઈન્ડોનેશિયા અને વિયેટનામ છે. બી વેનમના એક ગ્રામની કિંમત ` 5000 થી 15,000 ની આસપાસ છે. બી વેનમનું અત્યાધુનિક પ્રક્રિયાથી એકત્રિકરણ અને માર્કેટિંગ કરવામાં આવે છે. તેનો ઉપયોગ સૌંદર્યપ્રસાધનો (કોસ્મેટિક્સ) અને ઔષધ ઉદ્યોગમાં થાય છે. ભારત દેશ એ પણ વેનમનું ઉત્પાદન કરી તેનો ઉપયોગ કરવો જોઈએ. કર્ણાટક અને કેરાલા રાજ્યના કેટલાક મધુપાલકોએ એપિટોક્સીનના ઉત્પાદન અને માર્કેટિંગમાં આગેવાની લીધી છે.  

        કર્ણાટક રાજ્યના કડબાગેરે ગામના હની ડે બી ફાર્મના માલિક શ્રી ગુરૂપ્રસાદ રાવ કહે છે કે, પશ્ચિમમાંથી આયાત કરેલ બી વેનમ કરતાં ભારતીય બી વેનમની ગુણવત્તા વધુ ચડિયાતી છે. ભારતના મધુપાલકો મુખ્યત્વે યુરોપિયન મધમાખી (European honey bee, Apis mellifera) અને એશિયન મધમાખી (Asiatic honey bee – Apis ceruna) નો ઉપયોગ કરી તેમાંથી મુખ્યત્વે એપિટોક્સીનનું ઉત્પાદન કરે છે.  

        નિષ્ણાતોના જણાવ્યા મુજબ 1 થી 2 ગ્રામ બી વેનમને લેવા માટે અંદાજે 5 થી 10 મિનિટનો સમય લાગે છે જે માટે 18 થી 20 કોલોનીની જરૂર પડે છે. કર્ણાટકના કેટલાક મધુપાલકોએ બી વેનમનું ઉત્પાદન કરી દવા બનાવતી કંપનીઓને વેચાણ કરવાનું શરૂ કરેલ છે.   

એકત્ર કરવાની પદ્ધતિઓ :    

        એપિટોક્સીનને એકત્ર કરવાની રીત ઝીણવટ ભરેલી અને નફાકારક પ્રક્રિયા છે જે કુશળતા અને ધીરજ માંગી લે છે.   

(1) ભૌતિક રીત :

        એક લાકડાના ફ્રેમની  આજુબાજુ તાંબા કે સ્ટીલના વાયરો વિંટાળી અને તેને વારાફરતી ચાર્જ કરવામાં આવે છે જેથી જ્યારે મધમાખી તેના સંપર્કમાં આવે ત્યારે તેને આંચકો લાગતાં ભય થવાથી તે વેનમ બહાર કાઢે છે જેને એકત્ર કરી સંગ્રહવામાં આવે છે.   

(2) રાસાયણિક રીત :

        એક બરણીમાં મોટી સંખ્યામાં મધમાખીઓ રાખી તે બરણીને ઈથરથી ભીંજવેલ ફિલ્ટર પેપરથી વીંટાળો જેનાથી મધમાખીઓ ખીજવાશે અને વેનમને છોડવામાં મદદ કરશે. વેનમને બરણીની દિવાલ ઉપરથી બાસ્પીભવન ધ્વારા એકત્ર કરો.   

(3) હાશ વડે :

        ખાસ પ્રકારની ચાસણીનો ઉપયોગ કરી મધમાખીઓને પકડી તેને કાચની તકતી ઉપર મૂકતાં મધમાખીએ છોડેલ વેનમને કાઢી એકત્ર કરવું.   

બી વેનમનો ઉપયોગ કરવાની પદ્ધતિઓ :

(1) કુદરતી રીત :

        આ વેનમનો ઉપયોગ કરવાની અસરકારક રીત છે. જ્યાં ડંખ મારવાનો હોય તે ભાગને ધોઈ નાખવો અને ચામડી નીચે ઈન્જેક્શન દાખલ કરી સોય મારવી. ખાસ પ્રકારની ચાસણી વડે મધમાખીને પકડી ચામડી ઉપર 2 થી 3 મિનિટ રાખી મૂકવી. ધીમેથી ડંખ મારતાં શરીરમાં વેનમ દાખલ થશે અને ત્યારબાદ તેની અસર આખા શરીરમાં વર્તાશે.   

(2) ઈન્ટ્રાક્યુટેનીયસ ઈન્જેક્શન :  

        ખાસ પ્રકારની સોય વડે અંદાજે 0.1 થી 0.3 મિ.લિ. વેનમ શરીરમાં ઈન્જેક્શન ધ્વારા આપવામાં આવ છે. તેનો મુખ્ય ફાયદો એ છે કે વેનમનો સંગ્રહ કરી શકાય છે અને જ્યારે જરૂર જણાય ત્યારે તેનો ઉપયોગ કરી શકાય છે.  

(3) ઈલેક્ટ્રોફોરેસિસ :

        ઈલેક્ટ્રોફોરસિસને ગુજરાતીમાં વિદ્યુતકણ-સંચલન કહેવાય. ચામડી મારફતે દવા આપવાની આ એક પદ્ધતિ છે. એક લિટર પાણીમાં 0.4 થી 0.5 મિ.ગ્રા. વેનમને ઓગાળવું અને દરરોજ તેના જથ્થા અને સમયમાં વધારો કરી નાના જથ્થામાં શરીરમાં દાખલ કરવામાં આવે છે.  

(4) મલમ (ઓઈન્ટમેન્ટ) :

        એપિટોક્સીન, વેસેલીન અને સેલિસિલિક એસિડને 1:10:1 ના પ્રમાણમાં લઈ એકરૂપ થાય તે રીતે મિશ્ર કરી મલમ બનાવવો.   

(5) ઈન્હેલેશન :

        ઉકળતા પાણીમાં બી વેનમ નાખી તેની સંતૃપ્ત વરાળને શ્વાસમાં લેવી.  

રોગોની સારવાર માટે બી વેનમનો ઉપયોગ :

        બી વેનમ એ માનવીની સારવાર માટે સલામત છે. પુખ્ત વયના માણસ માટે તેનું મધ્યમ મારક પ્રમાણ (એલડી 50) એક કિ.ગ્રા. શરીરના વજન મુજબ 2.8 મિ.ગ્રા.વેનમ છે. સામાન્ય રીતે માણસે બી   વેનમને પોતાના ફાયદા માટે મેળવવા અને ઉપયોગ કરવાના રસ્તાઓ શોધી કાઢેલ છે જેમ કે એમ્પ્યુલ્સ, રેડી-ટુ-ઈન્જેક્ટ, ક્રીમ (ફોરાપિન, એપિકોસાન, એપિવેન) વગેરેનો ઉપયોગ હાયપરટેન્શન દર્દીઓ અને આંખના રોગોમાં થાય છે. એકંદરે વિવિધ કારણોત્તર બી વેનમનું માર્કેટ ઘણું ઓછું છે. તે વિલક્ષણ ઝેરી અને હીલિંગ ગુણ ધરાવતું હોઈ ઔષધિમાં અગ્રણી છે. બી વેનમ થેરેપીનો ઉપયોગ વૈકલ્પિક દવાના  અભિગમ તરીકે સંધિવા, પેશીઓનું સખ્ત થવું (સ્કેલેરોસિસ), સ્વયંપ્રતિરક્ષા રોગ (લ્યુપસ), ગૃધ્રસી પીડા (સાયટિકા), પીઠનો દુઃખાવો અને ટેનિસ એલ્બો વગેરે રોગોમાં વપરાય છે.   

સૌંદર્યપ્રસાધન (કોસ્મેટિક) ઉદ્યોગમાં બી વેનમનો ઉપયોગ :   

        બી વેનમ પ્રતિજૈવિક અને પ્રતિજીવાણુના ગુણો ધરાવતું હોઈ તેનો ઉપયોગ ક્લીનર્સ, મોશ્ચ્યુરાઈઝ (ત્વચાને ભેજયુક્ત કરવા) ચામડીનો ઈલાજ, ખીલની સારવાર વગેરે માટે થાય છે. બી વેનમને સૌંદર્યપ્રસાધનની બનાવટમાં ઉમેરવાથી ચામડી સારી બને છે જે તેમાં રહેલ હાયએલુરોનિક એસિડ પદાર્થને આભારી છે અને તેના કારણે ચામડી પુષ્ટ અને જળયુક્ત બનતાં ઉંમર ઓછી જણાય છે. તે નેચરલ બોટોક્સ તરીકે કામ કરે છે એટલે કે સોયના ઉપયોગ વિના ત્વચાને ભેદીને અંદર દાખલ થાય છે.

બી વેનમની એલર્જી :

       ઘણા રોગોની સારવારમાં બી વેનમનો ઉપયોગ થાય છે. જો તેની સારવારમાં વપરાતી માત્રા કરતાં 10 ગણી માત્રા હોય તો તે ઝેરી છે અને તેથી વધુ સાંદ્રતા હોય તો તે 100 ગણુ ઝેરી એટલે કે મારક છે. તેનાથી સંવેદનશીલ લોકોમાં બેચેની, ઊલટી અને ઝાડાના લક્ષણો જોવા મળે છે. મોટા ભાગના લોકો કે જે લાંબા સમયથી મધમાખી સાથે કામ કરતા હોય તેઓ મધમાખીના ડંખ સામે રોગપ્રતિકારકતા ધરાવે છે. કેટલીક વ્યક્તિઓ બી વેનમ સામે એલર્જીની અધિક પ્રતિક્રિયા દર્શાવે છે. જો બી વેનમની એલર્જી થયેલ હોય તો તેઓએ કેલ્શિયમ-સેન્ડોઝ, એપિનેફ્રીન, એન્ટિહિસ્ટેમાઈન્સ, એન્ડ્રેલિન અને સર્જીકલ સ્પિરિટમાં કેલેન્ડયુલા ઓફિસિનાલિસ (Calenoula officinalis) ધરાવતી ક્રીમની માવજત કરવી જોઈએ.   

સારાંશ :

        ભારતમાં સને 1900 અગાઉ રેવરન્ડ ન્યુટન એ મધમાખીપાલનની જાણકારી આપેલ જે આજે વિકાસશીલ ઉદ્યોગ બની હવામાન ફેરફાર, લીલોતરીનો નાશ એટલે કે વનસ્પતિને નુકસાન, નવીન રોગો અને મધમાખીની બનાવટોનો વપરાશ અંગેના પ્રશ્નો હોવા છતાં સને 2021ના વર્ષમાં તે ` 2,048 કરોડનું મૂલ્ય ધરાવે છે. વળી બી વેનમ ઘણા ઓછા જથ્થામાં મધમાખી ધ્વારા મેળવવામાં આવે છે તેમજ તેના ઉપયોગ અંગેની પણ ખામી છે જેથી આ અંગેની વિશાળ તકો રહેલી છે. બી વેનમ વધુ નિકાસ ક્ષમતા ધરાવે છે.


સ્ત્રોત : ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, મે 2023


સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com

www.krushikiran.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *