ભારત દેશ વિશ્વની કુલ વસ્તીના અંદાજે 18 ટકા વસ્તીને ફક્ત વિશ્વની 2.4 ટકા જમીન અને 4 ટકા જળસ્ત્રોત હોવા છતાં અસરકારક રીતે ખોરાક પુરો પાડે છે. સતત કૃષિ અને જમીન અંગેની સુધારણાઓ, પ્રગતિશીલ અને સમાવેશી નીતિઓ, વિજ્ઞાન અને ટેકનોલૉજીનો ઉપયોગ વગેરે વડે નોંધપાત્ર રીતે કૃષિ પ્રોડક્ટસની ઉત્પાદકતા, ઉત્પાદન અને ગુણવત્તામાં વધારો થવા પામેલ છે. તેના પરિણામ સ્વરૂપે આજે ભારત વિશ્વમાં કઠોળ, શણ અને દૂધનો મોટો ઉત્પાદક દેશ છે. ભારત દેશ ડાંગર, ઘઉં, શેરડી, કપાસ અને મગફળીના ઉત્પાદનમાં વિશ્વમાં બીજા નંબરે છે. વિશ્વમાં ફળ અને શાકભાજીના ઉત્પાદનમાં પણ ભારત દ્વિતીય ક્રમે છે. તેમાં કેરી, કેળા, પપૈયા અને લીંબુના ઉત્પાદનમાં ઊચ્ચ ક્રમે છે.
વિશ્વમાં કૃષિ કક્ષાએ ભારત દેશ આજે ગર્વ અનુભવે છે. આમ ટોપીમાંના ઘણા પીછાંમાં આ કૃષિનું એક પીછું ઉમેરાયું છે. જો કે દેશ આઝાદ થયો તે સમયે પરિસ્થિતિ સાવ અલગ હતી. વધારામાં વારંવાર પડતો દુષ્કાળ તેમજ ભારત પાકિસ્તાનના ભાગલા પડતાં ઘઉં અને ચોખા પક્વતા મોટા વાવેતર વિસ્તારો પાકિસ્તાનમાં ચાલ્યા ગયેલ હતા. સને 1950-51 માં ભારત દેશે અંદાજે 500 લાખ ટન ધાન્યનું ઉત્પાદન મેળવેલ જે દેશની 35 કરોડ વસ્તીના આહાર માટે પૂરતું ન હતું. આથી દેશના લોકોને ભૂખથી બચાવવા માટે ધાન્યનું મહત્વ સમજીને ધાન્યની આયાત કરવામાં આવી. આમ કૃષિનું મહત્વ જાણી ભારતની નેતાગિરિએ નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ (NFSA) ની રચના કરી. આ અંતર્ગત પિયત સવલતોમાં સુધારો અને વિસ્તરણ કરી કૃષિ અને તેને સંલગ્ન ક્ષેત્રોમાં વૈજ્ઞાનિક રીતે વૃદ્ધિ કરવામાં આવેલ. રાષ્ટ્રીય ધોરણે કૃષિમાં સંશોધન અને વિકાસના નેટવર્કને સક્ષમતા બક્ષીને કૃષિ શિક્ષણ સવલતો અને ખેડૂતો માટે વિસ્તરણ સેવાઓની રચના કરવામાં આવેલ. જો કે આપણા દેશમાં પરંપરાગત રીતે ખેતી થતી હતી તે સમયે સને 1871માં બ્રિટિશ રાજકર્તાઓએ ‘ડીપાર્ટમેન્ટ ઑફ રેવન્યુ એન્ડ એગ્રિકલ્ચર એન્ડ કોમર્સ’ ની સ્થાપના કરેલ જે વૈજ્ઞાનિક સુધારણાનો પ્રથમ વિષય હતો. આ વિભાગનો મુખ્ય હેતુ કૃષિ વિકાસનો હતો પરંતુ તેમાં મુખ્યત્વે રેવન્યુ ઉપર ધ્યાન આપવામાં આવેલ. હકીકતમાં બ્રિટિશ રાજકર્તાઓનો ઈરાદો ભારતના દુષ્કાળગ્રસ્ત લોકોને ખોરાક પુરો પાડવાનો ન હતો પરંતુ કૃષિ ધ્વારા પેદા થતું ઉત્પાદન બ્રિટિશ ઉદ્યોગો માટે ખાસ કરીને માન્ચેસ્ટરમાંના ટેક્ષટાઈલ ઉદ્યોગોને કાચો માલ પુરો પાડવાનું હતું. જો કે કેટલીક સંશોધન સંસ્થાઓની સ્થાપના કરવામાં આવેલ જે ભારત દેશ સ્વતંત્ર થતાં કૃષિના વિકાસ માટેના લાઈટહાઉસ તરીકે ઉભરી આવેલ. સને 1889માં પુના ખાતે ધી ઈમ્પેરીયલ બેક્ટેરીયોલોજીકલ લેબોરેટરી શરૂ કરવામાં આવેલ જે બાદમાં ઈજ્જતનગર (બરેલી, ઉત્તર પ્રદેશ) ખાતે આઈસીએઆર ધ્વારા ઈન્ડિયન વેટરનરી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (IVRI) ના નામે ખ્યાતિ પામેલ સંસ્થાનો વિકાસ થયેલ. સને 1905માં પુસા (સમસ્તીપુર, બિહાર) ખાતે ઈમ્પેરિયલ એગ્રિકલ્ચર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (IARI) ની સ્થાપના કરવામાં આવેલ જે પછીથી નવી દિલ્હી ખાતેની ઈન્ડિયન એગ્રિકલ્ચરલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (ICAR) ના નામે ખ્યાતિ પામેલ. બેંગ્લોર ખાતે સને 1923માં ઈમ્પેરિયલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ એનિમલ હસબન્ડરી એન્ડ ડેરિંગની સ્થાપના થયેલ છે બાદમાં હરિયાણાના કર્નાલ ખાતે પ્રખ્યાત નેશનલ ડેરી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (NDRI) બનેલ.
સને 1926માં ધી રોયલ કમિશન ઓન એગ્રિકલ્ચર ધ્વારા દેશમાં કૃષિ અને પશુપાલનના સંશોધન માટે એક ઈમ્પેરિયલ કાઉન્સીલ ઑફ એગ્રિકલ્ચર રિસર્ચ સ્થાપવાની ભલામણ કરેલ. આ અંતર્ગત સને 1926માં સેન્ટ્રલ રિસર્ચ કો-ઓર્ડિનેશન એજન્સી અસ્તિત્વમાં આવી જેનું બાદમાં દેશની આઝાદી બાદ નવું નામ આઈસીએઆર આપવામાં આવેલ. આ સમય દરમ્યાન જે તે પ્રાંતમાં આવેલ કૃષિ અને વેટરનરી કોલેજોમાં પાયાનું સંશોધન ચાલુ હતું. જે તે પ્રાંતમાં સ્થપાયેલ કેટલીક સંસ્થાઓ જેવી કે, સને 1912માં કોઈમ્બતુર ખાતે સુગરકેન બ્રિડિંગ સ્ટેશનની સ્થાપના કરેલ જે બાદમાં આઈસીએઆર હસ્તકનું સુગરકેન બ્રીડિંગ ઈન્સ્ટિટ્યૂટ બનેલ તે જ પ્રમાણે સને 1911માં રાઈસ રિસર્ચ સ્ટેશન સ્થપાયેલ. બીજી બાજુ સેન્ટ્રલ મિનિસ્ટ્રી ઑફ ફૂડ એન્ડ એગ્રિકલ્ચર એ ખાસ કરીને વ્યાપારી પાકોની પેદાશની ગુણવત્તા સુધારવા માટેના સંશોધનના હેતુથી કેટલીક અર્ધ સ્વાયત સંસ્થાઓ અથવા કોમોડિટી કમિટિઓની રચના કરેલ. આવી પ્રથમ સમિતિ સને 1921માં કપાસના પાક માટે સ્થાપેલ જેનો હેતુ 70 જેટલી સુધારેલી જાતોનો વિકાસ અને રેસાની ગુણવત્તા સુધારવાનો હતો. તે જ પ્રમાણે લાખ, શણ, શેરડી, નાળિયેરી, તમાકુ. તૈલીપાકો, સોપારી, કાજુ અને મસાલા પાકો માટે સમિતિઓ સ્થાપવામાં આવેલ.
તેઓએ પોતાની ખાસ પ્રકારના આધુનિક સંશોધન માટેની સંશોધન સંસ્થાઓ સ્થાપેલ જેવી કે બોમ્બે (હાલનું મુંબઈ) ખાતે કોટન ટેકનોલૉજી રિસર્ચ લેબોરેટરી, રાંચી ખાતે ઈન્ડિયન લાખ રિચર્ચ ઈન્સ્ટિટ્યૂટ (ILRI), ઢાકા ખાતે જ્યુટ એગ્રિકલ્ચરલ રિસર્ચ લેબોરેટરી (સને 1947માં કલકત્તા ખાતે લઈ જવામાં આવેલ), કાયાન્કુલમ અને કાસરગોડ ખાતે સેન્ટ્રલ રિસર્ચ સ્ટેશન, લખનૌ ખાતે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ સુગરકેન રિસર્ચ (IISR) અને રાજમુંદ્રી ખાતે સેન્ટ્રલ ટોબેકો રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (CTRI).
જો કૃષિ શિક્ષણની વાત કરીએ તો સને 1868માં ચેન્નાઈના સઈદાપેટ ખાતે પ્રથમ કૃષિશાળા (એગ્રિકલ્ચરલ સ્કુલ) શરૂ કરવામાં આવેલ ત્યારબાદ તેને સને 1906માં કોઈમ્બતુર ખાતે લઈ જવામાં આવેલ. તે જ પ્રમાણે, પુના ખાતે સને 1889માં કોલેજ ઑફ સાયન્સ ખાતે કૃષિ શિક્ષણ માટેનો વિભાગ શરૂ કરવામાં આવેલ ત્યારબાદ તેને અલગ કરી સને 1907માં કોલેજ ઑફ એગ્રિકલ્ચરની સ્થાપના કરવામાં આવેલ. સને 1901 થી 1905 દરમ્યાન કાનપુર, સાબૌર, નાગપુર અને લીઆલપુર (હાલ પાકિસ્તાનમાં) ખાતે એગ્રિકલ્ચરલ કોલેજો શરૂ કરવામાં આવેલ. આ કોલેજોમાં મુખ્યત્વે કૃષિ શિક્ષણ આપવામાં આવતું પરંતુ વૈજ્ઞાનિક અને તાંત્રિક માનવશક્તિ અને સવલતોના અભાવને કારણે સંશોધનનું કાર્ય કરી શકાતું નહિ.
આત્મ-નિર્ભરતા તરફ :
દેશ આઝાદ થયા બાદ ભારતના નીતિ આયોજકોએ ઘઉં અને ચોખા જેવા મુખ્ય ધાન્યો પેદા કરી સ્વ-નિર્ભર બનવા માટે કૃષિના વિકાસ માટે ટોચ અગ્રિમતા આપી. તે મુજબ પ્રથમ પંચવર્ષિય યોજનામાં કૃષિના વિકાસને વધારવા માટે કેટલાક ખાસ પ્રકારના પગલાં હાથ ધરવામાં આવ્યા. મોટા ઈરિગેશન પ્રોજેક્ટો શરૂ કરવામાં આવ્યા અને જમીન સુધારણા કાયદા વડે ખરેખર જમીન ખેડનારને જમીનના હકો આપવામાં આવ્યા. સારી રીતે નાણાં પુરા પાડવા માટે સહકારી ધિરાણ સંસ્થાઓ શરૂ કરવામાં આવી જેના કારણે કૃષિને ટેકો આપતા તંત્રમાં ફેરફારો થયા. ભારત દેશે સને 1956-57માં ઘઉં, ડાંગર, જાડાં ધાન્યો અને કઠોળ મળીને કુલ 700 લાખ ટન અનાજ પેદા કરેલ પરંતુ વધતી જતી વસ્તી માટે તે પૂરતું ન હોઈ અનાજની આયાત કરવામાં આવતી હતી. બીજી પંચવર્ષિય યોજનામાં કૃષિને બદલે અર્થકરણને વેગ આપવા માટે ઔદ્યોગિક વિકાસને અગ્રિમતા આપવામાં આવી. સને 1960 સુધી ભારત દેશ પીએલ-480 ની સ્કીમ હેઠળ મુખ્યત્વે યુએસએથી અનાજ આયાત કરતું હતું. સને 1965ની આસપાસ ભયંકર દુષ્કાળ અને પાકિસ્તાન સાથેનું યુદ્ધ તથા યુએસએ ધ્વારા ઘઉં પુરા પાડવા માટેની બંધિના કારણે દેશને ઘણું નુકસાન વેઠવું પડેલ. તેમછતાં ભારતે સને 1966માં વિવિધ સ્ત્રોતો વડે 100 લાખ ટન ધાન્ય આયાત કરી દુષ્કાળ અને ગરીબાઈની ભૂખ ભાગવા માટેની વ્યવસ્થા કરેલ. ત્રીજી પંચવર્ષિય યોજનામાં સરકારે દેશને ધાન્યોના ઉત્પાદનમાં વૈજ્ઞાનિક અને તાંત્રિક હસ્તક્ષેપ તેમજ ખેડૂતના ખેતર તરફી નીતિ ઘડી તેના અમલ વડે સ્વનિર્ભર થવાનો મજબૂત સંકલ્પ કરેલ. સરકારે ખેતરોમાં મેક્સિકન ઘઉંની જાતોના અખતરાઓ લેવાની પરવાનગી આપેલ. ઘઉંની ઠીંગણી/અર્ધ ઠીંગણી, ગેરૂ પ્રતિકારક અને વધુ ઉત્પાદન ક્ષમતા ધરાવતી ઘઉંની જાતો વિકસાવવાની કામગીરી પ્રખ્યાત અમેરિકન એગ્રોનોમિસ્ટ ડૉ. નોર્મન ઈ. બાર્લોગ (સને 1914 થી 2019) એ કરી હતી. ઉત્તર ભારતના ઘઉં ઉગાડતા વિસ્તારોની પટ્ટીમાં ઘઉંના 1000 થી વધુ અખતરા/નિદર્શનો પ્રખ્યાત પ્લાન્ટ જીનેટિસિસ્ટ ડૉ. એમ.એસ.સ્વામિનાથનના સભ્યપદ હેઠળ ગોઠવવામાં આવેલ. તેમાં ભારતીય ઘઉંની જાતો હેક્ટર દીઠ એક ટન ઉત્પાદન આપતી હતી તેની સરખામણીએ હેક્ટરદીઠ 4 થી 5 ટન ઉત્પાદન સફળતાપૂર્વક ખેડૂતોએ મેળવેલ હતું. આ પ્રકારના મોટા કૂદકાની અગાઉ કલ્પના કરેલ ન હતી. આમ ડૉ. બાર્લૉગ અને ડૉ. સ્વામિનાથનના પ્રયત્નો વડે ખેડૂતોને પ્રોત્સાહન મળતાં ઘઉંની ઉત્તમ પ્રદર્શન આપતી નવી જાતોનું વાવેતર ઝડપથી વધવા પામ્યું. કૃષિ વિભાગો તથા સંશોધન અને વિકાસ સંસ્થાઓ ધ્વારા ગુણવત્તા યુક્ત બિયારણોનો નિયમિત પૂરવઠો, ખાતરો, મશીનરી, પિયતની સવલતો અને મુખ્ય મહત્વનું વૈજ્ઞાનિક માર્ગદર્શન ખેડૂતોને પૂરૂ પાડવામાં આવેલ. સને 1966માં 110 લાખ ટન ઘઉંનું ઉત્પાદન મળેલ જ્યારે સને 1968માં અંદાજે 170 લાખ ટન ઘઉંનું વિક્રમ ઉત્પાદન મળેલ. આ વિશ્વમાં ઘઉંના ઉત્પાદન ક્ષેત્રે નોંધાયેલ મોટા વધારો હતો. આ બાબતને વિશ્વમાં હરિયાળી ક્રાન્તિ (ગ્રીન રીવોલ્યુશન) તરીકે ઓળખવામાં આવી.
આ મુજબના માળખા વડે ભારત સરકારે ફિલિપાઈન્સના મનિલા સ્થિત ઈન્ટરનેશનલ રાઈસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ધ્વારા વિકસાવેલ ઠીંગણી અને ઊંચું ઉત્પાદન આપતી ડાંગરની આઈઆર-8 જાતના બિયારણને મુખ્યત્વે દક્ષિણ અને પૂર્વિય પ્રદેશોમાંના ખેડૂતોને વિતરણ કરવામાં આવેલ. ડાંગરની સ્થાનિક જાતો હેક્ટર દીઠ લગભગ 2 ટન ઉત્પાદન આપતી હતી તેની સરખામણીએ આ જાતે હેક્ટર દીઠ 6 થી 7 ટન ઉત્પાદન આપેલ અને તે પણ ફક્ત 105 દિવસના ટુંકા ગાળામાં. આ જાતને ખેડૂતોએ મોટા પાયે અપનાવી અને ભારતના ચોખા સંવર્ધકોએ ‘આઈઆર’ જાતોની શ્રેણીની જાતો બહાર પાડી કે જે હેક્ટર દીઠ 10 ટન ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવતી હતી. આમ પાકોની વધુ ઉત્પાદન આપતી જાતોનો યુગ શરૂ થયો અને બહુવિધ પાક લેવા, સારી ખેતી પદ્ધતિઓનું પેકેજ, આધુનિક ખેતી પદ્ધતિઓ અને પિયતની સવલતોનું વિસ્તરણ અને કાપણી બાદની તાંત્રિકતા અંગેના નવા અભિગમો વગેરે જેવા નવા પરિમાણોનો ઉમેરો થયો. હરિયાળી ક્રાંતિના સમયગાળા બાદ નીતિ ઘડવૈયાઓએ સંશોધન, વિસ્તરણ, શિક્ષણ, ઈનપુટનો પૂરવઠો, ધિરાણ ધ્વારા ટેકો, માર્કેટિંગ, ટેકાના ભાવો અને સંસ્થાઓના મકાનો વગેરે ઉપર ખાસ ભાર મૂકેલ. આ નવી વ્યૂહરચનાને કારણે સને 1950-51 થી 2017-18 દરમ્યાન ધાન્યોના ઉત્પાદનમાં 5.6 ગણો, બાગાયતી પાકોના ઉત્પાદનમાં 10.5 ગણો, મત્સ્ય ઉત્પાદનમાં 16.8 ગણો, દૂધ ઉત્પાદનમાં 10.4 ગણો અને ઈંડાંના ઉત્પાદનમાં 52.9 ગણો વધારો જોવા મળેલ. ચતુર્થ આગોતરા અંદાજ મુજબ દેશમાં સને 2020-21 દરમ્યાન કુલ ધાન્યનું રેકોર્ડ ઉત્પાદન 3,086.5 લાખ ટન એ પહોંચશે. દ્વિતિય આગોતરા અંદાજ મુજબ દેશમાં સને 2020-21 દરમ્યાન કુલ બાગાયતી ઉત્પાદન 3,298.6 લાખ ટનના વિક્રમ સ્તરે પહોંચશે. આમ ભારત દેશ દુષ્કાળની અસર પામતા અને ધાન્યોની અછતવાળા રાષ્ટ્રમાંથી એક ગૌરવપૂર્ણ અન્ન વધારાવાળુ એક રાષ્ટ્ર બન્યું છે.
નેટવર્કની કામગીરી :

સને 1950 અને 1960 દરમ્યાન ભારત સરકારે આઈસીએઆર સાથે જાહેર કૃષિ સંશોધન તંત્ર ધરાવતી ટોચની સંસ્થા બનાવી જેના અંતર્ગત વિવિધ ચીજવસ્તુઓ કે વખારની જણસનું આયોજન, સંકલન અને સંશોધન કરવાની કામગીરી હાથ ધરી. આઈસીએઆરની છત્રછાયા હેઠળ કૃષિના એક ભાગ તરીકે પશુપાલન, મત્સ્યપાલન, જળચર ઉછેર (એક્વાકલ્ચર) અને ઘણા સાહસ કે ઉદ્યોગોને લાવવામાં આવ્યા. આજે વિશ્વમાં ભારત સંશોધન વિકાસ, શિક્ષણ અને વિસ્તરણ સંસ્થાઓ સહિતનું મોટું નેટવર્ક ધરાવે છે. હાલમાં આઈસીએઆર 102 સંસ્થાઓ ધ્વારા સંશોધન અને વિકાસના કાર્યોનું વ્યવસ્થાપન સંભાળે છે જેમાં 65 સંશોધન સંસ્થાઓ, 4 ડીમ્ડ સંશોધન સવલતો સાથેની યુનિવર્સિટીઓ, 14 રાષ્ટ્રીય સંશોધન સંસ્થાઓ, 6 નેશનલ બ્યૂરો અને 13 પ્રોજેક્ટ ડાયરોક્ટોરેટનો સમાવેશ થાય છે. આઈસીએઆર કૃષિ યુનિવર્સિટી હેઠળ 71 રાજ્યના ખેડૂતોને ઊચ્ચ કૃષિ શિક્ષણ અંગે માર્ગદર્શન અને નાણાંકીય ટેકો પુરો પાડી પ્રોત્સાહિત કરવામાં મુખ્ય ફાળો આપે છે. વિશેષમાં આઈસીએઆર સંશોધન અને શિક્ષણમાં ટેકનોલૉજીનું મૂલ્યાંકન, નિદર્શન, ક્ષમતા અને સહકાર ધ્વારા ટેકો અને નાણાંકીય સવલત પુરી પાડી યોગ્ય ફેરફારો લાવે છે. દેશમાં 11 એગ્રિકલ્ચરલ ટેકનોલૉજી એપ્લિકેશન રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ અને 721 કૃષિ વિજ્ઞાન કેન્દ્રો જીલ્લા કક્ષાએ કાર્યરત છે જે અગ્રહરોળ વિસ્તરણ પ્રવૃત્તિઓ હાથ ધરવા અને ‘પ્રયોગશાળા થી જમીન’ (લેબ ટુ લેન્ડ) કાર્યક્રમના અમલીકરણ માટે જવાબદાર છે. સને 1973માં રાષ્ટ્રીય કક્ષાએ કૃષિ વિસ્તરણની સંસ્થાઓ અંગે નિમાયેલ નિષ્ણાત સમિતિએ કરેલ ભલામણ મુજબ પ્રથમ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને 1974માં પોંડીચેરી ખાતે શરૂ કરવામાં આવેલ.
કૃષિ સંશોધનના નેટવર્કને સક્ષમ બનાવવા માટે કૃષિ અને સંલગ્ન વિજ્ઞાનમાં ઉચ્ચ શિક્ષણ માટેનું નેટવર્ક વિકસાવવાનું નક્કી કરવામાં આવ્યું. સને 1948માં દેશમાં ફક્ત 17 કૃષિ કોલેજો હતી જેનું સંચાલન જે તે રાજ્યના કૃષિ વિભાગના વહીવટ હેઠળ થતું હતું. સને 1948-49માં યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશનના અધ્યક્ષ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણને ગ્રામ્ય યુવાનોને વૈજ્ઞાનિક તાલીમ અને કુશળતા માટે ગ્રામ્ય યુનિવર્સિટીઓ શરૂ કરવાની હિમાયત કરેલ. ગોવિંદ વલ્લભ પંત (જે પછીથી ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન બન્યા હતા) એ આ બાબતને ધ્યાને લઈ લેન્ડ ગ્રાન્ટસ યુનિવર્સિટીઝ અને ભારતમાં કૃષિ યુનિવર્સિટીઓના મોડેલ અંગેના અભ્યાસ માટે નિષ્ણાતોની એક સમિતિ યુએસએ ખાતે મોકલેલ. આ સમિતિએ કરેલ ભલામણ મુજબ ઉત્તર પ્રદેશની સરકારે રૂદ્રપુર ખાતે એક મોટી રાજ્ય કૃષિ યુનિવર્સિટી સ્થાપવાનું નક્કી કર્યું. 17 નવેમ્બર 1960ના રોજ ભારતના મુખ્ય પ્રધાન શ્રી પંડિત જવાહરલાલ નહેરૂ ધ્વારા ‘ઉત્તર પ્રદેશ એગ્રિકલ્ચરલ યુનિવર્સિટી’ ના વિશાળ કેમ્પસનું ઉદઘાટન થયેલ. આ ભારતની યુનિવર્સિટીનું નામ બદલીને ‘ગોવિંદ વલ્લભ પંત યુનિવર્સિટી ઑફ એગ્રિકલ્ચર એન્ડ ટેકનોલૉજી’ (GBPUA & T) રાખવામાં આવેલ અને ‘હરિયાળી ક્રાંતિ’ ની સફળતામાં તેણે મહત્વનો ફાળો આપેલ હતો. ચોથી પંચવર્ષિય યોજના દરમ્યાન ઉત્તર પ્રદેશ, ઓરિસ્સા, રાજસ્થાન, પંજાબ, આંધ્રપ્રદેશ, મધ્ય પ્રદેશ અને કર્ણાટક ખાતે સાત રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ (SAUS)ની સ્થાપના કરવામાં આવી. રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓનું વિશાળ નેટવર્ક ઊચ્ચ શિક્ષણ ઉપરાંત ખેડૂત સમાજની સાથે નજીકનો સંપર્ક સાધી રાજ્યની સંશોધન અને વિસ્તરણની જરૂરિયાતો પુરી પાડે છે. સને 1966માં આઈસીએઆર એ રાષ્ટ્રીય કક્ષાએ ભાવિ પડકારો અંગેની નોંધ કરેલ. આઈસીએઆર એક ભારત સરકારની એક સ્વતંત્ર સંસ્થા તરીકે પોતાનો વહીવટ સંભાળે છે જેની છત્રછાયા હેઠળ તમામ સંશોધન સંસ્થાઓ/કેન્દ્રો અને વિવિધ – કેન્દ્રીય સમિતિઓ પણ આવરી લેવામાં આવેલ છે. સને 1965માં આઈસીએઆર એ ‘ઓલ ઈન્ડિયા કો-ઓર્ડિનેટેડ રિસર્ચ પ્રોજેક્ટ’ (AICRP) નામનો એક નવીન અભિગમની શરૂઆત 10 ટેકનોલૉજી માટે કરેલ જેનો ખાસ આશય વિકસિત ટેકનોલૉજીની તાંત્રિક, નાણાકીય, વ્યવસ્થાકીય અને સામાજીક મુશ્કેલીઓ અને સારા માર્કેટની સ્વિકાર્યતા વગેરે બાબતોનું પ્રાયોગિક સંશોધન અને બહુવિધ સ્થળોએ અખતરા/પ્રયોગો કરવાનો હતો. વર્તમાન સમયે વિવિધ પાકો, પશુપાલન, મત્સ્યપાલન અને અન્ય ક્ષેત્રોમાં સુધારણા કરવા માટેના 60 એઆઈસીઆરપી કેન્દ્રો કાર્યરત છે.
સીમાચિન્હો :

હરિયાળી ક્રાન્તિના સમય બાદ કૃષિ સંશોધન અને વિકાસ ઉપર મુખ્ય ધ્યાન આપવામાં આવેલ છે જેમાં અન્નની સલામતી જાળવવા અને કુદરતી સ્ત્રોતોનો અસરકારક ઉપયોગ કરવા જેવી સમસ્યાઓના નિરાકરણ માટેના પ્રયાસો ઉપર ભાર મૂકવામાં આવેલ છે. આવા પ્રયાસોને પરિણામે વિવિધ પાકોમાં સુધારેલી જાતોનો વિકાસ કરવામાં આવેલ છે કે જે ઊંચી ઉત્પાદન ક્ષમતા, રોગ-જીવાત સામે પ્રતિકારકતા જૈવિક અને અજૈવિક તણાવ અને સારી પોષણ ગુણવત્તા જેવા ઈચ્છિત લક્ષણો ધરાવે છે. આઈસીએઆરની નેતાગિરિ હેઠળ નવી દિલ્હી સ્થિત આઈએઆરઆઈ (IARI) ધ્વારા ચિન્હ રૂપ એચડી (HD) શ્રેણીની ઘઉંની જાતો વિકસાવવામાં આવેલ છે. આવી જાતો વધુ ઉત્પાદન આપતી, ગેરૂ સામે પ્રતિકારક અને વૈજ્ઞાનિકોએ છેલ્લી નવી જાતોમાં ‘હવામાન અનુકૂલન ક્ષમતા’ ના લક્ષણનો ઉમેરો કરેલ છે. સને 1946-47માં ઘઉંનુ હેક્ટર દીઠ ઉત્પાદન 669 કિ.ગ્રા. હતું જે આજે રોકેટની ગતિએ હેક્ટર દીઠ ઉત્પાદન 3424 કિ.ગ્રા. એ પહોંચ્યું છે. ચતુર્થ આગોતરા અંદાજ મુજબ સને 2020-21માં દેશ એ 1100 લાખ ટન ઘઉંનું રેકોર્ડ ઉત્પાદન મેળવેલ છે. ડાંગરમાં શુષ્ક પરિસ્થિતિ અથવા પાણીના ભરાવાની સ્થિતિમાં સારૂ ઉત્પાદન આપે તેવી ખાસ જાતો વિકસાવવામાં આવેલ. આઈએઆરઆઈ એ બાસમતી ચોખાની જાતો વિકસાવેલ જે તેની સુગંધ, સ્વાદ અને રચનાને કારણે વિશ્વમાં પ્રખ્યાત બની છે. બાસમતીની ‘પુસા- 1121’ જાત વિશ્વમાં વધુ લાંબો દાણો ધરાવતી જાત તરીકે નામના મેળવી છે. તેને રાંધવામાં આવતાં ચોખાના દાણાની લંબાઈનો ગુણોત્તર 2.5 અને તેના કદનું વિસ્તરણ ચાર ગણું વધારે જોવા મળેલ. સને 2018-19 દરમ્યાન ભારત દેશ એ બાસમતીની નિકાસ કરી ` 33,000 કરોડનું વિદેશી હૂંડિયામણ મેળવેલ. ચતુર્થ આગોતરા અંદાજ મુજબ વિજ્ઞાન અને ટેકનોલૉજી તથા સુધારેલી જાતોને કારણે સને 2020-21માં દેશ એ 1222.7 લાખ ટન ડાંગરનું રેકોર્ડ ઉત્પાદન મેળવેલ.
તૈલીપાકોના ઉત્પાદનમાં સ્વનિર્ભરતા પ્રાપ્ત કરવા માટે તૈલીપાકોની હેક્ટર દીઠ ઉત્પાદકતામાં વધારો કરવા માટે સંશોધન અને વિકાસના વિવિધ ઉપાયો હાથ ધરવામાં આવ્યા. તાજેતરમાં પરદેશી પામ તેલ નામના તૈલી પાકની ભારતની પરિસ્થિતિમાં ઉત્પાદન મેળવવા માટેની અનુકુળ ટેકનોલૉજી વિકસાવવામાં આવી જે આશાસ્પદ જણાઈ છે. ખાદ્ય તેલોમાં અનુકુળ પ્રદેશોમાં સફળતાપૂર્વક સોયાબીનની ઓળખ અને ખ્યાતિ થવા પામેલ. આમ સતત પ્રયત્નોને લીધે ચતુર્થ આગોતરા અંદાજ મુજબ સને 2020-21માં 361 લાખ ટન તૈલી પાકોનું રેકોર્ડ ઉત્પાદન મળેલ. તે જ પ્રમાણે સને 2020-21માં ખાસ હસ્તક્ષેપ વડે કઠોળપાકોનું રેકોર્ડ ઉત્પાદન 260 લાખ ટન મળેલ. બાગાયતી પાકોમાં મુખ્યત્વે નવી જાતોની ઓળખ, સુધારેલી ખેતી પદ્ધતિઓનું પેકેજ, બાગાયતી વિસ્તારમાં વધારો અને જૂના કે બિનઉત્પાદકીય ઝાડનું પુનઃજીવન આપી ઉત્પાદન વધારવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા. આજે ભારત દેશ વિશ્વમાં કેળ, દ્રાક્ષ, પપૈયા અને ટેપિઓકાની ઉત્પાદકતામાં પ્રથમ ક્રમાંકે છે. દ્વિતિય આગોતરા અંદાજ મુજબ સને 2020-21 દરમ્યાન કુલ 3298.6 લાખ ટન બાગાયતી ઉત્પાદન મળેલ. અગાઉના વર્ષો કરતાં ફળો, શાકભાજી, બાગાયતી પાકો, મસાલા પાકો, ઔષધિય અને સુગંધિત પાકો વગેરેના ઉત્પાદનમાં વધારો નોંધાયેલ છે. હવે વૈજ્ઞાનિકોએ આધુનિક વિકાસ થકી કેટલાક મુખ્ય પાકોમાં બાયોફર્ટિફાઈડ જાતો વિકસાવી છે જે પરંપરાગત જાતો કરતાં 1.5 થી 3 ઘણી વધુ પોષણદાયી છે. તાજેતરમાં ભારતના મુખ્ય પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ 8 પાકોની 17 જાતો દેશને સમર્પિત કરેલ છે.
સને 1950 અને 1960 દરમ્યાન ભારત દેશ ખાદ્યાન્નની માફક દૂધ અને માંસ માટે દેશની માંગને લઈ આયાત કરતો દેશ હતો. આ અંગે સ્વ-નિર્ભર બનવા માટે સને 1970 માં ‘ઓપરેશન ફ્લડ’ નામનો મહાત્વાકાંક્ષી કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ જેમાં તેનું ઉત્પાદન અને ઉત્પાદકતા અંગેના પ્રશ્નો સહિત દૂધ અને દૂધની બનાવટોના માર્કેટિંગ બાબતે મોટા સુધારાઓ કરવામાં આવ્યા. તેના પરિણામ સ્વરૂપ સને 1998માં ભારત યુએસએ ને વટાવી વિશ્વમાં વધુ દૂધ ઉત્પાદન આપતો દેશ બન્યો. આ બદલાવને ‘શ્વેત ક્રાંતિ’ (White Revolution) ના નામે ઓળખાય છે. હાલમાં અંદાજે 2000 લાખ ટન દૂધ ઉત્પાદન થાય છે અને વ્યક્તિગત દૂધની પ્રાપ્યતા દૈનિક ધોરણે 400 ગ્રામને વટાવી ગયેલ છે. શ્વેત ક્રાંતિ માટે પશુ સંવર્ધન, પ્રજનન, આરોગ્ય અને પોષણ વગેરે બાબતોએ અપનાવવામાં આવેલ આધુનિક રીતોએ મુખ્ય ફાળો આપેલ છે. આ જ પ્રમાણે મત્સ્યપાલન ક્ષેત્રે ‘વાદળી ક્રાંન્તિ’ (Blue Revolution) લાવવા માટેનો કાર્યક્રમ અપનાવતાં સને 2019-20 દરમ્યાન 141.6 લાખ ટન જેટલું ઊંચુ મત્સ્ય ઉત્પાદન મળેલ છે. વિશ્વના નકશામાં ભારત દેશ એકવાકલ્ચર ક્ષેત્રે વધુ ઉત્પાદનમાં દ્વિતિય ક્રમે અને વધારે મત્સ્ય ઉત્પાદનમાં તૃતીય ક્રમે છે.
ભાવિ માર્ગ :

ઉપરોક્ત વિકાસ જોયા બાદ પણ ભારતીય કૃષિ આજે કેટલાક મોટા પડકારોનો સામનો કરી રહેલ છે જેવા કે, નાના અને છૂટા છવાયા જમીન ધારકો, કાપણી બાદ પડતી ઘટ અને બજારનું નબળું માળખુ. તાજેતરમાં સરકારે કેટલીક નવી યોજનાઓ અને કાર્યક્રમો શરૂ કરેલ છે જેમાં ઉપરોક્ત સમસ્યાઓના નિરાકરણ માટે પુરતા નાણાંની ફાળવણી અને નવીન ઉપાયો માટે અત્યાધુનિક વિજ્ઞાન અને ટેકનોલૉજીના હસ્તક્ષેપનો સમાવેશ કરવામાં આવેલ છે. દા.ત. સ્માર્ટ ખેતી એટલે કે બુદ્ધિશાળી ખેતી કરવા માટે કૃત્રિમ બુદ્ધિ (આર્ટિફિસિયલ ઈન્ટેલિજન્સ-એઆઈ-AI) અને મશીન લર્નિંગનો ઉપયોગ અને નુકસાનકર્તા રસાયણોનો વધુ પડતો ઉપયોગ અટકાવવા માટે ઈન્ટરનેટ ઑફ થિંગ્ઝ (IoT) મુક્ત સેન્સર્સનો ઉપયોગ કરવો. આધુનિક ખેતીમાં ખાસ પ્રકારના ડ્રોન્સ અને રોબોટનો ઉપયોગ કરી ક્રાન્તિ લાવી શકાય છે. ડ્રોન્સ અને ઉપગ્રહ ધ્વારા મેળવેલ ઈમેજનો ઉપયોગ કરી ખેડૂતો પાકો ઉપર દેખરેખ રાખી શકે છે, રોગ-જીવાતોનું નિદાન કરી શકે છે. ડિજિટલ બદલાવને કારણે કૃષિ ક્ષેત્રે બદલાવ આવેલ છે અને ખેડૂતોને ખરા સમયે જ્ઞાન, સ્ત્રોતો અને ટેકનોલૉજી ઉપલબ્ધ થાય છે. ઓનલાઈન માર્કેટના સ્થળો વડે (ઈ-મન્ડીઝ – e- Mandies) નિયમિત રીતે માર્કેટની અપડેટ માહિતી જાણી, ખેડૂતો વધુમાં વધુ આવક પ્રાપ્ત કરી સક્ષમ બની શકે છે. તાજેતરમાં એગ્રિ-સ્ટાર્ટઅપ્સ ને સરકાર ધ્વારા પ્રોત્સાહન આપવામાં આવતાં કૃષિ ક્ષેત્રમાં સાહસ ધ્વારા આકર્ષક વળતર ખેડૂતોને મળે છે. તેમછતાં ટકાઉ કૃષિ ક્ષેત્રે ભારતના સારા ભાવિ માટે કુદરતી સ્ત્રોતો અને પર્યાવરણની જાળવણી માટે યોગ્ય નીતિઓ ઘડવાની જરૂરિયાત છે. આ સિવાય યોગ્ય ટેકનોલૉજીનું વિતરણ, ટેકા રૂપ સેવાઓમાં વધારો વગેરે જેવી બાબતો ઉપર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે સારી કૃષિ અને આવતીકાલને ઉજ્જવળ બનાવવા માટે સંસાધનો, ટેકનોલૉજી, જ્ઞાન અને નીતિઓ વગેરેનું સંકલન સાધવું જરૂરી છે.
સ્ત્રોત : ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, એપ્રિલ – 2025
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in

