મિલેટ એ આપણા માટે નવું નથી. વિવિધ ઐતિહાસિક સાહિત્યમાં તેનો પરંપરાગત રીતે ખોરાકમાં થતા ઉપયોગ વિષે જણાવેલ છે. વૈદિક સાહિત્યમાં મિલેટ ‘તૃણધાન્ય’ અથવા ‘કુધાન્ય’ તરીકે, બાજરીને ‘નાલી’, ચીણાને ‘ચિનકા’, કાઁગને ‘કંગા’, સામાને ‘શ્યામકા’ અને મોરૈયાને ‘નંદીમુખી’ તરીકે જાણીતા છે. પ્રિસ્ટાઈન અને સહજ ઓર્ગેનિક્સ નામની સ્વૈચ્છિક સંસ્થા ધ્વારા પ્રકાશિત ‘મિલેટ ઈન યોર મીલ્સ’ પુસ્તકમાં પુરાત્વવિદ પૂરાવા જણાવીને હડપ્પા અને મોહેન જો દેરો સંસ્કૃતિના સમયમાં મિલેટનું વાવેતર થતું હતું તેમ દર્શાવેલ છે. ભારતમાં સને 2017-18માં મિલેટનું ઉત્પાદન 164 લાખ ટન થયેલ છે જે એશિયાના મિલેટ ઉત્પાદનમાં 80 ટકા ફાળો અને વિશ્વના મિલેટ ઉત્પાદનમાં 20 ટકા ફાળો આપે છે. ભારત વિશ્વના 19 ટકા વાવેતર અને 20 ટકા ઉત્પાદન સાથે વિશ્વમાં મિલેટના મુખ્ય વાવેતર ધરાવતો અને ઉત્પાદક દેશ છે. વિશ્વની સરેરાશ સિલેટ ઉત્પાદકતા 1229 કિ.ગ્રા. પ્રતિ હેક્ટર છે જેની સરખામણીએ ભારતની સરેરાશ મિલેટ ઉત્પાદકતા 1239 કિ.ગ્રા. પ્રતિ હેક્ટર છે.
મિલેટ એ પૌષ્ટિક, પોષણ સંબંધી ઔષધ અને આરોગ્યવર્ધક ગુણો ધરાવે છે. તે કાર્બોહાઈડ્રેટસ, પ્રોટીન, પાચ્ય રેસા, સારી જાતની ફેટ ઉપરાંત કેલ્શિયમ, પૉટેશિયમ, મેગ્નેશિયમ અને વિટામિન બી કોમ્પ્લેક્ષથી સમૃદ્ધ છે. મિલેટ ગ્લુટેન મુક્ત, એન્ટિઓક્સીડેન્ટસથી સમૃદ્ધ અને ઓછો ગ્લાયસેમિક આંક ધરાવતા હોઈ ડાયાબીટીસના રોગના સારવારમાં મદદ કરે છે. મિલેટ એ ખોરાક અને પોષણની સલામતી માટે જ ફાયદાકારક છે તેમ નથી પરંતુ પર્યાવરણને પણ ફાયદો કરે છે. આવા મિલેટના અનેકવિધ લાભો હોવા છતાં ભારતના ખેડૂતો ધીરે ધીરે મિલેટથી દૂર થઈ ધાન્યપાકોના વાવેતર તરફ વાળ્યા. માંગ અને પૂરવઠાના પડકારોને પહોંચી વળવા ધાન્યપાકોનું વાવેતર વધ્યું અને એક વખત આપણા ભારતીય આહારની થાળીમાં જોવા મળતી મિલેટની વાનગી ખોવાઈ ગઈ. આથી ભારત સરકાર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે મિલેટ વાવેતરના પ્રોત્સાહન માટે પગલાં લઈ રહેલ છે.
| ક્રમ | ગુજરાતી નામ | અંગ્રેજી નામ (વૈજ્ઞાનિક નામ) | સામાન્ય નામો | વાવેતરનો હેતુ |
| 1 | જુવાર | Sorghum (Sorghum bicolor) | શાલ્લુ, ડારી, જોલા, જુવારી, ડુરા, ફેટેરિટા | દાણા અને ઘાસચારો |
| 2 | બાજરી | Pearl millet (Pennisetum glaucum) | બાજરા, સાન્યો, મુંગા, કેટેટેઈલ, સેનો | દાણા અને ઘાસચારો |
| 3 | રાગી/નાગલી | Finger millet (Eleucine coracana) | ટેલીબુન, હુન્સા, બુલો, કુરક્કન, રાપોકો, કોરાકન, નાચની | દાણા અને માલ્ટિંગ |
| 4 | કાંગ | Foxtail millet (Setaria italica) | કંગની, નવાને, થાનાહલ | દાણા અને ઘાસચારો |
| 5 | ચીણો | Proso millet (Panicum miliaceum) | સમાઈ, બ્રૂમ, માહા, પાનીવરીગુ, મેનેરી | ખોરાક અને પક્ષી માટે દાણા |
| 6 | મોરૈયો (ગજરો, કુરી) | Little millet (Panicum sumatrense) | બ્લુપેનિક, હીન મેનેરી | અનાજ |
| 7 | કોદરા | Kodo millet (Paspalum scrobiculatum) | વૉટર કાઉચ, ઓમુ, ક્રીપીંગ પાસ્પાલમ, વરાગુ, નરાકા, ઈન્ડિયન પાસ્પાલમ | અનાજ |
| 8 | બાર્નયાર્ડ મિલેટ (સામો) | Barnyard millet (Echinochola crusgalli) | સનવા, સવા કવીચોઉ, સમક | અનાજ |
ભારત સરકાર ધ્વારા મિલેટના પ્રોત્સાહન માટે લેવામાં આવેલ પહેલ :
(1) ઓલ ઈન્ડિયા કો-ઓર્ડિનેટેડ સ્મોલ મિલેટસ ઈમ્પ્રુવમેન્ટ પ્રોજેક્ટ

આ પ્રોજેક્ટ સને 1986માં શરૂ કરવામાં આવેલ જેના ભારતભરમાં 14 એઆઈસીઆરપી (AICRP) કેન્દ્રો અને 16 મરજીયાત કેન્દ્રો આવેલા છે. આ પ્રોજેક્ટનું મુખ્ય ધ્યાન પ્રાદેશિક જરૂરિયાત પ્રમાણે મિલેટની યોગ્ય ઉત્પાદન ટેકનોલૉજીનો વિકાસ કરવાનું છે.
અભિગમ અને આદેશો :
- પ્રાદેશિક જરૂરિયાતને સંબંધિત બહુશાખાકીય અભિગમ વડે સંશોધન હાથ ધરવું.
- વિવિધ કેન્દ્રો ખાતેના સંશોધનનું સંકલન કરવું અને દેખરેખ રાખવી.
- સુધારેલી જાતો અને તેના ઉત્પાદન તથા સંરક્ષણ માટેની ટેકનોલૉજી વિકસાવવી
- જનીનિક સ્ત્રોતોનું સંરક્ષણ, ચકાસણી અને દસ્તાવેજીકરણ કરવું અને તેના વપરાશને પ્રોત્સાહન આપવું.
- મૂલ્ય વર્ધન અને દાણાના પ્રોસેસિંગ વડે તેના વપરાશમાં વધારો કરવા અંગે સંશોધન કરવું.
- અગ્રહરોળ નિદર્શનો ધ્વારા ટેકનોલૉજીનો પ્રસાર કરવો.
(2) ઈનિશિયેટિવ ફૉર ન્યુટ્રિશનલ સીક્યોરિટી થ્રુ ઈન્ટેન્શિવ મિલેટ પ્રમોશન (INSIMP) :

ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ધ્વારા સને 2011-12માં નેશનલ એગ્રિકલ્ચર ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના મિલેટના વાવેતર, પ્રોસેસિંગ અને મૂલ્ય વર્ધન માટે શરૂ કરવામાં આવેલ જેનો હેતુ મિલેટના વાવેતરને પ્રોત્સાહન આપી ભારત દેશને પોષણની સલામતી પુરી પાડવાનો હતો. આ યોજનાની મુખ્ય બાબતોમાં મિલેટનું ઉત્પાદન, બીજ ઉત્પાદન, કાપણી પછીની માવજત અને મૂલ્ય વર્ધનનો સમાવેશ કરવામાં આવેલ. આ યોજના 16 રાજ્યોમાં શરૂ કરવામાં આવેલ હતી.
(3) નેશનલ ન્યુટ્રિશનલ સ્ટ્રેટેજી :

સને 2017માં ભારત સરકારના નીતિ આયોગ ધ્વારા ‘નરિશિંગ ઈન્ડિયા’ (Nourishing India) શરૂ કરવામાં આવેલ અને તેના ધ્વારા કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયને ભલામણ કરવામાં આવેલ કે મિલેટ જેવા જાડા ધાન્યોની અન્ય ધાન્ય સહિત ઉત્પાદકતા અને ઉત્પાદન ક્ષમતામાં વધારો કરવો.
(4) રાષ્ટ્રીય મિલેટ વર્ષ (નેશનલ ઈયર ઑફ મિલેટસ) :

ભારત સરકારે સને 2018ના વર્ષને ‘નેશનલ ઈયર ઑફ મિલેટસ’ અને મિલેટસને ‘ન્યુટ્રિ-સીરીયલ્સ’ (Nutri-cereals) તરીકે જાહેર કરેલ. ભારત સરકારે મિલેટસને નેશનલ ફૂડ સીક્યોરિટી મિશન (NFSL) ના એક ભાગ તરીકે જાહેર કરી સને 2023ના વર્ષને ‘ઈન્ટરનેશનલ ઈયર ઑફ મિલેટસ’ તરીકે જાહેર કરવા માટે યુનોને દરખાસ્ત મોકલેલ કે જેથી મિલેટસના ઉત્પાદન અને વપરાશમાં વધારો થાય.
(5) આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ (ઈન્ટરનેશનલ ઈયર ઑફ મિલેટસ – IYOM) :

ભારત સરકારે રજૂ કરેલ ઈન્ટરનેશનલ ઈયર ઑફ મિલેટસની દરખાસ્તને માન્ય કરી તા. 5 માર્ચ 2021ના રોજ યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બ્લીએ સને 2023ના વર્ષને ઈન્ટરનેશનલ ઈયર ઑફ મિલેટસ તરીકે જાહેર કરવાની દરખાસ્તને 72 દેશોએ ટેકો આપેલ. ભારત સરકારે મિલેટસના પ્રોત્સાહન માટે સાત સૂત્રોની રચના કરેલ.
(1) ઉત્પાદન/ઉત્પાદકતામાં વધારો કરવો
(2) પોષણ અને આરોગ્યના લાભો
(3) મૂલ્ય વર્ધન, પ્રોસેસિંગ અને રેસીપીનો વિકાસ
(4) ઉદ્યોગસાહસિકતા/સ્ટાર્ટઅપ/સહિયારો વિકાસ
(5) બ્રાન્ડિંગ, લેબલિંગ અને પ્રોત્સાહન માટેની જાણકારી પેદા કરવી
(6) આંતરરાષ્ટ્રીય વિસ્તરણ
(7) મુખ્યપ્રવાહમાં નીતિ વિક્ષેપો
રાજ્ય સરકારો ધ્વારા મિલેટના પ્રોત્સાહન માટે લેવામાં આવેલ પહેલ :
(1) ઓડિસા મિલેટ મિશન (OMM) :

સને 2017માં આદિવાસી વિસ્તારોમાં મિલેટના પ્રોત્સાહન માટે ઓરિસ્સા સરકારે ઓડિસા મિલેટ મિશન નામનો એક ખાસ કાર્યક્રમ શરૂ કરેલ જેનો હેતુ ખેતરો અને મેદાનોમાં મિલેટને પુનઃજીવિત કરવાનો (રીવાઈવ મિલેટસ ઑન ફાર્મ્સ એન્ડ પ્લેટસ) અને મિલેટસના ઉત્પાદન, પ્રોસેસિંગ, વપરાશ, માર્કેટિંગ અને સરકારી યોજનાઓ વગેરે ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનો હતો. આ મિશનમાં ખેતી પદ્ધતિમાં રાગીના પાકને મુખ્ય પાક તરીકે લેવામાં આવેલ. સને 2017માં સાત જીલ્લાના 30 બ્લોકમાં શરૂ કરેલ આ મિશનનો સકારાત્મક પ્રતિભાવ મળતાં અને ખેડૂતોની માંગને લઈ તેનો સને 2018માં 11 જીલ્લાઓના 55 બ્લોકમાં અને હાલ 19 જિલ્લાઓના 142 બ્લોકમાં મિશન ચાલે છે. આઈસીએઆર – આઈઆઈએમઆર અને ફાઓ (ICAR – IIMR – FAO) ધ્વારા ‘પોષક અનાજ એવોર્ડ’ હેઠળ ઓરિસ્સા રાજ્યને ‘બેસ્ટ મિલેટ પ્રમોટિંગ સ્ટેટ’ તરીકે જાહેર કરવામાં આવેલ છે.
(2) તમિલનાડુ મિલેટ મિશન :
નેશનલ એગ્રિકલ્ચર ડેવલપમેન્ટ પ્રોગ્રામ (NADP) હેઠળ અને 2014-15માં તમિલનાડુ મિલેટ મિશન શરૂ કરવામાં આવેલ જેનો હેતુ ભુલાઈ ગયેલ મિલેટસનું ફરીથી સામાન્ય વાવેતર થાય તે માટે પ્રોત્સાહક પગલાં લેવાં, અગ્રહરોળ નિદર્શનો ગોઠવવાં, મિલેટની ખેતી અને મૂલ્ય વર્ધન માટે ખેડૂતોને તાલીમ આપવાનો હતો. જાડાં ધાન્યોના ઉત્પાદનની સફળતાને ધ્યાને લઈ અને 2014-15માં રાજ્યને ‘કૃષિ કર્મણ એવોર્ડ’ એનાયત કરવામાં આવેલ.
(3) ઉત્તરાખંડમાં મિલેટમાં સજીવ ઉત્પાદન અને પ્રમાણીકરણ :
ઉત્તરાખંડ રાજ્યના ટેકરીઓવાળા વિસ્તારોમાં ખેડૂતો મુખ્યત્વે રાગી, સામો, રાજગરો વગેરે જેવા સ્થાનિક પાકોનું વાવેતર કરે છે. રાજ્ય સરકારે મિલેટમાં સજીવ ઉત્પાદન અને પ્રમાણીકરણ માટે કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓ જેવી કે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના (RKVY)ના ઓર્ગેનિક કાર્યક્રમ હેઠળ 72,240 હેક્ટર, પરંપરાગત કૃષિ વિકાસ યોજના (PKVY) હેઠળ 1957 કલસ્ટરની 33,140 હેક્ટર અને નમામી ગંગે પ્રોગ્રામ હેઠળ 620 કલસ્ટરની 12,400 હેક્ટર જમીનમાં મિલેટનું વાવેતર કરવામાં આવેલ. મિલેટના સજીવ ખેતી ઉત્પાદન માટે નાના અને સીમાંત ખેડૂતોને લક્ષ્ય બનાવવામાં આવેલ હતા.
(4) પ્રોક્યુરમેન્ટ એન્ડ પ્રોસેસિંગ ફોર વેલ્યૂ એડિશન ઑફ મિલેટસ ઈન ઉત્તરાખંડ :
ઉત્તરાખંડ રાજ્યના સ્ટેટ મિશન મિલેટ હેઠળ રાજ્યના કૃષિ વિભાગ અને સ્ટેટ કો-ઓપરેટિવ ફેડરેશન લિ. ની દોરવણી હેઠળ બાવટો અને સામાના પાકને લક્ષ્ય બનાવી પરંપરાગત નાના મિલેટસની જાતોના મલ્ટિગ્રેઈન પ્રોસેસિંગ સવલત ઊભી કરવામાં આવેલ. આ પ્રોજેક્ટમાં જે તે મિલેટ ઉગાડતા પ્રદેશો નક્કી કરી જે તે મિલેટના ઉત્પાદનનું એકત્રિકરણ કરી તેનું વજન કરી બેગો ભરવા માટેની માળખાકીય સુવિધા પુરી પાડવામાં આવેલ.
(5) આંધ્રપ્રદેશ ડ્રોટ મિટિગેશન પ્રોજેક્ટ (APDMP) :
આ ઈન્ટરનેશનલ ફંડ ફોર એગ્રિકલ્ચરલ ડેવલપમેન્ટ (IFAD) અને આંધ્રપ્રદેશ સરકારના ફંડ ધ્વારા ચાલતો કાર્યક્રમ છે જેનો હેતુ વારંવાર દુષ્કાળગ્રસ્ત વિસ્તારના 95,000 ખેડૂતોને દુષ્કાળ સામે રક્ષણ પૂરૂ પાડી તેઓની આવકમાં સુધારો કરવાનો છે. આ કાર્યક્રમ હેઠળ આંધ્રપ્રદેશના દક્ષિણ પ્રદેશની 315 ગ્રામ પંચાયતોને આવરી લઈ 105 બ્લોકમાં 105 ખેડૂત ઉત્પાદક સંગઠનો (ફાર્મર પ્રોડ્યુસ ઓર્ગેનાઈઝેશન્સ – FPOs) સ્થાપવામાં આવેલ છે જેમાં મુખ્યત્વે કાઁગ, મોરૈયો, સામો, કોદરા, બ્રાઉનટોપ વગેરે નાના મિલેટસને પ્રોત્સાહન પૂરૂ પાડવામાં આવે છે.
(6) છત્તીસગઢ મિલેટ મિશન :
સને 2021માં ભારતનું મિલેટ હબ બનવા માટે છત્તીસગઢની સરકારે મિલેટ મિશન છત્તીસગઢની સ્થાપના કરેલ. તેનો પ્રાથમિક હેતુ 20 જીલ્લાના 85 બ્લોકમાં ધ્યાન કેન્દ્રિત કરી કોદરા, મોરૈયા અને રાગી વગેરે મિલેટ પાકોના વાવેતર માટે પ્રોત્સાહન પૂરૂ પાડવાનો હતો. તેમાં પાંચ વર્ષ માટે ‘વાવેતરથી વપરાશ’ (Cultivation to consumption) ની થીમ રાખવામાં આવેલ. આ મિશનમાં ખેડૂતો નફાકારક રીતે મિલેટની ખેતી કરી વાવેતરથી વપરાશ સુધીની ઈકોસીસ્ટમમાં સુધારો કરવાનો અભિગમ રાખવામાં આવેલ.
(7) ભાવાંતર ભરપાઈ યોજના, હરિયાણા :

આ હરિયાણા સરકારની બાગાયતી ખેડૂતોને બજારમાં મળતા ઓછા ભાવને લીધે થતી નુકસાની ભરપાઈ કરવાની એક વિરલ યોજના છે સને 2021થી રાજ્યમાં બાજરી ઉગાડતા ખેડૂતોને પ્રોત્સાહન આપવા અને ` 2250 પ્રતિ ક્વિન્ટલના ટેકા રૂપ ભાવે ખાનગી વેપારીઓ ધ્વારા બાજરીની ખરીદી કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. જેમાં ટેકા રૂપ ભાવ અને સરેરાશ બજારભાવનો તફાવત એટલે કે ‘ભાવાંતર’ ની રકમ સરકાર ધ્વારા ભરપાઈ કરવામાં આવે છે. જો ખાનગી વેપારીઓ ઓછા ભાવ આપે તો ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ ` 600ની મર્યાદામાં ખેડૂતોને તફાવતની રકમ પુરી પાડવામાં આવે છે. હરિયાણા એ આ પ્રકારની યોજના શરૂ કરનાર દેશનું પ્રથમ રાજ્ય છે.
(8) મધ્યપ્રદેશમાં કોદરા અને મોરૈયાને પ્રોત્સાહન :

કેન્દ્ર સરકારની ન્યુટ્રી-સીરીયલ યોજના હેઠળ કોદરા અને મોરૈયાના વાવેતરને પ્રોત્સાહન આપવામાં આવે છે. આ મિલેટના પ્રોત્સાહન માટે એક્શન ફોર સોસિયલ એડવાન્સમેન્ટ (ASA) નામની બિન-નફાકારક સ્વૈચ્છિક સંસ્થાએ મંડલા અને ડિન્ડોરી નામના આદિવાસી જીલ્લાઓના 30 થી 40 ગામો પસંદ કરેલ છે. આ વિસ્તારના ખેડૂતો મિલેટના થ્રેસિંગ અને ડીહલિંગ બાદ કાંકરી-પત્થર દૂર કરવાના પ્રશ્નો સતાવે છે. તેથી મધ્ય પ્રદેશ સરકારના ખેતીવાડી ખાતાની મદદ ધ્વારા 20 ડીહલિંગ મશીનો જે તે જીલ્લાઓમાં ગોઠવવામાં આવેલ છે. તેઓ ભોપાલ સ્થિત સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ એગ્રિકલ્ચર એન્જિનીયરિંગ (CIAE)ની મદદ વડે મિલેટના પ્રોસેસિંગ અને સ્ટોનને અલગ કરવાના મોટા મશીનો મેળવવા માટેના પ્રયત્નો કરે છે.
(9) પ્રમોશન ઑફ મિલેટસ થ્રુ એનએફએસએમ ન્યુટ્રિસીરીયલ્સ મિશન, નાગાલેન્ડ :

નાગાલેન્ડમાં મુખ્ય પાક તેમજ ઔષધિય હેતુ અને તેના છોતરાનો પશુ આહાર તરીકે ઉપયોગ કરવા માટે કાંગની ખેતી કરવામાં આવે છે. એનએફએસએમ (NFSM)ની ન્યુટ્રીસીરીયલ્સ યોજના હેઠળ કાંગનો વિસ્તાર, ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. આ યોજના હેઠળ અગ્રહરોળ નિદર્શનો, બિયારણનું વિતરણ, બીજ ઉત્પાદન, સંકલિત પોષણ વ્યવસ્થાપન, સંકલિત જીવાત વ્યવસ્થાપન અને તાલીમ વગેરે હાથ ધરવામાં આવે છે.
સંકલિત બાળ વિકાસ યોજનામાં મિલેટનો સમાવેશ :

(1) ચંદીગઢમાં ટેક હોમ રાશનમાં મિલેટનો સમાવેશ :
બાજરી અને જુવાર રેસા, ફોસ્ફરસ અને મેગ્નેશિયમથી સમૃદ્ધ હોઈ મહિલા અને બાળ વિકાસ વિભાગ 450 આંગણવાડી કેન્દ્રોના આઈસીડીએસ યોજના હેઠળ ટેક હોમ રાશનના લાભાર્થીઓને બાજરી અને જુવાર આપવાનું નક્કી કરેલ છે. બાજરીનું વિતરણ 16 ડિસેમ્બર 2020 થી 15 જૂન 2021 દરમ્યાન અને જુવારનું વિતરણ 16 જૂન 2021થી શરૂ કરેલ છે.
(2) ચંદીગઢમાં પૂરક પોષણ કાર્યક્રમમાં રાગીનો સમાવેશ :
છત્તીસગઢ રાજ્ય સરકારે સને 2018માં મુખ્યમંત્રી સુપોષણ યોજના હેઠળ પૂરક પોષણ કાર્યક્રમ (સપ્લીમેન્ટરી ન્યુટ્રિશન પ્રોગ્રામ – SNP) માં રાગીનો સમાવેશ કરેલ. ટેક હોમ રાશન યોજના હેઠળ 6 મહિનાથી 6 વર્ષના બાળકો, સગર્ભા અને સ્તનપાન કરાવતી માતાઓ, વધુ કુપોષિત બાળકો અને 11 થી 14 વર્ષની તરૂણ છોકરીઓને રાગી, ઘઉં, સોયાબીન, ચણા, મોરસ, શીંગદાણા અને ફોર્ટિફાઈડ સોયા તેલ યુક્ત રેડી-ટુ-ઈટ ફૂડ પેકેટસનું વિતરણ કરવામાં આવેલ.
(3) મધ્યપ્રદેશના આઈસીડીએસ કાર્યક્રમમાં કોદરા અને મોરૈયાનો સમાવેશ :
મધ્ય પ્રદેશમાં આંગણવાડી કેન્દ્રો અને પોષણ અભિયાન હેઠળ બાળકો અને માતાઓને મિલેટ આધારિત રેસીપી ધરાવતો સમૃદ્ધ ખોરાક આપવામાં આવેલ. ડિંડોરી અને મંડલા જીલ્લાઓમાં રહેતા 3 થી 6 વર્ષના બાળકોને મિલેટ આધારિત બનાવટો ખોરાક તરીકે આપવામાં આવેલ.
(4) ઓડિસામાં આઈસીડીએસ કાર્યક્રમ હેઠળ રાગીના લાડુ :

ઓરિસ્સાની સરકારે આદિવાસી વિસ્તારમાં મિલેટના પ્રમોશન માટેનો ખાસ પ્રોજેક્ટ શરૂ કરેલ જેનો હેતુ હવામાનમાં સ્થિતિસ્થાપક પાક તરીકે અને ઊંચા પોષણ મૂલ્યને ધ્યાને રાખી મિલેટના વાવેતરને પુનઃજીવિત કરવાનો હતો. ઓરિસ્સાના આદિવાસી જીલ્લાઓમાં પૉલીશ કરેલ ચોખા કરતા સારૂ કેલ્શિયમ, આયર્ન અને પ્રોટીન ધરાવતા રાગીનું વાવેતર કરવાનો છે. આઈસીડીએસ મારફતે થોડા નવિનીકરણ અને મૂલ્ય વર્ધન ધ્વારા પૂર્વશાળાના બાળકોને રાગીના લાડુ આપી પોષણ પૂરૂ પાડવામાં આવેલ.
(5) તમિલનાડુમાં આઈસીડીએસ કાર્યક્રમ હેઠળ પૂરક વીનિંગ ફૂડમાં મિલેટનો સમાવેશ :
તમિલનાડુની રાજ્ય સરકારે એક ક્રાંતિકારી ન્યુટ્રિશિયસ મીલ પ્રોગ્રામ શરૂ કરેલ જેનો હેતુ બાળકોને શિક્ષણ અને ગરીબાઈને લીધે સ્ત્રોતોની ખામીને પૂરવાનો હતો. તેમાં 6 માસથી 2 વર્ષના બાળકો, સગર્ભા મહિલાઓ અને સ્તનપાન કરાવતી માતાઓને મુખ્ય રાગી ધરાવતો વીનિંગ ફૂડ આપવામાં આવેલ. આઈસીડીએસ કાર્યક્રમ હેઠળ ટેક હોમ રાશનના લાભાર્થીઓને પૂરક વીનિંગ ફૂડ આપવામાં આવેલ. વીનિંગ ફૂડમાં રાગીનો શેકેલો લોટ તેમજ માલ્ટેડ રાગીનો સમાવેશ કરવામાં આવેલ.
(6) તેલંગણામાં આઈસીડીએસ કાર્યક્રમ હેઠળ મિલેટનો સમાવેશ :

તેલંગણા સરકારે મિલેટના વપરાશને પુનઃજીવિત કરવા માટેની એક વ્યૂહરચના બનાવેલ જેમાં આઈસીડીએસ કાર્યક્રમ હેઠળ ઠીંગણા, ક્ષિણતાવાળા, પાંડુરોગ અને ઓછું વજન ધરાવતા બાળકોને ગરમ રાંધેલા ખોરાક (હૉટ કૂકડ મીલ) પુરો પાડવામાં આવેલ. તેમાં 3 અને 6 વર્ષની વચ્ચેના બાળકો, તેમની માતાઓ અને સમાજના સભ્યોનો સમાવેશ કરેલ. આ કાર્યક્રમનો અમલ સને 2017-19 દરમ્યાન વિકારાબાદના જીલ્લા વહીવટી તંત્ર અને સને 2019-20 દરમ્યાન આદિલાબાદના જીલ્લા વહીવટી તંત્ર અને ટેકનિકલ પાર્ટનર તરીકે વાસન (વૉટરશેડ સપોર્ટ સર્વિસીસ એન્ડ એક્ટિવિટિઝ નેટવર્ક – WASSAN) ધ્વારા કરવામાં આવેલ.
મિલેટમાં સંશોધન અને વિકાસ :
(1) ડાંગરના વાવેતર બાદ જુવારનો પાક લેવો :

ડાંગરનો પાક લીધા બાદ ખાલી પડેલ ખેતરમાં શૂન્ય ખેડ વડે જુવારની ખેતી કરવા માટેના પ્રમાણિત પદ્ધતિનો વિકાસ આઈસીએઆર – આઈઆઈએમઆર (ICAR – IIMR) સંસ્થાએ કરેલ છે જેની જાણકારી ખેડૂતોને આપવા માટે ક્ષેત્ર દિન અને મોટા પાયે નિદર્શનો યોજેલ છે.
(2) ન્યુટ્રિહબ ટેકનોલૉજી બિઝનેસ ઈન્ક્યુબેટર (TBI) :

‘ન્યુટ્રિહબ’ એ ડીપાર્ટમેન્ટ ઑફ સાયન્સ એન્ડ ટેકનોલૉજી (DST) અને ભારત સરકારના ટેકા વડે ચાલતું ટેકનોલૉજી બિઝનેસ ઈનક્યુબેટર તથા ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ રિસર્ચ (IIMR), હૈદ્રાબાદનું યજમાન છે. આ ભારતમાં ન્યુટ્રિસીરીયલ ક્ષેત્રે એક વિરલ અને પ્રથમ પ્રકારનું સ્ટાર્ટઅપ છે. તે ન્યુટ્રિસીરીયલ્સના વિકાસ અને હવામાન સ્થિતિસ્થાપકતા માટેના ભાવિ પાકોને અંગે ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન પૂરૂ પાડે છે.
(3) ઈથેનોલના સ્ત્રોત તરીકે મીઠી જુવાર :

ઈક્રીસેટ (ICRISAT) અને આઈસીએઆર-આઈઆઈએમઆર (ICAR-IIMR) ધ્વારા મીઠી જુવાર (sweet sorghum) માંથી ઈથેનોલનું ઉત્પાદન કરવાનો નવિનીકરણ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલ અને તેના પરિણામે સને 2014માં બળતણના વિકલ્પ રૂપે પર્યાવરણ-મિત્ર બળતણ (ઈકો-ફ્રેન્ડલી ફ્યુઅલ)નો રસ્તો મળેલ. ભારત સરકારના ફંડ ધ્વારા મહારાષ્ટ્ર, તમિલનાડુ અને ગુજરાતની સાત સુગર ફેક્ટરીઓએ મીઠી જુવારમાંથી વેપારી ધોરણે ઈથેનોલના ઉત્પાદન કરવા માટેની કામગીરી ચાલુ છે.
(4) ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ફૂડ પ્રોસેસિંગ ટેકનોલૉજી (IIFPT) નું મિલેટ મિશન :

આ સંસ્થા ઉદ્યોગસાહસિકો, ઉદ્યોગકારો, ખેડૂતો, સ્વ સહાય જૂથો, વિદ્યાર્થીઓ અને સંશોધન વિધ્વાનો વગેરેને મિલેટ પ્રોસેસિંગ, પરિરક્ષણ અને મૂલ્ય વર્ધનની તમામ બાબતો અંગેની માહિતી આપે છે. તે સંશોધન અને વિકાસ, ક્ષમતા નિર્માણ અને કુશળતા વિકાસ કાર્યક્રમો, ટેકનોલૉજીનો પ્રસાર અને માર્ગદર્શન સેવાઓ પુરી પાડે છે.
(5) ઈક્રીસેટ (ICRISAT) નો ન્યુટ્રી પ્લસ નોલેજ (NPK) કાર્યક્રમ :

આ ઈક્રીસેટના એગ્રિબિઝનેસ ઈનોવેશન પ્લેટફોર્મ (AIP) ઉપર ચલાવતો કાર્યક્રમ છે જે નવિનીકરણ પ્રોસેસિંગ અને પ્રોડક્ટ વિકાસની રીતો ધ્વારા મૂલ્ય વર્ધન અને કાપણી પછીની વ્યવસ્થા વડે કૃષિ ખાદ્ય ક્ષેત્રના વિકાસને પ્રોત્સાહન આપે છે. આ એનપીકે કાર્યક્રમ હેઠળ મિલેટસના પોષણ અને કાર્યકારી ગુણોને આધારે પ્રોડક્ટ વિકાસની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે.
(6) બાયો ફોર્ટિફાઈડ જુવાર અને બાજરી :


ઈક્રીસેટ ધ્વારા સૌ પ્રથમ વેપારી ધોરણે સને 2012માં બાજરીની ‘ધનશક્તિ’ અને સને 2018માં જુવારની ‘પરભણી શક્તિ’ નામની બાયોફોર્ટિફાઈડ જાત વિકસાવી છે. ત્યારબાદ ભારતમાં અનેક જાતો અને હાઈબ્રિડ જાતો વેપારી ધોરણે વિકસાવવામાં આવી છે. ઈક્રીસેટ એ પાક સુધારણામાં બાયોફોર્ટિફિકેશનના સંશોધન ધ્વારા પોષણ યુક્ત ઉત્પાદન અને બજાર પસંદગીના લક્ષણો ધરાવતી જાતો વિકસાવી છે.
(7) શેલ્ફ સ્ટેબલ જુવાર ફ્લોર :

જુવારના દાણાને દળી મળતા લોટમાંથી જુવારની રોટલી બનાવી ખોરાકમાં લેવાય છે. જુવારનો દળેલો લોટનો સંગ્રહ કરતાં 5 થી 15 દિવસમાં લિપોલાયટિકને કારણે ખોરાશ પકડે છે એ તેના લોટના સંગ્રહની એક મર્યાદા છે. સેન્ટ્રલ ફૂડ ટેકનોલૉજીકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (CFTRI) મહૈસુર ધ્વારા શેલ્ફ સ્ટેબલ જુવાર ફ્લોરની એક પ્રમાણિત પ્રોસેસ વિકસાવી છે જેના કારણે પ્રોડક્ટની ગુણવત્તાને અસર થયા સિવાય 6 થી 8 માસ સુધી જુવારના લોટનો સંગ્રહ કરી શકાય છે.
(8) સોલર એમ્પાવર્ડ મિલેટ ડીહસ્કર :

ઓરિસ્સાના કંધામલ જિલ્લાના ડુપિ ગામે સૌર ઊર્જાથી ચાલતું મિલેટ ડિહસ્કિંગ યુનિટ આવેલ છે જે પરંપરાગત મિલિંગની સરખામણીએ ઓછી મજૂરી વડે આદિવાસી મહિલાઓની વેઠમાં ઘટાડો કરે છે અને આ મહિલાઓ અન્ય કામના સ્થળે મજૂરી કે સમય આપી શકે છે અથવા અન્ય જોબ કરી શકે છે. આમ પરંપરાગત મિલેટના વાવેતરને પુનઃજીવિત કરવાના વિશ્વાસમાં વધારો કરે છે.
સ્ત્રોત : ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, નવેમ્બર – 2023
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in

