કસાઈ એ તૃણધાન્ય વર્ગનું એક ઘાસ છે. તે હિન્દીમાં શંકુલ, કસદ, કઉરૂ, મરાઠીમાં કસી, કસઈ, સંસ્કૃતમાં કાસેક્ષુ અને અંગ્રેજીમાં Job’s tears કે Adlay millet તરીકે ઓળખાય છે. તેનું વૈજ્ઞાનિક નામ Coix lachryma-Jobi છે.
આ પ્રકારનું ઘાસ દક્ષિણ એશિયા, ભારત, ચીન અને બ્રહ્મદેશમાં જોવા મળે છે. ફિલિપાઈન્સમાં પશુઓના ચારા માટે તેનું વાવેતર થાય છે. તે ચોમાસામાં છોડ અને નદીનાળાઓને કાંઠે ઉગે છે. તેના છોડ 90 થી 150 સે.મી. (3 થી 5 ફૂટ) ઊંચા થાય છે એમાં ધોળા અને ઘણા લીસા દાણા થાય છે જેને કસિયા કહે છે.
ઉપયોગો :
(1) ખોરાક તરીકે : તે ગરીબોનો ખોરાક છે. તેના દાણા રાંધીને ખવાય છે. તે એકલા ભાત કે શીરો બનાવી ખવાય છે. ગરીબ લોકો દુષ્કાળ વખતે તે ખાય છે.
(2) પશુઓના ચારા તરીકે : તેનું ઘાસ દુષ્કાળ સમયે દરેક પશુઓ ખાય છે. ઉનાળામાં ધેડ વિસ્તારમાં ભેંસો તેનું ઘાસ ખાય છે. તેનું ઘાસ છાજ તરીકે પણ વપરાય છે.
(3) દવા તરીકે : તેના બીજ કસઈ બીજ નામથી બજારમાં દવા તરીકે વેચાય છે. મૂત્રવરોધ માટે યુનાની દવામાં જાણીતા છે. તેના મૂળો ગર્ભાશય પર સારી અસર કરી અત્યાર્તવ માટે વપરાય છે. તેની રાબડી પૌષ્ટીક અને મૂત્રલ છે.
(4) દારૂ તરીકે : તેના લોટને ખમીર ચડાવી દારૂ એટલે કે માદક પીણું બનાવાય છે.
(5) હસ્તકલામાં ઉપયોગ : તેના દાણાને વીંધી હારમાળા કે હાથકંકણ ગૂંથી પહેરવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણને રાધાજી તેના દાણાને ગૂંથી બનાવેલ માળા પહેરાવતા હતા જે તે સમયે ‘વૈજયન્તિમાલા’ તરીકે ઓળખાતી હતી. તેની સાદડીઓ પણ બનાવાય છે.

સ્ત્રોત : (1) વનસ્પતિવર્ણન લે.જયકૃષ્ણ ઈન્દ્રજી ઠાકર, (2) વનસ્પતિસૃષ્ટિ લે. ગોકુળદાસ ખીમજી બાંભડાઈ
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in

