ભારત દેશ વિશ્વમાં તૈલીપાકોનું ઉત્પાદન અને આયાત કરતો મોટો દેશ છે. ભારતના અર્થકરણમાં તૈલીપાકો મહત્વનો ભાગ ભજવે છે. માનવ વસ્તીના ખોરાક માટે જરૂરી ખાદ્ય તેલ મેળવવા માટે તૈલીપાકો એ મુખ્ય સ્ત્રોત છે કે જેમાંથી મેળવાતા તેલનો વિવિધ રીતે વપરાશ કરવામાં આવે છે. દેશમાં થતા વિવિધ તૈલીપાકોમાં રાઈ-સરસવ એ મુખ્ય પાકો છે. હવામાન ફેરફારની આ પરિસ્થિતિ હેઠળ દેશમાં થતી રાઈ-સરસવની વર્તમાન જાતો ઘરેલું વપરાશ માટેની માંગ પુરી પાડી શકે તેવી ક્ષમતા ધરાવતી નથી. આમ ભવિષ્યની માંગને જોતાં કરન રાઈ/ઈથિયોપિયન રાઈ એક ઉત્તમ વિકલ્પ જણાય છે જે વરસાદ આધારિત ખેતીમાં સારૂ વળતર અને ખેડૂતને એકમ દીઠ વધુ આવક તથા દેશના તૈલીપાકોના ઉત્પાદનમાં વધારો કરી શકે તેમ છે.
વિશ્વમાં મુખ્ય શાકભાજી તેલ પેદા કરતા તૈલીપાકોમાં બ્રાસીકેસી કે ક્રુસીફેરી કુટુંબના પાકોનો સમાવેશ થાય છે જે સામાન્ય રીતે રાઈ-સરસવ તરીકે જાણીતા છે. યુએસડીએ (USDA)ના જણાવ્યા અનુસાર તેનું વૈશ્વિક ઉત્પાદન સને 2016-17માં 1209.6 લાખ હેક્ટર વિસ્તારમાંથી 3513.1 લાખ ટન મળેલ અને હેક્ટરે દીઠ ઉત્પાદકતા 2.9 મેટ્રિક ટન હતી. ચીન અને કેનેડા બાદ ભારત એ રાઈ-સરસવનું ઉત્પાદન કરતો વિશ્વનો ત્રીજો મુખ્ય દેશ છે. વર્તમાન પરિસ્થિતિમાં ખાદ્ય તેલ, ખોરાક અને પાંદડાંવાળાં શાકભાજીની જરૂરિયાત માટે વિશ્વના વિવિધ ખેત હવામાન વિસ્તારોમાં વિવિધ છ જાતોનું વાવેતર થાય છે. સામાન્ય રીતે આ પાકનું જૂથ રાઈ-સરસવ તરીકે જાણીતું છે દા.ત. ટોરિયા, બ્રાઉન સરસવ અને પીળી સરસવ એ સરસવના હેઠળ અને બ્રાસિકા કેમ્પેસ્ટ્રીસ (Brassica campestris), ભારતીય રાઈ (B. juncea), કાળી રાઈ (B. nigra) અને તારામિરા (Eruca sativa) એ રાઈ હેઠળ આવે છે. બ્રાસિકાની પરદેશી જાતો જેવી કે, ગોભી સરસવ (B. napus), ઈથોપિયન રાઈ અથવા કરન રાઈ (B. Carinata) અને સફેદ રાઈ (Sinapis alba) વગેરેનું પણ ભારતમાં વાવેતર થાય છે.
પ્રતિ વર્ષ ભારતની વસ્તીમાં થતો વધારો ખાદ્ય તેલની માંગમાં વધારો પેદા કરે છે. સને 2003-04 માં 116 લાખ મે.ટન ખાદ્ય તેલનો વપરાશ હતો જે સને 2012-13માં વધીને 175 લાખ મે.ટનના સ્તરે પહોંચેલ. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ના સૂચવ્યા મુજબ દૈનિક ધોરણે 30 ગ્રામ (વાર્ષિક 11 કિ.ગ્રા.) તેલ અને ફેટ લેવી જોઈએ. હાલમાં ઘરેલું તેલીબિયાંની ઉત્પાદકતા હેક્ટર દીઠ 1159 કિ.ગ્રા. છે જે સને 2030માં માંગમાં વધારા મુજબ હેક્ટરદીઠ ઉત્પાદકતા 2245 કિ.ગ્રા. સુધી લઈ જવી પડશે. વિપરીત ખેત હવામાન પર્યાવરણને કારણે ભારતમાં રાઈ-સરસવનો વિસ્તાર, ઉત્પાદન અને ઉત્પાદકતા ઉપર વિવિધ જૈવિક અને અજૈવિક તનાવનો કારણે વધ-ઘટ થતી જોવા મળે છે. વૈશ્વિક તાપમાન, ઉતરતી જમીનો અને જળસ્ત્રોતો, જૈવિક સ્ત્રોતો વગેરે બાબતો રાઈ-સરસવની ભાવિ માંગ ઉપર અસર કરે છે. ભવિષ્યની ખાદ્ય તેલની જરૂરિયાત રાઈ-સરસવ કે જે ઠંડીના મર્યાદિત સમયે થાય છે અને તેને સૂકા વિસ્તારોમાં લઈ શકાય તેમ નથી. ઈથિયોપિયન રાઈ એ એક તૈલીપાક છે કે જે ખેડૂતોને સારૂ વળતર, એકમ દીઠ વધુ આવક અને દેશના તેલીબિયાંના ઉત્પાદનમાં વધારો કરનાર એક વૈકલ્પિક પાક છે. ખેડૂતોના ખેતરો ઉપર તેની ક્ષમતા અંગેના પ્રયાસો કરવામાં આવેલ છે. દેશની તેલીબિયાંની જરૂરિયાત પુરી કરવા માટે સૂકી ખેતી હેઠળ આફ્રિકન સરસવની (Brassica carinata, L) ની ખેતી કરવા માટેની માહિતી આ લેખમાં દર્શાવેલ છે :
કરન રાઈ/ઈથોપિયન રાઈ :
કરન રાઈ/ઈથોપિયન રાઈ કોબીજ (B. oleracea) અને કાળી રાઈ (B. nigra) વચ્ચેના કુદરતી સંકરણ કરવાથી ઉદભવેલ જાત છે. તે ધીમે ધીમે વધે છે જેના મુખ્ય લક્ષણો કોબીજ જેવા છે અને તેમાં તેલનું પ્રમાણ કાળી રાઈ જેવું છે. તેનું ખાસ કરીને ઉત્તર પૂર્વ આફ્રિકા અને ઈથિયોપિયા દેશોમાં વાવેતર થાય છે.
સામાન્ય નામો :
કરન રાઈ એ સામાન્ય પણે ગોમેન્ઝેર, આફ્રિકન સરસવ, એબિસિનિયન મસ્ટાર્ડ, આફ્રિકન કેબેજ ઈથિયોપિયન કાલે, પીલા રાયા, એબિસિનિયન કેબેજ, ઈથિયોપિયન મસ્ટાર્ડ, ઈથિયોપિયન રેપ, મસ્ટાર્ડ કોલ્લાર્ડ વગેરે નામે ઓળખાય છે. બ્રાસિકા પ્રજાતિઓની વિગત કોઠામાં દર્શાવેલ છે :
| ક્રમ | પ્રજાતિઓ | સામાન્ય નામ |
| 1 | Brassica rapa.L | ટર્નિપ |
| 2 | Brassica nigra(L) Koch | બ્લેક મસ્ટાર્ડ |
| 3 | Brassica oleracea | કેબેજ |
| 4 | Brassica juncea (L) Czern & Coss | લીફ મસ્ટાર્ડ |
| 5 | Brassica napus | ગોભી સરસવ |
| 6 | Brassica carinata | કરન રાઈ |
આબોહવાની જરૂરિયાત :
ઈથિયોપિયન રાઈ એ સર્વતોમુખી છે અને તે ઠંડી આબોહવામાં, હૂંફાળી અને સૂકી સ્થિતિમાં સારી ફળદ્રુપ જમીનમાં ઉગાડી શકાય છે. ઊંચા તાપમાન જેવી પ્રતિકુળ સ્થિતિમાં પણ છોડ અત્યંત સહનશીલ છે. પિયત હેઠળ સૂકી ઋતુમાં પણ તે ઉત્તમ રીતે ઉગી શકે છે અને તેમાં જીવાતો અને રોગોનો ઓછો ઉપદ્રવ જોવા મળે છે. આ પાક વિવિધ પ્રકારની જમીનોમાં અનુકુળ રીતે થઈ શકે છે અને ખાસ કરીને સીમાંત ક્ષેત્રોમાં તૈલીપાક તરીકે ઉગાડી શકાય છે. રવી ઋતુની શરૂઆતમાં તેની રોપણી સફળતાપૂર્વક કરી છોડની સારી સંખ્યા જાળવી ઉત્પાદન મેળવી શકાય છે. જો તેની વહેલી અને મોડી રોપણી કરવામાં આવે તો ઊંચું નુકસાન, છોડની સંખ્યા અને ઘનતામાં ઘટાડો, જીવાતોના નુક્સાનમાં વધારો અને બીજના ઉત્પાદનમાં ઘટાડો થતો જોવા મળે છે.
છોડની વિગત :
તે વર્ષોવર્ષો ઉગી નીકળતો વર્ષાયું સીધો અને ઝડપી વધતો, 1 થી 1.8 મીટર ઊંચો થતો ઉષ્ણકટીબંધીય છોડ છે. છોડ ઊંચી શાખાઓ અને ઊંડું પટ્ટી મૂળતંત્ર ધરાવે છે જે તેને વિવિધ જૈવિક તનાવ સામે સહનશીલ બનાવે છે અને તેથી તેને સમશીતોષ્ણ અને ઉષ્ણકટીબંધીય પ્રદેશમાં ઉગાડી શકાય છે. તેના ફૂલો ઉભયલિંગી એટલે કે નર અને માદા બંનેના અંગો ધરાવે છે અને તેનું પરાગનયન મધમાખીઓ ધ્વારા થાય છે. મોટે ભાગે બ્રાસિકાની પ્રજાતિઓ પરપરાગનયન ધરાવે છે તેના કારણે તેની પ્રજાતિઓ પર પરાગનયન ધરાવે છે તેના કારણે તેની પ્રજાતિઓમાં મોટી વિવિધતા જોવા મળે છે. આ જાત એક અપવાદ છે કે જેમાં કીટકોની મદદ વિના સ્વપરાગનયન ધ્વારા બીજ બેસે છે. છોડ ઢળી પડવા સામે સહનશીલ હોય છે. તેનું વાવેતર હલકી રેતાળ, લોમી મધ્યમ અને માટીયાળ ભારે જમીનમાં કરી શકાય છે. તેને સારા નિતારવાળી, અમ્લીય, તટસ્થ અને આલ્કલાઈન જમીન પણ માફક આવે છે.
જીવરાસાયણિક ગુણધર્મો :
તેના બીજ નીચેના જીવરાસાયણિક ગુણધર્મો ધરાવે છે :
| ક્રમ | વિગત | ટકા |
| 1 | બીમાં તેલ | 25-47 |
| 2 | પ્રોટીન | 25-45 |
| 3 | એરૂસિક એસિડ | 35-44 |
| 4 | લિનોલેઈક એસિડ | 15-22 |
| 5 | લિનોલેનિક એસિડ | 16-20 |
| 6 | ઓલેઈક એસિડ | 10-12 |
| 7 | ઈકોસેનોઈક એસિડ | 7-9 |
| 8 | પાલ્મિટિક એસિડ | 2-4 |
| 9 | ગ્લુકોસાઈનોલેટસ | 100-200 (મ્યુમોલ્સ પ્રતિ ગ્રામ) |
રોગ-જીવાત :
(1) ઈથિયોપિયન કાલે એ ટર્નિપ પચરંગિયા રોગ અને ખાસ કરીને પાંદડાંવાળાં શાકભાજી તરીકેના પાકમાં પણ સંવેદનશીલ છે. તેની શાકભાજી તરીકેની જાતોમાં મુખ્યત્વે સફેદ ગેરૂ (Albugo candida) નામના રોગનો ઉપદ્રવ થાય છે પરંતુ તૈલીપાકમાં તે થતો નથી.
(2) તે ઓલ્ટરનેરિયા પાનનાં ટપકાં, ધરૂનો કહોવારો અને ધરૂના મૂળનો સડો પ્રતિ અત્યંત સંવેદનશીલ છે. ઝેન્થોમોનાઝ, ઓલ્ટરનેરિયા, ફોમા અને રાઈઝોક્ટોનિયા એ બીજ જન્ય રોગો છે. આ રોગો ઘણા અગત્યના હોઈ તેને અટકાવવા માટે પાકની ફેરબદલી કરવી આવશ્યક છે.
(3) આ પાકમાં કોબીજનું પતંગિયું, કોબીજ અને રાઈની મોલો, કોબીજનું વીવિલ, ફ્લી બીટલ અને હરિકેન બગ વગેરે કીટકોનો ઉપદ્રવ થાય છે.
ખેત-આબોહવા ફેરફારના લાભો :
(1) આ જાતની શીંગો ઢળી પડવા સામે વધુ પ્રતિકાર કરે છે જેથી પાક પક્વ થયે કાપણી કરવા માટે વધુ સમય મળી રહે છે જેથી વધુ પાક્ટ થવાથી ઉત્પાદનમાં પડતી ઘટ અટકે છે અને સહેલાઈથી યાંત્રિક કાપણી કરી શકાય છે.
(2) અન્ય બ્રાસિકાની પ્રજાતિઓ કરતાં આ જાત ક્ષારીય જમીન સહિત ક્ષારવાળા પર્યાવરણમાં અનુકુળ છે અને દુષ્કાળ સામે સહનશીલતા ધરાવે છે. તે વિશ્વમાં ખાસ કરીને ઓછા વરસાદવાળા વિસ્તારોમાં પરંપરાગત રાઈની ખેતીના એક વિકલ્પ તરીકે ઉત્પાદનના સ્તરે અને જૈવિક તથા અજૈવિક તનાવ સામે પ્રતિકારક તરીકે સારી જણાઈ છે.
(3) આ જાત ખેડૂતોને નવી આવકનો સ્ત્રોત પુરો પાડી શકે છે. શિયાળા દરમ્યાન ફક્ત આવરણ પાકો (કવર પાકો) તરીકે ઉપયોગમાં લેવાતી હોય અથવા પરંપરાગત રીતે પડતર રાખવામાં આવતી હોય તેવી જમીનમાં આ પાક લઈ શકાય છે. આ જાતનો વધારાનો ફાયદો એ છે કે તેને ખેતી પદ્ધતિઓમાં ધાન્ય અને કઠોળપાકોના બદલે વારાફરતી લેવાની વિપુલ ક્ષમતા ધરાવે છે.
(4) તેના પાનની ઘટા નીંદણોને દબાવી દે છે એટલે નીંદણોના ફેલાવાને અટકાવે છે. ભારતમાં રાઈના પાકમાં રાઈના પતંગિયા (લાર્જ વ્હાઈટ બટરફ્લાય)ના ઉપદ્રવના વ્યવસ્થાપનમાં પિંજર પાક (ટ્રેપ ક્રોપ) તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે.
(5) તે ઊંડા મૂળ ધરાવતો કુદરતી છોડ હોઈ જમીનનો બાંધો અને હવાની અવરજવરમાં સુધારા માટે જાણીતો છે.
આર્થિક મહત્વ :
આ જાતનાં પાંદડાં, કુંપળ, અપક્વ ફૂલોવાળી દાંડી અન બીજનું તેલ એ તેના ખાદ્ય ભાગો તરીકે મહત્વના છે. તે પાંદડાંવાળી શાકભાજી, મસાલા, ઘાસચારો અને જેટ એન્જીન માટેના જૈવબળતણનો સ્ત્રોત છે. તેના કેટલાક મહત્વના ઉપયોગોની માહિતી અત્રે દર્શાવેલ છે :
(1) તેનાં પાન શાકભાજી તરીકે ઉપયોગમાં લેવાય છે કે જે હળવી સુગંધ ધરાવે છે અને પરાગ તથા મધુરસ માટે મધમાખીઓને તેના ફૂલો આકર્ષે છે.
(2) તેનું તૈલીપાક તરીકે વાવેતર કરવામાં આવે છે. તેના બીજને કચરીને કાઢવામાં આવતું તેલ ખોરાક રાંધવામાં અને રાઈ ઉદ્યોગમાં વપરાય છે. તેના બીમાં રહેલ તેલના ટકાનો આધાર તેની પ્રજાતિ અને વાવેતરની સ્થિતિ ઉપર રહે છે.
(3) તેના બી પેટના દુઃખાવાની સારવાર માટે આયુર્વેદિક દવા તરીકે અને કાચા માંસને સુગંધિત બનાવવા માટે મસાલા તરીકે તેના તીક્ષ્ણ સ્વાદ ધરાવતા બીજ વપરાય છે.
(4) તે સામાન્ય રીતે ગોભી સરસવની સરખામણીએ અનિચ્છનીય સ્તરે ઊંચા પ્રમાણમાં એરૂસિક એસિડ ધરાવતી હોઈ તેના વાવેતર માટે ઓછી પસંદગી કરવામાં આવે છે. તેનું તેલ ઊંચા પ્રમાણમાં ગ્લુકોસિનોલેટસ અને એરૂસિક એસિડ ધરાવતું હોઈ ખોરાક રાંધવા માટે તેની મર્યાદા છે.
(5) આ પાકનો પ્રસંગોપાત પશુઓના ચારા તરીકે અને તેના બીજ પક્ષીઓના ખોરાક તરીકે ઉપયોગમાં લેવાય છે.
(6) ટ્રાન્સઈસ્ટરીફિકેશન વડે તેના તેલમાંથી બાયોડીઝલ કે બાયોફ્યુઅલ (જૈવબળતણ)નું ઉત્પાદન કરવામાં આવે છે જે ડીઝલ કારમાં બળતણ તરીકેની અનુકુલનતા દર્શાવે છે. તે ઊંચો એરૂસિક એસિડ ધરાવે છે અને તેના ડેરીવેટિવ્ઝ (વિકલનો)નું જેટ એન્જીનમાં હવાઈ જૈવબળતણ (એવિએશન બાયોફ્યુઅલ) તરીકે પણ ચકાસણી થયેલ છે.
(7) તે ઔષધ ઉદ્યોગોમાં પણ ઉપયોગી છે. તેમાં રહેલ હિરૂદિન નામનું ઔષધીય પ્રોટીન સામાન્ય રીતે રૂધિરગંઠન-રોધક (એન્ટિકોએગ્યુલન્ટ) તરીકે થ્રોમ્બોસિસ અટકાવવા માટે સફળ સાબિત થયેલ છે.
વાવેતર માટે બહાર પાડેલ જાતો :

| પુસા સ્વર્ણિમ |
ધી ઈન્ડિયન નેશનલ એગ્રિકલ્ચર સીસ્ટમ આ પાકની સુધારેલી જાતો અંગેની લાઈનો વિકસાવવા માટે પ્રયાસો કરી રહેલ છે કે જે બીજ અને ખાદ્ય તેલનું વધુ ઉત્પાદન આપતી રોગ પ્રતિકારક, વહેલી પાકતી અને પર્યાવરણમાં વિશાળ પાયે અનુકૂલન ધરાવતી હોય. તેની પાક સુધારણામાં તેલના ટકા વધુ મળે, ફેટી એસિડના પ્રોફાઈલમાં સુધારો થાય અને વહેલી પાકે તેવી લાઈનો વિકસાવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવેલ છે. તેની સુધારેલી લાઈનો પસંદ કરવા માટે પાનનું કદ, મોડા ફૂલ આવવાં, મુખ્ય રોગો અને જીવાતોની સંવેદનશીલતામાં ઘટાડો, તેલની ગુણવત્તા અને ઊંચા ઉત્પાદન વગેરે બાબતોને ધ્યાને લેવામાં આવે છે. ઓછો એરૂસિક એસિડ, ગ્લુકોસિનોલેટ પ્રમાણ અને બીજનું ઊંચુ ઉત્પાદન એ પસંદગી માટેની મુખ્ય બાબતો છે. આ માટે તેનું વિવિધતા મુજબ એકત્રિકરણ, સંરક્ષણ અને ચકાસણી કરવાની ખાસ જરૂરિયાત છે કે જેથી ખેડૂતોને તેઓની પરંપરાગત રીતે વવાતી જાતોને બદલે નવી જાતો વાવેતર માટે આપી શકાય.
ભારતમાં વિકસિત કરેલ જાતો :
પીસી-5, પુસા સ્વર્ણિમ, પુસા, પીબીસી-9921 (કિરણ), જેટીસ-1, પીસી-5-17, અને પુસા ગૌરવ.
મર્યાદાઓ :
(1) તેના આવા મજબૂત સકારાત્મક ગુણો હોવા છતાં પાકની કેટલીક મર્યાદાઓ છે જેવી કે એરૂસિક એસિડનું ઊચું સ્તર અને ગ્લુકોસિનોલેટસના અનિચ્છનીય સ્તરને કારણે તેલની ઓછી ગુણવત્તા.
(2) આ પ્રજાતિના વિશાળ ઉપયોગની મુખ્ય મર્યાદા કુદરતી રીતે ઊંચા સ્તરે રહેલ એરૂસિક એસિડ અને તેલનું ઓછું સ્તર છે.
(3) કુદરતી રીતે આ જાતમાં જનીનિક વિવિધતા પ્રતિબંધિત પ્રમાણમાં પ્રાપ્ય છે એટલે તેની વિવિધતાના સ્ત્રોતો શોધી તેનો ઉપયોગ કરવો જરૂરી છે.
(4) તેમાં ઊંચી ઉત્પાદન આપતી જાતો અપ્રાપ્ય છે કે જે જૈવિક અને અજૈવિક તનાવ સામે પ્રતિકારક છે.
ભાવિ પાક સુધારણા માટેના લક્ષાંકો :
(1) એકમ દીઠ ઉત્પાદકતામાં સુધારણા કરવી
(2) બીજમાં તેલના ટકામાં વધારો કરવો
(3) બીજના કદમાં વધારો કરવો
(4) જૈવિક તનાવ સામે પ્રતિકારક જાતોનો વિકાસ કરવો
(5) તેલમાં શૂન્ય સ્તરે ઝેરી એરૂસિક એસિડનું પ્રમાણ ઘટાડવું અને આંતરરાષ્ટ્રીય સ્તર મુજબ ગ્લુકોસિનોલેટના પ્રમાણમાં ઘટાડો કરવો.
(6) ઔદ્યોગિક જરૂરિયાત મુજબ તેલમાં ફેટી એસિડના બંધારણમાં ફેરફાર કરવો દા.ત. બાયોફ્યુઅલ, પ્લાસ્ટિક, લુબ્રિકેન્ટસ અને ઔષધ ઉદ્યોગ.
(7) વિવિધ પાક પદ્ધતિઓમાં બંધ બેસે તે રીતે પક્વતાના ગાળામાં ઘટાડો કરવો.
ભાવિ સંભાવનાઓ :
આ જાતનો સુધારણા કાર્યક્રમ પરંપરાગત સંવર્ધન પદ્ધતિઓ સુધી મર્યાદિત છે. આ પાકમાં ખાદ્ય તેલની જરૂરિયાતના સંદર્ભે મોટે ભાગે સુધારણા કરવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવેલ છે. તે પાંદડાંવાળુ શાકભાજી અને તૈલી પાક હોઈ મર્યાદિત સંસાધનોવાળી સ્થિતિમાં હળવા અથવા ગરમ તાપમાનવાળા હવામાનમાં વધુ ઉત્પાદન આપવાની ક્ષમતા સાથે અનુકુલન સાધે તેવો પાક હોવો જોઈએ. તે ઊંડા મૂળ ધરાવતો પાક હોઈ વરસાદ આધારિત ખેતીમાં તેના વાવેતરની વિપુલ તકો રહેલી છે. તાજેતરમાં સંકરણ ધ્વારા ઈચ્છિત ઉત્પાદન, રક્ષણાત્મક લક્ષણો અને ખાદ્ય તેલમાં રહેલ ફેટી એસિડના બંધારણમાં ફેરફાર કરી શકાય તેવી જાતો વિકસાવવા અંગેનું સંશોધન ચાલુ છે. આ જાતમાં શૂન્ય એરૂસિક એસિડ અને બીજમાં ગ્લુકોસિનોલેટના પ્રમાણમાં ઘટાડો કરવા માટેના પાક સુધારણા સંશોધન
ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવેલ છે. જો કે સંવર્ધકો ફેટી એસિડના બંધારણમાં ફેરફાર અને અલીલ-ગ્લુકોસિનોલેટને બીમાંથી સંપૂર્ણ રીતે દૂર કરવા માટેની કામગીરી કરી રહ્યા છે કે જે ઉદ્યોગ ધ્વારા પશુઓના ખોરાક તરીકેની સ્વિકાર્યતા માટેની પ્રાથમિક જરૂરિયાત છે. ફેટી એસિડ બંધારણમાં ફેરફાર કરવાથી દેશમાં આ જાત ઉપર આધારિત જૈવબળતણ ઉદ્યોગની સ્થાપના કરવામાં એક મહત્વનો સ્ત્રોત ઉપયોગી બનશે. વિશ્વના કેટલાક દેશોમાં તેના તેલનો ઉપયોગ બાયોડીઝલ તરીકે થાય છે. તેથી ભવિષ્યમાં સમાજના ઉપયોગ માટે તેના તેલના વિવિધ ઉપયોગ ઉપર ધ્યાન આપવામાં આવશે. તેની સુધારેલી જાતો આવતાં બિનપરંપરાગત વિસ્તારોમાં પણ તેનું વાવેતર થશે. ભારતમાં તે વર્તમાનમાં તેલીબિયાના ઉત્પાદન આપતા પાકોમાં એક વૈકલ્પિક પાક તરીકે આગળ આવશે અને તેલીબિયાના ઉત્પાદનમાં વધારો કરી દેશનો ખાદ્ય તેલના ઉત્પાદનમાં સ્વાવલંબા બનાવશે.
સ્ત્રોત : ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, નવેમ્બર-2020
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in

