આનંદદાયક સ્વાદ અને અન્ય ખાદ્ય તેલોમાં સહેલાઈથી મિક્સ કરી શકાય તેવું તેમજ ઈચ્છિત ફેટી એસિડના બંધારણને કારણે તેનું શ્રેષ્ઠ ખાદ્ય તેલ બનાવાય છે. તેનું તેલ દવા ઉદ્યોગ સૌંદર્યપ્રસાધનો (કોસ્મેટિક્સ) અને અન્ય સંલગ્ન પ્રોડક્ટસ બનાવવામાં વપરાય છે. તેના બીજ 18 થી 24 ટકા તેલ પ્રોટીન ધરાવે છે અને તેનો મીઠાઈની બનાવટો અને પક્ષીઓના ખોરાક (બર્ડ ફીડ) તરીકે ઉપયોગ થાય છે.
સૂર્યમુખી એ દિવસ-તટસ્થ તેમજ પ્રકાશ અને તાપમાન પ્રત્યે અસંવેદનશીલ છોડ હોવાથી ભારતમાં વિવિધ ખેત-હવામાન વિસ્તારમાં વર્ષ દરમ્યાન તેનું વાવેતર કરી શકાય છે. એટલું જ નહિ તેનું સમગ્ર ઉત્તર ભારતમાં વસંત ઋતુ દરમ્યાન વાવેતર કરવામાં આવે છે કારણ કે તે સમયે મધમાખીઓ પુષ્કળ પ્રમાણમાં હોય છે જે સૂર્યમુખી એ પરપરાગીત પાક હોઈ તેના પરાગનયનમાં અને બીજ સ્થાપનમાં મદદરૂપ થાય છે. વસંત ઋતુમાં હિમની ગેરહાજરી, સમય વિના અને વધુ વરસાદ અને રોગ-જીવાતના ગંભીર બનાવોનું ઓછું જોખમ અને ઓછું નીંદણ એ સૂર્યમુખીના પાકમાં અન્ય ઋતુ કરતાં ઘણા ઓછા ખર્ચે વધુ ઉત્પાદકતા માટેની સાનુકુળ સ્થિતિ પેદા કરે છે. પાક વૈવિધ્યકરણ માટે સૂર્યમુખીનો પાક મહત્વનો છે કે જે ઊંચી ઉત્પાદકતા આપે છે.
ભારતમાં વાનસ્પતિક તેલનું ઘરેલું વાર્ષિક ઉત્પાદન ઘણું ઓછું (100 લાખ ટન) છે જેની સરખામણીએ વાનસ્પતિક તેલનો વાર્ષિક વપરાશ (અંદાજે 250 લાખ ટન) અઢી ગણો વધારે છે. આમ માંગ-પૂરવઠાની ખાઈને કારણે વાનસ્પતિક તેલની આયાત કરવામાં આવે છે જેમાં મુખ્યત્વે પામ ઓઈલ (65 ટકા), સોયા તેલ (20 ટકા) અને સૂર્યમુખી તેલ (15 ટકા) નો સમાવેશ થાય છે. ભારત દેશ અંદાજે 20 લાખ ટન સૂર્યમુખીના તેલની યુક્રેન (70 ટકા), રશિયા (20 ટકા) અને આર્જેન્ટીના (10 ટકા) દેશમાંથી આયાત કરે છે. રશિયા અને યુક્રેનમાંથી વર્તમાન પરિસ્થિતિના કારણે સૂર્યમુખીના તેલની આયાત બંધ થયેલ છે. આ જોતાં ભારત દેશમાં સૂર્યમુખીના વાવેતરના વિસ્તાર અને ઉત્પાદનમાં વધારો કરવાની તાતી જરૂરિયાત છે કે જેથી આહાર અને અન્ય ઉપયોગ માટે સૂર્યમુખીનું તેલ પ્રાપ્ત કરી શકાય. પાછલા ઘણા વર્ષોથી ભારત સરકાર સૂર્યમુખીના નોંધપાત્ર રીતે ન્યૂનત્તમ ટેકાના ભાવ (એમએસપી) જાહેર કરી સૂર્યમુખીનું વાવેતર વધે તે માટે પ્રોત્સાહન પૂરૂ પાડે છે સૂર્યમુખીના ક્વિન્ટલ દીઠ ટેકાના ભાવ અને 2017-18 માં `4100, સને 2018-19 માં ` 5388, સને 2019-20માં ` 5650, સને 1920-21માં `5885, સને 2021-22માં `6050 અને સને 2022-23માં `6400 જાહેર કરવામાં આવેલ હતા.
સાનુકુળ પરિસ્થિતિ અને પિયતની પ્રાપ્યતા હોવા છતાં પંજાબ રાજ્યમાં સૂર્યમુખીની વર્તમાન ઉત્પાદકતા એકરદીઠ 740 કિ.ગ્રા. છે જે દેશમાં સૌથી ઊંચી છે પરંતુ એકરદીઠ 1200 થી 1400 કિ.ગ્રા. ઉત્પાદન ક્ષમતાની સાથે સરખામણી કરતાં ઓછું છે. આ વર્તમાનમાં ઓછી ઉત્પાદકતા મળવાના મુખ્ય કારણોમાં ભલામણ કર્યા વિનાની હાઈબ્રિડ જાતોની વાવણી, મોડી વાવણી, બીજને યોગ્ય માવજત ન આપવી, રોગો (જેવા કે, થડનો કહોવારો, છારો, હેડ રોટ, ચાર્કોલ રોટ) અને જીવાતો (જેવી કે, કટવર્મ, તમાકુની પાન ખાનાર ઈયળ, હેડ બોરર અથવા અમેરિકન બોલવર્મ) ના નિયંત્રણ પ્રત્યે ઓછું ધ્યાન વગેરેનો સમાવેશ થાય છે. પંજાબ કૃષિ યુનિવર્સિટી ધ્વારા વસંત ઋતુમાં સૂર્યમુખીનું વાવેતર કરી વધુ ઉત્પાદન મેળવવા માટેની સુધારેલી ઉત્પાદન ટેકનોલૉજી વિકસાવવામાં આવેલ તે અંગેની માહિતી અત્રે દર્શાવેલ છે.
પાક પદ્ધતિ :
વસંત ઋતુમાં સૂર્યમુખીનું વાવેતર કરવામાં આવે તો તે મુખ્ય ઋતુમાં થતા પાક સાથે હરિફાઈ કરતો નથી તેમજ 90 થી 120 દિવસનો ટુંકા ગાળામાં થતો પાક હોઈ ઘનિષ્ઠ ખેતી કે બહુવિધ પાક પદ્ધતિમાં આ પાક વધુ સારો જણાયેલ છે. સમયસર વાવણી કરીને સારી વ્યવસ્થાપન કરેલ સૂર્યમુખીનો પાક મોડી વાવણી કરેલ ઘઉંના પાક કરતાં સારૂ વળતર આપે છે અને અગાઉના પાકમાં આપેલ પોષકતત્વોનો વધુ યોગ્ય ઉપયોગ કરે છે. બાસમતી ચોખા, બટાટા, વટાણા અને શેરડી પછી ઘઉંની મોડી વાવણી કરવા કરતાં સૂર્યમુખીનો પાક આદર્શ ગણાય છે તેમજ સોયાબીન પછી સૂર્યમુખીની વાવણી કરી શકાય છે. ડાંગર-ટોરીયા, ડાંગર-બટાટા, મકાઈ-ટોરીયા, મકાઈ-બટાટા, ખરીફ ઘાસચારો-ટોરીયાની પાક હરોળ પદ્ધતિ બાદ સૂર્યમુખીની વાવણી એ ડાંગર-ઘઉં, મકાઈ-ઘઉં અથવા કપાસ-ઘઉં પાક હરોળ પદ્ધતિ કરતાં વધુ નફાકારક જણાયેલ છે ઉત્તર ભારતના ખાસ કરીને ડોઆબા (Doaba) અને પંજાબના શ્રી ફતેગઢ સાહિબ, પતિયાલા અને લુઘિયાણા જીલ્લાઓના કેટલાક સ્થળોએ મકાઈ-બટાટા-સૂર્યમુખીની-પાક હરોળ એ પ્રભુત્વ જમાવેલ છે. બટાટા બાદ સૂર્યમુખીના વાવેતરમાં જમીનની તૈયારી અને રાસાયણિક ખાતરોના વપરાશમાં મોટું અર્થકરણ રહેલ છે. સૂર્યમુખીના પાક સાથે ફુદીના (Mentha)નું વાવેતર વધુ સારા વળતરની ખાતરી આપે છે.
હાઈબ્રિડની પસંદગી :
પંજાબ કૃષિ યુનિવર્સિટીએ રાજ્યમાં ટુંકા સમયમાં થતી હાઈબ્રિડ જાતોની ઘનિષ્ઠ ખેતી માટે ભલામણ કરેલ છે કે જેનો ઉનાળુ ઋતુમાં સારો વિકાસ થાય છે અને પાણીને બચાવે છે. પંજાબ કૃષિ યુનિવર્સિટીએ સૂર્યમુખીની પીએસએચ (PSH) 2080, 1962, 996 અને ખાનગી કંપનીએ ડીકે (DK) 3849 જાતો વિકસાવી છે જેની માહિતી કોઠામાં દર્શાવેલ છે.
સૂર્યમુખીની ભલામણ કરેલ હાઈબ્રિડ જાતોના લક્ષણો
| ક્રમ | હાઈબ્રિડ જાત | પાકવાના દિવસો | બીજ ઉત્પાદન કિ.ગ્રા./હેક્ટર | તેલના ટકા | તેલનું ઉત્પાદન કિ.ગ્રા./હેક્ટર | છોડની ઊંચાઈ સે.મી. | 100 બીજ ઉત્પાદન કિ.ગ્રા./ હેક્ટર |
| 1 | PSH-2080 | 97 | 2450 | 43.7 | 1070 | 151 | 5.8 |
| 2 | PSH-1962 | 99 | 2050 | 41.9 | 859 | 165 | 6.4 |
| 3 | PSH-996 | 96 | 1820 | 35.8 | 662 | 141 | 6.8 |
| 4 | PSH-3849 | 102 | 2015 | 34.5 | 695 | 172 | 4.5 |
પંજાબ કૃષિ યુનિવર્સિટી ધ્વારા વિક્સાવેલ સૂર્યમુખીની હાઈબ્રિડ જાતનું મહત્વનું લક્ષણ તેનો ટુંકો ગાળો (સમય) છે. દા.ત. તેની વહેલી પરિપક્વતાને કારણે વરસાદ આવતા પહેલાં તેની કાપણી કરી શકાય છે, ઘનિષ્ઠ કે બહુવિધ પાક પદ્ધતિમાં ઊભા પાકમાં સમયસર વાવણી કરી શકાય છે, પિયતના પાણી અને રોકાણ ખર્ચમાં બચત કરી શકાય છે. DK- 3849 નામની હાઈબ્રિડ જાત પંજાબ કૃષિ યુનિવર્સિટીની જાતો કરતાં ઘણા ઓછા પ્રમાણમાં તેલ અને બીનુ વજન ધરાવે છે. પંજાબમાં કેટલીક અસ્વિકૃત કરેલ સૂર્યમુખીની હાઈબ્રિડ જાતો જેમ કે, પાયોનિયર 64A57 , આર્મોની ગોલ્ડ, ચેમ્પ, NSFH 1001, સીર્જન્ટા 207, કિંગ 036, લક્ષ્મી વગેરેનું વાવેતર કરવામાં આવે છે જે થડનો કહોવારો અને હેડ રોટ જેવા રોગો પ્રત્યે વધુ ગ્રાહ્ય છે. રાજ્યમાં આવી હાઈબ્રિડ જાતોના વાવેતરને કારણે રોગોના ઉપદ્રવના બનાવો વધ્યા છે. તેથી ફક્ત ભલામણ કરેલ સૂર્યમુખીની હાઈબ્રિડ જાતોનું વાવેતર કરવું જોઈએ.
જમીનની પસંદગી અને તૈયારી :
સૂર્યમુખી ક્ષારીય જમીન સિવાય દરેક પ્રકારની જમીનમાં સફળતાપૂર્વક ઉગાડી શકાય છે. સૂર્યમુખી માટે લોમી રેતાળ થી રેતાળ લોમ પ્રકારની જમીન વધુ માફક આવે છે. આ પાક પાણીના ભરાવા પ્રત્યે વધુ સંવેદનશીલ હોઈ વધારાના પાણીના નિકાલ માટે યોગ્ય નિતાર વ્યવસ્થા જરૂરી છે.
ખેતરને કાંકરા, નીંદણો, અગાઉના પાકના અવશેષો વગેરેથી મુક્ત કરી સારી રીતે તૈયાર કરવું જેથી ખેતરમાં છોડની સંખ્યાનું યોગ્ય પ્રમાણ જળવાઈ રહે. બે થી ત્રણ વાર ખેતરને ખેડીને વાવણી માટે તૈયાર કરવું.
વાવણી સમય :
સૂર્યમુખી 80 સે. થી 340સે. તાપમાનની વચ્ચે ઉગાડી શકાય છે. તેની વાવણી સમયે જમીનનું તાપમાન 100-120 સે. હોય તે વધુ આવકારદાયક છે. પંજાબ રાજ્યમાં જાન્યુઆરી માસ એ સૂર્યમુખીની વાવણી માટેનો આદર્શ સમય છે. મોડું વાવેતર કરેલ પાક કરતાં આદર્શ સમયે વાવેતર કરેલ પાક ઊંચુ ઉત્પાદન આપે છે, વહેલી પક્વતા અને પિયતના પાણીની બચત કરે છે. મોડું વાવેતર કરેલ પાકને પરાગનયનના સમયે ઊંચા તાપમાનનું જોખમ રહે છે જેને પરિણામે સૂર્યમુખીના ફૂલોમાં મોટા પ્રમાણમાં ખાનાં બિનપુરાયેલ રહે છે, બીજ અપક્વ રહે છે અને પક્વતા ઉપર દબાણ વધે છે. મોડા વાવેલ પાક રોગો અને જીવાતોનો ઉપદ્રવ માટે વધુ ગ્રાહ્ય બને છે જેને પરિણામે ઉત્પાદનમાં ઘટાડો થાય છે. મોડું વાવેતર કરેલ પાકમાં ખાસ કરીને લાંબા સમયની હાઈબ્રિડ જાતો પક્વતાના સમયે વહેલો વરસાદ થવાથી તેની ઝડપમાં આવી જાય છે તેથી જ પાકની સમયસર વાવણી કરવાની સલાહ આપવામાં આવે છે.
બીનો દર અને માવજત :
હેક્ટરદીઠ છોડની આદર્શ સંખ્યા (55,555) જાળવવા માટે સૂર્યમુખીના પુરા પક્વ, તંદુરસ્ત અને ભરાવદાર પાંચ કિ.ગ્રા. બીજ પસંદ કરવા.
બીજને વાવણી પહેલાં ટાગ્રોન (Tagron) 35 WS (મેટાલેક્ષિલ) 6 ગ્રામ પ્રતિ એક કિ.ગ્રા. બીજ દીઠ માવજત આપવી જેથી ફુગથી થતા બીજજન્ય રોગોને થતા અટકાવી શકાય.
વાવણીની પદ્ધતિ :
સૂર્યમુખીની વાવણીનો આદર્શ સમય જાન્યુઆરી માસ છે કે જ્યારે સામાન્ય રીતે તાપમાન ઓછું હોય છે. તેથી સૂર્યમુખીના બીજ પૂર્વ પશ્ચિમ દિશાએ બે હાર વચ્ચે 60 સે.મી. નું અંતર રાખી 10 થી 15 સે.મી.ના પાળા બનાવી તેની દક્ષિણ દિશામાં વાવવાં. બે છોડ વચ્ચે 30 સે.મી. અંતર જળવાઈ રહેવું જોઈએ. પાળા ઉપર 1 થી 2 બીજ 4 થી 5 સે.મી. જેટલી ઊંડાઈએ વાવવાં. બે અઠવાડીયામાં પુરેપુરૂ અંકુરણ થાય છે. હારમાં બે છોડ વચ્ચે 30 સે.મી. અંતર જાળવી એકસરખા છોડ મેળવવા માટે વધારાના છોડને ઉપાડી દૂર કરવા.
પાળા ઉપર જાન્યુઆરી માસમાં સૂર્યમુખીની વાવણી કરતાં સપાટ જમીન ઉપર કરેલ વાવણી કરતાં ઘણા ફાયદાઓ થાય છે જેવા કે, ધરૂનો એકસરખો અને વહેલાં ઉગાવો (ઓછામાં ઓછા 2-3 દિવસ પહેલાં) થાય છે, કટવર્મના ઉપદ્રવના બનાવો ઓછા જોવા મળે છે, છોડ ઢળી જતા અટકે છે, પોષકતત્વોનો ઉત્તમ ઉપયોગ થાય છે અને ખાસ કરીને માર્ચ-એપ્રિલ-મે ના ઉનાળાના મહિનાઓ દરમ્યાન 25 ટકા જેટલા પિયતના પાણીની બચત થાય છે. જો પાકની વાવણી અનુકુળ તાપમાન સ્થિતિ હેઠળ સપાટ ક્યારાઓમાં (ફેબ્રુઆરી માસ)માં કરેલ હોય તો પાકમાં ફૂલો આવે તે પહેલાં પાકને ઢળી પડતો અટકાવવા અને ગરમ ઉનાળાના મહિનાઓમાં વૃદ્ધિના સમયે પિયતના પાણીની બચત માટે છોડની આજુબાજુ માટી ચઢાવવી જોઈએ.
ધરૂઉછેર અને ફેરરોપણી :
ઘનિષ્ઠ ખેતી કે બહુવિધ પાક પદ્ધતિ હેઠળ મોડી પક્વતા કે પાકની કાપણી કે રવી ઋતુના પાકોમાં અનિચ્છનીય હવામાનની સ્થિતિ (ઠંડીનો સમય વધે, કસમયનો વરસાદ)ને કારણે ફેબ્રુઆરીના પાછલા પખવાડીયાથી માર્ચની શરૂઆતમાં મોડી વાવણી કરવામાં આવે છે. આ પ્રકારની પરિસ્થિતિમાં સીધી બીની વાવણી કરવાની જગ્યાએ સૂર્યમુખીના પાકમાં ઊંચું ઉત્પાદન મેળવવા માટે ફેરરોપણી ધ્વારા પાકનું વાવેતર કરવું જોઈએ. આ માટે અંદાજે ચાર પાન ધરાવતું હોય તેવા એક માસ જૂના ધરૂની ફેરરોપણી કરવી જોઈએ. એક હેક્ટર વિસ્તારમાં ફેરરોપણી કરવા માટેનું ધરૂ અંદાજે 75 ચો.મી. વિસ્તારની નર્સરીમાં તૈયાર કરી શકાય છે. ધરૂવાડીયાના ક્યારાઓ તૈયાર કરી તેમાં 3.75 થી 4 કિ.ગ્રા. સૂર્યમુખીનું બીજ લઈ 1.25 કિ.ગ્રા. યુરિયા અને 3.75 કિ.ગ્રા. સિંગલ સુપર ફોસ્ફેટ સાથે મિશ્ર કરી વાવવું. બીની વાવણી બાદ સારા કહોવાયેલા છાણિયા ખાતરનું પાતળું સ્તર કરવું ત્યારબાદ હળવું પિયત આપવું અને ક્યારાઓને પારદર્શક પોલીથીન શીટ વડે નાની ટનલની માફક આવરિત કરવા. બીના ઉગાવા બાદ તેના ઉપરની પોલીથીન શીટને હળવેથી દૂર કરવી. ધરૂને ઉપાડતા પહેલાં નર્સરીમાં પાણી આપવું. ખેતરમાં બે હાર વચ્ચે 60 સે.મી. અંતર રાખી હારમાં બે છોડ વચ્ચે 30 સે.મી. અંતર જાળવી ધરૂની ફેરરોપણી કરવી.
પોષકતત્વોની જરૂરિયાત :
જમીનની ચકાસણીના આધારે જમીનમાં રાસાયણિક ખાતરો આપવાની સલાહ છે. મધ્યમ ફળદ્રુપ જમીનમાં એકર દીઠ 125 કિ.ગ્રા. યુરિયા (60 કિ.ગ્રા. નાઈટ્રોજન), 187 કિ.ગ્રા. સિંગલ સુપર ફોસ્ફેટ (30 કિ.ગ્રા. ફોસ્ફરસ) અને જો પોટાશની ઉણપ હોય તો 50 કિ.ગ્રા. મ્યુરેટ ઑફ પોટાશ (30 કિ.ગ્રા. પોટાશ) વાવણી સમયે અથવા ક્યારા તૈયાર કરતી વખતે આપવો. જો હલકી જમીન હોય તો યુરિયા બે ભાગમાં એક ભાગ વાવણી સમયે અને બીજો ભાગ એક માસ પછી પિયત બાદ આપવો. ફોસ્ફરસ સિંગલ સુપર ફોસ્ફેટના રૂપે આપવો જોઈએ કારણ કે તેમાં રહેલ 12 ટકા સલ્ફર પાકની ઉત્પાદકતા, તેલના ટકા અને તેલની ગુણવત્તામાં સુધારો કરવા માટે જરૂરી એક મહત્વનું પોષકતત્વ છે.
સૂર્યમુખીનું વાવેતર બટાટાનો પાક લીધા બાદ કરવામાં આવતું હોઈ કોઈ સેન્દ્રિય ખાતરો પાકને આપવાની જરૂર પડતી નથી કારણ કે બટાટાના પાકમાં હેક્ટર દીઠ 100 ટન છાણિયું ખાતર અને નાફોપો ખાતરો ભલામણ મુજબ આપેલા હોય છે. જો અગાઉ ખેતરમાં બટાટાનો પાક લેવા માટે હેક્ટરદીઠ 50 ટન
છાણિયુ ખાતર આપવામાં આવેલ હોય તો સૂર્યમુખીના પાકને હેક્ટરદીઠ ફક્ત 65 કિ.ગ્રા. યુરિયા (30 કિ.ગ્રા. નાઈટ્રોજન પાયાના ખાતર તરીકે ફોસ્ફરસ અને પોટાશયુક્ત ખાતરો વિના આપી શકાય છે. જો ટોરીયા બાદ સૂર્યમુખીની વાવણી કરવામાં આવે તો ખેતરમાં એકર દીઠ 25 ટન છાણિયુ ખાતર આપવું જોઈએ તેમજ વધારામાં ભલામણ કરેલ 125 કિ.ગ્રા. યુરિયા, 187 કિ.ગ્રા. સિંગલ સુપર ફોસ્ફેટ અને 50 કિ.ગ્રા. મ્યુરેટ ઑફ પોટાશ આપવું જોઈએ.
પિયત વ્યવસ્થાપન :
કેટલી વખત પિયત આપવું અને બે પિયત વચ્ચે કેટલો ગાળો (સમય) રાખવો તેનો આધાર વાવણી સમય, જમીનની ભેજ જાળવી રાખવાની ક્ષમતા અને પાકના વિકાસ દરમ્યાન હવામાનની સ્થિતિ ઉપર રહેલો છે. જો ફૂલો આવવાના સમયે, બીજ બેસવાના સમયે, બીજનો વિકાસ અને નરમ તથા કઠણ કણકના તબક્કા દરમ્યાન ભેજની ખેંચ વર્તાય તો સૂર્યમુખીના ઉત્પાદનમાં 25 ટકા જેટલો ઘટાડો થઈ શકે છે. પાળા ઉપર વાવ્યા બાદ 2 થી 3 દિવસ પછી પાણી આપવાથી અંકુરણ સારૂ થાય છે. ત્યારબાદ બીજુ પિયત એક માસ બાદ આપવું. જો પાકની સપાટ જમીનમાં વાવણી કરવામાં આવેલ હોય તો પ્રથમ પિયત વાવણી બાદ એક માસે છોડ આછા કરી આંતરખેડ કર્યા બાદ આપવું જોઈએ. માર્ચ દરમ્યાન બે થી ત્રણ અઠવાડીયાના ગાળે અને એપ્રિલ-મે માસ દરમ્યાન 8 થી 10 દિવસના ગાળે પિયત આપવું. કાપણીના બે અઠવાડીયા અગાઉ પિયત આપવાનું બંધ કરી દેવું જોઈએ.
ટપક પિયત અને ફર્ટિગેશન :
ટપક પિયત અને ફર્ટિગેશન પદ્ધતિનો ઉપયોગ કરી ઊંચું ઉત્પાદન, પાણી અને પોષકતત્વોનો વધુ અસરકારક ઉપયોગ કરી શકાય છે. આ પદ્ધતિ વડે વાવણી સમયે હેક્ટર દીઠ ફક્ત 20 કિ.ગ્રા. યુરિયા, 30 કિ.ગ્રા. સિંગલ સુપર ફોસ્ફેટ અને 50 કિ.ગ્રા. મ્યુરેટ ઑફ પોટાશ આપવું. સૂર્યમુખીની ભલામણ કરેલ 60 સે.મી. × 30 સે.મી.ના અંતરે રોપણી કરી, 30 સે.મી.ના અંતરે ડ્રિપર આવે તે રીતે છોડની નજીક લેટરલ પાઈપ નાખવી. વાવણી બાદ એક મહિનાથી શરૂ કરીને દર ત્રણ દિવસના આંતરે પિયત આપવું. ત્યારબાદ પાકના વિકાસના 45 દિવસ દરમ્યાન પાંચ સમાન હપ્તામાં 80 કિ.ગ્રા. યુરિયા અને 30 લિટર ઓર્થોફોસ્ફરિક એસિડ (88 ટકા) ટપક પિયત પદ્ધતિ મારફતે આપવો. પંજાબ રાજ્યની પરિસ્થિતિ મુજબ દર કલાકે ડ્રિપરમાંથી 2.2 લિટર પાણી આપવામાં આવે તો વિવિધ મહિના દરમ્યાન નીચે મુજબ પિયત આપવાનો યોગ્ય સમય રાખવો.
| મહિનો | પિયતનો સમય (મિનિટમાં) | નોંધ |
| માર્ચ | 35 | જો પાણી આપવાનો દર કલાકના 2.2 લિટરથી જુદો હોય તો પિયત આપવાનો સમય નક્કી કરવા માટે નીચેના સૂત્રનો ઉપયોગ કરવો. |
| એપ્રિલ | 75 | |
| મે | 86 |
સમાયોજીત સમય = 2.2 × પિયતનો સમય ÷ ડ્રિપરમાંથી પાણી નીકળવું (મિનિટમાં) (ઉપરજણાવ્યા મુજબ) (લિટર પ્રતિ કલાક)
નીંદણ વ્યવસ્થાપન :
વસંત ઋતુમાં સામાન્ય રીતે નીંદણનો ઉપદ્રવ ઓછો થાય છે. પાકનો 5 થી 6 અઠવાડીયાનો શરૂઆતનો સમય પાક-નીંદણ હરીફાઈ માટે કટોકટીનો છે. પાકની વાવણી બાદ અંદાજે ત્રણ અઠવાડીયા બાદ કરબ વડે આંતરખેડ કરવાથી સંતોષકારક રીતે નીંદણ નિયંત્રણ થાય છે. જો જરૂર જણાય તો ફૂલો આવવાની શરૂઆત થાય તે પહેલાંના સમયે બીજી વખત કરબડી કાઢી આંતરખેડ કરવી જોઈએ.
આંતરપાક તરીકે સૂર્યમુખી અને ફુદીનો :

સૂર્યમુખીની સાથે ફુદીનાનો આંતરપાક લેવામાં આવે તો સૂર્યમુખીની આવકમાં વધારો કરી શકાય છે. આ માટે સૂર્યમુખીનો પાક જાન્યુઆરી મહિનામાં ઉત્તર-દક્ષિણ દિશાએ બે હાર વચ્ચે 120 સે.મી. અને હારમાં બે છોડ વચ્ચે 15 સે.મી.નું અંતર રાખી લેવો. જાન્યુઆરીના અંતમાં સૂર્યમુખીની બે હાર વચ્ચે ફુદીનાની બે હારમાં રોપણી કરવી. એક હેક્ટર વિસ્તારમાં ફુદીનાની રોપણી કરવા માટે અંદાજે 375 કિ.ગ્રા. પીલા(સકર્સ) ની જરૂર રહે છે. ફુદીનાના પાકને સૂર્યમુખી માટે ભલામણ કરેલ ખાતરો ઉપરાંત હેક્ટર દીઠ 120 કિ.ગ્રા. યુરિયા (55 કિ.ગ્રા. નાઈટ્રોજન) અને 187 કિ.ગ્રા. સિંગલ સુપર ફોસ્ફેટ (30 કિ.ગ્રા. ફોસ્ફરસ) ખાતર આપવું. ફુદીનાની રોપણીના સમયે યુરિયા ખાતરનો અડધો જથ્થો અને ફોસ્ફરસ ખાતરનો પુરો જથ્થો આપવો જ્યારે યુરિયાનો બાકીનો અડધો જથ્થો ફુદીનાની રોપણી બાદ 40 દિવસે આપવો.
પક્ષીઓથી રક્ષણ :
ઉગતા બીજને કાગડા જેવા પક્ષીઓ નુકસાન પહોંચાડે છે. સવારના સમયે અને સાંજના કલાક દરમ્યાન થોડા દિવસ સુધી બીના ઉગાવાના સમયે પક્ષીઓને દૂર રાખવા જરૂરી છે. અન્ય પક્ષીઓમાં મુખ્યત્વે પોપટ કે સૂડા બીજના વિકાસના તબક્કે ગંભીર નુકસાન કરે છે. સવારે અડધો કલાક અને સાંજના કલાકના સમયે પક્ષીઓને દૂર રાખવા માટે બંદૂક મારફતે ખોટી ગોળી ચલાવી અવાજ કરવો, પક્ષીઓને ડરાવવા માટે પૂતળાં ગોઠવવાં અને તેની નિયમિત અંતરે જગ્યા અને દિશા બદલવી, મહત્તમ અવાજ વડે તકલીફ પેદા કરે તેવી ઓડિયો કેસેટ ચલાવવી વગેરે ઉપાયો હાથ ધરવા.


કાપણી અને થ્રેસિંગ :
ફૂલોની દાંડીવાળો ભાગ પીળો અથવા લીંબુ જેવો પીળો દેખાય, ફૂલો સુકા થાય અને તેમાંનાં બી કાળાં થાય ત્યારે પાક કાપણીલાયક થયો છે તેમ કહેવાય. પાકની કાપણી બાદ તેને થ્રેસિંગ કરતાં પહેલાં હળવી સૂકવણી કરવી જેથી સંપૂર્ણ સુકવણી થતાં સંગ્રહ દરમ્યાન ફુગનો ઉપદ્રવ થવા ન પામે. થ્રેસર વડે સૂર્યમુખીના સૂકાં ફૂલોનું થ્રેસિંગ કરી બીજ મેળવવામાં આવે છે ત્યારબાદ તેને સૂકવીને સંગ્રહ કરવામાં આવે છે.
સ્ત્રોત : ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, માર્ચ-2023
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in

