ઘાસચારાના ઉત્પાદનમાં સૂર્યમુખીના પાકનો ફાળો  (Role of sunflower crop in feed-fodder production)

                સૂર્યમુખી એ ભારતમાં થતો મહત્વનો તૈલીપાક છે જે ‘સૂરજમુખી’ તરીકે પ્રખ્યાત છે. તેનું વૈજ્ઞાનિક નામ હેલિએન્થસ એનસ (Helianthus annus, L.) છે. આ હેલિએન્થસ નામ ‘હેલિઓસ’ (Helios) એટલે કે સૂર્ય (Sun) અને એન્થોસ (anthos) એટલે કે ફૂલ (Flower) ના નામ ઉપરથી પડેલ છે. તેના ફૂલો સીધા સૂર્યપ્રકાશની સામે રહે તે રીતે ફરતા હોઈ તેને અંગ્રેજીમાં સનફ્લાવર – (Sunflower) કહેવામાં આવે છે. ભારતમાં તે ઝડપી ગતિએ થતો તૈલીપાક છે. સને 1970માં ફક્ત એક લાખ હેક્ટર વિસ્તારમાં આ પાક થતો હતો જે સને 2002-03માં વધીને 16.3 લાખ હેક્ટરે પહોંચેલ છે. ભારતમાં ફક્ત શોભાના છોડ તરીકે તેનો મુખ્ય ઉપયોગ થાય છે પરંતુ તાજેતરમાં તે ખાદ્ય અને પોષક તેલ તેમજ પશુ આહાર તરીકેનો મહત્વના સ્ત્રોત તરીકે તેનો ઉપયોગ થવા લાગ્યો છે.

        સૂર્યમુખી એ લેસિથિન, ટોકોફીરોલ અને ફરફયુરલનો સ્ત્રોત પણ છે. તે પક્ષીઓ અને પશુઓના પૌષ્ટિક ખોરાક તરીકે પણ ઉપયોગમાં લેવાય છે. તેનો સૌંદર્યપ્રસાધનો (કોસ્મેટિક્સ) અને દવા ઉદ્યોગમાં પણ ઉપયોગ થાય છે. સૂર્યમુખીના બીજનું બંધારણ કોઠામાં દર્શાવેલ છે :

સૂર્યમુખીના બીજનું બંધારણ

ક્રમ તત્વ ટકા
1 બીજનું છોતરૂ (હલ) 21-27
2 તેલ 48-53
3 પ્રોટીન 14-19
4 દ્રાવ્ય સુગર 7-9
5 ક્રુડ ફાયબર 16-27
6 રાખ (એશ) 2-3

સૂર્યમુખીનું મૂળ વતન યુએસનો દક્ષિણ અને મેક્સિકો વિસ્તાર માનવામાં આવે છે. ત્યાંથી તેનો ફેલાવો યુરોપ અને ત્યારબાદ રશિયામાં થયો. વિશ્વમાં હાલમાં વાવેતર હેઠળની સૂર્યમુખીની મોટા ભાગની જાતો પહેલાંના રશિયા (USSR)માંથી ઉદભવેલી છે. ભારતમાં સને 1969માં તૈલીપાક તરીકે સૂર્યમુખીની ઓળખ કરવામાં આવેલ.

        સૂર્યમુખી એ કમ્પોઝિટી કુટુંબનો છોડ છે. તે વર્ષાયુ, ટટ્ટાર અને ઔષધિય છોડ છે. તેના પાન કાત્રાદાર, હ્રદયાકાર, જરા લાંબા, પાતળાં અને ખરબચડાં હોય છે. એક ફૂલ 350 થી 2000 જેટલાં બીજ પેદા કરે છે. બીજ તળિયાના ભાગે અણીવાળાં અને અંતના ભાગે ગોળાકાર હોય છે. બીજ રંગે કાળાથી માંડી સફેદ હોય છે પરંતુ કથ્થાઈ, ચટાપટાવાળાં અથવા ચિત્તદાર હોય છે. સૂર્યમુખીના બીજ એ એક પૌષ્ટિક અને તંદુરસ્ત ખોરાક છે. તેના ફૂલો સૂર્યપ્રકાશ ફરે તેમ ફરતા હોઈ તે સૂકાય ત્યાં સુધી સૂર્યના સીધા કિરણો મેળવે છે.    

        ભારત વિશ્વમાં તૈલીપાકોનું ઉત્પાદન કરતો મોટો દેશ છે. ભારતના કૃષિ અર્થકરણમાં તૈલીપાકોએ મહત્વનું સ્થાન હાંસલ કરેલ છે. સને 2004માં વિશ્વના કુલ સૂર્યમુખીના ઉત્પાદનમાં ભારત દેશનો ફાળો 4.77 ટકા હતો. તે ઊંચી ગુણવત્તા ધરાવતું ખાદ્ય તેલ હોઈ તેનો ઉપયોગ વિવિધ ખોરાકની બનાવટો બનાવવામાં થાય છે. સૂર્યમુખીના તેલને હ્રદય માટે ગુણકારી ગણવામાં આવતાં તેના મહત્વમાં વધારો થવા પામેલ છે. તેના તેલ ઉપરાંત દરેક ભાગોનું વેપારી મૂલ્ય છે. તેનો ઉપયોગ પેઈન્ટસ, રેઝિન્સ, પ્લાસ્ટિક્સ, સાબુ, સૌંદર્યસાધનો (કોસ્મેટિક્સ) અને ઘણા અન્ય ઉદ્યોગોની પ્રોડક્ટસ બનાવવામાં થાય છે.

        સૂર્યમુખીની દેશમાં એક નવા તૈલીપાક તરીકે ઓળખ આપવામાં આવી છે. તે ટુંકા ગાળામાં પાકતો, ઉત્તમ ગુણવત્તાવાળું તેલ ધરાવતો, પ્રકાશલક્ષી અસંવેદનશીલતા, વિવિધ પાકોના માળખામાં તેની વિશાળ અનુકૂલનતા, છોતરાંમાં ઊંચી ઊર્જા અને દુષ્કાળ સામે પ્રતિકાર વગેરે લક્ષણો ધરાવતો પાક હોઈ તેનું વાવેતરમાં મહત્વ વધેલ છે. તે ટુંકા સમયમાં થતો પાક છે તેમજ વિવિધ પ્રકારના પાકોના માળખામાં બંધબેસે છે. તે મગફળી, તુવેર, દિવેલા, સોયાબીન અને અડદના પાકમાં આંતરપાક તરીકે પણ લઈ શકાય છે. તે પ્રકાશ પ્રત્યે અસંવેદનશીલ પાક હોઈ વર્ષમાં ગમે ત્યારે તેનું વાવેતર કરી શકાય છે. સૂર્યમુખીનો ખોળ ઊંચી ગુણવત્તાવાળું પ્રોટીન (40 થી 44 ટકા) થી સમૃદ્ધ છે અને તેનો ઉપયોગ પશુઓ અને મરઘાંના આહાર તરીકે થાય છે. આમ આ પાક આર્થિક અને સુશોભનના હેતુ માટે મહત્વનો માનવામાં આવે છે.

સૂર્યમુખીનું પાક પરિભ્રમણ (રોટેશન) :   

ઘાસચારો મેળવવાના હેતુથી સૂર્યમુખીનો પાક એકલ પાક તરીકે અથવા શેરડી + સૂર્યમુખી અથવા ચોળા + સૂર્યમુખી તરીકે લઈ પશુ આહાર અને ચારાના ઉત્પાદનમાં વધારો કરી શકાય છે. જુવાર અને મકાઈ એ બંને પાકનું વાવેતર દાણા અને લીલા ઘાસચારા માટે ઉત્તમ ગણાય છે. સીઓ -4 નામનું નેપિયર ઘાસ ઊંચું ઉત્પાદન આપતી જાત છે જે અંદાજે 11 ટકા પ્રોટીન ધરાવે છે. સૂર્યમુખીનું શિયાળાની વસંત ઋતુ દરમ્યાન આંતરપાક તરીકે પ્રથમ વર્ષે નેપિયર ઘાસ સાથે વાવેતર કરી શકાય છે. એક વર્ષના પાક પરિભ્રમણમાં સૂર્યમુખી એ અનૂકુળ પાક છે જેમ કે જુવાર-મકાઈ-સૂર્યમુખી અથવા સૂર્યમુખી-મકાઈ-જુવાર. સૂર્યમુખીનો વધારાનો ઘાસચારો સૂકા ઘાસ (હે-hey) તરીકે અને તેલ રહિત ખોળ પશુઓને ખવડાવી તેમના ઉત્પાદનમાં સુધારો કરી શકાય છે. સૂર્યમુખીના ઘાસચારાનું સાયલેજ બનાવી પશુઓને ખવડાવી શકાય છે.

        સૂર્યમુખીના ફૂલોને થ્રેસિંગ કરતા પહેલાં સૂકવવામાં આવે છે. તેનો ખોળ એ પ્રોટીનયુક્ત આહાર હોઈ વાગોળતા પશુઓને ખવડાવાય છે. સામાન્ય રીતે તે પ્રોટીન, રેસા અને તેલથી સમૃદ્ધ હોઈ કિંમતી અને સલામત પેદાશ ગણવામાં આવે છે. તેના તેલ મેળવવાની પ્રક્રિયા અનુસાર પ્રોટીન, રેસા અને તેલના પ્રમાણમાં વિવિધતા જોવા મળે છે.

          સૂર્યમુખીનો આખો છોડ મોટા ભાગના વાગોલતા પશુઓને પ્રોટીન અને ઊર્જા (ચરબી) ના સ્ત્રોત માટે ખવડાવી શકાય છે. સૂર્યમુખીના બીજને ખવડાવતાં પહેલાં તોડવા કે કચરવાથી કોઈ ફાયદો થતો નથી. બીજનું કદ ગાયોને ચાવવા અને પાચન દરમ્યાન તોડવા માટેનું કારણ બને છે. સૂર્યમુખીના બીજ દરેક પ્રકારના દૂધાળ પશુઓને ખોરાક તરીકે આપી શકાય છે. ડેરી મીલ બનાવવા માટે 100 કિ.ગ્રા. મકાઈ સાથે 18 કિ.ગ્રા. સૂર્યમુખીને મિશ્ર કરી શકાય છે. પશુઓને સંતોષ મળે તે માટે નેપિયર ઘાસ ખવડાવો ત્યારબાદ દૂધ દોહતી વખતે દાણ ખાવા આપો. ઓછું દૂધ આપતા પશુઓને 2 કિ.ગ્રા. દાણ અને વધુ દૂધ આપતા પશુઓને 4 કિ.ગ્રા. દાણ ખોરાકમાં આપો.                


સ્ત્રોત : ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, જાન્યુઆરી 2024


સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com

www.krushikiran.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *