કૃષિને ટકાઉ બનાવવા માટે સંકલિત પોષણ વ્યવસ્થા અપનાવો (Integrated nutrient management for sustainable agriculture)

કૃષિમાં ટકાઉપણું એટલે  

        સીજીઆઈએઆર (CGIAR) ની તાંત્રિક સલાહકાર સમિતિએ જણાવ્યા મુજબ વાતાવરણની ગુણવત્તાને જાળવી અને કુદરતી સ્ત્રોતોનું સંરક્ષણ કરી માનવીની બદલાતી જરૂરિયાતોને ધ્યાને લઈ તેની પૂર્તિ કરવા માટે ખેતીમાં સ્ત્રોતોની સફળ વ્યવસ્થા કરવી તેનો ટકાઉ કૃષિમાં સમાવેશ થાય છે. ધ વર્લ્ડ કમિશન અને એનવાયરોનમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ રિપોર્ટમાં જણાવ્યા મુજબ ટકાઉ વિકાસ અટેલે કે એવો વિકાસ કે જે ભવિષ્યની પેઢીઓની જરૂરિયાતોને અસર કર્યા વિના વર્તમાન પેઢીની જરૂરિયાતોને પુરી પાડી શકે.

સંકલિત પોષણ વ્યવસ્થા :

        સંકલિત પોષણ વ્યવસ્થાનો મુખ્ય હેતુ સેન્દ્રિય ખાતરોની સાથે રાસાયણિક ખાતરોનો અસરકારક ઉપયોગ કરવો તે છે. ધાન્ય વર્ગની પાક પધ્ધતિઓના લાંબા ગાળાના રાસાયણિક ખાતરના અખતરાના પરિણામોમાં એનપીકે રાસાયણિક ખાતરોનો ભલામણ મુજબનો વપરાશ કરવા છતાં પાકની ઉત્પાદકતામાં ઘટાડાનું વલણ જોવા મળેલ છે. રાસાયણિક અને સેન્દ્રિય ખાતરોનો સંયુક્ત વપરાશ કરવાથી પાક ઉત્પાકતામાં વધારો થાય છે. આમ ખાતરોનો સંયુક્ત રીતે વપરાશ કરતાં જમીનના ભૌતિક, રાસાયણિક અને જૈવિક ગુણો, કાર્બનિક પદાર્થો અને પોષકતત્વોના પ્રમાણમાં સુધારો થવા પામે છે.

સંકલિત પોષણ વ્યવસ્થાના હેતુઓ :

        (૧) પાક ઉત્પાદનમાં વધારો કરવો.

        (૨) પાકની ગુણવત્તામાં વધારો કરવો.

        (૩) ખેતીની આવકમાં વધારો કરવો.

        વર્તમાન અને ભવિષ્યમાં કૃષિના ટકાઉ વિકાસ માટે અન્નની સલામતી, પોષણની સલામતી, ટકાઉપણું અને નફાકારકતા એમ મહત્ત્વની ચાર બાબતો ઉપર વિશેષ ધ્યાન આપવાની જરૂરિયાત છે. અન્ન ઉત્પાદનમાં વધારો કરવા માટે ખાતરોના વપરાશે અગત્યનો ફાળો આપેલ છે. હરિયાળી ક્રાંતિ પછી એટલે કે સને ૧૯૭૦ બાદ કૃષિ ઉત્પાદનમાં ૫૦ ટકા વધારો કરવા માટે ખાતરોના વપરાશે મહત્ત્વનો ભાગ ભજવેલ છે. ભવિષ્યમાં કૃષિ ઉત્પાદનમાં વધારો કરવા માટે રાસાયણિક ખાતરોનો વપરાશ વધારવો પડશે કારણકે વસ્તી વધારો થતાં અન્નની માંગમાં વધારો થશે. ભવિષ્યમાં દેશની વસ્તી ૧૪૦ કરોડ એ પહોંચશે ત્યારે અન્ન પૂરવઠો અપૂરતો રહેશે.

        મોટા ભાગની જમીનો છોડ માટે જરૂરી પોષકતત્વો ધરાવે છે પરંતુ જમીનના વિવિધ પ્રકારો અને તેના બંધારણ પ્રમાણે તેમાં વિવિધતા જોવા મળે છે. પાક ઉત્પાદનનો આધાર પાકની જાત અને તેને જોઈતા પોષકતત્વોની ઉપલબ્ધિ ઉપર રહેલો છે એટલે જે ખેડૂતિમત્રોએ પાકનો પ્રકાર, જમીનનો પ્રકાર, પાકની જાત વગેરેને  ધ્યાને લઈ ખેતરમાં પાકને જરૂરી પોષકતત્વો પૂરા પાડવા જોઈએ તો જ સારૂ પાક ઉત્પાદન મળે અને આર્થિક રીતે પણ વધુ ફાયદો થાય. જમીનની ફળદ્રુપતા વરસોવરસ ઘટતી જાય છે જેના મુખ્ય કારણોમાં જમીનમાં સેન્દ્રિય ખાતરોનો વપરાશ ઓછા પ્રમાણમાં થાય છે, ખાતરોનો વપરાશ અસંતુલિત રીતે થાય છે અને અકાર્બનિક ખાતરો સાથે સેન્દ્રિય તથા જૈવિક ખાતરોનો સંકલિત રીતે ઉપયોગ કરવામાં આવતો નથી વગેરેનો સમાવેશ થાય છે.

        સામાન્યતઃ ભારતની જમીનો ફળદ્રુપતાની દૃષ્ટિએ ઉતરતી કક્ષાની છે કારણ કે જમીનમાં કાર્બનિક પદાર્થો ઓછા પ્રમાણમાં રહેલા છે તેમજ જમીનમાં વધુ પાક ઉત્પાદન આપતી જાતો અને વધુ પોષકતત્વોનો વપરાશ કરતી જાતોની ખેતી સતત કરવાને કારણે જમીનમાં પોષકતત્વોનું પ્રમાણ ઓછુ થવા પામેલ છે. સને ૧૯૭૦ માં જમીનમાં કાર્બનિક પદાર્થોનું પ્રમાણ ૧.૨ ટકા હતું જે સને ૨૦૦૦ માં ઘટીને ૦.૬૮ ટકા થયેલ છે. મોટા ભાગની ખેતીલાયક જમીનોની ઓછી ઉત્પાદકતા થવા માટેનું મુખ્ય કારણ જમીનની ફળદ્રુપતામાં થયેલ ઘટાડો છે.

        કૃષિ ઉત્પાદનનો મુખ્ય આધાર પશુઓ ધ્વારા ઉત્પાદિત છાણ-મૂત્રનું ખાતર કે મોટા જથ્થામાં ઉપલબ્ધ સેન્દ્રિય ખાતરો ઉપર રહેલો છે. વળી આ મોટા જથ્થામાં ઉપલબ્ધ સેન્દ્રિય ખાતરોને દૂર સુધી મોકલવા એ પણ એક મુશ્કેલ બાબત છે. ઠંડા વાતાવરણમાં પશુઓના છાણ-મૂત્રનું કહોવાણ પણ જલ્દી થતું નથી તેમજ તમામ ખેતીલાયક જમીનો માટે જરૂરી સેન્દ્રિય ખાતરોનો જથ્થો પણ અપૂરતો છે. જો કે ગરમ અને ભેજવાળા વાતાવરણમાં સેન્દ્રિય પદાર્થોનું કહોવાણ ઝડપથી થાય છે અને તેમાંથી કાર્બનિક પદાર્થો તથા પોષકતત્વો છૂટા પડે છે.

સંકલિત પોષણ વ્યવસ્થા એટલેઃ

        સંકલિત પોષણ વ્યવસ્થાનો મૂળભૂત આશય જમીનની ફળદ્રુપતા જાળવવી, કૃષિની ઉત્પાદકતા ટકાવી રાખવી અને રાસાયણિક, સેન્દ્રિય તથા જૈવિક ખાતરોનો ઉપયોગ કરી ખેડૂતિમત્રોની નફાકારકતામાં વધારો કરવાનો છે. જમીનની ફળદ્રુપતા જાળવી રાખીને પાકને પોષકતત્વો પૂરાં પાડી ઈચ્છિત મહત્તમ પાક ઉત્પાદન મેળવવું તેને સંકલિત પોષણ વ્યવસ્થા કહેવાય. પાકના વિકાસ દરમ્યાન રાસાયણિક ખાતરો અને સેન્દ્રિય ખાતરોનો વિવેકપૂર્ણ રીતે ઉપયોગ કરવો તેને સંકલિત પોષણ વ્યવસ્થાની પધ્ધતિ કહેવાય. સંકલિત પોષણ વ્યવસ્થામાં જૈવિક ખાતરો અને કઠોળપાકનો પણ વધુ પાક ઉત્પાદન મેળવવા માટે ઉપયોગ કરવામાં આવે છે.

સંકલિત પોષણ વ્યવસ્થાના સિદ્ધાંતો:

        કૃષિમાં ટકાઉપણાના મૂળભૂત સિધ્ધાંતોમાં જમીન, જળ, એનર્જી, પોષકતત્વોનો પૂરવઠો, જનીનિક વૈવિધ્યતા, જીવાત વ્યવસ્થા, પાકની કાપણી પછીની પ્રક્રિયાઓ ઉપરાત જે તે સ્થળને ધ્યાને લઈ કરવામાં આવતું ખાસ સંશોધન અને વિકાસ વગેરેનો સમાવેશ થાય છે. પાક ઉત્પાદન જાળવી રાખવા માટે આયોજકો અને નીતિ ઘડવૈયાઓએ યોગ્ય વ્યૂહરચના  અપનાવવાની તાતી જરૂર છે જેમાં નીચેની વિગતોનો સમાવેશ થાય છે :

(૧) જળસ્ત્રાવ અભિગમને આધારે જમીન અને ભેજનું સંરક્ષણ કરવું.

(૨) પિયત વિસ્તારમાં વધારો કરી ઉત્પાદકતામાં સુધારો કરવો.

(૩) અસરકારક પાક પધ્ધતિઓ વિકસાવવી અને તેનો ઉપયોગ કરવો.

(૪) સૂકા અને અર્ધ-સૂકા વિસ્તારોમાં વૈકલ્પિક પાક પધ્ધતિઓ અપનાવવી.

(૫) રાસાયણિક, સેન્દ્રિય અને જૈવિક ખાતરો અને ખનીજતત્વો વગેરેનો સંતુલિત અને સંકલિત રીતે ઉપયોગ કરવો.

(૬) જે વિસ્તારમાં જમીનની સમસ્યા હોય તો તેવી જમીનોની સુધારણા કરવી.

(૭) વધુ અસરકારક વિકાસ કાર્યક્રમો યોજી તેને નીતિ વિષયક ટેકો આપવો.

(૮) ખેતીમાં ખેડૂતોને અનુકુળ આવે તેવા સંશોધનો માટેના કાર્યક્રમો તૈયાર કરી ખેડૂતોપયોગી સંશોધનો હાથ ધરવા.

(૯) કૃષિની તાંત્રિકતાના વિકાસમાં ખેડૂતોની ભાગીદારીમાં વધારો કરવો.

સંકલિત પોષણ વ્યવસ્થાની જરૂરિયાત શા માટે ?

        પ્રાચીન સમયમાં સંકલિત પોષણ વ્યવસ્થાને ઓછુ મહત્ત્વ આપવામાં આવતું હતું કારણ કે પ્રાચીન સમયમાં ખેતી ફક્ત પોતાની આજીવિકા માટે જ થતી હતી પરિણામે જમીનમાંથી ઓછા પ્રમાણમાં પોષકતત્વો દૂર થતા હતા પરંતુ વર્તમાન સમયમાં ઘનિષ્ઠ ખેતી થતી હોવાના કારણે તેમજ વધુ ઉત્પાદન આપતી જાતોના ઉપયોગ કારણે સંકલિત પોષણ વ્યવસ્થાનું મહત્ત્વ અનેકગણું વધી જાય છે. આધુનિક ખેતીમાં તેની જરૂરિયાત વધવાના કારણો અત્રે દર્શાવેલ છે.

  1. રાસાયણિક ખાતરોની ઊંચી કિંમત
  2. એનપીકેના વપરાશના પ્રમાણમાં અસમતુલા
  3. વપરાશ અને ઘરગથ્થુ ઉત્પાદન વચ્ચેની અસમતુલા
  4. જમીનની ભૌતિક ગુણધર્મો અને તંદુરસ્તીમાં ઘટાડો
  5. બિનપરંપરાગત ઊર્જા સ્ત્રોત ધ્વારા મળતા અકાર્બનિક ખાતરોનો વપરાશ
  6. રાસાયણિક ખાતરોના વપરાશ ધ્વારા પ્રદૂષણનું જોખમ
  7. રસાયણ ઉત્પાદકતામાં ઘટાડો
  8. જમીનમાં જૈવિક પ્રવૃત્તિઓમાં થયેલ ઘટાડો
  9. કાર્બનિક અને ખનીજ ખાતરો જમીનમાં આપવાથી થતી અસર 
  10. દ્વિતિયક સૂક્ષ્મતત્વોના સ્ત્રોત તરીકે સેન્દ્રિય પદાર્થોનો ઉપયોગ
  11. પાક ઉત્પાદકતામાં ઘટાડો તેમજ પાક પર પ્રતિક્રિયા

સંકલિત પોષણ વ્યવસ્થા માટે જરૂરી સ્ત્રોતો :

સંકલિત પોષણ વ્યવસ્થા માટેના જરૂરી સ્ત્રોતોમાં (૧) રાસાયણિક ખાતરો (ર) સેન્દ્રિય ખાતરો જેવા કે, છાણિયું ખાતર, કમ્પોસ્ટ ખાતર, પ્રેસમડ, મરઘાંનું ખાતર, ઘેટાં-બકરાંની લીંડીનું ખાતર વગેરે (૩) જૈવિક ખાતરો (૪) લીલો પડવાશ (પ) મિનરલ સપ્લિમેન્ટસ (૬) મ્યુનિસિપલ અને ઔદ્યોગિક ઘનકચરાનો સમાવેશ થાય છે.

રાસાયણિક ખાતરોનો અસરકારક ઉપયોગ :

રાસાયણિક ખાતરોનો અસરકારક ઉપયોગ કરવાથી અનેકવિધ લાભો થાય છે જે અત્રે દર્શાવેલ છે.

  1. એકમ ખાતરના ઉપયોગ દીઠ વધુ પાક ઉત્પાદન આપે છે.
  2. ખાતરોના વપરાશથી ચોખ્ખો નફો વધુ મળે છે.
  3. પાક ઉત્પાદનમાં એકમ દીઠ ઉત્પાદન ખર્ચમાં ઘટાડો કરે છે.
  4. ખાતરોની અછત અને ભાવની વધઘટના સમયે ખાતરોનો પૂરવઠો પૂરો પાડે છે.
  5. બિનપરંપરાગત ઊર્જા સ્ત્રોતોનો ઉપયોગ કરે છે.
  6. ખાતરોના સંશોધન પાછળ કરેલ ખર્ચનું વળતર આપે છે.
  7. ઊર્જાનું સંરક્ષણ કરે છે.
  8. ખાતરોના વપરાશની ભલામણો, જમીનના પ્રકાર પ્રમાણે અનુકુળ સ્ત્રોતની પસંદગી, પાકનો પ્રકાર, યોગ્ય સમયની પસંદગી, ખાતર આપવાની પધ્ધતિ, પોષકતત્વોની અછતનું નિવારણ, પિયત વ્યવસ્થાની પધ્ધતિઓમાં સુધારણા, રોગ-જીવાત અને નીંદણોનું નિયંત્રણ વગેરે ઉપાયો અજમાવીને ખાતર વપરાશની અસરકારકતામાં વધારો કરી ઊંચી ઉત્પાદકતા મેળવી શકાય છે.

સેન્દ્રિય ખાતરોના સ્ત્રોત:

સેન્દ્રિય ખાતરો મુળભુત રીતે જૈવિક સ્ત્રોતો છે જેના બંધારણમાં પોષકતત્વો રહેલા છે જે કહોવાણ ધ્વારા છૂટા પડી જમીનમાં ભળે છે. આવા સેન્દ્રિય સ્ત્રોતો ફક્ત જમીનની ફળદ્રુપતા જ નહિ પરંતુ જમીનની ભૌતિક સ્થિતિમાં પણ સુધારો કરે છે જેથી છોડના યોગ્ય વિકાસમાં મદદ કરે છે. સેન્દ્રિય ખાતરોનો સતત ઉપયોગ કરતાં જમીનની જળ સંગ્રહ ક્ષમતામાં વધારો થાય છે, હવાની અવરજવર સારી થાય છે, છીદ્રાળુતામાં વધારો થાય છે, માટીનું એકત્રિકરણ થાય છે, પોષકતત્વો ધારણ કરવાની ક્ષમતામાં વધારો થાય છે તેમજ જમીનની સ્થુળ ઘનતા અને જમીન ધોવાણમાં ઘટાડો થાય છે. આ રીતે જમીનની ઉત્પાદકતામાં સુધારો થાય છે અને તે લાંબા સમય સુધી જળવાઈ રહેતાં પાક ઉત્પાદનને જાળવી રાખે છે.

(૧) કમ્પોસ્ટ: સેન્દ્રિય કચરાનું કહોવાણ કરતાં મળતા પદાર્થને કમ્પોસ્ટ કહે છે જેમાં મોટે ભાગે પાક અવશેષોના જથ્થાનો ઉપયોગ થાય છે સામાન્યતઃ આવું કમ્પોસ્ટ ૧.૦૧ ટકા નાઈટ્રોજન, ૦.૫ ટકા ફોસ્ફરસ અને ૦.૮ ટકા પોટાશ તત્વો ધરાવે છે.

(ર) વર્મિકમ્પોસ્ટ: ખેતરો તથા ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ઉપલબ્ધ વિવિધ કચરા ઉપર અળસિયાં ધ્વારા પ્રક્રિયા કરી વર્મિકરમ્પોસ્ટ તૈયાર કરવામાં આવે છે. જે સંકલિત પોષણ વ્યવસ્થાનો એક અગત્યનો ઘટક છે. તે કુદરતી સેન્દ્રિય પેદાશ છે જે પર્યાવરણ મિત્ર છે અને તેની જમીન કે વાતાવરણ ઉપર કોઈ આડ અસર થતી નથી જેથી સમગ્ર વિશ્વનું તેના ઉપયોગ ઉપર ધ્યાન ખેંચાયું છે.

(૩) જૈવિક ખાતરો: ખાસ પ્રકારના જીવંત સૂક્ષ્મજીવોની બિયારણની માવજત આપીને કે જમીનમાં ઉમેરવા માટે તૈયાર કરવા કે જેથી જમીનમાં તેની સંખ્યામાં વધારો થાય અને તેના ધ્વારા છોડને અપ્રાપ્ય પોષકતત્વોનું પ્રાપ્ય પોષકતત્વોમાં રૂપાંતર થવા પામે.

સેન્દ્રિય અને જૈવિક ખાતરોના લાભો :

  1. પર્યાવરણ મિત્ર રૂપે સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરે છે અને સૂક્ષ્મજીવોના નિર્વાહમાં મદદ કરે છે
  2. જૈવિક ખાતરો નાઈટ્રોજનના સ્થિરીકરણમાં મદદ કરે છે.
  3. ખાસ પરિસ્થિતિમાં પાકની મોટા ભાગની નાઈટ્રોજનની જરૂરિયાતને પૂરી પાડે છે.
  4. જમીનની ભૌતિક સ્થિતિમાં સુધારો કરે છે જેમ કે, હવાની અવરજવરમાં વધારો, છીદ્રાળુતામાં વધારો, જળસંગ્રહ શક્તિમાં વધારો, સ્થૂળ ઘનતામાં સુધારો વગેરે
  5. પાકમાં મહત્તમ ઉત્પાદન આપે છે.
  6. ખેત-હવામાન પરિસ્થિતિને વધુમાં વધુ સ્થિર બનાવે છે.
  7. ઉદ્યોગોના ઈનપુટસ (પદાર્થો) ના વપરાશનું પ્રમાણ ઘટાડે છે.
  8. રાસાયણિક ખાતરોની અસરકારકતામાં વધારો કરતાં પાકને પોષકતત્વો પ્રાપ્ય સ્વરૂપમાં મળવાથી પાક ઉત્પાદનમાં વધારો કરે છે.
  9. પર્યાવરણના પ્રદૂષણનો ઘટાડો કરવામાં મદદ કરે છે.
  10. જૈવિક ખાતરો જમીનમાં રહેલ રોગપ્રેરકો અને રોગકારકોનું જૈવિક રીતે નિયંત્રણ કરવામાં મદદ કરે છે.
  11. છોડને વૃદ્ધિમાં મદદકર્તા પદાર્થોને જમીનમાંથી મુક્ત કરી લભ્ય બનાવે છે.
  12. પાકના ઉત્પાદનમાં ૧૦ થી ૧૫ ટકા વધારો કરે છે.
  13. જૈવિક ખાતરો નાઈટ્રોજન પુરો પાડે છે અને જમીનમાં હેકટર દીઠ ૨૦ થી ૨૦૦ કિ.ગ્રા. નાઈટ્રોજન ઉમેરે છે.
  14. જૈવિક ખાતરો પ્રમાણમાં સસ્તા, પર્યાવરણ – મિત્ર અને છોડને પોષકતત્વો પૂરા પાડવાના પરંપરાગત સ્ત્રોત છે.
  15. જૈવિક ખાતરો જીવાણુ, ફુગ, આલ્ગી વગેરેના કાર્યરત જીવંત કોષો ધરાવે છે જે વાતજીવી અને અવાતજીવી રીતે નાઈટ્રોજનનું સ્થિરીકરણ કરવામાં ભાગીદારી પુરી પાડે છે. જમીનમાં ઉપલબ્ધ અદ્રાવ્ય ફોસ્ફેટને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવે છે તેમજ કાર્બન અને ગંધક જેવા પોષકતત્વોની હેરફેરને સરળ બનાવે છે.

(૪) લીલો પડવાશ: કઠોળ વર્ગના પાકોને ખેતરમાં ઉગાડીને ૪૦ થી ૬૦ દિવસ બાદ જમીનમાં દબાવીને લીલો પડવાશ કરવામાં આવે છે. વૃક્ષો અને ઝાડવાંના લીલા પાંદડાંને પણ જમીનમાં દબાવીને લીલો પડવાશ કરવામાં આવે છે.

લીલા પડવાશ માટે ધ્યાનમાં રાખવાની બાબતો :

લીલા પડવાશ માટે ધ્યાનમાં રાખવાની બાબતોમાં પાકની પસંદગી, પાક ઉછેરની પધ્ધતિ, ઉનાળામાં વચગાળાનો પાક, આંતરપાક, લીલા પડવાશની ઉંમર, લીલા પડવાશને ખાતર તરીકે ઉપયોગ કરવાનો સમય, પાકને જમીનમાં દબાવવાની ઊંડાઈ અને પાકને જમીનમાં દબાવવાની પધ્ધતિ વગેરેનો સમાવેશ થાય છે.

લીલા પડવાશથી થતા લાભો :

  1. લીલો પડવાશ જમીનમાં સેન્દ્રિય પદાર્થો, નાઈટ્રોજન અને અન્ય પોષકતત્વો પુરા પાડે છે.
  2. લીલો પડવાશ જમીનમાં સૂક્ષ્મજીવોની પ્રવૃત્તિઓમાં વધારો કરે છે..
  3. કેટલીક ખાસ પરિસ્થિતિમાં લીલો પડવાશ નીંદણોનું દમન કરે છે.
  4. લીલો પડવાશ જમીન અને જળનું સંરક્ષણ કરે છે.
  5. લીલો પડવાશ જીવાત વ્યવસ્થા માટે પિંજર પાક તરીકે મદદરૂપ થાય છે.

સંકલિત પોષણ વ્યવસ્થા અપનાવવામાં પડતી મુશ્કેલીઓ :

  1. ગ્રામ્ય વિસ્તારોમાં પશુઓના છાણનો ઉપયોગ છાણાં તરીકે બળતણમાં થતો હોઈ ઘણા ઓછા જથ્થામાં કમ્પોસ્ટ ખાતર ઉપલબ્ધ થાય છે. ડાંગરના પરાળનો ઉપયોગ કમ્પોસ્ટ બનાવવાને બદલે પશુઓની પથારી તરીકે, ઝૂપડીઓના બાંધકામ અને કામચલાઉ નિવાસ બનાવવામાં થાય છે.
  2. પાક અવશેષો સિલિકા અને ઓકઝેલિક એસિડથી સમૃદ્ધ હોઈ પશુ દાણમાં તેનો ઉપયોગ વધતો જાય છે જેથી ખેતીના આડપેદાશોની પુનઃ પ્રાપ્યતા ઉપર અસર થાય છે.
  3. ડાંગર અને ઘઉંના પરાળનો પાકને સેન્દ્રિય તત્વો પુરા પાડવા માટે ઉપયોગ થાય છે પરંતુ તેનું પુરેપરૂ કહોવાણ થાય તે પહેલાં જમીનમાં ઉમેરવાથી નાઈટ્રોજન જેવા પોષકતત્વો સ્થાયી થવાથી પાકને લભ્ય ન બનતા હોઈ પાક ઉત્પાદન પર ખરાબ અસર થાય છે.
  4. સેન્દ્રિય ખાતરો મોટા જથ્થામાં જોઈતા હોઈ તેની વાહનવ્યવહાર ધ્વારા હેરફેર કરવાનો ખર્ચ વધુ આવતો હોઈ મુશ્કેલી પડે છે.
  5. સેન્દ્રિય ખાતરો (જેવા કે છાણિયું ખાતર, કમ્પોસ્ટ ખાતર, મરઘાં-બતકાંનું ખાતર વગેરે) ઓછી માત્રામાં પાકને જરૂરી પોષકતત્વો ધરાવે છે જેથી વધુ ઉત્પાદન આપતી જાતો માટે પ્રમાણમાં તેના જથ્થાની જરૂર પડે છે.
  6. સેન્દ્રિય ખાતરોમાં ખાસ કરીને નાઈટ્રોજન તત્વની બાબતે ખનીજકરણ અને પોષકતત્વો છૂટાં પડવાનો દર ધીમો હોય છે.
  7. ખેતીનો કચરો કે આડપેદાશ કે લીલા પડવાશનું કહોવાણ થતાં સમય લાગતો હોઈ ખેતરને સમયસર પાકની વાવણી માટે તૈયાર કરી શકાતું નથી જેથી વાવણીમાં મોડું થાય છે.
  8. ખેડૂતો ધ્વારા મોટા પાયે લીલો પડવાશ કરવાનું સ્વિકારવામાં આવેલ ન હોઈ તેના માટે વધારાના મજૂર અને ઈનપુટસની જરૂર પડે છે.
  9. લીલા પડવાશના પાકો ઉગાડવા માટે વધારાનો ખર્ચ કરવો પડે છે અને સમયની જરૂરિયાત રહે છે.
  10. હલકી ગુણવત્તાવાળા જૈવિક ખાતરો ખેડૂતમિત્રોને મળે તો તે અસરકારક રહેતાં નથી.
  11. જૈવિક ખાતરો જીવંત સૂક્ષ્મજીવો ધરાવતા હોવાથી તેના માર્કેટિંગમાં મુશ્કેલી રહે છે.
  12. વાહનવ્યવહાર મારફતે હેરફેર અને અયોગ્ય સંગ્રહ પધ્ધતિને લીધે જૈવિક ખાતરોમાં રહેલ જીવંત સૂક્ષ્મજીવો નાશ પામે છે.
  13. ખેડૂતમિત્રો જૈવિક ખાતરોથી અજાણ છે અને તેઓને તે જલ્દીથી પ્રાપ્ય થતાં નથી

સંકલિત પોષણ વ્યવસ્થાના અમલ અંગેના સૂચનો :

  1. સંકલિત પોષણ વ્યવસ્થા ધ્વારા પાક ઉત્પાદકતા વધારવા માટે પાક ઉત્પાદન ઉપર ખાસ ધ્યાન આપવું જોઈએ.
  2. એનપીકે રાસાયણિક ખાતરો ૪:૨:૧ ના પ્રમાણમાં આપવા જોઈએ અને તેની સાથે સેન્દ્રિય કે જૈવિક ખાતરો પૂરક તરીકે આપવા જોઈએ નહિ કે અવેજી તરીકે.
  3. સંકલિત પોષણ વ્યવસ્થામાં છાણિયુ ખાતર, કમ્પોસ્ટ ખાતર, ખેતરનો કચરો, સુએઝ, સ્લજ, લીલો પડવાશ વગેરે જેવા સેન્દ્રિય ખાતરોનો વધુ વપરાશ થાય તેના પ્રયાસો કરવા જોઈએ.
  4. પશુઓના છાણનો બળતણ તરીકેના ઉપયોગ ઉપર ચીન દેશની માફક પ્રતિબંધ મૂકવો જોઈએ. બાયોગેસ પ્લાન્ટ ઊભા કરી બળતણની જરૂરિયાત પૂરી પાડવી જોઈએ અને બાયોગેસ પ્લાન્ટમાંથી મળતી રબડીનો ઉપયોગ સેન્દ્રિય ખાતર તરીકે કરવો જોઈએ.
  5. સેન્દ્રિય ખાતરોમાંથી પોષકતત્વોનો ઘટાડો ન થવા પામે તેવી પધ્ધતિઓનો ઉપયોગ કરી તેની અસરકારકતામાં વધારો કરવો જોઈએ.
  6. મોટા જથ્થામાં પ્રાપ્ય સેન્દ્રિય ખાતરોની હેરફેર માટે સાદી પધ્ધતિ વિકસાવવી જોઈએ અને તેનો રાસાયણિક ખાતરોની માફક ઉપયોગ કરી શકાય તેવી પધ્ધતિ વિકસાવવી જોઈએ,
  7. જમીનની ગુણવત્તા અને પાકની ઉત્પાદકતા ઉપર પાક અવશેષોની સીધી કે અડકતરી અસરો વિષેની ચકાસણી કરવી જોઈએ.
  8. ખાસ કરીને અવેશેષોનું ઝડપી રીતે કહોવાણ કરે તેવા સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરવામાં આવે તેવી તાંત્રિકતાઓ વિકસાવવી જોઈએ.
  9. જમીનની ચકાસણી કરીને પાકનો પ્રકાર તેમજ વિવિધ સેન્દ્રિય અને રાસાયણિક ખાતરોના અર્થકરણને ધ્યાનમાં રાખીને જે તે પાક માટે ખાતરોની ભલામણ કરવી જોઈએ.
  10. પાકના વાવેતર દરમ્યાન જમીનમાં સેન્દ્રિય સ્ત્રોત ધ્વારા પોષકતત્વોનો ફાળો અને ખાતરો આપ્યા બાદ તેના અવશેષો અંગેનો અંદાજ મેળવવો જોઈએ.
  11. સૂક્ષ્મતત્વો માટેના સસ્તા, અસરકારક અને આર્થિક રીતે પરવડે તેવા સ્ત્રોતો શોધવા જોઈએ અને સૂક્ષ્મતત્વોની ઉણપ દૂર કરે તેવી સ્થાનિક પરિસ્થિતિને અનુરૂપ ખાસ પધ્ધતિઓ શોધવી જોઈએ.
  12. સંકલિત પોષણ વ્યવસ્થામાં નાઈટ્રોજન અવરોધકો અને ગ્રોથ હોર્મોન્સ (અંતઃસ્ત્રાવો) નો અસરકારક રીતે ઉપયોગ કરવો જોઈએ.
  13. પાક અવશેષોના ઝડપી કહોવાણ માટે ટ્રાયકોડર્મા વિરીડી જીવો સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરી શકાય તેવી તાંત્રિકતાઓનો વિકાસ કરવો જોઈએ.
  14. લીલો પડવાશ પધ્ધતિ ખેડૂતોમાં પ્રચલિત બને તેવા પ્રયાસો કરવા જોઈએ.
  15. વિવિધ ખેત-હવામાન પરિસ્થિતિ ધરાવતા ખેતી વિસ્તારોમાં જે તે પાક પધ્ધતિઓમાં સેન્દ્રિય, રાસાયણિક અને જૈવિક ખાતરોના ઉપયોગ અંગેની આંકડાકિય માહિતી તૈયાર કરવી જોઈએ.
  16. સૂક્ષ્મજીવોની જાતો કે જે સ્થાનિક સૂક્ષ્મજીવોની જાતો સાથે હરિફાઈ કરી શકે તેવી તેમજ જમીનની હવામાન પરિસ્થિતિ મુજબ અલગ પાડી વિકસાવવી અને તેની સંખ્યામાં વધારો કરી ઉપયોગ કરવો જોઈએ.
  17. ખેડૂત મિત્રો મોટા પ્રમાણમાં જૈવિક ખોતરોની તાંત્રિકતા અપનાવે તેવા પ્રયત્નો કરવા જોઈએ.

સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com

www.krushikiran.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *