મહિલા સશક્તિકરણ માટે અન્ન અને પોષણની સલામતી (Food and nutrition security for women empowerment)

            ભારતમાં અન્નની સલામતી એ જાતીય સમાનતા માટે એક મહત્વની બાબત છે. કૃષિ એ સમાજ માટે અન્ન પેદા કરવા અને પોષણની સલામતી જાળવવા માટે એક ચાવીરૂપ બાબત ગણાય છે. એફએઓ (૨૦૦૬) ધ્વારા જણાવ્યા મુજબ “અન્નની સલામતી એટલે દરેક સમયે બધા જ લોકો ભૌતિક અને આર્થિક રીતે પુરતા પ્રમાણમાં સલામત રીતે પોષણયુક્ત ખોરાક ધ્વારા પોતાને જોઇતી ખોરાકની જરૂરીયાત મેળવી કાર્યરત અને તંદુરસ્ત જીવન જીવી શકે ’’. ભારતમાં અન્નની અને પોષણની સલામતી ઉપર વધુ ભાર મૂકવામાં આવે છે. મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલ્સ (MDGs) ૨૦૧૬ ના હેતુઓને પૂર્ણ કરવા માટે અન્નની અને પોષણની સલામતી માટે હજુ વધુ પ્રયત્નો કરવાની જરૂર છે. જાતિય સમાનતા અને  મહિલા સશક્તિકરણ ધ્વારા જમીન, પાણી અને ધિરાણ જેવી ઉત્પાદક સંપત્તિ તેમજ તાંત્રિક્તાઓ અને સેવાઓને પુરૂષો અને મહિલાઓ વચ્ચે આર્થિક રીતે સમાન ધોરણે વહેંચવામાં આવે તો ચોક્કસપણે અન્નની સલામતી માટે મદદ મળી શકે. દરેક માટે પોષણમાં સુધારણા, કૃષિ ઉત્પાદક્તામાં વધારો, કુદરતી સ્ત્રોતોની વ્યવસ્થા અને ગ્રામ્ય વિસ્તારના લોકોને નિર્ણય લેવામાં સંપૂર્ણ ભાગીદાર બનાવી જીવનધોરણમાં સુધારો કરી અન્નની સલામતી પુરી પાડવી એ જાતિય સમાનતા અને સહિલા સશક્તિકરણની મુળભુત બાબતો છે. જાતિય સમાનતા અને ગ્રામ્ય મહિલાઓના આર્થિક, સામાજીક અને રાજકીય સશક્તિકરણ વિના અન્નની સલામતી પ્રાપ્ત કરી શકાશે નહિ. અન્નની ઉત્પાદનમાં થતો વધારો-ઘટાડો અને અન્નની ઘરેલું અપુરતી પ્રાપ્યતાઓ અન્નની સલામતી અંગેની પ્રાથમિક જરૂરિયાત પેદા કરેલ છે.

                વર્તમાન સમયમાં ગરીબાઇને કારણે ખરીદ શક્તિ અને અન્નની અસલામતીના કારણો સાથે અન્નની પ્રાપ્યતા સંકળાયેલી છે. આમ અન્નની સલામતી અને ગરીબાઇ સીધી રીતે એકબીજા સાથે સંકળાયેલ છે. આથી ગરીબોને રોજગાર આપી અને આવક પેદા કરે તેવા કાર્યક્રમો ધ્વારા તેઓની ખરીદ શક્તિમાં સુધારો થાય તે માટેનું રક્ષણ પુરૂ પાડવાની જરૂરીયાત છે. સારી ગુણવત્તા ધરાવતી માળખાકીય સુવિધાઓ, પીવાનું પાણી, આરોગ્ય અને બાળકોની કાળજી વગેરે જેવી ચોક્કસ જરૂરિયાતો અને મુશ્કેલીઓને જાતીય સમાનતા મૂજબ ધ્યાને લઇ જાણવી જરૂરી છે. મહિલાઓ કૃષિ ધિરાણ, કૃષિ માહિતી અને વિસ્તરણ સેવાઓ તેમજ સ્થળાંતર ન થઇ શકે તેવી વિવિધ મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. મહિલાઓની નાણાકીય પ્રવૃત્તિઓમાં ભાગીદારી મોટે ભાગે સ્વ સહાય જૂથો અને અન્ય સહકારી સોસાયટીઓમાં જોવા મળે છે. આથી આબોહવાની આગોતરી જાણકારી, ખેતીકીય કાર્યો, બજાર કિંમત, હવામાન ફેરફાર તેમજ ખોરાકની બનાવટોમાં સ્વાદ અને પંસદગી વગેરે અંગે મહિલાઓમાં રહેલ વિવિધ બાબતો જાણવી જરૂરી છે. ધિરાણ સિવાય મહિલાઓ સામાજીક, સાંસ્કૃતિક અને સંસ્થાકીય અવરોધોને કારણે ખેતી કરી શક્તી નથી. સૂક્ષ્મ ધિરાણની યોજનાઓનો અન્ન ઉત્પાદનમાં સુધારો કરી મહિલાઓને સશક્તિકરણ બક્ષવામાં નહિવત ફાળો રહેલો છે.

ભારતમાં અન્ન અને પોષણની સલામતી :

                ભારત સને ૨૦૩૦ માં ૧૬૦ કરોડ જેટલી વસ્તી ધરાવતો વિશ્વનો મોટો દેશ બનશે તે સમયે અન્ન અને પોષણની સલામતી દરેકને પુરી પાડવી એ એક મોટા પડકાર છે. ભૂતકાળ જોતાં અંગ્રેજ સરકારના સમયે ૧૯૪૩ માં બંગાળમા પડેલ દુકાળના સમયે અન્નની સલામતીનો પશ્ન હતો. સને ૧૯૬૦ અને ૧૯૭૦ દરમ્યાન હરિયાળી ક્રાંતિને પરિણામે ભારતના કૃષિ ક્ષેત્રમાં ક્રાંતિ આવી છે. ભારતની કૃષિ પદ્ધતિ ઊંચા મૂલ્ય ધરાવતી થઇ છે. ફળો, શાકભાજી, દૂધ, ઇંડા, મરઘાં ઉછેર અને મત્સ્ય વગેરે જેવા ઉત્પાદનોમાં વધારો થતાં ભારતના આર્થિક વિકાસને વેગ મળ્યો છે અને લોકોની આવકના સ્તરમાં વધારો થયો છે. જમીનોના બિન-કૃષિ ઉપયોગો થતા ખેતીની જમીન ઉપર ભારણ વધ્યુ હોવા છતાં ડાંગર અને ઘઉં જેવા ધાન્યપાકોના વિસ્તારમાં ઘટાડો થવા છતાં ઉત્પાદક્તામાં વધારો કરવો કે તેનું સ્તર જાળવી રાખવું એ પણ એક મુખ્ય પડકાર છે. આ બાબતે રોકાણમાં વધારો અને તાંત્રિક્તાઓનો ઉપયોગ કરી અન્નની પ્રાપ્યતામાં વધારો કરવો જરૂરી છે. વિશ્વબેંક એ સને ૨૦૦૯ માં જણાવેલ તે મુજબ ભારતમાં અંદાજે ૫૦ ટકા સગર્ભા મહિલાઓ એનીમિયાથી પીડાય છે તેથી તેઓને પોષણની સલામતી પુરી પાડવી એ એક ગંભીર બાબત છે જેનું વહેલીતકે નિરાકરણ લાવવું જરૂરી છે.

                અન્ન અને પોષણની સલામતી માટે મુખ્ય ત્રણ બાબતો અગત્યની છે. પ્રાપ્યતા, ઉપલબ્ધતા અને શોષણ (ઉપયોગ). આ બાબતો અંગે ચોક્કસ નીતિ ઘડવી જરૂરી છે. આ નીતિઓમાં અમલ માટે જાહેર અને ખાનગી ક્ષેત્રો, સામાજીક જૂથો, વિવિધ એજન્સીઓ, પરોપકારી સંસ્થાઓ અને દેશોએ પરસ્પર સહકાર સાધવો જોઇએ. ભારતમાં અન્ન અને પોષણની સલામતી અંગે ભૂતકાળનું સ્ટેટસ જોતાં જાહેર ક્ષેત્રની મદદ લઇ વિવિધ કાર્યક્રમો ધ્વારા અને વિવિધ હિસ્સેદારો વચ્ચે ભવિષ્યમાં રોકાણ અને જ્ઞાનની ભાગીદારી કરવી જરૂરી છે. 

અન્નની સલામતીમાં કૃષિનો ફાળો :    

                ભારતમાં મોટા ભાગની વસ્તી ગામડાઓમાં રહે છે અને કૃષિ ઉપર નિર્ભર છે જેથી અન્નની સલામતીનો પ્રાથમિક આધાર કૃષિ ક્ષેત્રની કામગીરી ઉપર રહેલો છે. સને ૧૯૯૦ સુધી કૃષિ ક્ષેત્ર સહિત જાહેર ક્ષેત્રમાં સંશોધન અને માળખાકીય વિકાસના રોકાણ અંગે સતત બેદરકારી દાખવવામાં આવેલ હતી. હવામાન ફેરફાર અને તેના પરિણામે પાક ઉત્પાદન ઉપર થયેલ અસર અંગેના પડકાર અંગે કોઇ સંસ્થાકીય કામગીરી કરવામાં આવેલ ન હતી. ખેતીમાં પડતા દુકાળ અને એનએફએસએ ધ્વારા મહિલાઓને ઘરના મોભી તરીકેની માન્યતા આપી હોવા છતાં વ્યક્તિગત અને કુટુંબની અન્નની સલામતી પૂર્ણ કરી શકાઇ નથી. એફએઓ ના સને ૨૦૧૧ના રિપોર્ટમાં જણાવ્યા મુજબ વિકસિત દેશોમાં ખેતીકાર્યોમાં ૪૩ ટકા મહિલાઓ જોડાયેલી છે. કૃષિ મજૂરીમાં મહિલાઓની નોંધપાત્ર ભાગીદારી ઉપરાંત અન્ન ઉત્પાદન, ખરીદી, તૈયારી અને પ્રોસેસિંગમાં પણ તેઓની કામગીરી કૃષિ ક્ષેત્ર માટે મહત્વની છે.

                પ્રજ્નન અને ઘરેલું કાર્યો, ઘરની સારસંભાળ અને સામાજીક જવાબદારી વગેરે માટે ફક્ત મહિલાઓ જ ખરેખર જવાબદાર છે. તે પુરૂષો કરતાં વધુ કલાકો કાર્ય કરે છે. પુરૂષો અને મહિલાઓ ધ્વારા થતા કામોમાં એવું જોવામાં આવેલ છે કે મોટા ભાગના મહિલાઓ ધ્વારા કરવામાં આવતા કાર્યો વધુ મજૂરીવાળાં છે જેવા કે ખોરાક રાંધવો, બળતણ એકત્ર કરવું અને પાણી લાવવું વગેરે. મહિલાઓ જે કાર્યો કરે છે તે માટે થતું વૈતરૂ કે કંટાળો દૂર કરવા માટે ઘણી ઓછી તાંત્રિક્તાઓનો વિકાસ કરવામાં આવેલ છે. જમીન, પશુપાલન, ધિરાણ, શિક્ષણ, આરોગ્ય, બજાર અને શિક્ષણ વગેરેના સ્ત્રોત અને વિસ્તરણ સેવાઓ મર્યાદિત છે જે માટે અસમાન વારસાગત કાર્યો, મહિલાઓની અવરજવર ઉપર પ્રતિબંધ, સામાજીક મોભો અને સન્માન વગેરે બાબતો જવાબદાર છે. છેલ્લા દસકામાં સંસ્થાકીય પ્રયાસો ધ્વારા મહિલાઓના આ પશ્નોને હલ કરવામાં મદદ મળી છે. જો કે ખાદ્યાન્ન પાકો ઓછી આવક પેદા કરતા હોઇ તેના ઉપર આધારીત કુટુંબો અન્નની ઓછી અસલામતી અનુભવે છે.

પડકારો અને તકો :

                પૂરૂષો અને મહિલાઓ વચ્ચે સ્ત્રોતો અને તકોની અસમાન વહેંચણી તેમજ ગરીબાઇને કારણે અન્ન અને પોષણની અસલામતીનો પડકાર ઊભો થયો છે. દરેકને પુરતા પ્રમાણમાં અન્ન પૂરૂ પાડવાની પ્રક્રિયામાં પ્રગતિ થયેલ નથી. સને ૨૦૩૦ સુધીમાં જાતિય અસમાનતા પ્રાપ્ત કરી શકાશે નહિ તે અંગેના પડકારો અત્રે દર્શાવેલ છે.

(૧) ભેદભાવપૂર્ણ સામાજીક ધોરણો: 

                જાતિય અસમાનતા કારણોમાં સામાજીક અને સાંસ્કૃતિક રીતે થતા ભેદભાવનાં મૂળ ઊંડાં છે કે જેને સમજવું, વિરોધ કરવો કે ઓછો અંદાજ કરવો એ ઘણું કઠીન છે.

(૨) માળખાકીય અવરોધો:

                ઔૈપચારિક અને અનૌપચારિક માળખાં અને પ્રક્રિયા તથા ભેદભાવપૂર્ણ કાયદાઓ કે જે જાતિય અસમાનતા અને મહિલા સશક્તિકરણ કરવા માટે અવરોધરૂપ છે.

(૩) નીતિઓમાં અસુસંગતતા:

                જાતિય અસમાનતા અંગેની નીતિઓમાં અન્નની સલામતી અને પોષણની બાબતોનો ભાગ્યે જ સમાવેશ કરવામાં આવે છે તેમ જ તેવી નીતિઓમાં જાતિય અસમાનતાનો સમાવેશ કરવામાં આવતો નથી.

(૪) મહિલાઓને માન્યતા આપવામાં આવતી નથી:

                મહિલાઓ અન્ન પેદા કરે છે અથવા આર્થિક અને સામાજીક ફેરફાર માટેના એજન્ટ છે તેવું મનાય છે. મહિલાઓની ક્ષમતા વિનાના સંવેદનશીલ જૂથમાં ગણતરી કરવામાં આવે છે.

(૫) શક્તિમાં અસંતુલન:

                ક્ષમતાઓ અને સ્ત્રોતો અંગે એજન્ટ, સરકારો, સામજીક ચળવળો, સમાજ વગેરેમાં અસમાનતા જોવા મળે છે જે એક પડકારજનક બાબત છે.

(૬) ક્ષમતાની ખામી:

                જાતિય અસમતુલા અને મહિલા શક્તિકરણ અંગે તાંત્રિક ક્ષમતા સ્ત્રોતોની રચના, અમલ અને નિરીક્ષણ વગેરે બાબતે ખામી પણ એક પડકાર છે. સંસ્થાકીય સ્તરે જોતાં આંતરરાષ્ટ્રીય સ્તરે તેનો અમલ કરવામાં ભેદભાવપૂર્ણ સંસ્થાકીય સંસ્કૃતિ પણ અવરોધ પેદા કરે છે જેમાં નિર્ણય, લક્ષ્ય ભરતી, સેવા, વિતરણના મોડલ અને સામગ્રી વગેરેમાં થતા ભેદભાવનો સમાવેશ થાય છે.

(૭) જવાબદારીની ખામી:

                અન્ન પ્રક્રિયા અને તેને સંલગ્ન પડકારોના દરેક સ્તરે (ખાનગી, જાહેર અને મરજીયાત ક્ષેત્રોમાં) ખેડૂતો, સંશોધકો અને વિસ્તરણ એજન્ટોને સાંકળવામાં પુરૂષો અને મહિલાઓની જવાબદારી નક્કી કરવામાં નિષ્ફળતા મળેલ છે.

(૮) મહિલાઓનો ઓછો અવાજ અને ઓછુ પ્રતિનિધિત્વ:

                કૃષિ સંબંધિત મંત્રાલયો, સંશોધન અને વિસ્તરણ સેવાઓ, ઉત્પાદક મંડળો, સાંસદ સમિતિઓ વગેરેમાં મહિલાઓનું ઓછુ પ્રતિનિધિત્વ હોઇ નિર્ણય લેવામાં મહિલાઓનો અવાજ પહોંચતો નથી.           

(૯) શિક્ષણ ઓછુ સ્તર અને સાક્ષરતા:

                અન્ન અને પોષણની સલામતી સાથે શિક્ષણનું ઓછુ સ્તર સંકળાયેલ છે. શિક્ષણનું ઓછુ સ્તર મહિલાઓમાં આત્મવિશ્વાસ અને ધંધાકીય પ્રવૃત્તિઓમાં અવરોધ પેદા કરે છે.

(૧૦) મહિલાઓ માટે સમય, અવરજવર અને દ્દશ્યતાનો અભાવ:  

                મજૂરીમાં જાતિય અસમાનતા અને મહિલાઓને વિશાળ બોજ માટેની કામગીરી માટે કોઇ વેતન ચૂકવવામાં આવતું નથી તેમજ મહિલાઓ માટે શિક્ષણનો સમય, ઉત્પાદક કામકાજ, ખેતી સિવાયની કામગીરી, નેતાગીરી વગેરે માટે મર્યાદાઓ છે.

અન્ન અને પોષણ સલામતીમાં મહિલાઓનો ફાળો :

                મહિલાઓનો કૃષિ ક્ષેત્રે નિર્ણાયક ફાળો છે એટલું જ નહિ તેઓ દેશની અન્ન સલામતીમાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છેે. મહિલાઓ ખોરાકની પસંદગી, તૈયારી અને કુટુંબની કાળજી માટે જવાબદાર ગણાય છે. ભારતમાં ૮૦ ટકા મહિલાઓ ખેતી સાથે સંકળાયેલી છે. છેલ્લા એનએસએસઓ (NSSO) ના રિપોર્ટમાં જણાવ્યા મુજબ અંદાજે ૧૮ ટકા મહિલાઓ કૃષિ પરિવારના મોભી છે. કૃષિના વિકાસ માટે મહિલાઓ અન્ન ઉત્પાદન તેમજ અન્ન અને પોષણની સલામતી માટે આર્થિક અને સામાજીક પ્રક્રિયા સાથે ચાવીરૂપ જોડાયેલ છે. મહિલાઓ ઘરની તેમજ પ્રજનનની જવાબદારી સાથે જોડાયેલી હોવા છતાં ભૌતિક સ્ત્રોત માટે મહિલા ખેડૂતો મોટી મુશ્કેલીઓનો સામનો કરી રહી છે.

                ભારતમાં જમીનની માલિકી વારસાગત રીતે નક્કી થાય છે. મહિલાઓના નામે જમીન ન હોવાથી ધિરાણ મેળવવામાં અને ઔપચારિક સંસ્થાઓ જેવી કે બેન્ક અને સહકારી મંડળીઓ મારફતે અન્ય સ્ત્રોતોનો ઉપયોગ કરી શકતી નથી. અન્નની સલામતી માટે બજારમાંથી ખરીદી કરવા માટે કુટુંબની ખરેખર આવક અથવા ખરીદ શક્તિ ઉપર આધાર રહેલો છે. જો મહિલાઓને સારા પોષણ માટે ખરીદી કરવાનો નિર્ણય લેવામાં ભાગીદાર બનાવવામાં આવે અથવા આવકમાં વધારો કરી ખરીદી કરવા માટે જણાવવામાં આવે તો કુટુંબ માટે સારૂ અન્ન ખરીદી શકે. મહિલાઓ બજારમાંથી અન્ન જાતે ખરીદી શકે તે સામાજીક સલામતી માટેની ચાવીરૂપ બાબત છે. અન્ન ઉત્પાદન અને આવક કરતાં અન્નનો ખોરાક બનાવવામાં ઉપયોગ કરવામાં મહિલાઓનો ફાળો ઘણો મોટો છે.

                આમ કુટુંબમાં પોષણની સલામતી પુરી પાડવામાં, ખોરાકમાં વિવિધતા, પીવામાં શુદ્ધ પાણીનો ઉપયોગ, બાળકોની કાળજી, આરોગ્ય અને સ્વચ્છતા વગેરેમાં મહિલાઓનો નોંધપાત્ર ફાળો છે. મહિલાઓ ધ્વારા થતાં ૭૫ ટકાથી વધુ કામો માટે કોઇ મહેનાતાણુ ચૂકવવામાં આવતુ નથી કે તેની નોંધ લેવામાં આવતી નથી. આ જોતાં મહિલાઓના ખાસ કાર્યો માટે સામાજીક, આર્થિક અને સાંસ્કૃતિક રીતે સ્થાનિક રીતે નોંધ લેવાની ખાસ જરૂર છે. પોષણ અંગે હાલમાંના જાતિય સમાનતા કાયદાઓમાં પણ કૃષિનો હસ્તક્ષેપ અસર કરે છે. જો પુરૂષો ઘરકામમાં મહિલાઓને મદદ કરે તો મહિલાઓ ઉપરનો બોજો ઘટાડી શકાય અને કુટુંબનું પોષણ સુધારી શકાય તેમ છે.

જાતિય સમાનતા માટે અન્ન સલામતીની નીતિ :

                વર્લ્ડ ફૂડ સમિટ ૧૯૯૬માં અન્ન અને પોષણ સલામતીનો પડકાર સ્વીકારવામાં આવેલ અને મહિલા સશક્તિકરણની જરૂરીયાત ઉપર ભાર મુકવામાં આવેલ. આ માટે પુરૂષો અને મહિલાઓમાં સમાન ધોરણે ઉત્પાદકીય મૂડી (જમીન, પિયત, ધિરાણ), તાંત્રિક્તાઓ અને સેવાઓને પુરી પાડવામાં આવે તો અન્નની સલામતી જળવાય. બેજિંગ ખાતે ચીન દેશમાં મળેલ ચોથી વિશ્વ મહિલા કોન્ફરન્સ એ જાતિય સમાનતાના સંબંધો શ્રમ-વિભાજન વગેરે મુદાઓને ટેકો આપ્યો હતો. એફએઓ (FAO) ૨૦૧૩ એ અન્નની સલામતીને જીવનના મુળભુત કાર્યો માટે શક્તિની જરૂરીયાત અને પોષણની  સલામતીને પ્રોટીન તથા સૂક્ષ્મ પોષણતત્વોની પર્યાપ્તતા સાથે સાંકળેલ અન્નની સલામતીના સંબંધમાં જાતિય સમાનતાના ન્યાયનો હક તંદુરસ્ત જીવન જીવવા માટે દરેક વ્યક્તિ, પુરૂષ કે મહિલા માટે સમાન છે. નેશનલ ફૂડ સિક્યોરિટી એકટ, નેશનલ ન્યુટ્રિશન સ્ટ્રેટેજી અને નેશનલ ન્યુટ્રિશન મિશનનો મુખ્ય ધ્યેય બહુપરિમાણીય પરિમાણોનો ઉપયોગ કરી અન્ન અને પોષણની અસલામતી તથા જાતીય સમાનતા, ઉંમર, વિકલાંગતા, આવક, જાતિ અને પ્રદેશ વગેરેને ધ્યાને લઇ એક અભિગમ વિકસાવવાનો છે. 

                ભારત સરકારે અન્ન ઉત્પાદનનું મહત્ત્વ સમજીને મહિલાઓના સારા પોષણ માટે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના (RKVY)  મારફતે કૃષિ અંગેની વિવિધ વ્યૂહરચનાઓ અપનાવી રાજ્યોને કૃષિ માટે વધુ સ્ત્રોતો ફાળવી ચાર ટકાના દરે વિકાસ સિદ્ધ કરવાનો ધ્યેય નક્કી કરેલ છે. સરકારે સને ૨૦૦૭-૦૮ માં નેશનલ ફૂડ સિક્યોરીટી મિશન (NFSM) હેઠળ ડાંગરનું ૧૦૦ લાખ ટન, ઘઉંમાં ૮૦ લાખ ટન અને કઠોળમાં ૨૦ લાખ ટન ઉત્પાદન વધારવાનો લક્ષાંક ૧૧ મી પંચવર્ષિય યોજના (૨૦૦૭-૧૨)માં મૂક્યો હતો.

                અન્ય અન્ન આધારિત કાર્યક્રમો મહિલાઓ, બાળકો અને યુવાનો માટે સારા પોષણ અને આરોગ્યના હેતુ માટે શરૂ કરવામાં આવેલ. માનવ સંસાધન વિકાસ મંત્રાલય એ સને ૧૯૯૫માં મધ્યાન્હ ભોજન યોજના (Mid-Day Meal Scheme) સરકારી શાળાઓમાં ધોરણ ૧ થી ૮ માં અભ્યાસ કરતા બાળકો માટે શરૂ કરવામાં આવેલ. સંકલિત બાળ વિકાસ યોજના (Integrated Child Development Scheme-ICDS) ધ્વારા પોષણ કાર્યક્રમ હેઠળ ૬ વર્ષની નીચેના ગરીબ બાળકોને અને ગરીબ ધાત્રી માતાઓને પોષણયુક્ત ખોરાક પુરો પાડવામાં આવે છે. સરકાર સિવાય આંતરરાષ્ટ્રીય એજન્સીઓ જેવી કે કેર (CARE), વિશ્વ બેંક અને વલ્ડૅ ફ્રૂડ પ્રોગામ વગેરે પણ અન્ન અને પોષણ કાર્યક્રમોમાં જોડાયેલ છે.

સારાંશ :

                ગરીબાઇ અને કુપોષણના સ્તરને જોતાં ભારતમાં લોકોને અન્ન અને પોષણની સલામતી પુરી પાડવી એ એક પડકારજનક બાબત છે. અન્નની સલામતી અન્નની પ્રાપ્યતા, સ્થિરતા અને ઉપલ્બધતા સાથે સકારત્મક રીતે સંકળાયેલી છે અને નીતિ વિષયક મુદ્દાઓમાં તેનો હંમેશા સમાવેશ કરવામાં આવે છે. આ માટે ભારત સરકારે વિવિધ ઉપાયો હાથ ધરેલ છે. મહિલાઓને શિક્ષણ અને મિલકતમાં માલિકી હક આપી મહિલા સશક્તિકરણને મહત્વ આપવામાં આવેલ છે. ઔદ્યોગિકરણ, વ્યાપારીકરણ અને વૈશ્વિકરણને કારણે જમીનના ઉપયોગમાં ફેરફાર થવાને લીધે અન્ન અંગે સ્થિરતામાં ઘટાડો થવા પામેલ છે. આથી કૃષિ અને પોષણ ક્ષેત્રે મહિલાઓને સલામતી બક્ષવા માટે સંકલિત ઉપાયો ધ્વારા વિશેષ નીતિ અપનાવવી જોઇએ આમ મહિલાઓનું મહત્વ જોતાં સરકારે બહુપરિમાણીય માળખુ ઊભું કરી સારી તાંત્રિકતાઓનો ઉપયોગ કરી મહિલાઓને ખોરાક અને પોષણ પૂરૂ પાડવા અંગેની નીતિ ઘડવી જોઇએ. જાતિય અસમાનતા ઘટાડવા માટે સરાકરે યોગ્ય માળખાકીય નીતિ અપનાવવી જોઇએ કે જેથી દરેકને અન્નની સલામતી અને પોષણ પૂરૂ પાડી શકાય. મહિલાઓનું અન્ન સલામતીમાં ફાળા માટે સન્માન કરવુ જોઇએ અને જાતિય અસમાનતા અંગેના પડકારોનો સામનો કરી શકે તે માટે તેઓને પ્રોત્સાહન પૂરૂ પાડવુ જોઇએ.


સ્ત્રોત : ઇન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, ડિસેમ્બર.૨૦૨૨


સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com

www.krushikiran.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *