પુરૂષો અને મહિલાઓમાં અસમાનતા એ ભારતમાં એક મુખ્ય સામાજીક સમસ્યા છે જેને કારણે પુરૂષો કરતાં મહિલાઓ પાછળ રહેતી જોવા મળે છે. દેશના વિકાસમાં પુરૂષો અને મહિલાઓમાં સમાનતા નહિ હોવાને કારણે અવરોધ પેદા થાય છે. તેથી મહિલાઓને અગ્રતા આપી આગળ લાવવી દેશ માટે જરૂરી છે. સમાજમાં જન્મતાંની સાથે જ મહિલાઓને પુરૂષોની જેમ બધા જ સમાન હક્ક આપવા જોઇએ. તેથી મહિલાઓનો સશકિત્કરણ માટે ભારત સરકાર તરફથી વિવિધ કાર્યક્રમો અને યોજનાઓ શરૂ કરવામાં આવી છે. મહિલા સશકિતકરણ એટલે મહિલાઓને સામાજીક, આર્થિક, રાજકીય અને કાનૂની રીતે સક્ષમ બનાવી અને તેઓને સમાન હક્ક આપી પોતાના હક્ક માટે લડવા માટે સક્ષમ બનાવવી. વધુમાં એવું વાતાવરણ મહિલાઓ માટે ઉભું કરવું કે જેથી તેઓ પોતે પોતાના કે સમાજ માટે જાતે જ નિર્ણય લેવા માટે શકિતમાન બને.
મહિલા સશકિતકરણ એ સામાજીક અને આર્થિક વિકાસ માટે મહત્વની ચાવી છે. જે મહિલાઓને ભાગીદાર બનાવી નિર્ણય લેવા માટે સક્ષમતા બક્ષે છે. વિવિધ અભ્યાસો દર્શાવે છે કે મહિલાઓના સશક્તિકરણ વડે સમાજની આર્થિક વૃદ્ધિ અને વિકાસ થાય છે. ભારતનું બંધારણ મહિલાઓને દરેક ક્ષેત્રમાં સમાન તકો પુરી પાડે છે. તેમ છતાં કેટલાક સામાજીક વારસાગત ધોરણો તેને માન્ય કરતા નથી એ એક હકીકત છે. આ બાબતે દેશની આઝાદીના સમયથી નોંધ લઇ આયોજન કરી દેશના વિકાસ માટે મહિલાઓને સક્ષમ બનાવવા માટેના વિકાસ કાર્યક્રમો શરૂ કરવામાં આવેલ . આ અંગે પંડિત જવારહલાલ નહેરૂ કહેતા કે ‘લોકોને જાગૃત કરવા માટે, મહિલાઓને પણ એટલી જ જાગૃત કરવી જરૂરી છે. જો મહિલાઓ જાગૃત થશે તો કુટુંબ આગળ આવશે, ગામડા આગળ આવશે અને દેશ આગળ વધશે.’ મહિલાઓને સશક્ત બનાવવા માટે સમાજમાં રહેલ દહેજ પ્રથા, નિરક્ષરતા, જાતિય સતામણી, અસમાનતા, સ્ત્રી ભૃણહત્યા, કન્યા બાળહત્યા, ઘરેલું હિંસા કે મારઝૂડ, બળાત્કાર, વેશ્યાગિરી, માનવ તશ્કરી વગેરે દૂષણોનું નિયંત્રણ કરવું જરૂરી છે. સમાજમાં સ્ત્રી-પૂરૂષની સમાનતા અંગેનો ભેદભાવ દેશને સાંસ્કૃતિક, સામાજીક, આર્થિક અને શૈક્ષણિક ક્ષેત્રે પાછળ ધકેલશે. આ માટે ભારતના બધારણમાં જણાવ્યા મુજબ મહિલાઓને સમાન હકો આપી સ્ત્રી-પુરૂષનો ભેદભાવ ઘટાડવો એ એક મહત્વની બાબત છે.
મહિલા સશકિતકરણ મહિલાઓને નીચે દર્શાવેલ હક્કો તરફ દોરે છે :
- સ્વમૂલ્ય, આદર અને ગૌરવ સાથે મુક્ત રીતે પોતાનું જીવન જીવવું
- પોતાના જીવન માટે પોતાના ઘર તેમજ કામના સ્થળે પોતાનું નિયંત્રણ હોવું
- પોતાની પસંદગી મુજબ પોતે નિર્ણય લેવા
- સામાજીક, ધાર્મિક અને જાહેર પ્રવૃત્તિઓમાં ભાગીદાર બનાવા માટે સમાન હક્કો મેળવવા
- સમાજમાં સમાન રીતે સામાજીક મોભો મેળવવો
- સામાજીક અને આર્થિક ન્યાય માટે સમાન હક્ક મેળવવો
- નાણાકીય અને આર્થિક પસંદગી નક્કી કરવી
- શિક્ષણ માટે સમાન તક મળવી
- સ્ત્રી-પુરૂષના ભેદભાવ વિના રોજગારી માટે સમાન તકો મળવી
- કામના સ્થળ સલામતી અને આરામદાયક વાતાવરણ મળવું.
મહિલા સશકિતકરણની જરૂરિયાતઃ
(1) રોજગારીની તકોઃ
ભારતની લગભગ અડઘી વસ્તી મહિલાઓની છે જે સમાજનો એક અગત્યનો ભાગ છે. દેશની મોટા ભાગની મહિલાઓ બેરોજગાર છે અથવા તો તેઓને પુરતુ કામ મળતું નથી. કામના સ્થળે મહિલાઓને કામગીરી કરવા માટે સમાન તક મળતી નથી જેને લઇ દેશની આર્થિક સ્થિતિને હાનિકારક અસર થાય છે.
(2) યોગ્યતા વિકાસઃ
મહિલાઓ પણ પુરૂષોની માફક સમાન રીતે સક્ષમ અને હોશિંયાર છે. ઘણા ક્ષેત્રોમાં મહિલાઓ અગ્રતાક્રમે છે. પહેલાંના સમયમાં શિક્ષણ માટે મહિલાઓને બહાર જવા દેવામાં આવતી નહિ હોવાથી તેઓની પોતાની હોંશિયારી બતાવી શક્તી નહોતી. પરંતુ વર્તમાન સમયે તેઓને ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહન આપતાં મહિલાઓએ પોતાની સક્ષમતા અને હોંશિયારી બતાવેલ છે. આ મહિલાઓનો વ્યક્તિગત લાભ નથી પરંતુ સમગ્ર સમાજ માટે મહત્વની બાબત છે
(3) આર્થિક લાભોઃ
મહિલા સશિક્તકરણ વ્યકિતગત તેમજ સમાજને વધુ આર્થિક લાભો આપે છે. મહિલા સક્ષમ બને એટલે પુરૂષની માફક બહાર જઇ કામ કરી વેતન મેળવે છે. મહિલા પોતાના પગ ઉપર ઊભી રહે છે, સ્વતંત્ર બને છે અને પોતાના કુટુંબ માટે આવક પેદા કરી દેશના આર્થિક વિકાસને વેગ આપે છે.
(4) ઘરેલું હિસામાં ઘટાડોઃ
શિક્ષિત મહિલાઓ કરતાં નિરક્ષર મહિલાઓમાં ઘરેલું હિંસાનો ભય વધુ કે જોખમ વધુ રહે છે . મહિલા સશક્તિકરણ ઘટેલું હિંસામાં ઘટાડો કરે છે. સક્ષમ મહિલા પોતાના હક્ક અને જવાબદારીઓ પ્રતિ સભાન હોઇ હિંસા સામે લડત આપી શકે છે.
(5) સમાજનો સર્વાંગી વિકાસઃ
મહિલા સશકિતકરણ સમાજને સર્વાંગી વિકાસ તરફ દોરી જાય છે. મહિલા સામાજીક, રાજકીય અને આર્થિક રીતે સક્ષમ બનતાં વિવિધ વિકાસ કાર્યક્રમોમાં ભાગ લઇ સ્વતંત્રપણે નિર્ણય લઇ શકે છે, હિંસા કે ભ્રષ્ટાચાર સામે લડત આપી શકે છે તેમજ કુટુંબના જીવનધોરણમાં સુધારણા કરે છે. મહિલા જે વેતન મેળવે છે તેના વડે તે પોતાને જ નહિ કુટુબને પણ મદદ કરી સમાજના વિકાસમાં મદદરૂપ થાય છે.
મહિલા સશક્તકરણ માટેના મુખ્ય અવરોધોઃ
(1) શિક્ષણનું નીચું સ્તરઃ
ભારતમાં પુરૂષ અને મહિલાઓના સાક્ષરતા દરમાં નોંધપાત્ર તફાવત જોવા મળે છે. સને 2011ની વસ્તી ગણતરી મુજબ પુરૂષોનો સાક્ષરતા દર 82.14 ટકા જ્યારે મહિલાઓનો સાક્ષરતા દર 65.45 ટકા હતો. આમ મહિલાઓનો ઓછો સાક્ષરતા દર દેશના સમગ્ર વિકાસની બાબતો ઉપર અસર કરી વિકાસને મંદ કરે છે. જો કોઇ છોકરી કે મહિલા શિક્ષણ ન મેળવે તો તેની અસર ફ્કત તે છોકરી કે મહિલા ઉપર નહિ પણ સમગ્ર કુટુંબ ઉપર થાય છે અને તેના પરિણામો સમગ્ર કુટુંબને ભોગવવાં પડે છે. શિક્ષણનો અભાવ એટલે જાણકારી કે જ્ઞાનનો અભાવ. મહિલાઓ સરકાર ધ્વારા તેઓ માટે લેવામાં આવતાં કલ્યાણકારી પગલાં વિષેની જાણકારી મેળવી શક્તી નથી. આ જોતાં છોકરીઓ અને મહિલાઓને શિક્ષિત બનાવી તેઓનો શૈક્ષણિક મોભો વધારવાની જરૂર છે.
(2) સંસાધનોની મર્યાદિત જાણકારી કે પ્રાપ્યતાઃ
મહિલાઓના સશક્તિકરણ માટે સંસાધનોની જાણકારી અને પ્રાપ્યતા એ પ્રાથમિક જરૂરીયાત છે ભારતના કાયદા પુરૂષ અને મહિલાઓને મિલ્કત અંગેના સમાન હક્કો આપે છે પરંતુ વાસ્તવિક પરિસ્થિતિમાં તેમ નથી. ગ્રામ્ય મહિલાઓ હજુ પણ જમીનની માલિકી ધરાવતી નથી. કારણ જમીનની માલિકી પતિના નામે છે. જો મહિલાને નામે મિલ્કત હોય તો પણ તેનો ઉપયોગ કે ભોગવટો કુટુંબના પુરષો કરે છે. તે જ રીતે મહિલાઓને ધિરાણ પણ મર્યાદિત મળે છે. જો કે જમીનની માલિકી પુરૂષોના નામે હોઇ મહિલાઓને જમીન ઉપર ધિરાણ મળી શકતું નથી. ગામ્ય મહિલાઓને ધિરાણ આપવા માટે સૂક્ષ્મ ધિરાણ મળે તેવી સવલત પુરી પાડવી જોઇએ.
(3) નિર્ણય લેવામાં નબળી ભાગીદારીઃ
મોટે ભાગે ખેતી અન તેને સંલગ્ન પ્રવૃતિઓમાં ગ્રામ્ય મહિલાઓની ભાગીદારી હોવા છતાં નિર્ણય લેવામાં અને આર્થિક બાબતોમાં પુરૂષોનું વર્ચસ્વ જોવા મળે છે. મહિલા સશકક્તિકરણ માટે જ્ઞાન અને આર્થિક સ્વતંત્રતા એ મહત્વની બાબત હોઇ મહિલાઓને તાંત્રિક જ્ઞાન, કુશળતા અને ક્ષમતા નિર્માણ ધ્વારા સક્ષમ બનાવી નિર્ણય લેવાની ભાગીદારીમાં વધારો કરવો જરૂરી છે.
(4) રાજકરણમાં ઓછી સહભાગિતાઃ
ભારતમાં પુરૂષોની સરખામણીએ મહિલાઓની રાજકરણમાં ભાગીદારી મર્યાદિત અને ઘણી ઓછી કે નહિવત છે. મહિલાઓનો ફક્ત મત મેળવવા માટે રાજકરણમાં ઉપયોગ થાય છે. પરંતુ રાજકારણમાં નિર્ણય બાબતે સક્રિય ભાગીદારી જોવા મળતી નથી. સ્થાનિક તેમજ રાષ્ટ્રીય કક્ષાએ મહિલાઓની રાજકારણમાં ભાગીદારી વધે તો મહિલાઓ સમાનતા, સામાજીક ન્યાય, મહિલાના હકો વગેરે બાબતે સક્ષમ બની મહિલાઓ પોતાનો વિકાસ સાધી શકે. આથી સરકારે એવા કાર્યક્રમો અને નીતિઓ બનાવવી જોઇએ કે જેથી રાજકારણમાં મહિલાઓની ભાગીદારી વધે અને તેને પરિણામે સમાજનો ઉમદા વિકાસ થાય.
(5) આર્થિક રીતે ઓછી સક્ષમઃ
ભારતમાંની મહિલાઓ કુટુંબની આર્થિક સધ્યરતા સુધારવા માટે કામગીરી કરતી હોય છે તેમ છતાં તેમની કામગીરીની કિંમત ઓછી આંકવામાં આવે છે. ખેતીપેદાશના વેચાણ થકી કુટુંબને જે આવક મળે છે તે સીધી પુરૂષના હાથમાં જાય છે જેથી મહિલાઓને મહત્વ આપવામાં આવતું નથી કે ભાગીદાર બનાવવામાં આવતી નથી. સ્ત્રી-પુરૂષની સમાનતા અને આર્થિક વિકાસ એ એકબીજા સાથે બારીકાઇથી જોડાયેલ છે. તેથી જો મહિલાઓને આર્થિક રીતે સ્વતંત્ર બનાવવામાં નહિ આવે ત્યાં સુધી સ્ત્રી-પૂરૂષની સમાનતા વચ્ચેનું અંતર ઘટાડી શકાશે નહિ. મહિલાઓની આવક તેઓના મોભા અને નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો કરે છે એમ કુટુંબ કે સમાજમાં માનવામાં આવે છે. તે સામાજીક પરિવર્તન માટે એક વસ્તુ નહિ પરંતુ એજન્ટ તરીકેની કામગીરી કરે છે. જો મહિલા આર્થિક રીતે પોતે પગભર ન હોય તો તે પુરૂષની સમકક્ષ મોભો મેળવી શકતી નથી. મહિલાઓને રોજગારીની તકો પુરી પાડ્યા વિના ગરીબાઇનો પશ્ર્ન હલ કરી શકાશે નહિ.
(6) અપુરતી તાંત્રિક ક્ષમતાઃ
મહિલાઓ મોટે ભાગે ખેતી, પશુપાલન, વન્ય અને મત્સ્યપાલન વગેરે વિવિધ પ્રવૃત્તિઓમાં જોડાયેલી છે પણ અપુરતી તાંત્રિક ક્ષમતાઓ ધરાવતી હોઇ વિશ્વ સાથે મર્યાદિતપણે જોડાયેલ છે. તેઓ પરંપરાગત પદ્ધતિઓનો ઉપયોગ કરતી હોઇ તેને પરિણામે કામમાં નબળી કાર્યક્ષમતા અને વેઠને કારણે નીચી ઉત્પાદક્તા ધરાવે છે. તેથી ગ્રામ્ય મહિલાઓની તાંત્રિક ક્ષમતા વધારવા માટે તેઓનુ શૈક્ષણિક સ્તર સુધારવું જરૂરી છે. આ માટે ગ્રામ્ય કક્ષાએ ખાસ પ્રકારની, જરૂરીયાત મુજબની અને કુશળતા પ્રાપ્ત કરે તેવી તાલીમો ગોઠવવી જોઇએ.
મહિલા સશકિતકરણના અભિગમોઃ
(1) શૈક્ષણિક સશકિતકરણઃ
કિશોરીઓ અને મહિલાઓના સશકિતકરણ માટે શિક્ષણ એ માર્ગદર્શક સીમાચિન્હ છે. મહિલાઓના જીવનધોરણમાં સુધારો અને કુટુંબ અને સમાજ માટેના નિર્ણય લેવામાં સક્ષમ બને તે માટે શિક્ષણ જરૂરી છે. શિક્ષણ મહિલાઓને પોતાની હકારાત્મક છબી બનાવવામાં, નિર્ણાયક વિચારસરણી, આત્મવિશ્વાસ, સ્વાભિમાન અને નિર્ણયશકિતમાં વધારો તેમજ વિકાસની પ્રક્રિયામાં સમાન ભાગીદારી વધારવાનું કાર્ય કરે છે. તે પોતાના જીવનને પોતાની રીતે જીવવામાં, કુટુબમાં મોભો વધારવામાં અને નાણાકીય નિર્ણયો લેવામાં પ્રભુત્વ પુરૂ પાડે છે.
કિશોરીઓ અને મહિલાઓને પુરૂષોની માફક સમાન રીતે શિક્ષણની તક મળવી જોઇએ. આ માટે નિરક્ષરતા દૂર કરવી સર્વત્ર શિક્ષણ મળે તેવી વ્યવસ્થા ઊભી કરવી, સ્ત્રી-પુરૂષ માટે સમાન શૈક્ષણિક પદ્ધતિ અપનાવવી અને છોકરીઓને શાળામાં શિક્ષણ ફીમાં રાહત અને શિષ્યવૃતિ ધ્વારા નાણાકીય મદદ પુરી પાડી શાળાકીય પ્રવેશમાં વધારો કરી મહિલાઓના શૈક્ષણિક સ્તરને અસરકારક રીતે સુધારી શકાય છે.
(2) સામાજિક સશકિતકરણઃ
મહિલાઓ સશક્ત બનતાં સામાજીક વિકાસમાં નોંધપાત્ર ફાળો આપે છે. સામાજીક વિકાસ પ્રાપ્ત કર્યા વિના કોઇપણ દેશ આર્થિક પ્રગતિ કરી શકતો નથી. જો કે સ્ત્રી અને પુરૂષમાં ભેદભાવ હોવા છતાં પણ મહિલાઓ સક્ષમ બનતાં દેશે પ્રગતિ કરી છે. પરંપરાગત રીતે પિત્તૃસત્તાક મૂલ્યોને કારણે સમાજમાં મહિલાઓને ઉતરતી ગણવામાં આવે છે. ખેતીમાં પરંપરાગત સંસ્કૃતિ અને આર્થિક જરૂરિયાતો મહિલાઓની કામગીરીમાં નોંધપાત્ર અસર કરે છે. તેમ છતાં જમીન, ટેકનોલોજી, નાણાં અને વિસ્તરણ સેવાઓ ઉપર મહિલાઓનું નિયંત્રણ નથી. મહિલાઓના આરોગ્ય અને પોષણ બાબતે પણ ભેદભાવ જોવા મળે છે. દરેક માનવને આરોગ્ય પ્રાપ્ત કરવાનો મુળભુત અને આવશ્યક અધિકાર છે. મહિલાઓને પણ ભૌતિક અને માનસિક રીતે આરોગ્ય પ્રાપ્ત કરવાનો અધિકાર છે. જાહેર અને ખાનગી જીવનમાં ભાગીદાર બની સારી રીતે જીવન જીવવાનો અધિકાર છે. તંદુરસ્ત રાષ્ટ્ર માટે દરેક તબક્કે મહિલાઓના આરોગ્યનું રક્ષણ કરવું એ ખાસ મહત્વની બાબત છે.
(3) રાજકીય સશકિતકરણઃ
રાજકરણમાં ભાગીદાર બની, આત્મવિશ્વાસમાં વધારો કરી, પદ મેળવી ફાળો આપી અને સમાજમાં મોભો વધારી મહિલાઓ રાજકીય રીતે વધુ સક્ષમ બની શકે છે. 73મા અને 74 મા બંધારણીય સુધારા વડે રાજકીય ભાગીદારી વડે લોકશાહીના મૂળીયાંને સુદ્રઢ બનાવવામાં આવ્યા છે. સને 2009ના બંધારણના 110મા સુધારા બિલ મુજબ પંચાયતી રાજ સંસ્થાઓમાં મહિલાઓની ભાગીદાક 33 ટકા હતી જે વધારીને 50 ટકા કરવામાં આવી છે. આમ કલમ 243 મુજબ પંચાયતમાં કુલ 50 ટકા બેઠકો મહિલાઓ માટે અનામત છે. લોકસભામાં મહિલાઓનું પુરતું પ્રતિધિત્વ નથી. લોકસભાના સભ્યોમાં ચૂંટાયેલ મહિલાઓનું પ્રમાણ 12 ટકાથી કદી વધ્યુ નથી. જો કે ચૂટાંયેલ મહિલાઓ પુરૂષો કરતાં વધુ મતો મેળવે છે અને જે બેઠક પર જીતની શક્યતા ના હોય તેવી બેઠકો રાજકીય પાર્ટીઓ મહિલાઓને ફાળવે છે તેવું જોવામાં આવેલ છે. સને 2010માં 9 મી માર્ચે રાજ્યસભા ધ્વારા સંસદ અને વિધાનસભામાં 1/3 બેઠકો મહિલાઓ માટે ફાળવવાનો બંધારણીય સુધારો કરવાનું ઐતિહિસિક પગલું ભરેલ પરંતુ તે હજુ પસાર થયેલ નથી. મહિલાઓને રાજકારણમાં નિર્ણય લેવા અંગેની તાલીમ પુરી પાડવી જોઇએ.
(4) આર્થિક સશકિતકરણઃ
દેશના ટકાઉ વિકાસ માટે મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવી જરૂરી છે જે મહિલાઓને સશક્ત બનાવવાનો એક મુખ્ય રસ્તો છે. જે મહિલાઓ આર્થિક રીતે સધ્દ્રર છે તેઓ પોતાના કુટુંબ, સમાજ અને રાષ્ટ્રના અર્થકરણમાં મહત્વનો ફાળો આપે છે. કુટુંબના પોષણ, અર્થકરણ અને શૈક્ષણિક સ્તરમાં સુધારા માટે મહિલાની આવક મહત્વની છે તેવું જોવામાં આવેલ છે.
જમીન વિહોણી મહિલા મજૂરો, ઓછી જમીન ધારણ કરતી મહિલા ખેડૂતો, ફેકટેરી કે ઘરે કામ કરતી મહિલાઓ કે જે ગરીબ છે તેઓને ખેતી કે ધંધાની તકો પુરી પાડી આર્થિક ક્ષેત્રે સદ્ધરતા બક્ષવાનો પ્રયાસ કરવો એ પણ એક પડકાર જનક બાબત છે. ઓછુ શૈક્ષણિક સ્તર, સંસાધનો ઉપર મર્યાદિત કાબૂ કે ઉપયોગ, ટેકનોલોજી વિષેની અજ્ઞાનતા કે જાણકારીનો અભાવ, લોકો અને સેવાઓ સાથે જોડાણનો અભાવ એટલે કે ઓછુ નેટવર્ક, જાતીય શોષણ વગેરે બાબતોને ધ્યાને લઇ મહિલાઓની ઉન્નતિ માટે કાર્યક્રમો અને નીતિઓ ઘડવી જોઇએ, મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે ગરીબાઇ દૂર કરવી, જમીન, પશુપાલન, નાણાં અને ટેકનોલોજી જેવા સંસાધનો ફાળવવાં અને સૂક્ષ્મ ધિરાણ પૂરૂ પાડવું જોઇએ. મહિલાઓને જરૂરિયાત સમયે ધિરાણ પૂરૂ પાડી નાણાકીય ટેકો આપવો જોઇએ.
(5) તાંત્રિક સશકિતકરણઃ
મહિલાઓ ખેતી અને તેને સંલગ્ન તમામ પ્રવૃત્તિઓમાં જોડાયેલી હોવા છતાં ઓછુ શિક્ષણ, વિશ્વ સાથે ઓછો સંપર્ક અને સમૂહ માધ્યમોની ઓછી જાણકારી ધરાવતા હોઇ તાંત્રિક રીતે ઓછી સક્ષમતા ધરાવે છે. આ બાબત સીધી રીતે કામની અસરકારકતા, ઉત્પાદક્તા અને સંસાધનોના નિયંત્રણ ઉપર અસર કરે છે. ટકાઉ વિકાસ સાધવા માટે મહિલાઓને તાંત્રિક રીતે સક્ષમ બનાવવી એ એક પ્રાથમિક જરૂરિયાત છે. આ માટે માહિતી, જ્ઞાન, કુશળતા, તાલીમ અને સંસાધનો જરૂરી છે. ગ્રામ્ય મહિલાઓને જાણકારી પુરી પાડી કુશળતામાં સુધારો કરી નેતાગિરી વિકસાવી, ટેકનોલોજી સાથે જોડી, નાણાકીય સંસ્થાઓ અને સ્થાનિક સ્તરે સરકારની મદદ લઇ સક્ષમ બનાવી સામાજીક અને આર્થિક વિકાસ સારી રીતે સાધી શકાય છે. મહિલાઓને કેન્દ્રમાં રાખી મહિલાઓ માટે ખાસ સાનુકુળ ટેકનોલોજીનો વિકાસ કરવો જરૂરી છે. ગ્રામ્ય મહિલાઓને તાંત્રિક રીતે સક્ષમ બનાવવા માટે સંશોધન કેન્દ્ર અને વિસ્તરણ એજન્સીઓ વચ્ચે સહકાર સાધી ગ્રામ્ય મહિલાઓને જરૂર મુજબની કુશળ તાલીમો આપવી જોઇએ કે જેથી ઉત્પાદકીય પ્રવૃત્તિઓ ધ્વારા ઉત્પાદનમાં વધારો થાય. ગ્રામ્ય મહિલાઓને યોગ્ય સ્થળે અને યોગ્ય સમયે તાલીમ મળે તેવી વ્યવસ્થા કરવી જોઇએ. આવા તાલીમ કાર્યક્રમ બાદ તેની અસરો પણ તપાસવી જોઇએ.
ગૃહ વિજ્ઞાન વિસ્તરણ માટે અખિલ ભારતીય સંકલિત સંશોધન યોજના ધ્વારા ગ્રામ્ય મહિલાઓનું સશિક્તકરણ (All India Coordinated Research Project-AICRP-on Home Science Extension)
આ યોજના હેથળ કિશોરીઓ અને મહિલાઓને જાણકારી પુરી પાડી ક્ષમતા નિર્માણ કાર્યક્રમો ગોઠવીને સશક્ત બનાવવાના પ્રયાસો કરવામાં આવેલ છે. વિવિધ ગામડાઓમાં મહિલાઓ અને કિશોરીઓના સ્વ સહાય જૂથો બનાવી તેઓને ખેતી, ગૃહ અને અન્ય ક્ષેત્રોમાં ઉદ્યોગ કે ધંધો શરૂ કરી શકે તે માટેની તાલીમો આપવામાં આવે છે કે જેથી તેઓ નાના પાયે ગૃહ ઉદ્યોગ શરૂ કરી શકે. આવી કેટલીક પ્રવૃત્તિઓ અત્રે દર્શાવેલ છે :
(ક) સ્વ સહાય જૂથોની રચનાઃ
સમાન સામાજીક-આર્થિક પરિસ્થિતિમાં રહેતા ગરીબ લોકો સાથે મળીને સ્વ સહાય જૂથની સ્વૈચ્છિક રીતે રચના કરે છે. સ્વ સહાય જૂથોની રચના એ સામાજીક વિકાસમાં એક મહત્વનું સાધન છે.
યોજના અંતગત સમાવેશ કરેલ ગામડાઓમા કિશોરીઓ અને મહિલાઓના સ્વ સહાય જૂથોની રચના કરવામાં આવેલ. આ જૂથોના સભ્યોને બેંકની પદ્ધતિ, હિસાબ-કિતાબ રાખવો, કિશોરીઓ અને મહિલાઓ માટેના ખાસ ચર્ચાઓ ગોઠવી, તાલુકા કક્ષા માટે વ્યાખ્યાનો જૂથ મારફતે બેંકની યોજનાઓ વિષે પણ માહિતી અને જ્ઞાન આપવામાં આવેલ.
(ખ) જ્ઞાન તાલીમોઃ
માનવજાત માટે જ્ઞાન અને માહિતી એ એક કિંમતી સંપત્તિ છે. આપણ કોઇપણ નિર્ણયનો આધાર આપણી પાસે કેટલી માહિતી કે જ્ઞાન છે તેની ઉપર રહેલો છે. આ યોજના હેઠળ સમાવિષ્ઠ કરેલ ગામડાઓની કિશોરીઓ, મહિલાઓ અને પુરૂષોને વિવિધ વિષયોનું જ્ઞાન અને માહિતી પુરી પાડવા માટેની તાલીમો યોજવામાં આવે છે જેવી કે, સમતોલ આહાર, રસીકરણ, પીવાનું સલામત પાણી, જંતુનાશકોનો સલામતપણો ઉપયોગ, ભેળસેળ, શાકભાજીની સૂર્યપ્રકાશમાં સૂકવણી, વિવિધ છોડ, મસાલા, ફળો અને શાકભાજીનો ઔષધિય ઉપયોગ સ્થાનિક ઉપલ્ધ ખોરાકનું મૂલ્ય વર્ધન, અનાજનો વૈજ્ઞાનિક રીતે સંગ્રહ અને પશુપાલન પદ્ધતિઓ વગેરે.
આ પ્રકારની બાબતોનુ જ્ઞાન વ્યખ્યાનો, નિદર્શનો, પ્રદર્શનો તેમજ જૂથ ચર્ચા અને વાતચીત ધ્વારા પુરૂ પાડવામાં આવેલ. ગ્રામ્ય કુટુંબોમાં આ બાબતો અંગેની પુસ્તિકાઓ અને ફોલ્ડર તૈયાર કરી વહેંચવામાં આવેલ.
(ગ) કુશળ તાલીમોઃ
આર્થિક વિકાસ માટે કુશળતા બક્ષતી તાલીમો ધ્વારા માનવીમાં ક્ષમતાનું નિર્માણ કરવું એ એક મહત્વની બાબત છે. આ માટે યોજના હેથળ સમાવેશ કરેલ ગામડાઓની કિશોરીઓ અને મહિલાઓને કુશળતા બક્ષતી વિવિધ તાલીમો યોજવામાં આવેલ જેવી કે મીણબતીની બનાવટ, મશરૂમની ખેતી, ફળ પરિરક્ષણ, વર્મિકમ્પોસ્ટની બનાવટ, શિવણકામ, ભરતગૂંથણ, સુશોભન માટેની વસ્તુઓ, ગાલીચાની બનાવટ, નકામી ચીજવસ્તુઓનો ઉત્તમ ઉપયોગ વગેરે.
મહિલાઓના સશકિતકરણ માટે હજુ પણ વિવિધ તાલીમો યોજી ત્યારબાદ તેની અસરો જાણી તેઓને સક્ષમ બનાવી તેઓનું સામાજીક આર્થિક સશકિતકરણ કરી શકાય છે.
સ્ત્રોતઃ ઇન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, ફેબ્રુઆરી-2018
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in

