માહિતી સંચાર ટેકનોલૉજી (આઈસીટી) ધ્વારા ગ્રામ્ય મહિલાઓને સક્ષમ બનાવો (Empowering farm women through information communication technology)

            ભારતના પનોતા પુત્ર સ્વામી વિવેકાનંદ કહેતા કે ” મહિલાઓની સ્થિતિમાં સુધારણા નહિ કરવામાં આવે ત્યાં સુધી વિશ્વ કલ્યાણ માટે કોઈ તક નથી. કોઈ એક પક્ષી માટે ફક્ત એક પાંખ વડે ઊડવું શક્ય નથી.”

     આજે સમાજના વિકાસમાં મહિલાઓ મહત્વનો ફાળો આપી રહી છે. મહિલાઓ પોતે સશક્ત બની દેશના વિકાસમાં ભાગીદાર બની રહી છે. સશક્તિકરણ એ એક એવી પ્રક્રિયા છે કે જેમાં લોકો કેટલીક બાબતો ઉપર નિયંત્રણ મેળવી પોતાના જીવનને અસર કરે છે અને જ્ઞાન તથા જાણકારી પુરી પાડી જીવનને વધુ ગૌરવ અને આત્મવિશ્વાસ યુક્ત બનાવે છે. વિશ્વ બેન્કે પણ સશક્તિકરણની વ્યાખ્યા આપી જણાવેલ છે કે તે વ્યક્તિગત અથવા જૂથની ક્ષમતા વધારવાની એક પ્રક્રિયા છે કે જે પસંદગી નક્કી કરવા અને પસંદગીઓને ઈચ્છિત ક્રિયાઓ અને પરિણામોમાં રૂપાંતરિત કરવાની કામગીરી કરે છે.

     આમ આપણે કહી શકીએ કે સશક્તિકરણ એ એક બહુપરીમાણીય પ્રક્રિયા છે જે મહિલાઓને તેઓની પસંદગીની સ્વતંત્રતા પુરી પાડે છે, પોતાની ઓળખ મેળવે છે, પોતાની ક્ષમતામાં બદલાવ લાવી આત્મવિશ્વાસમાં વધારો કરે છે, આત્મનિર્ભરતાનો વિકાસ થાય છે અને નિર્ણય લેવાની ભાગીદારીમાં સ્વનિયંત્રણ મેળવે છે.

     આપણે એકવીસમી સદીમાં જીવી રહ્યા છીએ કે જેમાં દેશના વિકાસમાં માહિતી સંચાર ટેક્નોલૉજી નોંધપાત્ર રીતે મહત્વનો ફાળો આપી રહેલ છે. સંદેશાવ્યવહાર માટે રેડિયો, ટેલીવિઝન, કોમ્પ્યુટર, મોબાઈલ ફોન, ઈન્ટરનેટ વગેરે વિવિધ આઈસીટી ટુલ્સનો ઝડપી ગતિએ ઉપયોગ વધી રહ્યો છે. આઈસીટી એકીકૃત સંચાર અને ટેલીકોમ્યુનિકેશનના સંકલન ઉપર વધુ ભાર મૂકે છે જેમાં ટેલીફોનની લાઈનો, વાયરલેસ સિગ્નલો, ઈન્ટરનેટ, કોમ્પ્યુટર્સ તેમજ જરૂરી સોફ્ટવેર, મિડલવેર, સ્ટોરેજ અને ઓડિયો વગેરેનો સમાવેશ થાય છે.

     આજકાલ દરેક વ્યક્તિ મોબાઈલ ફોનને ટોચ અગ્રિમતા આપે છે. પહેલાં મોબાઈલ ફોનનો ઉપયોગ ફક્ત અન્ય લોકોની સાથે સંદેશાવ્યવહાર માટે થતો હતો જ્યારે આજે મોબાઈલ ફોનનો ઉપયોગ વિવિધ હેતુઓ માટે થાય છે. આપણે મોબાઈલ ફોનનો ઉપયોગ આવક, શિક્ષણ, જાણકારી અને મનોરંજન વગેરે મેળવવા માટે કરી શકીએ છીએ. આમ વિકાસ માટે મોબાઈલ હવે એક મુખ્ય ભાગ બની ગયેલ છે.

મહિલા સશક્તિકરણમાં આઈસીટીનો ફાળો :

     મહિલાઓની સુખાકારી માટે આઈસીટીનો ફાળો મહત્વનો છે કારણ કે તે શિક્ષણ, રોજગારી, આરોગ્ય, આર્થિક, સામાજીક, રાજકીય, કાયદાકીય વગેરે વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓના મોભામાં સુધારણા કરે છે. આઈસીટીના ઉપયોગ વડે મહિલાઓની ઉત્પાદકતામાં વધારો થાય છે, તેઓની આર્થિક અને સામાજીક જરૂરિયાતો સારી રીતે પુરી પાડી શકાય છે અને તેઓ સ્વનિર્ભર બને છે.

(1) આઈસીટી આવકના સર્જનને પ્રોત્સાહન આપે છે અને તે રીતે મહિલાઓને સશક્ત બનાવી લિંગ તફાવતને દૂર કરે છે.

(2) આઈસીટી શિક્ષણ આપવામાં મહત્વનો ફાળો આપે છે જે મહિલાઓના ગુણવત્તા યુક્ત શિક્ષણમાં સુધારો કરે છે.

(3) આઈસીટી વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓના વિકાસને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.  

(4) આઈસીટી મહિલાઓ ઉપર થતી હિંસાનો અંત લાવવાની ખાતરી પુરી પાડે છે જેમ કે મોબાઈલ એપ સલામતી અને જોખમોનો રીપોર્ટ પુરો પાડે છે અને લિંગ આધારિત હિંસા સામે રક્ષણ મેળવી શકાય છે.   

મહિલાઓને સક્ષમ બનાવવામાં સામુદાયિક રેડિયો સ્ટેશનોનો ફાળો :

     મહિલા સશક્તિકરણ એ એક સરળ કાર્ય નથી. મહિલાઓ તેનો પ્રતિકાર કરે છે. આ પ્રતિકાર કુટુંબ, સમાજ અને અસક્ષમ મહિલાની માનસિક સ્થિતિને કારણે પેદા થતો હોય છે. આમ છતાં મહિલાઓના સશક્તિકરણ માટે ધ્યાન આપી ખાસ વ્યૂહરચના અપનાવવાની જરૂર છે. આ સંદર્ભમાં સામુદાયિક રેડિયો મહિલાઓને સશક્તિકરણ પૂરૂ પાડવામાં મહત્વનો ફાળો આપી શકે તેમ છે. તે સ્થાનિક ભાષામાં ગ્રામ્ય લોકોને માહિતી, શિક્ષણ અને જ્ઞાન પૂરૂ પાડી શકે છે. અત્રે કેટલાક રેડિયો સ્ટેશનોની માહિતી આપવામાં આવેલ છે.

(1) નમ્મા ધ્વનિ કોમ્યુનિટી રેડિયો સ્ટેશન :   

     આ ભારતના કર્ણાટક રાજ્યમાં સ્થપાયેલ પ્રથમ કોમ્યુનિટી રેડિયો સ્ટેશન છે. આ રેડિયોના શ્રોતાઓમાં અભણ મહિલાઓનો સમાવેશ થાય છે કે જે ઓછા પ્રમાણમાં માહિતીને મેળવી શકે છે. આ નમ્મા રેડિયો સ્ટેશન ધ્વારા તેના કાર્યક્રમો વડે શ્રોતાઓમાં જાણકારી જ નહિ પરંતુ મહિલાઓમાં નેતાગિરિના ગુણો પણ વિકસાવેલ છે. તેના કાર્યક્રમો ધ્વારા મહિલાઓમાં આરોગ્ય અને સ્વચ્છતા, શિક્ષણ, બચત અને ખોરાકની ટેવો વગેરે બાબતો ઉપર વધુ અસર થતી જોવા મળેલ છે.  

(2) સંગમ કોમ્યુનિટી રેડિયો સ્ટેશન :

     ગ્રામ્ય વિસ્તારમાં હાંસિયામાં ધકલાયેલ દલિત સમુદાયની મહિલાઓ ધ્વારા પોતાની રીતે આ રેડિયો સ્ટેશન ચલાવવામાં આવે છે. સંગમ એ ગ્રામ્ય સ્તરે મહિલાઓના સમૂહોનો ઉલ્લેખ કરે છે. આ રેડિયો સ્ટેશન વિવિધ બાબતોમાં ગ્રામ્ય મહિલાઓને સશક્ત બનાવે છે.  

(3) અન્ના કોમ્યુનિટી રેડિયો સ્ટેશન :

     તામિલનાડુની અન્ના યુનિવર્સિટી ધ્વારા ભારતમાં તા. 02-02-2004 ના રોજ પ્રથમ કેમ્પસ રેડિયોની સ્થાપના કરેલ જે ‘અન્ના એફએમ’ તરીકે ઓળખાય છે કે જે ઘણું જૂનું રેડિયો સ્ટેશન છે અને તેણે દેશમાં બ્રોડકાસ્ટે અંગેનું પ્રથમ લાયસન્સ મેળવેલ હતું. તેના શ્રોતાઓમાં અન્ના યુનિવર્સિટીના 5 થી 10 કિ.મી. વિસ્તારમાં આવેલ નીચલા અને મધ્યમ વર્ગના શહેરીજનોનો સમાવેશ થાય છે. આ રેડિયો સ્ટેશન મહિલાઓના સામાજીક, આર્થિક અને રાજકીય સશક્તિકરણ માટે મહત્વનો ફાળો આપે છે.

(4) પંતનગર જનવાણી કોમ્યુનિટી રેડિયો સ્ટેશન :

     આ કોમ્યુનિટી રેડિયો પણ મહિલાઓને સશક્તિકરણ માટે મદદ કરે છે. આ રેડિયો સ્ટેશનના ઘણા કાર્યક્રમો વિદ્યાર્થીઓ ધ્વારા રચવામાં આવે છે અને અઠવાડિયે એક વાર તેની રજૂઆત થાય છે જેના ધ્વારા સ્થાનિક સમુદાયના સ્થાનિક પ્રશ્નો જેવા કે, કન્યા શિક્ષણ, સ્વચ્છતા, રસીકરણ, મહિલા ઉદ્યોગસાહસ માટેની સરકારની નીતિ વગેરે અંગેની જાણકારી પુરી પાડવામાં આવે છે.

વિકાસમાં મોબાઈલ ટેકનોલૉજીનો ફાળો :

     આઈસીટી ગ્રામ્ય લોકોના આર્થિક તેમજ સામાજીક અને રાજકીય વિકાસમાં વધારો કરવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે અને તેને વિકાસશીલ દેશોમાં સારી તકો પુરી પાડી લોકોના જીવનમાં સુધારણા કરવા માટેનું એક સાધન તરીકે જોવામાં આવે છે. વિકાસ પામતા દેશોમાં મોબાઈલ ફોનનો વપરાશ છેલ્લા દસકામાં ઝડપી ગતિએ નોંધપાત્ર રીતે વધી રહ્યો છે. મોબાઈલ ટેકનોલૉજી મહિલાઓને પોતાનું આરોગ્ય અને સામાજીક આર્થિક સ્થિતિમાં સુધારણા માટેની માહિતી અને શિક્ષણ પૂરૂ પાડવાની અકલ્પનીય તકો પુરી પાડે છે. ભારત વિશ્વમાં તેના વિશાળ જન સમુદાયને લઈ મોબાઈલ ફોનનું દ્વિતીય ક્રમનું બજાર ધરાવે છે. આજે દેશના તમામ ભાગોમાં મોબાઈલનું કવરેજ મળે છે જે લોકોના જીવન અને રોજની દિનચર્યાની મોટો બદલાવ લાવે છે.

     ભૂતકાળમાં થયેલ સંશોધનો જણાવે છે કે ભારતની દરેક મહિલાઓ મોબાઈલનો ઉપયોગ કરે છે, તેના ધ્વારા માહિતી શોધી મેળવી શકે છે, બજારની જાણકારી મેળવી શકે છે અને નાણાકીય સેવાઓ પ્રાપ્ત કરે છે. મોબાઈલ ટેકનોલૉજી ખેડૂત સમાજને પાકના બજારભાવ, હવામાનની આગાહી, બજારની જાણકારી અને રોગો અટકાવવા માટેની બાબતો વગેરેની માહિતી ટેક્ષ્ટ અને વોઈસ મેસેજ મારફતે પુરી પાડે છે જેથી ખેડૂત વધુમાં વધુ કુલ નફો મેળવી શકે છે.  

     મોબાઈલ ફોન અને ટેબલેટસ ધ્વારા વિદ્યાર્થી અને શિક્ષક દુરસ્થ શિક્ષણ વડે ઓનલાઈન અભ્યાસક્રમમાં જોડાઈ શિક્ષણ વડે મેળવી શકે છે. મોબાઈલ ફોન મારફતે વિવિધ પેમેન્ટસ એપનો ઉપયોગ કરી નાના કે મોટા જથ્થામાં નાણાંનું સહેલાઈથી પેમેન્ટ કરવાની સગવડ પ્રાપ્ત થાય છે જે ભારતને ડિજિટલ બનાવે છે. મોબાઈલ ટેકનોલૉજીની મદદ વડે આરોગ્ય ક્ષેત્રનો પણ વિકાસ થયો છે. આપણી સરકારે ગ્રામ્ય મહિલાઓ માટે વિવિધ કાર્યક્રમો મોબાઈલ ફોન ધ્વારા રજૂ કરેલ છે કે જેથી મહિલાઓ પોતાની સ્થાનિક ભાષામાં ટેક્ષ્ટ મેસેજ કે વોઈસ મેઈલ ધ્વારા પોતાના અને કુટુંબના સભ્યોના આરોગ્ય અંગેની કાળજી લઈ શકે.  

     આમ મોબાઈલ ટેકનોલૉજી મહિલાઓને સ્વનિર્ભર અને સ્વાશ્રયી બનવાની સારી તકો પુરી પાડે છે અને વિવિધ ક્ષેત્રોમાં આપણા દેશના આર્થિક વિકાસમાં વધારો કરવામાં મહિલાઓ નોંધપાત્ર ફાળો આપે છે. આઈસીટીના અસરકારક ઉપયોગ વડે મહિલાઓની નેતાગિરિ અને સામુદાયિક તથા આર્થિક વિકાસની ભાગીદારીમાં સુધારો થયો છે. મોબાઈલના ઉપયોગ વડે વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓએ સક્ષમતા પ્રાપ્ત કરી છે.     

એક કેસ સ્ટડી : નબન્ના (NABANNA) – મહિલા સશક્તિકરણની સફળવાર્તા (યુનેસ્કો, 2004)

        આ ભારતમાં મહિલા સશક્તિકરણ માટેની એક સફળવાર્તા છે. નબન્ના ઈન્ડિયા એ એક સફળ પ્રોજેક્ટ છે જે યુનેસ્કો પ્રોજેક્ટ હેઠળ આવે છે. તેને ‘નેટવર્કિંગ રૂરલ વિમેન એન્ડ નોલેજ’ પણ કહે છે. ગરીબ મહિલાઓના લાભાર્થે સ્થાનિક ભાષામાં ડેટાબેઝ, ઈન્ટરનેટ પોર્ટલ અને વેબ આધારિત ભાગીદારી ધ્વારા નવિન ઉપયોગો શોધવામાં આવેલ. સ્થાનિક ભાષાના ઉપયોગ એ ગ્રામ્ય મહિલાઓને સક્ષમ બનાવવા માટે ઘણો અગત્યનો ભાગ ભજવેલ. આ પ્રોજેક્ટ ધ્વારા માહિતીની આપલેનું માળખુ, સંપર્ક માટેની રચના, ઓફલાઈન માહિતીનો પ્રસાર અને પ્રદેશની બહાર આવેલ સંસ્થાઓ સાથે વેબ-આધારિત ભાગીદારી ઉપર ભાર મૂક્વામાં આવેલ. આ પ્રોજેક્ટનો હેતુ બદુરીયા, રૂદ્રપુર, તારાગુનિયા, અરબેલિયા અને પુન્ડા ખાતે આવેલ પાંચ આઈસીટી કેન્દ્રો ધ્વારા સારી સવલતો અને તાલીમ પુરી પાડી મહિલાઓને સ્થાનિક માહિતીના નેટવર્ક ધ્વારા સક્ષમ બનાવવાનો હતો. આ પ્રોજેક્ટ હેઠળ 20 થી 40 વર્ષની વય ધરાવતા 60ના જૂથે આઈસીટીનો ઉપયોગ કરી માહિતી મેળવેલ. નબન્ના નેટવર્ક ધ્વારા મહિલાઓએ જૂથે સ્થાનિક સ્વદેશી માહિતી જૂથ બેઠકો અથવા ન્યુઝલેટર ધ્વારા મેળવી હતી જેવી કે, બદુરિયામાંની મહિલાઓએ આવક આપતી રોજગાર પ્રવૃત્તિઓ, શિક્ષણના ખાસ પ્રોજેક્ટો, સૂક્ષ્મ ધિરાણ અને આરોગ્ય અંગેની માહિતી વગેરે. આઈસીટી ટુલ્સના ઉપયોગ ધ્વારા મેળવેલ આ પ્રોજેક્ટના તારણો અત્રે દર્શાવેલ છે :

(1) મહિલાઓએ આઈસીટી અંગેની કુશળતા પ્રાપ્ત કરી છે કે જેને કોમ્પ્યુટરનો ઉપયોગ કરી સ્થાનિક લોકો પાસેથી માહિતી એકત્રિકરણ કરી તેનો પ્રસાર કરવાની કામગીરી કરે છે અને કુટુંબ તથા સમુદાયના સ્તરે મહિલાઓએ પોતાનું માન વધારેલ છે.

(2) યુવાન મહિલાઓ પોતાની નોકરી મેળવવા માટે સંપર્ક સાધવા વધુ આત્મવિશ્વાસ સાથે સક્ષમ બની છે. આઈસીટીની કુશળતા તેઓને નોકરી શોધવામાં અને આવક વધારવામાં મદદરૂપ થયેલ છે.  

(3) આઈસીટી કાર્યક્રમ શીખ્યા બાદ મહિલાઓ વધુ રચનાત્મક પ્રવૃત્તિ કરતી થઈ છે.

(4) મહિલાઓએ પોતાની આવકમાં વધારો અને સમુદાયમાં મહિલાઓના ઐક્યમાં પણ વધારો પ્રાપ્ત કરેલ છે.  

(5) આઈસીટી એ ઘર, સમુદાય અને બજારમાં મહિલાઓને માહિતી મળવાને કારણે તેઓ વાટાઘાટો અને સોદાબાજી કરવામાં વધુ સક્ષમ બનેલ છે.  

        આમ નબન્ના નેટવર્ક ધ્વારા મહિલાઓ બહેનપણા અને અનુભવમાં વધારો થતાં વધુ સક્ષમ બનેલ છે. જૂથમાં મહિલાઓના બહેનપણાને લીધે તેઓનો અવાજ બુલંદ થતાં સક્ષમતામાં વધારો થયો છે જેને કારણે માતાનું આરોગ્ય, કન્યા શિક્ષણ અને સ્વચ્છતાને પ્રોત્સાહન આપતા સ્થાનિક સરકારી પ્રોજેક્ટના અમલીકરણમાં વેગ આવેલ છે. જો કે નબન્ના પ્રોજેક્ટના માહિતી નેટવર્કમાં વંચિત મહિલાઓનો સમાવેશ કરવામાં આવેલ છે જ્યારે અભણ અને આદિવાસી મહિલાઓને આજે પણ આઈસીટીના ઉપયોગમાં મુશ્કેલી અનુભવે છે.   

ફોન ધ્વારા મહિલાઓનું સશક્તિકરણ :

        ભારતમાં કચ્છ એ મોટામાં મોટો જીલ્લો છે જેના 966 ગામડાઓમાં અંદાજે 20 લાખ લોકો રહે છે જેઓ 70 ટકા સાક્ષરતા ધરાવે છે. કચ્છ જીલ્લાની મહિલાઓ ‘કચ્છ મહિલા વિકાસ સંસ્થાન’ સાથે સને 1989 થી તેની કામગીરી સાથે જોડાયેલ છે. આ એક મહિલાઓનું સંગઠન ધરાવતી સંસ્થા છે જે ચૂંટાયેલ મહિલા પંચાયત સભ્યોથી નોંધણી પામેલ સંસ્થા છે જેમાંની મહિલાઓ રાજકીય રીતે સક્ષમ છે અને તેઓએ ચોવીસ કલાક માટે મોબાઈલ ફોન અને અન્ય સાધનોનો ઉપયોગ કરી મહિલાઓને થતી હિંસા સામે લડત આપવા માટે 300 મહિલા કાનૂની મદદનીશોની રચના કરેલી છે. આથી આપણે કહી શકીએ કે વર્તમાનમાં મોબાઈલ ફોન એ દરેક ગ્રામ્ય સમુદાયને સક્ષમ બનાવેલ છે. ‘હેલ્લો સખી’ એ મોબાઈલ આધારિત કોલ સેન્ટર છે જેમાં સવારે 8 થી 9ના સમય દરમ્યાન મહિલાઓની હિંસા સામેના કેસની નોંધણી કરવામાં આવે છે. આ કાનૂની મદદ અંગેનો કાર્યક્રમ કચ્છ વિકાસ મહિલા સંસ્થાન મહિલા સમુદાયના સભ્યો ધ્વારા ચલાવવામાં આવે છે જેનું ભૂજમાં પોલીસ સ્ટેશન સાથે મજબૂત જોડાણ કરવામાં આવેલ છે. હેલો સખી પાસે બે સ્વયંસેવકો હોય છે જે એક મહિલા ઈન્સ્પેક્ટર સાથે મહિલા પોલીસ સેલની ઓફિસમાંના બે સેલફોન પૈકી એક સ્વયંસેવક સેલફોનને રીસીવ કરે છે અને બીજો સ્વયંસેવક કોલ કરી જરૂરી માહિતી આપે છે. દરેક તાલુકામાં એક મહિલા કાનૂની સલાહકાર હોય છે જે ઝૂંપડપટ્ટી, ગામડાંઓ અને પંચાયતમાં કેટલીક તાલીમ મેળવેલ કાયદાકીય સહાયક મહિલાઓને ટેકો પુરો પાડે છે.  

સારાંશ :        

        ઉપરોક્ત વિગતોને આધારે આપણે કહી શકીએ કે મહિલાઓના સશક્તિકરણમાં આઈસીટી મહત્વનો ફાળો આપે છે. આજકાલ રેડિયો, ટેલીવિઝન, ઈન્ટરનેટ, કોમ્પ્યુટર્સ અને મોબાઈલ ફોન તથા એપ્સ વગેરે આઈસીટી ટુલ્સ મહિલાઓને વિવિધ ક્ષેત્રોમાં સક્ષમતા પુરી પાડે છે. તે શિક્ષણ, રોજગાર, આરોગ્ય વગેરે ક્ષેત્રોમાં લિંગના અપવાદ વિના મહિલાઓના સશક્તિકરણમાં મહત્વનો ભાગ ભજવે છે. ભારતમાં આંતરમાળખાકીય સુવિધા, સામાજીક, મનોવૈજ્ઞાનિક, ભાષા અને સાંસ્કૃતિક વગેરે અડચણોને લઈ મહિલાઓ મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકતી નથી. પરંતુ મોબાઈલ અને અન્ય આઈસીટી ટુલ્સના ઉપયોગ થકી મહિલાઓને વધુ અસરકારક રીતે સક્ષમ બનાવી શકાય છે. મહિલાઓને માહિતી પુરી પાડવા અને જાણકારી માટે મોબાઈલ ફોન એ એક સરળ સાધન છે. વિવિધ કાર્યક્રમો ધ્વારા સરકાર અને સ્વૈચ્છિક સંસ્થાઓ પણ સઘન પ્રયત્નો કરી રહ્યું છે. મહિલાઓ એ સમાજનો એક મહત્વનો ભાગ છે. જો મહિલાઓને સારી રીતે શિક્ષણ આપી સક્ષમ બનાવવામાં આવશે તો તેઓ ભારત દેશને ટકાઉ વિકાસ તરફ દોરી જશે.        


સ્ત્રોત : ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, નવેમ્બર 2018


સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com

www.krushikiran.in

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *