ભારતના આર્થિક વિકાસનું મુખ્ય એન્જીન કૃષિ છે. કૃષિ ક્ષેત્ર ભારત દેશની આર્થિક કરોડરજ્જૂ છે જેના ઉપર મોટા ભાગની વસ્તી આજીવિકા મેળવે છે. ભારતની કૃષિના અગત્યના પાસાં અત્રે દર્શાવેલ છે.
(1) રોજગારીનું સર્જનઃ
કૃષિ ક્ષેત્ર સીધી કે આડકતરી રીતે દેશની 50 ટકાથી વસ્તીને રોજગારી પુરી પાડે છે. તેના ઉપર લાખો નાના અને સીમાંત ખેડૂતો ખેતમજૂરો અને ગ્રામ્ય કારીગરો નભે છે અને તે રીતે ગરીબાઇમાં ઘટાડો કરી વિકાસને વેગ આપે છે.
(2) અન્નની સલામતીઃ
ભારતમાં અન્નની સલામતી પુરી પાડવા માટે કૃષિ ક્ષેત્ર મહત્વનું છે. ભારત દેશમાં વિવિધ ખેત હવામાન વિભાગોમાં ડાંગર, ઘઉં, મિલેટ, કઠોળ, શાકભાજી અને ફળોની વિવિધ જાતોની ખેતી થાય છે. તેના ઉત્પાદન ધ્વારા દેશની નોંધપાત્ર અન્નની જરૂરિયાત સંતોષાય છે અને તેની આયાત ઉપરની નિર્ભરતા ઘટે છે. આમ વધતી જતી વસ્તીને કૃષિ ક્ષેત્ર ખોરાક પુરો પાડે છે.
(3) જીડીપીમાં યોગદાનઃ
કૃષિ ક્ષેત્ર તેના ઉત્પાદન ધ્વારા દેશના જીડીપીમાં અર્થિક રીતે યોગદાન આપે છે. દેશમાંના વિવિધ ઉદ્યોગો જેવા કે ફૂડ પ્રોસેસિંગ, ટેક્ષટાઇલ્સ, ખેત-આધારિત ઉદ્યોગો વગેરે કાચો માલ પુરો પાડી દેશના ઔદ્યોગિક વિકાસ અને નિકાસમાં સહાય કરે છે.
(4) ગ્રામ્ય વિકાસઃ
ભારતમાં ગ્રામ્ય વિકાસમાં કૃષિ નજીકથી જોડાયેલ છે. તે રસ્તા, પિયત, બજાર વગેરે માળખાકીય સવલતો ધ્વારા ગ્રામ્ય વિકાસને ટેકો પુરો પાડે છે. કૃષિમાં કરેલ રોકાણ ગ્રામ્ય વિસ્તારના આર્થિક વિકાસને પ્રોત્સાહન આપે છે, લોકોના જીવનધોરણમાં સુધારો કરે છે, ગ્રામ્ય વસ્તીનું શહેરોમાં થતું સ્થળાંતર અને વિભાગીય અસમાનતામાં ઘટાડો કરે છે.
(5) વિદેશી હૂંડિયામણોનો સ્ત્રોતઃ
વિવિધ દેશોમાં ચોખા, મરીમસાલા, ફળો, શાકભાજી અને દૂધની બનાવટો વગેરેની નિકાસ ભારતના વિદેશી હૂંડિયામણમાં નોંધપાત્ર ફાળો આપે છે. ભારત દેશની કૃષિમાં વિવિધતા અને સેન્દ્રિય ખેતીના સમૃદ્ધ વારસાને કારણે વિશ્વના આર્થિક વિકાસમાં ભારત અગ્રિમ ફાળો આપી શકે છે.
(6) ટકાઉ પર્યાવરણઃ
પર્યાવરણ ટકાઉ બનાવવા માટે કૃષિ ક્ષેત્ર અગત્યનો ભાગ ભજવે છે. સેન્દ્રિય ખેતી, સરક્ષિત કૃષિ અને કૃષિ વનિર્માણ વગેરે. ટકાઉ ખેતી પદ્ધતિઓનો ઉપયોગ જમીનની તંદુરસ્તીને વધારે છે. જૈવ જૈવવૈવિધ્યતાનું સંરક્ષણ કરે છે અને જળ વ્યવસ્થામાં સુધારો કરે છે. ટકાઉ કૃષિ પદ્ધતિઓનો ઉપયોગ હવામાન ફેરફાર સામે ટક્કર જીલે છે અને લાંબા ગાળે આ પદ્ધતિઓથી ફાયદો થાય છે.
(7) સાંસ્કૃતિક વારસોઃ
ભારત દેશના સાંસ્કૃતિક વારસા અને ઓળખ માટે કૃષિ ગાઢ રીતે સંકળાયેલા છે. કૃષિ એક આર્થિક પ્રવૃત્તિ જ નથી પરંતુ જીવન જીવાવાનો એક રસ્તો છે જે પરંપરાગત જ્ઞાન, રીત રીવાજો ધ્વારા પેઢી દર પેઢી જળવાઇ રહેલી સંસ્કૃતિ છે. કૃષિના તહેવારો અને તેની ઉજવણી એ ભારતીય સંસ્કૃતિનો એક ભાગ છે અને તે સમાજ, પ્રકૃતિ અને ખેતી સાથે ગાઢ રીતે સંબંધ ધરાવે છે.
આમ આપણે કહી શકે કે કૃષિ એ ભારત દેશ માટે સામાજીક-આર્થિક બાબતો માટે મહત્વની છે જે રોજગારી, અન્નની સલામતી, આર્થિક વિકાસ, ગ્રામ્ય વિકાસ, ટકાઉ પર્યાવરણ અને સાંસ્કૃતિક વારસામાં ફાળો આપે છે. ભારતના ખેડૂતોને સમૃદ્ધ કરવા અને દેશના સમગ્ર વિકાસ માટે ખેતીને આધુનિક બનાવી, ઉત્પાદક્તા અને બજાર વ્યવસ્થામાં વધારો કરવો જરૂરી છે.
ટેકનોલોજી અપનાવવાના લાભો :
કૃષિમાં ટેકનોલોજી આપનાવવી એટલે આધુનિક ટુલ્સ, ટેકનિકસ અને નવિન તાંત્રિક્તાઓનું ખેતી પદ્ધતિઓમાં સંકલન કરી ઉત્પાદક્તા, કાર્યક્ષમતા અને ટકાઉપણામાં વધારો કરવો. તેમાં ચોક્કસાઇપૂર્વકની ખેતી, બાયોટેકનોલોજી, આઇઓટી (ઇન્ટરનેટ ઓફ થિંગ્ઝ) અને આંકડાકીય વિશ્લેષણ તથા અન્ય બાબતોનો વિશાળ પાયે સમાવેશ થાય છે. આ ટેકનોલોજીના ઉપયોગનો હેતુ પાકની ખેતી અને પશુપાલન વ્યવસ્થામાં વિવિધ સ્ત્રોતોના ઉપયોગ અને બજાર ક્ષેત્રે ક્રાન્તિ લાવવાનો છે. ટેકનોલોજી અપનાવવાથી થતા વિવિધ લાભો અત્રે દર્શાવેલ છે :
(1) કાર્યક્ષમતામાં વધારોઃ
પિયત, રાસાયણિક ખાતરો અને જંતુનાશકો વગેરે વિવિધ ઈનપુટસનો ઉપયોગ કરી ખેતી પ્રકિયાઓની કાર્યક્ષમતામાં વધારો કરી શકાય છે. ચોક્કસાઇપૂર્વકની ખેતીના ટુલ્સ ધ્વારા ખેડૂતો ચોક્સાઇપૂર્વક ક્યા અને ક્યારે ઇનપુટસ વાપરવાં તેની જરૂરિયાત જાણી ઇનપુટસનો બગાડ અટકાવે છે અને તેના ખર્ચમાં ઘટાડો કરે છે.
(2) ઉત્પાદક્તામાં વધારોઃ
ભારતના ખેડૂતો પોતાની જમીનમાં આધુનિક ખેતીની ટેકનોલોજી અપનાવી ખેતીની ઉત્પાદક્તામાં વધારો કરવા સક્ષમ બનાવે છે. ખેડૂતો ખેતીમાં આધુનિક મશીનરી, જનીનિક રીતે રૂપાંતરિત પાકો અને સુધારેલી સંવર્ધન પદ્ધતિઓનો ઉપયોગ કરી ખેતીપાકોને રોગ-જીવાતથી બચાવી અને પ્રતિકુળ હવામાન પરિસ્થિતિમાં પણ ખેતી પાકોની ઉત્પાદકતામાં વધારો કરે છે.
(3) ટકાઉપણુઃ
કૃષિમાં ટેકનોલોજી અપનાવવાને કારણે પર્યાવરણની અસરમાં ઓછામાં ઓછી અસર કરી પાકને રક્ષણ આપે છે. ટેકનોલોજી જેવી કે શૂન્ય ખેડ (ઝીરો ટિલેજ) અપનાવતાં જમીનનું ધોવાણ ઘટે છે. ચોક્કસાઇપૂર્વકની પિયત પદ્ધતિ પાણીનું સંરક્ષણ કરે છે. વધુમાં જનીનિક ઇજનેરી ધ્વાર તૈયાર થતા પાકો ઊંચુ પોષણ મૂલ્ય ધરાવે છે અને રાસાયણિક ઇનપુટસની જરૂરિયાતમાં ઘટાડો કરે છે.
(4) અંક (ડેટા) આધારિત નિર્ણય લેવોઃ
ટેકનોલોજી ધ્વારા ડેટા એકત્ર કરી તેના પૃથક્કરણ ધ્વારા ખેડૂતોને નિર્ણય લેવાની જાણકારી આપવામાં આવે છે. હવામાન, જમીનનું આરોગ્ય, પાકનો વિકાસ, બજારની રૂખ વગેરેની માહિતી ખેડૂતોને આપતાં તેઓ તે પ્રમાણેની વ્યૂહરચના અપનાવી પાકના જોખમો સામે રક્ષણ મેળવે છે અને વધુમાં વધુ વળતર મેળવે છે.
(5) જીવનધોરણમાં સુધારોઃ
ખેતીમાં ટેકનોલોજી અપનાવી ખેડૂતો ખેતીકાર્યો કરવાના કંટાળાજનક શ્રમ (મજૂરી)માં ઘટાડો કરી આવકમાં વધારા ધ્વારા પોતાના જીવનધોરણમાં સુધારો કરે છે. ખેતીમાં યાંત્રિકરણ અને ઓટોમેટેશન ધ્વારા ખેડૂતોને કંટાળાજનક કાર્યોમાં રાહત મળે છે.
(6) વૈશ્વિક અન્ન સલામતીઃ
વિશ્વમાં વધતી જતી વસ્તી અને હવામાન ફેરફારને ધ્યાને લેતાં કૃષિમાં નવીન ટેકનોલોજી અપનાવવાને કારણે વૈશ્વિક રીત અન્નની સલામતીમાં વધારો થયો છે. કૃષિમાં ઉત્પાદક્તામાં સુધારો થતાં અન્નની માંગમાં વધારા સામે રક્ષણ મળેલ છે વૈશ્વિક અન્ન સલામતી અને આર્થિક વિકાસમાં મહત્વનો ફાળો આપે છે.
આમ કૃષિમાં નવીન ટેકનોલોજી અપનાવતાં આ ક્ષેત્રના પડકારોનો સામનો ખેડૂતો કરી શક્યા છે અને ખેડૂતો ઊંચી કાર્યક્ષમતા, ઉત્પાદકતા અને ટકાઉપણા ધ્વારા વિશ્વમાં અન્નની સલામતી અને આર્થિક વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપી શક્યા છે.
ટેકનોલોજી અપનાવવાના પ્રેરક બળોઃ
વિવિધ ખેત-હવામાન વિભાગો પ્રમાણે અવિરતપણો ચાલતા સંશોધનને પરિણામે અનેક સંશોધિત ભલામણો ખેડૂતો માટે કરવામાં આવી છે તેમ છતાં બધી જ ટેકનોલોજી ખેડૂતો અપનાવતા નથી. તેમાંની કેટલીક તાંત્રિક ભલામણો ખેડૂતોને આધુનિક કૃષિ તરફ જવામાં મદદરૂપ થાય છે જે અંગેના કેટલાક પ્રેરકબળોની માહિતી અત્રે દર્શાવેલ છે.
(1) આર્થિક ફાયદોઃ
જે ટેકનોલોજી પાકની ઉત્પાદક્તા, કાર્યક્ષમતા અને નફાકારકતાની ક્ષમતા ધરાવતી હોય તેવી ટેકનોલોજી અપનાવવા માટે ખેડૂતો અભિપ્રેરિત થતા હોય છે. જે ટેકનોલોજીથી ખેતીમાં ઇનપુટસનો ખર્ચ ઘટતો હોય, ઉત્પાદનમાં વધારો થતો હોય અને ઉપલબ્ધ સ્ત્રોતોની વ્યવસ્થામાં સુધારો થતો હોય તો તેવી ટેકનોલોજી ખેડૂતોને આકર્ષિત કરે છે. આમ આર્થિક રીતે થતો ફાયદો ખેડૂતોને નિર્ણય લેવામાં મહત્વનો ફાળો આપે છે.
(2) બજારની માંગઃ
બજારમાં થતો ફેરફાર, ગ્રાહકોની પસંદગી વગેરે પણ ખેડૂતોને ટેકનોલોજી અપનાવવામાં અસર કરે છે. દાખલા તરીકે બજારમાં લોકોની ઓર્ગેનિક પ્રોડક્ટસ માટેની માંગ વધવાં પામી છે તે જોતાં ખેડૂતો ખેતીમાં સેન્દ્રિય ખેતીની પદ્ધતિઓ અપનાવવા તરફ વળતા જાય છે.
(3) મજૂરોની ખેંચઃ
ઘણા ખેતીના પ્રદેશોમા મજૂરીનો ખર્ચ તેમજ મજૂરોની ઉપલબ્ધતા એ એક નોંધપાત્ર પડકાર જનક બાબત છે. કૃષિમાં વરસોવરસ ખેતીકામમાં રોકાયેલ માણસોનો ઘટાડો થાય છે. તેને લીધી મજૂરો ઉપર આધારિત રહેવાને બદલે એવી ટેકનોલોજી વિકસાવવાની જરૂરિયાત છે જેમાં મજૂરોની ઓછી જરૂર પડે. આ માટે અનૈસર્ગિક બુદ્ધિ (Artificial Intelligence-AI) રોબોટિક પદ્ધતિ, આઇઓટી (Internet of Things-IoT), ઓટો વાહનો, અને ડ્રોન વગેરેનો ઉપયોગ કરી મજૂરોની ખેંચ નિવારી શકાય છે. હાલમાં ડ્રોન મારફતે ખેતરોમાં મહિલઓ ધ્વારા જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવે છે.
(4) પર્યાવરણીય ટકાઉપણું :
પાણીનો ઉપયોગ, રાસાયણિક ઇનપુટ અને જમીન ઉપર પર્યાવરણ અસર થાય છે તેને લઇ યોગ્ય ખેતી પદ્ધતિઓની ટેકનોલોજી અપનાવતાં પર્યાવરણમાં ટકાઉપણું આવે છે. ચોક્સાઇપૂર્વકની ખેતી અંગેના સાધનો, સેન્સર આધારિત પિયત પદ્ધતિઓ, પાક નિગાહ પદ્ધતિઓ વગેરેના ઉપયોગ ધ્વારા ખેડૂતો ઉપલબ્ધ સંસાધનોનો ઉપયોગ સારી રીતે કરી શકે છે, તેનો ઓછામાં ઓછો બગાડ થાય છે અને પર્યાવરણમાં તેનાથી થતું પ્રદૂષણ અટકાવે છે.
(5) માહિતીની જાણકારીનો અવકાશ :
ઉપલબ્ધ માહિતી અને આંકડાઓનાં ઉપયોગ ધ્વારા ટેકનોલોજીમાં પરિવર્તન અને સુધારો થયો છે. આજે ખેડૂતો હવામાનના આંકડા, બજાર અને પાક મુજબ ખાસ માર્ગદર્શન અને સલાહ વગેરે માહિતી મોબાઇલ-એપ અને ઓનલાઇન પ્લેટફોર્મ મારફતે સહેલાઇથી મેળવી શકે છે. આમ આ ટેકનોલોજીનો ઉપયોગ કરી ખેડૂતો યોગ્ય નિર્ણય લઇ શકે છે, પાકની આદર્શ વ્યવસ્થા કરી શકે છે અને જોખમો ઘટાડી શકે છે.
(6) સરકારી નીતિઓ અને મદદઃ
સરકાર કૃષિને લગતી સરકારી નીતિઓ, પ્રોત્સાહન અને નાણાકીય કાર્યક્રમો ધ્વારા ખેડૂતો ટેકનોલોજી અપનાવે તે માટે મહત્વનો ફાળો આપે છે. નવી ટેકનોલોજી અપનાપવા માટે સરકાર ખેડૂતોને સબસિડી, નાણાકીય સહાય (ગ્રાન્ટ), ટેક્ષમાં રાહત આપે છે. વધુમાં સરકાર નિયમનો અને પ્રમાણન ધ્વારા ખેડૂતોને ટેકનોલોજી અપનાવા તરફ પ્રેરિત કરે છે તેથી અપનાવવાનો દર વધે છે.
(7) શિક્ષણ અને જાગૃતિઃ
જો ખેડૂતોને ટેકનોલોજીથી થતા લાભો અને ટેકનોલોજી ક્ષમતા બાબતે જાણકારી પુરી પાડવામાં આવે તો ખેડૂતોમાં તે અંગેની જાગૃત્તિ આવે છે અને તેઓ તે ટેકનોલોજી અપનાવતા થાય છે. શૈક્ષણિક કાર્યક્રમો, વર્કશોપ, ક્ષેત્ર નિદર્શનો અને જ્ઞાનનું આદાન-પ્રદાન કરે તેવા પ્લેટફોર્મ મારફતે ખેડૂતો ખેતી અંગેના ચોક્કસ પડકારોને સમજી તે અંગે સુધારેલ ખેતી પદ્ધિતિઓ અનાવતા થાય છે.
(8) સાથ-સહકાર અને નેટવર્કઃ
સંશોધન ટેકનોલોજીનો વિકાસ કરનારા અને ખેડૂતોના સાથ-સહકારથી નવીન શોધો થાય છે અને તે અંગેની ટેકનોલોજીની ખેડૂતો અપનાવે છે. જ્ઞાન, અનુભવ અને ઉત્તમ પદ્ધતિઓની આપલે ભાગીદારી અને નેટવર્કના માધ્યમથી થાય છે. પહેલ કરનાર ખેડૂતોના નિદર્શનો અને સફળવાર્તાઓ ધ્વારા અન્ય ખેડૂતો પ્રભાવિત થતાં તેઓને તેવી ટેકનોલોજી અપનાવવાની પ્રેરણા મળે છે.
(9) આંતરમાળખાકીય વિકાસઃ
કૃષિમાં ટેકનોલોજીને સફળતાપૂર્વક અપનાવવા માટે ઇન્ટરનેટ જોડાણ અને વીજળીનો પૂરવઠો વગેરે જેવી આંતરમાળખાકીય સુવિધાઓ મળી રહે તે ખાસ જરૂરી છે. ગ્રામ્ય ક્ષેત્રે કરેલ આંતરમાળખાકીય રોકાણ ખેડૂતોને આધુનિક ટેકનોલોજી અસરકારક રીતે અપનાવવામાં ઉપયોગી થાય છે.
(10) જોખમ વ્યવસ્થાપનઃ
કૃષિ વ્યવસાયમાં હવામાનમાં પરિવર્તન, રોગ-જીવાતનો ઉપદ્રવ અને બજારની અસ્થિરતા વગેરે જોખમો રહેલા છે. ટેકનોલોજીનો ઉપયોગ આવા જોખમો સામે રક્ષણ પૂરૂ પાડે છે. દાખલા તરીકે હવામાનની આગોતરી જાણકારી માટેની આધુનિક પદ્ધતિ પાક મોડેલના ટુલ્સ અને રીમોટ સેન્સિંગ ટેકનોલોજી વગેરેનો ઉપયોગ ખેડૂતોને જોખમ સામે અસરકારક રીતે રક્ષણ પૂરૂ પાડે છે.
ખેતીમાં ટેકનોલોજી અપનાવવા માટે આર્થિક, સામાજીક, પર્યાવણીય અને નીતિ વિષયક વગેરે પ્રેરકબળોનો સંયુક્ત રીતે ઉપયોગી છે. આમ આવા પ્રેરકબળો ધ્વારા કૃષિમાં નવી ટેકનોલોજીનો વિકાસ કરી તેને અપનાવાતાં ખેડૂતોને અનેકવિધ ફાયદાઓ થશે.
ટેકનોલોજી અપનાવવાનું પ્રોત્સાહન આપવામાં વિસ્તરણ શિક્ષણનો ફાળો :
ટેકનોલોજી અપનાવવી એ એવી પક્રિયા છે કે જેમાં વ્યકિત અથવા સંસ્થા હાલની પદ્ધતિઓને બદલે નવીન પદ્ધતિઓને જાણી તેનો ઉપયોગ કરે છે. તેમાં વિશ્વમાં ટેકનોલોજી અંગેની જાગૃતિ અને તેનો અમલ તથા ઉપયોગનો સમાવેશ થાય છે. ટેકનોલોજી અપનાવવાની પ્રકિયામાં તે અંગેની જાણકારી, રસ પેદા થવો, મૂલ્યાંકન, અજમાયશ અને સ્વિકાર કરવો (અપનાવવું) વગેરે પગથિયાંનો સમાવેશ થાય છે.
વિવિધ ક્ષેત્રોમાં ટેકનોલોજીનો પ્રચાર, પ્રસાર અને પ્રોત્સાહન માટે વિસ્તરણ શિક્ષણ એક નિર્ણાયક ભૂમિકા ભજવે છે જેની માહિતી અત્રે દર્શાવેલ છે :
(1) શિક્ષણ અને જાગૃતતાઃ
વિસ્તરણના નિષ્ણાતો ખેડૂતો, સમાજના સભ્યો, નીતિ ઘડવૈયાઓ વગેરેમાં નવી ટેકનોલોજીની માહિતી અને જ્ઞાનનો પ્રસાર તથા પ્રસાર કરે છે. તેઓ વર્કશોપ, તાલિમો અને નિદર્શનો યોજીને નવીન ટેકનોલોજીના લાભોની માહિતી અને તેના અમલ અંગેનું માર્ગદર્શન પૂરૂ પાડે છે.
(2) ક્ષમતા નિર્માણઃ
વિસ્તરણ સેવાઓ વ્યકિતગત અને નવીન ટેકનોલોજીની સમજ, ઉપયોગ અને અસરકારક અમલ ધ્વારા તેઓમાં ક્ષમતાનું નિર્માણ કરે છે. આ માટે તાંત્રિક મદદ, કૌશલ્ય વિકાસ કાર્યક્રમો અને સલાહકાર સેવાઓ પુરી પાડવામાં આવે છે કે જેથી તેઓમાં નવીન ટેકનોલોજીનું જ્ઞાન અને કુશળતા પેદા થાય.
(3) નિદર્શન અને માન્યતાઃ
વિસ્તરણ કાર્યકરો ખેડૂતોના ખેતરો પર નવીન ટેકનોલોજીના નિદર્શનો યોજી તેનાથી થતા પ્રત્યક્ષ લાભો અંગે ખેડૂતોને જાગૃત કરે છે. નિદર્શનો ધ્વારા ટેકનોલોજીની ઉત્પાદક્તા, નફાકારકતા અને ટકાઉપણા બાબતે ખેડૂતોમાં વિશ્વાસ પેદા કરે છે.
(4) જરૂરિયાત મુજબ ફેરફાર અને અનુકુલનઃ
વિસ્તરણ નિષ્ણાતો ટેકનોલોજીના છેલ્લા વપરાશકર્તાની ખાસ જરૂરિયાત, પસંદગી અને સ્થાનિક પરિસ્થિતિને ધ્યાને રાખી ટેકનોલોજીમાં જરૂર મુજબના ફેરફાર કરે છે. ખેડૂતશાળા અને સહભાગી ગ્રામીણ મૂલ્યાંકન જેવા ભાગીદારી અભિગમો અપનાવી યોગ્ય અને અનુકુળ આવે તેવી ટેકનોલોજીની રચના અને વિકાસ કરે છે.
(5) નેટવર્કિંગ અને સહયોગઃ
ખેડૂતો, સંશોધકો, નીતી ઘડવૈયાઓ, ઔદ્યોગિક ભાગીદારો અને મુળભુત સંસ્થાઓ વગેરેને નેટવર્કિંગ સહયોગ વડે વિસ્તરણ સેવાઓની સવલત પુરી પાડે છે. તે ભાગીદારી અને જ્ઞાનની આપલે ધ્વારા નવીન ટેકનોલોજી અપનાવવા તથા તેના પ્રચાર-પ્રસારમાં મદદ કરે છે.
(6) નિરીક્ષણ અને મૂલ્યાંકનઃ
વિસ્તરણ કાર્યક્રમો જે તે વિસ્તારમાં નવીન ટેકનોલોજીનું નિરીક્ષણ અને મૂલ્યાંકન કરી તે ટેકનોલોજી અપનાવવાને પરિણામે થયેલ અસર, તેની અસરકારકના અને તે વિસ્તારમાં થયેલ સુધારણા દર્શાવે છે. ટેકનોલોજી અંગેના લોકોના પ્રતિસાદ (ફ્રીડબેક), મોજણી અને આંકડાકીય માહિતી એકત્ર કરી ટેકનોલોજી અપનાવવા અંગેના નીતિગત નિર્ણયો લઇ યોગ્ય નીતિ ઘડી શકાય
આમ વિસ્તરણ શિક્ષણ કૃષિમાં નવીન ટેકનોલોજી અપનાવવામાં વિશેષ ફાળો આપે છે.
નીતિ વિષયક ભલામણોઃ
(1) આંતરામાળખાકીય ક્ષેત્રે રોકાણઃ
અંતરિયાળ વિસ્તારોમાં કૃષિની નવીન ટેકનોલોજી ખેડૂતો અપનાવે તે માટે વીજળી, ઇન્ટરનેટ જોડાણ અને વાહનવ્યવહાર માટે રસ્તાઓનું નેટવર્ક વગેરે આંતરમાળખાકીય સુવિધાઓ આપવા માટે સરકારે નાણાકીય રોકાણમાં અગ્રિમતા આપવી જોઇએ.
(2) ક્ષમતા નિર્માણઃ
તાલીમ કાર્યક્રમો, વર્કશોપ અને કૌશલ્ય વિકાસ કાર્યક્રમો વગેરે ધ્વારા કૃષિની નવીન ટેકનોલોજીનો અસરકાર રીતે ઉપયોગ થાય તે માટે ખેડૂતો, વિસ્તરણ કાર્યક્રરો અને અન્ય હિસ્સેદારોમાં ક્ષમતા નિર્માણ થાય તેવા પ્રયાસો હાથ ધરવા જોઇએ.
(3) નાણાંકીય ટેકોઃ
નાના અને સીમાંત ખેડૂતો કૃષિની નવીન ટેકનોલોજી અપનાવે તે માટે તેઓને નાણાકીય પ્રોત્સાહન, સહાય અને ધિરાણની સવલતો પુરી પાડવી જોઇએ.
(4) ડેટાનો અમલ/ઉપયોગઃ
કૃષિને લગતી આંકડાકીય માહિતી(ડેટા) ના એકત્રિકરણ ધ્વારા ખેડૂતના હકોને નુકસાન થાય નહિ અને માહિતીનો દુરૂપયોગ ન થાય તે ધ્યાને લઇ સરકારે ખેડૂતો માટેની નીતિઓ અને નિયમનો ઘડવા જોઇએ.
(5) સહ ભાગીદારીઃ
સરકાર, સંસોધન સંસ્થાઓ, ખાનગી સંસ્થાઓ અને સામાજીક સંસ્થાઓના સહયોગ વડે ભાગીદાર બની વિસ્તારની જરૂરિયાત અને ખેતી પદ્ધતિ મુજબ નવીન ટેકનોલોજીની ઉત્તમ પદ્ધતિઓનો ઉપયોગ થાય તેવા પ્રયત્નો કરવા જોઇએ.
(6) ટકાઉ પદ્ધતિઓમાં વૃદ્ધિઃ
હવામાન ફેરફાર સામે રક્ષણ મળે, કુદરતી સ્ત્રોતોનું સંરક્ષણ થાય અને પર્યાવરણને નુકસાન ન થાય તેવી કૃષિની ટકાઉ પદ્ધતિઓ ખેડૂતો અપનાવે તે માટેની નીતિઓ ઘડવી જોઇએ.
આમ ઉપરોક્ત નીતિઓ ઘડી તેનો અમલ કરવામાં આવે તો વિશ્વમાં અન્ન ક્ષેત્રે સલામતી પુરી પાડી શકાશે અને વૈશ્વિક વિકાસના હેતુઓને પૂર્ણ કરી શકાશે.
સંદર્ભઃ ઇન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, એપ્રિલ-2024
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in

