સશક્તિકરણ – ગ્રામ્ય ખેડૂત મહિલાઓના ઉત્થાન માટેનું એક સાધન (Empowerment – A perspective tool for rural farm women)

        ભારતના કૃષિ અને ગ્રામ્ય અર્થકરણમાં મહિલાઓ નોંધપાત્ર ફાળો આપે છે. વિશ્ર્વના ઘણા ભાગોના પ્રદેશોમાં કૃષિ ક્ષેત્રે મહિલાઓના ફાળાને કારણે આર્થિક અને સામાજીક ફેરફારો થયા છે. ગ્રામ્ય મહિલાઓ પોતાના ઘર અને કુટુબની સંભાળ રાખવાની સાથે પાક ઉત્પાદન, પશુપાલન, પ્રોસેસિંગ, બજાર, ગ્રામોદ્યોગ, બળતણ માટે લાકડુ અને પીવાના પાણી લાવવું વગેરે કાર્યો સાથે પણ સંકળાયેલી છે. ગ્રામ્ય મહિલાઓ દરરોજ સવારે ઉઠે ત્યારથી પાણી, ઘાસચારો, બળતણ લાવવું અને ખોરાક રાંધવો વગેરેની કામો જવાબદારીપૂર્વક કરે છે તે સાથે તેઓ બાળકો અને કુટુંબના સભ્યોની સંભાળ, આરોગ્ય અને શિક્ષણની સાથે વિવિધ પ્રવૃત્તિઓ ધ્વારા રોજગારી પણ મેળવે છે. તે ઘરના કાર્યો કરવાની સાથે ઘર અને પશુ સંપત્તિની દેખરેખ, ખરીદી અને નાણાકીય કામગીરી દૈનિક 14 થી 16 કલાક કરી મોડી રાત્રે સૂએ છે. જો આપણે બાળકોને પશ્ર્ન પૂછીએ કે તારી માતા શું કામ કરે છે તો મોટા ભાગના બાળકે જવાબ આપશે કાંઇ નહિ મહિલાઓની આવી સખત કામગીરીને બિરદાવવામાં આવતી નથી કારણકે તેનું મૂલ્ય નાણાંની રીતે આંકવામાં આવતું નથી. જો તેઓ બિમાર હોય તો પણ તેમની ફરિયાદ ઉપર બેદરકારી દાખવવામાં આવે છે કે પૂરતુ ધ્યાન આપવામાં આવતુ નથી અને પોતાના કુટુંબની ખાતર રોજબરોજની કામગીરી કરવી પડે  છે. તેઓ કુટુંબ ઘરની વ્યવસ્થા સારી રીતે સંભાળે છે તેમ છતાં તેઓ અભણ હોય તે  રીતે તેમની સાથે વર્તન કરવામાં આવે છે. મહિલાઓની કામગીરી પરત્વે ઉપેક્ષા દાખવવામાં આવે છે. વર્તમાન સમયમાં વેઠપ્રથા, માંદગી, નિરક્ષરતા અનાદર, અપમાન વગેરે કારણોસર મહિલાઓ ખરાબ પરિસ્થિતિ ભોગવે છે. મહિલાઓનું પછાતપણું પણ ગરીબાઇ માટે જવાબદાર છે તેમજ અછત અને દુષ્કાળ જેવી આફતની પરિસ્થિતિમાં તેઓને ઘણું ભોગવવું પડે છે. વિશ્વના ત્રીજા ભાગના ગરીબ લોકો ભારતમાં વસે છે. આ ગરીબાઇનું એક મહત્વનું કારણ મહિલાઓમાં સશક્તિકરણનો અભાવ છે તેથી વ્યક્તિગત, ઘર, સમાજ એમ દરેક સ્તરે મહિલાઓનું સશકિતકરણ કરવું જરૂરી છે. મહિલાઓને દેશના વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે સંસાધનો પુરાં પાડી મહિલાઓનું સશક્તિકરણ કરવું જોઇએ.

        સશક્તિકરણ એટલે વ્યક્તિ કે જૂથની ક્ષમતામાં વધારો કરી ઇચ્છિત પસંદગીના કાર્યો કરી અસરકારક વિકાસ સાધવો. પસંદગી માટેની સ્વતંત્રતા ક્ષમતા, સોદાબાજીની શકિત, સ્વમૂલ્યાંકન, ઇચ્છિત ફેરફારો, વ્યક્તિગત માન્યતાઓ, જીવનને નિયંત્રિત કરવું વગેરે મહિલા સશકિતકરણ સાથે જોડાયેલ મહત્વની બાબતો છે. મહિલાઓ ત્યારે જ સશક્ત બને કે જ્યારે તેઓના પોતાના જીવન ઉપર સંપૂર્ણ નિયંત્રણ હોય. મોટે ભાગે મહિલા સશક્તિકરણ પરિમાણોમાં આર્થિક, સામાજીક, સાંસ્કૃતિક, કૌટુંબિક કે આંતરવ્યકિતત્વ, કાયદાકીય, રાજકીય અને મનોવૈજ્ઞાનિક વગેરેનો સમાવેશ થાય છે. આવા પરિમાણોને અનેક બાબતો અસર કરે છે. દા.ત. સામાજીક-સાંસ્કૃતિક પરિમાણમાં લગ્નની પદ્ધતિ, મહિલાઓની શારીરિક ગતિશીલતા, બિન-પરિચિત સામાજીક સમર્થન અને માળખું વગેરે બાબતોનો સમાવેશ થાય છે જે સશક્તિકરણ ઉપર અસર કરે છે. સશક્તિકરણ સાથે સામાજીક મૂડી, સમાજનું માળખું, અસરકારક જીવન જીવવાની માટેની ક્ષમતા અને સમાજના વિકાસમાં પંસદગી વગેરે બાબતો પણ જોડાયેલી છે. મહિલાઓનું આર્થિક સશક્તિકરણ ઉદ્યોગસાહસિક્તા સાથે જોડાયેલ છે જે સામાજીક-આર્થિક તકો, માલ-મિલકતના હક્કો, કૌટુંબિક વિકાસ, બજાર વિકાસ સામાજીક વિકાસ અને છેવટે દેશના વિકાસ ધ્વારા શક્ય બને તેમ છે. માનવોમાં 50 ટકા મહિલાઓ છે. ટકાઉ વિકાસ માટે મહિલાઓ એક ચાવી રૂપ પ્રતિનિધિ છે જેઓને સમાન હકો આપી વિકાસની પ્રકિયામાં વેગ લાવી શકાય તેમ છે. સૂક્ષ્મ ધિરાણ ગરીબાઇને દૂર કરવામાં અને મહિલાઓના સશક્તિકરણ સાથે સીધી રીડે જોડાઇને મહત્વનો ફાળો આપે છે. ગરીબમાં ગરીબ મહિલાઓને તેના ધ્વારા નાણાંકીય સલામતી મળતાં તેઓ ઘર અને સમાજ ક્ષેત્રે વધુ સક્ષમ બની પોતે મેળવેલ આવકનો ઉપયોગ બાળકોના શિક્ષણ, ખોરાક, આરોગ્યની કાળજી અને કપડાંની પાછળ કરે છે. આમ વર્તમાનમાં વિશ્વના વિકાસ માટે મહિલાઓના નોંધપાત્ર ફાળાને અવગણી શકાય નહિ. આજના હરિફાઇના જમાનામાં મહિલાઓને સક્ષમ બનાવી દેશનો ટકાઉ વિકાસ સાધવો જોઇએ. જો મહિલાઓને સશક્ત બનાવવામાં આવશે તો દેશનો ટકાઉ વિકાસ આગળ વધશે. વર્લ્ડ કમિશન ઓન એન્વાયરોનમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ એ જણાવ્યા મુજબ ટકાઉ વિકાસ એટલે ભવિષ્યની પેટીની જરૂરીયાતોને નુકસાન પહોંચાડયા સિવાય વર્તમાન જરૂરીયાતો પુરી પાડીને વિકાસ સાધવો. આમાં વિશ્વની ગરીબ મહિલાઓ માટેની આવશ્યક જરૂરીયાતો ટેકનોલોજી અને સામાજીક સંસ્થાઓ વડે પુરી પાડી તેઓને સક્ષમ બનાવવી જોઇએ.

ખેડૂત મહિલાઓની વિવિધ પ્રવૃત્તિઓમાં સહભાગિતાઃ

        પાક ઉત્પાદન, બાગાયત, કાપણી પછીની ટેકનોલોજી અને ખાસ કરીને પશુપાલન ક્ષેત્રે મહિલાઓનો ફાળો નોંધપાત્ર છે. ખેતી અને પશુપાલન ક્ષેત્રે એક પ્રદેશથી બીજા પ્રદેશમાં અલગ અલગ પ્રકારની ભાગીદારી જોવા મળે છે. તેનો આધાર જે તે વિસ્તારનો ખેત હવામાન વિભાગ, પરિસ્થિતિ, કુટુંબ પદ્ધતિનો પ્રકાર, જાતિ, વર્ગ, સામાજીક અને આર્થિક મોભો વગેરે ઉપર રહેલો છે. સને 1990માં ખેતી ક્ષેત્રે મહિલાઓના ફાળા અંગે ભારત જેવા વિકાસશીલ દેશો અને અવિકસિત દેશોના અભ્યાસમાં જણાયેલ હતું કે કૃષિના ઉત્પાદનમાં મહિલાઓ વધુ ફાળો આપે છે. તે જમીનવિરોણા મહિલા મજૂરોનું મોટું જૂથ છે જે જમીનની માલિકીના હકો ધરાવતું નથી. મહિલાઓ ખેતર, ઘર અને ઘરની બહાર પણ કામ કરતી હોવા છતાં ઘર અને બજાર માટેના આર્થિક નિર્ણયો પુરૂષો ધ્વારા લેવાય છે.

         સને ૨૦૧૧ ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં કૃષક મહિલા મજૂરોની સંખ્યા ૫૫.૨૧ ટકા જ્યારે કૃષક પૂરૂષ મજૂરોની સંખ્યા 18.56 ટકા હતી. સને 2005માં સ્વામિનાથનના જણાવ્યા મુજબ કુલ ગ્રામ્ય મહિલાઓ પૈકી 86 ટકા મહિલાઓ વિવિધ પ્રકારના ખેતી કાર્યો કરે છે. આજે મહિલાઓ ખેડૂતો, સહ-ખેડૂતો, મજૂરો કે વ્યવસ્થાપકો જેવી ખેતીમાં મહત્વની કામગીરી કરે છે. કુલ ગ્રામ્ય મહિલા કામદારો પૈકીના 87 ટકા કામદારો ખેતી અને મજૂરી કરે છે. કુલ મહિલા ખેડૂતોની સંખ્યા 13 ટકા અને કૃષક મહિલા મજૂરોની સંખ્યા 57.8 ટકા છે. ભારતમાં મહિલા મજૂરોની સંખ્યામાં વધારો થયો છે. તેઓ નાના અને સીમાંત ખેતરો અને મોટા ઓદ્યોગિક વાવેતરોમાં રોજગારી મેળવે છે. તેમાંના મોટા ભાગનાને વર્ષમાં છ માસથી ઓછા સમય માટે કામ મળે છે જે કૃષક મહિલા મજૂરોની ખાસ વિશેષતા છે એટલે કે તેઓ સીમાંત કામદાર ગણાય. આમ તેઓને નિયમિત રોજગારી મળતી નથી. તેમાંના મોટે ભાગે જે તે ઋતુમાં કામચલાઉ કે હંગામી ધોરણે રોજગારી મેળવે છે. આથી મોટા ભાગના મહિલા કામદારોને સામાજીક સલામતી અને બેરોજગારીના લાભો મળતા નથી.     

        પશુપાલનમાં પણ મહિલાઓનો નોંધપાત્ર ફાળો હોવા છતાં તેમની નોંધ લેવામાં આવતી નથી. સને 2009માં વૈશ એ કરેલ અભ્યાસ મુજબ દાણનો સંગ્રહ (96.66 ટકા), વાછરડાંને ખવડાવવું 93.33 ટકા પશુઓને પાણી આપવું (90 ટકા), દાણ મિશ્રણ આપવું (86.66 ટકા) અને દાણને પલાળવું (80.66 ટકા), ખાવાવાલાયક ઘાસચારો તૈયાર કરવો (69.33 ટકા), ચારો ચરાવવો (69.33 ટકા), ચારાના કટકા કરવા (66.66 ટકા), ખેતરમાંથી ઘાસચારાની કાપણી કરવી (65.33 ટકા), ખેતરમાંથી કાપેલ ઘાસચારો લઇ જવો (60 ટકા) વગેરે કામગીરી મોટે ભાગે મહિલાઓ કરતી જોવા મળેલ છે. ચયાલ અને સાથીદારોએ સને 2009માં કરેલ અભ્યાસ મુજબ સામાન્ય રોગો અંગે ઓળખ પછી ઘરેલું કાળજી અને સંભાળ (94 ટકા), માંદા પશુઓની કાળજી (90 ટકા), ચેપયુક્ત ભાગોનો નિકાલ (80 ટકા) પશુઓને નવડાવી સ્વચ્છ કરવા (80 ટકા), પરજીવીઓ દૂર કરવા (66.66 ટકા) અને રસીકરણ (66.66 ટકા) વગેરે કામગીરી મોટે ભાગે મહિલાઓ કરતી જોવા મળેલ છે. સને 2009 માં કિસ્તવારીયા અને સાથીદારોએ કરેલ અભ્યાસ મુજબ 70 ટકા મહિલાઓ દૂધ અને દૂધની બનાવટોની કામગીરી ક્ષેત્ર રોકાયેલ છે જ્યારે ખાણદાણની ખરીદી (33.33 ટકા), દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ (28 ટકા), સાધનોની ખરીદી (20 ટકા), સરકારી મંડળીમાં ભાગીદારી (20 ટકા), હિસાબની નોંધ અને જાળવણી (8 ટકા), પશુઓનું ખરીદ-વેચાણ(6.66 ટકા) અને બેંક પ્રક્રિયા (4 ટકા) માં મહિલાઓની કામગીરીની મર્યાદિત અને ઓછી છે. 

        સંશોધન એવું જણાવે છે કે કૃષિ ઉત્પાદનમાં મહિલાઓની ભાગીદારી નકારાત્મક જણાયેલ છે. એટલે કે મહિલાઓની વધુ ભાગીદારી કૃષિ ઉત્પાદનની આવકમાં ઘટાડો કરે છે. શિક્ષણનું સ્તર ઓછું હોઇ તે કામની ભાગીદારીમાં નકારાત્મક અસર પેદા કરે છે એટલે મહિલાઓને શિક્ષણમાં ભાગ લેવા માટે પ્રોત્સહિત કરી તેઓને સક્ષમ બનાવવી જોઇએ.

મહિલા સશક્તિકરણ માટે સ્ત્રી-પુરૂષની સમાનતાનો અભિગમઃ

        સમાજમાં મહિલાઓને પરૂષોની માફક સમાન મોભો આપી તેઓની સેવાઓની કદર કરવી જોઇએ. આ માટે અત્રે દર્શાવેલ પગલાં ભરવાં હિતાવહ છેઃ

(1) આરોગ્યની કાળજી, દરેક સ્તરે સમાન શિક્ષણ, કારકિર્દી માટે ધંધાકીય માર્ગદર્શન, સમાન વેતન, ધંધાકીય સલામતી, સામાજીક સલામતી અને જાહેર કચેરીઓમાં મહિલાઓને પુરૂષોની માફક સમાન તકો મળવી જોઇએ.

(2) કુટુંબની આવકમાં ફાળો, ધિરાણ અને મિલકત અંગેની સવલત પુરી પાડી આર્થિક વિકાસ સાધી મહિલાઓને સક્ષમ બનાવવી જોઇએ. દેશના સામાજીક, રાજકીય અને આર્થિક જીવનમાં ભાગીદાર બનાવવા અને નિર્ણય લેવા માટે પુરષોની માફક મહિલાઓને સમાન તકો પુરી પાડવી જોઇએ.

(3) મહિલાઓને નિર્ણય લેવાની પ્રક્રિયામાં ભાગીદાર બનાવવી જોઇએ અને તેઓની જરૂરીયાતોને જાણી તે મુજબની વ્યૂહરચના અપનાવવી જોઇએ.

ખેડૂત મહિલાઓની મુશ્કેલીઓઃ   

       ખેતીમાં મહિલાઓ પાકની વાવણી અને વાવણી બાદના કાર્યો, પાકની કાપણી અને કાપણી બાદની પ્રકિયાઓ અને તેને સંલગ્ન કાર્યો સાથે સક્રિય રીતે જોડાયેલી હોય છે. ખાસ કરીને પાકની કાપણીના સમયે મહિલાઓ દિવસના સરેરાશ 7 થી 8 કલાક કાપણીના કાર્યમા જોડાયેલી રહે છે તેની સાથે ખોરાક રાંધવો, બાળકોની સંભાળ, સફાઇ વગેરે કામગીરી પણ સંભાળે છે. આમ ખેતીમાં મહિલાઓનો ફાળો પૂરૂષો કરતાં વધુ જોવામાં આવે છે. અંદાજે 82.20 ટકા મહિલાઓ ગ્રામ્ય ક્ષેત્રની ખેતીમાં કાર્યરત છે અન્ન ઉત્પાદનની કામગીરી ક્ષેત્રે 50 ટકા મહિલાઓ જોડાયેલી છે. જે તે વિસ્તારની સામાજીક, સાંસ્કૃતિક અને આર્થિક સ્થિતિ મુજબ મહિલાઓ ઘર અને ખેતરની કામગીરી સંભાળે છે. વર્તમાન સમય ખેતી, પશુપાલન, બાગાયત, કાપણી પછીની વ્યવસ્થા, ખેત અને સામાજીક વનીકરણ, મત્સ્યપાલન વગેરે સંલગ્ન ક્ષેત્રના વિકાસમાં મહિલાઓના નોંધપાત્ર ફાળાની વિગત ધ્યાનમાં લેવાઇ છે. કેટલાક સંશોધકો જણાવ્યા મુજબ ખેતીમાં ભાગીદારી અંગે મહિલાઓ કેટલીક મુશ્કેલીઓનો સામનો કરે છે જેવી કે જમીનની માલિકીના હક્કોમાં અસમાનતા, સંસાધનોની મર્યાદિત પ્રાપ્યતા અને ઉપયોગ, સાધનોની યોગ્ય ટેકનોલોજીની ઉણપ, કૃષિ વિસ્તરણ માટે મર્યાદિત સંપર્કો, ધિરાણની ઉણપ, શિક્ષણનું નીચું સ્તરે વગેરે. સને 2010 માં ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશન (FAO) સંસ્થાના જણાવ્યા મુજબ જો જે વિકાસ પામતા દેશમાં પુરૂષોની માફક મહિલાઓને સંસાધનો પુરાં પાડવામાં આવે તો મહિલાઓ તેમના ખેતરમાંથી મળતા ઉત્પાદનમાં 20 થી 30 ટકા વધોરો કરી શકે. જે વર્તમાન સમયમાં સંસાધનોના ઉપયોગ અંગે સમાન તકો પુરી પાડવાનું દર્શાવે છે. કૃષિમાં ઉત્પાદક્તા અને આર્થિક વિકાસ માટે મહિલાઓને સક્ષમ બનાવી તેઓનો એક માનવ મૂડી તરીકે ઉત્તમ ઉપયોગ કરવો જોઇએ. સને 2004 માં ધી નેશનલ ટાસ્ક ફોર્સ ઓન ટેકનોલોજીકલ એમ્પાવરમેન્ટ એ કૃષિ કામદારોની સામાજીક અને આર્થિક મુશ્કેલીઓ અંગેની માહિતી આપેલ. ગામડાઓમાં કૃષિ કામદોરોનો સમાજમાં ઓછો મોભો અને ગ્રામ્ય વિસ્તારમાં રોજગારીની અપુરતી તકો, ઓછી સલામતી, ઓછુ વેતન, ઓછી આવક અને અપુરતી આર્થિક તકો વગેરે જોવામાં આવેલ. ખેતીમાં પડતી મુખ્ય આર્થિક મુશ્કેલીઓમાં છૂટીછવાઇ જમીનો, ઇનપુટસની ખરીદી માટે મર્યાદિત સંસાધનો, કામના સમયે મજૂરોની અછત, જમીનનું નાનું કદ, પિયતની અપુરતી સવલત, યોગ્ય સમયે ધિરાણની અપ્રાપ્યતા અને મોંઘા ઇનપુટસ વગેરે બાબતોને સમાવેશ થાય છે મહિલાઓ કૃષિની ટેકનોલોજી અપનાવવામાં કેટલીક સામાજીક મુશ્કેલીઓનો સામનો કરે છે જેવી કે જાતિ, રીતરીવાજ, પરંપરાગત અને ધાર્મિક માન્યતાઓ વગેરે. મહિલાઓની અન્ય મુશ્કેલીઓમાં તાંત્રિક જ્ઞાનની અપ્રાપ્યતા, તાંત્રિક કુશળનાનો અભાવ અને વિવિધ ક્ષેત્રના જ્ઞાનનો અભાવ વગેરેનો સમાવેશ થાય છે જે મહિલાઓમાં એક નકારાત્મક વલણ પેદા કરે છે. આપણી પણ કમનસીબ છે કે સદીઓથી અજ્ઞાનતા અને સંકુચિત માનસને કારણે સમાજમાં મહિલાઓ તરફ બેદરકારી દાખવવામાં આવે છે જે તેઓને સમાજના વિકાસમાં સારો ફાળો આપતાં અટકાવે છે.

સારાંશઃ

        ભારતનું અર્થકરણ કૃષિ ઉપર આધારીત છે અને તેની 70 ટકાથી વધુ ગામ્ય વસ્તી ખેતીમાં રોકાયેલી છે. ગ્રામ્ય કક્ષાએ મહિલાઓ ખેતી સાથે સીધી યા આડકતરી રીકે સંકળાયેલી છે. ખેતી અને તેને સંલગ્ન ક્ષેત્રોના વિકાસમાં મહિલાઓ મહત્વનો ફાળો આપે છે. તેથી મહિલાઓને ભારતના આર્થિક વિકાસમાં મહત્વના યોગદાન બદલ બિરદાવવી જોઇએ. સમાજના વિકાસ માટે મહિલાઓને સક્ષમ બનાવવા માટે ખાસ કાર્યક્રમો યોજવા જોઇએ. એક જ સ્થળે પોતાના પશ્ર્નોનું સમાધાન મળે તે માટેનાં પ્રયાસો સરકારે હાથ ધરવા જોઇએ જેવા કે, ખેતીના ઇનપુટસની પ્રાપ્તિ, મફત ખેત સલાહ અને માર્ગદર્શન, ગ્રાહક માટે પ્રોડક્ટ અને સેવા, નાણાકીય સવલત, આરોગ્ય સેવા, શિક્ષણ અને મનોરંજન સેવા વગેરે. મહિલા કામદારો માટે સમાજના લોકોની નકારાત્મક વિચારસરણી બદલાય તે માટેના વ્યક્તિગત કે સરકારી પ્રયાસો હાથ ધરવા જોઇએ.


સ્ત્રોતઃ ઇન્ડિયન ફામર્સ ડાયજેસ્ટ ફેબ્રુઆરી-2018


સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com

www.krushikiran.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *