રાઈસ નોલેજ મેનેજમેન્ટ પોર્ટલ – ડાંગરના ખેડૂતો માટેનું એક મૈત્રીપૂર્ણ પ્લેટફોર્મ (Rice knowledge management portal – A user-friendly platform for rice growers)

        અન્ન એ દરેક વ્યક્તિની મુળભૂત જરૂરિયાત છે જેના વિના કોઈપણ જીવિત રહી શકે નહિ. તંદુરસ્ત કુટુંબ માટેનો પાયો એ રસોડામાં બનતી રસોઈ છે. રસોઈ બનાવવા માટે વપરાતા પદાર્થો એટલે કે અનાજ વગેરેનું ઉત્પાદન ખેતરમાં થાય છે એટલે જ ખેડૂતોએ અન્ન પાકોમાં વધુ ઉત્પાદન મેળવવા માટે આધુનિક ટેકનોલૉજીનો ઉપયોગ કરવો જરૂરી છે કે જે દરેક માનવીની તંદુરસ્તી જાળવવામાં મદદ કરે છે.

        ભારત એ કૃષિપ્રધાન દેશ છે જે વિશ્વમાં કઠોળ, ડાંગર, ઘઉં, મરીમસાલા વગેરેનું ઉત્પાદન આપતો એક મોટો દેશ છે. ડાંગર ભારતના અર્થકરણમાં નોંધપાત્ર ફાળો આપતો પાક છે. ભારતના 70 ટકા લોકો માટે તે મુખ્ય ખોરાક છે. ચીનમાં એક કહેવત છે કે, ‘સૌથી વધુ સાધન સંપન્ન ગૃહિણી ચોખા વિના રસોઈમાં કોઈ ચમત્કાર કરી શક્તી નથી.’ ભારતમાં ડાંગરનું વાર્ષિક ઉત્પાદન અંદાજે 850 થી 900 લાખ ટન અને વપરાશ 850 લાખ ટન થાય છે. તે જોતાં ખેડૂતોએ ડાંગરના ઉત્પાદન સંબંધી વિવિધ બાબતો વિષે જાણવું જોઈએ. ડાંગરની ખેતીની પદ્ધતિઓ, ટેકનોલૉજી અને જ્ઞાન વગેરે અંગે ખેડૂતોમાં જોવા મળતી ગેપ (ખાઈ) માહિતી સંચાર ટેકનોલૉજીના ટુલ્સનો ઉપયોગ કરી ઘટાડી શકાય તેમ છે. આ માટે ‘રાઈસ નોલેજ મેનેજમેન્ટ પોર્ટલ’ નામના ટુલનો ઉપયોગ કરવો જોઈએ કે જે ડાંગરની ખેતી અંગેની વિવિધ પ્રકારની અદ્યતન માહિતી મેળવવાની સવલત પુરી પાડે છે.  

રાઈસ નોલેજ મેનેજમેન્ટ પોર્ટલ (RKMP) :

        આ પોર્ટલનો પ્રારંભ 16-07-2011ના રોજ ઈન્ડિયન કાઉન્સીલ ઑફ એગ્રિકલ્ચરલ રિસર્ચ (ICAR) ના 83મા સ્થાપના દિનના પ્રસંગે કરવામાં આવેલ. જેનો હેતુ વૈજ્ઞાનિક સમુદાય ધ્વારા સીધું જ કૃષિ જ્ઞાન ખેડૂતોને પહોંચાડવાનો હતો. આ એક ચોક્કસ પાક માટેનું પોર્ટલ છે જે ડાંગરની તમામ માહિતી મોબાઈલ ટેલીફોની સહિત આધુનિક ટુલ્સ વડે પુરી પાડે છે. તે કૃષિ વિભાગ ધ્વારા વિસ્તરણ સલાહ સેવાઓ વડે ખેડૂતોને રોજબરોજની પ્રવૃત્તિઓ અંગેની માહિતી અસરકારક રીતે પુરી પાડે છે. આ પોર્ટલ ડાંગરની ખેતી પદ્ધતિ, પિયત પદ્ધતિ, વધુ ઉત્પાદન આપતી જાતો (HYVs) રાસાયણિક ખાતરનો ઉપયોગ, વિસ્તરણ સેવાઓ, સંશોધનો, પાકને લગતા કાર્યક્રમો અને યોજનાઓ વગેરેની જાણકારી પુરી પાડે છે. આ પોર્ટલ ધ્વારા સુધારેલું જ્ઞાન અને કુશળતા મેળવી તેનો ખેતીમાં ઉપયોગ કરી ખેડૂતો ડાંગરમાં વધુ ઉત્પાદન અને ઉત્પાદકતા મેળવી શકે છે.     

પોર્ટલની ખાસ વિશેષતાઓ :  

  • અત્યંત વ્યાપક અને ઉપયોગી છે.
  • મોબાઈલ એપ્લિકેશન રૂપે પણ પ્રાપ્ય છે.
  • વૈજ્ઞાનિકો અને વિસ્તરણ કાર્યકરો માટે ઈ-લર્નિંગ પ્લેટફોર્મ પૂરૂ પાડે છે.
  • ડાંગરના રોગ-જીવાતના નિદાન માટેનું એક ટુલ છે.  

પોર્ટલનું એક વિહંગાવલોકન :

        આ પોર્ટલની જાણકારી ખેડૂત www.rkmp.oo.in ખાતેથી મેળવી શકે છે. તેનું હોમ પેજ 10 જાતના ટેબથી બનેલ છે કે જે વિશાળ પ્રમાણમાં ખેડૂતોને માહિતી પુરી પાડે છે જેની વિગતો અત્રે દર્શાવેલ છે :

(1) હોમ પેજ (Home page) :

        હોમ પેજ તેના વપરાશકારોને મહત્વની જાહેરાતો, યુઝર લૉગઈન, પોર્ટલના કુલ પેજ અને ડાબી બાજુએ મુલાકાતીઓની પ્રોફાઈલ આપેલ છે. તેની જમણી બાજુએ પોર્ટલમાં ક્લાઉડ ટેગ્ઝ, હુઝ ઓનલાઈન, સાઈટ ટ્રાફિક અને કનેક્ટેડ ઓપ્શન્સ આપેલ છે કે જે સોસિયલ નેટવર્કિંગ સાઈટસને જોડે છે. તેની મધ્યમાં આરકેએમપીની ડાંગરની આવક બમણી કરવાની ટેકનોલૉજી, એસટીઆરએએસએ (STRASA), અગ્રહરોળ નિદર્શનો (FLDs)ના વાર્ષિક અહેવાલ, એઆઈસીઆરપી (AICRP) નો પ્રગતિ અહેવાલ વગેરે દર્શાવેલ હોય છે. તેના તળિયે તેની મોબાઈલ એપ અને સંલગ્ન લિન્કો ડાઉનલોડ કરવા માટે પ્રાપ્ય હોય છે.

(2) સંશોધન ક્ષેત્ર (Research domain) :

        વપરાશકાર આ ડોમેઈનમાંથી ડાંગરને લગતી આંકડાકીય માહિતીનો ભંડાર, સંશોધન, જાતો, માર્ગદર્શન, ડિઝાઈનર રાઈસ, એઆઈસીઆરપી ઈન્ટ્રાનેટ, બાયોઈન્ફોર્મેટિક્સ ટુલ્સ, ચોખા નિષ્ણાતોની ડીરેક્ટરી, ટુલ્સ અને ટેક્નિક્સ, ઈ-બુક, ઈ-મેન્યુઅલ્સ, રાજ્ય દીઠ ડાંગર, સંશોધનના હેતુઓ, ભારતમાં ચોખા સંશોધનની માહિતી, ચોખા સુધારણાનો ઈતિહાસ અને એઆરજીએમ (ARGM) વગેરે માહિતી મેળવી શકે છે.

(3) વિસ્તરણ ક્ષેત્ર (Extension domain) :

        આ ડોમેઈન વપરાશકારને ડાંગરના ઉત્પાદનની પદ્ધતિ, નક્શાઓ, નીંદણ વ્યવસ્થાપન, નીંદણ અંગેનું પરંપરાગત તાંત્રિક જ્ઞાન, ખેતી પદ્ધતિનું પેકેજ, સરકારી યોજનાઓ, નિદાનના સાધનો, અગ્રહરોળ નિદર્શનો, ખેડૂતોએ કરેલ નવિનીકરણ, ડિજિટલ ફોટો લાયબ્રેરી, ઈ-બુક, ઈ-મેન્યુઅલ્સ, રાજ્ય દીઠ કન્ટીજન્સી પ્લાન, ડાંગર અંગે નિષ્ણાતોના જવાબો, વિસ્તરણ પદ્ધતિઓ, વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો (FAQs), માસ દીઠ સંરક્ષણના ઉપાયો, ખાતર, હવામાન વગેરે માહિતી આપે છે. તે ઓડિયો અને વીડિયો ગેલેરી તેમજ યુટ્યુબ સાથે લિન્ક ધરાવે છે.   

(4) ખેડૂત લક્ષી (Farmers domain) :

                આ ડોમેઈનમા ઉત્પાદન અંગેની જાણકારી, ખેતી પદ્ધતિનું પેકેજ, સરકારી યોજનાઓ, ખેડૂતોનું નવિનીકરણ (શોધ), ડાંગર અંગે નિષ્ણાતોના જવાબો, ડિજિટલ ફોટો લાયબ્રેરી અને નીંદણ વ્યવસ્થાપન વગેરે પેટા વિભાગો ધરાવે છે. તેની ગેલેરીમાં ઓડિયો અને વીડિયો પણ મૂકેલા હોય છે.  

(5) સેવા ક્ષેત્ર (Service domain) :

                આ ડોમેઈન વેપારની જાણકારી, હવામાનની માહિતી, કન્ટીજન્સી પ્લાન, બજાર(મંડી)ના ભાવો, ભલામણ કરેલ પાકની જાતો, નજીકમાં આવેલ સંશોધન કે વિસ્તરણની કચેરીઓ, ડીલરો વગેરે પેટા વિભાગો ધરાવે છે.     

(6) સામાન્ય માહિતી (General domain) :

                આ ડોમેઈન પેટાવિભાગો ધ્વારા ડાંગરનો ઈતિહાસ અને ઉત્ક્રાંતિ, માનવપોષણમાં ચોખા, ચોખાના સ્ત્રોતો, બિયારણની પ્રાપ્યતા, ભારતીય સંસ્કૃતિમાં ચોખા, ચોખાની વિવિધ બનાવટો, ફીડ એકત્રિકરણ સેવા, રિકિપેડિયા, ચોખા અંગેની હકીકતો, સમાચારો અને બનાવો, પ્રવાસ અને વપરાશકારોનો સર્વે (મોજણી) વગેરે માહિતી ધરાવે છે.  

(7) આંકડાકીય માહિતી (The Rice Stats) :

            આ ડોમેઈનમાંથી ચોખાનું પંચાંગ (Rice Almanac), રાજ્ય દીઠ ચોખાની આંકડાકીય માહિતી અને જીઆઈએસ નક્શા મેળવી શકાય છે.

(8) ઈ-લર્નિંગ (The e-learning domain) :

                વિવિધ પ્રકારના ઈ-લર્નિંગ અભ્યાસક્રમો ધ્વારા વપરાશકારોને અભ્યાસની તકો પુરી પાડે છે. આવા અભ્યાસક્રમોમાં ભારતમાં ડાંગરનું સંશોધન, સંકર ચોખા (હાઈબ્રિડ રાઈસ), ઈ-લર્નિંગ ઈન એગ્રિકલ્ચર, વીડ મેનેજમેન્ટ ઈન રાઈસ વગેરેનો સમાવેશ થાય છે.   

(9) આરકેએમપી વિષે (About RKMP) :

                આ ડોમેઈનમાં આરકેએમપીની માહિતી તેમજ વિવિધ સંલગ્ન એજન્સીઓ જેવી કે, ICC, NAIP-ICAR, CRRI, IARI અને ICRISAT વગેરેની માહિતી આપેલ છે તે ઉપરાંત ICAR, NAIP ડાયરેક્ટોરેટ ઑફ રાઈસ રિસર્ચ અને રિકિપેડિયા વગેરે અન્ય લિન્કો પણ પ્રાપ્ય છે.

(10) સંપર્ક ક્ષેત્ર (The contact us tab) :   

            આ વિભાગમાં મુખ્ય વૈજ્ઞાનિક અને કો-ઓર્ડિનેટર, આરકેએમપીના ડાયરેક્ટર, આઈઆઈઆરઆર (IIRR) વગેરેના નામ, ટેલિફોન નંબર, ફેક્સ અને ઈમેઈલ આઈડીની માહિતી આપેલી હોય છે. તેનો ઉપયોગ કરી વપરાશકાર પોતાને મૂંઝવતા પ્રશ્નો પૂછી તેનો ઉકેલ પ્રાપ્ત કરી શકે છે.  

        આમ આરકેએમપી એ વધુ ક્રિયાપ્રતિક્રિયાશીલ અને મૈત્રીપૂર્ણ પોર્ટલ છે. અન્ય આઈસીટી એપ્લિકેશનો કરતાં તે તેના કવરેજને કારણે અલગ પડે છે. તેમાં આપેલ ઈમેજ આધારિત ટુલને કારણે કોઈપણ સામાન્ય વ્યક્તિ રોગ કે જીવાતને ઓળખી તે માટેના ઉકેલ નિષ્ણાત પાસેથી મેળવી શકે છે.


સ્ત્રોત : ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, નવેમ્બર 2018


સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com

www.krushikiran.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *