તુવેર – એક બહુવિધ ઉપયોગી કઠોળપાક (Pigeonpea – A pulse crop with multiple uses)

        તુવેરને ઉત્તર ભારતમાં ‘અરહર’ અને દક્ષિણ તથા મધ્ય ભારતમાં ‘તુર’ તરીકે ઓળખવામાં આવે છે. તેનું મુખ્યત્વે દાણા માટે વાવેતર કરવામાં આવે છે. તેના દાણા મુખ્યત્વે દાળ તરીકે વપરાશમાં લેવામાં આવે છે. સને 2016-17માં અંદાજે 28.9 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર કરવામાં આવેલ અને તેમાંથી 22.1 લાખ ટન ઉત્પાદન પ્રાપ્ત થયેલ. તે ચણા પછીનો બીજો વધુ મહત્વનો કઠોળપાક છે. તેનું વાવેતર મુખ્યત્વે મહારાષ્ટ્ર, કર્ણાટક, તામિલનાડુ, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ અને ઉત્તર પૂર્વના ભાગોમાં થાય છે. તેનું વર્ષાયુ પાક તરીકે વાવેતર થાય છે પરંતુ ઘણા વર્ષોથી તેનું કાયમી વાવેતર કરવામાં આવે છે. તેના દાણા ઉપરાંત પણ છોડના વિવિધ ભાગો ઉપયોગી છે જે અંગેની માહિતી અત્રે દર્શાવેલ છે :

(1) માનવ આહાર :   

તેના સૂકવેલ બીજ ઉપરનું છોતરૂ કાઢી લીધા બાદ દાળ તરીકે વપરાશમાં લેવાય છે અથવા આખા બીજ ધાન્ય આધારિત આહારમાં પૂરક તરીકે વપરાય છે. ઉત્તર ભારતમાં આંતરે દિવસે તુવેરની દાળ આહાર તરીકે લેવામાં આવે છે. શાકાહારી વસ્તી માટે તુવેર એ પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટસનો ઉત્તમ સ્ત્રોત છે. તેના સૂકા બીજ 20 થી 22 ટકા પ્રોટીન અને મીથિયોનાઈન, લાયસીન અને ટ્રીપ્ટોફેન નામના આવશ્યક એમિનો એસિડ યોગ્ય પ્રમાણમાં ધરાવે છે. ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યમાં તેની લીલી શીંગો (અપક્વ)ના દાણા શાકભાજી તરીકે વપરાય છે. તેની કુમળી શીંગો બીજનો વિકાસ થાય તે પહેલાં ઉતારીને રાંધીને ખાવામાં આવે છે. તેના દાણાંમાંથી લોટ બનાવી તેનો મોટા પ્રમાણમાં આહારની બનાવટો બનાવવા માટે ઉપયોગ થાય છે. તુવેરનો લોટ સ્નેક્સ એટલે કે નાસ્તાની બનાવટોના ઉદ્યોગમાં પાસ્તા તૈયાર કરવા માટે વપરાય છે.

(2) પશુ આહાર :  

        પશુઓ માટે તુવેર એ ચારાનો સારો સ્ત્રોત છે. તેના પાન અને યુવા શીંગો પશુઓને ખવડાવી શકાય છે. દાળ મિલમાંથી મળતી આડપેદાશ જેવી કે બીજ ઉપરના છોતરાં, ભાંગેલ દાણા અને પાઉડરનો ઉપયોગ મરઘાં અને ભૂંડના કિંમતી આહાર તરીકે થાય છે. બ્રોઈલર્સને આહારમાં પ્રોટીનના સ્ત્રોત તરીકે તુવેરનાં પાન આપવામાં આવે છે. જે વિસ્તારમાં રજકો ઉગાડી શકાતો ન હોય અને વાગોળનારા પશુઓના આહાર માટે ઉપલબ્ધ ન હોય ત્યાં તેની અવેજીમાં તુવેરનો ઉપયોગ કરી શકાય છે.   

(3) બળતણ :

        તુવેરને જો વાવેતર બાદ છોડી દેવામાં આવે તો તે કેટલાક વર્ષ સુધી પાક રહે છે. તે અતિ સખત પાક છે અને તે મજબૂત તથા કાષ્ઠીય છે. તેનું થડ અને શાખાઓ શીંગોને ઉતારી લીધા બાદ ગામડાઓમાં બળતણ માટે વપરાય છે. એક હેક્ટર વિસ્તારમાંથી અંદાજે 9 થી 10 ટન જેટલું બળતણ લાકડું મળે છે.  

(4) કીટકોની પ્રવૃત્તિઓ :

  (ક) તુવેરના ફૂલો વધુ આકર્ષક અને પીળા રંગના તથા પાંદડીઓ ઉપર લાલ કે ગુલાબી રંગની રેખાઓ હોય છે. તેના ફૂલો કીટકો, મધમાખી અને પતંગિયાંને આકર્ષે છે અને ફૂલો આવવાના તબક્કા દરમ્યાન કીટકોની પ્રવૃત્તિઓ વધુ જોવા મળે છે.

  (ખ) તુવેર એ લાખની જીવાતની વૃદ્ધિ માટે સારો સ્ત્રોત છે. ભારતમાં પ્રાચીન સમયથી લાખની જીવાતના    ઉછેર માટે યજમાન છોડ તરીકે તુવેરનો ઉપયોગ થતો હતો. પશ્ચિમ બંગાળ અને આસામમાં તુવેરના છોડ ઉપર લાખની જીવાત ઉછેરવામાં આવે છે. બે વર્ષનો   છોડ થયા બાદ લાખ બાઝે છે. દરેક છોડ ઉપરથી 1.5 થી 2.5 કિ.ગ્રા. લાખ મળે છે.

  (ગ) જો ફૂલો આવવાના   સમયે તુવેરના ખેતરમાં મધમાખીની કોલોનીઓ રાખવામાં આવે તો મધમાખીઓ વિશિષ્ટ લીલા રંગનું મધ  પેદા કરે છે. તેથી મધુપાલકો તુવેરનું વાવેતર કરે છે.

  (ઘ) વેસ્ટ ઈન્ડીઝ અને અમેરિકામાં રેશમ ઉછેર માટે તુવેરને ઉછેરી તેનાં પાન કીડાઓને ખાવા માટે આપવામાં આવે છે.

(5) કૃષિ સંબંધિત હેતુઓ :    

        તુવેરનું વાવેતર મુખ્યત્વે દાણા માટે થાય છે કે જે માનવ માટે દાળ તરીકે વપરાશમાં લેવામાં આવે છે. જે વિસ્તારમાં પાણીની અછતને કારણે ડાંગરનો પાક ન લઈ શકાતો હોય ત્યાં સફળતાપૂર્વક તુવેરનો પાક લઈ શકાય છે તે ગલી પાક (એલે ક્રોપ), પવન અવરોધક પાક અને જમીન ધોવાણ અટકાવવા માટે કવર પાક તરીકે અને જમીનની ફળદ્રુપતામાં સુધારો કરવા માટે લીલા પડવાશના પાક તરીકે લઈ શકાય છે.  

(6) ઔષધિય ગુણો :    

        તુવેર કજાનિન (Cajanin) અને કોનકજાનિન (Concajanin) એમ બે પ્રકારના મહત્વના ગ્લોબ્યુલિન્સ ધરાવે છે. તુવેરનો ઉપયોગ ડાયાબીટીસ, હીપેટાઈટિસ, ઓરી, કમળો, મરડો, ગોનોરિયા, દાઝવું, આંખમાં ચેપ, કાનનો દુઃખાવો, ગલદાહ, પેઢામાં દુઃખાવો, દાંતનો દુઃખાવો, પાંડુરોગ, આંતરડાંમાંના કૃમિ, ચક્કર આવવા, વાઈ અને કુમળું થડ પથરી વગેરેની સારવારમાં તેનો ઉપયોગ થાય છે. ભારતના કેટલાક રાજ્યોમાં તેનાં પાન, બીજ અને મોઢાના ચાંદા માટે અને ટુથબ્રશ તરીકે પણ વપરાય છે. રાજસ્થાનના કેટલાંક ભાગમાં તેનો તાજો રસ અથવા પાનનો ઉકાળો નશાની અસર નાબૂદ કરવા મોં વાટે રેચક તરીકે આપવામાં આવે છે.

તુવેરના ઔષધિય ગુણો :

(1) તુવેર સાધારણ :  તે કિંચિત્ મધુર, વાતુલ, તૂરી, ગુરૂ, ટૂચિકર, ગ્રાહક, રૂક્ષ, વર્ણકર તથા શીતળ છે અને કફ, પિત્તજવર, વિષ, રક્તદોષ, ગુલ્મ, વાયુ તથા અર્શનો નાશ કરે છે.  

(2) તુવેરની દાળ :  તે પથ્યકર તથા કિંચિત વાતુલ છે અને કૃમિ તેમજ ત્રિદોષનો નાશ કરે છે.  

(3) ધોળી તુવેર :  તે ગુરૂ છે અને વાયુ, પિત્ત, અમ્લપિત્ત અને આધ્માન કરનારી છે. તે ગ્રાહક અને પથ્યકર છે. 

(4) રાતી તુવેર :  તે રૂચિકાર, બલકર, પથ્ય તથા જવરનાશક છે અને પિત્ત-સંતાપાદિ અનેક રોગોનો નાશ કરે છે.

(5) કાળી તુવેર :  તે બલકર તથા અગ્નિદીપક છે અને પિત્ત તથા દાહનો નાશ કરે છે.  

તુવેરના ઔષધિય ઉપયોગો :

(1) ભાંગ ઉતારવા :  તુવેરની દાળ વાટીને પાવી.

(2) ખસ :  તુવેરની દાળ અથવા પાંદડાં બાળી દહીંમાં ખરલ કરી ચોપડવાં.

(3) નાડીવ્રણ :  ધોળી તુવેરનાં પાંદડાંનો અંગરસ પાશેર કાઢી તેમાં ગાયનું ઘી 21 વાર ધોયેલું મેળવવું. પછી તેનો વર્ણ ઉપર લેપ કરવો અથવા પાંદડાં બાળી તે ઘીમાં ખરલ કરી ચોપડવાં.

(4) દંતરોગ : તુવેરની સુકાયેલી ભાજી અથવા તુવેરની દાળ, કાંટાશેરીયાંના મૂળ, ભિલામો, એકત્ર કરી કઢાઈમાં નાખી તપી ગયા બાદ અંદર અંગારા નાખી કોલસા થવા જોગ ઔષધો બળે એટલે ઉપર ઢાંકણ ઢાંકવું અને અંદર મીઠું નાખી વાટી તે મસી રોજ દાંતે ચોપડી દાંત ઘસવા.  

(5) ભ્રમ અને મૂર્છા : તુવેરની દાળ ઘસી તેનું અંજન કરવું.

(6) આધાશીશી : તુવેરનાં પાંદડાં અને ધ્રોનો રસ એકત્ર કરી તેનું નસ્ય આપવું.   

(7) મુખપાક : તુવેરનાં પાંદડાં અડધો તોલો તમાકુની પેઠે વારંવાર ચાવી મોઢામાં રાખવાં અને લાળ થૂંકી નાખવી.  

(8) રક્તપિત્ત :   તુવેરનાં પાંદડાંનો રસ 1 તોલો અને ઘી 3 તોલા એકત્ર કરી પાવું એટલે નાક અને મોં માંથી લોહી પડતું બંધ થાય છે.  

(9) સર્પનું વિષ :  તૂવેરનાં મૂળ ચાવી ખાવાં.    

(7) જૈવિક નાઈટ્રોજન સ્થાપન :  

               તુવેરના મૂળ ઉપર સહજીવી જીવન જીવતા રાઈઝોબિયમ બેક્ટેરીયા ગાંઠો બનાવે છે. આ બેક્ટેરીયા હવામાંના નાઈટ્રોજનનું સ્થિરીકરણ કરી છોડને પુરો પાડે છે અને જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે. એક અંદાજ મુજબ પાકની ઋતુ દરમ્યાન હવામાંથી 70 કિ.ગ્રા. નાઈટ્રોજનનું સ્થિરીકરણ કરે છે અને તેની અવશેષ અસર હેક્ટર દીઠ 40 કિ.ગ્રા. નાઈટ્રોજન જેટલી રહે છે.

(8) જમીનની રચનામાં સુધારો :

        અન્ય કઠોળપાકની સરખામણીએ તુવેર એ ઊંડુ મૂળતંત્ર ધરાવે છે. જમીનમાં મૂળ ઊંડે સુધી જઈ પોષકતત્વો અને ભેજને ખેંચે છે. મૂળની સાથે વરસાદથી પડતું પાણી પણ જમીનમાં ઊંડે સુધી જાય છે. તુવેરનું ઊંડું મૂળતંત્ર જમીનમાં હવાની અવરજવરમાં સુધારો કરવામાં મદદ કરે છે.

(9) જમીનમાં બંધાયેલ ફોસ્ફરસને છૂટો કરવો :

        તુવેર એ કાળી જમીન (વર્ટિસોલ પ્રકાર) માં બંધાયેલ ફોસ્ફરસને ખાસ પદ્ધતિ વડે છૂટો પાડે છે. તુવેરના મૂળ એસ્પીસિડિક એસિડનો સ્ત્રાવ કરે છે જે બંધાયેલ ફોસ્ફરસને છૂટો પાડે છે અને તુવેરના છોડને માટે લભ્ય બનાવે છે તેમજ ત્યારબાદ લેવામાં આવતા પાકને ફોસ્ફરસની જરૂરિયાત પુરી પાડે છે.


સ્ત્રોત :  (1) ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, નવેમ્બર 2021, (2) વનસ્પતિસૃષ્ટિ લે. ગો.ખી.બાંભડાઈ, (3) આર્યભિષક લે. આયુર્વેદ શાસ્ત્રી શંકર દાજીપદે


સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com

www.krushikiran.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *